Category Archives: Khorak

અડદ શક્તિપ્રદ ખરા પણ… …

અડદ વિષે આટલું જાણો

સ્વ. શ્રી શોભન

        શિયાળામાં સહજ રીતે આપણો જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત બને છે. ત્યારે અડદ સહેલાઈથી પચાવી શકાતા હોવાથી, ઉપરાંત તે ગરમ, બળવર્ધક, મૂત્રલ અને પિત્તકર હોવાથી અને ખાસ કરીને તો પૌષ્ટિક હોવાથી ખાવાની પ્રથા છે. શિયાળામાં અડદનો ઉપયોગ સવિશેષ રૂપે અડદિયાપાક દ્વારા કરવામાં આવે છે. શુદ્ધ ઘી અને સૂંઠ, ગંઠોડા, પીપર, જાયફળ જેવા પાચન અને સ્તંભન મસાલા ઉમેરીને તેને વધુ સુપાચ્ય બનાવવામાં આવે છે. અને સવારે એક નાનો અડદિયો લાડુ પાચનશક્તિ પ્રમાણે ખાવામાં આવે છે. જેને માફક આવે તેને બાર મહિનાની શક્તિ પ્રદાન કરવાનું કામ આ અડદિયો પાક કરે છે. ખેડૂતો, મજૂરો, ખૂબ ઠંડી પડતી હોય તેવા પ્રદેશના રહેવાસીઓ વગેરે માટે તો ખૂબ અનુકૂળ પૌષ્ટિક આહાર ગણી શકાય. કૌંચાપાકનું શિયાળામાં મહત્ત્વ સર્વવિદિત છે, જ્યારે આ અડદમાં પણ કૌંચાને મળતા વૃષ્ય અને શુક્રવર્ધક ગુણ હોવાથી ઘરગથ્થુ રૂપે અડદિયોપાક સહજપ્રાપ્ય અને સોંઘો પડે.

છતાં સાવધાન !

આવા સારા ગુણ છતાં મગ-તુવેરની જેમ આયુર્વેદે તેને રોજના ખોરાકમાં લેવા સામે ચેતવણી આપી છે. કઠોળમાં હીનગુણવાળા ગણાવી તેનો ક્યારેક જ ન છૂટકે ઉપયોગ કરવાનું કહ્યું છે. અને તે પણ વાયુના રોગોમાં લસણ, તલતેલ, હિંગ વગેરે મેળવીને.

વાયુ પ્રકૃતિમાં તે કદાચ હંમેશા હિતાવહ નીવડે ખરા. અડદ ભારે, ચીકણા, મધુર, જડ, દુર્જર વગેરે ગુણવાળા હોવાથી પિત્ત કરનારા છે. વળી તે નિદ્રાપદ હોવાથી, બુદ્ધિને મંદ કરનારા હોવાથી બુદ્ધિજીવીએ તેનો વધુ ઉપયોગ કરવા જેવો નથી. શુક્રવિરેચક અને વિષયેચ્છાને વધારનારા હોવાથી વિદ્યાર્થી, બ્રહ્મચારી, સાધુ, સન્યાસી, તપસ્વીઓ વગેરે માટે આહારમાં તેને વર્જ્ય ગણાવ્યા છે. ઊંઘણશી, મેદસ્વી, આળસુ, કામી લોકો તેમજ સ્વપ્નદોષ કે શુક્રસ્રાવના દરદીએ અડદ ન ખાવા. અજીર્ણ-મંદાગ્નિના દરદી અડદ ખાય તો આફરો ચડતો હોય છે. પિત્તલ હોવાથી તેના વધુ સેવનથી સ્વભાવમાં ગુસ્સો પણ આવતો હોય છે. દૂધ, ગોળ અને મૂળા સાથે અડદ વિરુદ્ધ હોવાથી તેવો વિરુદ્ધ આહાર લેનારને ચામડીના રોગો વગેરે ઘણા રોગો પેદા થાય છે.

