Category Archives: Kavyo

હીંગ અહો, રસોડાની રાણી !!

હીંગ !

        — સ્વ. નરહરીભાઈ ભટ્ટ.       

હીંગ અહો, રસોડાની રાણી !

તીખી સુગંધે છમકારાતાં દાળ-શાક

                મોંમાં તત્કાળ લાવે પાણી !…હીંગ અહો.

કોઈ  કરે  ભાભીના  હાથનાં વખાણ,

કોઈ માતાના અનુભવી હાથની કમાલ;

આ તો દીયરજી લાવ્યા એ હીંગની ધમાલ,

          એને આંગળાં ચાટીને  વખાણી !…હીંગ અહો.

ભોજનને સ્વાદીષ્ટ-સુગંધી બનાવે;

બાજુના ઘરમાંયે   જાણ કરી આવે !

નાકને સુગંધ,સ્વાદ જીભને લલચાવે,

          એનું વર્ણન ના કરી શકે વાણી !…હીંગ અહો.

રુચીને જગાડતી ને ભુખને લગાડતી,

પાચનમાં   સાથ   શો   અપાવતી !

આંતરડે જામેલા મળોને ભગાડતી-

              ભેદનશક્તી મેં એની જાણી !!…હીંગ અહો.

ગોળો ને ગૅસ એ તો ક્ષણમાં શમાવતી,

આફરો  ને  શ્વાસને       દમાવતી;

હેડકી, બગાસાંને બળથી હંફાવતી,

                   બંધ વાળતી એનો તાણી !…હીંગ અહો.

મોંઘા વઘારથી ભોજન શણગારતી,

પાચનક્ષમ એને બનાવી મલકાવતી;

ના એ  રસોડાને, ઘરનેયે  તારતી-

                      રાણી મસાલાની શાણી !!

હીંગ અહો, રસોડાની રાણી !     

……………………………

‘ઔષધીગાન ભાગ – 2’માંથી.

Advertisements

મહેંદી તે વાવી આંગણે…

 મહેંદી

મહેંદી તે વાવી આંગણે, એના રંગો ઊભરાય તંનમાંય રે,

                                                   મહેંદી રંગ લાગ્યો રે.

નાનો બાંધવડો લાડકો એ તો લાવ્યો મહેંદી કેરા છોડ રે,

                                                  મહેંદી રંગ લાગ્યો રે.                                    

વાટી ઘૂંટીને ભર્યો વાડકો બેની, રંગી લ્યો હાથ અને કોડ રે,

                                                     મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી મૂકીને બેની, ચાલશું, જાશું ઉમિયા માતાજીને દ્વાર રે,

                                                      મહેંદી રંગ લાગ્યો રે.

પૂજન કરી માડી, માંગશું દેહ નરવો આ કરજો અપાર રે,

                                                    મહેંદી રંગ લાગ્યો રે.

માતા પ્રસન્ન થઈ બોલિયાઃ તમે હૈયામાં રાખજો હામ રે,

                                                   મહેંદી રંગ લાગ્યો રે.

વાટીને મહેંદી ચરણ બાંધજો નકી શીતળામાં થાશે આરામ રે,

                                                        મહેંદી રંગ લાગ્યો રે.

કાળા નાગણશા કેશ, વળી બેની નખને વધારવા કાજ રે,

                                                 મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી ઘૂંટીને એનો લેપ બ્હેનબા, કરજો ઉપાય તમે આજ રે,

                                                       મહેંદી રંગ લાગ્યો રે.

વેરણ થઈ જાય કદી નીંદ બ્હેનડી, મનડું વિચારે ચડી જાય જો,

                                                          મહેંદી રંગ લાગ્યો રે.

ઓશિકે રાખ્યે એનાં ફૂલો ફોરમતાં, અનુભવ શાંતિનો શો થાય રે,

                                                              મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી મૂકી પાટા બાંધજો જ્યારે દેહે, નયને દાહ થાય રે,

                                                  મહેંદી રંગ લાગ્યો રે.

ગરમી, પ્રમેહ, લૂ, ખોડોને ચર્મરોગ એનાથી દૂર થઈ જાય રે,

                                                        મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી-રસ-સાકર-જળ મેળવી એને પીએ સવારના રોજ જો,

                                                        મહેંદી રંગ લાગ્યો રે.

