આદુની ધૂન મને લાગી ગઈ.

આદુ                           સ્વ. નરહિભાઈ ભટ્ટ

–––––––––––––––––––––––––

ધૂન મને લાગી ગઈ, ધૂન મને લાગી ગઈ, 

આદુ પ્યારા, ધૂમ મને આજ તારી લાગી ગઈ.

તીખું અને ઉષ્ણવીર્ય, માની ગરમ લીધું,

ગુણવાળું વીર્ય મહીં અજીરણમાં દીધું;

જઠરાગ્નિ તેજ થતાં ભૂખ ભારે લાગી ગઈ….. ધૂન મને.

વાયુ ને કફના સૌ રોગ હરી લેતું,

ઊલટી ને શ્વાસને ભીંસ ખૂબ દેતું;

સોજા ને દમતાં જોઈ ધૂન મને લાગી ગઈ…..ધૂન મને.

ઉધરસને સળેખમ રાત દિવસ પીડે,

કફ ને વાયુને રોગ બાથ ખૂબ ભીડે;

આદુ મધ સાથ ભાળી સવારી એની ભાગી ગઈ…..ધૂન મને.

દાળમાં મસાલા કર્યા, ભર્યા ખૂબ ભાવથી,

શાક રસાદાર કર્યુ મેથીના વઘારથી;

ચટણી જોઈ આદુ તણી મજા ઓર આવી ગઈ…..ધૂન મને.

તનડાના રોગમાં સૂંઠ સદા સારી લેવી,

મનડાના રોગોમાં બ્રાહ્મી ભલી દેવી;

આદુ-સૂંઠ એક જાણી સુધ મને લાગી ગઈ…..ધૂન મને.

તૃષા હરનાર દ્રવ્ય પોષક જે ગમતું,

રુચિકર ને સ્ફુર્તિપ્રદ દિલમાં શું રમતું !

પીતાં શરબત એનું તાજગી શી જાગી ગઈ !…..ધૂન મને.

આંબલી ને ગોળ સાથે, કોથમીર આવે,

લીંબું ને લસણ સાથ, મરચાં તો ભાવે;

ચટણી ચટકદાર બની, રોગભીતિ ભાગી ગઈ !…..

ધૂન મને લાગી ગઈ !

–––––––––––––––––––––––––––––

(‘ઔષધિગાન’માંથી)

 

Advertisements

આયુર્વેદના પાયામાં ત્રિદોષ–વિજ્ઞાન

– સ્વ. શ્રી શોભન

વાત-પિત્ત-કફ શું છે ?

      આ સૃષ્ટિ પંચમહાભૂતોની બનેલી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂતો જ પ્રાણીઓના શરીરરૂપી પિંડમાં પણ મળે છે. શરીરમાં વાત, પિત્ત, અને કફ એ આ પંચમહાભૂતોનાં જ સ્વરૂપ છે. ખાલી જગ્યા તે આકાશ છે. પૃથ્વી અને જળ તે કફ છે. તેજ અથવા અગ્નિ તે પિત્ત છે અને વાયુ તે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ પ્રકારે રહેતો વાયુ છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે.  

વાત

 • શરીરમાંનો વાત અથવા વાયુ લૂખો, ઠંડો, હળવો, ચંચળ, વક્ર ગતિવાળો અને સૂક્ષ્મ છે; વળી તે યોગવાહી અને બળવાન છે. તેનો રંગ કાળો અને અરુણ (ઈંટના રંગ જેવો) છે.
 • વાયુ વ્યક્તિ અને સમષ્ટિની સમગ્ર ક્રિયા કરે છે. શરીરમાં તે પ્રાણસંચાર કરે છે, ચેતનાનું સંચાલન કરે છે તેમજ ઉત્સાહ અને બળ આપે છે.
 • પ્રાણ, ઉદાન, સમાન, અપાન અને વ્યાન – એમ વાયુના પાંચ પ્રકાર છે. પ્રાણવાયુ હ્રદય, છાતી અને નાકમાં રહી શ્વાસોચ્છવાસની ક્રિયા કરી પ્રાણ ટકાવે છે; ઉદાનવાયુ છાતી, કંઠ અને મુખમાં રહી બોલવાની ક્રિયા કરે છે; સમાનવાયુ કોઠામાં રહી આહારની પાચનક્રિયામાં મદદ કરે છે; અપાનવાયુ આંતરડામાં વસી મળમૂત્રાદિ બહાર લાવવાની ક્રિયા કરે છે તથા બાકીના વાયુઓને પોષણ આપે છે; વ્યાનવાયુ સમગ્ર દેહમાં વસી સર્વ અંગોની ક્રિયા કરે છે.
 • વહેલી સવારે, સાંજે, રાત્રે અને ભોજન પચી ગયા પછી-ભૂખ્યા પેટે; ઘડપણમાં, વર્ષા-શિશિરમાં તેમજ ઉજાગરાથી, વાહનમાં વધુ મુસાફરીથી; વેગાવરોધ, લંઘન, અતિશ્રમ, ચિંતા, શોક, દુઃખ અને ભયથી; કડવા, તૂરા, તીખા, ઠંડા, હળવા, લૂખા પદાર્થો ખાવાથી વાયુ વધે છે, બગડે છે.
 • વાયુ વિકૃત થાય ત્યારે મુખ્યત્વે તો શૂળ વ્યક્ત થાય છે. અસુખ, દૌબલ્ય, અરુચિ, અનિદ્રા, કાળાશ, રોગની અનિયમિતતા વગેરે ઉપરથી વાયુના રોગનું નિદાન થઈ શકે છે.
 • ઉદરશૂળ, ઉરઃશૂર, પાશ્વર્શૂળ, પિંડીશૂળ; પક્ષાઘાત, રાંઝણ, આંચકી, ધનુર વગેરે વાયુના રોગો છે.
 • વાયુ યોગવાહી હોવાથી પિત્ત સાથર મળીને પિત્તના અને કફ સાથે મળી કફના રોગ પણ કરાવે છે.
 • ઉષ્ણ અને સ્નિગ્ધ આહારવિહારથી વાયુ શમે છે. તલનું તેલ, લસણ, હિંગ, ઘી, અજમો, સિંઘવ, રાસ્ના, એરંડો, નગોડ, ગૂગળ વગેરે આહાર અને ઔષધો તેમજ બસ્તિ, અભ્યંગ, શેક, ચંપી, આરામ, ઊંઘ, દબાણ વગેરે ક્રિયા વાયુને મટાડે છે; વાયુનું સર્વોત્તમ ઔષધ તલનું તેલ અને સર્વોત્તમ ક્રિયા વાતઘ્ન ઔષધોની સ્નિગ્ધ બસ્તિ છે.
 • પિત્ત અને કફની સરખામણીમાં વાયુ વધુ શક્તિશાળી છે. પિત્ત અને કફ પાંગળા છે, તેમને પ્રવૃત્ત કરનાર વાયુ છે. 

પિત્ત

 • અગ્નિ મહાભૂતને જ ‘પિત્ત’ નામ આપવામાં આવયું છે. પિત્ત તપે છે અને તપાવે છે.
 • પિત્ત ગરમ, ઉગ્ર (તીક્ષ્ણ), સર તથા થોડું સ્નિગ્ધ છે. વળી તે તેજસ્વી અને ઊર્ધ્વગતિશીલ છે. કાળા, અરુણ, ધોળા અને પાંડુ સિવાયને લગભગ બધા રંગો પિત્તના છે.
 • શરીરમાં અને સૃષ્ટિમાં રહી તે પકાવવાનું, તેજ આપવાનું અને ગરમી ટકાવી રાખવાનું કામ કરે છે. તેમજ વાયુ અને કફના ગુણ સામે સમતા રાખવાનો પ્રયત્ન કરે છે.
 • પાચક, ભ્રાજક, રંજક, આલોચક અને સાધક એમ પિત્તના પાંચ પ્રકાર છે. પક્વાશયમાં રહેલું પાચક પિત્ત ખોરાકને પચાવે છે; ત્વચામાં રહેલું ભ્રાજક પિત્ત દેહોષ્માને ટકાવે છે; યકૃત અને બરોળમાં રહેલું રંજક પિત્ત લોહીને લાલ રંગે છે; આંખમાં રહેલું આલોચક પિત્ત દ્રષ્ટિ દ્વારા દર્શન કરે છે અને હ્રદયમાં રહેલું સાધક પિત્ત સાધના કરવા માટે બુદ્ધિ જ્ઞાન અને નિશ્ચયનું બળ આપે છે.
 • બપોરે, મધરાતે, યૌવનમાં, ગ્રીષ્મ-શરદમાં, ભોજન પચે ત્યારે; તીખા, ખારા, ગરમ, વિદાહી ને તીક્ષ્ણ પદાર્થોનું ભોજન વધુ પ્રમાણમાં ખવાય ત્યારે; તડકો, તાપ, ક્રોધ, ઉપવાસ, દિવસની ઊંઘ, ઉષ્ણદેશ, અસંતોષ વગેરેથી પિત્ત કોપે છે.
 • પિત્ત બગડે ત્યારે મુખ્યત્વે દાહ થાય છે; તદુપરાંત તરસ, શરીર તપવું, લાલાશ-પીળાશ આવવી, અલ્પ નિદ્રા, ફેર ચડવા, ક્રોધ, અકળામણ વગેરે લક્ષણો જણાય છે.
 • દાહ, સંતાપ, તૃષા, અલ્પનિદ્રા, અમ્લપિત્ત, વિદગ્ધાજીર્ણ, અતિ ભૂખ લગાડનાર ભસ્મકાગ્નિ, રક્તપિત્ત, મુખપાક, કમળો, પાક થવો, વિસર્પ વગેરે પિત્તના વ્યાધિ છે.
 • ઠંડા ઉપચારથી પિત્ત શમે છે. ઘી, દૂધ, સાકર, શેરડી, દ્રાક્ષ, મીઠાં ફળો, ચંદન, માટી, જળ, ઠંડો પવન, શીતળ સ્નાન, ચાંદની, છાંયો, આનંદ, શાંતિ, પ્રસન્નતા, રક્તસ્ત્રાવ, ઠંડો પાતળો લેપ, નિદ્રા; કડવો, તૂરો, મધુર, શીતવીર્ય-ઠંડા ગુણવાળો-આહાર વગેરે પિત્તનું શમન કરે છે. પરંતુ પિત્તનું વધુ સંશમન તો ઘી અને વિરેચન જ કરે છે. સામપિત્તનું વિરેચન કદી કરાવવું ન જોઈએ.