 

આપણાં બે અતિ કિંમતી શાક

ઠંડુ પૌષ્ટિક શાક દૂધી

– સ્વ. શ્રી શોભન

પ્રવર્તમાનમાં શાકો વધુ ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે, પણ આયુર્વેદીય દૃષ્ટિકોણથી બધાં જ શાકો પથ્ય નથી. મોટા ભાગના શાકો રૂક્ષ, વાયુકારક, વિષ્ટંભી (મળને રોકનારા) વગેરે ગુણવાળાં છે. ભાવપ્રકાશ સંહિતાનો શાક વર્ગનો આ શ્લોક સૌએ યાદ રાખવા જેવો છેઃ

પ્રાયઃ શાકાનિ સર્વાણિ વિષ્ટંભીનિ ગુરુણિ ચ ।

રૂક્ષાણિ બહુવર્ચાંસિ સૃષ્ટવિણ્મારુતાનિ ચ ।।

ઘણું કરીને બઘાં જ શાકો (રીંગણ, પરવળ, સરગવો, તાંદળજો, જીવન્તી વગેરે અપવાદ છે.) કબજિયાત કરનારાં, ભારે, રૂક્ષ, મળને વધુ ઉત્પન્ન કરનારાં અને વાયુ કરનારાં છે.

આવા ગુણવાળાં શાકો આપણા પૂર્વજો ન છૂટકે વાપરતાં. મગની દાળ, દૂધ, છાશ વગેરે રોટલી-રોટલા સાથે લેતા અને પથ્ય શાકોમાં પરવળ, તાંદળજો, કૂણાં રીંગણ, જીવન્તી (દોડી), કૂમળા મૂળા વગેરે મળે ત્યારે રોજ લેવાનો આગ્રહ રાખતાં. પરંતુ ક્યારેય પણ તે સિવાયનાં શાકભાજી લેતાં તો ઉપરોક્ત ગુણ હાનિ ન કરે તે માટે ઘી, તલતેલ, લસણ, હિંગ, કોકમ, રાઈ, મેથી, સિંઘવ, મીઠો લીમડો, કોથમરી, આદું, ગોળ, ખાંડ, લીંબુ વગેરે નાખીને શાક વઘારવાની કે બનાવવાની તેમણે યુક્તિ કરી, જેથી તે વાયુ કરવાનો, કબજિયાત કરવાનો, રૂક્ષતા પેદા કરવાનો દુર્ગુણ ન કરી શકે.

સર્વત્ર બારેમાસ મળતી અને સાજામાંદા માટે નિર્દોષ મનાતી દૂધીને આયુર્વેદે સદાપથ્ય આહારમાં ગણાવેલી ન હોવા છતાં રોજ લઈ શકાય તેવી છે. પ્રાચીન યુગથી લખાયેલા નિઘંટુઓમાં તેના ગુણનું વર્ણન છે. તેનું મૂળ સંસ્કૃત નામ છે ‘દુગ્ઘતુમ્બી’ તેના ઉપરથી મીઠી દૂધી, ધોળી દૂધી, દૂધીનું તુંબડું, દૂધી વગેરે નામ પડ્યા. તેને ગામડાંમાં ‘નઈ’ પણ કહેવામાં આવે છે. દૂધી પુષ્કળ થતી હોવાથી અને સોંઘી હોવાથી તેનો શાક રૂપે છૂટથી ઉપયોગ થાય છે. શાક ઉપરાંત તેનો હલવો બનાવવામાં ઘણો ઉપયોગ થાય છે. દૂધીનો હલવો કેટલાંક પરિવારમાં ખૂબ પ્રિય છે. તે ઉપરાંત કૂણી દૂધીને ખમણીને ઢોકળાં, ખમણ, કચૂંબર, થેપલાં, કઢી વગેરેમાં વપરાય છે. દૂધીનું સ્વતંત્ર શાક કરતાં બટાટા, ચણાની દાળ વગેરે સાથે વધુ ખવાય છે.

