Category Archives: Upachar

હૃદય–રોગ (૨)

રોગની રોકથામ.                                                 – રાજવૈદ્ય એમ. એચ. બારોટ.

હાર્ટ એટેકમાં બહુ નુકસાન ન થયું હોય, થોડું નુકસાન થયું હોય, કે સહેજ પણ નુકસાન થયું ન હોય ત્યાર પછીના એટેકને રોકવો એ તમારું મુખ્ય કામ છે. આ માટે પણ આહાર-વિહાર અને ઔષધ ખૂબ જ જરૂરી છે.

આહારઃ-

જો શરીરમાં ચરબી સારા પ્રમાણમાં હોય તો બાફેલાં શાકભાજી, આવતા–જતા તલના તેલમાં વઘારેલાં શાકભાજી લેવાં જોઈએ. બાકીના બધાં તેલ ચરબી વધારશે, અથવા હૃદયને ફાયદાકારક અને નુકસાનકર્તા બંને (પોલી અને અન સેચ્યુરેટેડ ફેટ)ને ઘટાડે છે. જે છેલ્લે બહુજ નુકસાનકારક ગણાય છે.

અમ્લરસ હૃદયને હિતકારી છે. માટે વધુ વજનવાળાએ થોડા ગરમ પાણી અને તેમાં લીંબુનાં ટીપાં નાખી લેવાં જોઈએ. માઈલ્ડ લીંબુનું સરબત ચાલે. મોળી છાસ ચાલે, ગાયનું ઘી ૧૦ ગ્રામ જેટલું રોટલીમાં ચોપડી શકાય-લગાવી શકાય. આંબાનો રસ (જો ૠતુ હોય તો), એકાદ કણ મીઠું અને મધ મેળવી લેવું સારું. ટૂંકમાં થોડા પ્રમાણમાં ખટમીઠ્ઠાં ફળોનો રસ (જમ્યા પછી, બપોર પછી) લઈ શકાય. સવારમાં પલાળેલા, બાફેલા કઠોળ થોડુંક લીંબુ નીચોવીને લઈ શકાય. બપોરે ભૂખ પ્રમાણે દાળભાત, શાક અને સાંજે મલાઈ વગરનું દૂધ, રોટલી, તલનું તેલ નાંખેલી ખીચડી લઈ શકાય.

વિહારઃ-

વ્યાયામ-કસરત હૃદયરોગના હુમલા પછી ખરેખર કોઈ નુકસાન ન થયું હોય તો વ્યાયામ-કસરત એ શ્રેષ્ઠ સારવાર છે. આમાં યોગનાં આસન ઉત્તમ છે. માત્ર ત્રણ આસનો આમાં બહુ જ મદદ કરી શકે છે. (૧) પવનમુક્તાસન, સર્વાંગાસન અને શવાસન. આમાં શવાસનમાં કોઈ જ ક્રિયા કરવાની હોતી નથી. પવનમુક્તાસનમાં તમારે સાદડી જેવું પાથરી ઘૂંટણથી પગને વાળો અને ઘૂંટણ પાછળ બંને હાથ આંગળા પરોવીને રાખો. પછી દાઢી ઘૂંટણે અડકાવવાની કોશિષ કરો. આ અંગે જરૂર પડે યોગાચાર્યની મદદ લો. રોજ આવી ક્રિયા પાંચેક વખત કરો પછી પાંચ મિનિટ શવાસન કરો.

બીજું આસન છે-સર્વાંગાસન. આ આસનમાં સૂઈને કમરથી નીચેનો ભાગ ઉપર ઊઠાવવાનો હોય છે અને કમર પર હાથનો ટેકો આપવાનો હોય છે. દોઢેક મિનિટ આવી સ્થિતિમાં રહો. પછી ધીરેથી પગને ઘૂંટણથી વાળી પછી ચત્તા સૂઈ જાઓ. ફરી શવાસન કરો.

ઉપરનાં બંને આસનો હૃદયને સારી એવી કસરત પૂરી પાડે છે. તે પેટની માંસપેશીઓ, ઉદરપટલનું દબાણ હૃદય પર દબાણ હટાવીને તે શ્રેષ્ઠ મદદકર્તા પૂરવાર થાય છે.

આ બંને આસનો પહેલાં એકાદ કિ.મિ. ચાલવું જોઈએ. ચાલવાથી આખા શરીરને કસરત મળે છે. ચાલતાં ચાલતાં જો તમે બંને હાથને ખુલ્લા રાખવાને બદલે હાથની મુઠ્ઠી વાળો અને ખુલ્લી કરો, મુઠ્ઠી વાળો અને ખોલો. એમ જ કરતા જશો તો હાથનું લોહી બહુજ સારી રીતે હૃદય પર કસરતની અસર ઊભી કરશે.

આ કસરતો વાસ્તવમાં યોગાસનો પછી પ્રાણાયામ, ધ્યાન પણ હૃદયને બહુ જ મદદ કરે છે.

