Category Archives: Vanaspati

ભીંડાભાઈ અંગે જાણવા જેવું ખરું !

– સ્વ. શ્રી શોભન

શક્તિદાયક શાક:  ભીંડો

રાજનિઘંટુથી માંડીને આજ સુધીના આયુર્વેદીય ગ્રંથોમાં ભીંડાના ગુણ-દોષનું વિગતે વર્ણન કરવામાં આવેલ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભીંડાનો મૂળ સંસ્કૃત તત્સમ પર્યાય છે ‘ભેંડા’ ! આયુર્વેદીય સાહિત્યમાં તેના માટે સુમધુર પર્યાય ‘કરપર્ણફલ’ એટલે કે ‘હાથની આંગળીઓના જેવા આકાર ધરાવતું ફળ’ પણ વપરાયો છે ! (લેડીઝ–ફીંગર !)

ભીંડો રસમાં મધુર, પચવામાં ભારે અને ગુણમાં પિચ્છિલ-ચીકણો હોવાથી કફ કરનાર છે. સાથે સાથે એ જ કારણે તે જઠરાગ્નિ બરાબર હોય અને પચે તો શક્તિદાયક એટલે કે બલ્ય છે. તેમજ શુક્રવર્ધક અને જાતીયશક્તિ વધારનાર એટલે કે વૃષ્ય છે. રાજનિઘંટુમાં ભીંડાને ‘પરં વૃષ્ય’ એટલે કે પુષ્કળ પુરુષાતન આપનાર કહ્યો છે તેથી નપુસંકતા, શુક્રધાતુની અલ્પતા, શુક્રદોષ, જાતીય નબળાઈ કે પુરુષ વંધ્યત્વમાં ભીંડો હિતાવહ છે.

ભીંડો ગરમ પણ છે અને ઠંડો પણ કહેવાયેલો છે. તેનો વિપાક (પાચન થયા બાદ) મધુર પણ છે ને અમ્લ પણ કહેલ હોવાના મતભેદ શાસ્ત્રમાં મળી આવે છે. પરંતુ મારા મત મુજબ તે ભીંડો કુમળો અને ઘરડો તેમજ શરદઋતુ અને અન્ય ઋતુના સંદર્ભમાં હશે. કુમળો અને શરદઋતુ એટલે કે ભાદરવા-આસો માસમાં થનારા સિવાયનો ભીંડો મધુર અને શીત સમજવો જોઈએ. ભાદરવાનો ભીંડો નવું પાણી પીવાથી, તાપ પડવાથી અને ઘરડો થવાથી ગરમ અને પચે ત્યારે ખાટો તેમજ અપથ્ય સમજવો જોઈએ. કારણ કે ત્યારે તે ખાવાથી તાવ, અમ્લપિત્ત વગેરે રોગોને પોષણ મળે છે. તે ભીંડો અમ્લવિપાકી હોવાથી તેની સાથે દૂધ ખાવું હિતાવહ ન ગણાય. કારણ કે તેમ થવાથી વિરુદ્ધ આહારજન્ય રોગો થવાની શક્યતા છે. કાકડી, મૂળા જેવાં દ્રવ્યોમાં કુમળા-ઘરડાનો તેમજ શરદઋતુમાં તેના ગુણમાં જેમ તફાવત જોવામાં આવે છે તેમ ભીંડામાં પણ સમજવું જોઈએ.

ભીંડો ગ્રાહી ગુણવાળો હોવાથી પ્રદર, સ્વપ્નદોષ જેવા રોગોમાં પણ આપવાનું સૂચવવામાં આવે છે.

જેમ કેળાં ભારે, ચીકણાં અને કફકારક હોવા છતાં રુચિકર હોવાથી વધારે ખવાઈ જતાં તેનો ભાર રહે છે તેમ ભીંડાનું પણ થાય છે. તે રુચિકારક હોવાથી વધુ ખવાઈ જતાં તેનો ભાર રહે છે. મંદાગ્નિવાળાં બાળકોને ભીંડો હિતાવહ નથી.

‘કાસે મંદાનલે વાતે પીનસેષુ વિનિંદિતમ્’ એમ કહીને ‘નિઘંટુસંગ્રહ’ નામના ગ્રંથમાં ઉધરસ, મંદાગ્નિ, વાયુના રોગો, જૂની શરદી (પીનસ-સાઈનસ)ના દરદી માટે ભીંડો વિશેષ નિંદિત હોવાથી તેવા દરદીએ ન ખાવો તેવું કહ્યું છે.

ટૂંકમાં, ભીંડો સદા પથ્ય શાક ન હોવા છતાં, જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તેવા અને વાયુપ્રકૃતિવાળા, પરણેલાં, શ્રમજીવી ગરીબ યુવાનો માટે અવારનવાર ખાવા જેવા ખરા, જેથી તે શ્રમહર, બલ્ય, પૌષ્ટિક અને પરં વૃષ્યતાનો ગુણ ઓછા ખર્ચે મેળવી શકે.