દૂધી રસમાં મધુર છે. ‘મદનપાલ નિઘંટુ’માં તેને ‘સુમધુરા’ કહી છે. મધુરતાને કારણે દૂધીમાં દૂધના જેવા મધુર રસના કેટલાક ગુણ હોવાથી તે ઠંડી છે. ‘શોઢલ, નિઘંટુ’માં તેને ‘અતિ શીતલા’ કહી છે તેથી ગરમીવાળા, ગરમીના રોગો અને ગરમ ઋતુ માટે તે માફક આવે છે. તે અતિ શીતલા હોવાથી જે પિત્તજ્વરમાં તાવનું પ્રમાણ વધી જાય છે ત્યારે દૂધી ખમણીને તેનાં પોતાં મૂકવામાં આવે છે. બરફના અભાવે તે સારું પરિણામ લાવે છે. ગરમીની આંખો દુખતી હોય ત્યારે તેને ખમણીને પાટા બાંધી શકાય. હાથ-પગનાં તળિયામાં કે તાળવે બળતરા થતી હોય ત્યારે તેનો રસ ચોપડી શકાય કે ખમણીને બાંધી શકાય. મધુર હોવાને કારણે દૂધી શીતળ છે. ઉપરાંત તે પૌષ્ટિક, ધાતુવર્ધક, બળપ્રદ, ગર્ભપોષક અને વૃષ્ય છે. ગરમીને કારણે જેમનું શરીર વધતું ન હોય, વજન ઘટતું હોય, અશક્તિ જણાતી હોય તો સારું પાચન હોય તેવી વ્યક્તિએ દૂધ અને ખાંડમાં બનાવેલો દૂધનો હલવો છૂટથી ખાવો જોઈએ. સગર્ભાવસ્થામાં ગર્ભને પોષણ મળે તે માટે દૂધીનો હલવો, દૂધીનું શાક વગેરે વધુ લેવાં જોઈએ. જાતીય નબળાઈવાળા પુરુષો પણ દૂધીનો હલવો લે તે હિતાવહ છે. દૂધી બાફીને તેનો સૂપ પણ છૂટથી લઈ શકાય. દૂધી હ્રદ્ય ગુણવાળી હોવાથી હ્રદય રોગીઓએ પણ તેનો ઉપયોગ કરવો સારો. ‘રાજ નિઘંટુ’ વગેરેમાં તેને ‘ઘાતુપુષ્ટિવિવર્ધનમ્’ કહેલી હોવાથી બાળકોને તેનો હલવો આપવો સારો. શરદી-કફ ન હોય તેવાં બાળકોને નાસ્તામાં છૂટથી આપી શકાય. દૂધી રુચિકર હોવાથી કોઈ પણ શાકમાં રોજ થોડી થોડી મેળવવામાં આવે તો શાક સ્વાદિષ્ટ બને છે.

બાહ્ય ઉપયોગ રૂપે ‘દૂધીનું તેલ’ પણ વાપરવા જેવું છે. મગજની અને આંખોની ગરમીમાં, ઉનાળામાં ગરમીને કારણે ખરતા વાળમાં તે ફાયદાકારક છે. રોજ તે તેલની માલિશ કરવાથી અને નાકમાં તેનાં ટીપાં પાડવાથી મનને શાંતિ મળે છે. ઊંધ સારી આવે છે. કેટલાંક લોકો દૂધીને બુદ્ધિવર્ધક માનતા હોવાથી તેના તેલમાલિશથી બુદ્ધિને લાભ પણ મળે છે.    

સર્વોત્તમ શાક – પરવળ

        ખાસ કરીને ચોમાસામાં અને હંમેશા વધુ પડતાં શાક ન ખાવાની આયુર્વેદે સૂચના કર્યા પછી પરવળ, ખરખોડી-ડોડી (જીવન્તી), મેથી, સરગવો, સુવા, કુમળા મૂળા, તાંદળજો, ગલકાં, કંકોડા, રીંગણ, સૂરણ વગેરે શાક-ભાજીને વિવેકપૂર્વક હંમેશા અપનાવવાનું સૂચવ્યું છે. તેમાંય તે પરવળ પ્રત્યે તો સવિશેષ પક્ષપાત વ્યક્ત કર્યો છે. ‘હંમેશા કયા આહારદ્રવ્ય ખાવા હિતાવહ છે ?’ તેના જવાબમાં ફળશાકમાં કેવળ પરવળનું નામ આપવામાં આવયું છે. પરવળને અવારનવાર નિત્ય પથ્ય, સદા પથ્ય અને પરં પથ્ય પણ કહ્યાં છે. પરવળની આટલી બધી પ્રશંસા પાછળ આયુર્વેદની ગુણગ્રાહ્યતા છે. પરવળની એવી સુંદર ગુણસંયોજના થઈ કે તેના વખાણ કરીએ તેટલા ઓછા.

