Category Archives: Narhari Bhatt

ઔષધીય વનસ્પતિનાં કાવ્યોનો અમૂલ્ય સંગ્રહ !

આહ્વાન !

શ્રી નરહરિભાઈ અને શ્રી જુગલભાઈ બંનેએ પ્રસ્તાવનામાં લખ્યું છે તે પ્રમાણે “ઔષધિગાન’નો આ ગીતસંગ્રહ એક અકસ્માત ઘટના છે. ૮૦ વર્ષ પછીની ઉંમરે, અસ્વસ્થ અવસ્થામાં, એકસો જેટલાં કાવ્યો અને તે પણ આયુર્વેદના દ્રવ્ય ગુણ વિજ્ઞાન વિષયમાં તૈયાર કરવાં, (પોતાનો એ વિષય ન હોવા છતાં) તે વિચારણીય બાબત તો ખરી જ. નરહરિભાઈનો આ પુરુષાર્થ આયુર્વેદ પ્રેમી અને વનૌષધિ પ્રેમી માટે યાદગાર મૂડી બની રહેશે. પદ્યરચનાવાળાં આવાં પુસ્તકો ખપતાં ન હોવાથી તેને પ્રગટ કરવા સન્માર્ગે કેવળ સારી રકમ વાપરી નાખવાની બાબત બને. અને એ પ્રમાણે આયુ પ્રકાશને પણ આ સાહસ કર્યું ગણાય.

વૈદ્ય શ્રી બાપાલાલભાઈ શતાબ્દી વર્ષે વનૌષધિઓને લગતાં ઘણાં નવાં કાર્યો આયુ ટ્રસ્ટ દ્વારા થયાં તેમાં દિવ્યૌષધિ પ્રદર્શન, ઔષધિબાગ સહકાર, સચિત્ર દિવ્યૌષધિદર્શન સેટનું પ્રકાશન તેમજ વનૌષધિ પ્રેમીઓનું સન્માન વગેરેની સાથે આ ‘ઔષધિગાન’નું પ્રકાશન પણ મહત્ત્વનું પ્રદાન બનશે. આ વર્ષે આયુ ટ્રસ્ટે એકસો દિવ્યૌષધિને અનેક સ્વરૂપે આમ જનતા સુધી પહોંચાડવાનું નક્કી કરેલું તેમાં શ્રી અશોકભાઈ ડાભી દ્વારા જે એકસો દિવ્યૌષધિનું ‘ચિત્ર-પ્રદર્શન’ તૈયાર થયું તેમ શ્રી નરહરિભાઈ દ્વારા એ જ વનસ્પતિઓનું ‘ગીત-પ્રદર્શન’ પદ્યમાં તૈયાર થયું તે સુખદ સંજોગ છે. ઘણા ઓછા ગાળામાં શ્રી નરહરિભાઈએ આ સો જેટલાં ગીતો લખ્યાં તેને શ્રી નરહરિભાઈનું સન્માન કરતી વખતે તા. ૧૫-૯-‘૯૬ના રોજ પુસ્તકાકારે પ્રગટ કરવા તેવો નિર્ણય આયુ ટ્રસ્ટની મિટિંગમાં લેવાયો તેથી ખૂબ ઉતાવળે આ સંગ્રહને તૈયાર કરવો પડ્યો. તેથી સો ગીતને બદલે થોડાં ઓછાં પ્રગટ થઈ શક્યાં. (જોકે, નરહરિભાઈનો ગીતસર્જનનો ઉત્સાહ વધ્યો છે. રોજ રોજ નવાં ગીતો આજે પણ બને છે. તેમનો એક બીજો સંગ્રહ તૈયાર થાય તેવી આશા રાખીએ.)

