Category Archives: Shobhan Vasani

આંચકીનો એક કેસ.

સૌથી પ્રથમ તાત્કાલિક કેસ !

સ્વ. શ્રી શોભન

––––––––––––––––––––––––––

        સ્નાતક થાયા પછીની ચિકિત્સામાં સૌથી પ્રથમ તાત્કાલિક કેસ તરીકે બાળકોની આંચકીનો કેસ મારે સફળ કરવો પડેલો.

હું ભૂલતો ન હોઉં તો લોકભારતી વિદ્યાપીઠમાં ચાર્જ લીધાને બેચાર દિવસે એ બનાવ બનેલો.

વર્ષઋતુનો પ્રારંભ હતો એટલે વાતદુષ્ટિ તો હોય જ અને તેમાં તે વર્ષે જાંબુનું ઉત્પાદન વધારે થયેલું. ‘जाम्ववं वातजननानाम् – વાયુ ઉત્પન્ન કરનાર દ્રવ્યોમાં જાંબુ સર્વશ્રેષ્ઠ છે…’ એ સૂત્ર પ્રમાણે કબજિયાતની અવસ્થામાં શ્રી પુરુષોત્તમભાઈ વરિયાના નાના પાંચ વર્સના નીતિનને જાંબુ સેવનના કારણે અપાનવાયુ દુષ્ટ થયો. અપાને સમાન, ઉદાન અને પ્રાણને પણ કોપાવ્યા, આફરો, શૂલ, જ્વર વ્યક્ત થયા બાદ રાત્રે બાર વાગ્યે વાતપિત્તનઃદોષપ્રકોપ કાળે આંચકી શરૂ થઈ ! આંચકીનો હુમલો ઉગ્ર હતો.

ઘરગથ્થુ અને કેટલાક ડૉક્ટરી ઉપચાર થવા છતાં રોગ પર કાબુ ન આવી શક્યો ત્યારે મને જગાડવામાં આવ્યો. નવો વૈદ્ય હોવાના નાતે, દવાખાનામાં એક વર્ષની અવ્યવસ્થાને કારણે કયું ઔષધ પ્રાપ્ત છે, અને છે તો ક્યાં છે તેનું સ્પષ્ટ ચિત્ર મનમાં ન હોવાથી પહેલાં તો મુંઝાઈ ગયો. વળી, વિદ્યાર્થી અવસ્થા દરમિયાન ખરું કહું તો આંચકી વિશે શાસ્ત્રાભ્યાસ કે કર્માભ્યાસમાં કશું ભાથું આપવામાં આવેલ નહીં !…સદ્દભાગ્યે સાંજે દવાખાનું આટોપતી વખતે બેચાર બાટલીઓ વ્યવસ્થિત ગોઠવવા નીમિતે ‘लक्ष्मीनारायण रस’ ઉપર હાથ ગયેલો અને તેનો ઉપયોગ પણ તે જ વખતે વાંચી લીધેલો. સૂચિપત્ર પ્રમાણે આંચકીનું એ અદ્રિતીય ઔષધ હતું !

મને જગાડનાર પગીને મેં દવાખાનાની ચાવી આપીને કહ્યુઃ ‘હું બેસું છું તેની જમણી બાજુના ગોદરેજ કબાટને ખોલી, નીચેલા ખાનામાં જમણી બાજુ સૌથી છેલ્લી બાટલી છે તે દોડતા દોડતા લઈ આવો.’ એ ઔષધ તરફ દોડ્યા, હું દરદી તરફ દોડ્યો. જઈને જોયું તો નીતિનના દેહ પર ચાર-પાંચ ડિગ્રી જેટલો તાવ હતો. આંચકીમાં શરીર આંખુ ખેંચાઈ રહ્યું હતું. પરિચારકોની આંખો ભીની હતી !

બે મિનીટમાં મધું નિરીક્ષણ કરી મેં એરંડિયું માગ્યું.  તેનું એક ટીપું નાકમાં ચડાવ્યું. માથે, પગે અને પેટે તેનું માલિશ શરૂ કરાવી દીધું. દરદીનો શ્વાસ સહેજ સ્વસ્થ થયો. પવનછૂટ થઈ, પેટ સહેજ પોચું પડેલું લાગ્યું. ત્યાં તો ઔષધ આવી ગયું. લક્ષ્મીનારાયણરસની રતીની ૧ ગોળી મધમાં કાલવી, ચમચીમાં થોડા પાણી સાથે મેળવી પિવરાવી દીધી. પિવરાવવાની સાથે જ બે-ત્રણ મિનીટમાં દરદીએ આંખો ખોલી, આંચકીનો હુમલો પોતાનો કબજો છોડી રહ્યો હતો

પછી તો પ્રકુપિત વાયુને શાં કરવા, તાવ ઓછો થતાંની સાથે જ..થોડો સ્નિગ્ધ શેક પણ કર્યો. ફરી નસ્ય આપ્યું, માથે અને પગના તળિયે ગરમ દિવેલ પંદર-વીસ મિનીટ ઘસ્યા કર્યુ. ફરીને ઔષધ આપ્યું. અર્ધી કલાકમાં તે પા પા કલાકે ઉત્તરોત્તર બળવાન હુમલા સાથેની આંચકીનું સંશમન થઈ ગયું ! નીતિને ગરમ ગરમ ઉકાળો પણ પીધો અને મારી સાથે વાતો પણ કરી ?

એક માસ સુધી હરડે અથવા એરંડિયાનું સેવન કરવાથી અને વર્ષામાં જાંબુ ન ખવરાવવાના પથ્યાચરણથી એને એ પછી ક્યારેય આંચકી આવી નથી.

પછી તો આંચકીના કેટલાય કેસમાં આ લક્ષ્મીનારાયણરસે ધાર્યુ કામ આપેલું. બે-ચાર વખત એના અભાવે કેવળ શુદ્ધ ટંકણક્ષાર પણ સફળતા અપાવી શકેલો. અને બે વખત તો એ બંનેના અભાવે ગ્રામ્ય કેસોમાં પીપળાની વડવાઈ, એથી પણ વધારે ચમત્કાર બતાવી ગયેલી ! મારા સ્વ. પિતાશ્રી આ પીપળાની વડવાઈ દ્વારા પ્રતિવર્ષ એકાદ બાળકને તો આંચકીજન્ય મૃત્યુના મુખમાંથી બચાવતા.

