Category Archives: Aushadh

કુંવારપાઠા (એલોવિરા)નો ચમત્કાર – સ્વ. વૈદ્ય શોભન વસાણી

દિવાળીના ફટાકડા સાથે સંકળાયેલો એક પ્રસંગ દિવાળી આવતાં જ યાદ આવી ગયો.

૧૯૬૨ની દિવાળીએ ચીની સરહદ પર દેશભરમાં સંભળાય તેવા ફટાકડા ફૂટી રહ્યા હતા. કદાચ તે દિવસે ધનતેરસ હશે. ત્યારે હું લોકભારતી વિદ્યાપીઠમાં ચિકિત્સક હતો.

રેડિયો પર સમાચાર લેવા શ્રી બાલુભાઈ વૈદ્યના અનુજ મનુભાઈ દવેના ઘેર ગયો ત્યારે જોયું તો ઘરમાં હમણાં જ કંઈક બની ગયું હોય તેવું લાગ્યું.

જોયું તો તેમના બાર-તેર વરસના અરુણ (આજે તેઓ લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી છે – જુ.) ના હાથમાં મોટો ફટાકડો ફૂટી જવાથી અગ્નિદગ્ધ વ્રણ થયાં હતાં. હથેળીમાં ફોલ્લા અને તેના અસહ્ય દાહને લીધે અરુણ રડી રહ્યો હતો. જાણવા મળ્યું કે બુચભાઈ (ન.પ્ર.બુચ) ને ત્યાંથી બર્નોલ લાવીને લગાડ્યા છતાં આરામ થયો નહોતો.

…. હું દોડતોકને ગયો જયંતિભાઈ શેઠના આંગણામાં. જોયું તો પૂરું પાણી પીને કુંવાર ખૂબ પુષ્ટ બનેલી. એક લાબરું (કુંવારના છોડનું એક સળંગ એવું માંસલ પાન) લઈ આવ્યો.

એક તરફથી ઉપરની છાલ ઉતારી, ગર્ભ ઉપર ચપ્પુ ઘસી, દાઝેલા ભાગ ઉપર તેનો રસ પડવા દીધો. અને ઉપર ગર્ભનાં બરફ જેવાં ચોસલાં મૂક્યાં. ટાઢક તો તે જ ક્ષણે વળી ગઈ ને આંખમાંની આંસુની ધાર પણ સૂકાઈ ગઈ ને મોં પર હાસ્ય ! રાત્રે એક વખત ફરીને લગાડવાનું સૂચવેલું.

સવારે જોયું તો નવો ફોલ્લો થયો નહોતો. હતા તે ફોલ્લા મૂરઝાઈ ગયા હતા !

બે દિવસના વધુ ઉપચારથી થયેલા તદ્દન આરામને લીધે સંસ્થાનાં કેટલાંક આંગણાંમાં કુંવારબહેનની સન્માનપૂર્વક પધરામણી થઈ ગઈ !

* * *

કુંવારમાતાનો બીજો એક કિસ્સો વધુ અસરકારક ને ચમત્કારરુપ મળેલો. રસોયણ બહેન સાકરબહેન ખાખરા બનાવતાં હતાં. ગરમ ગરમ પાણી કેડથી પગ સુધી પડેલું તેથી નિતંબ, સાથળ અને પગના મોટા ભાગની ચામડીની ખોળ ઊતરી ગયેલી. બાજુમાં બેઠેલા ત્રણેક વરસના દીકરા જાદવને પણ ખૂબ છાંટા ઉડેલા. તાત્કાલિક રાહત માટે છાત્રાલયની બહેનોએ બર્નોલની બેએક ટ્યુબ લગાડી દીધેલી. પણ વેદના શમતી નહોતી. બાળકની ચીસો અસહ્ય દાહને લીધે દ્રાવક હતી. હોસ્પિટલ લઈ જવાની કોઈ શક્યતા નહોતી.

મને કુંવાર પર વધુ વિશ્વાસ હતો. સંસ્થામાં હતી તે પૂરતી નહોતી. મસ્જિદ બાજુ તપાસ કરાવી પણ ન મળી. એક વિદ્યાર્થીએ કોઈ વાડીમાં જોઈ હશે તે યાદ કરાવ્યું. સાઈકલ પર તત્કાલ બે જણાને મોકલ્યા. મોટાં અને રસભરપુર કુંવારનાં બે લાબરાં લાવ્યા. બેત્રણ ચપ્પુ વડે તેનો રસ અને ગર્ભ દગ્ધ ભાગો પર લગાડતાં જ દરદીએ કહ્યું, ‘હાશ ! હવે શાંતિ થઈ ! ટ્યુબને બદલે પહેલેથી જ આ લગાડ્યું હોત તો !’

સવાર થતાંમાં તો સારો એવો ફાયદો જણાયો. પ્રયોગ ખાતર કુંવારની સાથે કેટલાક ભાગો પર અન્ય ઉપચારો પણ કરેલા જેમાં કુંવારનો જ વિજય થયેલો !

* * *

આવા તો કેટલાય કેસમાં મેં કુંવારને અનુભવી છે. જાણે દગ્ધવ્રણને શમાવવા રુઝાવવા જ કુદરતે ટ્યુબ બનાવી હોય તેવું પ્રત્યેક વખતે પ્રતીત થયું છે.

બહેનોના વર્ગોમાં, પ્રવચનોમાં ને પ્રદર્શનોમાં મેં એનો પ્રચાર કર્યા જ કર્યો છે. વ્યાપક રીતે સારી સફળતાના સમાચારો મળતા રહ્યા છે. કેટલીક બહેનો તો રસોડામાં કુંવારનું એકાદ લાબરું ટાંગી રાખવા ટેવાઈ છે !