Advertisements

શરીર સૌંદર્ય માટે પુષ્પો

જૂઈ ચમેલી

      ચમેલીના ફૂલો આંખના રોગો, માથાનો દુઃખાવો, કાળાદાગ, ફ્રેકલ્સ, પીગમેન્ટેશન, ખીલ, વાઢિયા, લોહીવા, રતવા, આંખો આવવી, ટાલ, ઉંદરી તથા અન્ય ઘણાં રોગોમાં ઉપયોગી છે.

 • ચમેલીના પાન ચાવવાથી દાંત મજબૂત અને સુંદર બને.
 • ચમેલી કે જૂઈના ફૂલ, ચંદન, હળદર, મસૂર દાળને દૂધ સાથે વાટી લેપ કરવાથી ખીલ મટે છે.
 • ચમેલી કે જૂઈ ફૂલ, પાન, મહેંદી, આંબળા, ભાગરો, શંખપુષ્પી, દાડમછાલ, લીમડા પાન, કેરીની ગોટલી, કમળના પાન વગેરેનો પાવડર + નારીયેળ પાણી કે આંબળાના રસમાં લેપ તૈયાર કરી વાળ માટે ઉત્તમ હેરપેક તૈયાર થાય છે. ખુજલી, ઉંદરી, ટાલમાં ફાયદો કરે છે.
 • ચમેલી ફૂલ, કપૂર કાચલી, ચારોળી, લોધર, હળદર, અરીઠા પાવડર દૂધ સાથે કે પાણી સાથે મીક્ષ કરી નહાવાથી ત્વચા ફાટતી નથી અને સુંવાળી સુંદર બને છે.
 • ત્વચા પર ખંજવાળ આવતી હોય તો આના ફૂલોને પાણીમાં વાટી તેનો લેપ કરવો.
 • ચમેલીના ફૂલનો પાવડર, ચંદન, હળદર, ચણાના લોટનું પેસ્ટ બનાવી નહાવાથી ત્વચા સુંવાળી, ફોડલી, દાગ રહિત ગોરી બને છે.
 • ચમેલી ફૂલ, ગુલાબના ફૂલ, ગોપીચંદ, લીમડા પાન, અરીઠા પાવડર બનાવી ન્હાવાથી અળાઈ, ગરમી મટી કાળા દાગ – ધબ્બા, ખુજલી મટી ત્વચા સુંદર બને છે.
 • ચમેલી ફૂલ, જૂઈના ફૂલ, ગુલાબના ફૂલ, મજીઠ દહીં સાથે કે દૂધ સાથે વાટી કાળા કે ફાટી ગયેલા હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી, સુંદર બને છે.
 • જૂઈ ફૂલ, ચમેલી ફૂલનો રસ લગાડવાથી ખીલ-ખંજવાળ મટે છે.
 • ચમેલી ફૂલ તથા પાન, જૂઈના ફૂલ તથા પાન, હળદર, સરસવ, જેઠીમધ, આંકડા પાનનો રસ, તલ તેલમાં કે ઘીમાં ઉકાળી મલમ બનાવી પગના તળિયા, એડી પર લગાડવાથી વાઢિયા મટે તથા એડી કમળ સમાન સુંવાળી-સુંદર બને.
 • જૂઈ-ચમેલીના ફૂલો તેલમાં ઉકાળી કે તેને વાટી તેનો લેપ લગાડવાથી વાળની રૂક્ષતા મટી ટાલ-ઉંદરીમાં નવા વાળ આવે છે.
 • આ ફૂલ શરીરની ગરમી, પેશાબની બળતરા, ખીલ, ખંજવાળ, પરસેવાની ગંધ મટાડે છે.
 • ત્વચાની રૂક્ષતા, ઘા, પગના વાઢિયા મટાડી રૂક્ષત્વચાને સુંવાળી તથા ગોરી બનાવે છે. 

                                                         કમળ

કમળ લક્ષ્મીજીનું આસન છે અને લક્ષ્મીજીનું પ્રિય ફૂલ છે. યોગશાસ્ત્રમાં પણ તેનું ખૂબ ઉંડુ મહત્વ છે. તે કીચડમાં ઉગી આપણને ઘણું શીખવાડે છે.