છેલ્લા બેએક વર્ષથી હું નીચેના ક્રમથી સો ટકા સફળતા મેળવું છું.

૧.      આફરી હોય તો સૌપ્રથમ એરંડતેલની પિચકારી આપું છું. જેથી મળશુદ્ધિ થઈ વાયુની પ્રતિલોમ ગતિ અનુલોમમાં ફેરવાઈ જાય છે. દોષસંચય દૂર થતાંની સાથે જ્વર પણ ઊતરવા માંડે છે અને આંચકી કાં તો બંધ થઈ જાય છે કાં તો હળવી પડી જાય છે.

૨.      લક્ષ્મીનારાયણ રસ ૧-૧ રતી (૧/૮ ગ્રામ) મધ સાથે, અશ્વગંધારિષ્ટ સાથે કે અભયારિષ્ટ સાથે એક એક કલાકે બે વખત આપું છું.

૩.      પેટ પર દિવેલ સાથે હિંગનો ગરમ લેપ કરાવું છું અને તાળવે અને પગનાં તળિયે દિવેલની માલિશ કરાવું છું.

૪.   આંચકી પછીના ૧૨ કલાક સુધી પ્રાયઃ ખોરાક, દૂધ કે ધાવણ તદ્દન બંધ કરાવું છું.

આયુર્વેદના પાયામાં ત્રિદોષ–વિજ્ઞાન

– સ્વ. શ્રી શોભન

વાત-પિત્ત-કફ શું છે ?

      આ સૃષ્ટિ પંચમહાભૂતોની બનેલી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચમહાભૂતો જ પ્રાણીઓના શરીરરૂપી પિંડમાં પણ મળે છે. શરીરમાં વાત, પિત્ત, અને કફ એ આ પંચમહાભૂતોનાં જ સ્વરૂપ છે. ખાલી જગ્યા તે આકાશ છે. પૃથ્વી અને જળ તે કફ છે. તેજ અથવા અગ્નિ તે પિત્ત છે અને વાયુ તે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ પ્રકારે રહેતો વાયુ છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે.  

વાત

 • શરીરમાંનો વાત અથવા વાયુ લૂખો, ઠંડો, હળવો, ચંચળ, વક્ર ગતિવાળો અને સૂક્ષ્મ છે; વળી તે યોગવાહી અને બળવાન છે. તેનો રંગ કાળો અને અરુણ (ઈંટના રંગ જેવો) છે.
 • વાયુ વ્યક્તિ અને સમષ્ટિની સમગ્ર ક્રિયા કરે છે. શરીરમાં તે પ્રાણસંચાર કરે છે, ચેતનાનું સંચાલન કરે છે તેમજ ઉત્સાહ અને બળ આપે છે.
 • પ્રાણ, ઉદાન, સમાન, અપાન અને વ્યાન – એમ વાયુના પાંચ પ્રકાર છે. પ્રાણવાયુ હ્રદય, છાતી અને નાકમાં રહી શ્વાસોચ્છવાસની ક્રિયા કરી પ્રાણ ટકાવે છે; ઉદાનવાયુ છાતી, કંઠ અને મુખમાં રહી બોલવાની ક્રિયા કરે છે; સમાનવાયુ કોઠામાં રહી આહારની પાચનક્રિયામાં મદદ કરે છે; અપાનવાયુ આંતરડામાં વસી મળમૂત્રાદિ બહાર લાવવાની ક્રિયા કરે છે તથા બાકીના વાયુઓને પોષણ આપે છે; વ્યાનવાયુ સમગ્ર દેહમાં વસી સર્વ અંગોની ક્રિયા કરે છે.
 • વહેલી સવારે, સાંજે, રાત્રે અને ભોજન પચી ગયા પછી-ભૂખ્યા પેટે; ઘડપણમાં, વર્ષા-શિશિરમાં તેમજ ઉજાગરાથી, વાહનમાં વધુ મુસાફરીથી; વેગાવરોધ, લંઘન, અતિશ્રમ, ચિંતા, શોક, દુઃખ અને ભયથી; કડવા, તૂરા, તીખા, ઠંડા, હળવા, લૂખા પદાર્થો ખાવાથી વાયુ વધે છે, બગડે છે.
 • વાયુ વિકૃત થાય ત્યારે મુખ્યત્વે તો શૂળ વ્યક્ત થાય છે. અસુખ, દૌબલ્ય, અરુચિ, અનિદ્રા, કાળાશ, રોગની અનિયમિતતા વગેરે ઉપરથી વાયુના રોગનું નિદાન થઈ શકે છે.
 • ઉદરશૂળ, ઉરઃશૂર, પાશ્વર્શૂળ, પિંડીશૂળ; પક્ષાઘાત, રાંઝણ, આંચકી, ધનુર વગેરે વાયુના રોગો છે.
 • વાયુ યોગવાહી હોવાથી પિત્ત સાથર મળીને પિત્તના અને કફ સાથે મળી કફના રોગ પણ કરાવે છે.
 • ઉષ્ણ અને સ્નિગ્ધ આહારવિહારથી વાયુ શમે છે. તલનું તેલ, લસણ, હિંગ, ઘી, અજમો, સિંઘવ, રાસ્ના, એરંડો, નગોડ, ગૂગળ વગેરે આહાર અને ઔષધો તેમજ બસ્તિ, અભ્યંગ, શેક, ચંપી, આરામ, ઊંઘ, દબાણ વગેરે ક્રિયા વાયુને મટાડે છે; વાયુનું સર્વોત્તમ ઔષધ તલનું તેલ અને સર્વોત્તમ ક્રિયા વાતઘ્ન ઔષધોની સ્નિગ્ધ બસ્તિ છે.
 • પિત્ત અને કફની સરખામણીમાં વાયુ વધુ શક્તિશાળી છે. પિત્ત અને કફ પાંગળા છે, તેમને પ્રવૃત્ત કરનાર વાયુ છે. 