હા, હૃદયરોગના એટેકમાં જો હૃદયને નુકસાન થયું હોય, તો પછી તે નુકસાન કેટલું છે તેના આધારે યોગાસન અને ચાલવા જેવી કસરતો ગોઠવવી પડે. હા, શવાસન, પ્રાણાયામ અથવા ડીપબ્રીધ કે ધ્યાન ગમે તેવા હૃદયરોગમાં ફાયદો કરે છે.

બાકી એક દાખલો આપ્યા વિના રહી શકતો નથી. શ્રીમતી શેખને મૂળ તો સ્તનનું કેન્સર હતું. તેની સારવાર ચાલતી હતી. પરંતુ તે સારવારે તો ચમત્કાર સર્જયો. તેને હૃદયરોગમાં વાલ્વ, દિવાલ અને અનિયમિતતા સહિત અનેક ખામીઓ હતી. હૃદયરોગની દવાઓ ચાલુ હોવા છતાં તે જ સ્થિતિ હતી. તે આયુર્વેદની દવા પછી માત્ર એકાદ ખામી રહી. બ્લડપ્રેશર નોર્મલ થઈ ગયું, ડાયાબીટીસ (પીપીબીએસ) ૨૦૦એ પહોંચી ગયું. સ્તન કેન્સરમાં ઘણોજ ફાયદો થયો.

હૃદય–રોગઃ મારક નંબર વન !

 

હૃદયરોગ                                                                 – રાજવૈદ્ય એમ. એચ. બારોટ.


દશ મારક રોગોમાં આજે પણ હૃદયયોગ પ્રથમ સ્થાને છે. બીજા રોગો આગળ પાછળ જાય છે. કૅન્સર મારક રોગોમાં નવમું સ્થાન ધરાવતો હતો. તે આજે બીજા સ્થાને આવીને બેસી ગયો છે, પણ હૃદયરોગે પોતાનું એક નંબરનું સ્થાન ક્યારેય ગુમાવ્યું નથી. અહીં એક વાત ભારપૂર્વક કહેવા માગું છું હૃદયરોગ એટલે કોઈપણ કારણથી થયેલ હૃદયરોગ. ઘણા હૃદયરોગના હુમલાને પણ હૃદયરોગમાં ખપાવી નાખે છે. હૃદયરોગનો હુમલો મુખ્યત્વે એક જ કારણથી આવે છે. જેમાં હૃદયને લોહી આપનાર નળીઓ – હાર્દિકી ધમનીઓ –માં અવરોધ (કોરોનરી આર્ટરી ડીસીઝ) થતાં હૃદયરોગનો હુમલો આવે છે. આ હુમલો હૃદયરોગમાં ફેરવાય ખરો અને ન પણ ફેરવાય. જો આ હુમલાને કારણે હૃદયની કોઈ દિવાલને નુકસાન થાય તો ત્યારબાદ રોગી, હૃદયરોગી કહેવાય છે. અહીં બીજું એટલું જ રસપ્રદ તારણ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં જે રોગોમાં નામ જે તે રચનાત્મક વિકૃતિ-ઓર્ગેનિક ડીસઓર્ડર સમજવામાં આવે છે. દા.ત. હૃદયરોગ એટલે હૃદયની દિવાલો, વાલ્વ કે ધમનીઓમાં જોવા મળતી ખરાબી. શિરોરોગ મગજ, તેનાં અંગોપાંગ, ધમનીઓની રચનાત્મક વિકૃતિ સમજવામાં આવી છે.


હૃદયરોગનાં કારણોને બે વિભાગમાં વહેંચી શકાય. એક કારણ દૂરનાં કારણો છે. આયુર્વેદ તેને વિપ્રકૃષ્ટ કારણ કહે છે. અને બીજાં છે નજીકનાં કારણો. આ કારણો સંત્રિકૃષ્ટ કારણો કહેવાય છે. અત્યારનું વિજ્ઞાન દૂરનાં કારણો બતાવતાં કહે જે હૃદયરોગનો હુમલો લાવી – પાછળથી હ્રદયરોગ કરે છે. વ્યવહારમાં જોવા માટે ઘણાં કારણો બતાવવાનાં છે. જેમકે વધુ પડતું વજન, ધુમ્રપાન, દારૂ, લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોવું, બેઠાડુ જીવન, ચિંતા અને માનસિક તાણ અને ડાયાબીટીસનું હોવું મુખ્ય માનવામાં આવે છે. યાદ રાખો અત્યારના વિજ્ઞાનમાં આ કોઈ કારણો સામૂહિક કારણોને હ્રદયરોગનું મુખ્ય કારણ ગણવાનું વલણ નથી. આ બધાં જોખમી પરિબળો છે – રિસ્ક-ફેક્ટર્સ. આ બધા લોહીની નળીઓ, હૃદયને લોહી પહોંચાડતી નળીઓને ચરબીથી અવરોધે છે. હૃદયરોગનો હુમલો આવી શકે છે.      દૂરનાં કારણોની જેમ આયુર્વેદમાં નજીકનાં કારણો બહુ જ સ્પષ્ટ બતાવ્યાં છે. યાદ રાખો આયુર્વેદ આ કારણો જ ગણે છે, રિસ્ક ફેક્ટર્સ નહીં.