 • મુખ્ય તો કમળ રક્તવિકારો, પિત્તના રોગો, હ્રદયના વધેલા ધબકારા, કોલેરા, હર્પિસ, ઝાડા, બળતરા, માથાનો દુઃખાવો, વધુ બ્લીડીંગ થવું વગેરે મટાડે છે. વાળ અને ત્વચા માટે ઉત્તમ સૌંદર્ય વર્ધક છે.
 • લોહીવિકાર – ગરમી – દાહઃ આના ફૂલ ઠંડા પાણીમાં પલાળી સવાર – સાંજ પીવું.
 • હ્રદયના ધબકારાઃ ધબકારા નિયમિત કરવા માટે કમળના ફૂલનો ઉકાળો કે ફાંટ (ફૂલને રાત્રે પલાળી સવારે પીવું) કે ફૂલનો રસ કે તેનું ચૂર્ણ મધ સાથે પીવું.
 • દૂઝતા હરસ – એસિડીટી – દાહઃ ફૂલના વચ્ચેના પીળા કે સફેદ તાંતણા મધ + સાકર સાથે ખાવા
 • આંખના રોગોઃ ફૂલના ટીપાં આંખમાં નાંખવા, ફૂલનો ઉકાળો પીવો, ફૂલનો મુરબ્બો રોજ ખાવો.
 • બાળકોના ઝાડાઃ ફૂલનો ઉકાળો કે રસ પાવો. આયુર્વેદમાં બાળકો માટે ઉત્તમ અરવિંદાસવ કમળના ફૂલમાંથી જ બને છે.
 • વધારે બ્લીડીંગ કે વારંવાર એબોર્શન થતું હોય તો લાલ કમળનું ફૂલ રાત્રે પલાળી વાસણ ચાંદનીમાં મૂકી સવારે તે પાણી રોજ પીવું
 • તાવ – બેચેની કે બબડાટમાં ફૂલનો પાણીમાં લસોટી હ્રદય તથા માથા પર લેપ કજવો.
 • ઓરી – અછબડા – એસિડીટી, બળતરા, લોહીવા, ચક્કર, લૂ લાગવી, માથાનો દુઃખાવો વગેરેમાં આનું શરબત ૧૦ થી ૩૦ ગ્રામ સુધી પીવું.
 • કમળનું શરબતઃ ખડી સાકર ૫૦૦ ગ્રામની ચાસણી કરી તેમાં કમળના ફૂલનો રસ ૧ લીટર નાંખી ઉકાળી શરબત તૈયાર કરી તેમાં એલચી નાંખી બોટલો ભરી લેવી. 

                                                       બ્યુટી માટે

 • ઠંડુ હોવાને કારણે ખીલ, ફોડલી, અળાઈઓ, સફેદ વાળ, ત્વચા પરના કાળા દાગ – કુંડાળા, આંખોની લાલાશ – બળતરા વગેરે મટાડે છે.
 • કૂંડાળા – પીગમેન્ટેશન – કાળા દાગ વગેરે માટે કમળ, લાલ ચંદન, ખસખસ, ચારોળી નો દહીં સાથે લેપ કરવો તથા કમળના પાન + ગુલાબ પત્તી + ખસ + સંતરા છાલ + લીંબુ છાલ + હળદર વગેરેનો પાવડર બનાવી ન્હાવાથી કે તેનો લેપ કરવાથી દાગ – ધબ્બા – ખુજલી વગેરે મટી ત્વચા ગોરી – સુંવાળી – સુંદર બને છે.
 • રીંકલ્સ – કરચલીઓ તથા બાળકોને માલીશ માટેઃ કમળના દાંડા, કમળ કેસર, કમળ પુષ્પ, પદમક છાલ, શ્રીપર્ણી, અશ્વગંધા, શતાવરી વગેરે ને પાણી તથા દૂધ નાંખી તેલ ઉકાળી બનાવવું તથા તેનાથી હળવા હાથે માલીશ કરવું
 • કમળકંદ, કમળ ફૂલ, નીલપુષ્પ, જટામાંસી, તલ, બ્રામી, રતાંજલી, સફેદ ચણોઠી, કેરી ગોટલી, આમળા, ભાંગરાનો પાવડર તલ તેલમાં ઉકાળી તેલ બનાવી વાપરવાથી ખરતા વાળ અટકી વાળ લાંબા, સુંવાળા સુંદર બને છે. સફેદ વાળ કાળા થાય છે.
 • દૂધ + કાળા કમળના ફૂલ વાટી લેપ કરવાથી સફેદ વાળ કાળા થાય છે.
 • નીલ કમળ, સફેદ કમળ, ચંદન, ખસખસ, લોઘ્રને દહીં સાથે વાટી ત્વચા પર લેપ કરવાથી કાળા દાગ, આંખની આજુબાજુના કાળા કુંડાળા મટી ત્વચા ગોરી, કાંતિયુક્ત, કમળ જેવી મુલાયમ બને છે.
 • કમળ ફૂલ, કમલદંડ, જટામાંસી, લીંડી પીપર, અશ્વગંધા, માલ કાંકણી બી, અઘેડા બી, ફટકડી વગેરે નો પાવડર દૂધ સાથે રાત્રે સ્તન પર લગાડવાથી ઢીલા સ્તન પુષ્ટ, કઠણ, સુંદર બને છે.
 • બોગન ફૂલનો ઉકાળો પીવાથી મેદવૃદ્ધિમાં પરિણામ મળે છે.
 • પારિજાતકના ફૂલ + જાસૂદ ફૂલ + લીમડા પાન વાટી લેપ લરવાથી ખોડો – ખુજલી મટે છે.
 • મોગરાના ફૂલની પેસ્ટ થી રીંકલ્સમાં ફાયદો થાય છે.
 • આજકાલ ફ્લાવર રેમેડિઝ, એરોમાથેરપી વગેરે કેટલાયે પ્રકારની થેરપી સૌંદર્ય માટે છે. જેને આધુનિક સંશોધન કહે છે. જ્યારે આયુર્વેદમાં તો હજારો વર્ષોથી અનેક ફૂલો દ્વારા સૌંદર્યવૃદ્ધિનું વિવરણ ખૂબ સુંદર રૂપે આપેલું છે.
 • ફૂલો સૌંદર્ય – સ્વાસ્થ્યની સાથે લાગણીઓ અને મનને પણ તરોતાજા અને સુંદર રાખે છે.