પિત્ત

 • અગ્નિ મહાભૂતને જ ‘પિત્ત’ નામ આપવામાં આવયું છે. પિત્ત તપે છે અને તપાવે છે.
 • પિત્ત ગરમ, ઉગ્ર (તીક્ષ્ણ), સર તથા થોડું સ્નિગ્ધ છે. વળી તે તેજસ્વી અને ઊર્ધ્વગતિશીલ છે. કાળા, અરુણ, ધોળા અને પાંડુ સિવાયને લગભગ બધા રંગો પિત્તના છે.
 • શરીરમાં અને સૃષ્ટિમાં રહી તે પકાવવાનું, તેજ આપવાનું અને ગરમી ટકાવી રાખવાનું કામ કરે છે. તેમજ વાયુ અને કફના ગુણ સામે સમતા રાખવાનો પ્રયત્ન કરે છે.
 • પાચક, ભ્રાજક, રંજક, આલોચક અને સાધક એમ પિત્તના પાંચ પ્રકાર છે. પક્વાશયમાં રહેલું પાચક પિત્ત ખોરાકને પચાવે છે; ત્વચામાં રહેલું ભ્રાજક પિત્ત દેહોષ્માને ટકાવે છે; યકૃત અને બરોળમાં રહેલું રંજક પિત્ત લોહીને લાલ રંગે છે; આંખમાં રહેલું આલોચક પિત્ત દ્રષ્ટિ દ્વારા દર્શન કરે છે અને હ્રદયમાં રહેલું સાધક પિત્ત સાધના કરવા માટે બુદ્ધિ જ્ઞાન અને નિશ્ચયનું બળ આપે છે.
 • બપોરે, મધરાતે, યૌવનમાં, ગ્રીષ્મ-શરદમાં, ભોજન પચે ત્યારે; તીખા, ખારા, ગરમ, વિદાહી ને તીક્ષ્ણ પદાર્થોનું ભોજન વધુ પ્રમાણમાં ખવાય ત્યારે; તડકો, તાપ, ક્રોધ, ઉપવાસ, દિવસની ઊંઘ, ઉષ્ણદેશ, અસંતોષ વગેરેથી પિત્ત કોપે છે.
 • પિત્ત બગડે ત્યારે મુખ્યત્વે દાહ થાય છે; તદુપરાંત તરસ, શરીર તપવું, લાલાશ-પીળાશ આવવી, અલ્પ નિદ્રા, ફેર ચડવા, ક્રોધ, અકળામણ વગેરે લક્ષણો જણાય છે.
 • દાહ, સંતાપ, તૃષા, અલ્પનિદ્રા, અમ્લપિત્ત, વિદગ્ધાજીર્ણ, અતિ ભૂખ લગાડનાર ભસ્મકાગ્નિ, રક્તપિત્ત, મુખપાક, કમળો, પાક થવો, વિસર્પ વગેરે પિત્તના વ્યાધિ છે.
 • ઠંડા ઉપચારથી પિત્ત શમે છે. ઘી, દૂધ, સાકર, શેરડી, દ્રાક્ષ, મીઠાં ફળો, ચંદન, માટી, જળ, ઠંડો પવન, શીતળ સ્નાન, ચાંદની, છાંયો, આનંદ, શાંતિ, પ્રસન્નતા, રક્તસ્ત્રાવ, ઠંડો પાતળો લેપ, નિદ્રા; કડવો, તૂરો, મધુર, શીતવીર્ય-ઠંડા ગુણવાળો-આહાર વગેરે પિત્તનું શમન કરે છે. પરંતુ પિત્તનું વધુ સંશમન તો ઘી અને વિરેચન જ કરે છે. સામપિત્તનું વિરેચન કદી કરાવવું ન જોઈએ.

કફ

 • પંચમહાભૂતોમાંથી જળ અને પૃથ્વી મળવાથી કફ (શ્લેષ્મા) થયેલ છે. કફ શરીરમાં હાડકાં, સ્નાયુઓ તેમ જ અંગપ્રત્યંગોને ચોંટાડે છે, સ્થિર રાખે છે.
 • કફ ચીકણો, ભારે, ઠંડો, સ્થિર, મૃદુ અને સ્થૂળ છે; આ ઉપરાંત તે હિતકારી, અલ્પક્રિય, પ્રિય અને સુવ્યવસ્થિત છે. તેનો રંગ સફેદ અને આછો પીળો (પાંડુ) છે.
 • પ્રાકૃત કફ દીર્ઘાયુષ્ય, બળ, સુંદરતા, ધૈર્ય, સ્મૃતિ, ક્ષમા, શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપનાર છે.
 • બોધક, શ્લેષક, તર્પક, ક્લેદક અને અવલંબન એમ કફના પાંચ પ્રકાર છે. બોધક કફ જીભમાં રહી સ્વાદને પારખે છે; ક્લેદક કફ આમાશયમાં રહી ખોરાકને દ્રવ બનાવે છે, તર્પક કફ મગજમાં રહી નિદ્રા, શાંતિ, સ્મૃતિ અને ધૈર્ય આપે છે; શ્લેષક કફ શરીરના સાંધા અને અવયવોને સ્નિગ્ધ રાખે છે અને અવલંબન કફ છાતીમાં રહી બળ આપે છે તથા બાકીના કફ પ્રકારોને પોષણ આપે છે.
 • સવારે, જમ્યા પછી, સાંજે જમ્યા પછી, રાતની શરૂઆતમાં; બાળપણમાં; વસંત-હેમંતમાં; અતિ મધુર-અમ્લ-લવણ, ગુરુ, શીત, સ્થિર, મૃદુ, આહાર લેવાથી; આનંદ, આરામ, ઊંઘ, દિવાસ્વપ્ન, નિશ્ચિતતા, સુખ, વૈભવવિલાસ વગેરેથી કફ વધે છે.
 • કફ વધે ત્યારે શરીરમાં સ્નિગ્ધતા, ગૌરવ, તંદ્રા, નિદ્રા, આળસ, પુષ્ટિ, પ્રમાદ, અરુચિ તથા સ્વાર્થ, તમસ અને અજ્ઞાન વધે છે; તેમ જ લાંબા સમય સુધી ન મટે તેવા કફ રોગો થાય છે.
 • પ્રમેહ, ચર્મરોગ, સોજા, અરુચિ, શરદી (સળેઅમ), મંદાગ્નિ, દ્રષ્ટિદૌબલ્ય, શીતળા, કૃમિ, અતિનિદ્રા, વગેરે કફજ વ્યાધિ છે.
 • ગરમ અને લૂખા ઉપચાર કરવાથી કફ ઘટે છે; તદુપરાંત વમન, વિરેચન, શિરોવિરેચન, લૂખો શેક, ઉજાગરા, શ્રમ, દુઃખ, શોક, ભય, અસુખ તેમ જ તીખા, તૂરા, કડવા, ગરમ, લૂખા, અસ્વાદિષ્ટ આહાર કફ વિરાધી છે.
 • કફજન્ય રોગનું શ્રેષ્ઠ ઔષધ મધ અને શ્રેષ્ઠ ક્રિયા વમન છે. વમનમાં પણ મીંઢળ સર્વશ્રેષ્ઠ છે. અતિશય વધી ગયેલા કફનો વમન દ્વારા સામ સ્થિતિમાં પણ શરીરમાંથી નિકાલ કરવામાં દોષ નથી.