આ બધાં ગીતોને કાવ્યત્વની દૃષ્ટિએ, વ્યાકરણ દૃષ્ટિએ તપાસવા-મઠારવા, ફેર કરવા, પ્રેસ કોપી બનાવી આપવા ગુજરાત યુનિવર્સિટી સંચાલિત શ્રમિક વિદ્યાપીઠના નિયામક અને લોકભારતીના સ્નાતક તેમજ ગુજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક શ્રી જુગલકિશોર જે. વ્યાસે ઓછા દિવસમાં ઘણી મહેનત કરીને પ્રતિસંસ્કાર કરી આપવાનું કાર્ય કર્યું છે તે આ સંગ્રહના સદનસીબ સમજું છું.

વર્ષો પહેલાં આ પ્રકારનું એક પુસ્તક ‘આયુર્વેદ ચમત્કાર દર્શન’ના નામે અમદાવાદના કોઈ મંદિરના કોઈ સાધુ દ્વારા રચાઈને પ્રગટ થયેલું જે આજ અપ્રાપ્ય છે, ત્યારે આ પુસ્તકને સૌ આવકાર્યા વિના નહીં રહે, આવાં ભાવપૂર્ણ ગીતો આયુર્વેદ જગતને–વનસ્પતિ જગતને આપીને શ્રી નરહરિભાઈએ આયુર્વેદ પર મોટો ઉપકાર કર્યો છે. કાવ્ય કેવાં છે ? તે કરતાં કાવ્યો કેવા ભાવથી લખાયાં છે તે બાબત મારે મન ઘણી મોટી છે.

અંતમાં, તેમના જ શબ્દો ટાંકીને કહેવું પૂરું કરીશ.

“જાગો ! ઊઠો ! ને ધ્યાન દ્યો ! જાણો નિજ સ્વરૂપ !
શિવ કરવાને જીવને, પ્રભુ થયા તરુરૂપ !’
અહીં “જાગો, ઊઠો, જંપ નહીં નિજ ધ્યેયને પામ્યા વિના એ “ઉત્તિષ્ઠત, જાગ્રત…’ સ્વામી વિવેકાનંદના ઉદ્ધોધનની યાદ દેવડાવે છે. ઋગ્વેદથી માંડીને વૈદ્ય શ્રી બાપાલાલભાઈના નિઘંટુ આદર્શ સુધી લખાયેલ અગણિત નિઘંટુઓ અને ચરકાદિ સંહિતાની આ પુરુષાર્થભૂમિ–તપોભૂમિ પર પ્રભુ સ્વરૂપ તરુઓના માહાત્મ્યનું પુનઃપ્રસ્થાપન થાય, આયુર્વેદની પુનઃ પ્રતિષ્ઠા થાય તેવા યુગના મંડાણ માટેનું આ આહ્વાન છે.

આયુ સેન્ટર                                                     – વૈદ્ય શોભન ૧-૯-’૯૬

સંદર્ભ : સ્વ. નરહરિ ભટ્ટ રચિત “ઔષધિગાન”માંથી સાભાર.

અગત્યની નોંધ : ઉપરોક્ત પ્રસ્તાવના જે પુસ્તકની છે તે “ઔષધિગાન ભાગ – ૧”માંનાં ગીતોને એક પછી એક અહીં દર રવિવારે મૂકવામાં આવશે. આ ગીતો સાચવી રાખવા જેવાં ઉપયોગી બની રહેશે તેવી આશા સાથે – સંપાદક.

અતિ ગુણીલી હળદર

સરળ ભાષામાં બાળકોને યાદ રહી જાય તેવું હળદરકાવ્ય !!

