Category Archives: Parichay

આયુર્વેદના સાવ સરળ પાઠો

આયુર્વેદ

आयुर्हिताहितं व्याधिर्निदानं शमनं तथा ।

विद्यते यत्र विद्वदिभः स आयुर्वेद उच्यते ।।

આયુષ્ય માટે હિતકર શું અને અહિતકર શું ? રોગોનાં કારણ અને ઉપાય શાં ? એ બધું વિદ્વાનો જે શાસ્ત્ર દ્વારા જાણે છે તેને ‘આયુર્વેદ’ કહેવામાં આવે છે.

–  भावप्रकाश

રાષ્ટ્ર-ચિકિત્સા

આયુર્વેદ-ચિકિત્સા જ રાષ્ટ્ર માટે સૌથી વધુ ઉચિત ચિકિત્સા પ્રણાલી છે, કારણ કે-

 • તે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ છે; ઋષિમુનિઓનો અમર વારસો છે; આપણા ભગીરથ પુરુષાર્થનું પ્રતીક છે.
 • તે હજારો વર્ષોના અનુભવથી રચાયેલ છે; હજારો વર્ષો પસાર થયા છતાં તેમાંનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઊલટાનું સત્યની કસોટીમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.
 • તેનાં મૂળ હજારો વર્ષ પહેલાં નંખાયેલા છે અને તે તિબેટ, ચીન, બ્રહ્મદેશ, સિલોન, જાવા, સુમાત્રા, અરબસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધી પણ ફેલાયેલાં છે !
 • તે ગામડે-ગામડે, શહેરે-શહેર અને ઘેર-ઘેર પ્રત્યેક ભારતવાસીઓની રગેરગમાં વસી ગયેલ છે.
 • તેનાં ઔષધો સર્વત્ર મળી શકે તેવા, સસ્તાં, હિતકર અને નિર્દોષ છે.
 • ગુલામીનાં સેંકડો વર્ષ પસાર થવા છતાં, દેશની ૮૨ ટકા જનતા આજે પણ એનું જ શરણ સ્વીકારી તંદુરસ્તી જાળવે છે, મેળવે છે.
 • સ્વસ્થવૃત્ત અને સદ્દવૃત્ત દ્વારા તે તન કે મનમાં, રોગના એક પણ અંશને દાખલ થવા દેતી નથી અને દાખલ થયેલાને પૂર્વરૂપમાં જ પથ્ય દ્વારા આગળ વધતો અટકાવે છે.
 • તે એક રોગને કાઢતાં તેની સાથે સંબંધ ધરાવનાર અનેક રોગોને જડમૂળથી દૂર કરે છે. જૂનામાં જૂના અને દરેક જાતના સાધ્ય રોગોને શોધન, શમન કે પથ્ય દ્વારા બહાર ફેંકી દે છે.
 • યુગોથી વારસાગત સંબંધ હોવાથી તેમાં આપેલા ઉપાયો, નિયમો કે ઉપચારો પ્રત્યેક માણસને અનુકૂળ બને તે વા છે.
 • તેને અપનાવવાથી માણસ પોતાની જાતે રોગ, તેનાં કારણ અને ઔષધો વિષે જાણકાર થઈ જાય છે તેમ જ તેને નીરોગી રહેવા માટેનો સાચો માર્ગ પણ મળી જાય છે.
 • તે માત્ર રોગની ચિકિત્સાનું જ શાસ્ત્ર નથી પણ જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર અદ્રિતીય વિજ્ઞાન છે.
 • તે સ્વાવલંબન, સ્વદેશી અને રાષ્ટ્રપ્રેમના તાણાવાણાથી વણાયેલ છે. અને એ રીતે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય દ્રષ્ટિએ દેશને સૌથી વધુ અનુકૂળ છે.
 • ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયે, વધુ વિસ્તારમાં તે આપણી આરોગ્ય-સમસ્યાને હલ કરી શકે તેમ છે.
 • ટૂંકમાં, આરોગ્યશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રની જે લાયકાત હોવી જોઈએ તે બધી આયુર્વેદમાં છે અને એ રીતે તે આપણી રાષ્ટ્ર-ચિકિત્સા છે.