આયુર્વેદના સાવ સરળ પાઠો

આયુર્વેદ

आयुर्हिताहितं व्याधिर्निदानं शमनं तथा ।

विद्यते यत्र विद्वदिभः स आयुर्वेद उच्यते ।।

આયુષ્ય માટે હિતકર શું અને અહિતકર શું ? રોગોનાં કારણ અને ઉપાય શાં ? એ બધું વિદ્વાનો જે શાસ્ત્ર દ્વારા જાણે છે તેને ‘આયુર્વેદ’ કહેવામાં આવે છે.

–  भावप्रकाश

રાષ્ટ્ર-ચિકિત્સા

આયુર્વેદ-ચિકિત્સા જ રાષ્ટ્ર માટે સૌથી વધુ ઉચિત ચિકિત્સા પ્રણાલી છે, કારણ કે-

 • તે ભારતીય સંસ્કૃતિનું મુખ્ય અંગ છે; ઋષિમુનિઓનો અમર વારસો છે; આપણા ભગીરથ પુરુષાર્થનું પ્રતીક છે.
 • તે હજારો વર્ષોના અનુભવથી રચાયેલ છે; હજારો વર્ષો પસાર થયા છતાં તેમાંનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઊલટાનું સત્યની કસોટીમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.
 • તેનાં મૂળ હજારો વર્ષ પહેલાં નંખાયેલા છે અને તે તિબેટ, ચીન, બ્રહ્મદેશ, સિલોન, જાવા, સુમાત્રા, અરબસ્તાન, ઈરાન અને ગ્રીસ સુધી પણ ફેલાયેલાં છે !
 • તે ગામડે-ગામડે, શહેરે-શહેર અને ઘેર-ઘેર પ્રત્યેક ભારતવાસીઓની રગેરગમાં વસી ગયેલ છે.
 • તેનાં ઔષધો સર્વત્ર મળી શકે તેવા, સસ્તાં, હિતકર અને નિર્દોષ છે.
 • ગુલામીનાં સેંકડો વર્ષ પસાર થવા છતાં, દેશની ૮૨ ટકા જનતા આજે પણ એનું જ શરણ સ્વીકારી તંદુરસ્તી જાળવે છે, મેળવે છે.
 • સ્વસ્થવૃત્ત અને સદ્દવૃત્ત દ્વારા તે તન કે મનમાં, રોગના એક પણ અંશને દાખલ થવા દેતી નથી અને દાખલ થયેલાને પૂર્વરૂપમાં જ પથ્ય દ્વારા આગળ વધતો અટકાવે છે.
 • તે એક રોગને કાઢતાં તેની સાથે સંબંધ ધરાવનાર અનેક રોગોને જડમૂળથી દૂર કરે છે. જૂનામાં જૂના અને દરેક જાતના સાધ્ય રોગોને શોધન, શમન કે પથ્ય દ્વારા બહાર ફેંકી દે છે.
 • યુગોથી વારસાગત સંબંધ હોવાથી તેમાં આપેલા ઉપાયો, નિયમો કે ઉપચારો પ્રત્યેક માણસને અનુકૂળ બને તે વા છે.
 • તેને અપનાવવાથી માણસ પોતાની જાતે રોગ, તેનાં કારણ અને ઔષધો વિષે જાણકાર થઈ જાય છે તેમ જ તેને નીરોગી રહેવા માટેનો સાચો માર્ગ પણ મળી જાય છે.
 • તે માત્ર રોગની ચિકિત્સાનું જ શાસ્ત્ર નથી પણ જીવનના પ્રત્યેક પાસાને સ્પર્શનાર અદ્રિતીય વિજ્ઞાન છે.
 • તે સ્વાવલંબન, સ્વદેશી અને રાષ્ટ્રપ્રેમના તાણાવાણાથી વણાયેલ છે. અને એ રીતે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રિય દ્રષ્ટિએ દેશને સૌથી વધુ અનુકૂળ છે.
 • ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયે, વધુ વિસ્તારમાં તે આપણી આરોગ્ય-સમસ્યાને હલ કરી શકે તેમ છે.
 • ટૂંકમાં, આરોગ્યશાસ્ત્ર અને ચિકિત્સાશાસ્ત્રની જે લાયકાત હોવી જોઈએ તે બધી આયુર્વેદમાં છે અને એ રીતે તે આપણી રાષ્ટ્ર-ચિકિત્સા છે.