હળદર લ્યો કોઈ હળદર લ્યો !
દિલરંગી આ હળદર લ્યો.
રસોઈ માટે હળદર લ્યો,
અથાણાં માટે હળદર લ્યો,
દાળ-શાકમાં હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

કબજિયાતમાં હળદર લ્યો,
વાયુ હટાવે હળદર લ્યો,
પિત્તનું મારણ હળદર લ્યો,
કફને હરતી હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

વહેતા ઘામાં એ ભરી લ્યો,
શ્વાસ હરંતી હળદર લ્યો,
ઉધરસ દમતી હળદર લ્યો,
ગોળો, અરુચિમાં હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

કાકડામાં ખાસ હળદર લ્યો,
ઓપરેશન નહિ, હળદર લ્યો !
ધનૂરથી બચવા હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

રોગો હટાવે હળદર લ્યો,
દવાખાનું ભાગે હળદર લ્યો;
નાણાં બચાવે હળદર લ્યો;
પરોપકારી હળદર લ્યો,
…..હળદર લ્યો ભૈ.

– સ્વ. નરહરિ ભટ્ટ

(‘ઔષધિગાન’માંથી સાભાર.)

મહેંદી તે વાવી આંગણે…

 મહેંદી

મહેંદી તે વાવી આંગણે, એના રંગો ઊભરાય તંનમાંય રે,

                                                   મહેંદી રંગ લાગ્યો રે.

નાનો બાંધવડો લાડકો એ તો લાવ્યો મહેંદી કેરા છોડ રે,

                                                  મહેંદી રંગ લાગ્યો રે.                                    

વાટી ઘૂંટીને ભર્યો વાડકો બેની, રંગી લ્યો હાથ અને કોડ રે,

                                                     મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી મૂકીને બેની, ચાલશું, જાશું ઉમિયા માતાજીને દ્વાર રે,

                                                      મહેંદી રંગ લાગ્યો રે.

પૂજન કરી માડી, માંગશું દેહ નરવો આ કરજો અપાર રે,

                                                    મહેંદી રંગ લાગ્યો રે.

માતા પ્રસન્ન થઈ બોલિયાઃ તમે હૈયામાં રાખજો હામ રે,

                                                   મહેંદી રંગ લાગ્યો રે.

વાટીને મહેંદી ચરણ બાંધજો નકી શીતળામાં થાશે આરામ રે,

                                                        મહેંદી રંગ લાગ્યો રે.

કાળા નાગણશા કેશ, વળી બેની નખને વધારવા કાજ રે,

                                                 મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી ઘૂંટીને એનો લેપ બ્હેનબા, કરજો ઉપાય તમે આજ રે,

                                                       મહેંદી રંગ લાગ્યો રે.

વેરણ થઈ જાય કદી નીંદ બ્હેનડી, મનડું વિચારે ચડી જાય જો,

                                                          મહેંદી રંગ લાગ્યો રે.

ઓશિકે રાખ્યે એનાં ફૂલો ફોરમતાં, અનુભવ શાંતિનો શો થાય રે,

                                                              મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી મૂકી પાટા બાંધજો જ્યારે દેહે, નયને દાહ થાય રે,

                                                  મહેંદી રંગ લાગ્યો રે.

ગરમી, પ્રમેહ, લૂ, ખોડોને ચર્મરોગ એનાથી દૂર થઈ જાય રે,

                                                        મહેંદી રંગ લાગ્યો રે.

મહેંદી-રસ-સાકર-જળ મેળવી એને પીએ સવારના રોજ જો,

                                                        મહેંદી રંગ લાગ્યો રે.

શુક્ર-શ્રાવ સાવ થશે દૂર એમને હૈયે આનંદના ઓજ જો !

                                                  મહેંદી રંગ લાગ્યો રે.

–––––––––––––––––––––––––––––––––

(‘ઔષધીગાન’માંથી)

આદુની ધૂન મને લાગી ગઈ.

આદુ                           સ્વ. નરહિભાઈ ભટ્ટ

–––––––––––––––––––––––––

ધૂન મને લાગી ગઈ, ધૂન મને લાગી ગઈ, 

આદુ પ્યારા, ધૂમ મને આજ તારી લાગી ગઈ.

