કેન્સર એટલે શું ?

રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ

તમને જાણીને નવાઈ લાગશે, પણ એ હકીકત છે કે કેન્સરની સ્પષ્ટ વ્યાખ્યા હજુ સુધી ઉપલબ્ધ નથી. કેન્સર અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘આંતરરાષ્ટ્રીય કેન્સર શોધ સંસ્થાન’-ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઈ.એ.આર.સી) લિયોન્સ નામના શહેરમાં આવી છે. આ શહેરમાં જ આજથી બરાબર બસો વર્ષ પહેલાં ત્યાંની અકેડમીએ ‘વોટ ઈઝ કેન્સર’ પર એક હરીફાઈ રાખી હતી. તેમાં ઉત્તમ જવાબ આપનાર હરીફ બર્નોર્ન પેરીલે જે આપ્યો હતો તે આજે પણ સાચો જ છે. તેનો જવાબ હતો, ‘કેન્સર એટલે જેની વ્યાખ્યા અને સારવાર બંને મુશ્કેલ છે એવો રોગ’.

તમે મસા, રસોળીની ગાંઠ, હાથપગના ઘસાતા ભાગોમાં જોવા મળતાં ડંખ જોયા છે. તે જેમ પોતાની જગ્યાએથી ઉપસીને વધેલા જોવા મળે છે, તેવું જ કેન્સરની ગાંઠમાં હોય છે. ફરક માત્ર એટલો કે મસા, રસોળીની ગાંઠ અને ડંખ એક મર્યાદા પછી વધતા અટકી જાય છે. જ્યારે કેન્સરની ગાંઠ અમર્યાદિત વધે જ જાય છે. એટલું જ નહીં સામાન્ય ગાંઠ અને કેન્સરની ગાંઠ વચ્ચે બીજા પણ કેટલાક ફેરફાર છે, જેમ કે,-

સામાન્ય ગાંઠ

 • બહુ ધીમે ધીમે વધે છે.
 • વધે તેમ આજુબાજુની રચનાને બાજુમાં ખસેડે છે.
 • પોતાનું એક આવરણ હોય છે.
 • મર્યાદિત જ વધે છે.
 • જે કોષોમાં ગાંઠ થાય તે જ તેમાં છેક છેલ્લે સુધી જોવા મળે છે.
 • મૂળ કોષો જ રહેતા હોય તેના સ્થાનિક કાર્યમાં કોઈ ફેરફાર થતા નથી.
 • કોષોનું વિભાજન મૂળ ગતીથી જ આગળ વધે છે.

કેન્સરની ગાંઠ

 • ઝડપથી વધે છે.
 • વધે તેમ આજુબાજુની રચનાનો નાશ કરે અને તેમાં ફેલાય છે.
 • કોઈ આવરણ હોતું નથી.
 • અમર્યાદિત વધે છે. કેન્સરની ગાંઠ માણસના માથા જેટલી વધે છે.
 • જે કોષોમાં થયું હોય તેના બદલે આગળ જતાં કોષો બદલી જાય છે.
 • કોષોમાં ફેરફાર થતો હોય ક્રિયામાં પણ જેમ કે થાઈરોઈડ ગ્રંથી વૃષણનો સ્ત્રાવ ટેસ્ટોસ્ટીરોન ઉત્પન્ન કરવા માંડે છે.

થોડુંક વધું સમજીએ. બાળક જન્મે છે, કિશોર બને છે, યુવાન બને છે, પૌઢ અને છેલ્લે વૃદ્ધ       થઈને મરી જાય છે. આ ગાળા દરમિયાન જન્મથી મળેલા મૂળ કોષો વધુમાં વધુ પચાસ વખત વિભાજીત થાય છે. જેમ એક કાગળના તમે ટૂકડા કરતા રહો અને પછી આગળ વધુ ટૂકડા ન થઈ શકે તેમ. પણ કેન્સરના કોષો અંતરહિત વિભાજીત થતા જ રહે છે. તમે ઉધઈવાળો રાફડો જોયો છે ? હા, પણ તમે ઉધઈને કામ કરતા નથી જોઈ ? આ એક જાતની કીડીઓ જ છે. તેઓનો સમૂહ હોય છે અને સમૂહને કામ વહેંચવામાં આવ્યું હોય. તેઓ આ કામ એકધારી રીતે પાર પાડે છે. પણ તેની એક રાણી હોય છે. તે માત્ર ખાય છે અને બચ્ચા પેદા કર્યે રાખે છે. આ બધાઓને કામ અંગે કોઈ માહિતી હોતી નથી. તેઓ એટલા બધા વધી પડે છે અને બધે ફેલાય છે કે પેલા બિચારા કામઢાઓનું કામ રઝળી પડે છે. બધી જ અવ્યવસ્થા ઊભી થાય છે. કેન્સરના કોષો બસ આવું જ કરે છે.

તમે હિમશીલા વિશે કેટલું જાણો છો ? હિમશીલા દરિયામાં તરતી હોય છે. ૭/૮મો ભાગ પાણીમાં ડૂબેલો હોય છે. જ્યારે ૧/૮મો ભાગ જ તમે જોઈ શકો છો. કેન્સરનું કંઈક આવું જ છે. છતાં એટલું ચોક્કસ છે કે તે આટલો સમય ગુપસુપ આગળ વધે છે. રોગીને કોઈ જ ફરીયાદ થવા નથી દેતું. પણ જેવું તે ૧/૮મો ભાગ બહાર આવ્યો કે તેની વધવાની ઝડપ બહુ ઝડપી બને છે. ઉપરાંત અવરોધો ઊભા કરે છે. છેલ્લે કેન્સરના કોષો અન્ય સ્થળે, ‘બીજ’ની જેમ ફેલાવે છે. બીજા કોઈ રોગમાં આ શક્તિ નથી. એટલે કેન્સર હોય છે વૃષણનું, ગાંઠ દેખાય છે. ગળામાં, કેન્સર હોય છે, જીભના મૂળમાં અને ગળાની પડખે ગાંઠ દેખાય છે. કેન્સર ફેફસામાં હોય, પાંસળીમાં તેની બીજી ગાંઠો થાય છે. બીજોને કેન્સર સેલને લઈ જાય છે લીમ્ફ-લસિકા અને લોહી.

આયુર્વેદમાં સામાન્ય ગાંઠ મોટી થાય, મટાડવી મુશ્કેલ બને ત્યારે તે અર્બુદ કહેવાય છે. એટલું જ નહીં શરીરના કોઈપણ ભેમાં તે થઈ શકે છે. આયુર્વેદમાં બતાવેલ કારણોથી ત્રણે દોષો – વાયુ, પિત્ત અને કફનો પ્રકોપ થાય છે. આ દોષો માંસ અને લોહીને ખરાબ કરીને જે ન મટે તેવી ગાંઠ કરે છે. તેને અર્બુદ કહે છે. ટૂંકમાં આયુર્વેદમાં કેન્સર કોને કહેવાય – અર્બુદ કોને કહેવાય તેનૌ સ્પષ્ટ વ્યાખ્યા હતી.

પ્રકારો

      કેન્સરના પ્રકારો અનેક રીતે પાડવામાં આવ્યા છે. ખરેખર તો આ ગાંઠોના પ્રકારો છે. એટલે આ ગાંઠ મૃદુ (બીનાઈન) હોઈ શકે અને દારૂણ (મેલિગ્રન્ટ) પણ હોઈ શકે. યાદ રાખો મૃદુ (સાદી ગાંઠ) દારુણમાં ફેરવાઈ શકે છે, પણ એક વખત દારુણ ગાંઠ સ્પષ્ટ થયા પછી તે મૃદુમાં ફેરવાઈ શકતી નથી.

        બીજો પ્રકાર તે ક્યાં થયું છે. કઈ ધાતુમાં તેનાં મૂળિયાં છે, તેનાં આધારે આ પ્રકારો છે. આ પણ બે પેટા વિભાગમાં વહેંચાઈ જાય છે. જેમાં એક છે એપિથેલિયલ કોષોમાં થનારું કેન્સર અને બીજું સંયોજક ધાતુ – કનેકટીવટીસ્યુમાં થયેલ કેન્સર. પહેલિ પ્રકાર વધુ ધાતુ અને કોષોમાં ફેલાયેલો હોય ત્યાં વધુ કેન્સર થતાં જોવા મળે છે. આમાં ચામડીનું કેન્સર, માંસનું, મ્યુકસમેંબ્રેઈન સાથે જોડાયેલ અંદર થતાં કેન્સરનો આમાં સમાવેશ થાય છે. આ પ્રકારનાં કેન્સર કાર્સિનોમાં તરીકે ઓળખાય છે. તો સંયોજક ધાતુ-કનેકટીવ ટીસ્યુના કેન્સર હાડકાં, તરૂણાસ્થિ (કાર્ટિલેજ) અને સ્નાયુઓમાં થતા જોવા મળે છે. આ કેન્સરનો પ્રકાર ‘સાર્કોમા’માં કરીકે ઓળખાય છે. તમે આનંદ પિક્ચરમાં રાજેશ ખન્નાને થયેલું કેન્સરએ આંતરડાનું લીમ્ફોસાર્કોમા હતું.

                યાદ રાખો કાર્સિનોમા એ સામાન્ય રીતે પ્રૌઢ અને વૃદ્ધ વ્યક્તિઓનો રોગ છે. જ્યારે સાર્કોમા યુવાન વ્યક્તિનું કેન્સર છે. બીજું આપણે ઉપર જોયા તો ફેરફારો બીનાઈન ટ્યુમર અને મેલિગ્રન્ટ ટ્યુમર એકજ સ્થળના હોઈ શકે. તે વખતે તેના નામમાં મેલિગ્રન્ટ ઉમેરીને તે દારુણ કેન્સર છે તેમ બતાવવું પડે છે. જેમ કે એડીનોમાએ ગ્રંથી પ્રધાન કેન્સર છે. જ્યારે ત્યાનું કેન્સર એડીનોમાને બદલે મેલિગ્રન્ટ પ્રકારનું થાય તો એડીનો કાર્સિનોમા કહેવાય છે. કારણ કે એડિનોમા સાદી ગાંઠ છે. આવું જ પેપિલોમાં સાદી ગાંઠ પણ તે મેલિગ્રન્ટ હોય તો પેપીલરી એડીનો કાર્સિનોમા કહેવાય છે.