આયુર્વેદ – પરિચય

 • આયુર્વેદ એ આપણું પ્રાચીન મહાન વિજ્ઞાન છે; કારણ કે તેને ऋग्वेद અને अथर्ववेद નો ઉપવેદ માનવામાં આવે છે.
 • ચરક, સુશ્રૃત, અષ્ટાંગહ્રદય, ભાવપ્રકાશ, માધવનિદાન, શાડર્ગંધર એ આયુર્વેદના છ મુખ્ય ગ્રંથો છે. તેમાં ચરકસંહિતા કાર્યચિકિત્સા (મેડિસિન) અને સુશ્રૃતસંહિતા શસ્ત્રચિકિત્સા (સર્જરી) માટે દુનિયાભરમાં અજોડ છે.
 • કાર્યચિકિત્સા, શલ્પચિકિત્સા, શાલાક્યતંત્ર, બાળરોગ, ગ્રહબાધા, વિષતંત્ર રસાયન અને વાજીકરણતંત્ર એમ આયુર્વેદનાં આઠ અંગ છે. આઠેય અંગમાં આરોગ્ય અને ચિકિત્સાની લગભગ તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે.
 • શસ્ત્રક્રિયા, ક્ષારકર્મ, અગ્નિકર્મ, મંત્ર, શોધન (પંચકર્મ), શમન (લંઘન-પાચનાદિ) એમ અનેક પદ્ધતિ આયુર્વેદે રોગશમન માટે યોજેલ છે.
 • વાયુને ૮૦, પિત્તના ૪૦, કફના ૨૦ તેમજ અન્ય આગતુંક વગેરે રોગોના વર્ણનમાં લગભગ તમામ રોગોનો સમાવેશ થયેલો છે. અને ચરકસંહિતા તથા અન્ય નિઘંટુઓમાં સેંકડો વનૌષધિઓના ગુણ આપ્યા છે. જેમાંથી પ્રાયઃ તમામ રોગોનાં ઔષધો પ્રાપ્ત થઈ શકે તેમ છે.
 • ‘માનવ-આયુર્વેદ’ના સિદ્ધાંતોને આધારે ‘ગજાયુર્વેદ’ ‘અશ્વાયુવેદ’ ‘અજાયુર્વેદ’ વગેરેની પણ રચના કરવામાં આવી છે; જેના કેટલાક ગ્રંથો આજે પણ પ્રાપ્ય છે.
 • આયુર્વેદની અનેક શાખાના અગણિત ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે. તેમાંથી નાશ પામતાં બચેલા ગ્રંથો સેંકડોની સંખ્યામાં આજે પણ મોજૂદ છે.
 • દુનિયાની તમામ ચિકિત્સાપદ્ધતિઓ આયુર્વેદમાંથી જન્મેલી છે, નવી જન્મે છે તેના ચિકિત્સા-સિદ્ધાંત પણ આયુર્વેદમાં સમાયેલા છે.
 • ૨૫૦૦ વર્ષ પૂર્વે બૌદ્ધ ધર્મના પ્રચાર વખતે આયુર્વેદ પણ દૂર-દૂરના દેશોમાં પહોંચ્યો હતો; સાથે સાથે આપણાં ઔષધો, વૈદ્યો, સિદ્ધાંતો અને ગ્રંથો પણ પહોંચેલાં. યુરોપ અને એશિયાખંડના છાત્રો તે વખતે આયુર્વેદવિદ્યા મેળવવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આવતા, દૂર-દૂરના દર્દીઓ પણ અહીં સારવાર લેવા આવતા.

આયુર્વેદનો આદર્શ

समदोषः समाग्निश्च समधातु-मल-क्रियः ।

प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते ।।

જે માણસના ત્રણે દોષ (વાત,પિત્ત,કફ); તેર અગ્નિ (જઠરાગ્નિ, પંચભૂતાગ્નિ, સાત ધાત્વગ્નિ); સાત ધાતુઓ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર) અને મળ (પુરીષ, મૂત્ર સ્વેદ વગેરે), ક્રિયાઓ સમ હોય તેમજ આત્મા, (દશેય) ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય તેને જ સ્વસ્થ કહી શકાય.

-सुश्रृतसंहिता

 • પ્રત્યેક મનુષ્ય તન-મનથી પૂર્ણ સ્વસ્થ રહી સો વર્ષ જેટલું જીવવો જોઈએ.
 • રજોગુણ અને તમોગુણ માનસરોગનું કેરણ હોવાથી સત્વગુણને પ્રબળ બનાવવા સદવૃત્ત આચરવું જોઈએ.
 • દરેક બાબતમાં હીનયોગ, અતિયોગ અને મિથ્યાયોગ દુઃખદાયક છે. રોગકર છે, તેથી સમયોગ સાચવવા કે મેળવવા પ્રયત્ન થવો જોઈએ.
 • બુદ્ધિ, ધૃતિ અને સ્મૃતિને અવગણીને કરાયેલો પ્રજ્ઞાપરાધ જ આધિ, વ્યાધિ અને ઉપાધિનું કારણ બને છે. તેથી તેમ ન થવા દેવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
 • જઠરાગ્નિ જ માનવમાત્રનું સાચું બળ છે. તથી તેનું સતત જતન થવું જોઈએ. ‘પોષણવાદ’ કરતાં ‘પાચનવાદ’ને મહત્વ અપાવું જોઈએ.
 • ‘ભોગ રોગનું મૂળ છે’ તેથી જીભને કે મનને વશ ન થતાં અંતઃકરણ કે જ્ઞાનને વશ થઈ વર્તન કરવું જોઈએ.
 • ‘રોગો થવા તે આહારવિહારની ભૂલનું પરિણામ છે’ માટે આહારવિહારનું જ્ઞાન છેલ્લામાં છેલ્લા માણસ સુધી પણ પહોંચાડવું જોઈએ.
 • કુકર્મોના કારણે પણ ઘણા રોગ થતા હોય છે, તેથી પ્રત્યેક વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ.
 • રોગપ્રતિકારક કે ચિકિત્સામાં ચેતનના ભોગે કે શરીરના બંધારણના ભોગે પ્રવૃત્તિ કરવાથી સરવાળે દુઃખદ પરિણામ આવતું હોય છે; તેવા માર્ગ ત્યજવા જોઈએ.
 • આહારવિહારની પ્રત્યેક ક્રિયા વખતે દેશ, કાળ, બળ, પ્રકૃતિ, સાત્મ્ય, અગ્નિ, વય, સ્થિતિ, સંયોગ વગેરેનો વિચાર સતત કરવો જોઈએ.