હૃદયરોગનો હુમલોઃ-


આ માત્ર નિષ્ણાત – વૈદ્ય – ડૉક્ટરનું કામ છે. એટલે તેની સારવાર જાતે ન કરવી જોઈએ. અહીં, યાદ રાખો માત્ર છાતીનો દુઃખાવો એ હૃદયરોગનો હુમલો નથી.  પુષ્કળ પરસેવો થવો શ્વાસ વધી જવો, બહુ જ બેચેની થવી, ઉલ્ટીઓ કે ઝાડા થવા કે હાજત થવી. છાતીની માંસપેશીઓનો દુઃખાવો, ઘણીવાર પેટની ગરબડ વાસ્તવમાં હૃદયરોગ હોય છે. અને છાતીનો દુઃખાવો વાસ્તવમાં તો પેટની ગરબડના કારણે હોઈ શકે.


હૃદયરોગની સારવારઃ-


આમાં હેમગર્ભ, બૃહત વાત ચિંતામણી, બૃહત, કસ્તુરી, ભૈરવ હરિતક્યાદિ ચૂર્ણ, અર્જુનારિસ્ટ જેવી ઘણી દવાઓ છે. રોગીનો રોગ પ્રકૃતિ, ૠતુ વગેરે મુખ્યત્વે આ રોગનાં લક્ષણોને અનુરૂપ સારવાર કરવી જોઈએ.


છાતીમાં બહુ દુઃખાવો હોય તો બૃહત વાતચિંતામણી શ્રેષ્ઠ છે. પણ નાડીની અનિયમિતતા સાથે હૃદયરોગની ફરિયાદો, પેશાબ થોડો આવવો, સાંજે પગે સોજા આવવા, જેમાં હેમગર્ભ રસ શ્રેષ્ઠ છે. આમ રોગની લાક્ષણિકતાને પણ સારવારમાં પ્રાધાન્ય આપવું જોઈએ.


આહારઃ-


પ્રવાહી ખોરાક, સુપાચ્ય ખોરાક, બાફેલો ખોરાક સારો. મીઠાનું પ્રમાણ ઘટાડો અને આયોડાઇઝડ નમકની જગ્યાએ સિંધાલુણ વાપરો. તળેલું, વાસી, વાલ, વટાણા અને મેંદાની આઈટમો સદંતર બંધ કરો. સૂકા નાળિયેરનું પાણી, માઈલ્ડ લીબુંનું પાણી-

શરબત, મોળી છાશ આપી શકાય. મગ, મગનું પાણી શ્રેષ્ઠ છે.

વિહારઃ-


શક્ય તેટલું બ્રહ્મચર્ય પાળો. પશ્ચિમના વાદે એ ન ભૂલો કે તેનું મહત્ત્વ નથી. બહુ મહેનતનું કામ ન કરો, તેમ જ બેઠાડુ ન બની જાઓ. શક્ય હોય તો ધીમે ધીમે કામ-આરામ, કામ-આરામનું સૂત્ર અપનાવો. દિવસે ઊંધવાનું નહીં. આરામ કરવાનું રાખો. રાત્રે જાગવાનું છોડો અને ખરેખર જાગરણ થયું હોય તો જમ્યા પહેલાં થોડું ઊંઘી લો. અથવા આરામખુરશીમાં ઝોકાં ખાઓ. કહેવાની ભાગ્યે જરૂર છે કે આયુર્વેદમાં બ્રહ્મચર્ય સાપેક્ષ શબ્દ છે અને તે તમારી ઉંમર, ૠતુ, જાતીય ઈચ્છા, આહાર એમ ઘણી બાબતો પર આધાર રાખે છે. એટલે એ અર્થમાં બ્રહ્મચર્ય પ્રતિદિન જાતીય વ્યવહારો બંધના અર્થમાં નથી.

 

બ્લડ– પ્રેશર

બૌધિકોના વિશેષ રોગો                    – રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ.


બ્લડ પ્રેશર વધવાના અર્થમાં અહીં બ્લડપ્રેશર શબ્દ વાપર્યો છે, જેને વધુ ટેકનીકલ ભાષામાં કહેવું હોય તો હાઇપરટેન્શન કહેવામાં આવે છે. આનાં મુખ્ય કારણોમાં કીડનીનું ફંકશન બગડવું, વધુ પડતા ઉજાગરા, ખારા-તીખા બજારૂ ખોરાક અને સ્ટ્રેસ અને સ્ટ્રેઈન ભાગ ભજવતાં  જોવા મળે છે. આજના બૌધ્ધિકો પશ્ચિમનું વધુ અનુકરણ કરતા થઈ ગયા હોઈ, ડ્રીંક્સ, ધુમ્રપાન પણ એ આ રોગના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. બૌધ્ધિકોમાં વધેલી સોશ્યલ પેથોલોજી એ આજના યુગનો કદાચ સૌથી મોટો રોગ છે. તળેલો ખોરાક ઓછો ભાગ નથી ભજવતો.