દા.ત. લાલ ગુલાબઃ પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ છે, પીળુ ગુલાબઃ મિત્રતાનું પ્રતિક છે, ગુલાબી ગુલાબઃ ગુપ્ત પ્રેમ વ્યક્ત કરે છે. મિત્રતા કે પ્રેમ વચ્ચેની અસમંજસ ભરી સ્થિતિ દર્શાવે છે, સફેદ ગુલાબઃ નિર્દોષ પ્રેમનું પ્રતિક છે. કુટુંબીજનોને આપવા માટે ઉત્તમ ભેટ છેઃ ઓર્કિડના ફૂલઃ પ્રેમ અને સૌંદર્યની અભિવ્યક્તિ દર્શાવે છેઃ ડેઈઝના ફૂલઃ સંનિષ્ઠ પ્રેમનું પ્રતિક ગણાય છે. માતા – પિતા કે પ્રિયવડીલોને અપાય છેઃ લીલી ફૂલઃ પવિત્રતા અને માધુર્યનું પ્રતિક છે. પુત્રી તથા ભત્રીજા – ભત્રીજીને આપી શકાયઃ ચેરી સેન્થમમઃ આ પુષ્પો મિત્રતા વ્યક્ત કરે છે. કોઈપણ પ્રસંગે મૈત્રીભાવ વ્યક્ત કરી શકાય. 

ચહેરો નીખારતી ઔષધીઃ લોધર.

પઠાણી લોઘર

– ડૉ. નીતા ગોસ્વામી


કેટલીક વનસ્પતિની આગવી ઓળખાણ હોય છે. આવી વનસ્પતિ આપોઆપ ઓળખાઈ જાય છે. જેમ કે લોઘર નામનું જે વૃક્ષ થાય છે, તેનાં સફેદ પડતાં પીળાં ફૂલ ૨ થી ૪ ઈંચ લાંબા દંડ પર આવે છે, અને આ પુષ્પ અને દંડ સુગંધી અને અતિ સુંદર હોય છે. પુષ્પ સહિત સુગંધી દંડને જોતાં જ ખ્યાલ આવે છે કે આ લોધરનું વૃક્ષ છે. સામાન્ય રીતે લોધર ઘણાં રોગોમાં અતિ ઉપયોગી સિધ્ધ થયેલ છે. આપણે તો અહીં સૌંદર્ય વિષયક જ વાત કરવાની છે. સૌંદર્યપ્રાપ્તિ માટે ખાસ કરીને લોધરની છાલ વાપરવામાં આવે છે, તે શરીરનાં અનેક તંત્રો પર અનેક રોગોમાં કાર્ય કરે છે. પરંતુ સૌંદર્ય માટે તેના ઉપયોગો જોઈએ તો તે કુષ્ઠધ્ન એટલે કે કોઢને મટાડે છે, તથા ચામડીના અનેક રોગોમાં ઉપયોગી છે. ખાસ કરીને ચામડીનો રંગ સુધારવા માટે તે ફાયદાકારક છે. આંખની આજુબાજુનાં કાળાં કુંડાળાં, ચામડી પરના કાળા ડાઘ (હાયપર પિગમેન્ટેશન) વગેરેને મટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. લોધર તૂરું અને શીતળ હોવાથી ખીલ તથા ખીલના ડાઘ અને ખીલથી થતા ખાડા વગેરે મટાડવા માટે ઉપયોગી છે.

ખીલઃ-

(૧)   લોધર, ઘોડાવજ, ધાણા અને ઉપલેટનું સમભાગ ચૂર્ણ બનાવી પાણી અથવા કોથમીરના રસમાં ઘૂંટીને તેનો લેપ ખીલ ઉપર કરવાથી ખીલ મટે છે.

(૨)   લોધર, કપૂરકાચલી, ઘોડાવજ, ચંદન તથા લીમડાની છાલ અથવા લીમડાના પાન – આ તમામને પાણીમાં નાખી ગરમ કરવું. વાસણમાંથી જે વરાળ નીકળે તે વરાળનો શેક ખીલ પર કરવાથી પરુવાળા ખીલ તથા કાચા ખીલ મટે છે.