કફ

 • પંચમહાભૂતોમાંથી જળ અને પૃથ્વી મળવાથી કફ (શ્લેષ્મા) થયેલ છે. કફ શરીરમાં હાડકાં, સ્નાયુઓ તેમ જ અંગપ્રત્યંગોને ચોંટાડે છે, સ્થિર રાખે છે.
 • કફ ચીકણો, ભારે, ઠંડો, સ્થિર, મૃદુ અને સ્થૂળ છે; આ ઉપરાંત તે હિતકારી, અલ્પક્રિય, પ્રિય અને સુવ્યવસ્થિત છે. તેનો રંગ સફેદ અને આછો પીળો (પાંડુ) છે.
 • પ્રાકૃત કફ દીર્ઘાયુષ્ય, બળ, સુંદરતા, ધૈર્ય, સ્મૃતિ, ક્ષમા, શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપનાર છે.
 • બોધક, શ્લેષક, તર્પક, ક્લેદક અને અવલંબન એમ કફના પાંચ પ્રકાર છે. બોધક કફ જીભમાં રહી સ્વાદને પારખે છે; ક્લેદક કફ આમાશયમાં રહી ખોરાકને દ્રવ બનાવે છે, તર્પક કફ મગજમાં રહી નિદ્રા, શાંતિ, સ્મૃતિ અને ધૈર્ય આપે છે; શ્લેષક કફ શરીરના સાંધા અને અવયવોને સ્નિગ્ધ રાખે છે અને અવલંબન કફ છાતીમાં રહી બળ આપે છે તથા બાકીના કફ પ્રકારોને પોષણ આપે છે.
 • સવારે, જમ્યા પછી, સાંજે જમ્યા પછી, રાતની શરૂઆતમાં; બાળપણમાં; વસંત-હેમંતમાં; અતિ મધુર-અમ્લ-લવણ, ગુરુ, શીત, સ્થિર, મૃદુ, આહાર લેવાથી; આનંદ, આરામ, ઊંઘ, દિવાસ્વપ્ન, નિશ્ચિતતા, સુખ, વૈભવવિલાસ વગેરેથી કફ વધે છે.
 • કફ વધે ત્યારે શરીરમાં સ્નિગ્ધતા, ગૌરવ, તંદ્રા, નિદ્રા, આળસ, પુષ્ટિ, પ્રમાદ, અરુચિ તથા સ્વાર્થ, તમસ અને અજ્ઞાન વધે છે; તેમ જ લાંબા સમય સુધી ન મટે તેવા કફ રોગો થાય છે.
 • પ્રમેહ, ચર્મરોગ, સોજા, અરુચિ, શરદી (સળેઅમ), મંદાગ્નિ, દ્રષ્ટિદૌબલ્ય, શીતળા, કૃમિ, અતિનિદ્રા, વગેરે કફજ વ્યાધિ છે.
 • ગરમ અને લૂખા ઉપચાર કરવાથી કફ ઘટે છે; તદુપરાંત વમન, વિરેચન, શિરોવિરેચન, લૂખો શેક, ઉજાગરા, શ્રમ, દુઃખ, શોક, ભય, અસુખ તેમ જ તીખા, તૂરા, કડવા, ગરમ, લૂખા, અસ્વાદિષ્ટ આહાર કફ વિરાધી છે.
 • કફજન્ય રોગનું શ્રેષ્ઠ ઔષધ મધ અને શ્રેષ્ઠ ક્રિયા વમન છે. વમનમાં પણ મીંઢળ સર્વશ્રેષ્ઠ છે. અતિશય વધી ગયેલા કફનો વમન દ્વારા સામ સ્થિતિમાં પણ શરીરમાંથી નિકાલ કરવામાં દોષ નથી.

અરીઠી

અરીઠી

– સ્વ.નરહરિભાઈ ભટ્ટ

(ઢાળઃ પહેલું પહેલું મંગળિયું વરતાય રે !)

‘જાઓ ઝટ, અરીઠીને લઈ આવો રે,

રમિલાનું મસ્તક એણે ધોવડાવો રે.

ખોડો થયો, નથી કેમે કરી જાતો રે,

અરીઠીથી ભલી પેરે તો ધોવડાવો રે.’

‘બેની, અરે ! આમાં તે શું નવું દીઠું રે?

શેમ્પુ છોડી તૂત તમે કાં લીધું રે ? !

તમે બેન, અર્થનાં છો બહુ લોભી રે !

જાણું તમને જૂના જમાનાનાં મોભી રે !’

‘બેની ! રંગ નવી દુનિયાનો ન માણ્યો રે,

મિથ્યા માનવજન્મ તમે ગુમાવ્યો રે !’

નગોડ

નગોડ

– સ્વ. નરહરિભાઈ ભટ્ટ

‘‘નગોડ બેની, શું વિચારો વાત જો,

શાને રે કાજે આવી અહિંયાં વસ્યાં ?’’

‘‘જોતી રહી છું રોગીજનની વાટ જો,

નિરોગી થાવા ને નરવીર આવતા.

શ્રદ્ધા, ધીરજ રાખી હૈયે હામ જો,

આવો ને નરવીરો સંકટ ટાળવા.

ધોળી, કાળી, ‘કતરા’ નામે ઓળખો,

નીલપુષ્પી ને સોફાલિકા મુજ નામ છે.

તીખી, કડવી, તૂરી ને વળી લૂખી જો,

વાયુ. કફહર જઠરાગ્નિને વધારતી.

સ્મૃતિ, મેઘા, નયનોને એ હિતકારી જો,

કેશ વધારી વર્ણને ઊજળો રાખતી.

 ધોળાં ફૂલવાળી આ મારી બેન જો,

વિદારતી એ જંતુ બધાંને ખંતથી.

પ્રદર, આફરો, સોજા, વાયુ હોય જો,

કાળાં ફૂલવાળી, એ સૌ સંહારતી.

પિત્તશામક ને પથ્યભરેલી કહેતાં જો,

ઝાઝેરી આવું ના અન્યના કામમાં.

ગુણ મારા સમજીને હોંશે સેવજો,

એવું કહીને કતરા મૌન હસી રહી !

આકડો

આકડો

– સ્વ. નરહરિભાઈ ભટ્ટ

(ઢાળઃ આવી આવી વગડા વીંધી વેલ જો,)

અમે ગયા’તા અંજનીસુતને દ્વાર જો,

માળાઓ દીઠી રે આકના ફૂલની.

સંશય પ્રગટ્યો મારા અંતર માંહ્ય જો,

પૂછી રે બેઠો હું બજરંગદેવનેઃ

‘ઓ દાદાજી ! ત્યજી સુગંધી ફૂલોને,

શાને રે મોહ્યા છો આકના ફૂલમાં ?!’

વળતી બોલ્યા વાયુ તણા સંતાન જો,

સંભળાવ્યા દાદાએ ગુણ-ઉપયોગ સૌઃ

‘કડવો, તીખો, લૂખો, રેચક આક જો,

પડકારે કફ-વાયુ-દમનાં વિષને.

કમળો, ઉધરસ, મેલેરિયા ને ખોડો જો,

કોલેરા, સોજા ને પેલી આંચકી.

પર્ણો લેજો, લેજો પય પણ આકના,

સમજીને લેજો રોગીને તારવા.

હાથીપગું, વધરાવળ, શિરદુખાવામાં,

પર્ણોને બાંધો રે દિવેલ સંગમાં.

ખેતર વગડે ઊભો આ ગુણકારી જો,

નીરખવા તમને તો ફુરસદ ના મળે.

ગુણથી મોહ્યા, રૂપથી ના અંજાયા જો,

માળાઓ ધારી છે એથી કંઠમાં.

સરજી પ્રભુએ ઔષધિ જીવને કાજ જો,

માનવ કેવો વિસરી બેઠો એમને !!’

વંદન કરીએ અંજનીસુતને પ્રેમથી,

સંદેશો આ સુણતાં ધન્ય થયાં અમે !

આયુર્વેદના સાવ સરળ પાઠો

આયુર્વેદ

आयुर्हिताहितं व्याधिर्निदानं शमनं तथा ।

विद्यते यत्र विद्वदिभः स आयुर्वेद उच्यते ।।

આયુષ્ય માટે હિતકર શું અને અહિતકર શું ? રોગોનાં કારણ અને ઉપાય શાં ? એ બધું વિદ્વાનો જે શાસ્ત્ર દ્વારા જાણે છે તેને ‘આયુર્વેદ’ કહેવામાં આવે છે.

–  भावप्रकाश

રાષ્ટ્ર-ચિકિત્સા

આયુર્વેદ-ચિકિત્સા જ રાષ્ટ્ર માટે સૌથી વધુ ઉચિત ચિકિત્સા પ્રણાલી છે, કારણ કે-

 • તે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ છે; ઋષિમુનિઓનો અમર વારસો છે; આપણા ભગીરથ પુરુષાર્થનું પ્રતીક છે.
 • તે હજારો વર્ષોના અનુભવથી રચાયેલ છે; હજારો વર્ષો પસાર થયા છતાં તેમાંનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઊલટાનું સત્યની કસોટીમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.
 • તેનાં મૂળ હજારો વર્ષ પહેલાં નંખાયેલા છે અને તે તિબેટ, ચીન, બ્રહ્મદેશ, સિલોન, જાવા, સુમાત્રા, અરબસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધી પણ ફેલાયેલાં છે !
 • તે ગામડે-ગામડે, શહેરે-શહેર અને ઘેર-ઘેર પ્રત્યેક ભારતવાસીઓની રગેરગમાં વસી ગયેલ છે.
 • તેનાં ઔષધો સર્વત્ર મળી શકે તેવા, સસ્તાં, હિતકર અને નિર્દોષ છે.
 • ગુલામીનાં સેંકડો વર્ષ પસાર થવા છતાં, દેશની ૮૨ ટકા જનતા આજે પણ એનું જ શરણ સ્વીકારી તંદુરસ્તી જાળવે છે, મેળવે છે.
 • સ્વસ્થવૃત્ત અને સદ્દવૃત્ત દ્વારા તે તન કે મનમાં, રોગના એક પણ અંશને દાખલ થવા દેતી નથી અને દાખલ થયેલાને પૂર્વરૂપમાં જ પથ્ય દ્વારા આગળ વધતો અટકાવે છે.
 • તે એક રોગને કાઢતાં તેની સાથે સંબંધ ધરાવનાર અનેક રોગોને જડમૂળથી દૂર કરે છે. જૂનામાં જૂના અને દરેક જાતના સાધ્ય રોગોને શોધન, શમન કે પથ્ય દ્વારા બહાર ફેંકી દે છે.
 • યુગોથી વારસાગત સંબંધ હોવાથી તેમાં આપેલા ઉપાયો, નિયમો કે ઉપચારો પ્રત્યેક માણસને અનુકૂળ બને તે વા છે.
 • તેને અપનાવવાથી માણસ પોતાની જાતે રોગ, તેનાં કારણ અને ઔષધો વિષે જાણકાર થઈ જાય છે તેમ જ તેને નીરોગી રહેવા માટેનો સાચો માર્ગ પણ મળી જાય છે.
 • તે માત્ર રોગની ચિકિત્સાનું જ શાસ્ત્ર નથી પણ જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર અદ્રિતીય વિજ્ઞાન છે.
 • તે સ્વાવલંબન, સ્વદેશી અને રાષ્ટ્રપ્રેમના તાણાવાણાથી વણાયેલ છે. અને એ રીતે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય દ્રષ્ટિએ દેશને સૌથી વધુ અનુકૂળ છે.
 • ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયે, વધુ વિસ્તારમાં તે આપણી આરોગ્ય-સમસ્યાને હલ કરી શકે તેમ છે.
 • ટૂંકમાં, આરોગ્યશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રની જે લાયકાત હોવી જોઈએ તે બધી આયુર્વેદમાં છે અને એ રીતે તે આપણી રાષ્ટ્ર-ચિકિત્સા છે.