ગોળી ગળીને સાજા થાવ એ સૂત્રમાં જ જો માનતા હો, તો આજના યુગમાં ડાયુટેટિસથી માંડીને બીટા બ્લોકર સુધીની શ્રેષ્ઠ દવાઓ ઉપલબ્ધ છે. લેતા રહો અને કામ ચલાવતા રહો. યાદ રાખો એક વખત શરૂ કરેલી આ હાઈપોટેન્સિવ્ ડ્રગ તો પછી ભાગ્યેજ બંધ કરી શકો છો. અને નપુંસકતા જેવો સાઈડ ઈફેક્ટનો લાભ મેળવતા રહો છો.

હા, છતાં જ્યારે આ વિષચક્રમાંથી છૂટવું હોય તો રસ્તાઓ છે – જરૂર છે. પહેલો રસ્તો તો જીવન શૈલીને બદલવી પડશે. જે કરવાથી બ્લડપ્રેશર આવ્યું તેનાથી ઉલ્ટી લાઈફ સ્ટાઈલ કરવી પડશે.  બહુ ટેન્શનવાળી લાઈફ સ્ટાઈલ હોય તો બધુ જ એવું ગોઠવો કે ચિંતા મુક્ત બનો. બહું ખારા, તીખા ખોરાક ખાતા હો તો કે તળેલા ખોરાક ખાતા હો તો બાફેલા ખોરાક પર આવી જાઓ. રાત્રિનું જાગવું અને દિવસનું સુવાનું છોડો. વધુ ચરબી હોય તો વજન ઘટાડવા આયુર્વેદમાં બતાવેલ હળવા ખોરાક શરૂ કરો, કસરત કરો, યાદ રાખો, અહીં કસરત એટલે યોગ્ય આસનો જ. આમાં પણ શવાસન બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. થોડું ઝડપથી ચાલીને પછી ૧૦ મિનિટ શવાસનની સ્થિતિમાં પડ્યા રહો. જેમાં તમે શૂન્ય મનસ્ક થઈ ગયાનું વિચારો. વિચારો ઘટાડો.


અનિદ્રાની બધીજ સારવાર બ્લડપ્રેશરમાં કામ લાગે તેવી છે, હા શક્ય એટલું મીઠું ઘટાડો, દહીં બંધ કરો, અહીં મીઠું એટલે આયોડાઈઝ નમકની તો વાત જ નથી. સિંધાલિણ ૨૫-૩૦% ખાઓ તો અનિદ્રાની સારવાર આપોઆપ ઉત્તમ ઉપચાર તરીકે કામ કરશે. સાંજે સુદર્શન ચૂર્ણ ૨ ગ્રામ લઈ ૫૦ મિ. લિટર પાણીમાં પલાળી તેનું નિતર્યુ પાણી પી જાઓ. અને અઠવાડિયામાં ૧ વાર દિવેલ લો. યાદ રાખો અહીં દિવેલ એટલે રિફાઈન્ડ કેસ્ટર ઓઈલ નહીં પણ રો સ્વરૂપનું મળતું દિવેલ ૧૫ થી ૩૦ ગ્રામ લો ગરમ દૂધ અથવા ગરમ ચા સાથે.

–––––––––––––––––––––––––––––––––––––––––

ક્રમશઃ

આંખ–કાનની તકલીફો અને સારવાર

– રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ.

દર્શનેન્દ્રિયની સુરક્ષાઃ-

આંખ એ દર્શનેન્દ્રિયનું બાહ્ય અધિષ્ઠાન છે અને તેનું મહત્વ સવિશેષ છે, કારણકે દર્શનેન્દ્રિયની અંદરની રચના ભાગ્યેજ ૨૦% જેટલી બગડતી હશે. ૮૦%ખરાબી બહાર રહેલ ડોળામાં જ જોવા મળે છે.

બાહ્ય સુરક્ષાઃ-

બહાર પ્રવાસ કરો અને ખુલ્લામાં પ્રવાસ કરવાના હોતો આંખ પર અવશ્ય ચશ્મા પહેરો.. પ્રકાશમાં ગોગલ્સનો ઉપયોગ કરો, જ્યારે સામાન્ય રીતે પ્લેન ગ્લાસ વાપરો.

સ્વચ્છતાઃ-

આંખને સતત પાણીથી પ્રક્ષાલિત કરતા રહો. આંખ પર સતત માફકસર ઠંડું પાણી છાંટતા રહો.

ડોળાની અંદરની સ્વછતાઃ-

અઠવાડિયામાં બેત્રણ વાર કે રોજ આંખમાં રસાંજનનાં ટીપાં નાખો. કારણ કે આંખ પ્રકાશની વાહક છે તેથી કફ તેમાં અવરોધ ઉભો કરી શકે છે. રસાંજન અઘરું લાગતું હોય, ન મેળવી શક્તા હો તો શિવામ્બુ એ સરળ અને સુલભ પ્રવાહી છે. સવારમાં સ્નાન કરતાં પહેલાં તેના બે ચાર ટીપાં અંદર નાખી આંખને થોડીવાર ઉઘાડબંધ કરો.

આંખની કસરતઃ-

દરરોજ આંખના ડોળા સવારમાં ચારથી પાંચ વખત જાણે ફેરવતા હો તેવી કસરત આપો.