શુક્ર-શ્રાવ સાવ થશે દૂર એમને હૈયે આનંદના ઓજ જો !

                                                  મહેંદી રંગ લાગ્યો રે.

–––––––––––––––––––––––––––––––––

(‘ઔષધીગાન’માંથી)

આદુની ધૂન મને લાગી ગઈ.

આદુ                           સ્વ. નરહિભાઈ ભટ્ટ

–––––––––––––––––––––––––

ધૂન મને લાગી ગઈ, ધૂન મને લાગી ગઈ, 

આદુ પ્યારા, ધૂમ મને આજ તારી લાગી ગઈ.

તીખું અને ઉષ્ણવીર્ય, માની ગરમ લીધું,

ગુણવાળું વીર્ય મહીં અજીરણમાં દીધું;

જઠરાગ્નિ તેજ થતાં ભૂખ ભારે લાગી ગઈ….. ધૂન મને.

વાયુ ને કફના સૌ રોગ હરી લેતું,

ઊલટી ને શ્વાસને ભીંસ ખૂબ દેતું;

સોજા ને દમતાં જોઈ ધૂન મને લાગી ગઈ…..ધૂન મને.

ઉધરસને સળેખમ રાત દિવસ પીડે,

કફ ને વાયુને રોગ બાથ ખૂબ ભીડે;

આદુ મધ સાથ ભાળી સવારી એની ભાગી ગઈ…..ધૂન મને.

દાળમાં મસાલા કર્યા, ભર્યા ખૂબ ભાવથી,

શાક રસાદાર કર્યુ મેથીના વઘારથી;

ચટણી જોઈ આદુ તણી મજા ઓર આવી ગઈ…..ધૂન મને.

તનડાના રોગમાં સૂંઠ સદા સારી લેવી,

મનડાના રોગોમાં બ્રાહ્મી ભલી દેવી;

આદુ-સૂંઠ એક જાણી સુધ મને લાગી ગઈ…..ધૂન મને.

તૃષા હરનાર દ્રવ્ય પોષક જે ગમતું,

રુચિકર ને સ્ફુર્તિપ્રદ દિલમાં શું રમતું !

પીતાં શરબત એનું તાજગી શી જાગી ગઈ !…..ધૂન મને.

આંબલી ને ગોળ સાથે, કોથમીર આવે,

લીંબું ને લસણ સાથ, મરચાં તો ભાવે;

ચટણી ચટકદાર બની, રોગભીતિ ભાગી ગઈ !…..

ધૂન મને લાગી ગઈ !

–––––––––––––––––––––––––––––

(‘ઔષધિગાન’માંથી)

 

અરીઠી

અરીઠી

– સ્વ.નરહરિભાઈ ભટ્ટ

(ઢાળઃ પહેલું પહેલું મંગળિયું વરતાય રે !)

‘જાઓ ઝટ, અરીઠીને લઈ આવો રે,

રમિલાનું મસ્તક એણે ધોવડાવો રે.

ખોડો થયો, નથી કેમે કરી જાતો રે,

અરીઠીથી ભલી પેરે તો ધોવડાવો રે.’

‘બેની, અરે ! આમાં તે શું નવું દીઠું રે?

શેમ્પુ છોડી તૂત તમે કાં લીધું રે ? !

તમે બેન, અર્થનાં છો બહુ લોભી રે !

જાણું તમને જૂના જમાનાનાં મોભી રે !’

‘બેની ! રંગ નવી દુનિયાનો ન માણ્યો રે,

મિથ્યા માનવજન્મ તમે ગુમાવ્યો રે !’

નગોડ

નગોડ

– સ્વ. નરહરિભાઈ ભટ્ટ

‘‘નગોડ બેની, શું વિચારો વાત જો,

શાને રે કાજે આવી અહિંયાં વસ્યાં ?’’

‘‘જોતી રહી છું રોગીજનની વાટ જો,

નિરોગી થાવા ને નરવીર આવતા.

શ્રદ્ધા, ધીરજ રાખી હૈયે હામ જો,

આવો ને નરવીરો સંકટ ટાળવા.

ધોળી, કાળી, ‘કતરા’ નામે ઓળખો,

નીલપુષ્પી ને સોફાલિકા મુજ નામ છે.

તીખી, કડવી, તૂરી ને વળી લૂખી જો,

વાયુ. કફહર જઠરાગ્નિને વધારતી.