(૩)   ખીલમાં ચાંદાં પડી ગયાં હોય તો તુંબડીનાં પાન અને લોધરની છાલનું ચૂર્ણ સમભાગ લઈ પાણી સાથે લેપ કરવો.

કાળા દાગ + કાળાં કુંડાળાં

(૧)   લોધર, મજીઠ, લાલ ચંદન, સરસવ, મસૂરની દાળ તથા હળદરનો પાવડર બનાવી ગુલાબજળ કે પાણી સાથે લેપ કરવાથી કાળા દાગ તથા કુંડાળાં વગેરે મટી જાય છે અને ચામડી ગોરી અને સુંવાળી બને છે.

(૨)   લોધર,કપૂરકાચલી, મજીઠ, લાલચંદન અને લાખને તલના તેલમાં ઉકાળી લેવું. આ તેલથી દરરોજ માલિશ કરવાથી કાળા દાગ દૂર થઈ ત્વચા ગોરી તથા મુલાયમ બને છે તથા શિયાળામાં ચામડી ફાટતી નથી.

(૩)   લોધરના ઉકાળાથી મોં તથા આંખો ધોવાથી કે મોં પર આ ઉકાળો છાંટવાથી મુખ પર થતી ઝાંય, કાળા દાગ, આંખોની આસપાસ થતાં કુંડાળાં, ફોલ્લીઓ વગેરે મટે છે.

(૪)   લોધરની છાલનું ચૂર્ણ ઘીમાં સ્હેજ શેકી પાણી સાથે તેનો આંખની આસપાસ જાડો લેપ કરવો. આ પ્રકારના લેપને બિડાલક કહે છે. સામાન્ય ભાષામાં બિલાડો કરવો કહેવાય છે. આ બિલાડાથી કુંડાળા મટે છે.

ખીલ અને શીતળાના ખાડાઃ

લોધર,વરિયાળી અને ફૂલાવેલી ફટકડીનો પાવડર પાણી સાથે ઘૂંટીને ખીલના કે શીતળાનાખાડા પર કે ત્વચાજન્ય કોઈ પણ નિશાન પર લેપ કરવામાં આવે તો ધીમે ધીમે ખાડા મટી જાય છે, નિશાન જતાં રહે છે.

પરસેવાની દુર્ગંધઃ

(૧)   લોધર, અગર, જટામાંસી, કમળ, સુગંધી વાળો, કપૂર, જાંબુનાં પાનનો પાવડર બનાવી તેને ચણાના લોટ સાથે મેળવી લેવો. આ પાવડરને શરીર પર ઘસીને કે ચોળીને નહાવાથી શરીરની ચિકાશ દૂર થાય છે, અને શરીર સુગંધિત બને છે.

(૨)   લોધર, મજીઠ, ગોદંતીભસ્મ, દારૂહળદર, લાલ ચંદન, સફેદ ચંદન તથા શંખજીરુ મેળવી તેનો બારીક પાવડર બનાવવો. ટેલ્કમ પાવડર બનાવવો. આ ટેલ્કમ પાવડરથી ખીલ, અળાઈ, પરસેવાની દુર્ગંધ વગેરે મટે છે, તથા ચામડીના દાગ પણ દૂર થાય છે.

––––––––––––––––––––––––––––

* ‘સૌંદર્યવર્ધક વનસ્પતિ’માંથી સાભાર.

 

 

 

વાળ માટેની ઉત્તમ વનસ્પતિ : ભાંગરો

– ડૉ. નીતાબહેન ગોસ્વામી


સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઇને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા તમામ રસિક કવિઓ અને લેખકો પણ વારંવાર વાળ વિષે લખે છે. આમ વાળ એ સૌંદર્ય માટે અનિવાર્ય અંગ છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વાળના રોગોની અદ્દભૂત સારવાર બતાવી છે. વાળને લગતા જે કંઇ રોગો થાય છે તેમાં મહત્વની એક વનસ્પતિ છે, ભાંગરો. વર્તમાન સમયમાં ભાંગરાનો ખૂબ જ પ્રચાર થયો છે. તેનું કારણ છે કે વિવિધ પ્રકારના હેરઓઇલો બજારમાં ઉપલબ્ધ થયા છે અને આ તમામ હેરઓઇલોમાં ભાંગરો તો હોય છે. ગ્રામ્યવિસ્તારના લોકો, ખાસ કરીને મહિલાવર્ગ તો પરાપૂર્વથી ભાંગરાને એકઠો કરીને તેનું તેલ બનાવીને પોતાના વાળમાં નાખે છે. અને તેના પરિણામે તેઓના વાળ કાળા અને ચકચકિત અને ખૂબ જ લાંબા હોય છે. અહીં આપની સમક્ષ ભાંગરાના જે સૌંદર્યવર્ધક કર્મો છે તેનું વર્ણન કરીએ છીએ.