બન્ને હાથની હથેળી ડોળાને આધાર આપે તેવી રીતે કોણીને ઘુંટણ પર ટેકવીને હાથ રાખો. આનાથી આંખના ડોળા હથેળીના વચ્ચેના ભાગ તલહ્રદયમાં સમાઈ જશે. આંખને ઘણો જ આરામ મળશે, આને પામિંગ કહેવામાં આવે છે.

આંખ માટે – રસાયન ઓષધોઃ-

ત્રિફલા એ આંખ માટેનું શ્રેષ્ઠ રસાયણ છે. તો ડોડી ખરખોડી (જીવંતી) પણ આંખ માટેની શ્રેષ્ઠ વનસ્પતિ છે. ત્રિફલા વધુ સુલભ ઔષ્ધ છે. રોજ સવારમાં ૨ ગ્રામ ત્રિફલા થોડા ઘી સાથે ચાટી જાઓ. આંખ અને વાળને સુરક્ષા બક્ષશે. જીવંતીના પાનનો રસ આંખ માટે ઉત્તમ છે. જીવંતી વાડ કે કંપાઉન્ડ પાસે વાવો.

આંખને મદદ કરનાર કર્મોઃ-

આયુર્વેદમાં આને બહિર્પરિમાર્જન કહેવામાં આવે છે. પંચકર્મનાં આ પેટા કર્મો છે. આમાંનું કર્ણપૂરણ આંખ માટે શ્રેષ્ઠ છે. કર્ણ પૂરણ એટલે કાનમાં માફકસર ગમે તેવું તેલ પૂરવું.

શિરોભ્યંગઃ-

માથામાં આમળાં, બ્રાહ્મી, દૂધી અને ભાંગરાના તેલનું સારી રીતે માલિસ કરવું. આને શિરોભ્યંગ કહેવાય છે.

આ બન્ને કર્મો બધી જ્ઞાનેન્દ્રિયોને મદદ કરે છે. પણ આંખ-કાનને ખાસ મદદ કરે છે. કેટલીક વાર નેત્ર તર્પણ ઉત્તમોત્તમ પરિણામ આપે છે.

શ્રવણેન્દ્રિયની સુરક્ષાઃ-

બૌધ્ધિકોને કાનની સુરક્ષા કરવી પણ એટલી જ અનિવાર્ય છે. કાનના અનેક રોગો છે. તેમાં બહેરાશ આવવી અને કાનમાં અવાજ શરૂ થવા એ મુખ્ય રોગો બોધ્ધિકોમાં જોવા મળે છે. આ બન્ને એક બીજાના સહાયક છે અને સ્વતંત્ર પણ જોવા મળે છે.

કાનની સુરક્ષા કરનાર કર્મોઃ-

કર્ણપૂરણ અને શિરોભ્યંગ બન્ને કાનની સુરક્ષા કરાનાર શ્રેષ્ઠ કર્મો છે જેની વિગત આપણે આગળ જોઈ ગયા છીએ. કાનમાં જો અવાજો આવતા હોય તો સરસવતેલનાં ટીપાં શ્રેષ્ઠ છે. પણ બહેરાશ માટે તો બિલ્વાદિ તેલ શ્રેષ્ઠ છે.

કર્ણપૂરણ માટે વપરાતું તેલ સહેજપણ પાણીવાળું હશે તો કાનમાં ફંગસ થઈ જશે માટે

ખરપાકી જ વાપરો. ખરપાકી એટલે થોડું વધુ પાકેલું.

શરદીઃ-

કાનના રોગો કરવામાં શરદીનો ફાળો ઘણો જ છે. માટે શરદીથી બચો. કાનમાં પાક, પરું થવું, કાનનો પડદો તૂટવો વગેરે શરદીથી થનાર રોગ છે. તો નાક તો શરદીનું ઘર છે. શરદી નાકના બધા જ રોગો કરતી  જોવા મળે છે.

ઘોંઘાટ-પ્રદૂષણઃ-

કાનનો આવો જ મોટો શત્રુ ઘોંઘાટ છે. તેનાથી સતત બચો. જરૂર પડે કાનમાં રૂનાં પૂમડાં ભરાવી રાખો.

કાનના રોગોમાં-શ્રેષ્ઠ આહારઃ-

ઘી એ કાનના રોગોમાં શ્રેષ્ઠ ખોરાક પણ છે. અને શ્રેષ્ઠ ઔષધ પણ છે. તેથી તો “સર્વેષુ કર્ણરોગેષુ ઘૃતપાનમ્ રસાયનમ્”જમતાં પહેલાં અર્ધી ચમચી ઘી પીઓ.

લાખ દુઃખોની એક દવા – ‘લાંઘણ’ !

लंघनम् परम् औषधम् ।

શરીરને ટકાવવાનો મુખ્ય આધાર આહાર છે. આહારને પચાવનાર જઠરાગ્નિ છે. જો પાચનતંત્રમાં વિકૃતિ આવે તો ખોરાક બરાબર પચી ન શકે, અને રસધાતુ કાચી રહી ‘આમ’ નામ ધારણ કરે છે જે મોટા ભાગના રોગોનું કારણ છે.