આયુર્વેદ – પરિચય

 • આયુર્વેદ એ આપણું પ્રાચીન મહાન વિજ્ઞાન છે; કારણ કે તેને ऋग्वेद અને अथर्ववेद નો ઉપવેદ માનવામાં આવે છે.
 • ચરક, સુશ્રૃત, અષ્ટાંગહ્રદય, ભાવપ્રકાશ, માધવનિદાન, શાડર્ગંધર એ આયુર્વેદના છ મુખ્ય ગ્રંથો છે. તેમાં ચરકસંહિતા કાર્યચિકિત્સા (મેડિસિન) અને સુશ્રૃતસંહિતા શસ્ત્રચિકિત્સા (સર્જરી) માટે દુનિયાભરમાં અજોડ છે.
 • કાર્યચિકિત્સા, શલ્પચિકિત્સા, શાલાક્યતંત્ર, બાળરોગ, ગ્રહબાધા, વિષતંત્ર રસાયન અને વાજીકરણતંત્ર એમ આયુર્વેદનાં આઠ અંગ છે. આઠેય અંગમાં આરોગ્ય અને ચિકિત્સાની લગભગ તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે.
 • શસ્ત્રક્રિયા, ક્ષારકર્મ, અગ્નિકર્મ, મંત્ર, શોધન (પંચકર્મ), શમન (લંઘન-પાચનાદિ) એમ અનેક પદ્ધતિ આયુર્વેદે રોગશમન માટે યોજેલ છે.
 • વાયુને ૮૦, પિત્તના ૪૦, કફના ૨૦ તેમજ અન્ય આગતુંક વગેરે રોગોના વર્ણનમાં લગભગ તમામ રોગોનો સમાવેશ થયેલો છે. અને ચરકસંહિતા તથા અન્ય નિઘંટુઓમાં સેંકડો વનૌષધિઓના ગુણ આપ્યા છે. જેમાંથી પ્રાયઃ તમામ રોગોનાં ઔષધો પ્રાપ્ત થઈ શકે તેમ છે.
 • ‘માનવ-આયુર્વેદ’ના સિદ્ધાંતોને આધારે ‘ગજાયુર્વેદ’ ‘અશ્વાયુવેદ’ ‘અજાયુર્વેદ’ વગેરેની પણ રચના કરવામાં આવી છે; જેના કેટલાક ગ્રંથો આજે પણ પ્રાપ્ય છે.
 • આયુર્વેદની અનેક શાખાના અગણિત ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. તેમાંથી નાશ પામતાં બચેલા ગ્રંથો સેંકડોની સંખ્યામાં આજે પણ મોજૂદ છે.
 • દુનિયાની તમામ ચિકિત્સાપદ્ધતિઓ આયુર્વેદમાંથી જન્મેલી છે, નવી જન્મે છે તેના ચિકિત્સા-સિદ્ધાંત પણ આયુર્વેદમાં સમાયેલા છે.
 • ૨૫૦૦ વર્ષ પૂર્વે બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે આયુર્વેદ પણ દૂર-દૂરના દેશોમાં પહોંચ્યો હતો; સાથે સાથે આપણાં ઔષધો, વૈદ્યો, સિદ્ધાંતો અને ગ્રંથો પણ પહોંચેલાં. યુરોપ અને એશિયાખંડના છાત્રો તે વખતે આયુર્વેદવિદ્યા મેળવવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આવતા, દૂર-દૂરના દર્દીઓ પણ અહીં સારવાર લેવા આવતા.

આયુર્વેદનો આદર્શ

समदोषः समाग्निश्च समधातु-मल-क्रियः ।

प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते ।।

જે માણસના ત્રણે દોષ (વાત,પિત્ત,કફ); તેર અગ્નિ (જઠરાગ્નિ, પંચભૂતાગ્નિ, સાત ધાત્વગ્નિ); સાત ધાતુઓ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર) અને મળ (પુરીષ, મૂત્ર સ્વેદ વગેરે), ક્રિયાઓ સમ હોય તેમજ આત્મા, (દશેય) ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય તેને જ સ્વસ્થ કહી શકાય.

-सुश्रृतसंहिता

 • પ્રત્યેક મનુષ્ય તન-મનથી પૂર્ણ સ્વસ્થ રહી સો વર્ષ જેટલું જીવવો જોઈએ.
 • રજોગુણ અને તમોગુણ માનસરોગનું કેરણ હોવાથી સત્વગુણને પ્રબળ બનાવવા સદવૃત્ત આચરવું જોઈએ.
 • દરેક બાબતમાં હીનયોગ, અતિયોગ અને મિથ્યાયોગ દુઃખદાયક છે. રોગકર છે, તેથી સમયોગ સાચવવા કે મેળવવા પ્રયત્ન થવો જોઈએ.
 • બુદ્ધિ, ધૃતિ અને સ્મૃતિને અવગણીને કરાયેલો પ્રજ્ઞાપરાધ જ આધિ, વ્યાધિ અને ઉપાધિનું કારણ બને છે. તેથી તેમ ન થવા દેવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
 • જઠરાગ્નિ જ માનવમાત્રનું સાચું બળ છે. તથી તેનું સતત જતન થવું જોઈએ. ‘પોષણવાદ’ કરતાં ‘પાચનવાદ’ને મહત્વ અપાવું જોઈએ.
 • ‘ભોગ રોગનું મૂળ છે’ તેથી જીભને કે મનને વશ ન થતાં અંતઃકરણ કે જ્ઞાનને વશ થઈ વર્તન કરવું જોઈએ.
 • ‘રોગો થવા તે આહારવિહારની ભૂલનું પરિણામ છે’ માટે આહારવિહારનું જ્ઞાન છેલ્લામાં છેલ્લા માણસ સુધી પણ પહોંચાડવું જોઈએ.
 • કુકર્મોના કારણે પણ ઘણા રોગ થતા હોય છે, તેથી પ્રત્યેક વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ.
 • રોગપ્રતિકારક કે ચિકિત્સામાં ચેતનના ભોગે કે શરીરના બંધારણના ભોગે પ્રવૃત્તિ કરવાથી સરવાળે દુઃખદ પરિણામ આવતું હોય છે; તેવા માર્ગ ત્યજવા જોઈએ.
 • આહારવિહારની પ્રત્યેક ક્રિયા વખતે દેશ, કાળ, બળ, પ્રકૃતિ, સાત્મ્ય, અગ્નિ, વય, સ્થિતિ, સંયોગ વગેરેનો વિચાર સતત કરવો જોઈએ.

આયુર્વેદની વિશિષ્ટતા

 • આયુર્વેદ રોગનું કેવળ ઉપર દેખાતું લક્ષણ દૂર કરીને રોગ મટાડ્યો એમ માનતો નથી.

આયુર્વેદની ચિકિત્સા શરીરમાંથી રોગનું કારણ દૂર કરી રોગને જડમૂળથી મટાડવાની છે. એથી આયુર્વેદ એ લક્ષણ-ચિકિત્સા નથી પણ કારણ-ચિકિત્સા છે.

 • આયુર્વેદ બંધારણના ભોગે રોગ દૂર કરવાની ચિકિત્સા બતાવતો નથી, પરંતુ બંધારણના રક્ષણ સાથે રોગને દૂર કરે છે.
 • આયુર્વેદ કેવળ રોગની ચિકિત્સા કરવામાં માનતો નથી, પણ રોગ અને રોગી બંનેની ચિકિત્સા કરવામાં માને છે.
 • આયુર્વેદ રોગને દાબી દેવામાં માનતો નથી, કિન્તુ તેનું સંશમન કરવામાં કે શોધન કરી બહાર કાઢવામાં માને છે.
 • આયુર્વેદ શરીરમાં ઝેર ઉત્પન્ન કરનારાં કે એક રોગ મટાડવા જતાં બીજા રોગને ઉત્પન્ન કરનારાં ઔષધોમાં માનતો નથી; પરંતુ તે શરીર તથા મનનું આરોગ્ય આપનારાં ચેતન-રસાયન-ઔષધોમાં માને છે.
 • આયુર્વેદ રોગોનું કારણ જીવાણુઓ છે તેમ માનતો નથી; પરંતુ ત્રણે દોષોની વિષમતા છે તેમ માને છે.
 • આયુર્વેદ માત્ર ઔષધોને જ માનતો નથી, પથ્યાપથ્યને પણ માને છે.
 • આયુર્વેદ કેવળ ભૌતિક ઉપભોગમાં માનતો નથી; તપમાં અને સંયમમાં પણ માને છે.
 • આયુર્વેદ કેવળ વજન વધારવામાં માનતો નથી; તે જઠરાગ્નિ, શક્તિ અને ઉત્સાહમાં પણ માને છે.
 • આયુર્વેદ માનવદેહને પ્રયોગશાળા માનતો નથી; ચેતનને વસવાનું મંદિર માને છે.

ભીંડાભાઈ અંગે જાણવા જેવું ખરું !

– સ્વ. શ્રી શોભન

શક્તિદાયક શાક:  ભીંડો

રાજનિઘંટુથી માંડીને આજ સુધીના આયુર્વેદીય ગ્રંથોમાં ભીંડાના ગુણ-દોષનું વિગતે વર્ણન કરવામાં આવેલ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભીંડાનો મૂળ સંસ્કૃત તત્સમ પર્યાય છે ‘ભેંડા’ ! આયુર્વેદીય સાહિત્યમાં તેના માટે સુમધુર પર્યાય ‘કરપર્ણફલ’ એટલે કે ‘હાથની આંગળીઓના જેવા આકાર ધરાવતું ફળ’ પણ વપરાયો છે ! (લેડીઝ–ફીંગર !)