આમ જોવા જઇએ તો શરીરમાં તથા અનેક રોગો પર ભાંગરો કામ કરે છે. પરંતુ ભાંગરો વિશેષ પ્રકારે બેસ્ટ બ્યુટી એજન્ટ છે. તેનાં જે કંઇ નામો છે, તેનાં પરથી આપણને ખ્યાલ આવે છે કે તે હેરબ્યુટી એટલે કે વાળનું સૌંદર્ય વધારવા માટેની શ્રેષ્ડ વનસ્પતિ તો છે જ, સાથે સાથે યૌવનને જાળવી રાખે છે, તથા સર્વાંગ સૌંદર્ય યૌવન માટે ભાંગરો ઉપયોગી છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ડના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.


રસાયન પ્રયોગઃ

જે માણસ ૧ મહિના સુધી સવારે ભાંગરાનો રસ ૧ તોલો દરરોજ પીવે અને માત્ર દૂધ પર જ રહે તો તે માણસનું બળ અને વીર્ય વધે છે અને તે પ્રયોગથી પુનર્યૌવન પ્રાપ્ત કરે છે. ભાંગરો રસાયન ગુણ ધરાવતો હોવાથી તેનો રસ પીવાથી ચામડી પણ મુલાયમ અને તેજસ્વી બને છે.


સફેદ વાળઃ

આજકાલ નાની વયના બાળકોને સફેદ વાળની સમસ્યા વધતી જોવા મળે છે. યુવાન યુવતી અને યુવકોને તો આ સફેદ વાળની સમસ્યા તો ડગલે ને પગલે જોવા મળે છે. દરેક વ્યક્તિઓ સફેદ વાળનો તિરસ્કાર કરતી હોય છે. અને પોતાના વાળ કાળા બને તે માટે ઉપાયોની શોધ કરતૌ હોય છે. શાસ્ત્રોમાં સફેદ વાળને કાળા બનાવવા માટે તો અનેક પ્રયોગો છે. તેમાં ભાંગરાનું માધ્યમ અતિ શ્રેષ્ઠ છે. જુઓ…..


૧)  ભાંગરાના ફૂલ, જાસુદના ફૂલ અને ઘેટીનું દૂધ આ ત્રણેય એક સાથે ઘૂંટીને બારીક પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને લોંખડના વાસણમાં મૂકી તે વાસણને જમીનમાં દાટી દેવું. સાત દિવસ પછી તે વાસણને જમીનમાંથી બહાર કાઢી તેમાં ફરીવાર ભાંગરાનો રસ નાંખીને ઘૂંટવું. આ લેપ રાત્રે વાળમાં લગાવી તેનાં ઉપર કેળનું પાન બાંધી દેવું. સવારે માથું ધોઇ લેવું. આ પ્રયોગ થોડા સમય સુધી કરવાથી વાળ કાળા થાય છે.


૨)  ભાંગરાના રસમાં જેઠીમધનું ચૂર્ણ અને દૂધ તથા તેલ મેળવીને ઉકાળવું. આ તેલનાં ટીપાં   નાકમાં નાખવાથી વળિયા–પળિયા દૂર થાય છે.


માત્રા-ભાંગરાનો રસ ૧૨૮ તોલા, જેઠીમધનું ચૂર્ણ ૪ તોલા, દૂધ ૬૪ તોલા અને તલનું તેલ ૧૬ તોલા, બધું ઉકાળતાં માત્ર તેલ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું. આ તેલનાં ટીપાં નાકમાં નાંખવા.

૩)  ભાંગરાનો રસ ૧૦ ગ્રામ રોજ સવારે નરણા કોઠે પીવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.


સફેદ કોઢઃ

લોંખડના વાસણમાં તલના તેલમાં ભાંગરો શેકવો. લૂગદી જેવું થાય એટલે આ ભાંગરો ખાવો અને તેના પર બિયાંની છાલથી પકાવેલું દૂધ પીવું. આ પ્રયોગ કરવાથી સફેદ દાગ મટે છે.


માથાના ચાંદાઃ ભાંગરાનો રસ માથામાં લગાવવાથી ચાંદા મટે છે.


વાળની સુંદરતાઃ

ભાંગરાનું તેલ માથામાં નાખવાથી વાળ ખરતાં બંધ થાય છે તથા નવા વાળ આવે છે, તથા વાળની લંબાઈ પણ વધે છે, તથા વાળ ઘટ્ટ બને છે, મુલાયમ બને છે.


ખરતા વાળઃ ભાંગરો, ત્રિફળા, ઉપલસરી, કણજીનાં બીજ, લીમડાની આંતરછાલ, કરેણના મૂળ, સફેદ ચણોઠી. દરેક ઔષધો ૨૦-૨૦ ગ્રામ લઇ તેનો પાવડર બનાવવો. આ પાવડરને ચાર લિટર ભાંગરાના રસમાં પલાળવો. બીજા દિવસે તેમાં ૧ લિટર તલનું તેલ નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય પછી તેલ ઠંડુ થયે ગાળી લેવું. અને બોટલમાં ભરી લેવું. આંગળીના ટેરવા વડે આ તેલ રોજ વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ, ખોડો વગેરે દૂર થઇ નવા વાળ આવે છે, વાળ જાડા તથા લાંબા પણ થાય છે.