એટલે જો રોગની અવસ્થામાં વિકૃત થયેલા પાચનતંત્રને સુધારવા પૂરતો આરામ આપવામાં આવે તો આમને પચવાની તક મળે અને રોગનું ખરૂ કારણ નાશ થવાથી આરોગ્ય પાછું મળે. આ કારણે જ આયુર્વેદે લંઘનને મહત્વ આપ્યું છે.

જો કે લંઘનનો અર્થ લોકો આજે કરે છે તેવો આયુર્વેદમાં નથી. તેણે તો ‘જે કોઈ ક્રિયા શરીરને લઘુ કરે તે લંઘન.’ એવી વિશાળ વ્યાખ્યા કરી દસ પ્રકાર પાડ્યા છે. આ વ્યાખ્યા પ્માણે નકોરડા ઉપવાસથી માંડીને લઘુભોજન, વ્યાયામ, શેક, પાચન ઔષધો, પંચકર્મ એ બધા જ લંઘનના પ્રકાર ગણાય.

લંઘન કોને, ક્યાં સુધી, કેવી રીતે, ક્યારે કરાવવાં એ બધા મુદ્દાને આયુર્વેદે વિવેક અને વિગતથી વર્ણવ્યા છે. જેથી લાભ જ થાય, નુકશાન તો ન જ થાય.

રસોઈ પકાવતી વખતે જેમ રસોઈયાએ તાપ, પવન, પાત્ર, રસોઈ એ બધાનો વિચાર કરી સતત ધ્યાન રાખવું પડતું હોય છે, જેથી રસોઈ કાચી પણ ન રહે અને બળી પણ ન જાય. આવું જ ધ્યાન લંઘન કરાવનાર ચિકિત્સકે રાખવાનું છે.

વાળના પ્રકાર ઓળખી તેની માવજત કરો

ડૉ. નિતા ગોસ્વામી

હવે આપણે મુંજાઈશું વાળની માવજત કેમ કરવી ? વાળની માવજત કરતાં પહેલાં આપણે આપણા વાળનો પ્રકાર ક્યો છે તે ઓળખી માવજત કરવી ખૂબ જરૂરી છે.

સામાન્ય રીતે વાળના ચાર પ્રકાર હોય છે-

(૧)   સામાન્ય વાળ

(૨)   સૂકા વાળ

(૩)   સ્નિગ્ધ, ચીકણા તૈલીવાળ

(૪)   વાંકડિયા વાળ

સામાન્ય વાળ – આ પ્રકારના વાળ ન તો વધુ ચીકણા કે ન તો સૂકા હોય છે. આ વાળ થોડી માવજતથી જલ્દી વધે છે.

ઉપચારઃ-

(૧)   આ વાળ માટે થીસ્ટ (જે કેમીસ્ટની દુકાનમાં મળે છે.) ખૂબજ ફાયદાકારક છે. દહીંમાં ૧ ચમચી થીસ્ટ મેળવી તે વાળમાં લગાડી શકાય તથા ભોજનમાં પણ લઈ શકાય. આમાંથી પ્રોટીન વિટામીન બી તથા એમિનો એસિડ મળે છે.

(૨)   આ પ્રકારના વાળ માટે ‘‘હર્બલ હેર ઓઈલ’’ ખૂબજ ફાયદાકારક છે. જે મેડીકેટેડ ઓઈલ હોવાથી ખોડો તેમજ ખરતા વાળને બંધ કરી વાળ વધારવામાં પણ મદદરૂપ બને છે. રોજ ૧૫ થી ૨૦ મિનિટ આ ઓઇલથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરવું ખુબજ ફાયદાકારક છે.

સૂકા વાળઃ- આવા વાળ તેલ નાખવા છતાં કોરા લાગે છે. આ પ્રકારના વાળની તેલગ્રંથિઓ

વધારે સક્રિય હોતી નથી તેથી તૈલતત્વનો સ્ત્રાવ ઓછો થતો હોય છે. આ પ્રકારના વાળ બરડ, ભૂખરા અને નિસ્તેજ લાગે છે. આ વાળમાં ગૂંચ વધારે પડે છે, અને તે વધારે તૂટે છે. જરા પણ કાળજી ન રાખતાં તે જલ્દી ખરવા લાગે છે. આવા વાળ સુંવાળા સુંદર લાગતા નથી.

ઉપચારઃ-

આવા વાળવાળી વ્યક્તિએ વારંવાર વાળમાં કાંસકી ફેરવવી જેથી વાળમાં કુદરતી રીતે તેલ ઉત્પન્ન થાય છે. આવા વાળ જલ્દી તૂટી જાય છે, તેથી વાળમાં પીન, અણીવાળા કાંસકા, રબરબેન્ડ વગેરેનો ઉપયોગ ઓછો કરવો. આ પ્રકારના વાળ વાળાએ ઢીલુ માથું ન ઓળવું કે વાળ છુટા ન રાખવા. આનાથી વાળમાઅ ગૂંચ વધુ પડશે પરિણામે તે વધારે તૂટે છે. ‘બેક કોમ્બીંગ’ હેરસ્પ્રે કે હેરડ્રાયરનો ઉપયોગ પણ વાળ માટે નુકશાનકારક છે. આ વાળમાં ખોડો પણ વધુ પ્રમાણમાં થાય છે. માટે આ વાળ વધારે માવજત માંગી લે છે.