ભીંડો રસમાં મધુર, પચવામાં ભારે અને ગુણમાં પિચ્છિલ-ચીકણો હોવાથી કફ કરનાર છે. સાથે સાથે એ જ કારણે તે જઠરાગ્નિ બરાબર હોય અને પચે તો શક્તિદાયક એટલે કે બલ્ય છે. તેમજ શુક્રવર્ધક અને જાતીયશક્તિ વધારનાર એટલે કે વૃષ્ય છે. રાજનિઘંટુમાં ભીંડાને ‘પરં વૃષ્ય’ એટલે કે પુષ્કળ પુરુષાતન આપનાર કહ્યો છે તેથી નપુસંકતા, શુક્રધાતુની અલ્પતા, શુક્રદોષ, જાતીય નબળાઈ કે પુરુષ વંધ્યત્વમાં ભીંડો હિતાવહ છે.

ભીંડો ગરમ પણ છે અને ઠંડો પણ કહેવાયેલો છે. તેનો વિપાક (પાચન થયા બાદ) મધુર પણ છે ને અમ્લ પણ કહેલ હોવાના મતભેદ શાસ્ત્રમાં મળી આવે છે. પરંતુ મારા મત મુજબ તે ભીંડો કુમળો અને ઘરડો તેમજ શરદઋતુ અને અન્ય ઋતુના સંદર્ભમાં હશે. કુમળો અને શરદઋતુ એટલે કે ભાદરવા-આસો માસમાં થનારા સિવાયનો ભીંડો મધુર અને શીત સમજવો જોઈએ. ભાદરવાનો ભીંડો નવું પાણી પીવાથી, તાપ પડવાથી અને ઘરડો થવાથી ગરમ અને પચે ત્યારે ખાટો તેમજ અપથ્ય સમજવો જોઈએ. કારણ કે ત્યારે તે ખાવાથી તાવ, અમ્લપિત્ત વગેરે રોગોને પોષણ મળે છે. તે ભીંડો અમ્લવિપાકી હોવાથી તેની સાથે દૂધ ખાવું હિતાવહ ન ગણાય. કારણ કે તેમ થવાથી વિરુદ્ધ આહારજન્ય રોગો થવાની શક્યતા છે. કાકડી, મૂળા જેવાં દ્રવ્યોમાં કુમળા-ઘરડાનો તેમજ શરદઋતુમાં તેના ગુણમાં જેમ તફાવત જોવામાં આવે છે તેમ ભીંડામાં પણ સમજવું જોઈએ.

ભીંડો ગ્રાહી ગુણવાળો હોવાથી પ્રદર, સ્વપ્નદોષ જેવા રોગોમાં પણ આપવાનું સૂચવવામાં આવે છે.

જેમ કેળાં ભારે, ચીકણાં અને કફકારક હોવા છતાં રુચિકર હોવાથી વધારે ખવાઈ જતાં તેનો ભાર રહે છે તેમ ભીંડાનું પણ થાય છે. તે રુચિકારક હોવાથી વધુ ખવાઈ જતાં તેનો ભાર રહે છે. મંદાગ્નિવાળાં બાળકોને ભીંડો હિતાવહ નથી.

‘કાસે મંદાનલે વાતે પીનસેષુ વિનિંદિતમ્’ એમ કહીને ‘નિઘંટુસંગ્રહ’ નામના ગ્રંથમાં ઉધરસ, મંદાગ્નિ, વાયુના રોગો, જૂની શરદી (પીનસ-સાઈનસ)ના દરદી માટે ભીંડો વિશેષ નિંદિત હોવાથી તેવા દરદીએ ન ખાવો તેવું કહ્યું છે.

ટૂંકમાં, ભીંડો સદા પથ્ય શાક ન હોવા છતાં, જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તેવા અને વાયુપ્રકૃતિવાળા, પરણેલાં, શ્રમજીવી ગરીબ યુવાનો માટે અવારનવાર ખાવા જેવા ખરા, જેથી તે શ્રમહર, બલ્ય, પૌષ્ટિક અને પરં વૃષ્યતાનો ગુણ ઓછા ખર્ચે મેળવી શકે.

બે વિચિત્રનામા ઔષધો : ભાંગરો ને લોધર

– વૈદ્ય નીતા ગોસ્વામી

ભાંગરો

સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઈને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા તમામ રસિક કવિઓ અને લેખકો પણ વારંવાર વાળ વિષે લખે છે. આમ વાળ એ સૌંદર્ય માટે અનિવાર્ય અંગ છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વાળના રોગોની અદ્દભૂત સારવાર બતાવી છે. વાળને લગતા જે કંઈ રોગો થાય છે તેમાં મહત્વની એક વનસ્પતિ છે, ભાંગરો. વર્તમાન સમયમાં ભાંગરાનો ખૂબ જ પ્રચાર થયો છે. તેનું કારણ છે કે વિવિધ પ્રકારના હેરઓઈલો બજારમાં ઉપલબ્ધ થયાં છે અને આ તમામ હેરઓઈલો ભાંગરો તો હોય છે, ગ્રામ્યવિસ્તારના લોકો, ખાસ કરીને મહિલાવર્ગ તો પરાપૂર્વથી ભાંગરાને એકઠો કરીને તેનું તેલ બનાવીને પોતાના વાળમાં નાંખે છે. અને તેના પરિણામે તેઓના વાળ કાળા અને ચકચકિત અને ખૂબ જ લાંબા હોય છે. અહીં આપની સમક્ષ ભાંગરાના જે સૌંદર્યવર્ધક કર્મો છે તેનું વર્ણન કરીએ છીએ.

આમ જોવા જઈએ તો શરીરમાં તથા અનેક રોગો પર ભાંગરો કામ કરે છે. પરંતુ ભાંગરો વિશેષ પ્રકારે બેસ્ટ બ્યુટી એજન્ટ છે. તેનાં જે કંઈ નામો છે, તેનાં પરથી આપણને ખ્યાલ આવે છે કે તે હેરબ્યુટી એટલે કે વાળનું સૌંદર્ય વધારવા માટેની શ્રેષ્ઠ વનસ્પતિ છે. વાળ વધારવા માટે, વાળને રંગ આપવા માટે તથા વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે ભાંગરો શ્રેષ્ઠ વનસ્પતિ તો છે જ, સાથે સાથે યૌવનને જાળવી રાખે છે, તથા સર્વાંગ સૌંદર્ય યૌવન માટે ભાંગરો ઉપયોગી છે તે ખૂબજ ઓછા લોકો જાણે છે. ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ઠના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.

રસાયન પ્રયોગઃ જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.

સફેદ વાળઃ આજકાલ નાની વયના બાળકોને સફેદ વાળની સમસ્યા વધતી જોવા મળે છે. યુવાન યુવતી અને યુવકોને તો આ સફેદ વાળની સમસ્યા તો ડગને પગલે જોવા મળે છે. દરેક વ્યક્તિઓ સફેદ વાળનો તિરસ્કાર કરતી હોય છે, અને પોતાના વાળ કાળા બને તે માટે ઉપાયોની શોધ કરતી હોય છે. શાસ્ત્રોમાં સફેદ વાળને કાળા બનાવવા માટે તો અનેક પ્રયોગો છે. તેમાં ભાંગરાનું માધ્યમ અતિ શ્રેષ્ઠ છે. જુઓ……

૧.      ભાંગરાનાં ફૂલ, જાસૂદના ફૂલ અને ઘેટીનું દૂધ આ ત્રણેયને એક સાથે ઘૂંટીને બારીક પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને લોખંડના વાસણમાં મૂકી તે વાસણને જમીનમાં દાટી દેવું. સાત દિવસ પછી તે વાસણને જમીનમાંથી બહાર કાઢી તેમાં ફરીવાર ભાંગરાનો રસ નાંખીને ઘૂંટવું. આ લેપ રાત્રે વાળમાં લગાવી તેનાં ઉપર કેળનું પાન બાંધી દેવું. સવારે માથું ધોઈ લેવું. આ પ્રયોગ થોડા સમય સુધી કરવાથી વાળ કાળા થાય છે.

૨.      ભાંગરાના રસમાં જેઠીમધનું ચૂર્ણ અને દૂધ તથા તેલ મેળવીને ઉકાળવું. તેલના ટીપાં નાકમાં નાખવાથી વળિયા-પળિયા દૂર થાય છે.

        માત્રા – ભાંગરાનો રસ ૧૨૮ તોલા, જટઠીમધનું ચૂર્ણ ૪ તોલા, દૂધ ૬૪ તોલા અને તલનું તેલ ૧૬ તોલા, બધું ઉકાળતા માત્ર તેલ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું. આ તેલનાં ટીપાં નાકમાં નાંખવા.

૩.      ભાંગરાનો રસ ૧૦ ગ્રામ રોજ સવારે નરણા કોઠે પીવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.

સફેદ કોઢઃ લોખંડના વાસણમાં તલનાં તેલમાં ભાંગરો શેકવો. લૂગદી જેવું થાય એટલે આ ભાંગરો ખાવો અને તેના પર બિયાંની છાલથી પકાવેલું દૂધ પીવું. આ પ્રયોગ કરવાથી સફેદ દાગ મટે છે.

માથાના ચાંદાઃ ભાંગરાનો રસ માથામાં લગાડવાથી ચાંદા મટે છે.

વાળની સુંદરતાઃ ભાંગરાનું તેન માથામાં નાખવાથી વાળ ખરતા બંધ થાય છે તથા નવા વાળ આવે છે, તથા વાળની લંબાઈ પણ વધે છે, તથા વાળ ઘટ્ટ બને છે, મુલાયમ બને છે.

ખરતા વાળઃ ભાંગરો, ત્રિફળા, ઉપલસરી, કણજીનાં બીજ, લીમડાની આંતરછાલ, કરેણના મૂળ, સફેદ ચણોઠી. દરેક ઔષધો ૨૦-૨૦ ગ્રામ લઈ તેનો પાવડર બનાવવો. આ પાવડરને ચાર લિટર ભાંગરાના રસમાં પલાળવો. બીજા દિવસે તેમાં ૧ લિટર તલનું તેલ નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય પછી તેલ ઠંડુ થયે ગાળી લેવું અને બોટલમાં ભરી લેવું. આંગળીના ટેરવા વડે આ તેલ રોજ વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ, ખોડો વગેરે દૂર થઈ નવા વાળ આવે છે, વાળ ઝાડા તથા લાંબા પણ થાય છે.