આયુર્વેદ – પરિચય

 • આયુર્વેદ એ આપણું પ્રાચીન મહાન વિજ્ઞાન છે; કારણ કે તેને ऋग्वेद અને अथर्ववेद નો ઉપવેદ માનવામાં આવે છે.
 • ચરક, સુશ્રૃત, અષ્ટાંગહ્રદય, ભાવપ્રકાશ, માધવનિદાન, શાડર્ગંધર એ આયુર્વેદના છ મુખ્ય ગ્રંથો છે. તેમાં ચરકસંહિતા કાર્યચિકિત્સા (મેડિસિન) અને સુશ્રૃતસંહિતા શસ્ત્રચિકિત્સા (સર્જરી) માટે દુનિયાભરમાં અજોડ છે.
 • કાર્યચિકિત્સા, શલ્પચિકિત્સા, શાલાક્યતંત્ર, બાળરોગ, ગ્રહબાધા, વિષતંત્ર રસાયન અને વાજીકરણતંત્ર એમ આયુર્વેદનાં આઠ અંગ છે. આઠેય અંગમાં આરોગ્ય અને ચિકિત્સાની લગભગ તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે.
 • શસ્ત્રક્રિયા, ક્ષારકર્મ, અગ્નિકર્મ, મંત્ર, શોધન (પંચકર્મ), શમન (લંઘન-પાચનાદિ) એમ અનેક પદ્ધતિ આયુર્વેદે રોગશમન માટે યોજેલ છે.
 • વાયુને ૮૦, પિત્તના ૪૦, કફના ૨૦ તેમજ અન્ય આગતુંક વગેરે રોગોના વર્ણનમાં લગભગ તમામ રોગોનો સમાવેશ થયેલો છે. અને ચરકસંહિતા તથા અન્ય નિઘંટુઓમાં સેંકડો વનૌષધિઓના ગુણ આપ્યા છે. જેમાંથી પ્રાયઃ તમામ રોગોનાં ઔષધો પ્રાપ્ત થઈ શકે તેમ છે.
 • ‘માનવ-આયુર્વેદ’ના સિદ્ધાંતોને આધારે ‘ગજાયુર્વેદ’ ‘અશ્વાયુવેદ’ ‘અજાયુર્વેદ’ વગેરેની પણ રચના કરવામાં આવી છે; જેના કેટલાક ગ્રંથો આજે પણ પ્રાપ્ય છે.
 • આયુર્વેદની અનેક શાખાના અગણિત ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. તેમાંથી નાશ પામતાં બચેલા ગ્રંથો સેંકડોની સંખ્યામાં આજે પણ મોજૂદ છે.
 • દુનિયાની તમામ ચિકિત્સાપદ્ધતિઓ આયુર્વેદમાંથી જન્મેલી છે, નવી જન્મે છે તેના ચિકિત્સા-સિદ્ધાંત પણ આયુર્વેદમાં સમાયેલા છે.
 • ૨૫૦૦ વર્ષ પૂર્વે બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે આયુર્વેદ પણ દૂર-દૂરના દેશોમાં પહોંચ્યો હતો; સાથે સાથે આપણાં ઔષધો, વૈદ્યો, સિદ્ધાંતો અને ગ્રંથો પણ પહોંચેલાં. યુરોપ અને એશિયાખંડના છાત્રો તે વખતે આયુર્વેદવિદ્યા મેળવવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આવતા, દૂર-દૂરના દર્દીઓ પણ અહીં સારવાર લેવા આવતા.

આયુર્વેદનો આદર્શ

समदोषः समाग्निश्च समधातु-मल-क्रियः ।

प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते ।।

જે માણસના ત્રણે દોષ (વાત,પિત્ત,કફ); તેર અગ્નિ (જઠરાગ્નિ, પંચભૂતાગ્નિ, સાત ધાત્વગ્નિ); સાત ધાતુઓ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર) અને મળ (પુરીષ, મૂત્ર સ્વેદ વગેરે), ક્રિયાઓ સમ હોય તેમજ આત્મા, (દશેય) ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય તેને જ સ્વસ્થ કહી શકાય.