        ત્રીજો પ્રકાર શરીરમાં ગમે ત્યાં થતા કેન્સરો-ગમે ત્યાં થઈ શકે તેવાં કેન્સરો અને ચોક્કસ જગ્યાએ થતાં ચોક્કસ કેન્સરનો છે. આપણે હમણાં જેના ઉદાહરણો આપ્યાં તે એપિથેલિયલ કોષોમાં ગમે ત્યાં થનારા કેન્સર છે. તો એડીનો લીમ્ફોમાંએ લાલાસ્ત્રાવી ગ્રંથીએનું સાદું કેન્સર છે, જ્યારે આ જ જગ્યાનું મેલિગ્રન્ટ કેન્સર સીલીન્ડ્રોમા છે.

        આયુર્વેદ આ બાબતમાં સ્પષ્ટ છે પણ એટલું સ્વીકારવું પડે છે કે તેમાં મર્યાદાઓ પણ છે. જેનો ઉલ્લેખ આપણે સારવારમાં કરીશું. આ નિષ્ણાતોએ ચાર બાબતને નજર સમક્ષ રાખીને વર્ગીકરણ કર્યુ છે. જેમકે કેન્સર-અર્બુદ શરીરના ગમે તે ભાગમાં થઈ શકે છે. ૨. વાતાદિ ત્રણ દોષો અને રક્તાદિ ધાતુઓના જોડાણવાળા કેન્સર જોવા મળે છે. ૩. શરીરના બહુ મહત્વ-વાઈટેલ પ્લેસીસ-મર્મમાં થાય છે. અને ૪. આભ્યંતર અંગોસ્ત્રોત્થ-અન્નનળી, શ્વાસનળી, ફેફસાં વગેરેમાં થાય છે. તેમણે છેલ્લા બે પ્રકારને અસાધ્ય ગણ્યા છે. પહેલાં પ્રકારના છ અર્બુદો-કેન્સર છે. વાતાર્બુદ, પિત્તાર્બુત, કફાર્બુદ, મેદાર્બુદ, રક્તાર્બુદ અને માંસાર્બુદ. અઅ વર્ગના આગલા ચાર મટાડી શકાય તેવા છે. જ્યારે છેલ્લા બે મટાડી ન શકાય તેવા છે. અહીં રક્તથી એપિથેલિયલ પ્રકાર અને માંસ ધાતુથી કનેકટીવટીસ્યુ સંયોજક ધાતુઓના બે પ્રકાર છે એટલે રક્ત ધાતુની દ્રષ્ટિથી તેઓ  બે કામ બતાવ્યા છે. એક તો બધી આસ્તર સ્થળો ચામડી, મ્યુક્સ મેમ્બ્રેનનો સમાવેશ કરી કાર્સિનોમાનો અને માંસ ધાતુને બતાવીને સંયોજક ધાતુ કનેકટીવટીસ્થુના કેન્સર એવા સાર્કોમાની વાત કરી છે. ઉપરાંત એક બીજી સિદ્ધિ પણ મેળવી છે. રક્તની દ્રષ્ટિનો તેને વહન કરનાર રક્તવાહિનીઓનું જો કેન્સર હોય તો તેને પ્રથમથી જ અસાધ્ય બતાવવામાં આવયું છે. એન્જીઓમા-હેમીજીઓમા કે બ્લડ કેન્સર અસાધ્ય છે. તો સામે પક્ષે માંસ ધાતુ-સંયોજક ધાતુઓના કેન્સરો વ્યવહારમાં અસાધ્ય જ બતાવવામાં આવ્યા છે.

        યાદ રાખો દરેક વિજ્ઞાનને પોતાનાં વર્ગીકરણ હોય છે. આયુર્વદને પણ કેન્સર અંગે પોતાનું વર્ગીકરણ છે. તો ઓકોલોજીમાં કેન્સર ફેલાવાના ચાર પ્રકાર બતાવ્યા છે. જેમકે એક્સપાન્સિવ માત્ર ફેલાતું અને અંદર આગળ ન વધતું, એક્ઝાફેટિવ કાંઠે કે પોલાણમાં થતું અને એન્ડોફેટિક આગળથી બહારની રચના પર થતું.

Advertisements

આપણી સાથે હળીમળી ગયેલા સર્વવ્યાપી રોગો

અજીર્ણ-મંદાગ્નિ

        અજીર્ણ એટલે અપચો. ખોરાક જરે નહીં – પચે નહીં ત્યારે વાયુનું, પિત્તનું, કફનું એમ ઘણી જાતનાં અજીર્ણ થઈ, તે તે પ્રકારના અનેક રોગો શરીરમાં પેદા કરે  છે.

        અજીર્ણનું મુખ્ય કારણ મંદાગ્નિ હોવાથી તેમાં ભૂખ બરાબર લાગતી નથી. પાચન ન થવાથી ખરાબ ઓડકાર આવે, પેટ ભારે લાગે, ઊબકા થાય અને પેટમાં પણ દુખે.

            મિષ્ટાનો, ફરસાણ, કેળાં, બિસ્કીટ જેવો ભારે ખોરાક ન ખાવો. પચ્યા પહેલાં જમવું નહીં. ઉજાગરા કરવા નહીં, ચિંતા, શોક જેવાં માનસિક કારણો દૂર કરવાં.

        અજીર્ણનો સર્વોત્તમ ઉપાય એક-બે નકોરડા ઉપવાસ કરી નાખવા તે છે. તે થઈ શકે જ નહીં તો દાળ, ભાત, ખીચડી, જાવળું, મમરા, ખાખરા જેવો સાવ હળવો અને થોડો આહાર લેવો. પાણી બને તો ઉકાળેલું અને થોડું પીવું. પૂરતી ઊંઘ લેવી. ખોરાકમાં આદું, લીબું, લસણ, હિંગ, અજમો વગેરે વધારે લેવાં.

        તેનાં ઔષધો આ પ્રમાણે છેઃ

        સૂંઠ, પીપરીમૂળ, તુલસી વગેરેનો વધુ ઉપયોગ કરવો. હિંગાષ્ટક ચૂર્ણ, શિવાક્ષાર ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ, શંખવટી, ચિત્રકાદિ વટી, દ્રાક્ષાસવ વગેરેમાંથી મળે તે ઔષધ રોજ લેવાં.

        અજીર્ણનું સર્વોત્તમ ઔષધ હરડે  છે. સવારે-રાત્રે ૨ થી ૬ ગ્રામ સુધી પાણીમાં તેનું ચૂર્ણ લેતાં રહેવું.

        આજના મોટા ભાગના રોગોનું કારણ અજીર્ણ હોવાથી, તેમાંથી બચવા આહાર-વિહારના નિયમોનું નિયમિત પાલન કરો.

(સ્વ. શોભનકૃત “રોજિંદો આયુર્વેદ”માંથી સાભાર)

 

શરીર સૌંદર્ય માટે પુષ્પો

જૂઈ ચમેલી

      ચમેલીના ફૂલો આંખના રોગો, માથાનો દુઃખાવો, કાળાદાગ, ફ્રેકલ્સ, પીગમેન્ટેશન, ખીલ, વાઢિયા, લોહીવા, રતવા, આંખો આવવી, ટાલ, ઉંદરી તથા અન્ય ઘણાં રોગોમાં ઉપયોગી છે.

 • ચમેલીના પાન ચાવવાથી દાંત મજબૂત અને સુંદર બને.
 • ચમેલી કે જૂઈના ફૂલ, ચંદન, હળદર, મસૂર દાળને દૂધ સાથે વાટી લેપ કરવાથી ખીલ મટે છે.
 • ચમેલી કે જૂઈ ફૂલ, પાન, મહેંદી, આંબળા, ભાગરો, શંખપુષ્પી, દાડમછાલ, લીમડા પાન, કેરીની ગોટલી, કમળના પાન વગેરેનો પાવડર + નારીયેળ પાણી કે આંબળાના રસમાં લેપ તૈયાર કરી વાળ માટે ઉત્તમ હેરપેક તૈયાર થાય છે. ખુજલી, ઉંદરી, ટાલમાં ફાયદો કરે છે.
 • ચમેલી ફૂલ, કપૂર કાચલી, ચારોળી, લોધર, હળદર, અરીઠા પાવડર દૂધ સાથે કે પાણી સાથે મીક્ષ કરી નહાવાથી ત્વચા ફાટતી નથી અને સુંવાળી સુંદર બને છે.
 • ત્વચા પર ખંજવાળ આવતી હોય તો આના ફૂલોને પાણીમાં વાટી તેનો લેપ કરવો.
 • ચમેલીના ફૂલનો પાવડર, ચંદન, હળદર, ચણાના લોટનું પેસ્ટ બનાવી નહાવાથી ત્વચા સુંવાળી, ફોડલી, દાગ રહિત ગોરી બને છે.
 • ચમેલી ફૂલ, ગુલાબના ફૂલ, ગોપીચંદ, લીમડા પાન, અરીઠા પાવડર બનાવી ન્હાવાથી અળાઈ, ગરમી મટી કાળા દાગ – ધબ્બા, ખુજલી મટી ત્વચા સુંદર બને છે.
 • ચમેલી ફૂલ, જૂઈના ફૂલ, ગુલાબના ફૂલ, મજીઠ દહીં સાથે કે દૂધ સાથે વાટી કાળા કે ફાટી ગયેલા હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી, સુંદર બને છે.
 • જૂઈ ફૂલ, ચમેલી ફૂલનો રસ લગાડવાથી ખીલ-ખંજવાળ મટે છે.
 • ચમેલી ફૂલ તથા પાન, જૂઈના ફૂલ તથા પાન, હળદર, સરસવ, જેઠીમધ, આંકડા પાનનો રસ, તલ તેલમાં કે ઘીમાં ઉકાળી મલમ બનાવી પગના તળિયા, એડી પર લગાડવાથી વાઢિયા મટે તથા એડી કમળ સમાન સુંવાળી-સુંદર બને.
 • જૂઈ-ચમેલીના ફૂલો તેલમાં ઉકાળી કે તેને વાટી તેનો લેપ લગાડવાથી વાળની રૂક્ષતા મટી ટાલ-ઉંદરીમાં નવા વાળ આવે છે.
 • આ ફૂલ શરીરની ગરમી, પેશાબની બળતરા, ખીલ, ખંજવાળ, પરસેવાની ગંધ મટાડે છે.
 • ત્વચાની રૂક્ષતા, ઘા, પગના વાઢિયા મટાડી રૂક્ષત્વચાને સુંવાળી તથા ગોરી બનાવે છે. 