(સ્વ. વૈદ્ય શોભન વસાણી કૃત ‘અનુભવનું અમૃત’ ભાગ – ૧ માંથી)

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

સ્વ. વૈદ્ય શોભનનાં આયુર્વેદ સબંધિત લેખ મેળવવા માટે,

બ્લોગ
https://ayurjagat.wordpress.com/

વધુ એક અમૂલ્ય દ્રવ્ય : અજમોદાદિ ચૂર્ણ.

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ તેમજ
– શૂળ વગેરે વાયુના રોગો માટે :
અજમોદાદિ ચૂર્ણ

યોજના: અજમો, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સુવા, સિંધવ અને પીપરીમૂળના ૧-૧ ભાગ ચૂર્ણમાં ૫ ભાગ હરડેનું અને ૧૦-૧૦ ભાગ સુંઠ અને વધારાનું ચૂર્ણ મેળવવું.

સેવનવિધિ : વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું (ત્રણ મહિના બાદ તેના ગુણ ઘટે છે). ૧/૨ ગ્રામથી ૨ ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું.

૦ ઉપયોગ : (૧) આમવાત (રૂમેટિઝમ)- સવારે, સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં. (૨) સંધિવાત- દિવસમાં બેત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં. (૩) રાંઝણ (સાયેટિકા) – ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત પાણીમાં. (૪) કટિશૂળ – ૧-૧
ચમચી ચૂર્ણ સવારે –સાંજે ગરમ પાણી સાથે લેવું. (૫) શૂળ – શરીરના કોઇ પણ અંગ પ્રત્યંગમાં રાળ નીકળતું હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફરકાવવું.

૦ નોંધ : દેવદાર અને વરધારાનાં લાકડાં ખૂબ કઠણ હોવાથી ખાંડવું ઘણું મુશ્કેલ બને તેમણે કોઈ સારી ફાર્મસીમાંથી તૈયાર તાજું ચૂર્ણ ખરીદીને ઉપયોગમાં લેવું.

ડાયાબિટિસ–તાવમાં “મામેજવો !”

મામેજ્જક ઘનવટી

મામેજ્જક એટલે મામેજવો. ખેતરોમાં અને વગડામાં તેના સર્વત્ર નાના નાના કડવા છોડ ઊગી નીકળે છે. સુંઘવો ન ગમે તેવી તીવ્ર ગંધવાળો મામેજવો મફતમાં મળે છે. તેને લાવી સાફ કરી તેનો રસ કાઢી આ રસને ગરમ કરતાં માવા જેવો કાળો લોંદો બની જાય ત્યારે તેમાંથી વટાણા જેવડી ગોળી વાળી, છાંયે સૂકવી, કાચની બાટલીમાં ભરી રાખવી. સવારે સાંજે ૪-૪ ગોળી ભૂકો કરીને કે ચાવીને લેવાથી દરેક પ્રકારના ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ ખાંસી મટે છે. બ્લડ સુગરનો ઊંચો અંક હોય તેવા દર્દીને આ ઔષધ ખૂબ જ ઉપયોગી છે. નવો પ્રમેહ હોય તો સાવ મટી પણ જાય છે. જામનગરના પોસ્ટ ગ્રેજ્યુએટ સંશોધન કેન્દ્રમાં અસંખ્ય દર્દીઓ ઉપર ટ્રાયલ લીધા બાદ તે ઔષધ ખૂબ જ અસરકારક સિદ્ધ થયેલ છે. તેનો તાજો રસ લેવામાં આવે તો તેનું પરિણામ વધુ ત્વરિત અને આશ્ચર્યજનક જોવા મળે. કડવો રસ કફનો નાશ કરનાર અને મધુરતાનો વિરોધી હોવાથી શર્કરા મેહ (ડાયાબિટીસ)માં ખૂબ ઉપયોગી છે. તે ઉષ્ણ હોવાથી તેમજ તેમાં પાચક ગુણ હોવાથી પેન્ક્રિયાસને સક્રિય કરી ઇન્સ્યુલીન પેદા કરવામાં મદદગાર થાય છે. જેથી કૃત્રિમ ઇન્સ્યુલીનથી છુટકારો મેળવી શકાય છે. આ ઔષધ નિર્દોષ હોવાથી કોઈ રિએકશન આવતું નથી.

બ્લડયુરિયામાં શર્કરાના ટકા જતા હોય તેવા દર્દીએ ચાર-છ માસ તેનું સતત સેવન કરવું અને આહારમાં આમળાં, હળદર, કારેલાં, મેથી વગેરે વધુ લેવાં. તેણે ગોળ, ખાંડ, દૂધ, ઘી, માખણ, શિખંડ, આઇસ્ક્રીમ, મીઠાઈઓ, સૂકા મેવા, દહીં, બધાં મીઠાં ફળ વગેરેનો ત્યાગ કરવો. સવારે વહેલા ઊઠવું, બપોરે સૂવું નહિ, પરિશ્રમ-વ્યાયામ કરવો.

મામેજવો મેલેરિયા વગેરે તાવનું પણ મહૌષધ છે. જીર્ણ જ્વર, શીત જ્વર, વિષમ જ્વર, મેલેરિયાના બધા પ્રકારમાં ૬૪ ભાગ મામેજવો અને ૧-૧ ભાગ અતિવિષની કળી, કડુ અને લીંડીપીપર મેળવીને તૈયાર કરેલી મામેજ્જક ઘનવટી ખૂબ જ અસરકારક છે. તેમાં મામેજવાનાં પાનને સાફ કરી તેનો રસ કાઢી ૬૪૦ મિ.લિ. લેવો. તેને ગરમ કરી ઘન (માવા જેવું)
તૈયાર થતાં તેમાં ૧૦-૧૦ ગ્રામ કહેલાં ત્રણેય ઔષધો ઉમેરી વટાણા જેવડી ગોળી બનાવી લેવી. (એકલા મામેજવાની પણ ઘનવટી કરી શકાય છે. કારણ કે અતિવિષ મોંઘું છે ને સાચું મળવું મુશ્કેલ છે.) બાળકને ૧ અને મોટાને ૨ ગોળી પાણી સાથે સવારે-સાંજે-રાત્રે આપવી. કઠણ હોવાથી ભૂકો કરીને આપવી અથવા ચાવીને લેવી.
મામેજવો કડવો હોવાથી કૃમિને પણ મટાડતો હોવાથી ઉપરોક્ત મામેજ્જક ઘનવટી કૃમિવાળાં બાળકોને હંમેશાં પણ આપી શકાય. કડવાણીરૂપે તેનો ઉપયોગ કરી શકાય.