-सुश्रृतसंहिता

 • પ્રત્યેક મનુષ્ય તન-મનથી પૂર્ણ સ્વસ્થ રહી સો વર્ષ જેટલું જીવવો જોઈએ.
 • રજોગુણ અને તમોગુણ માનસરોગનું કેરણ હોવાથી સત્વગુણને પ્રબળ બનાવવા સદવૃત્ત આચરવું જોઈએ.
 • દરેક બાબતમાં હીનયોગ, અતિયોગ અને મિથ્યાયોગ દુઃખદાયક છે. રોગકર છે, તેથી સમયોગ સાચવવા કે મેળવવા પ્રયત્ન થવો જોઈએ.
 • બુદ્ધિ, ધૃતિ અને સ્મૃતિને અવગણીને કરાયેલો પ્રજ્ઞાપરાધ જ આધિ, વ્યાધિ અને ઉપાધિનું કારણ બને છે. તેથી તેમ ન થવા દેવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
 • જઠરાગ્નિ જ માનવમાત્રનું સાચું બળ છે. તથી તેનું સતત જતન થવું જોઈએ. ‘પોષણવાદ’ કરતાં ‘પાચનવાદ’ને મહત્વ અપાવું જોઈએ.
 • ‘ભોગ રોગનું મૂળ છે’ તેથી જીભને કે મનને વશ ન થતાં અંતઃકરણ કે જ્ઞાનને વશ થઈ વર્તન કરવું જોઈએ.
 • ‘રોગો થવા તે આહારવિહારની ભૂલનું પરિણામ છે’ માટે આહારવિહારનું જ્ઞાન છેલ્લામાં છેલ્લા માણસ સુધી પણ પહોંચાડવું જોઈએ.
 • કુકર્મોના કારણે પણ ઘણા રોગ થતા હોય છે, તેથી પ્રત્યેક વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ.
 • રોગપ્રતિકારક કે ચિકિત્સામાં ચેતનના ભોગે કે શરીરના બંધારણના ભોગે પ્રવૃત્તિ કરવાથી સરવાળે દુઃખદ પરિણામ આવતું હોય છે; તેવા માર્ગ ત્યજવા જોઈએ.
 • આહારવિહારની પ્રત્યેક ક્રિયા વખતે દેશ, કાળ, બળ, પ્રકૃતિ, સાત્મ્ય, અગ્નિ, વય, સ્થિતિ, સંયોગ વગેરેનો વિચાર સતત કરવો જોઈએ.

આયુર્વેદની વિશિષ્ટતા

 • આયુર્વેદ રોગનું કેવળ ઉપર દેખાતું લક્ષણ દૂર કરીને રોગ મટાડ્યો એમ માનતો નથી.

આયુર્વેદની ચિકિત્સા શરીરમાંથી રોગનું કારણ દૂર કરી રોગને જડમૂળથી મટાડવાની છે. એથી આયુર્વેદ એ લક્ષણ-ચિકિત્સા નથી પણ કારણ-ચિકિત્સા છે.

 • આયુર્વેદ બંધારણના ભોગે રોગ દૂર કરવાની ચિકિત્સા બતાવતો નથી, પરંતુ બંધારણના રક્ષણ સાથે રોગને દૂર કરે છે.
 • આયુર્વેદ કેવળ રોગની ચિકિત્સા કરવામાં માનતો નથી, પણ રોગ અને રોગી બંનેની ચિકિત્સા કરવામાં માને છે.
 • આયુર્વેદ રોગને દાબી દેવામાં માનતો નથી, કિન્તુ તેનું સંશમન કરવામાં કે શોધન કરી બહાર કાઢવામાં માને છે.
 • આયુર્વેદ શરીરમાં ઝેર ઉત્પન્ન કરનારાં કે એક રોગ મટાડવા જતાં બીજા રોગને ઉત્પન્ન કરનારાં ઔષધોમાં માનતો નથી; પરંતુ તે શરીર તથા મનનું આરોગ્ય આપનારાં ચેતન-રસાયન-ઔષધોમાં માને છે.
 • આયુર્વેદ રોગોનું કારણ જીવાણુઓ છે તેમ માનતો નથી; પરંતુ ત્રણે દોષોની વિષમતા છે તેમ માને છે.
 • આયુર્વેદ માત્ર ઔષધોને જ માનતો નથી, પથ્યાપથ્યને પણ માને છે.
 • આયુર્વેદ કેવળ ભૌતિક ઉપભોગમાં માનતો નથી; તપમાં અને સંયમમાં પણ માને છે.
 • આયુર્વેદ કેવળ વજન વધારવામાં માનતો નથી; તે જઠરાગ્નિ, શક્તિ અને ઉત્સાહમાં પણ માને છે.
 • આયુર્વેદ માનવદેહને પ્રયોગશાળા માનતો નથી; ચેતનને વસવાનું મંદિર માને છે.

