Category Archives: Charya

લાખ દુઃખોની એક દવા – ‘લાંઘણ’ !

लंघनम् परम् औषधम् ।

શરીરને ટકાવવાનો મુખ્ય આધાર આહાર છે. આહારને પચાવનાર જઠરાગ્નિ છે. જો પાચનતંત્રમાં વિકૃતિ આવે તો ખોરાક બરાબર પચી ન શકે, અને રસધાતુ કાચી રહી ‘આમ’ નામ ધારણ કરે છે જે મોટા ભાગના રોગોનું કારણ છે.

એટલે જો રોગની અવસ્થામાં વિકૃત થયેલા પાચનતંત્રને સુધારવા પૂરતો આરામ આપવામાં આવે તો આમને પચવાની તક મળે અને રોગનું ખરૂ કારણ નાશ થવાથી આરોગ્ય પાછું મળે. આ કારણે જ આયુર્વેદે લંઘનને મહત્વ આપ્યું છે.

જો કે લંઘનનો અર્થ લોકો આજે કરે છે તેવો આયુર્વેદમાં નથી. તેણે તો ‘જે કોઈ ક્રિયા શરીરને લઘુ કરે તે લંઘન.’ એવી વિશાળ વ્યાખ્યા કરી દસ પ્રકાર પાડ્યા છે. આ વ્યાખ્યા પ્માણે નકોરડા ઉપવાસથી માંડીને લઘુભોજન, વ્યાયામ, શેક, પાચન ઔષધો, પંચકર્મ એ બધા જ લંઘનના પ્રકાર ગણાય.

લંઘન કોને, ક્યાં સુધી, કેવી રીતે, ક્યારે કરાવવાં એ બધા મુદ્દાને આયુર્વેદે વિવેક અને વિગતથી વર્ણવ્યા છે. જેથી લાભ જ થાય, નુકશાન તો ન જ થાય.

રસોઈ પકાવતી વખતે જેમ રસોઈયાએ તાપ, પવન, પાત્ર, રસોઈ એ બધાનો વિચાર કરી સતત ધ્યાન રાખવું પડતું હોય છે, જેથી રસોઈ કાચી પણ ન રહે અને બળી પણ ન જાય. આવું જ ધ્યાન લંઘન કરાવનાર ચિકિત્સકે રાખવાનું છે.

Advertisements

‘ભૂખ્યા તે નહીં દુખ્યા’

ઊણોદર તપ                                                                    – વૈદ્ય શ્રી પ્રજારામ રાવળ

 

ઉપરોક્ત કહેવતને આપણે જાણીએ છીએ. આને મળતી બીજી પણ એક કહેવત છે:

આંખે ત્રિફળા, દાંતે લૂણ,

પેટ ન ભરીએ ચારે ખૂણ.

જૈન ધર્મમાં ‘ઊણોદર’ નામનું એક તપ છે. પેટ પૂરું ભરીને ન ખાવું, થોડુંક ઓછું ખાવું. સાવ ન ખાવું તે પ્રમાણમાં સહેલું છે, પણ થોડુંક ઓછું ખાવું તે વધુ કઠણ કામ છે. ભર્યા ભાણેથી બેઠા થવું એ તો કોઈ વિરલો જ કરી શકે. અમારા ગુરુ પ્રભાશંકર નાનભટ્ટ ગઢડાવાળા વારંવાર કહેતા કે ‘આગલા ભવમાં જેણે ઘણું પુણ્ય કર્યુ હોય તે જ એક કોળિયો ઓછું ખાઈને ભાણા પરથી ઊભો થઈ શકે.’

