વર્ષા ઋતુમાં શું ખાવું – શું ના ખાવું ?

જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ૫ચ માસમાં વરસાદ ચાલુ હોઈ આ દરમિયાન ખાવાપીવામાં ફેરફાર ના કરવામાં આવે તો વાયુ અને પિત્તના રોગો થવાની સંભાવના વધી જાય છે. આગલા ૩ માસમાં વાયુના, તો પાછલા બે માસમાં પિત્તના રોગો થાય છે. આ ઋતુમાં વાયુ વધતો હોવાથી તેને ઘટાડવા ખાટો અને ખારો રસ છૂટથી ખાવો જોઈએ. સિંધવ મીઠું, લીંબુ, આમલી, આમળાં, ટામેટાં, છાસ, અથાણાં, ચટણી વગેરે જરૂરી માત્રામાં ખાઈ શકાય. મધુર આહાર પણ વાયુનો નાશ કરે છે તેથી ગોળ, ઘી, ઘઉં, ચોખા, તલ, તલતેલ, કેળાં, સુકો મેવો, મીઠાઈઓ માફક આવે અને પચે એ રીતે ખાઈ શકાય… ચોમાસામાં ભેજને કારણે અને વાયુ વધી જવાથી મોટે ભાગે જઠરાગ્નિ મંદ પડી જતો હોય છે. જેથી ખોરાક ગરમ ગરમ અને હળવો લેવો. રાંધેલું જ ખાવું તથા બહુ ઠાંસીઠાંસીને જમવું નહિ…. વાયુનો ગુણ (સ્વભાવ) રુક્ષ, લઘુ, શીત હોવાથી તેનાથી વિરુદ્ધ ગુણવાળો એટલે સ્નિગ્ધ-તેલવાળો, ભારે તથા ગરમ ખોરાક સારો… તલનું કે સરસવનું તેલ, ઘી, ઘઉં, દ્રાક્ષ, ગોળ સારાં… વર્ષા ઋતુમાં વરસાદ પડવાથી તથા આકાશમાં વાદળાં ઘેરાયેલાં હોવાથી લીલા શાકો સુર્યપ્રકાશ ઓછો મળવાના કારણે પિત્ત કરનારાં અને પચવામાં ભારે બની જાય છે. તેમાંય ભાજી અને મૂળા તો ક્યારેય ના ખવાય. ચણાની બનાવટો વાયુ કારક હોવાથી ચણા, દાળિયા, ગાંઠિયા, ભજિયાંથી દુર રહેવું. વરસાદ પડે અને ફેસબુક ઉપર દાલવડાના ફોટા જોઈ ખાવા દોડી જવું બહુ સારું નહીં….બે મિનિટ ચટણીના લીધે મજા આવે પણ પાછળથી વાયુ પુષ્કળ વધારે… આ ઋતુમાં મગફળી નવી નવી આવે છે પણ તે પચવામાં ભારે, અગ્નિ મંદ કરનારી અને ચામડીના રોગો કરનારી હોવાથી બહુ ખાવી નહીં… કાકડી આ ઋતુમાં ટ્રેક્ટર ભરીભરીને માર્કેટમાં અને હોટલોમાં સલાડમાં પીરસાય છે પણ નવા પાણીમાં પેદા થયેલી કાકડી ભાદરવામાં પિત્ત વધારી તાવ લાવે છે. બીજો નંબર ફરાળી. પબ્લિકનાં વ્હાલાં કેળાં….પાકાં હોય તો એકાદ બે સવારે ખાવા બાકી નહીં… હવે વારો છે મૂળાનો ..કુમળા તાજા ખાઈ શકાય, બાકી ઘરડા મૂળા તાવ લાવ્યા વગર રેશે નહીં…તેનાથી તો નસકોરી ફૂટવી, એસીડીટી થવી વગેરે પણ થઇ શકે છે… રથયાત્રાની મોસમમાં જાંબુ કેમ ભૂલાય ?! આ ફળો તુરાં, રુક્ષ, અને મળને રોકી રાખનારાં-કબજિયાત કરનારાં છે. તેને વધુ માત્રામાં ખાવાથી કબજિયાત, આફરો, આંચકી તથા સ્વાદનું જ્ઞાન ના થાય તેવા રોગો થઇ શકે છે. બાળકોને ખાસ લિમિટમાં આપવાં… બધુંય ના ના ના….તો પાર્ટી ખાવાનું શું ?! લ્યો, લીસ્ટ લાંબુ છે : ઘઉં, ચોખા, અડદ, તલતેલ, આદુ, લસણ, મેથી, રાઈ, અજમો, કઢી, કાળી દ્રાક્ષ, ખાટાં ફળો, ઘી, દૂધ, માખણ, દીવેલ, ડુંગળી, છાસ, ગોળ, ખાંડ, સુકો મેવો, દહીં, પરવળ, પાપડ, મગ, મરી, મરચાં, લવિંગ, મીઠાઈઓ, મેથીની ભાજી (તલતેલમાં), રીંગણ, લીંબુ, સફરજન, સૂરણ, સરગવો, સુવા, હળદર વગેરે વગેરે પાચન શક્તિ મુજબ લેવાં… આ ઋતુમાં નવું પાણી દુષિત હોવાથી તથા પાચનશક્તિ મંદ હોવાથી તાવ, ઝાડા, મરડો, પેટના રોગો વગેરે થઇ શકે છે. જેથી કાચું પાણી ન પીવું, અર્ધુ બાળેલું અને સુંઠના ટુકડા નાખી ઉકાળેલું પાણી જ પીવું. ઠંડા કે બરફવાળાં પીણાં, ફ્રીજનું પાણી ના પીવું… સરબતો પીવાના બહુ શોખો ઉપડે તો લીંબુ સરબત, આદુનો રસ, સિંધવ, મધ, ધાણાજીરું, મરી નાખેલી લસ્સી, આદુ-આમળાં કે કોકમનું સરબત પીવું. એ.સી. કુલર બંધ, સ્વિમીંગ ના કરવું…માલીશ-શેક કરાવવાં, ગરમ પાણીથી નાહવું.. ઘરમાં ગુગળ કે લીમડાનો ધૂપ કરવો, ગાય ના ઘીનો દીવો કરવો, બહુ ઉપવાસ ના કરવા. અને છેલ્લે ખાખરા ઘી ચોપડેલા ખાવા…..

‘આયુર્વેદ પરિવાર’

હજારો વરસ પૂર્વે માનવજીવનને રોગમુક્ત રાખવા માટે “રોગ આવે જ નહીં” એ માટેના ઉપાય સૂચવતી દિનચર્યા, ઋતુચર્યા અને જીવનચર્યા જેણે ચીંધીને માનવીને ‘સહજ શતાયુ’ થવાના માર્ગો બતાવ્યા હતા તે આયુર્વેદને આપણે ભૂલી રહ્યાં છીએ !

આપણી જીવનશૈલી, આપણા આહાર, આપણા વિહાર અને જાતજાતના અનારોગ્ય આપનારા રિવાજો–તહેવારોથી દોરવાઈને આજે આપણે સૌ જાણેઅજાણે શારીરિક–માનસિક ઉપરાંત સામાજિક રીતે કથળી રહ્યાં છીએ.

આવે સમયે, હજી પણ આપણો આયુર્વેદ આપણને નિરામય જીવનની ખાત્રી આપતો ઊભો છે. આજના આધુનિક યુગમાં એવી છાપ છે કે આયુર્વેદ હવે સમયની બહારનો થઈ ચૂક્યો છે. આયુર્વેદ પાસે સંશોધનવૃત્તિ નથી; સંશોધનનાં સાધનો નથી; સમય સાથે રહેવા માટે જરૂરી સગવડો નથી વગેરે વગેરે.

પરંતુ – ઉપરોક્ત છાપને થોડીઘણી માન્ય રાખીને પણ – જો આપણે થોડું ઊંડાણમાં જઈને તપાસીશું તો એ છાપને ભૂંસી નાખવા માટે પૂરતી તક છે. પંચમ વેદ તરીકે ઓળખાઈને સ્થાપિત થયેલી આ કોઈ સામાન્ય પથી માત્ર નથી. એ શાસ્ત્ર છે – સિદ્ધ થયેલું શાસ્ત્ર !

આ શાસ્ત્રને વ્યવહારુ બનાવવા માટે, આપણા સૌના જીવનમાં રોજબરોજની જીવનરીતિ બનાવવા માટે એને પ્રસારવાની જરૂર છે. પ્રસારવા માટે પ્રચારવાની જરૂર છે. કારણ કે આજનો જમાનો પ્રચારનો જમાનો છે. ચળકતું પિત્તળ પણ સોનું બનીને બજારમાં ઊભું છે ! આવે સમયે શુદ્ધ સુવર્ણની ઓળખ જનસમસ્તને કરાવવાનું હવે જરૂરી અને તાકીદનું બની ગયું છે.

આયુટ્રસ્ટ, એના સ્થાપકશ્રીની આયુર્વેદવિભાવનાને મૂર્તરૂપ આપવા તત્પર છે. આ માટે અનેક કાર્યક્રમોની વિચારણા ટ્રસ્ટની છેલ્લી સભામાં થઈ હતી. આના જ ભાગરૂપે ગુજરાતભરના આયુર્વેદચાહકો, વૈદ્યો, આયુર્વેદના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને આયુપરિવારરૂપે જોવા ઇચ્છે છે. ભવિષ્યના કાર્યક્રમોની જાહેરાત હવે પછી સમયસમય પર આ સ્થાનેથી થતી રહે તેવી યોજના પણ વિચારાઈ હોઈ સૌ સહયાત્રીઓને વિનંતી કરવાની કે આપનું ઈમેઈલ એડ્રેસ, વોટસએપ નંબર, ફોન નંબર વગેરે સાથેના વોટસએપ પર જણાવીને આ મહાકાર્યને આપનો સહયોગ આપશો.

સંપર્ક માટે :

વોટસએપ ફોન નં. 9428802482 / ઇમેઇલ એડ્રેસ : jjugalkishor@gmail.com

રોગી જનોનો જઠરાગ્નિ જાગશે ?!

અગ્નિરક્ષા

“આયુર્વર્ણો બલં સ્વાસ્થ્યમુત્સાહોપચયૌ પ્રભા ।

ઓજસ્તેજોડગ્નય: પ્રાણાશ્ચોક્તા દેહાગ્નિહેતુકા: ।।
શાન્તેડગ્નૌ મ્રિયતે ચિરં યુક્તે જીવત્યનામયઃ |
રોગી સ્યાત્ વિકૃતે, મૂલમગ્નિતસ્માન્નિરુચ્યતે ।।”

આયુષ્ય, શરીરનો રંગ, બળ, આરોગ્ય, ઉત્સાહ, પુષ્ટિ, પ્રતિભા, ઓજ, તેજ, અગ્નિઓ (જઠરાગ્નિ, સપ્તધાત્વગ્નિ, પંચમહાભૂતાગ્નિ એમ તેર અગ્નિ) અને પ્રાણ – એ બધાનું
કારણ જઠરાગ્નિ છે. જઠરાગ્નિ ઓલવાઈ જાય તો માણસ મરી જાય છે, સમ હોય તો નીરોગી રહી લાંબું આયુષ્ય ભોગવે છે. વિકૃત (મંદ, તીણ કે વિષમ) થાય તો માંદગી
આવે છે. માટે સ્વાસ્થ્યનું મૂળ જઠરાગ્નિ છે એમ નિશ્ચયપૂર્વક કહ્યું છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

* કફ કરનારો, ભારે, ચીકણો, કાચો, પચે નહીં તેવો, ઠંડો, મધુર અને વધુ આહાર વારંવાર લેનારનો અગ્નિ મંદ થાય છે.
* વાયુ કરનાર, હળવો, લૂખો, ઠંડો, વિષ્ટંભી, તૂરો, કડવો અને ઓછો આહાર વારંવાર લેવાથી અગ્નિ વિષમ (અનિયમિત) થાય છે.
* પિત્ત કરનાર, ગરમ, ઉગ્ર, વિદાહી, તીખો, ખારો, ખાટો અને ઓછો આહાર વારંવાર લેનારનો અગ્નિ તીક્ષ્ણ (ભસ્મકાગ્નિ જેવો) થાય છે.
* ષડરસયુક્ત, સમ, પથ્ય, માપસર; ઋતુ, બળ, કાળ, વય, સાત્મ્ય વગેરેનો વિચાર કરીને નિત્ય આહાર લેનારનો અગ્નિ સમ (આરોગ્યપ્રદ) થાય છે.
* કાયમી કબજિયાત રહેવાથી જઠરાગ્નિ વિકૃત થાય છે.

* ભોજનના નિયમોના વારંવાર ઉલ્લંઘન કરનાર લોકો જઠરાગ્નિનું રક્ષણ કરી શકતા નથી.
* ખૂબ પાણી પીવાથી, વારંવાર પાણી પીધા કરવાથી, જમ્યા પહેલાં પાણી પી લેવાથી, જમ્યા પછી તરત વધુ પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે.
* લૉજ, હોટલ, લારી કે બજારનો તૈયાર ખોરાક રોજ ખાનારા; ઠંડાં પીણાં કે ચા-કોફી-દારૂ પીધા કરનારા લોકો જઠરાગ્નિનું જતન કરી શકતા નથી.
* શોક, દુઃખ, ભય, ચિંતા, કામ, ક્રોધ વગેરે માનસિક આવેગો અગ્નિને સમ રહેવા દેતા નથી.
* અગ્નિરક્ષા ઇચ્છનારે રાત્રે ઉજાગરા ન કરવા, દિવસે નિદ્રા ન કરવી.
* અતિ આરામ અને વ્યાયામ અગ્નિને વિષમ કરે છે.
* પ્રાણાયામ, આસન, સૂર્યપ્રકાશ, પ્રિય વાતાવરણ વગેરે જઠરાગ્નિમાં વધારો કરનારાં છે.
* આદું, લસણ, લીંબુ, મરી, કુણી મોગરી, કુમળા મૂળા, ગાજર, મરચાં, સિંધવ, હરડે, બિજોરું, કોઠું, ફૂદીનો, મસાલા વગેરે પાચકાગ્નિમાં ઉમેરો કરે છે. ચટણી, કચૂંબર,
પાપડ અને સારાં અથાણાં જઠરાગ્નિમાં વધારો કરે છે. વિવેકપૂર્વકનું તેનું સેવન અગ્નિવર્ધક છે. અગ્નિ તેનું રક્ષણ કરનારનું હંમેશાં રક્ષણ કરે છે –
અગ્નિ રક્ષતિ રક્ષિત !’