આયુર્વેદની વિશિષ્ટતા

 • આયુર્વેદ રોગનું કેવળ ઉપર દેખાતું લક્ષણ દૂર કરીને રોગ મટાડ્યો એમ માનતો નથી.

આયુર્વેદની ચિકિત્સા શરીરમાંથી રોગનું કારણ દૂર કરી રોગને જડમૂળથી મટાડવાની છે. એથી આયુર્વેદ એ લક્ષણ-ચિકિત્સા નથી પણ કારણ-ચિકિત્સા છે.

 • આયુર્વેદ બંધારણના ભોગે રોગ દૂર કરવાની ચિકિત્સા બતાવતો નથી, પરંતુ બંધારણના રક્ષણ સાથે રોગને દૂર કરે છે.
 • આયુર્વેદ કેવળ રોગની ચિકિત્સા કરવામાં માનતો નથી, પણ રોગ અને રોગી બંનેની ચિકિત્સા કરવામાં માને છે.
 • આયુર્વેદ રોગને દાબી દેવામાં માનતો નથી, કિન્તુ તેનું સંશમન કરવામાં કે શોધન કરી બહાર કાઢવામાં માને છે.
 • આયુર્વેદ શરીરમાં ઝેર ઉત્પન્ન કરનારાં કે એક રોગ મટાડવા જતાં બીજા રોગને ઉત્પન્ન કરનારાં ઔષધોમાં માનતો નથી; પરંતુ તે શરીર તથા મનનું આરોગ્ય આપનારાં ચેતન-રસાયન-ઔષધોમાં માને છે.
 • આયુર્વેદ રોગોનું કારણ જીવાણુઓ છે તેમ માનતો નથી; પરંતુ ત્રણે દોષોની વિષમતા છે તેમ માને છે.
 • આયુર્વેદ માત્ર ઔષધોને જ માનતો નથી, પથ્યાપથ્યને પણ માને છે.
 • આયુર્વેદ કેવળ ભૌતિક ઉપભોગમાં માનતો નથી; તપમાં અને સંયમમાં પણ માને છે.
 • આયુર્વેદ કેવળ વજન વધારવામાં માનતો નથી; તે જઠરાગ્નિ, શક્તિ અને ઉત્સાહમાં પણ માને છે.
 • આયુર્વેદ માનવદેહને પ્રયોગશાળા માનતો નથી; ચેતનને વસવાનું મંદિર માને છે.

અડદ શક્તિપ્રદ ખરા પણ… …

અડદ વિષે આટલું જાણો

સ્વ. શ્રી શોભન

        શિયાળામાં સહજ રીતે આપણો જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત બને છે. ત્યારે અડદ સહેલાઈથી પચાવી શકાતા હોવાથી, ઉપરાંત તે ગરમ, બળવર્ધક, મૂત્રલ અને પિત્તકર હોવાથી અને ખાસ કરીને તો પૌષ્ટિક હોવાથી ખાવાની પ્રથા છે. શિયાળામાં અડદનો ઉપયોગ સવિશેષ રૂપે અડદિયાપાક દ્વારા કરવામાં આવે છે. શુદ્ધ ઘી અને સૂંઠ, ગંઠોડા, પીપર, જાયફળ જેવા પાચન અને સ્તંભન મસાલા ઉમેરીને તેને વધુ સુપાચ્ય બનાવવામાં આવે છે. અને સવારે એક નાનો અડદિયો લાડુ પાચનશક્તિ પ્રમાણે ખાવામાં આવે છે. જેને માફક આવે તેને બાર મહિનાની શક્તિ પ્રદાન કરવાનું કામ આ અડદિયો પાક કરે છે. ખેડૂતો, મજૂરો, ખૂબ ઠંડી પડતી હોય તેવા પ્રદેશના રહેવાસીઓ વગેરે માટે તો ખૂબ અનુકૂળ પૌષ્ટિક આહાર ગણી શકાય. કૌંચાપાકનું શિયાળામાં મહત્ત્વ સર્વવિદિત છે, જ્યારે આ અડદમાં પણ કૌંચાને મળતા વૃષ્ય અને શુક્રવર્ધક ગુણ હોવાથી ઘરગથ્થુ રૂપે અડદિયોપાક સહજપ્રાપ્ય અને સોંઘો પડે.

છતાં સાવધાન !

આવા સારા ગુણ છતાં મગ-તુવેરની જેમ આયુર્વેદે તેને રોજના ખોરાકમાં લેવા સામે ચેતવણી આપી છે. કઠોળમાં હીનગુણવાળા ગણાવી તેનો ક્યારેક જ ન છૂટકે ઉપયોગ કરવાનું કહ્યું છે. અને તે પણ વાયુના રોગોમાં લસણ, તલતેલ, હિંગ વગેરે મેળવીને.

વાયુ પ્રકૃતિમાં તે કદાચ હંમેશા હિતાવહ નીવડે ખરા. અડદ ભારે, ચીકણા, મધુર, જડ, દુર્જર વગેરે ગુણવાળા હોવાથી પિત્ત કરનારા છે. વળી તે નિદ્રાપદ હોવાથી, બુદ્ધિને મંદ કરનારા હોવાથી બુદ્ધિજીવીએ તેનો વધુ ઉપયોગ કરવા જેવો નથી. શુક્રવિરેચક અને વિષયેચ્છાને વધારનારા હોવાથી વિદ્યાર્થી, બ્રહ્મચારી, સાધુ, સન્યાસી, તપસ્વીઓ વગેરે માટે આહારમાં તેને વર્જ્ય ગણાવ્યા છે. ઊંઘણશી, મેદસ્વી, આળસુ, કામી લોકો તેમજ સ્વપ્નદોષ કે શુક્રસ્રાવના દરદીએ અડદ ન ખાવા. અજીર્ણ-મંદાગ્નિના દરદી અડદ ખાય તો આફરો ચડતો હોય છે. પિત્તલ હોવાથી તેના વધુ સેવનથી સ્વભાવમાં ગુસ્સો પણ આવતો હોય છે. દૂધ, ગોળ અને મૂળા સાથે અડદ વિરુદ્ધ હોવાથી તેવો વિરુદ્ધ આહાર લેનારને ચામડીના રોગો વગેરે ઘણા રોગો પેદા થાય છે.