સગેદ વાળ માટે તેલઃ આમળાં, અનંતમૂળ, હરડે, જેઠીમધ, મોથ, સુગંધી વાળો, બહેડાં, મહેંદીના પાન, કેરીની ગોટલી-આ તમામનો ૨૦-૨૦ ગ્રામ પાવડર લેવો. આ પાવડરને ૨૦૦ ગ્રામ ભાંગરાનો રસ તથા ૧૦૦ ગ્રામ આમળાંના રસમાં લોખંડના વાસણમાં ૧૫ થી ૨૦ કલાક સુધી પલાળવો. ત્યારબાદ તેમાં ૧ લિટર કાળા તલનું તેલ નાખી તપેલા પર બારી કપડું બાંધી સૂર્યના તડકામાં મૂકવું. આ તપેલું ૬ થી ૮ દિવસ રાખવું. ત્યારબાદ તેમાં ભાંગરાનો રસ ૧૧/૨ લિટર, આમળાંનો રસ ૧ લિટર તથા ગળીના પાનનો રસ ૫૦૦ ગ્રામ નાખીને તેલ ઉકાળવું. તેલ પકવ થયા બાદ ઠંડુ થયા બાદ ગાળી લઈ બાટલમાં ભરી લેવું. આ તેલનું રોજ વાળમાં માલિશ કરવાથી ધીરે ધીરે સફેદ વાળ કાળા થાય છે તથા ખરબચડા વાળ સુંવાળા અને ચમકદાર બને છે.

સફેદ વાળ માટે લેપઃ ૧. ભાંગરાનું ચૂર્ણ, ત્રિફળા, કેરીની ગોટલી, અખરોટની છાલ અથવા છોડાં આ તમામ મેળવીને તેને લોખંડના વાસણમાં દહીં અથવા કાંજી સાથે પલાળીને લેપ કરવાથી ધીમે ધીમે વાળ કાળા થાય છે.

૨. ભાંગરાનું ચૂર્ણ, મેથી, સોપારી અને લોખંડના કાટનો લેપ કરવાથી પણ વાળ કાળા થાય છે.

આભ્યંતર પ્રયોગઃ (૧) ભાંગરાના પાન તથા કાળા તલ રોજ ચાવીને ખાવાથી પણ સફેદ વાળ કાળા થાય છે. (૨) દરરોજ નરણા કોઠે ૧ તોલો ભાંગરાનો રસ પીવાથી વાળ સુંદર બને છે. (૩) ભાંગરાના રસનાં ટીપાં અથવા ભાંગરા તેલના ટીપાં નાકમાં નાખવાથી પણ વાળ કાળા થાય છે. (૪) ભૃંગરાજઘન, ભૃંગરાજાસવ વગેરેનું સેવન કરવાથી પણ ખરતા વાળ કે સફેદ વાળમાં ફાયદો થાય છે.

પઠાણી લોધર

        કેટલીક વનસ્પતિની આગવી ઓળખાણ હોય છે, આવી વનસ્પતિ આપોઆપ ઓળખાઈ જાય છે. જેમ કે લોધર નામનું જે વૃક્ષ થાય છે, તેના સફેદ પડતા પીળાં ફૂલ ૨ થી ૪ ઈંચ લાંબા દંડ પર આવે છે, અને આ પુષ્પ અને દંડ સુગંધી અને અતિ સુંદર હોય છે. પુષ્પ સહિત સુગંધી દંડને જોતા જ ખ્યાલ આવે છે કે આ લોધરનું વૃક્ષ છે. સામાન્ય રીતે લોધર ઘણાં રોગોમાં અતિ ઉપયોગી સિધ્ધી થયેલ છે. આપણે તો અહીં સૌંદર્ય વિષયક જ વાત કરવાની છે. સૌંદર્યપ્રાપ્તિ માટે ખાસ કરીને લોધરની છાલ વાપરવામાં આવે છે, તે શરીરના અનેક તંત્રો પર અનેક રોગોમાં કાર્ય કરે છે. પરંતુ સૌંદર્ય માટે તેના ઉપયોગો જોઈએ તો તે કુષ્ઠઘ્ન એટલે કે કોઢને મટાડે છે, તથા ચામડીના અનેક રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને ચામડીનો રંગ સુધારવા માટે તે ફાયદાકારક છે. આંખની આજુબાજુના કાળા, કુંડાળાં, ચામડી પરના કાળા ડાઘ (હાયપર પિગમેન્ટેશન) વગેરેને મટાડવામાં ખૂબ ઉપયોગી છે. લોધર તુરું અને શીતળ હોવાથી ખીલ તથા ખીલના ડાઘ અને ખીલથી થતા ખાડા વગેરે મટાડવા માટે ઉપયોગી છે.

ખીલ

(૧)    લોધર, ઘોડાધ્વજ, ધાણા, અને ઉપલેટનું સમભાગ ચૂર્ણ બનાવી પાણી અથવા કોથમીરના રસમાં ઘૂંટીને તેનો લેપ ખીલ ઉપર કરવાથી ખીલ મટે છે.

(૨)    લોધર, કપૂરકાચલી, ઘોડાધ્વજ, ચંદન તથા લીમડાની છાલ અથવા લીમડાના પાન-આ તમામને પાણીમાં નાખી ગરમ કરવું. વાસણમાંથી જે વરાળ નીકળે તે વરાળનો શેક ખીલ પર કરવાથી પરુવાળા ખીલ તથા કાચા ખીલ મટે છે.

(૩)    ખીલમાં ચાંદા પડી ગયા હોય તો તુંબડીના પાન અને લોધરની છાલનું ચૂર્ણ સમભાગ લઈ પાણી સાથે લેપ કરવો.

કાળા દાગ+કાળા કુંડાળાઃ

(૧)    લોધર, મજીઠ, લાલચંદન, સરસવ, મસૂરની દાળ તથા હળદરનો પાવડર બનાવી ગુલાબ જળ કે પાણી સાથે લેપ કરવાથી કાળા દાગ તથા કુંડાળાં વગેરે મટી જાય છે અને ચામડી ગોરી અને સુંવાળી બને છે.

(૨)    લોધર, કપૂરકાચલી, મજીઠ, લાલચંદન અને લાખને તલના તેલમાં ઉકાળી લેવું.  તેલથી દરરોજ માલિશ કરવાથી કાળા દાગ દૂર થઈ ત્વચા ગોરી તથા મુલાયમ બને છે તથા શિયાળામાં ચામડી ફાટતી નથી.

(૩) લોધરના ઉકાળાથી મોં તથા આંખો ધોવાથી કે મોં પર ઉકાળો છાંટવાથી મુખ પર થતી ઝાંય, કાળા દાગ, આંખની આસપાસ થતાં કુંડાળાં, ફોલ્લીઓ વગેરે મટે છે.

(૪)    લોધરની છાલનું ચૂર્ણ ઘીમાં સહેજ શેકી પાણી સાથે તેનો આંખની આસપાસ જાડો લેપ કરવો. આ પ્રકારના લેપને બિડાલક કહે છે. સામાન્ય ભાષામાં બિલાડો કરવો કહેવાય છે. આ બિલાડાથી કુંડાળાં મટે છે.

ખીલ અને શીતળાના ખાડાઃ લોધર, વરિયાળી અને ફૂલાવેલી ફટકડીનો પાવડર પાણી સાથે ઘૂંટીને ખીલના કે શીતળાના ખાડા પર કે ત્વચાજન્ય કોઈ પણ નિશાન પર લેપ કરવામાં આવે તો ધીમે ધીમે ખાડા મટી જાય છે, નિશાન જતાં રહે છે.

પરસેવાની દુર્ગંધઃ

(૧)    લોધર, અગર, જટામાંસી, કમળ, સુગંધી વાળો, કપૂર, જાંબુના પાનનો પાવડર બનાવી ચણાના લોટ સાથે મેળવી લેવો. આ પાવડરને શરીર પર ઘસીને કે ચોળીને નહાવાથી શરીરની ચિકાશ દૂર થાય છે, અને શરીર સુગંધિત બને છે.

(૨)    લોધર, મજીઠ, ગોદંતીભસ્મ, દારૂહળદર, લાલ ચંદન, સફેદ ચંદન તથા શંખજીરૂ મેળવી તેનો બારીક પાવડર બનાવવો. ટેલ્કમ પાવડર બનાવવો. આ ટેલ્કમ પાવડરથી ખીલ, અળાઈ, પરસેવાની દુર્ગંધ વગેરે મટે છે, તથા ચામડીના દાગ પણ દૂર થાય છે.

જાણીતા ને ન ગમતા કેટલાક રોગો

અનિદ્રા

        આજના યંત્રવત્ યુગમાં અનિદ્રાનો રોગ વધતો જ જાય છે અને ચિંતા, શોક, દુઃખ, ભૂખ, ઉજાગરા, અતિ પરિશ્રમ, અપોષણ, માનસિક નબળાઈ, વાત પ્રકૃતિ, વાયુના રોગો વગેરે તેનાં મુખ્ય કારણો હોવાથી દિન-પ્રતિદિન વધવાનોય સંભવ છે.

આ રોગની સાથે સાથે નિદ્રાપદ (ટ્રાન્ક્યુલાઈઝર) દવાઓ પણ બજારમાં વધી રહી છે. જેના કારણે કબજિયાત, માનસિક નબળાઈ, ચીડિયાપણું, માથાનો દુખાવો, અનુત્સાહ, નબળાઈ, કૃષતા, હ્રદયરોગ વગેરે પણ તેનું નિત્ય સેવન કરનાર વ્યસનીને સતાવતા રહે છે.

અનિદ્રાનાં કારણો તેમજ અનિદ્રાને દૂર કરવા નીચેના ઉપાયો નિર્દોષ અને અસરકારક છે.

રોજિંદા ખોરાકમાં ભેંસનું દૂધ, માખણ, ઘી, દહીં, ગોળ, કેળાં, અડદ, ડુંગળી, મિષ્ટાનો વગેરેનો વધુ ઉપયોગ કરવો, રાત્રે સ્નાન કરીને સૂવું. દિવસે સૂવાની ટેવ ન પાડવી. સાંજના કે સવારે ચાલીને ખુલ્લા મેદાનમાં શક્તિ અનુસાર ફરવું. સૂતાં પહેલાં શક્ય તેટલા વધુ ભેંસના દૂધમાં ૨-૪ ગ્રામ ગંઠોડાનું ચૂર્ણ ફાકવું અથવા સૂતાં પહેલાં ગંઠોડાની રાબ પીવી. માથે, કપાળે, પગનાં તળિયે દિવેલ, તલતેલ કે ઘી ઘસવું.

જટામાંસી, અશ્વગંધા, બ્રાહ્મી, સારશ્વત ચૂર્ણ, સારશ્વતારિષ્ટ, અશ્વગંધારિષ્ટ વગેરે નિદ્રાપદ ઔષધોમાંથી માફક આવે તેનો નિત્ય ઉપયોગ કરવો. ખાસ અવસ્થામાં ૧ થી ૨ ગોળી નિદ્રોદય રસ દૂધમાં લેવો.