તીખું અને ઉષ્ણવીર્ય, માની ગરમ લીધું,

ગુણવાળું વીર્ય મહીં અજીરણમાં દીધું;

જઠરાગ્નિ તેજ થતાં ભૂખ ભારે લાગી ગઈ….. ધૂન મને.

વાયુ ને કફના સૌ રોગ હરી લેતું,

ઊલટી ને શ્વાસને ભીંસ ખૂબ દેતું;

સોજા ને દમતાં જોઈ ધૂન મને લાગી ગઈ…..ધૂન મને.

ઉધરસને સળેખમ રાત દિવસ પીડે,

કફ ને વાયુને રોગ બાથ ખૂબ ભીડે;

આદુ મધ સાથ ભાળી સવારી એની ભાગી ગઈ…..ધૂન મને.

દાળમાં મસાલા કર્યા, ભર્યા ખૂબ ભાવથી,

શાક રસાદાર કર્યુ મેથીના વઘારથી;

ચટણી જોઈ આદુ તણી મજા ઓર આવી ગઈ…..ધૂન મને.

તનડાના રોગમાં સૂંઠ સદા સારી લેવી,

મનડાના રોગોમાં બ્રાહ્મી ભલી દેવી;

આદુ-સૂંઠ એક જાણી સુધ મને લાગી ગઈ…..ધૂન મને.

તૃષા હરનાર દ્રવ્ય પોષક જે ગમતું,

રુચિકર ને સ્ફુર્તિપ્રદ દિલમાં શું રમતું !

પીતાં શરબત એનું તાજગી શી જાગી ગઈ !…..ધૂન મને.

આંબલી ને ગોળ સાથે, કોથમીર આવે,

લીંબું ને લસણ સાથ, મરચાં તો ભાવે;

ચટણી ચટકદાર બની, રોગભીતિ ભાગી ગઈ !…..

ધૂન મને લાગી ગઈ !

–––––––––––––––––––––––––––––

(‘ઔષધિગાન’માંથી)

 

અરીઠી

અરીઠી

– સ્વ.નરહરિભાઈ ભટ્ટ

(ઢાળઃ પહેલું પહેલું મંગળિયું વરતાય રે !)

‘જાઓ ઝટ, અરીઠીને લઈ આવો રે,

રમિલાનું મસ્તક એણે ધોવડાવો રે.

ખોડો થયો, નથી કેમે કરી જાતો રે,

અરીઠીથી ભલી પેરે તો ધોવડાવો રે.’

‘બેની, અરે ! આમાં તે શું નવું દીઠું રે?

શેમ્પુ છોડી તૂત તમે કાં લીધું રે ? !

તમે બેન, અર્થનાં છો બહુ લોભી રે !

જાણું તમને જૂના જમાનાનાં મોભી રે !’

‘બેની ! રંગ નવી દુનિયાનો ન માણ્યો રે,

મિથ્યા માનવજન્મ તમે ગુમાવ્યો રે !’

નગોડ

નગોડ

– સ્વ. નરહરિભાઈ ભટ્ટ

‘‘નગોડ બેની, શું વિચારો વાત જો,

શાને રે કાજે આવી અહિંયાં વસ્યાં ?’’

‘‘જોતી રહી છું રોગીજનની વાટ જો,

નિરોગી થાવા ને નરવીર આવતા.

શ્રદ્ધા, ધીરજ રાખી હૈયે હામ જો,

આવો ને નરવીરો સંકટ ટાળવા.

ધોળી, કાળી, ‘કતરા’ નામે ઓળખો,

નીલપુષ્પી ને સોફાલિકા મુજ નામ છે.

તીખી, કડવી, તૂરી ને વળી લૂખી જો,

વાયુ. કફહર જઠરાગ્નિને વધારતી.

સ્મૃતિ, મેઘા, નયનોને એ હિતકારી જો,

કેશ વધારી વર્ણને ઊજળો રાખતી.