સંદર્ભ: “તમારો રોગ–તમારું આરોગ્ય”માંથી સાભાર.

નોંધ : આયુર્વેદને લગતાં લખાણો વિદ્વાન અને અનુભવી લેખકો પાસેથી સ્વીકારવામાં આવશે. લેખક પોતાનાં લખાણો અને પરિચય તથા ફોટોગ્રાફ નીચેના સરનામે મોકલી શકશે : j
jugalkishor@gmail.com વોટસએપ ફોન : 9428802482

ચમત્કારિક ઔષધ : અજમોદાદિ ચૂર્ણ

વાયુના રોગોમાં અસરકારક ઔષધ : અજમોદાદિ ચૂર્ણ

વાયુ, પિત્ત, કફ જન્ય રોગોમાં ના રોગોની સંખ્યા વધારે છે. અને આજના વાયુવર્ધક આહાર વિહારને કારણે વાયુના રોગો થાય છે પણ વધુ. તેથી આયુર્વેદમાં કહેલા વાયુના અસંખ્ય ઔષધોમાં સરળ, સોંઘું, નિર્દોષ, ઘરગથ્થુ અને અસરકારક હોવાથી અજમોદાદિ ચૂર્ણ વિશે જાણી લેવું જરૂરી છે.

અજમોદાદિ ચૂર્ણ એટલે અજમો આદિ બીજાં કેટલાંક દ્રવ્યમાંથી તૈયાર કરેલું ચૂર્ણ. જોકે, ક્રમમાં પ્રથમ દ્રવ્ય અજમોદ હોવાથી આવું નામ પાડવામાં આવ્યું હશે. ખરેખર તો તેમાં મુખ્ય ઔષધ તો છે સુંઠ અને વરધારો (સમુદ્રશોષનાં મૂળ). આ બંને દ્રવ્યોના દસ દસ ભાગ લેવાના છે. પછીનું મહત્ત્વનું દ્રવ્ય છે હરડે; તેના પાંચ ભાગ લેવાના છે. તેમાં અજમોદ, મરી, લીંડીપીપર, વાવડિંગ, દેવદાર, ચિત્રક, સિંધવ અને પીપરીમૂળ એક એક ભાગ ચુર્ણ મેળવવાથી અજમોદાદી ચૂર્ણ તૈયાર થાય છે. આમાં વપરાતાં બધાં જ દ્રવ્યો લગભગ વાયુનાશક, શૂળનાશક, ગરમ, આમપાચક અને જઠરાગ્નિવર્ધક હોવાથી વાયુના રોગોને મૂળમાંથી મટાડવા નું કામ કરે છે. તેમાં હરડે મળશુદ્ધિ કરતી હોવાથી કબજિયાતવાળા વાયુરોગને વધુ માફક આવે છે. ખૂબ જ કબજિયાત રહેતી હોય તેવા દર્દી આ ચૂર્ણ દિવેલની સાથે લેશે તો વધુ ફાયદો થશે. સુંઠની માત્રા વધુ હોવાથી તે ગ્રાહી ગુણવાળી થવાથી લેનારને વધુ ઝાડા થતા નથી. હરડે અને સમુદ્રશોષ રસાયણ ગુણવાળા હોવાથી લાંબો સમય લઈ શકાય છે. વરધારો અને સૂંઠ જ્વરઘ્ન પણ હોવાથી સાથે થોડો તાવ રહેતો હોય (ખાસ આમવાતમાં) તો તેને મટાડવાનો પણ ગુણ છે.
ઘેર બનાવવા ઇચ્છતા લોકોએ આ ચૂર્ણ ત્રણ મહિના ચાલે તેટલું બનાવવું. પરંતુ દેવદાર અને વરઘારો ખાંડવામાં ખૂબ મુશ્કેલ હોવાથી તેવી કડાકૂટ કરવા માગતા ન હોય તેવા લોકોએ વિશ્વાસુ ફાર્મસીનું તાજું ચૂર્ણ ખરીદવું.

પંડિત ભાવિમિશ્રે ચારસો વર્ષ પહેલાં આમવાતના દર્દી માટે આ પાઠની સુયોજના કરી છે. તેથી તે આમવાતમાં તો મહત્ત્વનું ઔષધ છે જ. ઉપરાંત રાંજણ (સાયેટિકા), કેડનો દુખાવો, ગુદામાં શૂળ નીકળવું, સાથળમાં દુખવું, પેટમાં અવળી પીડ આવવી (પ્રતિતૂની), હાથમાં દુખાવો થવો, શરીરના કોઈ પણ સંગપ્રત્યંગમાં દુખાવો થવો, સંધિવાત, સાંધા પર સોજો આવવો વગેરે વાયુના રોગોમાં અસરકારક છે. યોગ્ય
પથ્યપાલન સાથે લાંબો સમય આ ચૂર્ણના સેવનથી કષ્ટ આપનારા સાધ્ય વાયુના બધા જ રોગો મૂળમાંથી મટે છે. જેમ સૂર્યનાં કિરણો અંધકારને દૂર કરે છે તેમ તે સુકષ્ટા (વધારે કષ્ટ દેનારા) વાયુના રોગોને મટાડે છે’ તેવું ભાવપ્રકાશમાં કહેલ છે. નાની ઉંમરમાં થતો અને લગભગ અસાધ્ય જેવો મનાતો રુમેટિક હાર્ટ (હૃદયામવાત) પણ આ ઔષધથી મટવાનો સંભવ છે.