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(સંદર્ભ : “રોજિન્દો આહાર”માંથી સાભાર)

વધુ એક અમૂલ્ય દ્રવ્ય : અજમોદાદિ ચૂર્ણ.

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ તેમજ
– શૂળ વગેરે વાયુના રોગો માટે :
અજમોદાદિ ચૂર્ણ

યોજના: અજમો, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સુવા, સિંધવ અને પીપરીમૂળના ૧-૧ ભાગ ચૂર્ણમાં ૫ ભાગ હરડેનું અને ૧૦-૧૦ ભાગ સુંઠ અને વધારાનું ચૂર્ણ મેળવવું.

સેવનવિધિ : વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું (ત્રણ મહિના બાદ તેના ગુણ ઘટે છે). ૧/૨ ગ્રામથી ૨ ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું.

૦ ઉપયોગ : (૧) આમવાત (રૂમેટિઝમ)- સવારે, સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં. (૨) સંધિવાત- દિવસમાં બેત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં. (૩) રાંઝણ (સાયેટિકા) – ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત પાણીમાં. (૪) કટિશૂળ – ૧-૧
ચમચી ચૂર્ણ સવારે –સાંજે ગરમ પાણી સાથે લેવું. (૫) શૂળ – શરીરના કોઇ પણ અંગ પ્રત્યંગમાં રાળ નીકળતું હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફરકાવવું.

૦ નોંધ : દેવદાર અને વરધારાનાં લાકડાં ખૂબ કઠણ હોવાથી ખાંડવું ઘણું મુશ્કેલ બને તેમણે કોઈ સારી ફાર્મસીમાંથી તૈયાર તાજું ચૂર્ણ ખરીદીને ઉપયોગમાં લેવું.

ડાયાબિટિસ–તાવમાં “મામેજવો !”

મામેજ્જક ઘનવટી

મામેજ્જક એટલે મામેજવો. ખેતરોમાં અને વગડામાં તેના સર્વત્ર નાના નાના કડવા છોડ ઊગી નીકળે છે. સુંઘવો ન ગમે તેવી તીવ્ર ગંધવાળો મામેજવો મફતમાં મળે છે. તેને લાવી સાફ કરી તેનો રસ કાઢી આ રસને ગરમ કરતાં માવા જેવો કાળો લોંદો બની જાય ત્યારે તેમાંથી વટાણા જેવડી ગોળી વાળી, છાંયે સૂકવી, કાચની બાટલીમાં ભરી રાખવી. સવારે સાંજે ૪-૪ ગોળી ભૂકો કરીને કે ચાવીને લેવાથી દરેક પ્રકારના ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ ખાંસી મટે છે. બ્લડ સુગરનો ઊંચો અંક હોય તેવા દર્દીને આ ઔષધ ખૂબ જ ઉપયોગી છે. નવો પ્રમેહ હોય તો સાવ મટી પણ જાય છે. જામનગરના પોસ્ટ ગ્રેજ્યુએટ સંશોધન કેન્દ્રમાં અસંખ્ય દર્દીઓ ઉપર ટ્રાયલ લીધા બાદ તે ઔષધ ખૂબ જ અસરકારક સિદ્ધ થયેલ છે. તેનો તાજો રસ લેવામાં આવે તો તેનું પરિણામ વધુ ત્વરિત અને આશ્ચર્યજનક જોવા મળે. કડવો રસ કફનો નાશ કરનાર અને મધુરતાનો વિરોધી હોવાથી શર્કરા મેહ (ડાયાબિટીસ)માં ખૂબ ઉપયોગી છે. તે ઉષ્ણ હોવાથી તેમજ તેમાં પાચક ગુણ હોવાથી પેન્ક્રિયાસને સક્રિય કરી ઇન્સ્યુલીન પેદા કરવામાં મદદગાર થાય છે. જેથી કૃત્રિમ ઇન્સ્યુલીનથી છુટકારો મેળવી શકાય છે. આ ઔષધ નિર્દોષ હોવાથી કોઈ રિએકશન આવતું નથી.

બ્લડયુરિયામાં શર્કરાના ટકા જતા હોય તેવા દર્દીએ ચાર-છ માસ તેનું સતત સેવન કરવું અને આહારમાં આમળાં, હળદર, કારેલાં, મેથી વગેરે વધુ લેવાં. તેણે ગોળ, ખાંડ, દૂધ, ઘી, માખણ, શિખંડ, આઇસ્ક્રીમ, મીઠાઈઓ, સૂકા મેવા, દહીં, બધાં મીઠાં ફળ વગેરેનો ત્યાગ કરવો. સવારે વહેલા ઊઠવું, બપોરે સૂવું નહિ, પરિશ્રમ-વ્યાયામ કરવો.

મામેજવો મેલેરિયા વગેરે તાવનું પણ મહૌષધ છે. જીર્ણ જ્વર, શીત જ્વર, વિષમ જ્વર, મેલેરિયાના બધા પ્રકારમાં ૬૪ ભાગ મામેજવો અને ૧-૧ ભાગ અતિવિષની કળી, કડુ અને લીંડીપીપર મેળવીને તૈયાર કરેલી મામેજ્જક ઘનવટી ખૂબ જ અસરકારક છે. તેમાં મામેજવાનાં પાનને સાફ કરી તેનો રસ કાઢી ૬૪૦ મિ.લિ. લેવો. તેને ગરમ કરી ઘન (માવા જેવું)
તૈયાર થતાં તેમાં ૧૦-૧૦ ગ્રામ કહેલાં ત્રણેય ઔષધો ઉમેરી વટાણા જેવડી ગોળી બનાવી લેવી. (એકલા મામેજવાની પણ ઘનવટી કરી શકાય છે. કારણ કે અતિવિષ મોંઘું છે ને સાચું મળવું મુશ્કેલ છે.) બાળકને ૧ અને મોટાને ૨ ગોળી પાણી સાથે સવારે-સાંજે-રાત્રે આપવી. કઠણ હોવાથી ભૂકો કરીને આપવી અથવા ચાવીને લેવી.
મામેજવો કડવો હોવાથી કૃમિને પણ મટાડતો હોવાથી ઉપરોક્ત મામેજ્જક ઘનવટી કૃમિવાળાં બાળકોને હંમેશાં પણ આપી શકાય. કડવાણીરૂપે તેનો ઉપયોગ કરી શકાય.

સંદર્ભ: “તમારો રોગ–તમારું આરોગ્ય”માંથી સાભાર.

નોંધ : આયુર્વેદને લગતાં લખાણો વિદ્વાન અને અનુભવી લેખકો પાસેથી સ્વીકારવામાં આવશે. લેખક પોતાનાં લખાણો અને પરિચય તથા ફોટોગ્રાફ નીચેના સરનામે મોકલી શકશે : j
jugalkishor@gmail.com વોટસએપ ફોન : 9428802482

ચમત્કારિક ઔષધ : અજમોદાદિ ચૂર્ણ

વાયુના રોગોમાં અસરકારક ઔષધ : અજમોદાદિ ચૂર્ણ

વાયુ, પિત્ત, કફ જન્ય રોગોમાં ના રોગોની સંખ્યા વધારે છે. અને આજના વાયુવર્ધક આહાર વિહારને કારણે વાયુના રોગો થાય છે પણ વધુ. તેથી આયુર્વેદમાં કહેલા વાયુના અસંખ્ય ઔષધોમાં સરળ, સોંઘું, નિર્દોષ, ઘરગથ્થુ અને અસરકારક હોવાથી અજમોદાદિ ચૂર્ણ વિશે જાણી લેવું જરૂરી છે.

અજમોદાદિ ચૂર્ણ એટલે અજમો આદિ બીજાં કેટલાંક દ્રવ્યમાંથી તૈયાર કરેલું ચૂર્ણ. જોકે, ક્રમમાં પ્રથમ દ્રવ્ય અજમોદ હોવાથી આવું નામ પાડવામાં આવ્યું હશે. ખરેખર તો તેમાં મુખ્ય ઔષધ તો છે સુંઠ અને વરધારો (સમુદ્રશોષનાં મૂળ). આ બંને દ્રવ્યોના દસ દસ ભાગ લેવાના છે. પછીનું મહત્ત્વનું દ્રવ્ય છે હરડે; તેના પાંચ ભાગ લેવાના છે. તેમાં અજમોદ, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સિંધવ અને પીપરીમૂળ એક એક ભાગ ચુર્ણ મેળવવાથી અજમોદાદી ચૂર્ણ તૈયાર થાય છે. આમાં વપરાતાં બધાં જ દ્રવ્યો લગભગ વાયુનાશક, શૂળનાશક, ગરમ, આમપાચક અને જઠરાગ્નિવર્ધક હોવાથી વાયુના રોગોને મૂળમાંથી મટાડવા નું કામ કરે છે. તેમાં હરડે મળશુદ્ધિ કરતી હોવાથી કબજિયાતવાળા વાયુરોગને વધુ માફક આવે છે. ખૂબ જ કબજિયાત રહેતી હોય તેવા દર્દી આ ચૂર્ણ દિવેલની સાથે લેશે તો વધુ ફાયદો થશે. સુંઠની માત્રા વધુ હોવાથી તે ગ્રાહી ગુણવાળી થવાથી લેનારને વધુ ઝાડા થતા નથી. હરડે અને સમુદ્રશોષ રસાયણ ગુણવાળા હોવાથી લાંબો સમય લઈ શકાય છે. વરધારો અને સૂંઠ જ્વરઘ્ન પણ હોવાથી સાથે થોડો તાવ રહેતો હોય (ખાસ આમવાતમાં) તો તેને મટાડવાનો પણ ગુણ છે.
ઘેર બનાવવા ઇચ્છતા લોકોએ આ ચૂર્ણ ત્રણ મહિના ચાલે તેટલું બનાવવું. પરંતુ દેવદાર અને વરઘારો ખાંડવામાં ખૂબ મુશ્કેલ હોવાથી તેવી કડાકૂટ કરવા માગતા ન હોય તેવા લોકોએ વિશ્વાસુ ફાર્મસીનું તાજું ચૂર્ણ ખરીદવું.

પંડિત ભાવિમિશ્રે ચારસો વર્ષ પહેલાં આમવાતના દર્દી માટે આ પાઠની સુયોજના કરી છે. તેથી તે આમવાતમાં તો મહત્ત્વનું ઔષધ છે જ. ઉપરાંત રાંજણ (સાયેટિકા), કેડનો દુખાવો, ગુદામાં શૂળ નીકળવું, સાથળમાં દુખવું, પેટમાં અવળી પીડ આવવી (પ્રતિતૂની), હાથમાં દુખાવો થવો, શરીરના કોઈ પણ સંગપ્રત્યંગમાં દુખાવો થવો, સંધિવાત, સાંધા પર સોજો આવવો વગેરે વાયુના રોગોમાં અસરકારક છે. યોગ્ય
પથ્યપાલન સાથે લાંબો સમય આ ચૂર્ણના સેવનથી કષ્ટ આપનારા સાધ્ય વાયુના બધા જ રોગો મૂળમાંથી મટે છે. જેમ સૂર્યનાં કિરણો અંધકારને દૂર કરે છે તેમ તે સુકષ્ટા (વધારે કષ્ટ દેનારા) વાયુના રોગોને મટાડે છે’ તેવું ભાવપ્રકાશમાં કહેલ છે. નાની ઉંમરમાં થતો અને લગભગ અસાધ્ય જેવો મનાતો રુમેટિક હાર્ટ (હૃદયામવાત) પણ આ ઔષધથી મટવાનો સંભવ છે.


કેટલીક વાર તો સાવ સામાન્ય કહી શકાય તેવું આ ચૂર્ણ તાત્કાલિક સારવારમાં પણ ઉપયોગી થઈ શકે છે. આમવાતમાં વીંછીની વેદના જેવી વેદના થતી હોય, રાંજણમાં
અસહ્ય પીડા થતી હોય, પ્રતિતૂનીમાં પુષ્કળ પીડ આવતી હોય કે કેડનો દુખાવો ખમી ન શકાય તેવો થતો હોય ત્યારે ગરમ પાણી સાથે લેવાથી અને ગુગળના પાણીમાં ગરમ કરી લેપ કરવાથી તુરત રાહત મળે છે. જોકે, તેનો લેપ કરવાનો પ્રચાર થયેલ નથી છતાં ઉષ્ણ, વાતઘ્ન, શોથઘ્ન (સોજો ઉતારનાર) દ્રવ્યો તેમાં હોવાથી લેપ કરીને અનુભવ કરવા જેવો ખરો.

આમવાતના દર્દીએ તેના સેવન દરમિયાન ખોટું ન ખાવું, દિવસે ન સૂવું, તેલ માલિશ ન કરવી. અન્ય વાયુના રોગોમાં ઠંડો, વાયુકારક, લૂખો ખોરાક ન લેવો. ઉજાગરા ન કરવા, ઉપવાસ ન કરવા. (સામ અવસ્થા હોય તો જ ઉપવાસ કરવા.)