(૧)   મુલતાની માટીમાં થોડું કોપરેલ નાંખી આ પેસ્ટ માથામાં પચાવવુ, એક કલાક પછી માથું ધોવું.

(૨)   બે ઈંડાના પ્રવાહીમાં એક ચમચો લીંબુનો રસ અને એક ચમચો કોપરેલ નાંખી ફીણી વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરી પચાવવું. અડધો કલાક બાદ માથું ધોવું.

(૩)   સૂકા નિસ્તેજ વાળવાળાએ બને તો રોજ, નહીં તો અઠવાડિઆમાં ૨-૩ વાર ઓઇલ મસાજ ખાસ કરવું જોઈએ. ‘‘સેન્ડલ હેર ઓઇલ’’ કે ‘‘ઓલિવ ઓઇલ’’ દ્વારા આંગળીના ટેરવા  વડે વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરવું, આથી તૈલગ્રંથિઓ ઉત્તેજીત થાય છે તથા તેને પૂરતી ચીકાશ મળતાં વાળ સુંવાળા, ચમકદાર અને કાળા બનશે. પરિણામે વાળ ખરવા કે ખોડો થવો વગેરે તકલીફો ઉભી થશે નહીં.

(૪)   ૧ ઇંડામાં ૧ ચમચી કોપરેલ, અડધી ચમચી લીંબુનો રસ, ૧ ચમચી કોફી તથા ૧ કપ દહીં નાંખી પેસ્ટ બનાવી વાળમાં લગાડી ૧ કલાક પછી માથું ધોઇ લેવું.

(૫)   આવા વાળ સાબુથી કદી પણ ન ધોવા, પરંતુ છાશથી ધોવા. આથી વાળમાં ચીકાશ તથા ચમક આવશે. જો તેલ નાંખેલ વાળ હોય તો અરીઠાં-આમળાંથી ધોવા.

(૬)   આવા વાળ માટે પ્રોટીનની ખાસ જરૂર હોય છે. જે ઇંડામાંથી પુરતાં પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત મગ, કઠોળ, પાંદડાવાળા શાકભાજી, આમળા વગેરે વધુ ખાવા. આનાથી વાળ સુંદર, કાળા, ચમકદાર બનશે.

તૈલીવાળઃ-

આ પ્રકારના વાળ કાયમ ચીકણા રહે છે. વાળના મૂળમાંની ગ્રંથિઓમાંથી એક પ્રકારનું તૈલતત્વ હંમેશા નીકળતું રહે છે. પરંતુ જેને આ ગ્રંથિઓમાંથી તેલતત્વ વધારે પ્રમાણમાં નીકળે છે; તેના વાળ આ પ્રકારના તૈલવાળા ચીકણા હોય છે. આ પ્રકારના વાળ જોવામાં ચળકતા તથા કાળા દેખાય છે. તેથી આ સારા લાગે છે. પરંતુ તે ચીપકે છે, વધુ જે આજકાલની ફેશનના અનુરૂપ ન કહેવાય. આવા તૈલી વાળ મેલા પણ જલ્દી થાય છે. તે જલ્દી વધતા પણ નથી. ઉપરાંત આ પ્રકારના વાળવાળી વ્યક્તિના ચહેરા પર ફોલ્લીઓ તથા ખીલ વધુ થાય છે.

ઉપચારઃ-

(૧)   આ પ્રકારના વાળવાળી વ્યક્તિ માટે લીંબુ શ્રેષ્ઠ છે તેમણે આથું ધોતા પહેલાં લીંબુનો રસ પાંથીએ પાંથીએ ભરી દેવો ત્યારબાદ પાણીમાં લીંબુ નીચોવી તે પાણીથી ૧૫ મિનિટ પછી માથું ધોઈ લેવું. અઠવાડિયામાં ૨ થી ૪ વખત માથું ધોવું.

(૨)   થોડું હુંફાળું પાણી લઈ તેમાં મુલતાની માટી ભેળવી તે પેસ્ટમાં લીંબુ કે નારંગીનો રસ ભેળવી વાળના મૂળમાં ભરી દેવું. અડધો કલાક પછી માથું ધોઈ લેવું. આથી વાળમાંનુ વધારાનું તેલ નીકળી જશે.

(૩)   વાળ અરીઠાથી ધોયા બાદ પાણીમાં ચ્હા ઉકાળી ગાળેલા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીથી વાળ ધોવાથી સ્નિગ્ધતા ઓછી થાય છે.

વાંકડિયા વાળઃ-

આવા વાળ સામાન્ય રીતે સૂકા હોય છે. આ વાળ મૂળમાંથી જલ્દી તૂટતાં નથી. પરંતુ ખૂબ માવજત માંગી લે છે, નહીં તો તે વચ્ચેથી ટુકડા થઈ ખરવા લાગે છે.