કેટલીક વાર તો સાવ સામાન્ય કહી શકાય તેવું આ ચૂર્ણ તાત્કાલિક સારવારમાં પણ ઉપયોગી થઈ શકે છે. આમવાતમાં વીંછીની વેદના જેવી વેદના થતી હોય, રાંજણમાં
અસહ્ય પીડા થતી હોય, પ્રતિતૂનીમાં પુષ્કળ પીડ આવતી હોય કે કેડનો દુખાવો ખમી ન શકાય તેવો થતો હોય ત્યારે ગરમ પાણી સાથે લેવાથી અને ગુગળના પાણીમાં ગરમ કરી લેપ કરવાથી તુરત રાહત મળે છે. જોકે, તેનો લેપ કરવાનો પ્રચાર થયેલ નથી છતાં ઉષ્ણ, વાતઘ્ન, શોથઘ્ન (સોજો ઉતારનાર) દ્રવ્યો તેમાં હોવાથી લેપ કરીને અનુભવ કરવા જેવો ખરો.

આમવાતના દર્દીએ તેના સેવન દરમિયાન ખોટું ન ખાવું, દિવસે ન સૂવું, તેલ માલિશ ન કરવી. અન્ય વાયુના રોગોમાં ઠંડો, વાયુકારક, લૂખો ખોરાક ન લેવો. ઉજાગરા ન કરવા, ઉપવાસ ન કરવા. (સામ અવસ્થા હોય તો જ ઉપવાસ કરવા.)

શોભનકૃત “સુપરિચિત ચૂર્ણો”માંથી સાભાર.

એક વિશેષ ગ્રંથ, એક ચમત્કારિક ઔષધ !!

પોતાના માટે, પરિવાર માટે, સૌ કોઈ માટે

આહારનું જ્ઞાન હોય તે વ્યક્તિ મોટે ભાગે બિમાર પડતી નથી. અને ઔષધનું જ્ઞાન હોય તે વ્યક્તિની બિમારી લાંબી ટકી શકતી નથી. આ બંને હેતુથી મારા આહાર અને ઔષધ ને લગતાં પુસ્તકો “ફળો : આહાર રૂપે-ઔષધ રૂપે અને “શાકભાજી-કઠોળ : આહાર રૂપે-ઔષધ રૂપે”ની
પંક્તિમાં આ ત્રીજું પુસ્તક પ્રગટ થાય છે. જેનો હેતુ વાચકોને સ્વસ્થ રહેવા ને મદદ કરવાનો અને માંદગીમાંથી ઓછા ખર્ચે કે ખર્ચ વિના સ્વાવલંબી રીતે સરળ પદ્ધતિથી મુક્તિ અપાવવાનો
છે. કારણ કે આયુર્વેદે પોતાનાં બે મુખ્ય કર્તવ્ય બતાવ્યાં છે તેમાં (૧) સ્વસ્થસ્ય સ્વાસ્થ્યરક્ષણમ્ – સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું; અને (૨) આતુરસ્ય રોગપરિમોક્ષણમ્ – આતુર (રોગી)ના રોગનું પરિમોક્ષણ કરવું. (દરદ જડમૂળમાંથી મટાડવું.)

મોંઘવારી, પરાવલંબન, યાંત્રીકરણ, શહેરીકરણ, વિદેશાવલંબન અને રિએક્શનને પેદા કરનારી પરદેશી ચિકિત્સાપદ્ધતિની નાગચૂડમાંથી આંશિક રૂપે છુટવા માટે આ વિના મૂલ્ય કે અલ્પમૂલ્ય, સ્વાવલંબી, સરળ, દેશી અને નિર્દોષ ઘરગથ્થુ ૪૦ જેટલા મસાલા અને મુખવાસના ઘરગથ્થુ ઉપાય સૌકોઈને સામાન્ય રોગ મા કે જીવલેણ ઇમર્જન્સી અવસ્થામાં પણ પોતાના માટે, પરિવાર માટે કે પડોશી માટે અવશ્ય ઉપયોગી થશે જ.

આયુ સેન્ટર                                                                 – શોભન
                                                                                 તા. ૩–૧૨–’૯૨

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

“યસ્ત્વાહારં શરીરસ્ય ધાતુસામ્યકરં નર: ।
સેવતે વિવિધાશ્ચાન્યાશ્રેષ્ઠાઃ સ સુખમશ્નુતે ।।


જે માણસ શરીરની ધાતુઓને અને સમ્યગ્ (સમાન અને સ્વસ્થ) રાખે તેવા આહારનું સેવન કરે છે તેમજ (શરીરની ધાતુને સમ કરે તેવી જ) વિવિધ જાતની ચેષ્ટા (વિહાર) કરે છે તે સુખ (આરોગ્ય) પ્રાપ્ત કરે છે.
                       – ચરકસંહિતા, નિદાનસ્થાન, ૪/૪૯

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અજમો આટલો બધો ઉપયોગી !