શોભનકૃત “સુપરિચિત ચૂર્ણો”માંથી સાભાર.

ઔષધીય વનસ્પતિનાં કાવ્યોનો અમૂલ્ય સંગ્રહ !

આહ્વાન !

શ્રી નરહરિભાઈ અને શ્રી જુગલભાઈ બંનેએ પ્રસ્તાવનામાં લખ્યું છે તે પ્રમાણે “ઔષધિગાન’નો આ ગીતસંગ્રહ એક અકસ્માત ઘટના છે. ૮૦ વર્ષ પછીની ઉંમરે, અસ્વસ્થ અવસ્થામાં, એકસો જેટલાં કાવ્યો અને તે પણ આયુર્વેદના દ્રવ્ય ગુણ વિજ્ઞાન વિષયમાં તૈયાર કરવાં, (પોતાનો એ વિષય ન હોવા છતાં) તે વિચારણીય બાબત તો ખરી જ. નરહરિભાઈનો આ પુરુષાર્થ આયુર્વેદ પ્રેમી અને વનૌષધિ પ્રેમી માટે યાદગાર મૂડી બની રહેશે. પદ્યરચનાવાળાં આવાં પુસ્તકો ખપતાં ન હોવાથી તેને પ્રગટ કરવા સન્માર્ગે કેવળ સારી રકમ વાપરી નાખવાની બાબત બને. અને એ પ્રમાણે આયુ પ્રકાશને પણ આ સાહસ કર્યું ગણાય.

વૈદ્ય શ્રી બાપાલાલભાઈ શતાબ્દી વર્ષે વનૌષધિઓને લગતાં ઘણાં નવાં કાર્યો આયુ ટ્રસ્ટ દ્વારા થયાં તેમાં દિવ્યૌષધિ પ્રદર્શન, ઔષધિબાગ સહકાર, સચિત્ર દિવ્યૌષધિદર્શન સેટનું પ્રકાશન તેમજ વનૌષધિ પ્રેમીઓનું સન્માન વગેરેની સાથે આ ‘ઔષધિગાન’નું પ્રકાશન પણ મહત્ત્વનું પ્રદાન બનશે. આ વર્ષે આયુ ટ્રસ્ટે એકસો દિવ્યૌષધિને અનેક સ્વરૂપે આમ જનતા સુધી પહોંચાડવાનું નક્કી કરેલું તેમાં શ્રી અશોકભાઈ ડાભી દ્વારા જે એકસો દિવ્યૌષધિનું ‘ચિત્ર-પ્રદર્શન’ તૈયાર થયું તેમ શ્રી નરહરિભાઈ દ્વારા એ જ વનસ્પતિઓનું ‘ગીત-પ્રદર્શન’ પદ્યમાં તૈયાર થયું તે સુખદ સંજોગ છે. ઘણા ઓછા ગાળામાં શ્રી નરહરિભાઈએ આ સો જેટલાં ગીતો લખ્યાં તેને શ્રી નરહરિભાઈનું સન્માન કરતી વખતે તા. ૧૫-૯-‘૯૬ના રોજ પુસ્તકાકારે પ્રગટ કરવા તેવો નિર્ણય આયુ ટ્રસ્ટની મિટિંગમાં લેવાયો તેથી ખૂબ ઉતાવળે આ સંગ્રહને તૈયાર કરવો પડ્યો. તેથી સો ગીતને બદલે થોડાં ઓછાં પ્રગટ થઈ શક્યાં. (જોકે, નરહરિભાઈનો ગીતસર્જનનો ઉત્સાહ વધ્યો છે. રોજ રોજ નવાં ગીતો આજે પણ બને છે. તેમનો એક બીજો સંગ્રહ તૈયાર થાય તેવી આશા રાખીએ.)

આ બધાં ગીતોને કાવ્યત્વની દૃષ્ટિએ, વ્યાકરણ દૃષ્ટિએ તપાસવા-મઠારવા, ફેર કરવા, પ્રેસ કોપી બનાવી આપવા ગુજરાત યુનિવર્સિટી સંચાલિત શ્રમિક વિદ્યાપીઠના નિયામક અને લોકભારતીના સ્નાતક તેમજ ગુજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક શ્રી જુગલકિશોર જે. વ્યાસે ઓછા દિવસમાં ઘણી મહેનત કરીને પ્રતિસંસ્કાર કરી આપવાનું કાર્ય કર્યું છે તે આ સંગ્રહના સદનસીબ સમજું છું.

વર્ષો પહેલાં આ પ્રકારનું એક પુસ્તક ‘આયુર્વેદ ચમત્કાર દર્શન’ના નામે અમદાવાદના કોઈ મંદિરના કોઈ સાધુ દ્વારા રચાઈને પ્રગટ થયેલું જે આજ અપ્રાપ્ય છે, ત્યારે આ પુસ્તકને સૌ આવકાર્યા વિના નહીં રહે, આવાં ભાવપૂર્ણ ગીતો આયુર્વેદ જગતને–વનસ્પતિ જગતને આપીને શ્રી નરહરિભાઈએ આયુર્વેદ પર મોટો ઉપકાર કર્યો છે. કાવ્ય કેવાં છે ? તે કરતાં કાવ્યો કેવા ભાવથી લખાયાં છે તે બાબત મારે મન ઘણી મોટી છે.

અંતમાં, તેમના જ શબ્દો ટાંકીને કહેવું પૂરું કરીશ.

“જાગો ! ઊઠો ! ને ધ્યાન દ્યો ! જાણો નિજ સ્વરૂપ !
શિવ કરવાને જીવને, પ્રભુ થયા તરુરૂપ !’
અહીં “જાગો, ઊઠો, જંપ નહીં નિજ ધ્યેયને પામ્યા વિના એ “ઉત્તિષ્ઠત, જાગ્રત…’ સ્વામી વિવેકાનંદના ઉદ્ધોધનની યાદ દેવડાવે છે. ઋગ્વેદથી માંડીને વૈદ્ય શ્રી બાપાલાલભાઈના નિઘંટુ આદર્શ સુધી લખાયેલ અગણિત નિઘંટુઓ અને ચરકાદિ સંહિતાની આ પુરુષાર્થભૂમિ–તપોભૂમિ પર પ્રભુ સ્વરૂપ તરુઓના માહાત્મ્યનું પુનઃપ્રસ્થાપન થાય, આયુર્વેદની પુનઃ પ્રતિષ્ઠા થાય તેવા યુગના મંડાણ માટેનું આ આહ્વાન છે.

આયુ સેન્ટર                                                     – વૈદ્ય શોભન ૧-૯-’૯૬

સંદર્ભ : સ્વ. નરહરિ ભટ્ટ રચિત “ઔષધિગાન”માંથી સાભાર.

અગત્યની નોંધ : ઉપરોક્ત પ્રસ્તાવના જે પુસ્તકની છે તે “ઔષધિગાન ભાગ – ૧”માંનાં ગીતોને એક પછી એક અહીં દર રવિવારે મૂકવામાં આવશે. આ ગીતો સાચવી રાખવા જેવાં ઉપયોગી બની રહેશે તેવી આશા સાથે – સંપાદક.

“રોજિન્દો આહાર” વિશે લેખક

મારે લાંબા અનુભવે ભારપૂર્વક કહેવું જોઈએ કે –

ઉપચાર કરતાં પ્રતિકાર ઇચ્છનીયએ સૂત્ર અનુસાર રોગો થયા પછી તેના ઉપાય કરવા સમય, શક્તિ અને સંપત્તિ વેડફવાં તે મૂર્ખામી છે. તેને બદલે રોગ થાય જ નહીં તેવા આહાર-વિહાર યોજવા તે ડહાપણભર્યું છે. આપણા પૂર્વજોમાં આ ડહાપણ હતું તેથી તેમણે આયુર્વેદિક શાસ્ત્રમાં આહાર-વિહારને ઘણું મહત્ત્વ આપી દિનચર્યા, ઋતુચર્યા તેમજ આહારનિયમોની રચના કરી.

આરોગ્ય રક્ષા અર્ધો આધાર આહાર હોવાથી આ પુસ્તકમાં રોજીંદા આહાર”ની રોજિંદી વાતો લખવામાં આવી છે. તેમાં સદા પથ્ય અને સદા લેવામાં આવતાં દ્રવ્યો વિશે
શક્ય તેટલી શાસ્ત્રીય અને વહેવારુ માહિતી આપવામાં આવી છે. મારે લાંબા અનુભવે ભારપૂર્વક કહેવું જોઈએ કે… આહાર વિષેની સુવ્યવસ્થિત, સ્થિર, સરવાળે હિતકારી, સરળ અને સ્વાવલંબી વિચારણા જેટલી આયુર્વેદમાં કરવામાં આવી છે
તેવી અન્ય કોઈ આરોગ્ય વિજ્ઞાનમાં કરવામાં આવી નથી. આયુર્વેદના આ જ્ઞાન પુનઃ ઘર ઘરમાં, શાળાઓમાં, કૉલેજમાં, સંસ્થાઓમાં મુક્ત રીતે આપવામાં આવે તો આપણી માંદગીમાં આશ્ચર્યજનક ઘટાડો થયા વિના ન રહે..

આહારજ્ઞાનના જિજ્ઞાસુ વાચકોએ મારા નિત્ય નિરોગી, આહાર, રોજિંદો આયુર્વેદ, ફળ : આહાર રૂપે ઔષધ રૂપે. શાકભાજી-કઠોળ : આહારરૂપે ઔષધ રૂપે, મસાલા
મુખવાસ : આહાર રૂપે ઔષધ રૂપે તેમજ આહાર વિવેક પુસ્તક અવશ્ય વાંચવાં.

આયુ સેન્ટર                                                                                         શોભન
૩૦૩, હરેકૃષ્ણ કોમ્લેક્સ,                                                               ૨૯-૯-૯૩

તા.ક. ઉપરોક્ત પુસ્તિકા “રોજિન્દો આહાર”માંનાં ૩૫ પ્રકરણોમાં જીવનની અનેક ઉપયોગી રોજિન્દી વાતો એક પછી એક અહીં દર શનિવારે મૂકવામાં આવશે. આશા છે, વાચકો તેને પસંગ કરશે જ. – સં.

એક વિશેષ ગ્રંથ, એક ચમત્કારિક ઔષધ !!

પોતાના માટે, પરિવાર માટે, સૌ કોઈ માટે

આહારનું જ્ઞાન હોય તે વ્યક્તિ મોટે ભાગે બિમાર પડતી નથી. અને ઔષધનું જ્ઞાન હોય તે વ્યક્તિની બિમારી લાંબી ટકી શકતી નથી. આ બંને હેતુથી મારા આહાર અને ઔષધ ને લગતાં પુસ્તકો “ફળો : આહાર રૂપે-ઔષધ રૂપે અને “શાકભાજી-કઠોળ : આહાર રૂપે-ઔષધ રૂપે”ની
પંક્તિમાં આ ત્રીજું પુસ્તક પ્રગટ થાય છે. જેનો હેતુ વાચકોને સ્વસ્થ રહેવા ને મદદ કરવાનો અને માંદગીમાંથી ઓછા ખર્ચે કે ખર્ચ વિના સ્વાવલંબી રીતે સરળ પદ્ધતિથી મુક્તિ અપાવવાનો
છે. કારણ કે આયુર્વેદે પોતાનાં બે મુખ્ય કર્તવ્ય બતાવ્યાં છે તેમાં (૧) સ્વસ્થસ્ય સ્વાસ્થ્યરક્ષણમ્ – સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું; અને (૨) આતુરસ્ય રોગપરિમોક્ષણમ્ – આતુર (રોગી)ના રોગનું પરિમોક્ષણ કરવું. (દરદ જડમૂળમાંથી મટાડવું.)

મોંઘવારી, પરાવલંબન, યાંત્રીકરણ, શહેરીકરણ, વિદેશાવલંબન અને રિએક્શનને પેદા કરનારી પરદેશી ચિકિત્સાપદ્ધતિની નાગચૂડમાંથી આંશિક રૂપે છુટવા માટે આ વિના મૂલ્ય કે અલ્પમૂલ્ય, સ્વાવલંબી, સરળ, દેશી અને નિર્દોષ ઘરગથ્થુ ૪૦ જેટલા મસાલા અને મુખવાસના ઘરગથ્થુ ઉપાય સૌકોઈને સામાન્ય રોગ મા કે જીવલેણ ઇમર્જન્સી અવસ્થામાં પણ પોતાના માટે, પરિવાર માટે કે પડોશી માટે અવશ્ય ઉપયોગી થશે જ.

આયુ સેન્ટર                                                                 – શોભન
                                                                                 તા. ૩–૧૨–’૯૨

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

“યસ્ત્વાહારં શરીરસ્ય ધાતુસામ્યકરં નર: ।
સેવતે વિવિધાશ્ચાન્યાશ્રેષ્ઠાઃ સ સુખમશ્નુતે ।।


જે માણસ શરીરની ધાતુઓને અને સમ્યગ્ (સમાન અને સ્વસ્થ) રાખે તેવા આહારનું સેવન કરે છે તેમજ (શરીરની ધાતુને સમ કરે તેવી જ) વિવિધ જાતની ચેષ્ટા (વિહાર) કરે છે તે સુખ (આરોગ્ય) પ્રાપ્ત કરે છે.
                       – ચરકસંહિતા, નિદાનસ્થાન, ૪/૪૯

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અજમો આટલો બધો ઉપયોગી !

રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. છતાં, તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જીર્ણ અને હઠીલા રોગો માટે અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવેલા છે તે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેના ઘરગથ્થુ, સરળ, નિર્દોષ અને રોજિંદા થોડા ઉપયોગ આ પ્રમાણે છે :

શૂળ, ચૂંક, વેદના, પેઇન, પીડા, દર્દ વગેરે જ્યાં જ્યાં વપરાય ત્યાં ત્યાં તમે અંતર-બાહ્ય રૂપે અજમાનો ઉપયોગ કરી શકો. શિયાળા–ચોમાસામાં શરદી કે થયેલા માથાના દુખાવામાં અજમો ચવરાવવો તેમ જ સૂંઠ સાથે પીસીને તેનો કપાળે લેપ કરવો. માથાના દુખાવામાં વપરાતાં મોટા ભાગનાં પેઈન બામમાં આ અજમાના અર્કનો જ ઉપયોગ થતો હોય છે. કફ-વાયુના કારણે માથું દુખતું હોય ત્યારે પીસેલો અજમો રૂમાલમાં બાંધી પોટલી સૂંધ્યા કરવી. નાનાં બાળકોને શરદીમાં અજમાની નાની પોટલી ગળે બાંધી રાખવાથી અજમાના ઉડનશીલ તેલની અસર નાકને થતી
રહેવાથી રાહત થાય છે. બાળકોને શરદી જામ થઈ ગઈ હોય તેમાં અજમાનો નાહ ખૂબ અસરકારક બને છે. દાઢના દુખાવામાં અજમાનો લેપ બહાર ગાલ ઉપર કરવો તેમજ હિંગ સાથે અજમો પીસી તેનું પોતું દાઢ ઉપર દબાવવું. દાઢમાં કૃમિ થવાથી દંતકૃમિને કારણે થયેલ અસહ્ય શૂળમાં પણ અજમાની ધુમાડી લેવાથી લાભ થશે. શરદી-વાયુને કારણે સાદ બેસી ગયો હોય અને ગળામાં દુખતું હોય તેમણે પણ અજમો ચાવ્યા કરવો. છાતીના દુખાવામાં અજમો ઘણીવાર ચમત્કારિક પરિણામ બતાવે છે. અજમો અને મીઠું ચાવી જવાથી તથા છાતી ઉપર અજમાનો ગરમાગરમ લેપ કરવાથી ઉર:શૂળ શમે છે. તે જ રીતે હૃદયશૂળ એટલે કે “હાર્ટપેઈન’માં પણ અજમો ખાવાથી રાહત થાય છે. હૃદ્ય તેમજ શૂલઘ્ન હોવાથી હૃદયરોગના દર્દી માટે અજમો કાયમી ઉપયોગમાં લઈ શકાય તેવું ઔષધ છે. પેટના દુખાવામાં તો મીઠું મેળવીને અજમો ફકાવવાની પ્રથા આપણે ત્યાં ઘણી વ્યાપક છે. ગોળો, ઉદરશૂળ, આફરો વગેરેમાં અજમો, સંચળ અને હિંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે હંમેશાં બે વખત લેતા રહેવું હિતાવહ છે.

અજમો તીખો, કડવો અને કફઘ્ન હોવાથી કૃમિમાં પણ કામયાબ છે. અજમામાં ચોથા ભાગે વાવડીંગ, હિંગ તેમજ શેકેલા કાંચકાંનું ચૂર્ણ રોજ ત્રણ વખત લેતા રહેવાથી કૃમિને કાબુમાં લાવી શકાય છે. અજમાનો વાયુનાશક અને શૂલઘ્ન ગુણ વાયુના રોગોમાં પણ અસરકારક બને છે. પગની એડીના દુખાવામાં મેથી અને અજમો સરખે ભાગે ખાંડી ફાકડી લેતા રહેવી. ઢીંચણના દુખાવામાં તથા સોજામાં, સૂંઠ અને ગૂગળનો લેપ કરવો. તેમ જ અજમો, સૂંઠ અને મેથીનું ચૂર્ણ બનાવી  લાંબા સમય સુધી લેતા રહેવું. આમવાતના દર્દીએ ખોરાકમાં શક્ય તેટલો અજમો વધુ લેવો. કેડ, ખભા જેવા સાંધાના દુખાવામાં અજમો રોજ લઈ શકાય. વાયુને કારણે થયેલા મસાથી ગુદામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે અજમાની ધુમાડી લેવી તેમજ અજમો અને હરડે ગોળમાં મેળવીને ખાવા.

આયુર્વેદના આધારભૂત ગ્રંથ ચક્રદત્તમાં અજમાનો શીળસ માટે સાત દિવસનો પ્રયોગ આપવામાં આવેલ છે. તેમાં જૂના ગોળ સાથે પાંચથી દસ ગ્રામ અજમો સવારે-સાંજે લેતા રહેવાનો છે. તેમાં હળદર મેળવવામાં આવે તો થોડો વધુ ફાયદો થવા સંભવ ખરો.

સંદર્ભ : શોભનકૃત “મસાલા–મુખવાસ આહાર–ઔષધરૂપે”માંથી સાભાર.
સસ્તાં, સરળ, નિર્દોષ ચૂર્ણો

એક બાજુથી રોગો વધ્યા છે તો બીજી બાજુથી મોંધવારી પણ વધી
છે. આ બંને ચક્ર વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગ વધુ ને વધુ પિસાતો જાય
છે. ગ્રામ જીવનમાં ઘરઆંગણાની કે ભાગોળની વનસ્પતિ દ્વારા કે ઘરગથ્થુ
ઓસડિયાં દ્વાર ઇચ્છનારાઓ માટે સ્વાવલંબી સારવાર શક્ય છે જયારે
શહેરોમાં તે પ્રત્યેની અરુચિ, સમયનો અભાવ, વનસ્પતિની અપ્રાપ્તિ,
પરંપરાગત જ્ઞાનનો અભાવ વગેરે કારણે ચિકિત્સામાં મુખ્યત્વે ફાર્મસીમાંથી
દવાઓ ખરીદીને ઘેર રાખી તેનો વિવેકપૂર્ણ, વૈવિધ્યપૂર્ણ ઉપયોગ કરવાનું
જાણવું એ જ સસ્તો, સરળ અને નિરાપદ માર્ગ છે. આ હેતથી સામાન્ય
જનતા માટે આ નાનકડી પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે જેનો ઉપયોગ
ગ્રામવૈદ્યો, પચાયતની ઔષધપેટીઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ
બહોળા પ્રમાણમાં કરી શકો,

આમાં જણાવેલ દવા પ્રાય: નિર્દોષ, પ્રચલિત અને લગભગ ચાલુ
બધા રોગોમાં ઉપયોગી થાય તેવી પસંદ કરવા પ્રયત્ન કર્યો છે. ઘણીખરી
દવા ઘેર પણ તૈયાર કરી શકાય તેવી છે. વધુ દવાવાળો યોગ કે થોડી
વપરાશવાળી દવા ઘેર બનાવવાને બદલે વિશ્વાસુ ફાર્મસીમાંથી ખરીદીને
પણ રાખી શકાય. ચૂર્ણો પ્રાય: ત્રણ મહિને કસ વિનાનાં થઈ જતાં હોવાથી
આવશ્યક માત્રામાં બનાવાં કે ખરીદવાં અને વધુ પડતર હોય તો ફેંકી દેવાં.

આઠ વર્ષમાં આ પુસ્તિકાની ચોથી આવૃત્તિ પ્રગટ થાય છે તે તેની
ઉપયોગિતા દર્શાવે છે.


આયુ સેન્ટર                                                  – શોભન
ર૧ર- સર્વોદય, અમદાવાદ.                                  ૧૯-૮-’૯૦

સંદર્ભ : શોભનકૃત “સુપરિચિત ચૂર્ણો”માંથી સાભાર

ગામડાંનું સસ્તું હાથવગું ઔષધ : આવળ

૧. આવળના અગિયાર ઉપયોગ

આપણો પ્રદેશ આવળ, બાવળ અને બોરડીનો હોવાથી
આવળને લગભગ બધા જ ઓળખતા હોય છે. વગડામાં,
ગાડીના પાટા પાસે કે કઠણ જમીનમાં આવળના છોડ સર્વત્ર
ઊગેલા જોવા મળે છે. ગુલાબની પાંખડી જેવી પાંચ પાંખડીવાળાં તેનાં પીળાં હળદર જેવાં ફૂલ અને ફૂલની આસપાસ પોપટી રંગની કળીઓનો જૂમખાવાળો છોડ બારે
માસ લીલોછમ રહે છે. તેમાં વેંતની શીંગો-પડિયા આવે છે. તે સુકાય ત્યારે તેનો રંગ ભૂરો કે કથ્થાઈ થઈ જાય છે અને ૫-૧૦ બી તેમાં ખખડે છે.

આ આવળ ગુણમાં ઠંડી, પચવામાં હળવી અને લૂખી છે. રસમાં કડવી – તૂરી છે અને તેથી કફ અને પિત્ત ને મટાડે છે. તેનું પાચન તીખું છે. તેના મુખ્ય અગિયાર ઉપયોગ યાદ રાખી લેવા જેવા છે.
૧. મૂઢમાર : પછાડ કે મરડ થયેલ હોય ત્યારે આવેલ સોજામાં કે થતા દુખાવામાં આવળનાં ફૂલ વાટી, તેમાં હળદર અને તેલ મેળવી ગરમ કરીને લેપ કરવો. વ્રણ
થયું ન હોય તો તેમાં મીઠું પણ નાખી શકાય.
૨. મુખપાક : ફૂલ, છાલ કે પાનનો ઉકાળો કરી, ઠરે ત્યારે કોગળા ભરવા.
૩. વણ-ઘા–ઘારું : આવળની છાલનો ઉકાળો કરી તેનાથી ઘા ધોવો.
૪. ચર્મરોગ : તેનો ઉકાળો કરીને તેનાથી સ્નાન કરવું. તેની છાલનું ચૂર્ણ ચમચી ચમચી સવારે – સાંજે લેવું.
૫. સગર્ભા સ્ત્રીની ઊલટી : બાવળનાં ફૂલની ૧૦ ગ્રામ જેટલી પાંખડી લઈ દૂધમાં પીસી, તેમાં ખાંડ મેળવીને વારંવાર પાયા કરવું.
૬. અતિસાર-ઝાડા : આવળનાં મૂળની છાલનું ચૂર્ણ અથવા તેનો રસ એક ચમચી લેવો. તે છાશમાં મેળવીને પીવો.
૭. ડાયાબિટીસ (સાકરિયો મધુમેહ) : શર્કરા મેહમાં આવળનાં ફૂલનો ઉકાળો સવારે-સાંજે લાંબો સમય પીવો. સાચું મધ મળે તો મધમાં મેળવીને પણ લઈ શકાય.
૮. દતરક્ષા : દાંતને મજબૂત બનાવવા તથા તેના રોગો મટાડવા માટે આવળની છાલનો પાઉડર દાંતે ઘસવાની અથવા તેના કોલસા પાડી તેનો બારીક પાઉડર કરીને દાંતે ઘસવો.
૯. ગડગૂમડ : દુખાવો થતો હોય તેવાં ગૂમડાં ઉપર આવળનાં પાનનો ગરમ લેપ કરવો.
૧૦. આફરો : પેટ ફૂલીને તેમાં દુખાવો થતો હોય તો આવળનાં પાન, ડોડવા અને ફૂલ વાટી ગરમ કરી, મીઠું અને હળદર મેળવી પેટ પર ગરમ લેપ કરવો અથવા તેનું બંધારણ બાંધવું.
૧૧. વિવર્ણતા : શરીરનો વર્ણ શ્યામ કે અસુંદર થયો હોય તેમાં વર્ણને સુંદર અને તેજસ્વી બનાવવા આવળનાં ફૂલનો રસ શરીરે ઘસવો અથવા તેનો ઉકાળો કરીને સ્નાન કરવું.

આ ઉપરાંત :

આવળ આંખો દુખવા આવવી, શરીરમાં શૂળ નીકળવું, તાવ આવવો, શિરઃશૂલ, બરોળ વધવી, ઉદરશૂળ, વધરાવળ, કૉલેરા, આમવાત, મરડો, પ્રદર, લોહીવા વગેરે રોગમાં પણ ઉપયોગી છે.

સંદર્ભ : શોભન લિખિત “તમારો રોગ; તમારું આરોગ્ય ભાગ ૬”માંથી સાભાર

ડાયરીમાં નોંધી રાખો, આરોગ્ય ઉક્તિઓ !!

ક્ષયનો ક્ષય કરનારી છેક, દુનિયામાં બસ બકરી એક.

સાજા રે’વાનો આ સાર, ગાય અને તુલસી હો દ્વાર.

મીઠું કે’ હું જબરું બૌ, કોઢ કદી ના ખસવા દૌં !

રક્તપિત્ત, ઉધરસ ને શ્વાસ, વાસા દેખી થતાં હતાશ.

તેલ તણાં જયાં પગલાં થાય, વાયુ પલભર ના રોકાય.

પિત્ત રહે શેં ઘી સંગાથ ? મધ, કફને તો બાથંબાથ.

સાજા જન સાજા રહે જો શિવા ગ્રહે સદાય, ભૂલથી માંદા જો પડે તો લંઘન શરૂ કરાય.

જેનો જઠરાગ્નિ બુઝાય, તેનું શ્રેય કહો શેં થાય ?

સુખનું મૂળ સમતા, દુ:ખનું મૂળ વિષમતા.

માનવનો અરિ અર્શ ગણાય, અર્શ–અરિ હરડે કે’વાય.

જ્વરમાં લંઘન શ્રેષ્ઠ ગણાય, કરિયાતું ઔષધ વખણાય.

સુખ સઘળાં સંસારનાં આપણ આંગણ હોય, જઠરાગ્નિને તોલ તે હોય કદી ના કોઈ.