આયુર્વેદનું જૂનામાં જૂનું સાહિત્ય ‘ચરક સંહિતા’ છે. તે હજારો વર્ષ પહેલા લખાયેલું છે. સિકંદરની હિંદુસ્તાન પર ચડાઈ થઈ તે પહેલાનું એ છે. બુદ્ધ ભગવાન અને મહાન અશોકના વખતમાં આ પુસ્તક ભણીને લોકો વૈદ્યો થતા. મોટા મોટા રાજાઓ પોતાના રાજકુંવરને વૈદ્ય થવા માટે તે વખતનાં ગુરુકુળમાં મોકલતા હતા. સમ્રાટ અશોકના પિતા સમ્રાટ બિંબિસાર અને ભગવાન બુદ્ધ પણ વૈદ્યરાજ જીવકની દવા લેતા હતા. જીવક વૈદ્ય ચરકસંહિતા ભણ્યા હતા. એ ચરકસંહિતામાં લગભગ બધા રોગો કેવી રીતે પેદા થાય છે તેની વાત લખી છે. આમાં લખ્યું છે કે બહુ પૈસાવાળાઓએ ખૂબ, ન પચે તેવો ખોરાક ખાવા માંડ્યો. તેથી તેમનો જઠરાગ્નિ-તેમનું પાચન બગડ્યું અને રોગો થયા. આ પ્રમાણે પોતાને પચે તેથી વધુ ખોરાક ખવાય તો રોગને હાથે કરીને આપણા શરીરમાં બોલાવીએ છીએ. પણ જો ખોરાક પચી જાય તો રોગ પેદા થતો નથી. જેનો જઠરાગ્નિ જોરદાર હોય તેને તો ગમે તેવું, ગમે ત્યારે, ગમે તેટલું ખાય તોપણ નડી શકતું નથી. આ બાબતમાં ભરવાડની વાર્તા જાણીતી છે. ભરવાડે બે રોટલા ખાઈ તે પર પાણી પીધું, ત્યારે પાસે બેઠેલા વૈદ્યે તેને કહ્યું, ‘ખાધા પર પાણી ન પીવાય, નડે; ખાવાની વચમાં પાણી પીવું જોઈએ.’ ત્યારે ભરવાડે કહ્યું કે, ‘મને પહેલાં કેમ કીધું નહીં ? પણ તેનો વાંધો નહીં. હજી મારી પાસે બે રોટલા છે.’ એમ કહીને બીજા બે રોટલા ખાઈ ગયો અને વૈદ્ય ને પૂછયું કે, ‘કેમ હવે તો ખોરાકની વચમાં પાણી થયું ને ?’ વૈદ્ય તો આવો ભીમસેનના ભાઈ જેવો જઠરાગ્નિ જોઈને મૂંગા જ થઈ ગયા ! પણ આવો ભભૂકતો જઠરાગ્નિ ઉત્પન્ન કરવો કેવી રીતે ? કહેવાય છે કે ‘માણસ નથી ખાતોઃ પણ મહેનત ખાય છે.’ શારીરિક મહેનત કરવાથી વધુ ભૂખ લાગે છે. શરીરથી મહેનત જ ન કરીએ તો જઠરાગ્નિ મોળો પડી જાય છે. માટે સાજા માણદે સાજા રહેવા માટે શું કરવું તે બાબતમાં આયુર્વેદે એક અગત્યની વાત એ કહી છે કે એણે व्यायाम= મહેનત કરવી. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા એ પછી આપણે હળવે હળવે નોકરિયાત થઈ ગયા. ખુરશી પર બેસનારા થઈ ગયા. મહેનત કરતા મટી ગયા. ખેતરમાં, વાડીમાં, ધંધામાં મહેનત કરતા બંધ થયા, એટલે આપણો જઠરાગ્નિ મોળો પડ્યો. ઉપરાંત, અંગ્રજો બોલે તે સાચું અને તે કરે તેમ કરવું એ ફેશન થઘ ગઈ. એણે રોગોને પેદા કેવામાં ઘણો ફાળો આપ્યો. આપણે સૌ સંયમી ન હોઈએ તે કુદરતી છે. દરેક ટંકે આપણે વધુ ખાઈને ઊભા થઈએ છીએ. અને પછી કહીએ છીએ કે ‘આજ તો થોડુંક વધારે ખવાઈ ગયું.’ હકીકતે તો આપણે રોજ ‘થોડુંક વધુ’ ખવાય તે આપણને માંદા પાડે છે. આ કુદરતી રીતે જ બને છે. તે માટે આપણે ત્યાં ભારતમાં ઉપવાસો કરવાની પ્રથા છે. અગિયારસનો ઉપવાસ, પૂનમનો ઉપવાસ, અમાસનો ઉપવાસ, શનિવાર કરવો,, સોમપ્રદોષ ચાંદ્રાયણ, એકટાંણાં, લૂખું ખાવું, અમુક ઓછી સંખ્યામાં વાનગીઓ ખાવી વગેરે વગેરે રીતે ઓછું ખાઈને આપણે પેલો વધુ ખોરાક ખાધો હતો તેને સરભર કરતા અને એ રીતે આપણે સાજા રહેતા હતા. ભારતની સંસ્કૃતિમાં બે ટંક ખોરાક લેવાનો, અંગ્રજોની સંસ્કૃતિમાં પાંચ ટંક ખોરાક લેવાનો. તેમનો મુલક ઠંડો છે, તેથી તેમને ભૂખ વધુ લાગે. આપણો મુલક ગરમ એટલે આપણને એમના પ્રમાણમાં ભૂખ ઓછી લાગે. વળી એમનો ખોરાક પણ ઘણો ગરમ. એમના વાદે આપણે ચલાય નહીં. એમને તો પથારીમાં ઊઠ્યા પહેલાં ખાવા જોઈએ, એટલી બધી ભૂખ લાગે અને આપણે દાતણ કર્યા વિના, નાહ્યા વિના ખવાય નહીં, જૈનોમાં તો સૂર્યોદય પહેલાં દાતણ પણ કરાય નહીં. બહારનો સૂર્ય બરાબર તપે તે પછી જ આપણા શરીરની અંદરનો સૂર્ય એટલે કે જઠરાગ્નિ બરોબર તપે. તે પછી જ ખોરાક લઈએ તો પચે. નહીંતર માંડ બેઠો થતો અગ્નિ ઓલવાઈ જાય. જઠરાગ્નિ બરોબર તપે, ભૂખ બરોબર લાગે, ત્યારે જમવા બેસીએ તો જ પચે. એ બાબત આયુર્વેદમાં ચરકસંહિતામાં કહ્યું છે કે ‘ટાઇમસર જમવું.’ ટાઇમસર એટલે શું? ઘડિયાળમાં દશ કે અગિયાર કે બાર વાગે એટલે તુરત જ જમવા બેસી જવું એનું નામ ‘ટાઇમસર’ છે ? તે ટાઇમ પછી ભલે દસે કે અગિયારે કે એક વાગે હોય કે પછી છેક સાંજે પાંચ વાગ્યે હોય ! બરોબર ભૂખ લાગ્યા પહેલાં જમવું તે બધા રોગોને હાથે કરીને પોતાના શરીરમાં આગ્રહપૂર્વક આમંત્રણ આપવા જેવું છે, તે ચોક્કસ વાત છે.  વળી, આગલો જમેલો ખોરાક પચે તે પછી જ બીજી વાર જમાય. નહીંતર કાચામાં કાચું ભળે. અડધી ચડેલી ખીચડી હોય એમાં સાવ કાચી ખીચડી ઉમેરીએ તો શું થાય ? બધું બગડે. કેટલીકવાર આપણે ભૂખ સંતોષાયા પછી છણ ખોરાક ખાઈએ છીએ અને કેટલીકવાર ભૂખ બિલકુલ લાગી ન હોય તોપણ ખાઈએ છીએ. કારણકે, નહીંતર ‘રાંધી રાખેલો વધી પડેલો ખોરાક બગડે !’ એટલે પછી આપણે ખોરાકને બહાર ફેંકી નથી દેતા, પણ આપણા પેટમાં જ ઠાલવીએ છીએ ! વધેલો ખોરાક આમેય બગડેલો છે. પણ સાથે સાથે આપણા પેટને પણ બગાડી દઈએ છીએ ! અને એ પ્રમાણે જઠરાગ્નિ બગડવાથી બધા રોગો ઉત્પન્ન થાય છે. જઠરાગ્નિ બગડવાથી આપણી ‘વાઇટેલિટી’- રોગને ન થવા દેનારી આપણા શરીરની કુદરતી શક્તિ ઓછી થાય છે. જઠરાગ્નિ તે આપણી તંદુરસ્તીને પેદા કરનાર, વધારનાર, ટકાવનાર શક્તિ છે. જઠરાગ્નિ વધે એટલે ‘વાઇટેલિટી’ વધે અને જઠરાગ્નિ ઘટે એટલે ‘વાઇટેલિટી’ ઘટે. જઠરાગ્નિ આપણાં શરીરમાં બળને ઉત્પન્ન કરનાર છે. બળનું મૂળ જઠરાગ્નિ છે. ‘ખાય નહીં તે કામ શું કરે ?’ એટલે કે ઝાઝો ખોરાક પચાવી શકે તેનામાં બળ વધુ ઉત્પન્ન થાય છે. ભીમસેનનો રોજનો ખોરાક પાંચ માણસ જેટલો હતો એમ મહાભારતમાં કહ્યું છે, અને ભીમસેન ખૂબ વ્યાયામ કરતો હતો તે પણ જાણીતું છે.