રસોઈ, મુખવાસ કે ઘરગથ્થુ ઔષધરૂપે અજમો આમ તો આપણે ત્યાં સુપરિચિત છે. છતાં, તેના તાત્કાલિક સારવારરૂપે તેમજ જીર્ણ અને હઠીલા રોગો માટે અનેક ઉપયોગ આયુર્વેદમાં દર્શાવવામાં આવેલા છે તે ઘણા ઓછા લોકો જાણતા હશે. તેના ઘરગથ્થુ, સરળ, નિર્દોષ અને રોજિંદા થોડા ઉપયોગ આ પ્રમાણે છે :

શૂળ, ચૂંક, વેદના, પેઇન, પીડા, દર્દ વગેરે જ્યાં જ્યાં વપરાય ત્યાં ત્યાં તમે અંતર-બાહ્ય રૂપે અજમાનો ઉપયોગ કરી શકો. શિયાળા–ચોમાસામાં શરદી કે થયેલા માથાના દુખાવામાં અજમો ચવરાવવો તેમ જ સૂંઠ સાથે પીસીને તેનો કપાળે લેપ કરવો. માથાના દુખાવામાં વપરાતાં મોટા ભાગનાં પેઈન બામમાં આ અજમાના અર્કનો જ ઉપયોગ થતો હોય છે. કફ-વાયુના કારણે માથું દુખતું હોય ત્યારે પીસેલો અજમો રૂમાલમાં બાંધી પોટલી સૂંધ્યા કરવી. નાનાં બાળકોને શરદીમાં અજમાની નાની પોટલી ગળે બાંધી રાખવાથી અજમાના ઉડનશીલ તેલની અસર નાકને થતી
રહેવાથી રાહત થાય છે. બાળકોને શરદી જામ થઈ ગઈ હોય તેમાં અજમાનો નાહ ખૂબ અસરકારક બને છે. દાઢના દુખાવામાં અજમાનો લેપ બહાર ગાલ ઉપર કરવો તેમજ હિંગ સાથે અજમો પીસી તેનું પોતું દાઢ ઉપર દબાવવું. દાઢમાં કૃમિ થવાથી દંતકૃમિને કારણે થયેલ અસહ્ય શૂળમાં પણ અજમાની ધુમાડી લેવાથી લાભ થશે. શરદી-વાયુને કારણે સાદ બેસી ગયો હોય અને ગળામાં દુખતું હોય તેમણે પણ અજમો ચાવ્યા કરવો. છાતીના દુખાવામાં અજમો ઘણીવાર ચમત્કારિક પરિણામ બતાવે છે. અજમો અને મીઠું ચાવી જવાથી તથા છાતી ઉપર અજમાનો ગરમાગરમ લેપ કરવાથી ઉર:શૂળ શમે છે. તે જ રીતે હૃદયશૂળ એટલે કે “હાર્ટપેઈન’માં પણ અજમો ખાવાથી રાહત થાય છે. હૃદ્ય તેમજ શૂલઘ્ન હોવાથી હૃદયરોગના દર્દી માટે અજમો કાયમી ઉપયોગમાં લઈ શકાય તેવું ઔષધ છે. પેટના દુખાવામાં તો મીઠું મેળવીને અજમો ફકાવવાની પ્રથા આપણે ત્યાં ઘણી વ્યાપક છે. ગોળો, ઉદરશૂળ, આફરો વગેરેમાં અજમો, સંચળ અને હિંગનું ચૂર્ણ ગરમ પાણી સાથે હંમેશાં બે વખત લેતા રહેવું હિતાવહ છે.

અજમો તીખો, કડવો અને કફઘ્ન હોવાથી કૃમિમાં પણ કામયાબ છે. અજમામાં ચોથા ભાગે વાવડીંગ, હિંગ તેમજ શેકેલા કાંચકાંનું ચૂર્ણ રોજ ત્રણ વખત લેતા રહેવાથી કૃમિને કાબુમાં લાવી શકાય છે. અજમાનો વાયુનાશક અને શૂલઘ્ન ગુણ વાયુના રોગોમાં પણ અસરકારક બને છે. પગની એડીના દુખાવામાં મેથી અને અજમો સરખે ભાગે ખાંડી ફાકડી લેતા રહેવી. ઢીંચણના દુખાવામાં તથા સોજામાં, સૂંઠ અને ગૂગળનો લેપ કરવો. તેમ જ અજમો, સૂંઠ અને મેથીનું ચૂર્ણ બનાવી  લાંબા સમય સુધી લેતા રહેવું. આમવાતના દર્દીએ ખોરાકમાં શક્ય તેટલો અજમો વધુ લેવો. કેડ, ખભા જેવા સાંધાના દુખાવામાં અજમો રોજ લઈ શકાય. વાયુને કારણે થયેલા મસાથી ગુદામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે અજમાની ધુમાડી લેવી તેમજ અજમો અને હરડે ગોળમાં મેળવીને ખાવા.

આયુર્વેદના આધારભૂત ગ્રંથ ચક્રદત્તમાં અજમાનો શીળસ માટે સાત દિવસનો પ્રયોગ આપવામાં આવેલ છે. તેમાં જૂના ગોળ સાથે પાંચથી દસ ગ્રામ અજમો સવારે-સાંજે લેતા રહેવાનો છે. તેમાં હળદર મેળવવામાં આવે તો થોડો વધુ ફાયદો થવા સંભવ ખરો.

સંદર્ભ : શોભનકૃત “મસાલા–મુખવાસ આહાર–ઔષધરૂપે”માંથી સાભાર.