જેને ઘેર તુલસી ને ગાય, તેને ઘેર તો રોગ ન જાય.

શરીરે સુખી તે સુખી સર્વ વાતે.

આહાર, નિદ્રા, સંયમ કેરું જેને સાચું જ્ઞાન; તનમાં તેને રોગ રહે ના મનમાં ના અજ્ઞાન.

હેમંતે સંચિત કફ સઘળો વસંતમાં છલકાય; તેનું શોષણ કરવા લૂખાં લઘુ દ્રવ્ય લેવાય.

પાચન, દીપન, પરં રુચિકરલીંબુ નિત સેવાય, કોલેરામાં એનું સેવન સૌથી શ્રેષ્ઠ ગણાય.

ધર્મ, અર્થ ને કામ મોક્ષનો આયુર્વેદ આધાર; તેને જાણી આચરવો નિત ધરી વિવેક–વિચાર.

– વૈદ્ય શોભન.

(‘આયુર્વેદ નિનાદ’માંથી સાભાર)

અમેરિકામાં આયુર્વેદની ધૂમ અને ધૂન

આજે સવાર સવારમાં જ ફેસબુક પર DNA ચેનલ પર એક વીડિયો જોવા–સાંભળવા મળ્યો. વાંચીને સાનંદાશ્ચર્ય થયું. અમેરિકામાં જાણે કે શોભનભાઈનું જ એક પુસ્તક શીર્ષકરૂપે આયુર્વેદની ધૂમ મચાવી રહ્યું ન હોય : “આયુર્વેદ હવે ઘરઘરમાં” !!

ચેનલમાં પ્રવક્તાએ જે વિગતો આપી તેનો ભાવાનુવાદ ટૂંકમાં લગભગ આ પ્રમાણે હતો :

  • અમેરિકા હવે આદૂંનો સ્વાદ માણવા આતુર છે.
  • હળદરને હેલ્ધી લાઇફ બનાવવા અસરકારક ઔષધરૂપે પ્રયોજવા ધારે છે.
  • તુલસીને બીમારીઓ સામે લડવા માટે તલવારરૂપે વીંઝવા માગે છે.
  • અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં આયુર્વેદની લોકપ્રિયતા ઊભી થઈ ચૂકી છે
  • અમેરિકાના હેલ્થ વિભાગે કૅન્સરના ઉપાયને ધ્યાનમાં લઈને ભારતની આયુર્વેદસંસ્થાઓ સાથે સંપર્ક શરૂ કરી દીધો છે.
  • આદૂંની એક વિશેષ જાત પર કૅન્સરના ઈલાજ બાબત સંશોધન થઈ રહ્યું છે.
  • ૩૫૭૪ પેપર્સ કૅન્સરના સંશોધન અંગે તૈયાર થયાં છે; હળદર પર ૧૧૬૧ પેપર, આદૂંના ફાયદા પર ૨૫૦૦ પેપર, સૂંઠના ફાયદા પર ૬૬૮ પેપર, જીરૂના લાભો અંગે ૫૮૨ પેપર તૈયાર થયાની માહિતી આ ચેનલ પરથી જાણવા મળી છે !!

અમેરિકામાં માતાઓ પોતાનાં બાળકોને શરદી–ઉધરસ જેવી તકલીફોમાં દવાખાને લઈ જવાને બદલે ઘરે જ હળદરવાળું દૂધ વિશ્વાસથી પીવડાવે છે !

હોટેલોમાં હવે હળદર, લવિંગ, આદૂં, કાળાં મરીનાં મિશ્રણથી તૈયાર થયેલાં જાતજાતનાં પીણાં લોકપ્રિય થયાં છે. “ટર્મરિક કૉફી”નું નામ યાદ રાખી લેવું પડશે કારણ કે હવે ભારતમાં વાયા અમેરિકા આ પ્રકારનાં પીણાં આવી રહ્યાં છે ! (ગામડાંમાં જ તૈયાર થયેલાં શાકભાજી શહેરમાં જઈને ગામમાં વેચાવા આવે તેવી વાત કહેવાય !)

ચેનલના કહેવા મુજબ અમેરિકામાં ત્રણેક લાખ લોકો આયુર્વેદના સિદ્ધાંતો મુજબ જીનરીતિ અપનાવી ચૂક્યા છે.

આસો માસની તેરશને દિવસે ભારતમાં સોનું ખરીદવાનો રિવાજ છે પણ મોટાભાગનાને ખબર નહીં હોય કે આ ધનતેરશ એ આયુર્વેદના દેવતા ધન્વન્તરિ દેવનો દિવસ છે ! આયુર્વેદના અનુયાયીઓ આ દિવસે તેમની પૂજા કરે છે.

આશા રાખીએ કે ભારતના લોકો વાયા અમેરિકા આયુર્વેદને અપનાવીને પોતાની અઅક્ષમ્ય ભૂલ સુધારશે.

સૌજન્ય અને સંદર્ભ : DNA ચેનલ : https://www.facebook.com/NirogStreet/videos/938506349835342/

યુવાન વૈદ્ય રાજેશ ઠક્કરને ગુજ. ગૌરવ પુરસ્કાર

અમદાવાદના શિવરંજની ચારરસ્તા પાાસે આવેલું વિશાળ આયુર્વેદ ચિકિત્સાલયના સર્જક અને સંચાલક તથા આયુટ્રસ્ટના ટ્રસ્ટી યુવાન વૈદ્ય શ્રી રાજેશ ઠક્કરનું “ગુજરાત ગૌરવ પુરસ્કાર”થી સન્માન થવાના સમાચાર અમારા વાચકોને અપાયા હતા.

આજે એ સન્માન સમારંભની સચિત્ર વિગતો વાચકો સમક્ષ રજૂ કરતાં ટ્રસ્ટ અને आयु-डायजेस्ट આનંદ અનુભવે છે.

વીડિયો જોવા નીચેની લિંક ક્લિક કરો

ગુજરાત ગૌરવ પુરસ્કાર : શ્રી રાજેશ ઠક્કરને

આયુર્વેદ : રાષ્ટ્ર-ચિકિત્સા

આયુર્વેદ

आयुर्हिताहितं व्याधिर्निदानं शमनं तथा ।

विद्यते यत्र विद्वदिभः स आयुर्वेद उच्यते ।।भावप्रकाश

આયુષ્ય માટે હિતકર શું અને અહિતકર શું ? રોગોનાં કારણ અને ઉપાય શાં ? એ બધું વિદ્વાનો જે શાસ્ત્ર દ્વારા જાણે છે તેને ‘આયુર્વેદ’ કહેવામાં આવે છે.

આયુર્વેદ-ચિકિત્સા જ રાષ્ટ્ર માટે સૌથી વધુ ઉચિત ચિકિત્સા પ્રણાલી છે, કારણ કે-

તે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ છે; ઋષિમુનિઓનો અમર વારસો છે; આપણા ભગીરથ પુરુષાર્થનું પ્રતીક છે.

તે હજારો વર્ષોના અનુભવથી રચાયેલ છે; હજારો વર્ષો પસાર થયા છતાં તેમાંનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઊલટાનું સત્યની કસોટીમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.

તેનાં મૂળ હજારો વર્ષ પહેલાં નંખાયેલા છે અને તે તિબેટ, ચીન, બ્રહ્મદેશ, સિલોન, જાવા, સુમાત્રા, અરબસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધી પણ ફેલાયેલાં છે !

તે ગામડે-ગામડે, શહેરે-શહેર અને ઘેર-ઘેર પ્રત્યેક ભારતવાસીઓની રગેરગમાં વસી ગયેલ છે. તેનાં ઔષધો સર્વત્ર મળી શકે તેવા, સસ્તાં, હિતકર અને નિર્દોષ છે.

ગુલામીનાં સેંકડો વર્ષ પસાર થવા છતાં, દેશની ૮૨ ટકા જનતા આજે પણ એનું જ શરણ સ્વીકારી તંદુરસ્તી જાળવે છે, મેળવે છે. સ્વસ્થવૃત્ત અને સદ્દવૃત્ત દ્વારા તે તન કે મનમાં, રોગના એક પણ અંશને દાખલ થવા દેતી નથી અને દાખલ થયેલાને પૂર્વરૂપમાં જ પથ્ય દ્વારા આગળ વધતો અટકાવે છે.

તે એક રોગને કાઢતાં તેની સાથે સંબંધ ધરાવનાર અનેક રોગોને જડમૂળથી દૂર કરે છે. જૂનામાં જૂના અને દરેક જાતના સાધ્ય રોગોને શોધન, શમન કે પથ્ય દ્વારા બહાર ફેંકી દે છે.

યુગોથી વારસાગત સંબંધ હોવાથી તેમાં આપેલા ઉપાયો, નિયમો કે ઉપચારો પ્રત્યેક માણસને અનુકૂળ બને તેવા છે. તેને અપનાવવાથી માણસ પોતાની જાતે રોગ, તેનાં કારણ અને ઔષધો વિષે જાણકાર થઈ જાય છે તેમ જ તેને નીરોગી રહેવા માટેનો સાચો માર્ગ પણ મળી જાય છે.

તે માત્ર રોગની ચિકિત્સાનું જ શાસ્ત્ર નથી પણ જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર અદ્રિતીય વિજ્ઞાન છે.

તે સ્વાવલંબન, સ્વદેશી અને રાષ્ટ્રપ્રેમના તાણાવાણાથી વણાયેલ છે. અને એ રીતે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય દ્રષ્ટિએ દેશને સૌથી વધુ અનુકૂળ છે.

ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયે, વધુ વિસ્તારમાં તે આપણી આરોગ્ય-સમસ્યાને હલ કરી શકે તેમ છે.

ટૂંકમાં, આરોગ્યશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રની જે લાયકાત હોવી જોઈએ તે બધી આયુર્વેદમાં છે અને એ રીતે તે આપણી રાષ્ટ્ર-ચિકિત્સા છે.

વૈદ્ય શોભન વસાણી (શોભનકૃત ‘રોજિંદો આયુર્વેદ’માંથી સાભાર)

હેરડાય સામે લાલબત્તી

આજકાલ નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યાઓ ખૂબ જ જોવા મળે છે જે લોકો માટે ખૂબ ચિંતાનો વિષય બની જાય છે. પરંતુ  આના ઉપચાર કુદરતી દ્રવ્યો દ્વારા કઈ રીતે કરવા તેનું જ્ઞાન પણ ન હોવાને કારણે તથા આ સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ શકતા નથી તેવી માન્યતાને કારણે લોકો હેરડાય તરફ વધુને વધુ આકર્ષાય છે.

એક મોજણી પ્રમાણે સફેદ વાળથી કંટાળેલા ૮૭ ટકા લોકો હેરડાય કરે છે. અથવા કરાવે છે. આ લોકો જાણતા નથી કે એકનો ઉપાય કરતાં તેઓ બીજી ઘણી વધારાની ઉપાધીઓ ઉભી કરે છે. હેરડાય આપણા શરીર માટે એટલી નુકશાનકર્તા છે કે તેના જેટલું ખરાબ એકે સાધન નથી.

અમેરિકામાં થયેલ સંશોધન મુજબ ડાઈમાં વપરાતું પેરાફિનાઈલીન ડાયામાઈન આંખમાં મોતિયો અને ઝામર જેવા રોગો પેદા કરે છે. અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યુટના સંશોધન મુજબ હેરડાઈમાં વપરાતા ૧૩ રસાયણો કેન્સર માટે જવાબદાર છે.

હેરડાયથી થોડા જ સમય પછી વાળ ઉતરવા લાગે છે. ટાલ પણ પડે છે. કેટલાકને તો ત્વચા પર એલર્જી થાય છે. રેશીઝ પડે છે. કેટલાકને સોરાયસીસ થાય છે, જે ચામડીનો ખરાબમાં ખરાબ રોગ છે. ક્યારેક ખંજવાળ આવે છે, પછી સોજો થાય, ખોપરીની ચામડી ઉખડવા લાગે, કેટલાકને ખસ, ખરજવું પણ થાય છે. અરે, હેરડાઈથી કેટલાકને કેન્સર પણ થાય છે.

હેરડાયથી આંખોને ઘણું નુકશાન થાય છે. હેરડાયથી સેક્સ ઉપર પણ ઘણી અસર થાય છે. તેનાથી સેક્સહોર્મોન્સ ઓછા થાય છે. પરિણામે દાંપત્યજીવન પર પણ ગંભીર અસર થાય છે.

આમ હેરડાયથી સૌંદર્ય તો થોડું મેળવી શકાતું હશે પણ આપણે તે સાથે દશ ગણું નુકશાન પણ વહોરી લઈએ છીએ. તે આપણામાંથી કોઈ જાણતું નથી.

અને સફેદ વાળ માટે હેરડાય સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એવા ભ્રામક ખ્યાલ નીચે આપણે જીવીએ ત્યાં સુધી હેરડાય કર્યા સિવાય રહી શકતા નથી, પરંતુ તેમ નથી. પ્રાચીન કાળમાં પણ પ્રકૃતિમાંથી મળતી વનસ્પતિઓ વડે વાળને રંગતા. હજી પણ આયુર્વેદ પાસે તે માટેના તંદુરસ્ત, આરોગ્યવર્ધક ઉપચારો છે જ પણ આયુર્વેદના ઘણા અભ્યાસીઓ આ ઉપાયો અંગે નહિવત્ જાણકારી ધરાવે છે. કારણ કે એમાં તેમણે મૂળ તો રસ જ લીધો હોતો નથી. હજી પણ ટ્રીટમેન્ટ દ્વારા સફેદ વાળને આયુર્વેદિક વનસ્પતિઓ દ્વારા મૂળમાંથી કાળા બનાવી શકાય છે અને વાળ અને શરીરના સામાન્ય આરોગ્યને લેશ માત્ર હાનિ પહોંચાડ્યા વિના. કેટલાકને તો ૪-૬ માસમાં જ સારો ફાયદો થયાના દાખલા છે.