                                                         કમળ

કમળ લક્ષ્મીજીનું આસન છે અને લક્ષ્મીજીનું પ્રિય ફૂલ છે. યોગશાસ્ત્રમાં પણ તેનું ખૂબ ઉંડુ મહત્વ છે. તે કીચડમાં ઉગી આપણને ઘણું શીખવાડે છે.

 • મુખ્ય તો કમળ રક્તવિકારો, પિત્તના રોગો, હ્રદયના વધેલા ધબકારા, કોલેરા, હર્પિસ, ઝાડા, બળતરા, માથાનો દુઃખાવો, વધુ બ્લીડીંગ થવું વગેરે મટાડે છે. વાળ અને ત્વચા માટે ઉત્તમ સૌંદર્ય વર્ધક છે.
 • લોહીવિકાર – ગરમી – દાહઃ આના ફૂલ ઠંડા પાણીમાં પલાળી સવાર – સાંજ પીવું.
 • હ્રદયના ધબકારાઃ ધબકારા નિયમિત કરવા માટે કમળના ફૂલનો ઉકાળો કે ફાંટ (ફૂલને રાત્રે પલાળી સવારે પીવું) કે ફૂલનો રસ કે તેનું ચૂર્ણ મધ સાથે પીવું.
 • દૂઝતા હરસ – એસિડીટી – દાહઃ ફૂલના વચ્ચેના પીળા કે સફેદ તાંતણા મધ + સાકર સાથે ખાવા
 • આંખના રોગોઃ ફૂલના ટીપાં આંખમાં નાંખવા, ફૂલનો ઉકાળો પીવો, ફૂલનો મુરબ્બો રોજ ખાવો.
 • બાળકોના ઝાડાઃ ફૂલનો ઉકાળો કે રસ પાવો. આયુર્વેદમાં બાળકો માટે ઉત્તમ અરવિંદાસવ કમળના ફૂલમાંથી જ બને છે.
 • વધારે બ્લીડીંગ કે વારંવાર એબોર્શન થતું હોય તો લાલ કમળનું ફૂલ રાત્રે પલાળી વાસણ ચાંદનીમાં મૂકી સવારે તે પાણી રોજ પીવું
 • તાવ – બેચેની કે બબડાટમાં ફૂલનો પાણીમાં લસોટી હ્રદય તથા માથા પર લેપ કજવો.
 • ઓરી – અછબડા – એસિડીટી, બળતરા, લોહીવા, ચક્કર, લૂ લાગવી, માથાનો દુઃખાવો વગેરેમાં આનું શરબત ૧૦ થી ૩૦ ગ્રામ સુધી પીવું.
 • કમળનું શરબતઃ ખડી સાકર ૫૦૦ ગ્રામની ચાસણી કરી તેમાં કમળના ફૂલનો રસ ૧ લીટર નાંખી ઉકાળી શરબત તૈયાર કરી તેમાં એલચી નાંખી બોટલો ભરી લેવી. 

                                                       બ્યુટી માટે

 • ઠંડુ હોવાને કારણે ખીલ, ફોડલી, અળાઈઓ, સફેદ વાળ, ત્વચા પરના કાળા દાગ – કુંડાળા, આંખોની લાલાશ – બળતરા વગેરે મટાડે છે.
 • કૂંડાળા – પીગમેન્ટેશન – કાળા દાગ વગેરે માટે કમળ, લાલ ચંદન, ખસખસ, ચારોળી નો દહીં સાથે લેપ કરવો તથા કમળના પાન + ગુલાબ પત્તી + ખસ + સંતરા છાલ + લીંબુ છાલ + હળદર વગેરેનો પાવડર બનાવી ન્હાવાથી કે તેનો લેપ કરવાથી દાગ – ધબ્બા – ખુજલી વગેરે મટી ત્વચા ગોરી – સુંવાળી – સુંદર બને છે.
 • રીંકલ્સ – કરચલીઓ તથા બાળકોને માલીશ માટેઃ કમળના દાંડા, કમળ કેસર, કમળ પુષ્પ, પદમક છાલ, શ્રીપર્ણી, અશ્વગંધા, શતાવરી વગેરે ને પાણી તથા દૂધ નાંખી તેલ ઉકાળી બનાવવું તથા તેનાથી હળવા હાથે માલીશ કરવું
 • કમળકંદ, કમળ ફૂલ, નીલપુષ્પ, જટામાંસી, તલ, બ્રામી, રતાંજલી, સફેદ ચણોઠી, કેરી ગોટલી, આમળા, ભાંગરાનો પાવડર તલ તેલમાં ઉકાળી તેલ બનાવી વાપરવાથી ખરતા વાળ અટકી વાળ લાંબા, સુંવાળા સુંદર બને છે. સફેદ વાળ કાળા થાય છે.
 • દૂધ + કાળા કમળના ફૂલ વાટી લેપ કરવાથી સફેદ વાળ કાળા થાય છે.
 • નીલ કમળ, સફેદ કમળ, ચંદન, ખસખસ, લોઘ્રને દહીં સાથે વાટી ત્વચા પર લેપ કરવાથી કાળા દાગ, આંખની આજુબાજુના કાળા કુંડાળા મટી ત્વચા ગોરી, કાંતિયુક્ત, કમળ જેવી મુલાયમ બને છે.
 • કમળ ફૂલ, કમલદંડ, જટામાંસી, લીંડી પીપર, અશ્વગંધા, માલ કાંકણી બી, અઘેડા બી, ફટકડી વગેરે નો પાવડર દૂધ સાથે રાત્રે સ્તન પર લગાડવાથી ઢીલા સ્તન પુષ્ટ, કઠણ, સુંદર બને છે.
 • બોગન ફૂલનો ઉકાળો પીવાથી મેદવૃદ્ધિમાં પરિણામ મળે છે.
 • પારિજાતકના ફૂલ + જાસૂદ ફૂલ + લીમડા પાન વાટી લેપ લરવાથી ખોડો – ખુજલી મટે છે.
 • મોગરાના ફૂલની પેસ્ટ થી રીંકલ્સમાં ફાયદો થાય છે.
 • આજકાલ ફ્લાવર રેમેડિઝ, એરોમાથેરપી વગેરે કેટલાયે પ્રકારની થેરપી સૌંદર્ય માટે છે. જેને આધુનિક સંશોધન કહે છે. જ્યારે આયુર્વેદમાં તો હજારો વર્ષોથી અનેક ફૂલો દ્વારા સૌંદર્યવૃદ્ધિનું વિવરણ ખૂબ સુંદર રૂપે આપેલું છે.
 • ફૂલો સૌંદર્ય – સ્વાસ્થ્યની સાથે લાગણીઓ અને મનને પણ તરોતાજા અને સુંદર રાખે છે.

દા.ત. લાલ ગુલાબઃ પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ છે, પીળુ ગુલાબઃ મિત્રતાનું પ્રતિક છે, ગુલાબી ગુલાબઃ ગુપ્ત પ્રેમ વ્યક્ત કરે છે. મિત્રતા કે પ્રેમ વચ્ચેની અસમંજસ ભરી સ્થિતિ દર્શાવે છે, સફેદ ગુલાબઃ નિર્દોષ પ્રેમનું પ્રતિક છે. કુટુંબીજનોને આપવા માટે ઉત્તમ ભેટ છેઃ ઓર્કિડના ફૂલઃ પ્રેમ અને સૌંદર્યની અભિવ્યક્તિ દર્શાવે છેઃ ડેઈઝના ફૂલઃ સંનિષ્ઠ પ્રેમનું પ્રતિક ગણાય છે. માતા – પિતા કે પ્રિયવડીલોને અપાય છેઃ લીલી ફૂલઃ પવિત્રતા અને માધુર્યનું પ્રતિક છે. પુત્રી તથા ભત્રીજા – ભત્રીજીને આપી શકાયઃ ચેરી સેન્થમમઃ આ પુષ્પો મિત્રતા વ્યક્ત કરે છે. કોઈપણ પ્રસંગે મૈત્રીભાવ વ્યક્ત કરી શકાય. 

કેન્સરનાં કારણોમાં હજી વધુ … …

કેન્સર(૨)

રાજવૈદ્ય શ્રી એમ. એચ. બારોટ

      પહેલા કારણનો વિચાર કરો તો જણાશે કે બહારના બધા જ કેન્સર કરનાર દ્રવ્યો-કાર્સિનોજન્સ શરીરના બહારના ભાગે છે કે અંદરના ભાગે સતત સંપર્કમાં રહે તો જ તે કેન્સર કરી શકે છે. આપણે અગાઉ જોઈ ગયા કે જાપાનમાં બે વિજ્ઞાનીઓએ સસલાના કાનમાં ડામર સતત ઘસ્યા કર્યો. ત્યારે ત્યાં કેન્સર થયું. આંતરડામાં ખાસ કરીને મોટા આંતરડામાં કબજિયાતના કારણે મળ સાથે રહેતા કેન્સરના દ્રવ્યો જ ત્યાં કેન્સર કરી શકે છે. જુના જમાનામાં મલ્લયુદ્ધો બહુ થતા ત્યાં કેન્સર થતું જોવા મળતું એટલે ચોક્ક્સ ભાગ પર મુઠ્ઠી મારી શકતો એટલે મુઠ્ઠીના પ્રહારો જેમાં વધુ થતાં ત્યાં કેન્સર થતું જોવા મળતું એટલે આયુર્વેદમાં મુષ્ટિપ્રહારનો ઉલ્લેખ છે. કહેવાની ભાગ્યેજ જરૂર છે કે આજે ધરતી પર કોલસા-સળગતા રાખતાં થતું ‘કાંગરી કેન્સર’ જે કાશ્મીરના ગરીબ પ્રજાજનોમાં થતું જોવા મળે છે. ધોતી કેન્સર, કછોટા કેન્સર એ આ સતત પીડા પામતા અંગોમાં થતા કેન્સરનાં ઉદાહરણો છે. તો મોઢામાં તમાકુ ભરી રાખતાં કે સોપારીનો ડુચો ભરી રાખતાં, જોવા મળતાં કેન્સર વધુ ધુમ્રપાનથી થતાં કેન્સર પણ આ ‘સતત પીડન’નાં ઉદાહરણો છે.