સસ્તાં, સરળ, નિર્દોષ ચૂર્ણો

એક બાજુથી રોગો વધ્યા છે તો બીજી બાજુથી મોંધવારી પણ વધી
છે. આ બંને ચક્ર વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગ વધુ ને વધુ પિસાતો જાય
છે. ગ્રામ જીવનમાં ઘરઆંગણાની કે ભાગોળની વનસ્પતિ દ્વારા કે ઘરગથ્થુ
ઓસડિયાં દ્વાર ઇચ્છનારાઓ માટે સ્વાવલંબી સારવાર શક્ય છે જયારે
શહેરોમાં તે પ્રત્યેની અરુચિ, સમયનો અભાવ, વનસ્પતિની અપ્રાપ્તિ,
પરંપરાગત જ્ઞાનનો અભાવ વગેરે કારણે ચિકિત્સામાં મુખ્યત્વે ફાર્મસીમાંથી
દવાઓ ખરીદીને ઘેર રાખી તેનો વિવેકપૂર્ણ, વૈવિધ્યપૂર્ણ ઉપયોગ કરવાનું
જાણવું એ જ સસ્તો, સરળ અને નિરાપદ માર્ગ છે. આ હેતથી સામાન્ય
જનતા માટે આ નાનકડી પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે જેનો ઉપયોગ
ગ્રામવૈદ્યો, પચાયતની ઔષધપેટીઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ
બહોળા પ્રમાણમાં કરી શકો,

આમાં જણાવેલ દવા પ્રાય: નિર્દોષ, પ્રચલિત અને લગભગ ચાલુ
બધા રોગોમાં ઉપયોગી થાય તેવી પસંદ કરવા પ્રયત્ન કર્યો છે. ઘણીખરી
દવા ઘેર પણ તૈયાર કરી શકાય તેવી છે. વધુ દવાવાળો યોગ કે થોડી
વપરાશવાળી દવા ઘેર બનાવવાને બદલે વિશ્વાસુ ફાર્મસીમાંથી ખરીદીને
પણ રાખી શકાય. ચૂર્ણો પ્રાય: ત્રણ મહિને કસ વિનાનાં થઈ જતાં હોવાથી
આવશ્યક માત્રામાં બનાવાં કે ખરીદવાં અને વધુ પડતર હોય તો ફેંકી દેવાં.

આઠ વર્ષમાં આ પુસ્તિકાની ચોથી આવૃત્તિ પ્રગટ થાય છે તે તેની
ઉપયોગિતા દર્શાવે છે.


આયુ સેન્ટર                                                  – શોભન
ર૧ર- સર્વોદય, અમદાવાદ.                                  ૧૯-૮-’૯૦

સંદર્ભ : શોભનકૃત “સુપરિચિત ચૂર્ણો”માંથી સાભાર

ગામડાંનું સસ્તું હાથવગું ઔષધ : આવળ

૧. આવળના અગિયાર ઉપયોગ

આપણો પ્રદેશ આવળ, બાવળ અને બોરડીનો હોવાથી
આવળને લગભગ બધા જ ઓળખતા હોય છે. વગડામાં,
ગાડીના પાટા પાસે કે કઠણ જમીનમાં આવળના છોડ સર્વત્ર
ઊગેલા જોવા મળે છે. ગુલાબની પાંખડી જેવી પાંચ પાંખડીવાળાં તેનાં પીળાં હળદર જેવાં ફૂલ અને ફૂલની આસપાસ પોપટી રંગની કળીઓનો જૂમખાવાળો છોડ બારે
માસ લીલોછમ રહે છે. તેમાં વેંતની શીંગો-પડિયા આવે છે. તે સુકાય ત્યારે તેનો રંગ ભૂરો કે કથ્થાઈ થઈ જાય છે અને ૫-૧૦ બી તેમાં ખખડે છે.

આ આવળ ગુણમાં ઠંડી, પચવામાં હળવી અને લૂખી છે. રસમાં કડવી – તૂરી છે અને તેથી કફ અને પિત્ત ને મટાડે છે. તેનું પાચન તીખું છે. તેના મુખ્ય અગિયાર ઉપયોગ યાદ રાખી લેવા જેવા છે.
૧. મૂઢમાર : પછાડ કે મરડ થયેલ હોય ત્યારે આવેલ સોજામાં કે થતા દુખાવામાં આવળનાં ફૂલ વાટી, તેમાં હળદર અને તેલ મેળવી ગરમ કરીને લેપ કરવો. વ્રણ
થયું ન હોય તો તેમાં મીઠું પણ નાખી શકાય.
૨. મુખપાક : ફૂલ, છાલ કે પાનનો ઉકાળો કરી, ઠરે ત્યારે કોગળા ભરવા.
૩. વણ-ઘા–ઘારું : આવળની છાલનો ઉકાળો કરી તેનાથી ઘા ધોવો.
૪. ચર્મરોગ : તેનો ઉકાળો કરીને તેનાથી સ્નાન કરવું. તેની છાલનું ચૂર્ણ ચમચી ચમચી સવારે – સાંજે લેવું.
૫. સગર્ભા સ્ત્રીની ઊલટી : બાવળનાં ફૂલની ૧૦ ગ્રામ જેટલી પાંખડી લઈ દૂધમાં પીસી, તેમાં ખાંડ મેળવીને વારંવાર પાયા કરવું.
૬. અતિસાર-ઝાડા : આવળનાં મૂળની છાલનું ચૂર્ણ અથવા તેનો રસ એક ચમચી લેવો. તે છાશમાં મેળવીને પીવો.
૭. ડાયાબિટીસ (સાકરિયો મધુમેહ) : શર્કરા મેહમાં આવળનાં ફૂલનો ઉકાળો સવારે-સાંજે લાંબો સમય પીવો. સાચું મધ મળે તો મધમાં મેળવીને પણ લઈ શકાય.
૮. દતરક્ષા : દાંતને મજબૂત બનાવવા તથા તેના રોગો મટાડવા માટે આવળની છાલનો પાઉડર દાંતે ઘસવાની અથવા તેના કોલસા પાડી તેનો બારીક પાઉડર કરીને દાંતે ઘસવો.
૯. ગડગૂમડ : દુખાવો થતો હોય તેવાં ગૂમડાં ઉપર આવળનાં પાનનો ગરમ લેપ કરવો.
૧૦. આફરો : પેટ ફૂલીને તેમાં દુખાવો થતો હોય તો આવળનાં પાન, ડોડવા અને ફૂલ વાટી ગરમ કરી, મીઠું અને હળદર મેળવી પેટ પર ગરમ લેપ કરવો અથવા તેનું બંધારણ બાંધવું.
૧૧. વિવર્ણતા : શરીરનો વર્ણ શ્યામ કે અસુંદર થયો હોય તેમાં વર્ણને સુંદર અને તેજસ્વી બનાવવા આવળનાં ફૂલનો રસ શરીરે ઘસવો અથવા તેનો ઉકાળો કરીને સ્નાન કરવું.