પરંતુ આપણને ધીરજ નથી. એના કરતા તો આપણને આખી જીંદગી હેરડાય કરવાનું વધુ ગમે છે. કારણ કે તે તાત્કાલિક પરિણામ આપે છે. પછી ભલેને ગમે તેટલું અને કાયમી નુકશાન થતું હોય.

વૈદ્ય નીતાબહેન ગોસ્વામી લિખિત “વાળનું સૌંદર્ય”માંથી સાભાર.

સંપર્ક : Phone : 9825071774 mail : drnitaben@sify.com

વૈદ્ય મિત્રો !

આયુ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓના ભાગ રૂપે શરૂ થયેલા આ બ્લૉગ આયુ ડાયજેસ્ટમાં આપ સૌનું સ્વાગત છે !

આ બ્લૉગનાં પાનાં પર આયુર્વેદ વિષયક લખાણો – જેમાં રોગ–ચિકિત્સા, ઔષધયોજના, વનસ્પતિ પરિચય, ચિકિત્સાના અનુભવો, ગ્રંથપરિચય જેવા અનેક વિષયો પર આપ લખીને અમને મોકલશો તો આયુ ડાયજેસ્ટ પર તેને પ્રગટ કરીને આયુર્વેદપ્રસારમાં આપનું એ યોગદાન ગણીશું.

લખાણમાં કાવ્યો, લેખો, સંશોધનલેખો જેવાં સાહિત્યસ્વરૂપોને આવકારવામાં આવે છે.

આપનો ટૂંકો પરિચય, સરનામું તથા નાની સાઇઝનો ફોટો અને ઇમેઇલ આઇડી લેખની સાથે અવશ્ય મોકલશો.

અતિ ગુણીલી હળદર

સરળ ભાષામાં બાળકોને યાદ રહી જાય તેવું હળદરકાવ્ય !!

હળદર લ્યો કોઈ હળદર લ્યો !
દિલરંગી આ હળદર લ્યો.
રસોઈ માટે હળદર લ્યો,
અથાણાં માટે હળદર લ્યો,
દાળ-શાકમાં હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

કબજિયાતમાં હળદર લ્યો,
વાયુ હટાવે હળદર લ્યો,
પિત્તનું મારણ હળદર લ્યો,
કફને હરતી હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

વહેતા ઘામાં એ ભરી લ્યો,
શ્વાસ હરંતી હળદર લ્યો,
ઉધરસ દમતી હળદર લ્યો,
ગોળો, અરુચિમાં હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

કાકડામાં ખાસ હળદર લ્યો,
ઓપરેશન નહિ, હળદર લ્યો !
ધનૂરથી બચવા હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

રોગો હટાવે હળદર લ્યો,
દવાખાનું ભાગે હળદર લ્યો;
નાણાં બચાવે હળદર લ્યો;
પરોપકારી હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

– સ્વ. નરહરિ ભટ્ટ

(‘ઔષધિગાન’માંથી સાભાર.)

વૈદ્યજગતનું સન્માન !

અમદાવાદના શિવરંજની ચારરસ્તા પર આવેલા વિશાળ આયુર્વેદ ચિકિત્સાલય ‘નિસર્ગ આયુર્વેદમ્’ ના મૅનેજિંગ ડાયરેક્ટર અને ચીફ આયુર્વેદ ફિઝિશિયાન તથા આયુ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રાજેશ ઠક્કરનું

“ગુજરાતનું ગૌરવ” નામક પ્રતિષ્ઠિત ઍવૉર્ડ દ્વારા બહુમાન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે તા. ૨૧/૦૭ના રોજ સાંજે ૭ વાગે થઈ રહ્યું છે !

શ્રી રાજેશ ઠક્કર છેલ્લાં ૨૩ વર્ષથી શુદ્ધ આયુર્વેદિક પદ્ધતિ મારફત નિદાન, ચિકિત્સા અને રોગમુક્તિનું કાર્ય કરી રહ્યા છે. ઉદ્યોગ સાહસિકતાના ઉચ્ચ શિખરો સર કરવા બદલ તેમને આ “ગુજરાત ગૌરવ ઍવૉર્ડ એનાયત થઈ રહ્યો છે.”

કાર્યક્રમનું જીવંત ટેલીપ્રસારણ “મંતવ્ય ન્યૂઝ ચેનલ” પર સાંજે સાત વાગે થશે. GTPL ચેનલ નં. ૨૭૨ પર પણ જોઈ શકાશે. ઉપરાંત ફેસબુક વગેરે માટેની આ લિંક પણ ણપયોગી થશે : https://www.youtube.com/watch?v=62LWEtu59PA&feature=youtu.be

યુવાન વૈદ્ય શ્રી રાજેશભાઈને આયુ ડાયજેસ્ટ મારફત અમે સૌ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ

ઔષધીય વનસ્પતિઓના કવિ સ્વ. નરહરિભાઈ ભટ્ટ

  વંદું છું હું વનસ્પતિ, ઔષધિઓ દેનાર,

આયુષ, બળ ને જ્ઞાન દઈ, કરતી બુદ્ધિમાન.

નરહરિભાઈ ભટ્ટ

 આવી વનસ્પતિને હંમેશાં લાખ લાખ વંદના કરતા ને સતત વનસ્પતિનું ૠણ અનુભવતા શ્રી નરહરિભાઈ નારણભાઈ ભટ્ટ ગામડાગામના એક સીધાસાદા માનવી. દહેગામ તાલુકાના ખાનપુર ગામમાં ૧૯૧૭ આસપાસ જન્મ. ગળથૂથીમાં જ આયુર્વેદની ભક્તિ પામેલા નરહરિભાઈનું જીવન અને કવન માનવસેવા, વનસ્પતિપ્રેમ અને ઈશ્વરભક્તીથી ઊભરાય છે.

 અમદાવાદમાં ટેક્ષ્ટાઈલ મીલના કામદાર તરીકે જીવન વિતાવનાર શ્રી નરહરિભાઈમાં રહેલી શક્તિઓ તક મળતાં જ પ્રગટ થતી રહી. મીલકામદાર તરીકે તેઓ ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજન સંઘમાં સીધા સંકળાયેલા હતા જ. પરંતુ તેમની સેવાભાવનાએ તેમને સેવાદળના સૈનિક તરીકે સક્રિય બનવાની તક ઝડપી લીધી. આને કારણે તેમને શ્રમિક જગતમાં નામના પણ ઘણી મળી. સેવાદળને કારણે જ તેઓ કામદાર વીમા યોજનાની સલાહકાર સમિતિના સભ્ય બન્યા. એ જ કારણસર મજૂર સંદેશનામના સંસ્થાના મુખપત્ર દ્વારા કવિરૂપેય ખ્યાતિ પામ્યા.

 તેમનો બીજો ગુણ તે વનસ્પતિપ્રેમ. નાનપણથી જ તે બંધાયો હતો. ગામડામાં ખેતરનાં કામોમાં કોઈને દાતરડું કે કોઈ સાધન વાગી જાય ત્યારે હાથવગા ઉપચારમાં યોજાતા ઘાબાજરિયું કે કુકડવેલના ચમત્કારોથી તેઓ અભિભૂત થયેલા.

 એવામાં પંદરેક વરસની ઉંમરે ગાંધીજીએ લખેલી પુસ્તિકા આરોગ્ય વિષે સામાન્યજ્ઞાનતેમના વાંચવામાં આવી. તેની અસરમાં તેમણે સાજા રહેવાની ને માંદા ન પડવાની વાત જાણી ને કોઠે કરી લીધી. દિનચર્યા અને ૠતુચર્યાનું સ્થાન તેમના જીવનમાં કાયમી થઈ ગયું.

 સેવાદળમાં હતા ત્યારે વીમાયોજનાના દવાખાનાના એક વૈદ્યરાજ શ્રી પુરુષોત્તમ જાનીનો કટાક્ષ સેવાદળમાં રહેનારાએ આવા માંદલા શરીરે ન જીવાય. આવો મારી સાથે ને નરવા બનો.તેમને અખાડામાં જતા કરી દે છે. પછી તો આયુર્વેદનું વાચન પણ વધતું જ ગયું.  

 પણ યરવડાની જેલમાં હતા ત્યારે એમને એક બીમારી વળગી. બરોળ વધી. કોઈ ઉપચાર કારગત ન નીવડ્યા, એવામાં એમને કોચરબ આશ્રમ નજીકના મનુવર્યજી પાસે યોગની તાલીમ મળી. એને લઈને એમનો એ રોગ મટ્યો. પણ છેક ૧૯૬૭–’૬૮માં સાયકલ પર વાગવાથી ઘૂંટણની ઈજા ભોગવવાની આવી જેણે એમને એક નવી જ દિશાનું પગરણ માંડી આપ્યું અને તેઓ ઔષધીય વનસ્પતિઓનાં ૨૦૦ જેટલાં કાવ્યો લખી શક્યા !!

 ઘૂંટણની બીમારી તો એમને મીલમાંથી રાજીનામું આપવું પડે તે હદે લઈ ગઈ. કોઈ ઉપાય ન થયો ત્યારે વીમા યોજનાના દવાખાનામાં વૈદ્ય તરીકે સેવા આપનાર વૈદ્ય શોભનની સારવાર મળી ગઈ. બે જ અઠવાડિયામાં ઘૂંટણ સો ટકા સારો થઈ ગયો !! આ જ બાબત તેમને નવેસરથી આયુર્વેદ અને શોભન સાથે જોડી આપનારી બની રહી.

 ત્રીજી એમની નિષ્ઠા રહી તે ઈશ્વર પ્રત્યે, ધાર્મિક અને આધિભૌતિક બાબતો પ્રત્યે ઉપરાંત વેદોક્ત વિધિઓ સાથે… તેઓ ગોરપદુંય કરતા અને સાથે સાથે વૈદિક વિધિઓના ભાગરૂપે કેટલાય સંસ્કારો કરાવતા, જેમાં ગ્રામીણ ટુચકાય આવી જતા ! મુંજની દોરીને રૂતેલમાં બોળી, સળગાવીને કોઈનો આંખનો ઝોંકો ઉતારવો, પેચોટી ખસી ગયેલાને ઠીક કરી આપવું તથા ક્ષીણ શરીર થઈ ગયેલાં બાળકોની એક વિશિષ્ટ પ્રકારની સારવાર કરવી વગેરે તેમને લોકપ્રિય બનાવનાર ગણાય. આવાં બાળકોની કમરે તેઓ નાગરવેલનાં પાનનો રસ ઘસીને શરીરમાંથી કાંટા જેવો પદાર્થ કાઢતા તે તો કોઈનેય ન સમજાય તેવું હતું !

 ૠષિઓ અને વડવાઓએ જે બતાવ્યું છે તેનાં વૈજ્ઞાનિક કારણોતથ્યો શોધવામાં તેમને બહુ રસ. આ બધાંમાં કાંઈક તો સંકેતો હશે જ તેવી તેમની શ્રદ્ધા એમની પાસે ઘણા પ્રયોગો કરાવનારી હતી. આયુર્વેદ અને ઈશ્વર પરની તેની શ્રદ્ધા તેમના કવનનું આધારભૂત તત્ત્વ છે. એમના જીવનવ્યવહારોમાં અને કવનમાં આ તત્વો ધ્રુવપંક્તિ બનીને વહે છે.

 એમની એક માંદગી એમને લગભગ મત્યુશૈયા સુધી ખેંચી જાય છે. આ વખતેય શોભન વચ્ચે આવ્યા ! નરહરિભાઈને પાછા વાળ્યા એટલું જ નહીં, ગુજરાત માટે એક ચમત્કારિક કામગીરીને પ્રેરનારા પણ બન્યા.

 માંદગીના બીછાને સમય પસાર કરવા માટે શોભન તેમને પોતાનાં આયુર્વેદીય ભાવનાભર્યાં કાવ્યોની કેસેટ સાંભળવા માટે આપતા ગયા. આ કેસેટનાં કાવ્યો સાંભળીને ભટ્ટજીની અંદર રહેલો આયુર્વેદીય ઔષધિઓનો ભાવક જાગી ઊઠ્યો. એમણે એક કાવ્ય લીમડા વિશે લખીને શોભનને બતાવ્યું. શોભને ખુશ થઈને એવાં વધુ કાવ્યો લખવા માત્ર અછડતું સૂચન જ કર્યું, પણ બીછાને પડેલા આ જીવને તો જાણે ઢાળ મળી ગયો ! ધસારાબંધ કાવ્યો રચાવા માંડ્યાં. આંકડો સોએક ઉપર ગયો ત્યારે આ કાવ્યો મને બતાવીને શોભનજીએ મારો અભિપ્રાય માંગ્યો. હું ૧૯૬૨–’૬૫નો એમનો વિદ્યાર્થી હતો. પણ સાહિત્યના માણસ તરીકે મેં કહ્યું કે વાનસ્પતિક અને ઔષધીય બાબતો ઉત્તમ છે પણ કાવ્યત્વ બાબતે બહુ તકલીફ છે. એમણે પૂછ્યું કે શું થઈ શકે ? મેં કહ્યું કે એને મઠારી શકાય તો કામ થાય. મને એમણે લગભગ આજ્ઞા જ કરી દીધી !