 ધોળાં ફૂલવાળી આ મારી બેન જો,

વિદારતી એ જંતુ બધાંને ખંતથી.

પ્રદર, આફરો, સોજા, વાયુ હોય જો,

કાળાં ફૂલવાળી, એ સૌ સંહારતી.

પિત્તશામક ને પથ્યભરેલી કહેતાં જો,

ઝાઝેરી આવું ના અન્યના કામમાં.

ગુણ મારા સમજીને હોંશે સેવજો,

એવું કહીને કતરા મૌન હસી રહી !

આકડો

આકડો

– સ્વ. નરહરિભાઈ ભટ્ટ

(ઢાળઃ આવી આવી વગડા વીંધી વેલ જો,)

અમે ગયા’તા અંજનીસુતને દ્વાર જો,

માળાઓ દીઠી રે આકના ફૂલની.

સંશય પ્રગટ્યો મારા અંતર માંહ્ય જો,

પૂછી રે બેઠો હું બજરંગદેવનેઃ

‘ઓ દાદાજી ! ત્યજી સુગંધી ફૂલોને,

શાને રે મોહ્યા છો આકના ફૂલમાં ?!’

વળતી બોલ્યા વાયુ તણા સંતાન જો,

સંભળાવ્યા દાદાએ ગુણ-ઉપયોગ સૌઃ

‘કડવો, તીખો, લૂખો, રેચક આક જો,

પડકારે કફ-વાયુ-દમનાં વિષને.

કમળો, ઉધરસ, મેલેરિયા ને ખોડો જો,

કોલેરા, સોજા ને પેલી આંચકી.

પર્ણો લેજો, લેજો પય પણ આકના,

સમજીને લેજો રોગીને તારવા.

હાથીપગું, વધરાવળ, શિરદુખાવામાં,

પર્ણોને બાંધો રે દિવેલ સંગમાં.

ખેતર વગડે ઊભો આ ગુણકારી જો,

નીરખવા તમને તો ફુરસદ ના મળે.

ગુણથી મોહ્યા, રૂપથી ના અંજાયા જો,

માળાઓ ધારી છે એથી કંઠમાં.

સરજી પ્રભુએ ઔષધિ જીવને કાજ જો,

માનવ કેવો વિસરી બેઠો એમને !!’

વંદન કરીએ અંજનીસુતને પ્રેમથી,

સંદેશો આ સુણતાં ધન્ય થયાં અમે !

અરડુસી ઘરઘરમાં વાવો !

અરડૂસી

–    સ્વ. નરહરિભાઈ ભટ્ટ

 

અરડૂસી છે ઉપકારી,

મૂલ્ય એનું છે નહિ ભારી;

હિત હૈયે સહુનું એને,

સેવો બહુ ભાવથી તેને…..કડવી.

 

વિસાર્યા અરડૂસી માડી,

ભૂલ હવે છેક સમજાણી,

ક્ષમા, બાળક જાણી કરી દે,

તારા ગુણ તનડે ભરી દે…..કડવી.

 

સીમ, શેઢે  રોપવા, માડી !

ખાતર-પાણી ધરવાં દા’ડી.

પ્રેમભરી જતન કરીએ

અમારો દ્વઢ નિશ્ચય એ ! કડવી.

 

‘હાક…છીક !’ શરદી થઈ છે !

ભારે મોટી શરદી થઈ છે !

બે ચમચી અરડૂસી-રસ,

ઉમેરો તુલસીનો રસ !

મધ સાથે રંગ જમાવો,

સવારે ને સાંજે પાવો…..કડવી.

 

અલવિદા કહો શરદીને

યાદ કરો અરડૂસીને !     કડવી.

અઘેડો

અઘેડો

વેદકાળથી યજ્ઞમાં અઘેડો વપરાય,

વનસ્પતિ શિરોમણિ તેથી એ કહેવાય.