આ ઉપરાંત :

આવળ આંખો દુખવા આવવી, શરીરમાં શૂળ નીકળવું, તાવ આવવો, શિરઃશૂલ, બરોળ વધવી, ઉદરશૂળ, વધરાવળ, કૉલેરા, આમવાત, મરડો, પ્રદર, લોહીવા વગેરે રોગમાં પણ ઉપયોગી છે.

સંદર્ભ : શોભન લિખિત “તમારો રોગ; તમારું આરોગ્ય ભાગ ૬”માંથી સાભાર

વેદો–પુરાણોમાં વનસ્પતીમાહાત્મ્ય

– સંપાદનઃ સ્વ શ્રી નરહરિભાઈ ભટ્ટ

 

ભગવદગીતા 

જેનું આદિપુરુષ પરમાત્મારૂપ મૂળ ઉર્ધ્વ છે, અને બ્રહ્માથી લઈ સ્થાવર–જંગમ સૃષ્ટિરૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે; છંદો જેનાં પાંદડાં છે એવા આ સંસારને અશ્ચત્થવૃક્ષ રૂપે કહેલો છે. જે તેને જાણે છે તે વેદને જાણનારો છે. (૧૫/૧)

હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તી વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું. તથા રસરુપ ચન્દ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. ( ૧૫/૧૩)

વિષ્ણુસહસ્ત્રનામ

‘સોમ’; ‘વૃક્ષ’; ‘પુષ્કરાક્ષ’; વનમાલી; કુંદર, કુંદ; ન્યગ્રોધ; ઉદુંબર; અશ્વત્થ; સુપર્ણ; પુષ્પહાસ;

શુક્લયજુર્વેદીય રુદ્રાષ્ટાધ્યાયી

“વસંતરૂપી ઘૃત ગ્રીષ્મ ઈન્ધનો,

શરદ્ ૠતુ એ હવિનાં સુ–સાધનો;

પરિધિઓ એમની છે જ સપ્ત,

તથા સમિધો સહુ એકવીશ.”  (પુરુષસુક્ત ૧૪–૧૫)

શતરુદ્રીય

નમું તરુ, ગૌપીઠમાં વસ્યા નમું – ૩૨

નમું ખળાં ધાન્ય ભૂમાં વસ્યા નમું;

નમું જલે, પત્ર વને વસ્યા નમું – ૩૩

નમું હરિત્ કેશી વૃક્ષને નમું; – ૪૦

સૂકાં લીલાં કાષ્ટ, ધૂળે વસ્યા નમું;

રજે, પંથે, ભૂ, તૃણમાં વસ્યા નમું,

પર્ણો, ખર્યાં પર્ણપ્રદેશને નમું. – ૪૫–૪૬

કલ્યાણકારી રૂપ આપનું આ,

કલ્યાણદા ઔષધરૂપ કાયા;

તે દેહથી, વ્યાધી થકી અમોને

આનંદ દ્યો દેવ ! જીવાડવાને. ૪૯

રુદ્રાષ્ટક–૬

હે રુદ્ર ! છો ઔષધરૂપ આપ,

ને આપ છો રોગ નિવારનાર;

તેથી અમારાં જન, ગો, અજાશ્વો

રહે સુખી, ઔષધી, નાથ ! આપો. – ૪

રુદ્રાષ્ટક

સુવાણ અન્ન મધુ દુગ્ધપાન,

સબાંધવો ભોજન શ્રેષ્ઠ લ્હાણ;

રસો ઘૃતાદિ, ત્યમ આમ્ર ઉદ્ભવ,

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત. – ૯

સામો, ચણા, ડાંગર, ગ્રામ્યધાન

ને કોદરા, કાંગ, અરણ્યધાન,

કઠોળ ને કંદ, ઘઉં, મસુર

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત. – ૧૨

પાષાણ, માટી, ગિરિ, પર્વતોએ,

ને કાંકરી, રેતી, વનસ્પતિઓ,

સુવર્ણ, રૂપું, ત્યમ ધાતુ જે જે…

અગ્નિ, લતા, ઔષધી, ધાન્ય, વારી…

આ યજ્ઞથી પ્રાપ્ત થજો સમસ્ત.. – ૧૩–૧૪

શાંતીમંત્ર

દ્યુલોક શાંતિ, નભલોક શાંતિ;

પૃથિવી શાંતિ, જલમાંહ્ય શાંતિ;

વનૌષધે શાંતિ, વનશ્રી શાંતિ,

ને વિશ્વદેવા, પરબ્રહ્મ શાંતિ,

સર્વત્ર શાંતિ, સહુ શાંતી, શાંતિ;

ને પ્રાપ્ત હો ઈશ કૃપાથી શાંતિ.

 ભગવતી ભાગવત

“જ્યારે સો વર્ષ સુધી વરસાદ નહીં પડે, ત્યારે હું પાર્વતીના શરીરમાંથી પ્રગટ થઈશ. અને તમો બધાને (દેવોને) સો નેત્રોથી નિહાળીશ. જેથી મને શતાક્ષી કહેશે. અને શાક વગેરે ઉત્પન્ન કરીશ તેથી પ્રજાની ક્ષુધા ત્રુપ્ત થશે જેથી મને શાકાભરી(શાકંભરી) પણ કહેશે.” (સ્કંધ – ૭, કથા પાંચમી.)

