વૃક્ષોને ચાહનારો

–  શ્રી મીરાં ભટ્ટ


સન્ ૧૯૧૪ – પહેલા વિશ્વયુદ્ધની વાત. પૃથ્વીએ કદીય નહિ જોયેલો માનવ સંહાર થઈ રહ્યો હતો. કાકડીની જેમ સૈનિકો કપાતા હતા. સાંજ પડ્યે, ઢળેલી લાશોને એકસામટી ઉસેટી ટ્રકો દ્વારા કબ્રસ્તાન ભેગી કરાતી હતી. એ લાશો ભેળો એક માનવ દેહ પણ ઉસેટાયો. સેનામાં દરેક સૈનિકની ઓળખાણ માટે એક નિશાન હાથ પર બાંધેલું હોય છે. આ સૈનિકમે દફનાવવા માટે લઈ જતાં પહેલાં. પેલું નિશાન ખોલ્યું તો ત્યાંથી લોહી વહેવા માંડ્યું. ઘોરખોદિયાએ જોયું કે આ લાશ નથી, પણ જીવતો માણસ છે. કબર ખોદવાની કોદાળી-પાવડાની ગાડીમાં એને પાછો દવાખાના ભેળો કર્યો. એ જ દવાખાનામાં ભાનમાં આવ્યો ત્યારે એને ગુરુદેવ ટાગોરનું એક કાવ્ય સંભળાવવામાં આવ્યું અને જાણે યમરાજાનાં દ્વાર ખખડાવીને પાછા ફરેલા મરણિયાને જીવનમંત્ર મળ્યો. નવી દિશા ખૂલી, નવાં દ્વાર ઊઘડ્યાં.

કબરમાંથી બેઠો થયેલો આ સૈનિક તે ડૉ. બેકર, જે આજે ‘વૃક્ષોનો માનવ’ (Man of Trees)ના નામે ઓળખાય છે. અગાઉમાં જ ભારતમાં ભરાયેલી ‘વિશ્વ શાકાહાર કાઁગ્રેસ’માં ૮૮ વર્ષના આ મહાનુભાવ અહીં આવી ગયા હતા.

યુદ્ધમાં મૃત્યુની દીક્ષા આપવાની-લેવાની હતી. હવે એમને જીવનક્ષેત્ર પોકારતું હતું. વૃક્ષોમાં, જંગલમાં એમને જીવનનો પ્રાણ સંભળાયો. આખા વનશાસ્ત્રનો અભ્યાસ કરી, જંગલાધિકારી બનીને જંગલના સામ્રાજ્યમાં આફ્રિકા ચાલ્યા ગયા. ત્યાં એમણે જોયું કે રખડતી જાતિઓ જ્યાં ત્યાં જંગલ ઉખાડી ખેતી કરતી અને પાખી આગળ ચાલી જતી અને ધીરે ધીરે એ પ્રદેશ રણમાં ફેરવાતો ગયો. સહરાનું રણ પણ આ જ રીતે બન્યું. ઘાના પ્રદેશમાં આવી મરુભૂમિમાં એક કુટુંબ ફસાઈ ગયેલું. ત્યાંથી હજાર માઈન ઉત્તર-દક્ષિણમાં એકે ઝાડ જ ન મળે. ત્યાં પોતાની કન્યાને વરાવતું નહિ. ત્યાંની સ્ત્રીઓ પણ બાળકને જન્મ આપવા તૈયાર નહોતી કારણ કે પોતાના દેવના દીધેલને મોંમા જતા જોવાની એમની તૈયારી નહોતી. એમણે પોતે મરી મીટવાની તૈયારી કરી લીધી હતી. ચૂલો સળગાવવા બળતણ ભેગું કરવા એમના કલાકો જતા, પણ પુરુષોને તો તૈયાર રસોઈ સાથે સંબંધ હતો !

બેકર સાહેબે આ બધો તમાશો જોયો. ગાઢ જંગલમાં પ્રવેશ મળી જતો હતો, પણ આ જંગલવાસીઓના હ્રદયમાં કેમ દાખલ થવું તે કોયડો હતો. જંગલ કાપીને પાકની વાવણી તથા કાપણી વખતે એ લોકોના નૃત્ય ચાલતાં. એક વખતે નૃત્યવૃંદના નાયકને રૂબરૂ બોલાવીને પૂછયું, ‘‘તમે આ પાકને કાપતી વખતે નાચો છો, તો એવી રીતે આપણે ઝાડને વાવીને નાચીએ તો ?’’ તો એમણે એમની બોલીમાં જવાબ વાળ્યો, ‘‘એ તો ભાઈ ભગવાનનો મામલો છે !’’

બેકર કહે, ‘તમારી વાત તો સાચી છે, પણ તમે તો આ માવડી જેવાં ઝાડને કાપ્યે જ જાઓ છો અને ભગવાનને એવી તક પણ નથી આપતા કે એ પોતાનો મામલો સંભાળે !’’