Advertisements

વૃક્ષોને ચાહનારો

–  શ્રી મીરાં ભટ્ટ


સન્ ૧૯૧૪ – પહેલા વિશ્વયુદ્ધની વાત. પૃથ્વીએ કદીય નહિ જોયેલો માનવ સંહાર થઈ રહ્યો હતો. કાકડીની જેમ સૈનિકો કપાતા હતા. સાંજ પડ્યે, ઢળેલી લાશોને એકસામટી ઉસેટી ટ્રકો દ્વારા કબ્રસ્તાન ભેગી કરાતી હતી. એ લાશો ભેળો એક માનવ દેહ પણ ઉસેટાયો. સેનામાં દરેક સૈનિકની ઓળખાણ માટે એક નિશાન હાથ પર બાંધેલું હોય છે. આ સૈનિકમે દફનાવવા માટે લઈ જતાં પહેલાં. પેલું નિશાન ખોલ્યું તો ત્યાંથી લોહી વહેવા માંડ્યું. ઘોરખોદિયાએ જોયું કે આ લાશ નથી, પણ જીવતો માણસ છે. કબર ખોદવાની કોદાળી-પાવડાની ગાડીમાં એને પાછો દવાખાના ભેળો કર્યો. એ જ દવાખાનામાં ભાનમાં આવ્યો ત્યારે એને ગુરુદેવ ટાગોરનું એક કાવ્ય સંભળાવવામાં આવ્યું અને જાણે યમરાજાનાં દ્વાર ખખડાવીને પાછા ફરેલા મરણિયાને જીવનમંત્ર મળ્યો. નવી દિશા ખૂલી, નવાં દ્વાર ઊઘડ્યાં.

કબરમાંથી બેઠો થયેલો આ સૈનિક તે ડૉ. બેકર, જે આજે ‘વૃક્ષોનો માનવ’ (Man of Trees)ના નામે ઓળખાય છે. અગાઉમાં જ ભારતમાં ભરાયેલી ‘વિશ્વ શાકાહાર કાઁગ્રેસ’માં ૮૮ વર્ષના આ મહાનુભાવ અહીં આવી ગયા હતા.

યુદ્ધમાં મૃત્યુની દીક્ષા આપવાની-લેવાની હતી. હવે એમને જીવનક્ષેત્ર પોકારતું હતું. વૃક્ષોમાં, જંગલમાં એમને જીવનનો પ્રાણ સંભળાયો. આખા વનશાસ્ત્રનો અભ્યાસ કરી, જંગલાધિકારી બનીને જંગલના સામ્રાજ્યમાં આફ્રિકા ચાલ્યા ગયા. ત્યાં એમણે જોયું કે રખડતી જાતિઓ જ્યાં ત્યાં જંગલ ઉખાડી ખેતી કરતી અને પાખી આગળ ચાલી જતી અને ધીરે ધીરે એ પ્રદેશ રણમાં ફેરવાતો ગયો. સહરાનું રણ પણ આ જ રીતે બન્યું. ઘાના પ્રદેશમાં આવી મરુભૂમિમાં એક કુટુંબ ફસાઈ ગયેલું. ત્યાંથી હજાર માઈન ઉત્તર-દક્ષિણમાં એકે ઝાડ જ ન મળે. ત્યાં પોતાની કન્યાને વરાવતું નહિ. ત્યાંની સ્ત્રીઓ પણ બાળકને જન્મ આપવા તૈયાર નહોતી કારણ કે પોતાના દેવના દીધેલને મોંમા જતા જોવાની એમની તૈયારી નહોતી. એમણે પોતે મરી મીટવાની તૈયારી કરી લીધી હતી. ચૂલો સળગાવવા બળતણ ભેગું કરવા એમના કલાકો જતા, પણ પુરુષોને તો તૈયાર રસોઈ સાથે સંબંધ હતો !

બેકર સાહેબે આ બધો તમાશો જોયો. ગાઢ જંગલમાં પ્રવેશ મળી જતો હતો, પણ આ જંગલવાસીઓના હ્રદયમાં કેમ દાખલ થવું તે કોયડો હતો. જંગલ કાપીને પાકની વાવણી તથા કાપણી વખતે એ લોકોના નૃત્ય ચાલતાં. એક વખતે નૃત્યવૃંદના નાયકને રૂબરૂ બોલાવીને પૂછયું, ‘‘તમે આ પાકને કાપતી વખતે નાચો છો, તો એવી રીતે આપણે ઝાડને વાવીને નાચીએ તો ?’’ તો એમણે એમની બોલીમાં જવાબ વાળ્યો, ‘‘એ તો ભાઈ ભગવાનનો મામલો છે !’’