અમ્લપિત્ત (એસિડિટી)

આહાર-વિહારના નિયમોનો ભંગ અને માનસિક ટેન્શનને કારણે અમ્લપિત્તનું પ્રમાણ વધતું જ જાય છે. તેમાં કોઠામાં દાહ થાય, માથું દુઃખે ખાટા-તિખા ઓડકાર આવે, સ્વભાવ ચીડિયો થઈ જાય, ઊલટી કે ઝાડા થવાથી માથું ઊતરે છે અને આરામનો અનુભવ થાય છે. ગરમીમાં અને અશક્તિમાં આ રોગ વધે છે.

આ રોગના દરદીએ ખારું, ખાટું, તીખું ન ખાવું, દહીં, મીઠું, અડદ, ટમેટાં, ખાટી કેરી, ખાટી છાશ, ખાટાં પીણાં, ફરસાણ વગેરે ન ખાવાં, ઉજાગરા ન કરવા અને અજીર્ણ થવા ન દેવું, ચિંતા, ક્રોધ, પ્રવૃત્તિની અધિક્તા વગેરેથી દૂર રહેવું.

એસિડિટીના દરદીએ દૂધ, ઘી, આમળાં, ખાંડ, ઘઉં, કોળું, તાંદળજો, પરવળ, કાળી દ્રાક્ષ, ચીકુ, કેળાં વગેરે વિશેષ લેવાં.

રોજ રાત્રે ત્રિફળા બ્રાહ્મી, આમળાં કે સાકરનું ચૂર્ણ મેળવેલું હરડે ચૂર્ણ આ દરદમાં વધુ માફક આવે છે. ગુલકંદ અને આમળાંનો મુરબ્બો પણ આહાર-ઔષધ રૂપે લાભદાયક છે.

તૈયાર ઔષધોમાં અવિષત્તિકર ચૂર્ણ, સૂતશેખર, રસ, કામદૂધા રસ કે મોતિ પિષ્ટી વગેરે તેમાં ઘણાં કામયાબ ઔષધો છે. શતાવરીનું તાજું ચૂર્ણ ૪ થી ૮ ગ્રામ લઈ દૂધમાં ખાંડ નાખી ખીર કરીને લેવું કે કેવળ ગળ્યા દૂધમાં લાંબા સમય સુધી લેવું. તે ઘણો સફળ પ્રયોગ ગણાય છે.

અરુચિ

ખોરાક પ્રત્યે રુચિ ન થવાના રોગને અરુચિ કહેવામાં આવે છે. કેટલીક વાર તો પાચન સારું હોય છતાં ભૂખ લાગે જ નહીં અથવા આહાર મોંમા નાખવાનું મન જ થાય નહીં. ઉનાળાની સખત ગરમી, પીડા, થાક, માનસિક અસુખ વગેરે તેનાં મુખ્ય કારણો છે.

        આવા દરદીનું માનસિક કારણ હોય તે પહેલા દૂર કરવા પ્રયત્ન કરવો. મન આનંદિત રહે તેવી યુક્તિ કરવી. પ્રસન્નતા, ઠંડું હવામાન, સુગંધિત વાતાવરણ, સ્વચ્છતા વગેરે ભૂખ લગાડવામાં ઘણાં મદદગાર થઈ શકે છે. કબજિયાત હોય તો મળશુદ્ધિકરણ દવા આપવી સારી. રુચિ પેદા કરાવવા આટલા ઉપચાર કરવાઃ

        લીંબુ, દહીં, છાશ, દાડમ, સરબતો, કેરી, મરી, સિંધવ, આદું, ઘી જેવાં રુચિકર દ્રવ્યો વધુ આપવાં. વાસી ભારે અને બેસ્વાદુ ખોરાક ન આપવો.

        બજારમાં મળતાં ચિત્રકાદિ વટી, હિંગાષ્ટક ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ, ચિત્રકાદિ ચૂર્ણ, લશુનાદિ વટી, દ્રાક્ષાસવ, ત્રિકટુ ચૂર્ણ, બિજોરાની ચટણી વગેરે ઔષધો અરુચિમાં લેવાથી લાભ થાય છે. ખાટો, તીખો, ખારો અને કડવો રસ અરુચિમાં હિતકારી છે.

અશક્તિ

અપોષણ, ચિંતા, યંત્રવત્ જીવન, અશાંતિ, દોડાદોડ, રોગોનું વધુ પ્રમાણ, સાચા અને પોષક આહારનો અભાવ વગેરે કારણો તેમ જ વહેમના કારણે આ યુગમાં મોટા ભાગના લોકો અશક્તિની ફરિયાદ કરતા હોય છે.

આવા દરદીએ દૂધ, ઘી, માખણ, ફળો, મેવો, સાચા ઘીની મીઠાઈઓ, ગોળ, અડદ, ડુંગળી, કોળું, પરવળ વગેરે પોષક અને બલ્ય આહાર વધારે ખાવા જોઈએ. રાત્રે ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ અને અતિ પરિશ્રમ હોય તો દિવસે જરૂરી આરામ તેમજ મનોરંજન મેળવવાં જોઈએ. ચિંતા, શોક કે દુઃખનું કારણ હોય તો તે દૂર ન થાય ત્યાં સુધી અશક્તિ દૂર થઈ શકતી જ નથી.

ઔષધોમાં દ્રાક્ષાસવ, અશ્વગંધારિષ્ટ કે બલરિષ્ટ ૧-૧ મોટી ચમચી, બંને વખત જમ્યા બાદ લેવાં, સવારે-રાત્રે અષ્ટવર્ગયુક્ત ચ્યવનપ્રાશ અવલેહ ૧-૧ મોટી ચમચી, સૂંઠ નાખીને ઉકાળેલાં દૂધમાં લેવો. અશ્વગંધા, જેઠીમધ, શતાવરી સૂંઠ અને કૌંચાં સમાન ભાગે મેળવી ૪ થી ૬ ગ્રામ સવારે-રાત્રે દૂધમાં કે પાણીમાં લેવાથી પણ શરીરમાં શક્તિ આવે છે. આર્થિક સ્થિતિ સારી હોય તેણે સુવર્ણ વસંતમાલતી, સુવર્ણ મકરધ્વજ, સુવર્ણ વસંતકુસુમાર વગેરે ઔષધ લેવાં. શિયાળામાં સરસિયું તેલ, ક્ષીરબલા તેલ કે અશ્વગંધા તેલની માલિશ કરી ક્રમે ક્રમે કસરત કરવાની ટેવ પાડવાથી પણ શક્તિ વધે છે.

(શોભનકૃત ‘રોજિંદા રોગો’માંથી સાભાર)

કેન્સરની ઓળખાણ.

 – રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ.

કેન્સરને કેમ ઓળખશો ?

        કેન્સરને ઓળખવું એટલે તેના લક્ષણો જાણવા. અત્યારના કેન્સર વિજ્ઞાનમાં આ ઘણું જ અઘરું થઈ ગયું છે. ત્યા આયુર્વેદની જેમ વાયુ, પિત્ત, કફ પ્રમાણે લક્ષણો આપવામાં આવ્યા નથી જ. ત્યાં બે બાબત છે. એક તો રોગીની સામાન્ય ફરિયાદ અને તેના પછી શરૂ થાય છે, જુદા જુદા ટેસ્ટની ભરમાળ. દાખલા તરીકે એક રોગી ફરિયાદ કરે કે મને ગળે ઉતારવામાં તકલીફ છે, એટલે ગળાના કોઈ ભાગમાં કેન્સર હોવાનું માની જુદી જુદી અનેક તપાસ થાય છે. જેમાં એન્ડોસ્કોપી, બેરીયમમીલ પીવરાવીને તેના એક્સરે. જો ગાંઠ જોવા મળે તો પછી તેની ગાંઠમાંથી થોડો ટૂકડો લઈને તેની બાયોપ્સી કરવામાં આવે છે. કેન્સરની જાત નક્કી થાય છે. સામાન્ય ગાંઠ-બિનાઈન ટ્યુમર છે કે ઘાતક અર્બુદ-મેલિગ્રન્ટ ટ્યુમર છે, તે પહેલાં નક્કી થાય છે. અને પછી સારવારનો ક્રમ શરૂ થાય છે. આતો તમે સમજી ગયા કે જેમ સ્થળ જુદા તેમ લક્ષણો જુદાં. દા.ત. મળાશયમાં જાજરુના ભાગનું કેન્સર હશે તો ઝાડામાં લોહી-પરુ આવશે. ઝાડાનો સમય બદલી જશે. ફેફસાનું કેન્સર હશે તો ખાંસી, શ્વાસ, કફ સાથે થોડું લોહી આવવું, કદાચ ગાંઠ ઉપસવી વગેરે, માથાના-મગજમાં કેન્સર હોય તો માથાનો દુઃખાવો, ચક્કર આવવા, આંખે ઝાંખ આવવી, હાથપગ કે મળ-મૂત્રના ભાગ પર કાબુ ઘટવો કે લકવા થઈ જવો જેવા લક્ષણો જોવા મળે છે.

        આયુર્વેદે આ વાત જુદી રીતે કરી છે. આયુર્વેદને ઉપર બતાવ્યા તે લક્ષણો સાથે વાંધો નથી જ-આયુર્વેદ સંમત છે. આ ઉપરાંત આયુર્વેદ આ લક્ષણોને ત્રણે દોષો સાથે સાંકળે છે. દા.ત. ફેફસાંના કેન્સરમાં (પાનકોટ ટ્યુમરમાં) જે તે તરફના હાથમાં બહુજ દુઃખાવો થાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આફ્રુફૃસાર્બુદ (ફેફસાનું કેન્સર) વાતિક છે. કારણ કે પીડા છે. આવું ક્યાંયનું કેન્સર હોય, જો પીડાવાળું હોય તો તેને વાતાર્બુદ નામ આપવામાં આવે છે. આવું જ પિત્તર્બુદનું છે, તેમાં બળતરા થાય છે, તાવ આવે છે, થોડા પાણી જેવા ઝાડા થઈ શકે છે વગેરે. યાદ રાખો અત્યારના કેન્સર ઓકોલોજીમાં બતાવવામાં આવેલ ‘સાર્કોમાં’એ પિત્તાર્બુદ ગણાય, કફાર્બુદ હોઈ શકે, જો તેમાં ઠંડો સ્પર્શ, ખંજવાળ, ઓછામાં ઓછી પીડા, ભાર લાગવો જેવાં લક્ષણો જોવા મળે છે. ચરબીના કારણે જોવા મળતું કેન્સર-મેદાર્બુદમાં કફના બધાજ લક્ષણો હોય છે, ઉપરાંત શરીરમાં ચરબી વધે ત્યારે તે વધે છે અને ચરબી ઘટે ત્યારે તે ઘટે છે. આ ચાર અર્બુદો જ અમુક શરત હોય તો જરૂર મટાડી શકાય. બાકી રહેતા બે અર્બુદો, રક્તાર્બુદ અને માંસાર્બુદ. જેમાં લોહી ખરાબ થઈ તેને વહન કરનાર રક્તવાહિનીઓમાં પણ અર્બુદ પગ પેસારો કરે, તેને રક્તાર્બુદ કહેવામાં આવે છે. આ અર્બુદમાં રક્તવાહિનીઓ પર દબાણ વધે છે, તેમાં સંકોચ-ખેંચાઈ જાય છે. રક્તના સ્ત્રાવવાળો માંસનો ઉભાર જોવા મળે છે. આ શોથ ઉપર ઝડપથી વધે છે. અને ઉપરના ભાગમાં માંસના અંકૂર જોવા મળે છે. આ રોગોમાં રક્તક્ષયજન્ય પાંડુ તરત જ જોવા મળે છે.