વળી પાછા મહિનાઓ વીતી ગયા. છેવટે રાત-દિવસની મહેનત પછી બેકરે એક સંસ્થાની સ્થાપના કરી, જેનું ઉદ્દઘાટન વૃક્ષનૃત્ય દ્વારા થયું. ૩,૦૦૦ તરુણ યુવક-યુવતીઓ આ નૃત્યમાં ભાગ લેવા આવ્યાં. પહેલાં તો એ પેલી સંસ્થાના સભ્ય બન્યાં, જે ‘વૃક્ષપ્રેમી મનુષ્ય’ (મૅન ઓફ ધ ટ્રીઝ)ના નામે ઓળખાતાં. જ્યાં સુધી એકાદું પણ ઝાડ ન વાવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એ નૃત્યમાં ભાગ ન લઈ શકે. ૨૨, જુલાઈ, ૧૯૨૨ના રોજ થયેલી આ નાનકડી શરૂઆત આગળ જતાં વિશ્વઆંદોલનમાં વિકસી. ૧૯૨૬માં રોમમાં ‘પ્રથમ વિશ્વ અરણ્ય સંમેલન’ યોજાયું. પછી તો દર છ વર્ષે જુદા જુદા દેશોમાં સંમેલનો થતાં આવ્યાં છે. ૧૯૭૨માં અધિવેશન આર્જેન્ટિનામાં થયું, જ્યાં સૌથી વધારે દેશોમાંથી ૨,૦૦૦ પ્રતિનિધિ આવ્યા હતા.

અત્યાર સુધી આખા વિશ્વમાં એ ૨૬૦ અબજ વૃક્ષ વવાવી ચૂક્યા છે. સહરાના રણમાં એમણે કરોડો વૃક્ષ વવડાવ્યાં. આ આંકડા કોમ્પ્યુટરના છે. સહરાના રણના પ્રદેશની બબ્બે વાર શિક્ષણયાત્રા કરી ત્યાંની સરકારો અને નવોદિત રાષ્ટ્રો જે અંદરોઅંદર લડ્યા કરતાં હતાં તેમને રણની સામે યુદ્ધમોરચે લડવા માટે તૈયાર કર્યા.

રશિયા પાસે જ્યારે આ વાત પહોંચી ત્યારે ત્યાંની સરકારે ૩,૦૦૦ માઈલના વિસ્તારમાં વૃક્ષ વાવવાનું નક્કી કર્યુ. અમેરિકાને અઅક હજાર માઈલને આવરી લેતાં જેટલો વખત લાગે તેટલા વખતમાં આટલું કામ પાર પાડવાનો નિર્ણય થયો. ૧૯૫૭માં આ કામ પૂરું થયું. પરિણામે દસ વર્ષના અનાજની ઊપજમાં ૩૦ ટકાનો વધારો થયો !

ડૉ. બેકર શુદ્ધ શાકાહારી છે. એટલી હદે કે તેઓ દૂધ પણ નથી લેતા. કહે છે કે દૂધ તો વાછરડાના હકનું છે. ૧૯૧૩માં, એક કૃષિસંમેલનમાં, લંડનમાં તેઓ બાપુને મળેલા. ભારત આવ્યા ત્યારે વિનોબાજીને પણ મળ્યા. કહે, ‘ભારતવાસીઓએ તો હંમેશાં વૃક્ષોને ખૂબ ચાહ્યાં છે, કારણકે તેઓ તો વૃક્ષને પોતાનાં મોટાં ભાઈ-બહેન જ સમજે છે. પરંતુ તેમ છતાંય, અહીં પણ રણનું આક્રમણ ન થાય તે જોવું જોઈએ અને પહાડો પરની બેહિસાબ વૃક્ષકાપણીને રોકવી જોઈએ અને નવાં જંગલ ઊભાં કરવાં જોઈએ. વૃક્ષારોપણને આપણા દેશ માટેના આપણા પ્રેમ સાથે અને આગળની પેઢી સાથે ખૂબ ગાઢો સંબંધ છે.’ કહેવાયું છે.

‘જે વાવે છે વૃક્ષ, તે ચાહે છે પોતાના સિવાય બીજાંને પણ’

 

Advertisements

2 responses to “વૃક્ષોને ચાહનારો

  1. ‘ભારતવાસીઓએ તો હંમેશાં વૃક્ષોને ખૂબ ચાહ્યાં છે, કારણકે તેઓ તો વૃક્ષને પોતાનાં મોટાં ભાઈ-બહેન જ સમજે છે. પરંતુ તેમ છતાંય, અહીં પણ રણનું આક્રમણ ન થાય તે જોવું જોઈએ અને પહાડો પરની બેહિસાબ વૃક્ષકાપણીને રોકવી જોઈએ અને નવાં જંગલ ઊભાં કરવાં જોઈએ. વૃક્ષારોપણને આપણા દેશ માટેના આપણા પ્રેમ સાથે અને આગળની પેઢી સાથે ખૂબ ગાઢો સંબંધ છે.’

  2. ખૂબ આભાર, ગોવિંદભાઈ.

    ઉછેરવા કરતાં કાપવાનું સહેલું છે અને કાપવા પાછળ તો કોઈક લાભ કરનારું કારણ પણ હોય છે તેથી વૃક્ષછેદનને રોકવાનું કપરું તો રહેવાનું જ.

    ફરી આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s