સ્મૃતિ, મેઘા, નયનોને એ હિતકારી જો,

કેશ વધારી વર્ણને ઊજળો રાખતી.

 ધોળાં ફૂલવાળી આ મારી બેન જો,

વિદારતી એ જંતુ બધાંને ખંતથી.

પ્રદર, આફરો, સોજા, વાયુ હોય જો,

કાળાં ફૂલવાળી, એ સૌ સંહારતી.

પિત્તશામક ને પથ્યભરેલી કહેતાં જો,

ઝાઝેરી આવું ના અન્યના કામમાં.

ગુણ મારા સમજીને હોંશે સેવજો,

એવું કહીને કતરા મૌન હસી રહી !

આકડો

આકડો

– સ્વ. નરહરિભાઈ ભટ્ટ

(ઢાળઃ આવી આવી વગડા વીંધી વેલ જો,)

અમે ગયા’તા અંજનીસુતને દ્વાર જો,

માળાઓ દીઠી રે આકના ફૂલની.

સંશય પ્રગટ્યો મારા અંતર માંહ્ય જો,

પૂછી રે બેઠો હું બજરંગદેવનેઃ

‘ઓ દાદાજી ! ત્યજી સુગંધી ફૂલોને,

શાને રે મોહ્યા છો આકના ફૂલમાં ?!’

વળતી બોલ્યા વાયુ તણા સંતાન જો,

સંભળાવ્યા દાદાએ ગુણ-ઉપયોગ સૌઃ

‘કડવો, તીખો, લૂખો, રેચક આક જો,

પડકારે કફ-વાયુ-દમનાં વિષને.

કમળો, ઉધરસ, મેલેરિયા ને ખોડો જો,

કોલેરા, સોજા ને પેલી આંચકી.

પર્ણો લેજો, લેજો પય પણ આકના,

સમજીને લેજો રોગીને તારવા.

હાથીપગું, વધરાવળ, શિરદુખાવામાં,

પર્ણોને બાંધો રે દિવેલ સંગમાં.

ખેતર વગડે ઊભો આ ગુણકારી જો,

નીરખવા તમને તો ફુરસદ ના મળે.

ગુણથી મોહ્યા, રૂપથી ના અંજાયા જો,

માળાઓ ધારી છે એથી કંઠમાં.

સરજી પ્રભુએ ઔષધિ જીવને કાજ જો,

માનવ કેવો વિસરી બેઠો એમને !!’

વંદન કરીએ અંજનીસુતને પ્રેમથી,

સંદેશો આ સુણતાં ધન્ય થયાં અમે !

વિશ્વખ્યાત ઓષધ: અશ્વગંધા

અશ્વગંધા

(સ્વ. નરહરિભાઈ ભટ્ટ)

 

સાગરમંથન થકી પ્રગટ્યા રે, તુરંગ પ્યારા

ચૌદ રત્નો તરી આવ્યાં,

તેમાં તમને રૂડા ભાળ્યા !

દેવોને મન બહુ ભાવ્યા રે !…તુરંગ પ્યારા !

 

તને કોઈ અશ્વ કહે,

તુરંગી, તુરંગા ચહે,

હય સાથે ગંધ રહે રે !…તુરંગ પ્યારા !

 

બેટી તું ધરણીની થઈ,

ગંધ ને ફેલાવી રહી,

દોષ રહિત તને કહી રે !…તુરંગા પ્યારી !

 

વટાણા છે તારા લીલા,

પાકે ત્યારે લાલમ લાલા !

ભોરીંગણી શાં લાગે વ્હાલાં રે !…તુરંગ પ્યારા !

 

રસે તું કડવી ને તૂરી,

વિપાકે તું તીખી પૂરી !

રોગો હરવા કાજે શૂરી રે !…તુરંગા પ્યારી !

 

શ્વાસ,ક્ષય, કૃમિ, સોજા ભારી,

વાત, આધાશીશી ભારી !

નેત્ર, ચર્મરોગહારી રે !…તુરંગા પ્યારી !

 

બાળકોની સખી થઈને,

યુવાનોની ભેરુ રહૈને,

જરાને ભગાડે કહૈ ને રે !…તુરંગા પ્યારી !

 

વાયુ કફનો નાશ કરે,

ધાતુ કેરા રોગો હરે,

શરીરેથી કાંતિ ઝરે રે !…તુરંગ પ્યારા !