સફેદ વાળ માટે તેલઃ

આમળાં, અનંતમૂળ, હરડે, જેઠીમધ, મોથ, સુંગધી વાળો, બહેડાં, મહેંદીના પાન, કેરીની ગોટલી-આ તમામનો ૨૦-૨૦ ગ્રામ પાવડર લેવો. આ પાવડરને ૨૦૦ ગ્રામ આમળાંના રસમાં લોંખડના વાસણમાં ૧૫ થી ૨૦ કલાક સુધી પલાળવો. ત્યારબાદ તેમાં ૧ લિટર કાળા તલનું તેલ નાખી તપેલા પર બારીક કપડું બાંધી સૂર્યના તડકામાં મૂકવું. આ તપેલું ૬ થી ૮ દિવસ રાખવું. ત્યાર બાદ તેમાં ભાંગરાનો રસ ૧ લિટર, આમળાંનો રસ ૧ લિટર તથા ગળીના પાનનો રસ ૫૦૦ ગ્રામ નાખીને તેલ ઉકાળવું. તેલ પક્વ થયા બાદ ઠંડુ થયા બાદ ગાળી લઇ બોટલમાં ભરી લેવું. આ તેલનું રોજ વાળમાં માલીશ કરવાથી ધીરે ધીરે સફેદ વાળ કાળા થાય છે તથા ખરબચડા વાળ સુંવાળા અને ચમકદાર બને છે.


સફેદ વાળ માટે લેપઃ

૧)  ભાંગરાનું ચૂર્ણ, ત્રિફળા, કેરીની ગોટલી, અખરોટની છાલ અથવા છોડાં આ તમામ મેળવીને તેને લોંખડના વાસણમાં દહીં અથવા કાંજી સાથે પલાળીને લેપ કરવાથી ધીમે ધીમે વાળ કાળા થાય છે.


૨)  ભાંગરાનું ચૂર્ણ, મેથી, સોપારી અને લોંખડના કાટનો લેપ કરવાથી પણ વાળ કાળા થાય છે.


આભ્યંતર પ્રયોગઃ

(૧) ભાંગરાના પાન તથા કાળા તલ રોજ ચાવીને ખાવાથી પણ સફેદ વાળ કાળા થાય છે. (૨) દરરોજ નરણા કોઠે ૧ તોલો ભાંગરાનો રસ પીવાથી વાળ સુંદર બને છે. (૩) ભાંગરાના રસનાં ટીપાં અથવા ભાંગરા તેલના ટીપાં નાકમાં નાખવાથી પણ વાળ કાળા થાય છે (૪) ભૃંગરાજઘન, ભૃંગરાજાસવ વગેરેનું સેવન કરવાથી પણ ખરતા વાળ કે સફેદ વાળમાં ફાયદો થાય છે.

ઉધરસનું અમોઘ ઔષધઃ અરડૂસી

અરડૂસી (વાસા / ભિષગ્ માતા / અડુસા / adhatoda vasica )


પરિચય

અરડૂસીના છોડ લગભગ પાંચ-સાત ફૂટ ઊંચા, સામસામે ઊંચે વધતી ડાળીવાળા અને શાખાના છેડાઓ પર નવા આવતાં પાનનાં ઝૂમખાંવાળા હોય છે. પાન ઝાંખાં લીલા, પારિજાતનાં પાનને મળતાં પણ સાંકડાં અથવા રાતરાણીનાં પાન જેવાં અથવા આંબાના પાનથી ટૂંકાં અને વચ્ચે પહોળાં હોય છે. શાખાના છેડે ઝૂમખાં રૂપે નવાં પાન નીકળે છે અને તેની વચ્ચે સિંહના ફાટેલા મોં જેવાં, ફિક્કા સફેદ રંગના નાનાં નાનાં સુગંધરહિત પુષ્પો આવે છે. અરડૂસીનો આખોય છોડ રસમાં તીખાશ-તૂરાશ લેતો કડવો છે.

આ અરડૂસી બાગ, વાડી, વાડા કે આંગણાંમાં ઊગી નીકળે છે, અથવા ઉગાડવામાં આવે છે. કોઈ પણ જમીનમાં તેની ડાળખી વાવી દેવાથી તે ઊગી નીકળે છે અને ઊછરી ગયા પછી પાણીની ખાસ જરૂર પડતી નથી.

અરડૂસીની ધોળી અને કાળી એમ બે જાત છે. પણ બંનેના ગુણ મળતા છે. ‘અરડૂસો (अरलु)’ નામનાં મોટાં ઝાડ થાય છે તેના ગુણ અરડૂસીથી ઘણા જુદા છે.