 એમનાં ૧૨૦ જેટલાં પદ્યોને કંઈક કાવ્ય કહી શકાય એવું રૂપ આપવા મહિનાઓ ગયા. શબ્દો, વાનસ્પતિક નામો, ઔષધિઓના ગુણો, ઉપચારો અને ભાવનાઓ જેમની તેમ રાખવાનું અનિવાર્ય હતું. છતાં તેય થઈ શક્યું… … …

 અને એમ એમનો ઐતિહાસિક કાવ્યસંગ્રહ ઔષધિગાન ભાગ શ્રી શોભન દ્વારા પ્રગટ થયો ! ઔષધીય વનસ્પતિઓનાં ગુણ ગાતાં કાવ્યોનો ગુજરાતનો એ પ્રથમ સંગ્રહ બન્યો….

(સંક્ષિપ્ત પરિચયઃ જુગલકિશોર)

વૈદ્ય શોભનની સ્મૃતિમાં ભજનસંધ્યા

ગઈ કાલે સાંજે અમદાવાદના આશ્રમરોડ પર આવેલા વલ્લભસદનના હૉલમાં, બરાબર સાતને ટકોરે ખ્યાતનામ ભજનિક શ્રી હેમંત ચૌહાણે શ્રી ગણેશને સ્મરીને આ ભજનસંધ્યાને સુરલહરીઓથી ગુંજતી કરી દીધી હતી.

જૂનાં ભજનોની સાથે સાથે શ્રી શોભનરચિત હૈયામાં ઊતરી જાય એવાં કેટલાંક ગીતો–ભજનો એમણે સંભળાવ્યાં. આખા દિવસના કાર્યક્રમો આટોપીને સીધા જ કાર્યક્રમમાં આવી ગયેલા હેમંતભાઈએ પોતાના પ્રિય કવિ–વૈદ્ય શોભનની સ્મૃતિમાં દિલ દઈને ભજનો લલકાર્યાં હતાં.

આ ઉપરાંત સુમધુર કંઠથી જાણીતા સંગીતકાર શ્રી વિષ્ણુ પનારાએ પણ કેટલીક રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમમાં શ્રી શોભનના નાનાભાઈ, જાણીતા વૈદ્ય–લેખક શ્રી વત્સલ વસાણીનાં ધર્મપત્ની શ્રીમતી નીલાબહેન ઉપરાંત આયુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સંગીતકારો અને હૉલને સાંકડો કરી મૂકતા મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ સંગીતના સૂર અને તાલેતાલે ભાવાંજલિ અર્પીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સભાનું સંચાલન ખ્યાતનામ કવિ અને ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી માધવ રામાનુજે કર્યું  હતું.

 

 

અંતરમાં પડઘાય હજીયે શોભન શોભન !

smruti-granth.jpg

શોભન…શોભન…

– માધવ રામાનુજ

અંતરના ઉંડાણે આ પડઘાય હજીયે શોભન શોભન.

સંભારી સંભારી હૈયું આકળવિકળ થાય હજીયે…શોભન શોભન.

એક હંસલો અમરલોકથી ઊડી ઊડીને આવ્યો…,

દિવ્યલોકનાં અમરતને એ મરતલોકમાં લાવ્યો;

ટીપેટીપે પ્રાણ સજીવન થાય હજીયે….શોભન શોભન.

આયુર્વેદનું અમૃત અઢળક વ્હાલ ભરી વરસાવ્યું,

દિવ્ય ઔષધિ રડતી જોઈને હૈયું ભરાઈ આવ્યું;

મૂંગાં હિબકાં રહી રહી સંભળાય હજીયે….શોભન શોભન.

વર્તન–વાણી ને વ્યવહારે સદાય આયુર્વેદ –

સહુ દરદીને સ્વજન ગણ્યાં ને રાખ્યો નહિ કોઈ ભેદ;

અરે ! તમારા શબ્દો આ પડઘાય હજીયે….શોભન શોભન.

સારવારમાં સદાય તત્પર નિર્મળ–પ્રસન્ન મનથી,

કલમ નિરામય રહી નિરંતર, મહેકી રહ્યા કવનથી;

અક્ષર અક્ષરમાંથી ઊઠતું ગાન હજીયે…શોભન શોભન.

વાત્સલ્યોનાં શસ્ત્ર લઈને વ્યસનો સામે લડતાં,

કેટકેટલાં હૃદયો આજે સંભારીને રડતાં;

મરમાળું એ હાસ્ય તમારું હૈયામાં પડઘાય હજીયે…શોભન શોભન.

***************

આ દિવ્ય ઓષધિ રડતી !!

(ગાન)

રડતી…, રડતી…!

આ દિવ્ય ઔષધિ રડતી !

 

ગયા યુગમાં જે ઔષધનાં વાવેતર  યોજાતાં’તાં,

જીવ માત્રના જતન કારણે રક્ષણ જેનાં થાતાં’તાં;

આજ કોલસા કાજ એ જ કાં આગ મહીં હડહડતી !…..

આ દિવ્ય ઔષધિ રડતી !

 

પ્રભાતકાળે તુલસીક્યારે જલસીંચન જ્યાં થાતાં’તાં,

પુનિત પત્રનાં ડગલેપગલે પૂજન જ્યાં યોજાતાં’તાં;

હાય ! આજ રે, એ ઉપયોગી નથી દૃષ્ટિએ ચડતી !…..

આ દિવ્ય ઔષધિ રડતી !

 

લાખ્ખો ક્ષય કે રક્તપિત્ત યા ઉધરસમાં પીડાતાં જ્યાં,

અરડૂસીના ત્યાં  જ છોડવા  નિર્દય થૈ ખોદાતા  કાં ?

પરદેશી ઔષધના યોગે પ્રજા રોગમાં પડતી !…………

આ દિવ્ય ઔષધિ રડતી !

 

વૃદ્ધપણું, રોગો હરનારાં આજ આંબળાં છે ક્યાં ?

હરડે જગનું હિત કરનારી, કોઈ ધ્યાન કાં દેતું ના ?

રડે આકડો ! રડે પીપળો ! ગળો ડૂસકાં ભરતી !………

આ દિવ્ય ઔષધિ રડતી !

 

– શોભન.

જગતની શ્રેષ્ઠ ચીજો

– શોભન

જળમાં અંતરિક્ષ જળ 

દૂધમાં ગાયનું દૂધ 

દહીમાં ગાયનું દહીં

માખણમાં ગાયનું માખણ

ઘીમાં ગાયનું ઘી

ફળોમાં કાળી દ્રાક્ષ

અનાજમાં ઘઉં

ચોખામાં લાલ ચોખા

કઠોળમાં મગ

શાકોમાં પરવળ

ભાજીમાં જીવંતી (ખરખોડી)

કંદમૂળોમાં કુમળા મૂળા

તેલોમાં તલનું તેલ

શેરડીજન્યમાં સાકર

ગોળમાં માટલાનો ગોળ

લવણોમાં સિંધવ

પીણામાં દૂધ

મુખવાસમાં લવિંગ

દાતણમાં કરંજ

ઔષધોમાં શિલાજિત

વિહારમાં બ્રહ્મચર્ય

–––––––––––––––––––––––––– 

(રોજિંદો આયુર્વેદમાંથી સાભાર)

જ્ઞાન–અનુભવયુક્ત આયુર્વેદિક પુસ્તકોનો સૅટ મેળવો ૫૦ % કિંમતે !!

આયુર્વેદનાં જ્ઞાન–અનુભવયુક્ત ૧૦૧ પુસ્તકોનો સૅટ ૫૦%ની કિંમતે મેળવવા સંપર્ક કરો :
મુખ્ય કાર્યાલય : આયુ સેન્ટર,
303, હરેકૃષ્ણ કૉમ્પ્લેક્સ, પાલડી, અમદાવાદ – 380007

ફોન : 079 26585303 / 9978860827 / 7984278913  (૧૧.થી ૪.૦)

ચૅક AYU TRUST ના નામનો લખવો
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ક્રમ પુસ્તકનું નામ                                 કિંમત રૂ.

૧. અતૃપ્ત ઝંખના (આયુર્વેદીય નવલકથા) ૮૦
૨. अतृप्त झंखना (હીન્દી)                      ૧૦૦
૩. અનુભવનું અમૃત (ભાગ પહેલો)          ૬૦
૪. અનુભવનું અમૃત (બીજો)                  ૬૦
૫. અનુભવનું અમૃત (ત્રીજો)                  ૧૦૦
૬ અનુભવનું અમૃત (ચોથો)                   ૧૦૦
૭ અનુભવનું અમૃત (પાંચમો)                ૧૦૦
૮ અનુભવનું અમૃત (છઠ્ઠો)                    ૧૦૦
૯ અનુભવનું અમૃત (સાતમો)                ૧૦૦
૧૦ આપણાં ઈમર્જન્સી ઔષધો               ૩૫
૧૧ આમળાં                                          ૫૦
૧૨ આમળાં (સંક્ષિપ્ત)                            ૨૫
૧૩ આયુર્વેદ આપણાં સૌનો                    ૪૦
૧૪ આયુર્વેદ નિનાદ (આયુર્વેદીય ગીતો)   ૨૫
૧૫ આયુર્વેદ હવે ઘરઘરમાં                      ૩૦
૧૬ આયુર્વેદની પુનઃપ્રતિષ્ઠા                     ૩૦
૧૭ આયુર્વેદીય રેડિયોવાર્તાલાપ (સાતપ્રશ્નો) ૧૦
૧૮ આયુર્વેદીય વાર્તાલાપ ૨૫
૧૯ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧ (લેખો) ૪૦
૨૦ આરોગ્ય અને ઔષધ ભાગ – ૨ ”         ૪૫
૨૧ આરોગ્ય અને ઔષધ ભાગ – ૩ ”         ૪૦
૨૨ આરોગ્ય અને ઔષધ ભાગ – ૪            ૪૦
૨૩ આરોગ્ય અને ઔષધ ભાગ – ૫            ૪૦
૨૪ આરોગ્ય અને ઔષધ ભાગ – ૬             ૬૦
૨૫ આરોગ્ય અને ઔષધ ભાગ – ૭            ૩૫
૨૬ આરોગ્ય અને ઔષધ ભાગ – ૮             ૩૫
૨૭ આરોગ્ય અને ઔષધ ભાગ – ૯             ૩૫
૨૮ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૦           ૩૫
૨૯ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૧           ૫૦
૩૦ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૨            ૫૦
૩૧ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૩            ૫૦
૩૨ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૪            ૫૫
૩૩ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૫           ૫૦
૩૪ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૬           ૫૫
૩૫ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૭          ૫૫
૩૬ આરોગ્ય અને ઔષધ ભાગ – ૧૮           ૬૦
૩૭ આરોગ્ય અને ઔષધ ૧૨૫
૩૮ આરોગ્ય આપણા સૌનું – ૨ (વિહાર)     ૩૦
૩૯ આરોગ્ય આપણા સૌનું – (વિહાર–૨)    ૨૫
૪૦ આરોગ્ય પ્રશ્નોત્તરી – ૧ (૧૫૧ પ્રશ્નો)        ૩૦
૪૧ આરોગ્ય પ્રશ્નોત્તરી – ૨ (૧૫૧ પ્રશ્નો)        ૩૦
૪૨ આરોગ્યરક્ષા                                       ૨૫
૪૩ આરોગ્ય–સૂત્ર (શ્લોકો–સૂત્રો)                  ૨૦
૪૪ આહાર વિવેક                                      ૩૦
૪૫ ઈમર્જન્સી બૉક્સ                                 ૩૦
૪૬ ઉત્તમ ઇચ્છિત સંતાન (પુંસવન પ્રયોગ) 125
૪૭ ઉપયોગી ચૂર્ણો (૪૦ ચૂર્ણો)                    ૩૫
૪૮ ઊઠો ! આયુર્વેદને અપનાવો                  ૧૦
૪૯ કફના રોગો                                         ૩૫
૫૦ કાકડા                                                 ૧૦
૫૧ કાનના રોગો                                        ૩૦
૫૨ કાનના રોગો (સંક્ષિપ્ત)                          ૨૦
૫૩ ક્રિયાત્મક આયુર્વેદ                               ૩૦
૫૪ ગાંધીજીની આયુર્વેદ દૃષ્ટિ                      ૧૫
૫૫ ગુજરાતનું વનૌષધિ દર્શન                   ૧૦૦
૫૬ ઘરગથ્થુ તાત્કાલિક સારવાર                  ૩૦
૫૭ ચામડીના રોગો (સર્વ ત્વચા રોગો)         ૧૫
૫૮ જ્વર ચિકિત્સા                                     ૨૦
૫૯ ઝેર તો પીવાતાં જાણી જાણી ! – ૧         ૧૦
૬૦ ઝેર તો પીવાતાં જાણી જાણી ! – ૩         ૨૫
૬૧ તમારો રોગ – તમારું આરોગ્ય –  ૧         ૩૫
૬૨ તમારો રોગ – તમારું આરોગ્ય – ૨         ૩૫
૬૩ તમારો રોગ – તમારું આરોગ્ય – ૩        ૩૫
૬૪ તમારો રોગ – તમારું આરોગ્ય – ૪        ૩૫
૬૫ તમારો રોગ – તમારું આરોગ્ય – ૫        ૩૫
૬૬ તમારો રોગ – તમારું આરોગ્ય – ૬        ૩૫
૬૭ તમારો રોગ – તમારું આરોગ્ય – ૭        ૩૫
૬૮ તમે જ તમારા વૈદ્ય                                ૫૦
૬૯ દ્રાક્ષ                                                     ૧૦
૭૦ દિવ્ય ઔષધિ – ૧ (૨૦ વનસ્પતિ)           ૩૫
૭૧ દિવ્ય ઔષધિ – ૨ (ચારસો પ્રયોગ)         ૩૫
૭૨ દિવ્ય ઔષધિ – ૩ (પાંચસો પ્રયોગ)        ૪૦
૭૩ દિવ્યૌષધિ શતક (પ્રદર્શન મૅટર)            ૮૦
૭૪ दिव्यौषधि शतक (હિન્દી)                      ૭૦
૭૫ નિત્ય નિરોગી (આહારવિષયક લેખો)     ૨૫
૭૬ નિદ્રા                                                    ૧૦
૭૭ પુનઃ આયુર્વેદ પ્રતિ                                 ૧૦
૭૮ ફળો – આહારરૂપે – ઔષધરૂપે            ૬૫
૭૯ બાહ્યોપયોગી ઔષધો (તેલ–ઘૃત–મલમ) ૨૫
૮૦ બાળકોના રોગો                                   ૭૫
૮૧ મૃત્યુને આલિંગન                                   ૨૫
૮૨ રોગ–પ્રતિકાર                                       ૩૦
૮૩ રોજિંદા રોગો                                        ૩૫
૮૪ રોજિંદાં આયુર્વેદ                                  ૧૧૫
૮૫ વનસ્પતિ ઔષધો–૧ (સુપરિચિત વનસ્પતિ)૩૦
૮૬ વનસ્પતિ ઔષધો–૨ (સુપરિચિત વનસ્પતિ)૩૦
૮૭ વાયુના રોગો                                         ૩૫
૮૮ વાળના રોગો                                         ૯૦
૮૯ વાળના રોગો (સંક્ષિપ્ત)                           ૪૫
૯૦ વાળની સંભાળ (પોકેટ બુક)                    ૨૫
૯૧ શિરઃશૂલ                                                ૨૫
૯૨ સદા સ્વસ્થ કેમ રહેશો ?                         ૧૨૫
૯૩ તમે જ તમારા વૈદ્ય                                   ૫૦
૯૪ શૂલ                                                        ૧૫
૯૫ સ્વાવલંબી ચિકિત્સા – ૧                          ૨૫
૯૬ સ્વાવલંબી ચિકિત્સા – ૨                          ૨૫
૯૭ સ્વાવલંબી ચિકિત્સા – ૩                          ૨૫
૯૮ સ્વાસ્થ્ય રક્ષા                                           ૩૦
૯૯ સ્ત્રીઓના રોગો                                        ૨૦
૧૦૦ સચિત્ર દિવ્યૌષધિદર્શન – ૧                    ૧૨૦
૧૦૧ સચિત્ર દિવ્યૌષધિદર્શન – ૨                    ૧૨૦
૧૦૨ સચિત્ર દિવ્યૌષધિદર્શન – ૩                    ૧૨૦
૧૦૩ સદ્ય ચિકિત્સા (ઈમર્જન્સી સારવાર)          ૩૦
૧૦૪ સર્વોત્તમ ૩૦ ઔષધો                               ૩૦
૧૦૫ સર્વોપયોગી ઔષધપેટી (૧૬ ઔષધો)      ૧૦
૧૦૬ સર્વોપયોગી ઔષધો                               ૨૫
૧૦૭ સુપરિચિત ચૂર્ણો                                     ૩૫
૧૦૮ સૌએ સમજવા જેવું (મનનીય લેખો)         ૪૫
૧૦૯ અનુભૂત ચિકિત્સા (વૈદ્ય વત્સલ વસાણી)   ૨૫
૧૧૦ ઓષધિગાન ભાગ – ૧ (નરહરિભાઈ)         ૪૦
૧૧૧ પંચકર્મ (વૈદ્ય મગનભાઈ ભટ્ટ)                    ૩૦