 

ચૂર્ણ, ઘૃત, પાક મળે,

ગંધાદિનું તેલ ભળે,

મરકીની તો ગાંઠ ગળે રે !…તુરંગ પ્યારા !

 

સવારે ને રાતે ચૂર્ણ,

લેવું ચમચી ભરી પુર્ણ;

સ્વીકારો સદાનું ઋણ રે !…તુરંગ પ્યારા !

 

જાગો, જાગો ભારતવાસી !

ઉગાડો ઔષધિ ખાસ્સી;

રોગો સઘળા જશે નાસી રે !…તુરંગ પ્યારા !

અરડુસી ઘરઘરમાં વાવો !

અરડૂસી

–    સ્વ. નરહરિભાઈ ભટ્ટ

 

અરડૂસી છે ઉપકારી,

મૂલ્ય એનું છે નહિ ભારી;

હિત હૈયે સહુનું એને,

સેવો બહુ ભાવથી તેને…..કડવી.

 

વિસાર્યા અરડૂસી માડી,

ભૂલ હવે છેક સમજાણી,

ક્ષમા, બાળક જાણી કરી દે,

તારા ગુણ તનડે ભરી દે…..કડવી.

 

સીમ, શેઢે  રોપવા, માડી !

ખાતર-પાણી ધરવાં દા’ડી.

પ્રેમભરી જતન કરીએ

અમારો દ્વઢ નિશ્ચય એ ! કડવી.

 

‘હાક…છીક !’ શરદી થઈ છે !

ભારે મોટી શરદી થઈ છે !

બે ચમચી અરડૂસી-રસ,

ઉમેરો તુલસીનો રસ !

મધ સાથે રંગ જમાવો,

સવારે ને સાંજે પાવો…..કડવી.

 

અલવિદા કહો શરદીને

યાદ કરો અરડૂસીને !     કડવી.

ગુણકારી અરડૂસી

અરડૂસી

કડવી ને ગુણકારી એ,

ઠંડી તો ય હળવી છે એ !

પિત્તભર્યા કફમાં તંતે,

વાસુકિ લડતી ખંતે !…. કડવી.

દમ ને પ્રમેહ, સોજામાં,

સસણી, ને પાયોરિયામાં,

ચર્મરોગ, ઊલટી, મેદે,

રક્ષણ એ કરતી રહે છે… કડવી.

પત્ર, પુષ્ય, મૂળિયાં એનાં,

અંગ સૌ ઔષધ તેનાં,

અલગ અનુપાન લેતાં તે,

રોગ સકળ હરનારી છે… કડવી.

દવા હવે થઈ છે મોંઘી,

બિલ મોટાં, જિંદગી સોંઘી;

પાસાં ભેગાં બેઉ કરવાને,

ચિંતા રોજ રોજ સતાવે…        કડવી.

ઘર આંગણે એ રમતી,

કોઇને ક્યારે ય ન દમતી;

સૌને ગમતી, હસતી એ,

સત્કારે હર્ષ ભરી એ… કડવી.

– સ્વ. નરહરિભાઈ ભટ્ટ

 

કારેલાં રે કારેલાં !

 – સ્વ. નરહરિ ભટ્ટ

કારેલાં ખૂબ કડવાં,

મુખ મચકોડી નાખે;

સ્થાન લઈ ખટરસમાં,

કામ રૂડાં જ દીપાવે.

કડવી લીમડી ભાળો,

શીતળ એનો છાંયો;

સમજે જન જે શાણો,

કડવા રસને માણો !

મધુર, અમ્લરસ ગમતા,

લવણ, કટુ, કષાય;

આ સૌનું સંયોજન કરતાં

કારેલાં શેં વીસરાય ?!

ઉત્તમ એનો કડવો ગુણ,

ઔષધ થઈ મીઠડો લાગે;

અમૃતરૂપ પ્રભુનું આ ૠણ

રે ! આજ ઉપેક્ષા પામે !

રોગોને શરદ જમાવે,

કારેલાં તરત વિદાય કરે;

કફ–પિત્તને સખત નમાવે,

તનના રોગો નિષ્પ્રાણ કરે.

–––––––––––––––––––––––––––––––––

આયુષ્યના અવશેષે લખાયેલાં ૨૦૦ વનસ્પતિગાનના સંગ્રહો

(‘ઔષધિગાન” ભાગ ૧–૨)માંથી