      બીજું ઉદાહરણ પ્રદુષ્ટ આહાર-પેયનું છે. પ્રદુષ્ટ એટલે પોલ્યુટેડ. અનાજ, ફળો, શાકભાજી કે માંસ પ્રદુષિત હોય તો પણ કેન્સર થઈ શકે છે. તે વાત આયુર્વેદમાં હજારો વર્ષથી પ્રચલિત છે. હા, અન્ય ખાદ્ય સામગ્રી કરતાં માંસ જો પ્રદુષિત હોય તો કેન્સરનું જોખમ વધે છે. એટલે ત્યાં ‘પ્રદુષત માંસસ્ય’ શબ્દ વાપરવામાં આવ્યો છે. પ્રદુષિત કેવો કાળો કેર વર્તાવે તે તો તમે ‘મેડ કાઉ-ગાયો’ના કિસ્સામાં વાંચ્યું હશે ? આ માટે યુરોપ કંટ્રીમાં હજારો ગાયોની કત્લ કરવામાં આવી હતી. અને લોકો-માંસાહારીઓ માંસ ખાતા થરથરી ગયા હતા.

      ત્રીજું કારણ માંસાહારનો વધુ પડતો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. કહેવાની જરૂર નથી કે માંસમાં રેષા હોતા નથી. એટલે તેમાં જો પ્રદુષણ જમા થયું હોય તો આહારની સાથે તે પુરેપુરું શોષાઈ જાય છે. જ્યારે અનાજમાં છોડા, રેસાઓ હોવાના કારણે તે મોટાભાગે મળ માર્ગે નીકળી જાય છે. એટલે વધુ માંસાહાર, વધુ કેન્સર એવું સૂત્ર બતાવી શકાય. તમે રોજ છાપાઓમાં વાંચો છો કે પશ્ચિમના દેશોમાં શાકાહારીઓનું પ્રમાણ વધતું જાય રે. તેઓ કેન્સરથી બચવા માંગે છે. આયુર્વેદમાં આ કારણને ‘માંસ પરાયણ’ શબ્દથી નવાજ્યો છે. બોલો છે ને ગાગરમાં સાગર ?

      હવે શું તમે એમ માનવા તૈયાર થશો કે કેન્સર શબ્દ અને તેનાં કારણો સૌ પ્રથમ હીપોક્રેટસએ બતાવ્યાં હતાં ? આજે કોઈ ઓકોલોજિસ્ટ-કેન્સર નિષ્ણાતને પૂછો કે હીપોક્રેટસ અને ગેલન દ્વારા બતાવવામાં આવેલ કારણો કેટલાં વૈજ્ઞાનિક છે ? તો કહેશે કે સહેજ પણ નહીં ? અને સામે પક્ષે સુશ્રુત દ્વારા બતાવવામાં આવેલ કેન્સરનાં તદ્દન સૂત્રાત્મક કારણો આજે પણ એટલાં જ વૈજ્ઞાનિક છે. હવે જો હીપોક્રેટસને ફાધર ઓફ મેડિસિન્સ કહેવા હોય તો સુશ્રુતને કોના ફાધર કહેશો ? યાદ રાખો હીપોક્રેટસનો ગાળો અઢી હજાર વર્ષ પહેલાં છે, સુશ્રુતનો સમય ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાંનો છે. ટૂંકમાં ઓગણીસમી સદીનો અંત અને વીસમી સદીની શરૂઆત પહેલાં આજના શ્રેષ્ઠ ગણાતા કેન્સરવિજ્ઞાન પાસે કેન્સર કેમ થાય છે તે ખબર નહોતી. જ્યારે આયુર્વેદવાળાઓને હજારો વર્ષ પહેલાં કેન્સરના કારણોનું વૈજ્ઞાનીક જ્ઞાન હતું. અને બીજું કેન્સર અને અન્ય રોગના જે ચાર કારણો-મ્યુક્સ, યલો બાઈલ, બ્લેક બાઈલ અને બ્લડ બતાવવામાં આવ્યાં છે, તે કેન્સરની દ્રષ્ટિએ અપ્રસ્તુત હોવા છતાં કહેવું જોઈએ કે તે પણ આયુર્વેદે બતાવેલ ચાર કારણોની જ વાત છે. આરબો દ્વારા અને ભારતીય ક્ષત્રિયો દ્વારા આ જ્ઞાન ગ્રીક પ્રજાને થયું હતું તેનો આ પુરાવો છે.

      કેન્સરના કારણ અંગે હવે જો તમારો કોઈ પ્રશ્ન બચ્યો હોય તો એક જ બચ્યો હોઈ શકે કે અમે અમારા વ્યવહારમાં કેન્સર કરનારાં કેટલાં કારણોથી બચીએ તે બતાવો. તમારે કેન્સર કરનારાં કારણોથી બચવું છે ? શક્ય જ નથી. હા, શહેર કરતાં ગામડાવાળાઓને માટે થોડો બચાવ છે. બાકી અમેરીકન લેખકના શબ્દો યાદ કરો, તેણે કેન્સર કરનાર દ્રવ્યોથી બચવું હોય તો ‘શ્વાસ લેવાનું બંધ કરો, ખાવા-પીવાનું બંધ કરો અને બહાર જવાનું બંધ કરો’ શું આ શક્ય છે ? લગભગ અશક્ય છે, છતાં—

–          જેટલું વાતાવરણ વધુ ખુલ્લું તેટલું પ્રદુષણ ઓછું.

–          શહેરમાં બહાર નીકળો તો રીક્ષાના, સ્કુટરના અને ડીઝલવાળા વાહનોના ઘૂમાડા માત્ર કેન્સરનાં ઘર છે.

–          ઘરમાં વપરાતા ટૂથપેસ્ટ અને પ્લાસ્ટિકના બ્રશો કેન્સર કરી શકે છે.

ડીટરજન્ટ અને તેની બનાવટોવાળી બધી જ કોસ્મેટિક્સ આઈટમ કેન્સર કરે છે. એર ફ્રેશનરથી માંડીને ફ્રીઝ કોઈથી, તમો બચી શકો તેમ નથી.

–          સિગારેટ, બીડી, તમાકુ, ગુટખા, બહુ પાન, બહુ સોપારી કેન્સર કરે છે.

તમે ખાઓ છો તે અનાજ, શાકભાજી, દૂધ, ઘી બધામાં પ્રદુષણ કરનારાં તત્વો આવી ગયાં છે. તમે ખાઓ છો તે અનાજ, શાકભાજીઓ ફર્ટિલાઈઝર નાંખીને ઉછેર્યા હશે. તમે વાવેલા ફળો આજ ફર્ટિલાઈઝરથી ઉછેર્યા હશે તો કેન્સર કરશે. છાણિયું ખાતર નહીં કરે. તમે જો જંતુનાશક દવાઓ આ શાકભાજી, ફળો અને અનાજ પર છાંટ્યા હશે તો કેન્સર કરશે અને માંદગીમાં તમે જે દવાઓ સ્ટ્રેપ્ટોમાઈસીન, ક્લોરોફેનિકોલ, એનાલ્જેસિક કે ટ્રાંકવિલાઈઝર લેતા હો તો તે પણ કેન્સર કરી શકે છે.     

‘કેન્સલ’ કરનાર તરીકે ઓળખાતું દરદ !

કેન્સર

–    રાજવૈદ્ય એમ. એચ. બારોટ

પરિચય – કેન્સરની ઓળખ આપવી હવે જરૂર નથી. આ રોગના નિષ્ણાતો બતાવે છે તેમ હવે તે ‘કેન્સલ’ નથી રહ્યું. તે વાત પણ ખોટી જ છે. તે હજુ એટલું જ બળવાન છે. તેનો પહેલો પુરાવો છે, તેનું દશ મારક રોગોમાં ટકી રહેલું બીજું સ્થાન. દશ મારક રોગોમાં થોડા વરસ તે નવમા સ્થાને રહ્યું અને ઘણા વર્ષાથી તે બીજા સ્થાને છે. દર વર્ષે છ લાખ રોગીઓ મરે તે કંઈ ઓછું કહેવાય ? આજે અઠ્યાવીસ લાખ જેટલા કેન્સરના રોગીઓ છે. જેમાં દર વર્ષે ૬ લાખ નવા ઉમેરાય છે.

કેન્સર માટે વપરાતા જુદા જુદા શબ્દો –

કેન્સર, કેર્સિનોમા, ટ્યુમર, નીઓપ્લાઝમ, ન્યુગ્રોથ જેવા શબ્દો કેન્સરના જ પર્યાય તરીકે વપરાય છે. આમા ટ્યુમર ગાંઠ માટે વપરાય છે. જ્યારે બાકીના શબ્દો કેન્સરના જ પર્યાયો છે. કેન્સર બહુ પ્રચલિત છે. તેથી ડૉક્ટરો દર્દી ન ભડકે તે માટે કાંતો સી.એ. (કેન્સરનું ટૂંકુ નામ), કાર્સિનોમાં જેવા શબ્દો વાપરે છે. કેન્સર લેટિન શબ્દ છે. જ્યારે કાર્સિનોમાં ગ્રીક શબ્દ છે. જેનો બીજો અર્થ ‘કરચલો’ થાય છે. હીપોક્રેટસના વખતથી (અઢી હજાર વર્ષ પહેલાં) આ શબ્દ વ્યવહારમાં છે. પણ તેને કરચલાના અર્થમાં કેમ વાપર્યો તે બહુ સ્પષ્ટ નથી. હજી કેટલાક નિષ્ણાતો તેના બે અર્થ સ્વીકારે છે. કરચલાની જેમ કેન્સર બધી બાજુ પગ પેસારો કરી શકે છે-આગળ વધે છે. અને કરચલો પોતાના શિકારને પકડે તેને છોડતો નથી. ટ્યુમર એટલે ગાંઠ તે સાદી ગાંઠ હોઈ શકે અને કેન્સરની ગાંઠ પણ હોઈ શકે.