કુલ કિંમત આશરે              ૪૯૬૦/–

 

 

 

વેદો–પુરાણોમાં વનસ્પતીમાહાત્મ્ય

– સંપાદનઃ સ્વ શ્રી નરહરિભાઈ ભટ્ટ

 

ભગવદગીતા 

જેનું આદિપુરુષ પરમાત્મારૂપ મૂળ ઉર્ધ્વ છે, અને બ્રહ્માથી લઈ સ્થાવર–જંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે; છંદો જેનાં પાંદડાં છે એવા આ સંસારને અશ્ચત્થવૃક્ષ રૂપે કહેલો છે. જે તેને જાણે છે તે વેદને જાણનારો છે. (૧૫/૧)

હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તી વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું. તથા રસરુપ ચન્દ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. ( ૧૫/૧૩)

વિષ્ણુસહસ્ત્રનામ

‘સોમ’; ‘વૃક્ષ’; ‘પુષ્કરાક્ષ’; વનમાલી; કુંદર, કુંદ; ન્યગ્રોધ; ઉદુંબર; અશ્વત્થ; સુપર્ણ; પુષ્પહાસ;

શુક્લયજુર્વેદીય રુદ્રાષ્ટાધ્યાયી

“વસંતરૂપી ઘૃત ગ્રીષ્મ ઈન્ધનો,

શરદ્ ૠતુ એ હવિનાં સુ–સાધનો;

પરિધિઓ એમની છે જ સપ્ત,

તથા સમિધો સહુ એકવીશ.”  (પુરુષસુક્ત ૧૪–૧૫)

શતરુદ્રીય

નમું તરુ, ગૌપીઠમાં વસ્યા નમું – ૩૨

નમું ખળાં ધાન્ય ભૂમાં વસ્યા નમું;

નમું જલે, પત્ર વને વસ્યા નમું – ૩૩

નમું હરિત્ કેશી વૃક્ષને નમું; – ૪૦

સૂકાં લીલાં કાષ્ટ, ધૂળે વસ્યા નમું;

રજે, પંથે, ભૂ, તૃણમાં વસ્યા નમું,

પર્ણો, ખર્યાં પર્ણપ્રદેશને નમું. – ૪૫–૪૬

કલ્યાણકારી રૂપ આપનું આ,

કલ્યાણદા ઔષધરૂપ કાયા;

તે દેહથી, વ્યાધી થકી અમોને

આનંદ દ્યો દેવ ! જીવાડવાને. ૪૯

રુદ્રાષ્ટક–૬

હે રુદ્ર ! છો ઔષધરૂપ આપ,

ને આપ છો રોગ નિવારનાર;

તેથી અમારાં જન, ગો, અજાશ્વો

રહે સુખી, ઔષધી, નાથ ! આપો. – ૪

રુદ્રાષ્ટક

સુવાણ અન્ન મધુ દુગ્ધપાન,

સબાંધવો ભોજન શ્રેષ્ઠ લ્હાણ;

રસો ઘૃતાદિ, ત્યમ આમ્ર ઉદ્ભવ,

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત. – ૯

સામો, ચણા, ડાંગર, ગ્રામ્યધાન

ને કોદરા, કાંગ, અરણ્યધાન,

કઠોળ ને કંદ, ઘઉં, મસુર

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત. – ૧૨

પાષાણ, માટી, ગિરિ, પર્વતોએ,

ને કાંકરી, રેતી, વનસ્પતિઓ,

સુવર્ણ, રૂપું, ત્યમ ધાતુ જે જે…

અગ્નિ, લતા, ઔષધી, ધાન્ય, વારી…

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત.. – ૧૩–૧૪

શાંતીમંત્ર

દ્યુલોક શાંતિ, નભલોક શાંતિ;

પૃથિવી શાંતિ, જલમાંહ્ય શાંતિ;

વનૌષધે શાંતિ, વનશ્રી શાંતિ,

ને વિશ્વદેવા, પરબ્રહ્મ શાંતિ,

સર્વત્ર શાંતિ, સહુ શાંતી, શાંતિ;

ને પ્રાપ્ત હો ઈશ કૃપાથી શાંતિ.

 ભગવતી ભાગવત

“જ્યારે સો વર્ષ સુધી વરસાદ નહીં પડે, ત્યારે હું પાર્વતીના શરીરમાંથી પ્રગટ થઈશ. અને તમો બધાને (દેવોને) સો નેત્રોથી નિહાળીશ. જેથી મને શતાક્ષી કહેશે. અને શાક વગેરે ઉત્પન્ન કરીશ તેથી પ્રજાની ક્ષુધા ત્રુપ્ત થશે જેથી મને શાકાભરી(શાકંભરી) પણ કહેશે.” (સ્કંધ – ૭, કથા પાંચમી.)

તેમાંની કેટલીક શક્તિપીઠો આ નામોથી પ્રચલિત છે –

બીલીપત્રમાં‘બિલ્વપત્રિકા’; સહ્યાદ્રીમાં ‘એકવીરા’; વૃંદાવનમાં ‘રાધા’; વિનાયકમાં ‘ઉમાદેવી’; વૈદ્યનાથમાં ‘આરોગ્યા’; ઉત્તમકુરુમાં ‘ઔષધી’; કુશદ્વીપમાં ‘કુશોદકા’.

(સ્કંધ – ૭, કથા સાતમી.)

શ્રી દુર્ગા સપ્તશતી

તું સૂર્યવર્ણા તપથી જ તારા,

આ બિલ્વ નામે તરુ ઉપજ્યું છે.

તેનાં ફળો દુર કરો અલક્ષ્મી,

જે દેહમાં બાર રહી તપોથી. (શ્રી સુક્ત–૬)

અમર્ત્ય્ દેવી, અધ ઊર્ધ્વ, આદ્ય,

સંપુર્ણ વિશ્વે તરુ વૃક્ષ વ્યાપી. (રાત્રીસુક્તમ્–૨)

સો સો વર્ષો લગી પાછી, રોકાશે મેઘવૃષ્ટિ જ્યાં,

જન્મીશ મુનીની પ્રાર્થી, પાર્વતી ઉદરે ભૂમાં..

તદા હું આત્મદેહથી અખીલલોક ઉદ્ભવી,

ઉગાડી આપીશ શાક, પ્રાણ રક્ષીશ શાકથી.

તદા ‘શાકંભરી’ નામે ખ્યાત પામીશ ભૂ પરે. (૪૬–૪૯ અધ્યાય–૧૧)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ઔષધિગાન ભાગ – ૨’ના પરિશિષ્ટમાંથી સાભાર)

હીંગ અહો, રસોડાની રાણી !!

હીંગ !

        — સ્વ. નરહરીભાઈ ભટ્ટ.       

હીંગ અહો, રસોડાની રાણી !

તીખી સુગંધે છમકારાતાં દાળ-શાક

                મોંમાં તત્કાળ લાવે પાણી !…હીંગ અહો.

કોઈ  કરે  ભાભીના  હાથનાં વખાણ,

કોઈ માતાના અનુભવી હાથની કમાલ;

આ તો દીયરજી લાવ્યા એ હીંગની ધમાલ,

          એને આંગળાં ચાટીને  વખાણી !…હીંગ અહો.

ભોજનને સ્વાદીષ્ટ-સુગંધી બનાવે;

બાજુના ઘરમાંયે   જાણ કરી આવે !

નાકને સુગંધ,સ્વાદ જીભને લલચાવે,

          એનું વર્ણન ના કરી શકે વાણી !…હીંગ અહો.

રુચીને જગાડતી ને ભુખને લગાડતી,

પાચનમાં   સાથ   શો   અપાવતી !

આંતરડે જામેલા મળોને ભગાડતી-

              ભેદનશક્તી મેં એની જાણી !!…હીંગ અહો.

ગોળો ને ગૅસ એ તો ક્ષણમાં શમાવતી,

આફરો  ને  શ્વાસને       દમાવતી;

હેડકી, બગાસાંને બળથી હંફાવતી,

                   બંધ વાળતી એનો તાણી !…હીંગ અહો.

મોંઘા વઘારથી ભોજન શણગારતી,

પાચનક્ષમ એને બનાવી મલકાવતી;

ના એ  રસોડાને, ઘરનેયે  તારતી-

                      રાણી મસાલાની શાણી !!

હીંગ અહો, રસોડાની રાણી !     

……………………………

‘ઔષધીગાન ભાગ – 2’માંથી.

આયુર્વેદીય વનસ્પતિનાં કાવ્યો – ૧

મેથી

— સ્વ.નરહરીભાઈ ભટ્ટ.

કડવી તોયે   મને    મીઠી   લાગી,
આ ઢેબરાંમાં મેથી ગુણકારી લાગી !

શાકને દાળમાં,   કઢીના વઘારમાં;
મઘમઘતા   છમકારે  ન્યારી લાગી !….આ.

મેથીના લાડુ ને મેથીનો પાક ખાઈ,
નરવી,  શીયાળામાં   સારી    લાગી !…..આ.

પાચન વધારતી ને ભુખને જગાડતી;
આંગળીઓને    ચટાડનારી    લાગી !……આ.

ઢીંકણ ને કેડનો, એડી,  ખભાનો,

વાયુ, આમ, ઝટ મટાડનારી લાગી……..આ.

હૃદય-બળ આપે, ઉલટી, શુળ દાબે,
મુખમાં   સુગંધ   આપનારી  લાગી……..આ.

મેથીને રીંગણાંનું શાક, જે શીયાળામાં-
ઉંધીયાને પણ ભુલાવનારી લાગી !….આ.

સુંઠ ને દીવેલ સંગ મેથીનો ઉકાળો,
આમવાતને   તો કટારી   લાગી !!…….આ.

જીર્ણજ્વર, વીષમજ્વર કાઢીને જંપતી,
કાયાને નરવી    કરનારી લાગી………આ.

એના હજાર ગુણ જાણે લે લોર્ડજી !
ચોપડી  એની   ચમત્કારી લાગી !

આ મેથી મને ગુણકારી લાગી !

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

૮૯ વરસની ઉંમરે ૧૫૦થી વધુ આયુર્વેદીય ઔષધીઓ ઉપર ૨૦૦ જેટલાં કાવ્યો રચનાર સ્વ. નરહરિભાઈ ભટ્ટ વિષે આ સામયિકમાં ટૂંક સમયમાં જ વિગતવાર લખવામાં આવશે. વાચકોને રાહ જોવા વિનંતી સાથે – આયુર્