 

દ્રવ્યગુણ વિજ્ઞાન

મનના બંધારણમાં વણાયેલા ત્રિગુણ

માનવ શરીરના બંધારણમાં પંચમહાભૂતજન્ય ત્રિદોષ વાણાતાણાની જેમ વણાયેલા છે, તે રીતે મનમાં ત્રિગુણ પણ વણાયેલા છે.

આ ત્રિગુણ વિના મનનું અસ્તિત્વ શક્ય જ નથી. છતાં, જે મનમાં સત્વગુણ અધિકાંશે હોય તે મન સ્વસ્થ રહેવાનું; પણ રજોગુણ કે તમોગુણની અધિક્તા હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, આળસ, અજ્ઞાન, જડતા તથા તજ્જન્ય ગાંડપણ, વાઈ, વળગાડ વગેરે માનસરોગોનું કારણ બનવાનું અને આ માનસિક રોગોના કારણે ત્રિદોષની વિષમતા થવાથી તન પણ રોગાધીન થવાનું.

આ કારણે જ આયુર્વેદે ૠતુચર્યા, દિનચર્યા કે જીવનચર્યામાં સત્વગુણનો વધારો થાય તેવા પ્રયાસ કર્યા છે. અને માનસિક રોગોમાં પણ તેવી માનસિક સારવાર બતાવેલી છે.

દ્રવ્યગુણવિજ્ઞાન

પ્રત્યેક આહાર-ઔષધ દ્રવ્ય ગુણદર્શન કરાવવા આયુર્વેદે રસ, ગુણ, વીર્ય, વિપાક અને પ્રભાવના સિદ્ધાંતનો આશરો લઈ, ક્યારે ક્યું અંગ વાપરવું તથા કેટલું અને કોની સાથે વાપરવું તે પણ વિગતે આપેલ છે.
આમ, ગ૬યા ગણાય નહીં તેટલા દ્રવ્યોનું ચોક્કસ સૂક્ષ્મ ગુણવર્ણન પશુ કે પક્ષી જેવાં અવ્ય પ્રાણીને બદલે મનુષ્ય પર પ્રયોગો કરીને તેમજ કોઈ અલૌકિક શક્તિથપ્ કર્યુ હોય તેમ ઊંડું વિચારતાં લાગ્યા વિના રહેતું નથી.

રસઃ

ગળ્યો, ખાટો, ખારો, તીખો, તૂરો ને કડવો એ છ રસોમાં પ્રત્યેક આહાર-ઔષધોનો સમાવેશ થઈ જાય છે. તેને આયુર્વેદે ત્રિદોષમાં વહેંચી દીધા છે. તેમાંના પ્રથમ ત્રણ કફકર અને વાયુહર, બાકીના ત્રણ વાયુકર અને કફહર; જ્યારે ખાટો, ખારો ને તીખો પિત્તકર તથા બાકીના પિત્તહર. આમ, આ રીતે મોટા ભાગનાં દ્રવ્યોની કાર્યશક્તિનો ખ્યાલ સ્વાદેન્દ્રિય દ્વારા આવી જાય છે.

ગુણઃ

સમગ્ર દ્રવ્યોમાં ઉષ્ણ-શીત, રુક્ષ-સ્નિગ્ધ, લઘુ-ગુરુ વગેરે વીશ ગુણોમાં કેટલાક ઓછાવધતા અંશે રહેલા હોય છે. આ ગુણોનો પણ ત્રિદોષ સાથેનો સંબંધ વિચારી આહાર અને ઔષધ રૂપે ઉપયોગ કરી શકાય છે.


વીર્યઃ

વીર્ય એટલે દ્રવ્યમાં રહેલી ગર્ભિત શક્તિ; આ વીર્ય બે પ્રકારના છે – ઉષ્ણવીર્ય અને શીતવીર્ય. જગતમાં તમામ દ્રવ્યો સૂર્યાત્મક ઉષ્ણવીર્ય અને ચંદ્રાત્મક શીતવીર્યમાં ગોઠવી શકાય છે. જેથી પિત્ત (ગરમી)ની અવસ્થામાં શીતવીર્ય (ઠંડા) અને કફ-વાત (ઠંડી)ની અવસ્થામાં ઉષ્ણવીર્ય (ગરમ) આહાર-ઔષધનો ઉપયોગ થઈ શકે.

વિપાકઃ

વિપાક એટલે આહાર-ઔષધનું પાચન થયા પછીનું પરિણામ. વિપાક ત્રણ છે – મધુર-લવણ રસવાળાં દ્રવ્યોનો વિપાક પ્રાયઃ મધુર; અમ્લદ્રવ્યનો પ્રાયઃ અમ્લ અને છેલ્લા ત્રણ રસોનો પ્રાયઃ કટુવિપાક થાય છે. આમાં રસ, ગુણ, વીર્ય, વિપાકમાં મધ, આમળાં, સિંધબ, સૂંઠ, હરડે અને ગળો જેવાં થોડાં સકારણ અપવાદ દ્રવ્યો પણ છે.

પ્રભાવઃ

જેની કાર્ય-શક્તિના કારણનો ઉકેલ બુદ્ધિથી ન આવી શકે તેવા દ્રવ્યોની શક્તિને પ્રભાવ કહે છે. આને રસ, ગુણ, વીર્ય, વિપાક કે ત્રિગુણ એ કોઈ સાથે સંબંધ નથી. આ કાર્યશક્તિ પાછળ કોઈ અજ્ઞાત પરિબળો કામ કરતાં હોય છે, જેમકે મંત્ર, પ્રાણશક્તિ, પ્રેમ તેમજ વનસ્પતિના મૂળ બાંધવાથી પણ ચમત્કારિક રીતે રોગ મટે છે.

રસ, ગુણ, વીર્ય, વિપાક અને પ્રભાવ ઉત્તરોત્તર બળવાન છે.

આયુર્વેદમાં સર્જરી ?

આયુર્વેદમાં પણ સર્જરી ?!