                                               હળવો, કડવો ને લૂખો, વાયુ, કફ હરનાર,

                      નાશ કરી રોગો બધા, કાંતિનો દેનાર.

                     લાવો મૂળ અઘેડીનું પુષ્યનક્ષત્ર માંય,

                       લાલ સૂતરથી ગાંઠીને બાંધો દર્દીની બાંય.

                            તરિયો તાવ મટી જશે, દર્દીને સુખ હોય,

                              સાચું શોઢલજી કહે, અનુભવ સૌ કરી જોય.

                                 વંધ્યત્વદુઃખ અતિઘણું નારીને મન હોય,

                                    પથરા દેવ ગણી પૂજે, ઇચ્છા પૂરી ન હોય.

                                દૂધ સાથે અઘેડીનું, મૂળ ઘસીને કોઈ

                                   પીવે રસ આનંદથી ઋતુમતી જે હોય,

                                        શોઢલ વાણી ઉચ્ચરે, ગર્ભવતી તે હોય.

                                           મૂષક, વૃશ્વિક, સર્પનું, શ્વાનતણું વિષ હોય,

                                           કોલેરા, સોજા, વળી મસા, શિરઃશૂળ હોય,

                                            દૂધ, છાશ અનુપાનમાં લઈ શકે સૌ કોઈ.

                                                      ક્ષુધા, તૃષા, જ્વર ને વળી, દ્રષ્ટિમાંદ્ય, કૃમિ હોય,

                                          વિકાર સઘળા દૂર કરે ભરેલ તનમાં હોય.

                              – સ્વ. નરહરિભાઈ ભટ્ટ

વનસ્પતિ–પ્રેમી નરહરિભાઈ – ભાગ ૨.

    પરિચય – શ્રી જુગલકિશોર.

એમની વનસ્પતી વીષયક કવીતાઓ વાંચતાં લાગે છે કે તેઓ વનસ્પતી સાથે વાતો કરે છે. તેની બોલી તેઓ જાણે કે સાંભળે છે ને સમજે છે…તેમનું વનસ્પતી સાથેનું આત્મસાત્ય જાણવા જેવું છે. જો કે આ વનસ્પતીગાન જ્યારે સર્જાયાં ત્યારે તો તેઓ મોટે ભાગે પથારીવશ જ હતા. કલ્પનાના સહારે, સુક્ષ્મદેહે તેઓ વનસ્પતી પાસે જઈ પહોંચ્યા હોય કે જાણે ખુદ વનસ્પતી જ એમની કને આવીને કાનમાં કહી ગઈ હોય ! તેમને તો આવી કશી વાતે રસ નથી. તેઓ તો કહે છે કે આ ગીતો “રામે લખાવ્યું છે, મારું કશું નથી.”

વનસ્પતી–ગીતોમાં એમનો અભીગમ પ્રધાનતઃ વનસ્પતીની વંદનાનો રહ્યો છે. ધન્વન્તરી દેવને તેઓ ઈશ્વરના પ્રતીક રુપે જુએ છે, ને કહે છે –

“આવ્યા આવ્યા ધન્વન્તરીજી આવ્યા જો, આવ્યા લઈને સાથે અમૃતકુંભને.

સીંચ્યાં સીંચ્યાં વનવગડાની વાટે જો, સીંચ્યાં રે પ્હાડોને, પર્વતખીણને.

હરખે સીંચ્યાં ઉર્વી કેરા ઉરમાં જો, સીંચ્યાં એણે વાવ–કૂવા ને સાગરો.”

અમૃતકુંભમાં જે પ્રવાહી છે તે ફક્ત અમૃત નથી એવું સમજાય છે. જાણે વનસ્પતી ખુદ પ્રવાહી રુપે, રસ રુપે ધન્વન્તરીના કુંભ દ્વારા જગતમાં આવી છે ( કે પછી વનસ્પતીનો રસ એ જ અમૃત છે !) ગીતાના ૧૫મા અધ્યાયમાં ઉલ્લેખાયા મુજબ વનસ્પતીને તેઓ ચંદ્ર અને ધરા દ્વારા પ્રગટેલી, રસરુપ સૃષ્ટી તરીકે તેમની કવીતાઓમાં અવારનવાર નીરુપે છે.