        આવું જ માંસાર્બુદ-માંસપેશીમાં થતા કેન્સરનું છે. જો કોઈ માંસપેશી પર સતત દબાણ કે ઉત્તેજના (આયુર્વેદમાં આને ‘અર્દિત’ કહે છે) થાય તો તે માંસપેશીમાં કેન્સર થાય છે. આ કેન્સર પથ્થર જેટલું કઠણ, પીડા વિનાનું, સ્પર્શમાં સુંવાળું, આજુબાજુની ચામડીના રંગ જેવાજ રંગવાળું, ન પાકતું અને આજુબાજુના અંગો સાથે જોડાઈને હલે ચલે નહી તેવું હોય છે. આ માંસાર્બુદ-અત્યારના રેમ્બડોમાયોમા જેવા પ્રભાવવાળું બનાવવામાં આવ્યું છે, તે અસાધ્ય છે.

        હવે તમે આયુર્વેદપ્રેમી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવો છે. એટલે એક પ્રશ્ન ફરી પુછો તે શક્ય છે. આ બધા કેન્સર તો બહાર થયા હોય તો તેના ઓળખી શકાય. પણ ફેફસામાં અન્નનળી, આમાશય, મોટું આંતરડું, હ્રદય વગેરેમાં થયા હોય તેની આયુર્વેદના નિષ્ણાતોને ખબર હતી ? પ્રશ્ન અંત્યંત મહત્વનો અને તીક્ષ્ણ છે. આવા બે પુરાવા આયુર્વેદમાં છે. એક તો તેણે ગાત્ર પ્રદેશે કવચિત દોષા શબ્દ વાપરીને શરીરના કોઈપણ ભાગમાં કેન્સર થઈ શકે છે. તે બતાવ્યું છે. બીજું કેન્સર મટાડી શકાય તેમ હોવા છતાં કેટલીક સ્થિતિમાં તે ન મટે તેવું બતાવતા તે લખે છે કે હ્રદય, ફેફસાં જેવા ભાગમાં થયું હોય, અન્નનળી, મોટું આંતરડું જેવા સ્ત્રોતમાં (સોતોથ્ત) થયું હોય તો તે  મટાડી શકાતું નથી.

        આયુર્વેદમાં સ્થાનાનુસાર ઘણા કેન્સર બતાવવામાં આવ્યા છે. હોઠ પર થતું કેન્સર, ઔષ્ઠાર્બુદ, ગાલમાં થતું કેન્સર, કપોલાર્બુદ, જીહ્યા, મૂળ અને ગળામાં થતું કેન્સર ગલાર્બુદ, જીભનું કેન્સર જીહ્યાર્બુદ, નાકનું કેન્સર નાસાર્બુદ, આંખનું કેન્સર વર્માર્બુદ, કાનનું કેન્સર કર્ણાર્બુદ, લિંગનું કેન્સર લિંગાર્બુદ કેન્સર એટલે આયુર્વેદમાં સ્થાનની દ્રષ્ટિએ ઘણા નામના અર્બુદ છે.

        ઉપરાંત આયુર્વેદમાં કેન્સર સામાન્ય લક્ષણો બતાવવામાં આવ્યા છે. પછી આ કેન્સર વાત્તિક હોય, પૌત્તિક હોય કે દ્વંદ્વજ હોય. આ કેન્સર મેદ ધાતુના આધારવાળું હોય, માંસના આધારવાળું હોય કે રક્તના આધારવાળું હોય. તેના કેટલાંક લક્ષણ અચૂક હોય છે. આ લક્ષણો છે.

–          કોઈપણ કેન્સર શરૂઆત પામે ત્યારે તે ગોળાકાર હોય છે.

–          તે સ્થિર હોય છે. મતલબ કે જ્યાં તે થયું હોય ત્યાં તેની મજબૂત પકડ હોય છે.

–          મંદરુજા-તદ્દન નહિવત પીડા હોય છે. હા, વાતાર્બુદ તીવ્ર પીડા એક અપવાદ છે.

–          મહાન્ત-તેનું કદ મોટું થતું જ જાય છે. કહેવાય છે કે માનવીના માથા જેટલું કદ જોવા મળ્યાના દાખલા છે. તમે પેપરમાં તો વાંચતા જ હશો કે ફલાણા બેનના પેટમાંથી પ્ કિલોની ગાંઠ કાઢી વગેરે.

–          અનલ્પમૂલ-ન અલ્પ=અનલ્પ. જેના મૂળિયાં એકાદ બે-બે અંગ કે સીસ્ટીમમાં ન હોતા આખા શરીરમાં વ્યાપ્ત હોય-લગભગ દરેક સીસ્ટીમમાં જોવા મળે તે અલ્પ મૂલ.

–          ચિર વૃદ્ધિ-સામાન્ય રીતે આપણે આગળ બતાવ્યું તેમ-કેન્સરની ગાંઠ બીજા કોઈ ઉભારવાળા રોગો ચેપના કારણે પાકે છે. કેન્સર ભાગ્યેજ પાકે છે. અને પાકે તો ક્યારેક થોડું પરું નિકળતું જોવા મળે છે. વિચારો આજથી હજારો વર્ષ પહેલાં કેન્સરને સ્પષ્ટ બતાવવું-તેની રચનાને મોર્ફોલોજિકલ સમજાવવું તે કેટલી બધી સાધના માગી લેતું કામ હશે ? કેટલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ હશે ? કેટલી સચોટતા હશે આટલું વિકસીત ઓકોલોજી પણ કેન્સરના સ્વરૂપને જે આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે-તેની ના પાડી શકે તેમ નથી.

હવે તમારો એક પ્રશ્ન હશે. આયુર્વેદમાં સાદી ગાંઠ-ગ્રંથી અને અર્બુદ કેન્સર-મેલિગ્રન્ટ ટ્યુમર બતાવ્યું છે. પણ કેન્સર ઘાતક છે, તેવું સ્પષ્ટ કેમ બતાવવામાં આવ્યું નથી ? આ તમારો પ્રશ્ન બરાબર છે. જે શબ્દ પોતે પોતાની જાતને ઓળખાવતો હોય તેને ફરી બતાવવાનું જુના જમાનામાં પ્રચલન ન હતું. વધુ સ્પષ્ટ કહું તો એકલો ‘અર્બુદ’ શબ્દ જ ઘણું બતાવી જાય છે. અર્બુદમાં બે શબ્દો વ્યુત્પત્તિની દ્રષ્ટિએ છે. વ્યુત્પત્તિની એટલે શબ્દની રચના સમજાવતું વિજ્ઞાન. અર્બુદમાં અર્બ+ઉદ છે. અર્બ શબ્દ હિંસાના અર્થમાં-મારી નાંખવાના અર્થમાં છે-અર્બહિંસાયામ્ ! અને ઉદ્ એટલે ઉત્પતિના અર્થમાં છે. જે રોગ મારી નાખવા માટે ઉત્પન્ન થાય તે જ અર્બુદ. આમ અર્બુદ એટલે ઘાતક કેન્સર જ. વાત થોડી આડા પાટે ચલાવીને પણ તમને એક ઐતિહાસિક માહિતી આપવા માંગુ છું. જુના જમાનામાં અર્બ-સૈનિકના અર્થમાં પણ વપરાતો. કારણ કે સૈનિક મારવાનું કામ કરે છે.

શ્રીકૃષ્ણના કુટુંબના ઝઘડા બહુ હતા. અનિરૂદ્ધ ફરતો ફરતો ગલ્ફ દેશમાં ગયો. રાજકુમાર હતો એટલે આ વિસ્તારમાં રાજ સ્થાપવાનું વિચાર્યું. રાજ્ય સ્થાપવા માટે તો સૈન્ય જોઈએ. એટલે તેણે ભારતમાંથી હિન્દ મહાસાગરના માર્ગે સૈનિકો બોલાવવા શરૂ કર્યા. આ સૈનિકો ત્યારે અર્બ તરીકે ઓળખાતા. એટલું જ નહીં ત્યાંની સ્થાનિક પ્રજા તેને અરબ કહેતી. આમ આજની અરબ પ્રજા એ મૂળ ભારતીય સૈનિકો જ છે. જેને અનિરૂદ્ધ ભારતમાંથી સૈન્ય તરીકે લઈ ગયો હતો અને આ સૈનિકો હિન્દ મહાસાગરના જે ભાગમાંથી ગયા હતા, તે બહુ વપરાશના કારણે અરબ સમુદ્ર કહેવાવા લાગ્યો. આનો બીજો પુરાવો છે કે હજુ તેલ નહોતું મળ્યું તેટલા વર્ષ પહેલાં ૫૦-૬૦ વર્ષ પહેલાં અરબો માત્ર લડવાનું જ કામ કરતા, ભારતના ઘણા રાજ્યોમાં આરબ ‘આરબની બેરખ’ તરીકે સૈનિકોનું જ કામ કરતા. આ જ આરબો આજે પેટ્રો ડોલરના કારણે વિકાસ બની ગયા. મૂળ તેઓ ભારતીય છે.

અરબ સો કરોડ માટે પણ છે. ભારતીય વૈજ્ઞાનિકોને એ પણ ખબર હતી કે કેન્સર કોષો હજારોની સંખ્યામાં હોય છે. અને તેથી આ ગાંઠ વધતી જ જાય છે.

અર્બુદનો ત્રીજો અર્થ માઉન્ટ આબુ છે. આબુ જુના જમાનામાં અર્બુદગિરી તરીકે ઓળખાતો. તેની રચના બહુજ વિષમ હોવાથી કેન્સરની ગાંઠની સરખામણી આ પર્વત સાથે કરવામાં આવી છે. હવે જો તમે પર્વત-ડુંગરની રચનાને જુઓ તો અર્બુદ કેન્સરની ગાંઠની રચના કેવી છે, તે બહારથી પણ ખબર પડે. જેમ કે

–          પર્વતની જેમ કેન્સરની ગાંઠ રચનામાં વિષમ હોય છે.