            પરવળનો સર્વોત્તમ સદગુણ તો છે તેની ત્રિદોષશામકતા. પરવળ મધુર હોવાથી પિત્તનું શમન કરે છે. સ્નિગ્ધ, મધુર અને ઉષ્ણ હોવાથી વાયુનું શમન કરે છે. લઘુ અને ઉષ્ણ હોવાથી કફનું શમન કરે છે.

        ઉપરાંત તે લઘુ હોવાથી જલ્દી પચી જાય છે અને અન્ય આહારને પચવામાં મદદ કરે છે. એટલે કે તે પાચક ગુણવાળાં છે. ઉષ્ણ હોવાથી તે દીપન ગુણવાળાં એટલે કે ભૂખ લગાડનારાં છે. મંદાગ્નિવાળા કે માંદા માણસો માટે એ રીતે એ ખૂબ માફક આવે છે.

        પરવળમાં હ્રદ્ય ગુણ હોવાથી તેનું હંમેશા સેવન કરવાથી હ્રદયરોગ સામે રક્ષણ મળે છે. અને હ્રદયરોગી તેનું નિત્ય સેવન કરે છે તો તે રોગ મટાડવામાં મદદ કરે છે. પરવળ વૃષ્ય હોવાથી જાતીય નબળાઈવાળા પુરુષો તેનું રોજ સેવન કરી શકે છે. તે શુક્રધાતુને પણ વધારનારાં છે.

પરવળનું શાક ઉધરસના દરદીને ખૂબ જ લાભદાયક છે. ઉધરસ એટલે કે કાસમાં એ એટલા બધાં ગુણકારક છે કે તેનો એક આયુર્વેદીય પર્યાય ‘કાંસભંજન’ એટલે કે ઉધરસને મટાડનાર એવો છે. લોહીવિકાર એટલે કે રક્તદોષમાં મીઠું, તેલ અને મરચું નાખ્યા વિના કેવળ ધાણા, જીરું, હળદર અને મરી નાખીને શાક ખાવું હિતાવહ છે. પરવળ મધુર હોવા છતાં કૃમિના દરદી કારેલાંની જેમ કડવાં પરવળનું શાક ખાય તો વધુ ફાયદો થતો હોય છે. પરવળ મધુર, સ્નિગ્ધ અને ત્રિદોષશામક હોવાથી તેમાં વજન વધારવાનો ગુણ હોવાથી કૃષ લોકોએ તેનું ઘીમાં વઘાર કરી હંમેશા વધુ પ્રમાણમાં શાક ખાવાનું રાખવું. શરીરમાં ફીકાશ આવી હોય, પાંડુ થયો હોય તેવા દરદી હંમેશા પરવળ ખાય તો લોહી વધશે અને રંજનપિત્ત-હેમોગ્લોબીનમાં પણ વધારો થશે. જીર્ણજ્વર, પિત્તજ્વર અને વિષમજ્વરના દરદીને પરવળનું શાક પથ્ય છે. કડવાં પરવળ લેવામાં આવે તો તે વધુ પ્રમાણમાં જ્વરધ્ન ગુણ આપે છે.

        આટલા બધા ગુણવાળાં અને જેનો સંસ્કૃત પર્યાય ‘અમૃતફળ’ છે એવાં પરવળ કે જેને ગ્રામ્યજીવનમાં પંડોળા કે પટોળાં પણ કહે છે તે પરવળનું શાક રૂપે ચલણ આપણે ત્યાં ખૂબ ઓછું છે. શાકપ્રેમી લોકો માટે તે અણમાનીતું શાક છે ને શાકમાર્કેટમાં તેનું સ્થાન છેવાડે હોય છે ! ગુજરાતમાં તો મીઠાં પરવળની ખેતી પણ ખૂબ ઓછી થાય છે. આવા ગુણિયલ શાકના ગુણ વિષે વેચનારા, લેનારા કે ખાનારા કોઈને પ્રાયઃ ખ્યાલ જ નથી તે આશ્ચર્યજનક બાબત છે.

જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે વાચકવર્ગ પરવળ પ્રત્યે પ્રીતિ વધારશે તો તેનું પોતાનું ચોક્કસ હિત થવાનું જ છે.