બેકર કહે, ‘તમારી વાત તો સાચી છે, પણ તમે તો આ માવડી જેવાં ઝાડને કાપ્યે જ જાઓ છો અને ભગવાનને એવી તક પણ નથી આપતા કે એ પોતાનો મામલો સંભાળે !’’

વળી પાછા મહિનાઓ વીતી ગયા. છેવટે રાત-દિવસની મહેનત પછી બેકરે એક સંસ્થાની સ્થાપના કરી, જેનું ઉદ્દઘાટન વૃક્ષનૃત્ય દ્વારા થયું. ૩,૦૦૦ તરુણ યુવક-યુવતીઓ આ નૃત્યમાં ભાગ લેવા આવ્યાં. પહેલાં તો એ પેલી સંસ્થાના સભ્ય બન્યાં, જે ‘વૃક્ષપ્રેમી મનુષ્ય’ (મૅન ઓફ ધ ટ્રીઝ)ના નામે ઓળખાતાં. જ્યાં સુધી એકાદું પણ ઝાડ ન વાવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એ નૃત્યમાં ભાગ ન લઈ શકે. ૨૨, જુલાઈ, ૧૯૨૨ના રોજ થયેલી આ નાનકડી શરૂઆત આગળ જતાં વિશ્વઆંદોલનમાં વિકસી. ૧૯૨૬માં રોમમાં ‘પ્રથમ વિશ્વ અરણ્ય સંમેલન’ યોજાયું. પછી તો દર છ વર્ષે જુદા જુદા દેશોમાં સંમેલનો થતાં આવ્યાં છે. ૧૯૭૨માં અધિવેશન આર્જેન્ટિનામાં થયું, જ્યાં સૌથી વધારે દેશોમાંથી ૨,૦૦૦ પ્રતિનિધિ આવ્યા હતા.

અત્યાર સુધી આખા વિશ્વમાં એ ૨૬૦ અબજ વૃક્ષ વવાવી ચૂક્યા છે. સહરાના રણમાં એમણે કરોડો વૃક્ષ વવડાવ્યાં. આ આંકડા કોમ્પ્યુટરના છે. સહરાના રણના પ્રદેશની બબ્બે વાર શિક્ષણયાત્રા કરી ત્યાંની સરકારો અને નવોદિત રાષ્ટ્રો જે અંદરોઅંદર લડ્યા કરતાં હતાં તેમને રણની સામે યુદ્ધમોરચે લડવા માટે તૈયાર કર્યા.

રશિયા પાસે જ્યારે આ વાત પહોંચી ત્યારે ત્યાંની સરકારે ૩,૦૦૦ માઈલના વિસ્તારમાં વૃક્ષ વાવવાનું નક્કી કર્યુ. અમેરિકાને અઅક હજાર માઈલને આવરી લેતાં જેટલો વખત લાગે તેટલા વખતમાં આટલું કામ પાર પાડવાનો નિર્ણય થયો. ૧૯૫૭માં આ કામ પૂરું થયું. પરિણામે દસ વર્ષના અનાજની ઊપજમાં ૩૦ ટકાનો વધારો થયો !

ડૉ. બેકર શુદ્ધ શાકાહારી છે. એટલી હદે કે તેઓ દૂધ પણ નથી લેતા. કહે છે કે દૂધ તો વાછરડાના હકનું છે. ૧૯૧૩માં, એક કૃષિસંમેલનમાં, લંડનમાં તેઓ બાપુને મળેલા. ભારત આવ્યા ત્યારે વિનોબાજીને પણ મળ્યા. કહે, ‘ભારતવાસીઓએ તો હંમેશાં વૃક્ષોને ખૂબ ચાહ્યાં છે, કારણકે તેઓ તો વૃક્ષને પોતાનાં મોટાં ભાઈ-બહેન જ સમજે છે. પરંતુ તેમ છતાંય, અહીં પણ રણનું આક્રમણ ન થાય તે જોવું જોઈએ અને પહાડો પરની બેહિસાબ વૃક્ષકાપણીને રોકવી જોઈએ અને નવાં જંગલ ઊભાં કરવાં જોઈએ. વૃક્ષારોપણને આપણા દેશ માટેના આપણા પ્રેમ સાથે અને આગળની પેઢી સાથે ખૂબ ગાઢો સંબંધ છે.’ કહેવાયું છે.

‘જે વાવે છે વૃક્ષ, તે ચાહે છે પોતાના સિવાય બીજાંને પણ’