–          ભૂગોળના નિયમ પ્રમાણે પર્વત જેટલો ઉપર તેટલો જ નીચે હોય છે. કેન્સરની ગાંઠ પણ ઊંડા મૂળવાળી હોય છે.

–          રચનામાં પથ્થર જેવી કઠણ હોવાથી કેન્સરની ગાંઠ ‘સ્ટોનીહાર્ડ’ કહેવાય છે. એટલે આયુર્વેદમાં અર્બુદ (માંસાર્બુદ) ને ‘અશ્મવત્’ પથ્થર જેવી બતાવવામાં આવી છે.

–          પર્વતની માફક સ્થિર (દ્રઢ) હોવાથી કેન્સરની ગાંઠ તેની જગ્યાએથી ચાલતી નતી. ઈમ્મોબાઈલ છે.

–          ઊંડા મૂળવાળો હોવાથી પર્વત જેમ ઉખેડીને કાઢી શકાતો નથી. કેન્સર-અર્બુદની ગાંઠનો નાશ કરી શકાતો નથી.

તમારા ખ્યાલમાં હવે આવ્યું હશે કે કેન્સર-અર્બુદનું આયુર્વેદમાં કેટલું અગાધ વર્ણન છે. અને તેથી ભારતની પ્રજા સંસ્કૃતનું જ્ઞાન હોય જેમ તમારે જાનકી શબ્દનો અર્થ નથી સમજાવવો પડતો, દાશરશિનો અર્થ નથી સમજાવવો પડતો, વાસુદેવનો અર્થ નથી સમજાવવો પડતો. આ શબ્દો જ સ્વયં સ્પષ્ટ છે અને પોતાની વાત પોતે જ કહે છે. જાનકી એટલે જનક રાજાની પુત્રી, દાશરશિ એટલે દશરથ રાજાનો પુત્ર રામ અને વાસુદેવ એટલે વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ. કેવી વૈજ્ઞાનિક ભાષા છે ? તમે એમ નહીં સમજશો કે આવા નામોની પરંપરા આપણે ત્યાં જ છે. બધે જ છે. અંગ્રેજીમાં પણ ડેવિડસન એટલે ડેવિડનો છોકરો. પણ આ લોકો પાસે સંસ્કૃત જેવી સમૃદ્ધ ભાષા ન હોવાથી તેઓના રૂપો આપણા જેવા સુગમતાવાળા નથી. આમ કેન્સર માટે મેલિગ્રન્ટ જેવો શબ્દ ઉમેરવાની આયુર્વેદને જરૂર નથી.

સાધ્યાસાધ્યત્વ-પ્રોગ્નોસોસીસઃ-

        કેન્સર મટે છે, ખરું ? બીજા શબ્દોમાં કેન્સર મટે તેવું-સાધ્ય છે કે ન મટે તેવું અસાધ્ય છે ? કેન્સર થયા પછી બચી ગયાના આંકડા તો સ્પષ્ટ બતાવે છે કે કેન્સર મટાડવું મુશ્કેલ છે. કારણ બહુ સરળ છે. કેન્સર એ કોઈ જગ્યાએ થયેલ ગાંઠ નથી જ. અલબત્ જ્યાં વધુ ખરાબી ત્યાં તે જોવા મળે છે. પણ તેનો અર્થ એ નથી કે તમે જ્યાંથી કાપ્યું તે ત્યાં જ હતું. પણ આ અગત્યનું નથી. અત્યારની ત્રણ જુનવાણી સારવાર-હા, આપણે જેને મોડર્ન કહીએ છીએ, તેને પશ્ચિમમાં લોકો ઓર્થોડોક્ષ કહે છે. સારવાર પછી તે સર્જરી-વાઢકાપ હોય. કીમોથેરાપી-એન્ટી કેન્સર દવાઓ અપાતી હોય કે પછી રેડિએશન-શેક હોય કેન્સર દૂર કરવાનું કામ કરે છે. સાથો સાથ કેન્સર કરવાનું કામ પણ છે, એટલે હું આને બેધારી તલવાર કહું છું. બે ધારી આગળ-પાછળ એમ બંને જગ્યાએ વાગી શકે છે. આ બાબતને થોડી વિગતથી જોઈએ.

        વાઢકાપ અથવા સર્જરી કેન્સરના કોષોને કાપે ત્યારે ત્યાં હાજર રહેલ લોહીની નળીઓ અને લસિકાવાહિનીઓ પણ કપાય છે. આ ખુલ્લા થયેલા બંને માર્ગોમાં કેન્સરના કોષો પ્રવેશ મેળવે છે. અને અન્ય જગ્યાએ આ કોષ અનાજના બીજની માફક ઉગી નીકળે છે અને તે ત્યાં અડીંગો જગાવે છે. આને અર્ધ્યર્બુદ-સેકન્ડરી મેટાસ્ટેસીસ કહે છે. તો કીમોથેરાપિ પણ ઝેરી રસાયણ જ છે. તે પોતે કેન્સર કોષોનો વિનાશ કરે છે, તેમ નોર્મલ કોષોમાં પણ વિકૃતિઓ કરે છે. આ વિકૃતિઓમાં કેન્સર પણ એક હોય શકે.

        રેડિએશન વીશે તો અત્યારે સામાન્ય જ્ઞાન ધરાવનારને ખબર છર કે તે કેન્સર કરનાર પદાર્થથી કેન્સર મટાડી શકાય છે. એક્સરે રેડિએશન, સોલર રેડિએશન જેમ કેન્સર કરનાર છે તેમ રેડિએશન પોતે કેન્સર કોષોને બાળે છે, પણ પ્રાકૃત કોષોમાં કેન્સરના બીજ રોપી દે છે. આમ આજની ત્રણે ત્રણ સારવાર કેન્સર પર લગભગ નકામી થઈ ગઈ છે. હા, જ્યારે આઈએસટી-ઈમ્યુનો સ્ટીમ્યુલન્ટ થેરાપી અજમાવવામાં આવે તો તે ચોક્કસ પરિણામદાયી બની શકે. ઈમ્યુનિટિનો હાસ થવાનો કેન્સરમાં પાયાની વિકૃતિ છે. ત્યારે ફરી કિમોથેરાપિ અને રેડિએશન વધુ ઈમ્યુનિટિનો નાશ કરે છે. માત્ર આયુર્વેદ ક મદદ કરી શકે. જેનો વિચાર સારવારમાં કરીશું. આમ અત્યારે તો કેન્સર અસાધ્ય જ છે.

આયુર્વેદ શું કહે છે ?

        આપણે ઉપર જોયું તેમ કેન્સરના મૂર્ધન્યનિષ્ણતો-ઓકોલોજિસ્ટ તો સ્પષ્ટ માને છે કે કેન્સર મટતું નથી જ જે કંઈ સારવાર છે, તે થિગડા જેવી છે. થોડાસમય માટે પરિણામ દાયક દેખાય છે. હા, બીજો વર્ગ અને નિષ્ણાતો-જેઓ સંશોધનમાં લાગ્યા છે તેઓ માને છે કે ભવિષ્યમાં કેન્સરને સાધ્ય બનાવી શકાશે. પણ વ્યવહારમાં આજે તો ઉપર બતાવી તે જ સ્થિતિ છે. એટલું જ નહીં કેન્સરના નામે અબજો ડોલર સંશોધનમાં ખર્ચવામાં આવે છે. પણ કોઈએ તેના વર્લ્ડક્લાસ નિષ્ણાતને પૂછયું હતું કે આ તમે આ આંતરડાના કેન્સરને કાપો છો પણ તમને જ આ કેન્સર થાય તો શું કરો ? તેનો જવાબ હતો હું ઓપરેશન ન જ કરાવું.

        આયુર્વેદ સાધ્યાસાધ્યમાં વિશ્વના કોઈ પણ ચિકિત્સા જગતથી આગળ છે. એટલે કે કેન્સર-અર્બુદના છ પ્રકારો – વાતાર્બુદ-પિતાર્બુદ, કફાર્બુદ, મેદાર્બુદ, રક્તાર્બુદ અને માસાંર્બુદમાં પાછલા બે તો થતાં જ અસાધ્ય છે. જ્યારે આગલા ચાર સાધ્ય છે. પણ આ સાધ્ય અર્બુદો પણ કેટલીક શરતો સાથે જ સાધ્ય છે. જેમ કે ઉપર બતાવેલ ચાર કેન્સરો-અર્બુદોમાં જો સ્ત્રાવ થતો હોય, તે હ્રદય, ફેફસાં, મગજ, કીડની જેવા મહત્વના અંગો (મર્મ-વાઈટેલ ઓર્ગનમાં થાય કે અંદરના માર્ગો (અન્નનળી, આમાશય, મોટું આંતરડું, નાનું આતરડું વગેરે)માં થાય અને થતાંની સાથે આજુબાજુના અંગોમાં જોડાયેલ હોય અને એક સ્થળે થયા પછી અન્ય સ્થળે-અધ્યર્બુદના રૂપમાં જોવા મળે તો સામાન્ય રીતે તે અસાધ્ય ગણાય છે. આમ વ્યવહારમાં મળતાં લગભગ બધાં જ અર્બુદ-કેન્સરો અસાધ્ય સ્વરૂપનાં જ જોવા મળે છે. કારણ ? કારણ બહુ જ સ્પષ્ટ છે. પી.એ.હર્ઝન કરીને એક નિષ્ણાતે આ કારણ બતાવ્યું છે. તે કહે છે. કેન્સરનું નિદાન થયા પછી દર્દી અને ડૉક્ટરની મનોદશા ભ્રમિત થઈ જાય છે. અને બીજા એવા ડ્રાસ્ટીક એકશન લે છે અને કહે છે, કાપીનાખો, બાળીનાખો અને તેનો નાશ કરી નાખો. અંગ્રેજીમાં કટ ઈઝ આઉટ, બર્નઈટ આઉટ અને ડીસ્ટ્રોય ઈટ એમ કહેવાય છે. બીજા શબ્દોમાં રોગી કાંતો સર્જરી કરાવીને, તરણોપાય-છેલ્લા ઉપાય તરીકે આયુર્વેદને શરણમાં આવે છે. એટલે આયુર્વેદમાં બતાવવામાં આવી તેવી અસાધ્ય અવસ્થાજ હોય છે અને છતાં વ્યવહારમાં આયુર્વેદ ઘણું કરે છે. સારવારની શ્રેષ્ઠ રીત આપણે સારવારમાં જોઈશું.