કેન્સર રોગ નવો કસ જૂનો ?

      વિજ્ઞાનની ઘણી શોધોમાં ભારતે મદદ કરી છે. આપણા વેદો, સંહિતાઓ અને આયુર્વેદ જેવા આરોગ્યના ગ્રંથોએ આમાં બહુ જ મદદ કરી છે. પણ તેઓનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં મેક્ષમુલર જેવા ‘વેદ ઋષિએ’ તેના પત્નીને લખેલ પત્રમાં એમ જણાવ્યું છે કે હિન્દુઓની પ્રાચીનતા નષ્ટ કરવા મેં મારાથી બનતું કર્યું છે, બાકીનું કામ ચર્ચ કરશે. આ શું બતાવે છે કે તમે જેને શ્રેષ્ઠ માનવ ગણતા હોય તે પણ તમારી સાથે અભદ્ર વર્તન કરી શકે છે. આજનું મેડિકલ સાયન્સ પશ્ચિમની જ દેણ હોવાથી તેઓ જે કોઈ નવો રોગ જાહેર કરે તે તેમની જ શોધ છે. તેવું પુરવાર કરતા હોય છે. મતલબ, તે નવો જ રોગ છે. જુના જમાનામાં આ રોગ ન હતો. કેન્સરે આ ચાલાકી પકડી પાડી. નૃવંશ શાસ્ત્રીઓ અને પુરાતત્વવિદોએ શોધખોળથી એમ પુરવાર કર્યુ કે કેન્સર માનવજાત જેટલો જૂનો છે. ઈજિપ્તની મમીઓમાં તે જોવા મળ્યો. અશ્મિભૂતોમાં તે જોવા મળ્યો. એટલે કેન્સરમાં તો એમ કહી શકાયું નહીં કે તે અત્યારના દિમાગની શોધ છે.

      જુના જમાનામાં કેન્સર ‘અર્બુદ’ કરીકે ઓળખાતું. તે અર્બુદ કેમ કહેવાતું તે આપણે આગળ ઉપર જોઈશું. અત્યારે એટલું કહેવું પૂરતું છે કે અર્બુદ શબ્દ કેન્સર કરતા અનેકગણો વૈજ્ઞાનિક છે.

કેન્સર કરનારાં વિવિધ કારણો –

કેન્સર કરનારાં કારણો એટલાં બધાં છે કે તેનું વર્ણન કરવું પડે. આ કારણો માત્ર બહારનાં જ નથી. અંદરનાં કારણો એટલાં બધાં છે કે તેને નજર અંદાજ કરી શકાય નહીં. તેનું મહત્વ બહારનાં કારણો જેટલું છે.

ઓંકોલાજી-કેન્સર વિજ્ઞાનમાં કારણોની ચર્ચા, સૌ પ્રથમ હીપોક્રેટસના સમયથી કરવામાં આવી છે. આ કારણોને આજનું કેન્સર વિજ્ઞાન તદ્દન નકામા ગણે છે અને આ કારણો આયુર્વેદમાં બતાવેલાં સામાન્ય કારણોમાંના છે. હીપોક્રેટસ માને છે કે કેન્સરનાં ચાર કારણો છે. એક બ્લેક બાઈલ (વાયુ), યલોબાઈલ (પિત્ત), મ્યુક્સ (કફ) અને બ્લડ (લોહી). આયુર્વેદમાં સુશ્રૃતે રોગ થવા માટે આ કારણોને સ્વીકાર્યા છે. બાકી આયુર્વેદમાં દરેક રોગનાં નજીકનાં અને અંદરના કારણો ત્રણ દોષો છે જ. હીપોક્રેટસ દવા વિજ્ઞાનના પિતા ગણાય છે – ફાધર ઓફ મેડિસીન અને ડૉક્ટરો તેમના નામના સોંગદ લઈને વ્યવસાય કરે છે.

કેન્સરનાં કારણોનો વૈજ્ઞાનિક અભ્યાસ નિષ્ણાતોના મતે: અત્યારના કેન્સરનો પ્રાથમિક અભ્યાસ ઈ.સ. ૧૭૭૫માં એક ઈંગ્લીશ ફીજીશીયને શરૂ કર્યો. આ ફીજીશીયનનું નામ હતું મિ. પાર્સિવલ પોટ. તેમણે ચીમની સાફ કરનેર પુરૂષના વૃષણોમાં અને સ્ત્રીઓના ગુહ્યાંગના બહારના ભાગમાં થતું જોવા મળતું ચામડીનું કેન્સર જોયું. તેણે એ પણ જોયું કે તે ભાગ મેશથી સતત આવૃત હતો. અહીં યાદ રાખવું રસપ્રદ થઈ પડશે કે અઢારમી સદીના અંતમાં ઠંડીથી બચવા યુરોપ કુટીરમાં લાકડાં વાપરતાં. આ ધૂમાડો બહાર કાઢવા તેના પર ચીમનીઓ ગોઠવવામાં આવતી અને તેને વારંવાર સાફ કરવામાં આવતી. શ્રી પોટે કેટલાક પ્રાણીઓ પર આ મેસ ઘસીને કૃત્રિમ કેન્સર ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો.

પણ ૧૯૧૮માં જાપાનના બે નિષ્ણાતો મિ. યામાગિવા અને ઈચિકાવાને સફળતા મળી. તેઓએ ડામર દ્વારા સસલાના કાન પર કેન્સર ઉત્પન્ન કર્યું. એડલું જ નહીં રોટંજનની એક્સ-રેની શોધ પછી, આ કેન્સર કરનાર એક વધુ શોધ હાથ લાગી. એક્સરેના કિરણો દ્વારા કેન્સર થાય છે. તેવી જાણકારી ૧૯૧૪માં થઈ. વિચારો ૧૮૯૫માં એક્સરેની શોધ થઈ અને તેના દ્વારા ૧૯ વર્ષ પછી જાણ થઈ કે તે તેના વાપરનાર – રેડિયોલોજિસ્ટ અને રેડિયો ટેકનિશ્યનોમાં કેન્સર કરે છે. તેવી જાણ થઈ. ૧૯ વર્ષ દરમ્યાન બિચારા કેટલા બધા આ રોગનો ભોગ બન્યા હશે ?

પછી તો રસાયણોની કેન્સર કરવાની ચાલાકી જલ્દી પકડાઈ ગઈ. આજ સુધીમાં હજારો કાર્સિનોજન્સ-કેન્સર કરનારાં કેમિકલ્સની જાણ થઈ. અત્યારે તો એવું કહેવાય છે કે અત્યારે આપણે કેન્સર કરનારા દ્રવ્યો-કાર્સિનોજન્સના મહાસાગરમાં જીવી રહ્યા છીએ. અમેરિકન લેખક બી. ગ્લેમરસ લખે છે. આ યુગમાં કોઈ ચમત્કાર જ આપણને કેન્સરમાંથી બચાવી શકે. તે કહે છે, એકજ રસ્તો છે કેન્સરથી બચવાનો. તમારે શ્વાસ લેવાનું બંધ કરવું-કારણકે હવામાં આ દ્રવ્યો છે. તમારે ખાવાનું બંધ કરવું પડે-કારણકે ફર્ટિલાઈઝર અને જંતુનાશકો કેન્સર કરનાર છે અને તે આપણા ખોરાકમાં હોય છે અને લોકોએ પોતાના મકાન બહાર પગ મૂકવો ન જોઈએ. કારણ કે બધે જ કેન્સર કરનારા અંશો છે. આજે વ્યવહારમાં વપરાતી બધીજ વનસ્પતિજન્ય દવાઓ સિવાયની દવાઓ-હવે વિજ્ઞાનીઓની દ્વષ્ટિએ શંકાસ્પદ છે.

      ટૂંકમાં કેન્સર અંગે-તેને કરનારાં કારણો અંગે કહેવું હોય તો એમ કહી શકાય કે-

-તે જુદા-જુદા બહારના રસાયણોથી થાય છે. વ્યવહારમાં વપરાતી ઘણી દવાઓ તેમાં છે. અરે કૃત્રિમ રીતે બનતી-સીન્થેટીક બી-કોમ્પલેક્ષની ગોળી પણ શંકાસ્પદ બની શકે.

-સૂર્યના કિરણો, એક્સરેના કિરણો જેવાં પણ વધુ સેવન કરવામાં આવે તો કેન્સર કરે.

-અંદરના કારણો જેવાંકે ચરબી, પિત્ત, બધાજ હોર્મોન્સ-જેમકે પ્રોજેસ્ટીરોન, ઈસ્ટરોજન, ટેસ્ટોસ્ટીરોન વગેરે એટલે જ ગર્ભનિરોધક ગોળીઓ કેન્સર કરી શકે.

-વિષાણુઓ કેન્સર કરે છે. કેટલીક ગ્રંથીઓનાં કેન્સર વાયરસજન્ય માનવામાં આવે છે.

-હેરીડીટરી અથવા વારસો કેન્સરમાં ભાગ ભજવતો જોવા મળે છે.

-ગર્ભપત ખામી-કેટલાક બાળકોમાં ગર્ભાવસ્થાનો મૂળ કોષ એકાદ સ્થળે પડ્યો રહી કેન્સર કરે છે.

      હવે આપણે એ જોવાનું રહે છે કે આયુર્વેદમાં કેન્સર હજારો વર્ષથી ‘અર્બુદ’ તરીકે પ્રચલિત છે. તો શું ત્યારે અર્બુદનાં કારણો આયુર્વેદમાં આવાં જ બતાવ્યાં હતાં કે સમય પ્રમાણે જુદાં જ હતાં ? પ્રશ્ન અત્યંત વ્યાજબી છે. આપણે આનો જવાબ આપવાનો જ રહ્યો.