એમની રચનાઓમાં સાગરમંથનમાંથી પ્રગટેલા અમૃતનો ઉલ્લેખ આવતો જ રહે છે. આ એ જ અમૃત છે જે માનવ અને પશુપક્ષી સૌ જીવોના શરીરની સુખાકારી અને જીવનસમૃદ્ધી સુધી વહેતી રહે છે.

માનવીને તેઓ વારંવાર આ ઉત્તમ અને દીવ્ય ઔષધીઓની આરાધના કરવા સમજાવે છે. ઉપાલંભથી તો ક્યારેક વીનંતીથી માનવને તેઓ વનસ્પતી તરફ વળવા સુચવે છે. પોતે અધુરા પડે છે ત્યારે તેઓ વનસ્પતી દ્વારા માનવબાળને કહેતા સંભળાય છે –

“ રમવા ઝૂમવા આવો માનવબાળ સૌ, વન–ઉપવન ને વનરાજીના સંગમા.

બાંધી ઝૂલો વડલાકેરી ડાળે જો, ઝૂલો રે વૃક્ષોની શીતળ છાંયમાં.”… … … 

એટલેથી ન અટકીને તેઓ કહેવડાવે છે વનસ્પતી દ્વારા, કે –

બોલ્યાં બાવળ, અરડૂસી અઘેડો જો, સાથે રે તુલસી, આવળ ને લીમડો…”

આ સાથે તેમાં તુલસી, શતાવરી, શરપંખો, કળી ભાંગરો, વ્હાલી નીર્મળી ઉપરાંત રૂડો પીંપળ અને પાલખડી વગેરેનો સમાવેશ થાય છે ! માનવબાળને પોતાના તરફ આકર્ષવા –

“સફેદ, પીળાં, જાંબુડિયાં છે પુષ્પો જો, તોરણિયાં બાંધ્યાં રે લીલાં પાનથી.”

બાકી રહે તે પક્ષીઓ પુરું કરે છે –

“કોયલ, મેના સૂર મીઠા સંભળાવે જો, નાચે નાચે મયૂરો ઢેલડ સંગમાં.

સ્વાગત કરતાં બોલ્યાં અમૃતવાણી જો, ભલે પધાર્યાં લાડકડાં અમ આંગણે !

પીરસ્યા છે રસથાળો, માણો, ભાવે જો, મહેમાની માણો રે આદરભાવથી,”

વનસ્પતીનો ઉપયોગ કરવાની બાબતમાં કવીજીવને “ઉપભોગ’ અભીપ્રેત નથી. દીવ્ય ઔષધીઓનો ઉપભોગ ન હોય. વનસ્પતીના સદુપયોગની વીધી પણ તેઓ જ બતાવી આપે છે –

“સામગ્રી પૂજનની લઈ, પૂજવી રહી એ ઔષધી; લેવું નિમંત્રણ ભાવથી,

આવીશ લેવા ઔષધી. બીજે દિવસ જઈ નમ્રતાથી લાવવાની ઔષધી.”

વનસ્પતી સૃષ્ટી માનવ અને સઘળા જીવોના કલ્યાણ માટે હોવા છતાં મનુષ્ય વનસ્પતીને ભુલી રહ્યો છે તેની વેદના પણ નરહરિભાઈ કવીતાઓમાં વારંવાર પ્રગટ કરે છે –

“ ઔષધિ ફાલી ફળ, ફૂલ, મૂળ ને પાનથી, ભૂલ્યો રે, ભૂલ્યો ગુણ એના, માનવી !”  