આ વાળમાં ગૂંચ ખૂબ પડે છે. તેથી આવા વાળની પ્રથમ નીચેથી ગૂંચ કાઢવી. પછી આખા વાળની ગૂંચ કાઢવી જોઈએ. માથું ધોયા પછી તુરત જ આ વાળની ગૂંચ કાઢી નાખવામાં આવે તો તે પછીથી ઓછા તૂટશે, નહીં તો સૂકાયા બાદ બરડ થઈ જવાને કારણે તે વધુ તૂટે છે.

આ વાળમાં ‘‘હર્બલ હેર ઓઇલ’ થી મસાજ કરવાથી ફાયદો થશે.

આમ પ્રથમ વાળનો પ્રકાર સમજી તે પ્રમાણે યોગ્ય માવજત કરવામાં આવે તો તે માનજત અનેક ગણો ફાયદો આપે છે. વાળ માટે યોગ્ય માવજત તે જ મુખ્ય બાબત છે.


(આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી પ્રસારિત)


સમ્યગયોગ અને લંઘન.

સમ્યગયોગ

ૠતુઓ: જ્ઞાનેન્દ્રિયોનાં કાર્યો (બોલવું, ખાવું, સાંભળવું, જોવું વગેરે); તથા તન-મનનાં કર્મો (કામ કરવું, આરામ લેવો, વિચારવું, ઊંઘવું વગેરે)ના હીન, મિથ્યા કે અતિયોગને આયુર્વેદે રોગનાં કારણરૂપ ગણાવ્યાં છે.

મોટા ભાગના રોગો જાણ્યે-અજાણ્યે સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે આ અસમ્યગયોગના પરિણામે ઉદ્દભવતા હોય છે.

ત્રિદોષવિજ્ઞાનની જેમ આ સિદ્ધાન્ત પણ આરોગ્યસિવાયના ક્ષેત્રે કામયાબ નીવડે તેમ છે.
પ્રજ્ઞાપરાધ

બુદ્ધિ, ધીરજ કે સ્મૃતિને અવગણવાથી જે ભૂલો થાય છે તેને પ્રજ્ઞાપરાધ કહે છે. દા.ત. જમવા બેઠેલી વ્યક્તિ પાસે અપથ્ય ખોરાક આવે છતાં તે બુદ્ધિ દ્વારા આ અપથ્ય છે એવો વિચાર કરતી નથી અને અપથ્ય ખોરાક દ્વારા પૂર્વે પોતાને જે નુકસાન થયું હતું તેને યાદ કર્યા પછી પણ સ્વાદાન્ધતાથી ધીરજ ન રાખી શકવાના કારણે ખાઈને રોગધીન થઈ પસ્તાય છે.
બધા રોગના કારણરૂપ અને ક્ષણેક્ષણે થવાને શક્ય તેવા આ પ્રજ્ઞાપરાધને રોકવા આયુર્વેદે વિસ્તૃત, વ્યવસ્થિત અને ચોક્કસ સ્વસ્થવૃત અને સદૂવૃતની રચના કરેલી છે.

લંઘન: શરીરને ટકાવવાનો મુખ્ય આધાર આહાર છે. આહારને પચાવનાર જઠરાગ્નિ છે. જો પાચનતંત્રમાં વિકૃતિ આવે તો ખોરાક બરાબર પચી ન શકે, અને રસધાતુ કાચી રહી ‘આમ’ નામ ધારણ કરે છે જે મોટા ભાગના રોગોનું કારણ છે.
એટલે જો રોગની અવસ્થામાં વિકૃત થયેલા પાચનતંત્રને સુધારવા પૂરતો આરામ આપવામાં આવે તો આમને પચવાની તક મળે અને રોગનું ખરું કારણ નાશ થવાથી આરોગ્ય પાછું મળે. આ કારણે જ આયુર્વેદે લંઘનને મહત્ત્વ આપ્યું છે.

જો કે લંઘનનો અર્થ લોકો આજે કરે છે તેવો આયુર્વેદમાં નથી. તેણે તો ‘જે કોઈ ક્રિયા શરીરને લઘુ કરે તે લંઘન.’ એવી વિશાળ વ્યાખ્યા કરી દસ પ્રકાર પાડ્યા છે. આ વ્યાખ્યા પ્રમાણે નકોરડા ઉપવાસથી માંડીને લઘુભોજન, વ્યાયામ, શેક, પાચનઔષધો, પંચકર્મ એ બધાં જ લંઘનના પ્રકાર ગણાય.

લંઘન કોને, ક્યાં સુધી, કેવી રીતે, ક્યારે કરાવવાં એ બધા મુદ્દાને આયુર્વેદે વિવેક અને વિગતથી વર્ણવ્યા છે. જેથી લાભ જ થાય, નુકશાન તો ન જ થાય.

રસોઈ પકાવતી વખતે જેમ રસોઈયાએ તાપ, પવન, પાત્ર, રસોઈ એ બધાંનો વિચાર કરી સતત ધ્યાન રાખવું પડતું હોય છે, જેથી રસોઈ કાચી પણ ન રહે અને બળી પણ ન જાય. આવું જ ધ્યાન લંઘન કરાવનાર ચિકિત્સકે રાખવાનું છે.