      કેન્સર-અર્બુદના કારણો આયુર્વેદમાં બે રીતે આપ્યાં છે. સામાન્ય કારણો અને વિશેષ કારણો. કેન્સર જગ્યાથી ઉચો ઉઠનાર રોગ છે. આયુર્વેદમાં આને ઉત્સેધ પ્રધાન રોગ કહેવામાં આવે છે. જ્યાં જ્યાં સોજાના રૂપમાં ઉંચો થતો હોય તે સોજાના વર્ગમાં જાય. જુદી-જુદી ગાંઠો, પેટની અંદરની ગાંઠો, પેટમાં પાણી ભરાવું, હાથપગના સોજા, કાકડા, ગળામાં બહાર દેખાતી ગાંઠો અને કેન્સર સોજાના વર્ગમાં આવે. તમને થશે કે જુના જમાનામાં લોકોને કેન્સર અંગે પુરતું જ્ઞાન નહીં હોય માટે આમ કર્યુ હશે. ના મિત્રો ! વાત આમ નથી. કેન્સર મૂળ સોજાનો જ રોગ છે. તેનો પુરાવો તો આજનું કેન્સર વિજ્ઞાન પણ આપે છે. તમે જાણો છો કેન્સર વિજ્ઞાનનું અસલ ટેકનિકલ નામ શું છે ? જાણો છો ? ઓકોલોજી. આ ગ્રીક શબ્દ, બે શબ્દોના જોડાણથી બન્યો છે. ‘ઓગકોઝ’ વત્તા ‘લોગસ’. ઓગ્કોઝ એટલે શોથ-સોજા અને લોગસ એટલે વિજ્ઞાન. ઓકોલોજી એટલે શોથનું વિજ્ઞાન. છેને આયુર્વેદનો શ્રેષ્ઠ વિચાર ?

      સોજાના અનેક કારણો બતાવવામાં આવ્યાં છે. કેટલાક ખોરાકો છે, કેટલાક વિરૂદ્ધ ખોરાક ભેગા ખાવાની વાત છે, કેટલાક રોગો છે. આ બધા અંદરના કારણો કહેવાય. આમાના થોડા પણ આપણે જોઈએ તો જણાશે કે તેઓ-આયુર્વેદ વૈજ્ઞાનિકો આમાં કેટલા બધા ઉંડા ઉતર્યા હશે, તેની જાણ થાય છે.

      એકા એક વધુ ખાટો રસ ખાવોએ એક સોજાનું કારણ છે. વિજ્ઞાને આજે પુરવાર કર્યુ છે કે જો વિટામીન-સીનો ડોઝ ૫૦૦ મિ.ગ્રા.થી વધુ લેવામાં આવે તો લાંબા ગાળે કેન્સર કરે છે. ખોરાકમાં લેવાતા લીલા પદાર્થો તદ્દન કાચા સ્વરૂપમાં હોય, તો તે સોજા-કેન્સર કરી શકે છે. એક સંશોધન એવું છે કે આફ્રિકામાં કલેજા-લિવરનું કેન્સર વધુ જોવા મળે છે. તેનું કારણ મગફળી છે. આ મગફળીના પોપટાઓ કાચાં હોય અને ખાવામાં આવે તો તેમાં એક વિશેષ ઝેર હોય છે. જે લિવરનું કેન્સર કરે છે. એટલે આયુર્વેદમાં બધા ફણગાવેલા (વિરુદ્ધ) ધાન્ય ખાવાની મનાઈ છે. ત્રીજી બાબત છે, વધુ બળેલા ખોરાક ખાવાની કેટલાકને બળેલી ખીચડી, બળેલો હાંડવો, બળેલી (ભાખરી) ખાવામાં મજા આવે છે. પણ તે કેન્સર કરે છે. વ્યવહારમાં તો વિજ્ઞાન-કેન્સર વિજ્ઞાન અમ કહે છે કે તમારા હાથમાં આવેલ તલમાં પણ કેન્સર થઈ શકે. આમ, આયુર્વેદમાં બતાવવામાં આવેલ સોજાના ઘણા કારણો વાસ્તવમાં કેન્સર કરનાર તરીકે જોવા મળે છે.

      તમારે માત્ર કેન્સરનાં જ કારણો જાણવાં છે ને ? આપણે સોજાના કારણોમાં કેન્સર કરનારા કારણો જોયાં પણ આયુર્વેદમાં માત્ર કેન્સરના કારણો પણ બતાવવામાં આવ્યાં છે. મુખ્ય ત્રણ કારણો છે. ૧. કોઈ સ્થળે સતત ઘર્ષણ-પીડન થ્તું રહેતું હોય. ૨. પોલ્યુટેડ આહાર અને પીણાંઓ ૩. સતત માંસ ભક્ષણ. આ ત્રણ કારણો જ કેન્સર વિજ્ઞાનમાં-ઓકોલોજીમાં મુખ્ય બતાવવામાં આવ્યા છે.

(અપૂર્ણ)

અડદ શક્તિપ્રદ ખરા પણ… …

અડદ વિષે આટલું જાણો

સ્વ. શ્રી શોભન

        શિયાળામાં સહજ રીતે આપણો જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત બને છે. ત્યારે અડદ સહેલાઈથી પચાવી શકાતા હોવાથી, ઉપરાંત તે ગરમ, બળવર્ધક, મૂત્રલ અને પિત્તકર હોવાથી અને ખાસ કરીને તો પૌષ્ટિક હોવાથી ખાવાની પ્રથા છે. શિયાળામાં અડદનો ઉપયોગ સવિશેષ રૂપે અડદિયાપાક દ્વારા કરવામાં આવે છે. શુદ્ધ ઘી અને સૂંઠ, ગંઠોડા, પીપર, જાયફળ જેવા પાચન અને સ્તંભન મસાલા ઉમેરીને તેને વધુ સુપાચ્ય બનાવવામાં આવે છે. અને સવારે એક નાનો અડદિયો લાડુ પાચનશક્તિ પ્રમાણે ખાવામાં આવે છે. જેને માફક આવે તેને બાર મહિનાની શક્તિ પ્રદાન કરવાનું કામ આ અડદિયો પાક કરે છે. ખેડૂતો, મજૂરો, ખૂબ ઠંડી પડતી હોય તેવા પ્રદેશના રહેવાસીઓ વગેરે માટે તો ખૂબ અનુકૂળ પૌષ્ટિક આહાર ગણી શકાય. કૌંચાપાકનું શિયાળામાં મહત્ત્વ સર્વવિદિત છે, જ્યારે આ અડદમાં પણ કૌંચાને મળતા વૃષ્ય અને શુક્રવર્ધક ગુણ હોવાથી ઘરગથ્થુ રૂપે અડદિયોપાક સહજપ્રાપ્ય અને સોંઘો પડે.

છતાં સાવધાન !

આવા સારા ગુણ છતાં મગ-તુવેરની જેમ આયુર્વેદે તેને રોજના ખોરાકમાં લેવા સામે ચેતવણી આપી છે. કઠોળમાં હીનગુણવાળા ગણાવી તેનો ક્યારેક જ ન છૂટકે ઉપયોગ કરવાનું કહ્યું છે. અને તે પણ વાયુના રોગોમાં લસણ, તલતેલ, હિંગ વગેરે મેળવીને.

વાયુ પ્રકૃતિમાં તે કદાચ હંમેશા હિતાવહ નીવડે ખરા. અડદ ભારે, ચીકણા, મધુર, જડ, દુર્જર વગેરે ગુણવાળા હોવાથી પિત્ત કરનારા છે. વળી તે નિદ્રાપદ હોવાથી, બુદ્ધિને મંદ કરનારા હોવાથી બુદ્ધિજીવીએ તેનો વધુ ઉપયોગ કરવા જેવો નથી. શુક્રવિરેચક અને વિષયેચ્છાને વધારનારા હોવાથી વિદ્યાર્થી, બ્રહ્મચારી, સાધુ, સન્યાસી, તપસ્વીઓ વગેરે માટે આહારમાં તેને વર્જ્ય ગણાવ્યા છે. ઊંઘણશી, મેદસ્વી, આળસુ, કામી લોકો તેમજ સ્વપ્નદોષ કે શુક્રસ્રાવના દરદીએ અડદ ન ખાવા. અજીર્ણ-મંદાગ્નિના દરદી અડદ ખાય તો આફરો ચડતો હોય છે. પિત્તલ હોવાથી તેના વધુ સેવનથી સ્વભાવમાં ગુસ્સો પણ આવતો હોય છે. દૂધ, ગોળ અને મૂળા સાથે અડદ વિરુદ્ધ હોવાથી તેવો વિરુદ્ધ આહાર લેનારને ચામડીના રોગો વગેરે ઘણા રોગો પેદા થાય છે.

 

આપણાં બે અતિ કિંમતી શાક

ઠંડુ પૌષ્ટિક શાક દૂધી

– સ્વ. શ્રી શોભન

પ્રવર્તમાનમાં શાકો વધુ ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે, પણ આયુર્વેદીય દૃષ્ટિકોણથી બધાં જ શાકો પથ્ય નથી. મોટા ભાગના શાકો રૂક્ષ, વાયુકારક, વિષ્ટંભી (મળને રોકનારા) વગેરે ગુણવાળાં છે. ભાવપ્રકાશ સંહિતાનો શાક વર્ગનો આ શ્લોક સૌએ યાદ રાખવા જેવો છેઃ

પ્રાયઃ શાકાનિ સર્વાણિ વિષ્ટંભીનિ ગુરુણિ ચ ।

રૂક્ષાણિ બહુવર્ચાંસિ સૃષ્ટવિણ્મારુતાનિ ચ ।।

ઘણું કરીને બઘાં જ શાકો (રીંગણ, પરવળ, સરગવો, તાંદળજો, જીવન્તી વગેરે અપવાદ છે.) કબજિયાત કરનારાં, ભારે, રૂક્ષ, મળને વધુ ઉત્પન્ન કરનારાં અને વાયુ કરનારાં છે.