 

આગળ જોયું તેમ સૃષ્ટિના આદ્યસર્જક મહર્ષિ સુશ્રુતના હાથે લખાયેલ સુશ્રુત સંહિતામાં શસ્ત્રકર્મનું પૂરેપૂરું સૂત્રાત્મક જ્ઞાન આપવામાં આવેલ છે. પણ તેનાં મૂળ તો અથર્વવેદમાં છે, કારણ કે તેમાં પણ અશ્મરી, ગર્ભાશયસ્થગુલ્મ, મૃતગર્ભ, વગેરે શસ્ત્રકર્મોનો ઉલ્લેખ છે.

સુશ્રુતમાં છેદન, લેખન, ભેદન, વિસ્રાવણ, વ્યઘન, આહરણ, એષણ અને સીવન એમ આઠેય પ્રકારના નામ સહિત શસ્ત્રો, નામ સહિત એકસો એક યંત્રો; શસ્ત્રવૈધના આવશ્યક ગુણો, શસ્ત્રોને બનાવવા તથા સાચવવાની વિધિ; શસ્ત્રકર્મ – ઓપરેશન કરતા પહેલાની વિધિ કરતી વખતે રાખવી પડતી ખાસ કાળજી, પછીની સારવાર, શસ્ત્રકર્મોના વિધવિધ પ્રકારો વગેરે વર્ણવવામાં આવેલ છે.

મોતિયો, પથરી, મૂઢગર્ભ, અર્શ, ભગંદર, વિદ્રઘી, અપચી, ગંડમાળા, ઉદરરોગ, જલોદર વગેરેનાં શસ્ત્રકર્મ; કપાયેલાં કાન, નાક વગેરે અંગો નવાં જોડવાં (પ્લાસ્ટિક સર્જરી); શરીરમાં ગયેલાં શલ્યો કાઢવાં, ભાંગેલા હાથ-પગ સાંધવા વગેરે વ્યાપક પ્રમાણમાં સરળતાથી ત્યારે થઈ શક્તું.

એક વાળનાં પણ બે ઊભાં ચીરિયાં કરી શકે તેવા બારીક ધારવાળાં શસ્ત્ર તૈયાર થતાં; શસ્ત્રકાર્ય કરતી વખતે બેભાન કરવા ‘સંમોહિની સૂરા’ પાવામાં આવતી, જ્યારે સ્થાનિક સંજ્ઞાનાશ માટે સંજ્ઞાહર દ્રવ્યો ચોપડીને શસ્ત્રકર્મો કરવામાં આવતાં.

‘ભોજપ્રબંધ’માં મોહચૂર્ણથી રાજાને મોહ પમાડી ખોપરી ઉઘાડવાની અને પાછી બંધ કરી ત્વચા સીવી લીધા પછી સંજીવનીથી રાજાને જિવાડવાની વાત છે ! તેમજ તક્ષશિલામાં તૈયાર થયેલા જીવકવૈદ્યની અદભુત અને ગૌરવપ્રદ શસ્ત્રક્રિયાઓનો ઉલ્લેખ ‘વિનયપિટક’માં છે. શરીરરચનાના અભ્યાસાર્થે તથા શસ્ત્રકર્મના પ્રત્યક્ષ અધ્યયનાર્થે શવચ્છેદનથી અંગ-ઉપાંગનું અવલોકન કરવાનું ત્યારે અનિવાર્ય ગણાતું.

‘પશ્ચિમી ગણતરીએ સર્જરીના પિતા ગણાતા ગ્રીસના મહાન વૈદ્ય હિપોક્રિટ્રસ (ઈ.સ.પૂ.૫૦૦)ના વખતનું શરીરજ્ઞાન ભારતનું ૠણી હોવાના સંભવની ના પાડી શકાય તેમ નથી’ તેમ અંગ્રેજ ઈતિહાસકાર ડૉ. હર્નલ કહે છે. જ્યારે ડૉ. વાઈઝ ‘પ્લાસ્ટિક સર્જરી પણ ભારતની દેણ છે’ એમ કબૂલે છે. ડૉ.મેકડોનલ તથા કીથનું કહેવું કે, ઈ.સ.પૂ. ૫૦૦માં તક્ષશિલા-નાલંદાના વિકાસ સમયે ભારતીય શલ્ય, શાલક્ય ચરમ સીમા પર પહોંચી ચૂક્યું હતું.

જો કે શસ્ત્રકર્મમાં જેટલી સરળતા આજે છે તેટલી ત્યારે ન હોઈ શકે, કારણકે વિજ્ઞાનનો જે વિકાસ થાય છે તેનો સીધેસીધો લાભ આજના સર્જરીવિજ્ઞાનને પણ અનાયાસે મળતો રહે છે. છતાં સરખામણીમાં આપણે એટલું માનવું રહ્યું કે એ જમાનામાં જ્યારે દુનિયા લગભગ અંધકારના આવરણમાં હતી ત્યારે શસ્ત્રકર્મ જેવા વિષયમાં પણ આટલી પ્રગતિ હોવી એ કાંઈ નાનીસૂની વાત નથી. એ જમાનામાં વિકસેલ એ વિજ્ઞાનને આજના જમાના સાથે ન સરખાવતાં એ જ જમાના સાથે સરખાવીએ તો આપણને માન ઊપજ્યા વિના નહીં રહે.

શ્રેષ્ઠ ઔષધ અને તેનું પ્રાપ્તિસ્થાન


બુદ્ધિ માટે બ્રાહ્મી

બળ માટે માખણ
મેધા માટે શંખપુષ્પી
ઉત્સાહ માટે ગાયનું દૂધ
સ્મૃતિ માટે વજ
શુક્ર માટે કૌંચા
દૃષ્ટિ માટે ત્રિફળા
આરોગ્ય માટે હરડે
સ્વર માટે જેઠીમધ
ધાવણ માટે શતાવરી
વર્ણ માટે સફેદ ધરો
સ્થિરતા માટે વ્યાયામ
વાળ માટે ભાંગરો
પુષ્ટિ માટે માંસ
વજન માટે અશ્વગંધા
રુચિ માટે સિંધવ
આયુષ્ય માટે આમળાં
(સ્વ. શોભન લિખિત ‘રોજિંદો આયુર્વેદ’માંથી)