 

 

 

સમ્યગયોગ અને લંઘન.

સમ્યગયોગ

ૠતુઓ: જ્ઞાનેન્દ્રિયોનાં કાર્યો (બોલવું, ખાવું, સાંભળવું, જોવું વગેરે); તથા તન-મનનાં કર્મો (કામ કરવું, આરામ લેવો, વિચારવું, ઊંઘવું વગેરે)ના હીન, મિથ્યા કે અતિયોગને આયુર્વેદે રોગનાં કારણરૂપ ગણાવ્યાં છે.

મોટા ભાગના રોગો જાણ્યે-અજાણ્યે સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે આ અસમ્યગયોગના પરિણામે ઉદ્દભવતા હોય છે.

ત્રિદોષવિજ્ઞાનની જેમ આ સિદ્ધાન્ત પણ આરોગ્યસિવાયના ક્ષેત્રે કામયાબ નીવડે તેમ છે.
પ્રજ્ઞાપરાધ

બુદ્ધિ, ધીરજ કે સ્મૃતિને અવગણવાથી જે ભૂલો થાય છે તેને પ્રજ્ઞાપરાધ કહે છે. દા.ત. જમવા બેઠેલી વ્યક્તિ પાસે અપથ્ય ખોરાક આવે છતાં તે બુદ્ધિ દ્વારા આ અપથ્ય છે એવો વિચાર કરતી નથી અને અપથ્ય ખોરાક દ્વારા પૂર્વે પોતાને જે નુકસાન થયું હતું તેને યાદ કર્યા પછી પણ સ્વાદાન્ધતાથી ધીરજ ન રાખી શકવાના કારણે ખાઈને રોગધીન થઈ પસ્તાય છે.
બધા રોગના કારણરૂપ અને ક્ષણેક્ષણે થવાને શક્ય તેવા આ પ્રજ્ઞાપરાધને રોકવા આયુર્વેદે વિસ્તૃત, વ્યવસ્થિત અને ચોક્કસ સ્વસ્થવૃત અને સદૂવૃતની રચના કરેલી છે.

લંઘન: શરીરને ટકાવવાનો મુખ્ય આધાર આહાર છે. આહારને પચાવનાર જઠરાગ્નિ છે. જો પાચનતંત્રમાં વિકૃતિ આવે તો ખોરાક બરાબર પચી ન શકે, અને રસધાતુ કાચી રહી ‘આમ’ નામ ધારણ કરે છે જે મોટા ભાગના રોગોનું કારણ છે.
એટલે જો રોગની અવસ્થામાં વિકૃત થયેલા પાચનતંત્રને સુધારવા પૂરતો આરામ આપવામાં આવે તો આમને પચવાની તક મળે અને રોગનું ખરું કારણ નાશ થવાથી આરોગ્ય પાછું મળે. આ કારણે જ આયુર્વેદે લંઘનને મહત્ત્વ આપ્યું છે.

જો કે લંઘનનો અર્થ લોકો આજે કરે છે તેવો આયુર્વેદમાં નથી. તેણે તો ‘જે કોઈ ક્રિયા શરીરને લઘુ કરે તે લંઘન.’ એવી વિશાળ વ્યાખ્યા કરી દસ પ્રકાર પાડ્યા છે. આ વ્યાખ્યા પ્રમાણે નકોરડા ઉપવાસથી માંડીને લઘુભોજન, વ્યાયામ, શેક, પાચનઔષધો, પંચકર્મ એ બધાં જ લંઘનના પ્રકાર ગણાય.

લંઘન કોને, ક્યાં સુધી, કેવી રીતે, ક્યારે કરાવવાં એ બધા મુદ્દાને આયુર્વેદે વિવેક અને વિગતથી વર્ણવ્યા છે. જેથી લાભ જ થાય, નુકશાન તો ન જ થાય.

રસોઈ પકાવતી વખતે જેમ રસોઈયાએ તાપ, પવન, પાત્ર, રસોઈ એ બધાંનો વિચાર કરી સતત ધ્યાન રાખવું પડતું હોય છે, જેથી રસોઈ કાચી પણ ન રહે અને બળી પણ ન જાય. આવું જ ધ્યાન લંઘન કરાવનાર ચિકિત્સકે રાખવાનું છે.