તેમાંની કેટલીક શક્તિપીઠો આ નામોથી પ્રચલિત છે –

બીલીપત્રમાં‘બિલ્વપત્રિકા’; સહ્યાદ્રીમાં ‘એકવીરા’; વૃંદાવનમાં ‘રાધા’; વિનાયકમાં ‘ઉમાદેવી’; વૈદ્યનાથમાં ‘આરોગ્યા’; ઉત્તમકુરુમાં ‘ઔષધી’; કુશદ્વીપમાં ‘કુશોદકા’.

(સ્કંધ – ૭, કથા સાતમી.)

શ્રી દુર્ગા સપ્તશતી

તું સૂર્યવર્ણા તપથી જ તારા,

આ બિલ્વ નામે તરુ ઉપજ્યું છે.

તેનાં ફળો દુર કરો અલક્ષ્મી,

જે દેહમાં બાર રહી તપોથી. (શ્રી સુક્ત–૬)

અમર્ત્ય્ દેવી, અધ ઊર્ધ્વ, આદ્ય,

સંપુર્ણ વિશ્વે તરુ વૃક્ષ વ્યાપી. (રાત્રીસુક્તમ્–૨)

સો સો વર્ષો લગી પાછી, રોકાશે મેઘવૃષ્ટિ જ્યાં,

જન્મીશ મુનીની પ્રાર્થી, પાર્વતી ઉદરે ભૂમાં..

તદા હું આત્મદેહથી અખીલલોક ઉદ્ભવી,

ઉગાડી આપીશ શાક, પ્રાણ રક્ષીશ શાકથી.

તદા ‘શાકંભરી’ નામે ખ્યાત પામીશ ભૂ પરે. (૪૬–૪૯ અધ્યાય–૧૧)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ઔષધિગાન ભાગ – ૨’ના પરિશિષ્ટમાંથી સાભાર)

હીંગ અહો, રસોડાની રાણી !!

હીંગ !

        — સ્વ. નરહરીભાઈ ભટ્ટ.       

હીંગ અહો, રસોડાની રાણી !

તીખી સુગંધે છમકારાતાં દાળ-શાક

                મોંમાં તત્કાળ લાવે પાણી !…હીંગ અહો.

કોઈ  કરે  ભાભીના  હાથનાં વખાણ,

કોઈ માતાના અનુભવી હાથની કમાલ;

આ તો દીયરજી લાવ્યા એ હીંગની ધમાલ,

          એને આંગળાં ચાટીને  વખાણી !…હીંગ અહો.

ભોજનને સ્વાદીષ્ટ-સુગંધી બનાવે;

બાજુના ઘરમાંયે   જાણ કરી આવે !

નાકને સુગંધ,સ્વાદ જીભને લલચાવે,

          એનું વર્ણન ના કરી શકે વાણી !…હીંગ અહો.

રુચીને જગાડતી ને ભુખને લગાડતી,

પાચનમાં   સાથ   શો   અપાવતી !

આંતરડે જામેલા મળોને ભગાડતી-

              ભેદનશક્તી મેં એની જાણી !!…હીંગ અહો.

ગોળો ને ગૅસ એ તો ક્ષણમાં શમાવતી,

આફરો  ને  શ્વાસને       દમાવતી;

હેડકી, બગાસાંને બળથી હંફાવતી,

                   બંધ વાળતી એનો તાણી !…હીંગ અહો.

મોંઘા વઘારથી ભોજન શણગારતી,

પાચનક્ષમ એને બનાવી મલકાવતી;

ના એ  રસોડાને, ઘરનેયે  તારતી-

                      રાણી મસાલાની શાણી !!

હીંગ અહો, રસોડાની રાણી !     

……………………………

‘ઔષધીગાન ભાગ – 2’માંથી.

આયુર્વેદીય વનસ્પતિનાં કાવ્યો – ૧

મેથી

— સ્વ.નરહરીભાઈ ભટ્ટ.

કડવી તોયે   મને    મીઠી   લાગી,
આ ઢેબરાંમાં મેથી ગુણકારી લાગી !

શાકને દાળમાં,   કઢીના વઘારમાં;
મઘમઘતા   છમકારે  ન્યારી લાગી !….આ.

મેથીના લાડુ ને મેથીનો પાક ખાઈ,
નરવી,  શીયાળામાં   સારી    લાગી !…..આ.

પાચન વધારતી ને ભુખને જગાડતી;
આંગળીઓને    ચટાડનારી    લાગી !……આ.

ઢીંકણ ને કેડનો, એડી,  ખભાનો,

વાયુ, આમ, ઝટ મટાડનારી લાગી……..આ.

હૃદય-બળ આપે, ઉલટી, શુળ દાબે,
મુખમાં   સુગંધ   આપનારી  લાગી……..આ.

મેથીને રીંગણાંનું શાક, જે શીયાળામાં-
ઉંધીયાને પણ ભુલાવનારી લાગી !….આ.

સુંઠ ને દીવેલ સંગ મેથીનો ઉકાળો,
આમવાતને   તો કટારી   લાગી !!…….આ.

જીર્ણજ્વર, વીષમજ્વર કાઢીને જંપતી,
કાયાને નરવી    કરનારી લાગી………આ.

એના હજાર ગુણ જાણે લે લોર્ડજી !
ચોપડી  એની   ચમત્કારી લાગી !

આ મેથી મને ગુણકારી લાગી !

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

૮૯ વરસની ઉંમરે ૧૫૦થી વધુ આયુર્વેદીય ઔષધીઓ ઉપર ૨૦૦ જેટલાં કાવ્યો રચનાર સ્વ. નરહરિભાઈ ભટ્ટ વિષે આ સામયિકમાં ટૂંક સમયમાં જ વિગતવાર લખવામાં આવશે. વાચકોને રાહ જોવા વિનંતી સાથે – આયુર્