પરંતુ વનસ્પતીનો ભાવ તો માનવ પ્રત્યે વાત્સલ્યનો છે. છોરું કછોરું થાય, પણ કાંઈ માવતર કમાવતર થોડાં થાય ?!  તેથી કહે છે –

“વિસર્યાં અમને માનવ કેરાં બાળ જો, નથી વિસાર્યાં અમે તમોને, માનવી !

ક્ષમા કરે બાળકને એનાં તાત જો, એમ વિસારી અમે તમારી ભૂલને !

સદૈવ રહેજો તમે અમારી સાથ જો, દિવ્ય બની જીવન સંગાથ નિભાવવા.”

શ્રી નરહરિભાઈ હવે તેમની જીવનયાત્રા એંશીના દાયકાના અંતની નજીકમાં જોઈને માનવજાત માટે શતાયુની આશા રાખે છે. સો વરસની જીંદગી માટેનો તેમનો આદર્શ શો છે ? –

“શત શત વર્ષો સુધી જીવવું ગમે, રોગ પજવે નહિ એવું જ્ઞાન ગમે.

જોઉં પુત્રના પુત્રનું મુખ પ્યારું, ઘર ઉલ્લાસે ભર્યું ભર્યું રહેજો મારું.

મારાં અંગ–ઉપાંગો સુદૃઢ રહે, શુદ્ધ અંતરમાં સદા હરિ નામ વહે.

મારાં વાણી–વર્તન સદા એક રહે, જેમ સરિતા નિર્મળ સદા વહેતી રહે… …

વ્હાલા, વિનતી કરું પ્રેમે સુણજો તમે; અંતકાળે લેવા આવી રહેજો; ગમે !”

માનવસેવાના વ્રતધારી, વનસ્પતીની સમગ્ર સૃષ્ટીના ચાહક ને ગાયક તથા પ્રભુપ્રીતીને જીવનમાં વણી બતાવનાર શ્રી નરહરિભાઈને પ્રશ્ન પુછાયો, કે પ્રથમ મીલ કામદાર તરીકે, પછી સેવાદળના સૈનીક રુપે, ત્રીજે પગથીયે ઔષધીના પ્રેમી તરીકે ને ચોથા ચરણમાં એના ગુણગાયક તરીકે તમે પ્રગટ્યા. હવે આગળ શું ?!

જવાબમાં તેઓને આગળ કોઈ કાર્યની ઝંખના નથી. તેઓ આ દેશના લોકો માટે આરોગ્ય ઝંખે છે. આધુનીક સારવાર મોંઘી થઈ છે, દોહ્યલી બની છે ત્યારે વનસ્પતી પાસે જઈને આપણું, લોકનું ને દેશનું કલ્યાણ થાય તેવી શુભેચ્છા પ્રગટ કરે છે. આપણે તેમને તેમની કલ્પના મુજબ શતાયુ ઈચ્છીએ !

અસ્તુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(તેઓ લગભગ ૯૪ વર્ષ જીવ્યા. છેક સુધી કાવ્યોનું ને પુસ્તકોનું પરીશીલન કરતા રહ્યા. એમનાં બાકી રહેલાં કાવ્યોનું સંપાદન સ્વતંત્ર રુપે કરવાનુ મારે ભાગે આવ્યું ત્યારે એમની પાસે બેસાડીને એ કાર્યને સંપન્ન પણ કરાવીને ગયા !! બીજા ભાગ વખતે શોભનજી પણ નહોતા. ‘જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિર’ના પ્રકાશન હેઠળ શ્રી મનુ પંડિત દ્વારા મારા એ સંપાદનને મુર્તરુપ અપાયું હતું. – જુ.)

ઔષધિગાન ભાગ – ૨

પ્રકાશકઃ શ્રી મનુ પંડિત

જીવનસ્મૃતિ મંદિર, ૧૭ – વસંતનગર સોસાયટી, મણિનગર, અમદાવાદ –૮.અમદાવાદ.