આવા ગુણવાળાં શાકો આપણા પૂર્વજો ન છૂટકે વાપરતાં. મગની દાળ, દૂધ, છાશ વગેરે રોટલી-રોટલા સાથે લેતા અને પથ્ય શાકોમાં પરવળ, તાંદળજો, કૂણાં રીંગણ, જીવન્તી (દોડી), કૂમળા મૂળા વગેરે મળે ત્યારે રોજ લેવાનો આગ્રહ રાખતાં. પરંતુ ક્યારેય પણ તે સિવાયનાં શાકભાજી લેતાં તો ઉપરોક્ત ગુણ હાનિ ન કરે તે માટે ઘી, તલતેલ, લસણ, હિંગ, કોકમ, રાઈ, મેથી, સિંઘવ, મીઠો લીમડો, કોથમરી, આદું, ગોળ, ખાંડ, લીંબુ વગેરે નાખીને શાક વઘારવાની કે બનાવવાની તેમણે યુક્તિ કરી, જેથી તે વાયુ કરવાનો, કબજિયાત કરવાનો, રૂક્ષતા પેદા કરવાનો દુર્ગુણ ન કરી શકે.

સર્વત્ર બારેમાસ મળતી અને સાજામાંદા માટે નિર્દોષ મનાતી દૂધીને આયુર્વેદે સદાપથ્ય આહારમાં ગણાવેલી ન હોવા છતાં રોજ લઈ શકાય તેવી છે. પ્રાચીન યુગથી લખાયેલા નિઘંટુઓમાં તેના ગુણનું વર્ણન છે. તેનું મૂળ સંસ્કૃત નામ છે ‘દુગ્ઘતુમ્બી’ તેના ઉપરથી મીઠી દૂધી, ધોળી દૂધી, દૂધીનું તુંબડું, દૂધી વગેરે નામ પડ્યા. તેને ગામડાંમાં ‘નઈ’ પણ કહેવામાં આવે છે. દૂધી પુષ્કળ થતી હોવાથી અને સોંઘી હોવાથી તેનો શાક રૂપે છૂટથી ઉપયોગ થાય છે. શાક ઉપરાંત તેનો હલવો બનાવવામાં ઘણો ઉપયોગ થાય છે. દૂધીનો હલવો કેટલાંક પરિવારમાં ખૂબ પ્રિય છે. તે ઉપરાંત કૂણી દૂધીને ખમણીને ઢોકળાં, ખમણ, કચૂંબર, થેપલાં, કઢી વગેરેમાં વપરાય છે. દૂધીનું સ્વતંત્ર શાક કરતાં બટાટા, ચણાની દાળ વગેરે સાથે વધુ ખવાય છે.

દૂધી રસમાં મધુર છે. ‘મદનપાલ નિઘંટુ’માં તેને ‘સુમધુરા’ કહી છે. મધુરતાને કારણે દૂધીમાં દૂધના જેવા મધુર રસના કેટલાક ગુણ હોવાથી તે ઠંડી છે. ‘શોઢલ, નિઘંટુ’માં તેને ‘અતિ શીતલા’ કહી છે તેથી ગરમીવાળા, ગરમીના રોગો અને ગરમ ઋતુ માટે તે માફક આવે છે. તે અતિ શીતલા હોવાથી જે પિત્તજ્વરમાં તાવનું પ્રમાણ વધી જાય છે ત્યારે દૂધી ખમણીને તેનાં પોતાં મૂકવામાં આવે છે. બરફના અભાવે તે સારું પરિણામ લાવે છે. ગરમીની આંખો દુખતી હોય ત્યારે તેને ખમણીને પાટા બાંધી શકાય. હાથ-પગનાં તળિયામાં કે તાળવે બળતરા થતી હોય ત્યારે તેનો રસ ચોપડી શકાય કે ખમણીને બાંધી શકાય. મધુર હોવાને કારણે દૂધી શીતળ છે. ઉપરાંત તે પૌષ્ટિક, ધાતુવર્ધક, બળપ્રદ, ગર્ભપોષક અને વૃષ્ય છે. ગરમીને કારણે જેમનું શરીર વધતું ન હોય, વજન ઘટતું હોય, અશક્તિ જણાતી હોય તો સારું પાચન હોય તેવી વ્યક્તિએ દૂધ અને ખાંડમાં બનાવેલો દૂધનો હલવો છૂટથી ખાવો જોઈએ. સગર્ભાવસ્થામાં ગર્ભને પોષણ મળે તે માટે દૂધીનો હલવો, દૂધીનું શાક વગેરે વધુ લેવાં જોઈએ. જાતીય નબળાઈવાળા પુરુષો પણ દૂધીનો હલવો લે તે હિતાવહ છે. દૂધી બાફીને તેનો સૂપ પણ છૂટથી લઈ શકાય. દૂધી હ્રદ્ય ગુણવાળી હોવાથી હ્રદય રોગીઓએ પણ તેનો ઉપયોગ કરવો સારો. ‘રાજ નિઘંટુ’ વગેરેમાં તેને ‘ઘાતુપુષ્ટિવિવર્ધનમ્’ કહેલી હોવાથી બાળકોને તેનો હલવો આપવો સારો. શરદી-કફ ન હોય તેવાં બાળકોને નાસ્તામાં છૂટથી આપી શકાય. દૂધી રુચિકર હોવાથી કોઈ પણ શાકમાં રોજ થોડી થોડી મેળવવામાં આવે તો શાક સ્વાદિષ્ટ બને છે.

બાહ્ય ઉપયોગ રૂપે ‘દૂધીનું તેલ’ પણ વાપરવા જેવું છે. મગજની અને આંખોની ગરમીમાં, ઉનાળામાં ગરમીને કારણે ખરતા વાળમાં તે ફાયદાકારક છે. રોજ તે તેલની માલિશ કરવાથી અને નાકમાં તેનાં ટીપાં પાડવાથી મનને શાંતિ મળે છે. ઊંધ સારી આવે છે. કેટલાંક લોકો દૂધીને બુદ્ધિવર્ધક માનતા હોવાથી તેના તેલમાલિશથી બુદ્ધિને લાભ પણ મળે છે.    

સર્વોત્તમ શાક – પરવળ

        ખાસ કરીને ચોમાસામાં અને હંમેશા વધુ પડતાં શાક ન ખાવાની આયુર્વેદે સૂચના કર્યા પછી પરવળ, ખરખોડી-ડોડી (જીવન્તી), મેથી, સરગવો, સુવા, કુમળા મૂળા, તાંદળજો, ગલકાં, કંકોડા, રીંગણ, સૂરણ વગેરે શાક-ભાજીને વિવેકપૂર્વક હંમેશા અપનાવવાનું સૂચવ્યું છે. તેમાંય તે પરવળ પ્રત્યે તો સવિશેષ પક્ષપાત વ્યક્ત કર્યો છે. ‘હંમેશા કયા આહારદ્રવ્ય ખાવા હિતાવહ છે ?’ તેના જવાબમાં ફળશાકમાં કેવળ પરવળનું નામ આપવામાં આવયું છે. પરવળને અવારનવાર નિત્ય પથ્ય, સદા પથ્ય અને પરં પથ્ય પણ કહ્યાં છે. પરવળની આટલી બધી પ્રશંસા પાછળ આયુર્વેદની ગુણગ્રાહ્યતા છે. પરવળની એવી સુંદર ગુણસંયોજના થઈ કે તેના વખાણ કરીએ તેટલા ઓછા.

            પરવળનો સર્વોત્તમ સદગુણ તો છે તેની ત્રિદોષશામકતા. પરવળ મધુર હોવાથી પિત્તનું શમન કરે છે. સ્નિગ્ધ, મધુર અને ઉષ્ણ હોવાથી વાયુનું શમન કરે છે. લઘુ અને ઉષ્ણ હોવાથી કફનું શમન કરે છે.

        ઉપરાંત તે લઘુ હોવાથી જલ્દી પચી જાય છે અને અન્ય આહારને પચવામાં મદદ કરે છે. એટલે કે તે પાચક ગુણવાળાં છે. ઉષ્ણ હોવાથી તે દીપન ગુણવાળાં એટલે કે ભૂખ લગાડનારાં છે. મંદાગ્નિવાળા કે માંદા માણસો માટે એ રીતે એ ખૂબ માફક આવે છે.

        પરવળમાં હ્રદ્ય ગુણ હોવાથી તેનું હંમેશા સેવન કરવાથી હ્રદયરોગ સામે રક્ષણ મળે છે. અને હ્રદયરોગી તેનું નિત્ય સેવન કરે છે તો તે રોગ મટાડવામાં મદદ કરે છે. પરવળ વૃષ્ય હોવાથી જાતીય નબળાઈવાળા પુરુષો તેનું રોજ સેવન કરી શકે છે. તે શુક્રધાતુને પણ વધારનારાં છે.

પરવળનું શાક ઉધરસના દરદીને ખૂબ જ લાભદાયક છે. ઉધરસ એટલે કે કાસમાં એ એટલા બધાં ગુણકારક છે કે તેનો એક આયુર્વેદીય પર્યાય ‘કાંસભંજન’ એટલે કે ઉધરસને મટાડનાર એવો છે. લોહીવિકાર એટલે કે રક્તદોષમાં મીઠું, તેલ અને મરચું નાખ્યા વિના કેવળ ધાણા, જીરું, હળદર અને મરી નાખીને શાક ખાવું હિતાવહ છે. પરવળ મધુર હોવા છતાં કૃમિના દરદી કારેલાંની જેમ કડવાં પરવળનું શાક ખાય તો વધુ ફાયદો થતો હોય છે. પરવળ મધુર, સ્નિગ્ધ અને ત્રિદોષશામક હોવાથી તેમાં વજન વધારવાનો ગુણ હોવાથી કૃષ લોકોએ તેનું ઘીમાં વઘાર કરી હંમેશા વધુ પ્રમાણમાં શાક ખાવાનું રાખવું. શરીરમાં ફીકાશ આવી હોય, પાંડુ થયો હોય તેવા દરદી હંમેશા પરવળ ખાય તો લોહી વધશે અને રંજનપિત્ત-હેમોગ્લોબીનમાં પણ વધારો થશે. જીર્ણજ્વર, પિત્તજ્વર અને વિષમજ્વરના દરદીને પરવળનું શાક પથ્ય છે. કડવાં પરવળ લેવામાં આવે તો તે વધુ પ્રમાણમાં જ્વરધ્ન ગુણ આપે છે.

        આટલા બધા ગુણવાળાં અને જેનો સંસ્કૃત પર્યાય ‘અમૃતફળ’ છે એવાં પરવળ કે જેને ગ્રામ્યજીવનમાં પંડોળા કે પટોળાં પણ કહે છે તે પરવળનું શાક રૂપે ચલણ આપણે ત્યાં ખૂબ ઓછું છે. શાકપ્રેમી લોકો માટે તે અણમાનીતું શાક છે ને શાકમાર્કેટમાં તેનું સ્થાન છેવાડે હોય છે ! ગુજરાતમાં તો મીઠાં પરવળની ખેતી પણ ખૂબ ઓછી થાય છે. આવા ગુણિયલ શાકના ગુણ વિષે વેચનારા, લેનારા કે ખાનારા કોઈને પ્રાયઃ ખ્યાલ જ નથી તે આશ્ચર્યજનક બાબત છે.

જાગ્યા ત્યારથી સવાર સમજીને હવે વાચકવર્ગ પરવળ પ્રત્યે પ્રીતિ વધારશે તો તેનું પોતાનું ચોક્કસ હિત થવાનું જ છે.

 

ચમત્કારી સૂંઠ–ગોળ !

ચપટી સૂંઠ + ગાંગડી ગોળ

– શ્રી શોભનકૃત અત્યંત વંચાયેલું પુસ્તક ‘અનુભવનું અમૃત’માંથી સાભાર

લોકભારતીના પુસ્તકાલયમાં ‘દિવ્યઔષધિ’ પુસ્તક લખી રહ્યો હતો ત્યાં અધ્યાપન મંદિરની બે બહેનો બોલાવવા આવીઃ ‘ત્રિવેણીબહેનને હેડકી આવે છે એટલે માલિનીબહેન બોલાવે છે.’

કશાં સાધન કે ઔષધ લીધા વિના ગયો. ત્રિવેણીબહેન અમદાવાદથી હેડકી સાથે લેતાં આવેલાં. ત્યાં ખૂબ સારવાર કરાયેલી પણ આરામ થયેલો નહીં. એલોપથીનાં ઔષધો સાથે હતાં પણ સવારથી હેડકીનું પ્રમાણ ઘણું વધી ગયું હતું. હેડકીમાં આખું શરીર અમળાતું હતું. વેદના ખૂબ હતી. બે-ત્રણ બહેનોએ તેમને ખોળામાં લઈ પકડી રાખેલાં. આસપાસ પંદર-વીસ બહેનો હતાં. મારા ગયા પછી ગૃહમાતા માલિનીબહેન આવ્યાં અને જોતજોતામાં છાત્રાલયની તમામ બહેનો સારવાર જોવા આવી ગયાં.

મારી એ વિદ્યાર્થીનીઓને ચિકિત્સાનું પ્રેક્ટિકલ બતાવવાની હોય તેવી અદાથી મેં કહ્યું ‘આયુર્વેદમાં તાત્કાલિક સારવાર નથી એવું માનવામાં આવે છે પણ આજે ‘સીરિઅસ’ કેસને પણ તમે જુઓ કે બે-પાંચ જ મિનીટમાં સારું થઈ જશે. અને એ પણ કેવળ તમારા છાત્રાલયની ઘરગથ્થું નિર્દોષ દવાથી જ !

છૂપી તપાસ કરી તો છાત્રાલયમાં સૂંઠ નહોતી. ગૃહમાતાને ઘેરથી લાવ્યા. ચપટી સૂંઠ અને ગાંગડી ગોળમાં થોડું પાણી મેળવી તેનાં ૪-૪ ટીપાં નાકમાં નાખ્યાં. નાખતાં જ ચમત્કાર થયો. હેડકી સદંતર બંધ થઈ ગઈ ! અર્ધી કલાક ત્યાં બેઠો પણ આવી જ નહીં.

આ સરળ, નિર્દોષ અને ઘરગથ્થું પ્રયોગ બધી બહેનોને સમજાવ્યો અને સને ૧૯૪૪માં વેદ્ય શ્રી પ્રજારામ રાવળે વઢવાણ રાજ્યના દીવાન સાહેબ શ્રી હરિભાઈ રાવળની મોટા મોટા ડૉક્ટરોથી પણ કાબૂમાં નહીં આવેલી હેડકી આ પ્રયોગથી તત્ક્ષણ સદંતર મટાડી ‘હેડકીવાળા વૈદ્ય’ નું માનવંતુ બિરૂદ મેળવ્યું હતું. તેમજ ગુજરાતના ભૂતપૂર્વ પંતપ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝાના પિતાશ્રી છોટાલાલ પીતામ્બરભાઈ ઓઝાની પણ તેમણે આ પ્રયોગથી જ હેડકી મટાડી હતી તેની વાત કરી ત્યારે તેમનો વિશ્વાસ તો સો ગણો વધી ગયો ! ત્રણ ત્રણ કલાકે આ ટીપાંનું નસ્ય આપવાની સૂચના આપી, ઘેર આવ્યો ત્યારે પ્રથમ પ્રયોગની સફળતાનો આનંદ હતો.

હેડકીની સંપ્રાપ્તિમાં કફથી આવૃત્ત પ્રાણ અને ઉદાન વાયુ મનાયા છે. તેના અનેક ઉપાયો પણ શાસ્ત્રમાં દર્શાવાયેલા છે. પરંતુ તેમાં આ ‘વિશ્વાગુડ નસ્ય’નો પ્રયોગ તો અચૂક જ છે. વિશ્વા એટલે સૂંઠ કફના આવરણને અને ગુડ એટલે ગોળ વાયુ મટાડવામાં ત્વરિત કામયાબ નીવડતો હોવાથી પાણીને બદલે જો તલતેલમાં મેળવીને નસ્ય આપવામાં આવે, થોડો છાતીએ, ગળે, નાકે અને માથે શેક કર્યા પછી નસ્ય આપવામાં આવે તો વધુ ફાયદો થતો હોય છે. હેડકીના કેટલાક જીર્ણ યા ઉગ્ર દરદીમાં કબજિયાત, પ્રતિલોમ વાયુ કે ઉદાવર્ત કારણભૂત હોય છે ત્યારે સ્નિગ્ધ બસ્તિ, એરંડતેલ કે દશમૂલતેલની પિચકારી અથવા અરંડતેલ કે હરડે-મૌખિક આપવાથી તે ફરી થવાની શક્યતા દૂર થઈ જાય છે.

नागरं गुडसंयुक्त हिक्काध्नं नावनं परम् । સૂંઠ અને ગોળ મેળવેલું નસ્ય પરમ હિક્કાનાશક છે. તે સૂત્ર કેવળ વૈદ્યોએ જ શા માટે; તમામ લોકોએ તક મળે ત્યારે અનુભવવા જેવું તો છે જ.  

 

વિશ્વખ્યાત ઓષધ: અશ્વગંધા

અશ્વગંધા

(સ્વ. નરહરિભાઈ ભટ્ટ)

 

સાગરમંથન થકી પ્રગટ્યા રે, તુરંગ પ્યારા

ચૌદ રત્નો તરી આવ્યાં,

તેમાં તમને રૂડા ભાળ્યા !

દેવોને મન બહુ ભાવ્યા રે !…તુરંગ પ્યારા !

 

તને કોઈ અશ્વ કહે,

તુરંગી, તુરંગા ચહે,

હય સાથે ગંધ રહે રે !…તુરંગ પ્યારા !

 

બેટી તું ધરણીની થઈ,

ગંધ ને ફેલાવી રહી,

દોષ રહિત તને કહી રે !…તુરંગા પ્યારી !

 

વટાણા છે તારા લીલા,

પાકે ત્યારે લાલમ લાલા !

ભોરીંગણી શાં લાગે વ્હાલાં રે !…તુરંગ પ્યારા !

 

રસે તું કડવી ને તૂરી,

વિપાકે તું તીખી પૂરી !

રોગો હરવા કાજે શૂરી રે !…તુરંગા પ્યારી !

 

શ્વાસ,ક્ષય, કૃમિ, સોજા ભારી,

વાત, આધાશીશી ભારી !

નેત્ર, ચર્મરોગહારી રે !…તુરંગા પ્યારી !

 

બાળકોની સખી થઈને,

યુવાનોની ભેરુ રહૈને,

જરાને ભગાડે કહૈ ને રે !…તુરંગા પ્યારી !

 

વાયુ કફનો નાશ કરે,

ધાતુ કેરા રોગો હરે,

શરીરેથી કાંતિ ઝરે રે !…તુરંગ પ્યારા !

 

ચૂર્ણ, ઘૃત, પાક મળે,

ગંધાદિનું તેલ ભળે,

મરકીની તો ગાંઠ ગળે રે !…તુરંગ પ્યારા !

 

સવારે ને રાતે ચૂર્ણ,

લેવું ચમચી ભરી પુર્ણ;

સ્વીકારો સદાનું ઋણ રે !…તુરંગ પ્યારા !

 

જાગો, જાગો ભારતવાસી !

ઉગાડો ઔષધિ ખાસ્સી;

રોગો સઘળા જશે નાસી રે !…તુરંગ પ્યારા !

અરડુસી ઘરઘરમાં વાવો !

અરડૂસી

–    સ્વ. નરહરિભાઈ ભટ્ટ

 

અરડૂસી છે ઉપકારી,

મૂલ્ય એનું છે નહિ ભારી;

હિત હૈયે સહુનું એને,

સેવો બહુ ભાવથી તેને…..કડવી.

 

વિસાર્યા અરડૂસી માડી,

ભૂલ હવે છેક સમજાણી,

ક્ષમા, બાળક જાણી કરી દે,

તારા ગુણ તનડે ભરી દે…..કડવી.

 

સીમ, શેઢે  રોપવા, માડી !

ખાતર-પાણી ધરવાં દા’ડી.

પ્રેમભરી જતન કરીએ

અમારો દ્વઢ નિશ્ચય એ ! કડવી.

 

‘હાક…છીક !’ શરદી થઈ છે !

ભારે મોટી શરદી થઈ છે !

બે ચમચી અરડૂસી-રસ,

ઉમેરો તુલસીનો રસ !

મધ સાથે રંગ જમાવો,

સવારે ને સાંજે પાવો…..કડવી.

 

અલવિદા કહો શરદીને

યાદ કરો અરડૂસીને !     કડવી.