અરડૂસીના વાસા, વાસક, વાસિકા, ભિષગ્માતા, સિંહાસ્યા વગેરે પ્રચલિત પર્યાયો છે.

ગુણદોષ

અરડૂસી ઠંડી, હળવી અને લૂખી છે. સ્વાદમાં મુખ્યત્વે કડવી છે. કફ અને પિત્તના રોગોને મટાડે છે. (લોકોમાં અરડૂસી ગરમ હોવાની માન્યતા છે તે સદંતર ખોટી છે. અરડૂસી કફના રોગોમાં કફના સ્નિગ્ધ ગુણને નાશ કરનારા તેના રુક્ષ ગુણને કારણે યોજવામાં આવે છે.) વિપાકમાં તીખી છે, વાયુ કરનારી છે.

અરડૂસી સ્વયં અને હ્રદ્ય છે. દીપન, રુચિકર અને આમનાશક પણ છે.

અરડૂસીનો ઉપયોગ રક્તપિત્ત, ઉધરસ અને ક્ષયમાં સવિશેષ થાય છે. રક્તપિત્ત (નસકોરી ફૂટવી, લોહીની ઊલટી થવી, મળમૂત્ર માર્ગોથી લોહી પડવું, દાંતમાંથી લોહી પડવું વગેરે શરીરના કોઈ પણ દ્વારેથી રક્તસ્ત્રાવ થવો)માં સર્વશ્રેષ્ઠ છે.

ઉપરાંત તે પ્રદર, મોં આવી જવું, સોજો, કોઢ, તાવ, શીળસ, ગ્રહણી, વિષ, ઝાડા, કમળો, દમ, પ્રમેહ, મૂત્રાઘાત, તરસ, અરુચિ, સળેખમ, ચામડીના રોગો, ઊલટી, ઉરઃક્ષત, આંચકી, સંધિવા, સસણી, પાયોરિયા, મેદ, મુખનીવિરસતા વગેરે રોગોને પણ મટાડે છે. તેનાં પત્ર, પુષ્પ, મૂળ તેમ જ આખોય છોડ દવા તરીકે વાપરવામાં આવે છે. પત્ર સવિશેષ વપરાય છે.


ઉપયોગ

૧.      રક્તપિત્તઃ અરડૂસીનાં પાનનો રસ સાકર સાથે અથવા મધ સાથે એક એક કપ દિવસમાં ત્રણ વખત આપવો. રસ અને તાજી અરડૂસી ન મળે તો તેનું તાજું ત્રણ માસ અંદરનું ચૂર્ણ પાણીમાં પલાળી રાખી, ગાળીને આપવું. તેનાં ફૂલનું છાયાશુષ્ક ચૂર્ણ ૨ ગ્રામ લઈ મધમાં ચટાડવું. ફાર્મસીમાં તૈયાર મળતું ‘વાસા શરબત’ પણ વાપરી શકાય.

૨.      ઉધરસઃ ખાસ કરીને પિત્તની અને કફની ઉધરસમાં વપરાય છે. વાયુની ઉધરસમાં જો રાત્રે સૂકી ખાંસી આવતી હોય તો એકલી અરડૂસી આપવાથી ઠંડી-લૂખી પડતાં રોગને ઊલટાનો વધારે છે. કફજન્ય ખાંસીમાં પણ તેનો ઠંડો સ્વતંત્ર રસ ન આપવો. આદું, લીડીપીપર જેવાં ઉષ્ણ દ્રવ્ય મેળવીને અને ગરમ કરીને જ આપવો, નહીં તો ઠંડો પડવાથી કફના શીતગુણને વધારી, ઉધરસને પણ વધારશે ! પુટપાક વિધિથી રસ કાઢવામાં આવે તો ઠંડો પડતો નથી અને તુરત પાચન થાય છે. કફની ઉધરસમાં ભોંરીંગણી કે આદુમાં આપવો, પિત્તની ઉધરસમાં સાકર કે કાળી દ્રાક્ષ સાથે આપવો.

હળદરના ચૂર્ણને અરડૂસીના રસની સાત ભાવનાઓ આપવી. આ ચૂર્ણ દૂધની મલાઈ સાથે આપવાથી સૂકી ખાંસીને સત્વરે મટાડે છે.

અરડૂસીનાં ફૂલને છાયાશુષ્ક કરી, ચૂર્ણ કરી, મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.

 

૩.      ક્ષય-ટી.બીઃ ક્ષયમાં સાથે ગળફામાં સાથે લોહી પડતું હોય ત્યારે અરડૂસીના દસથી વીસ તાજાં પાનનો રસ સવારે-રાત્રે આપતાં રહેવું. અથવા પુટપાક વિધિથી રસ કાઢી અધ સાથે આપવો અથવા ‘વાસાઘૃત’ આપવું.

૪.      શ્વાસઃ અરડૂસીનાં પાન સમાન ભાગે હરડે અને કાળી દ્રાક્ષમાં મેળવી ક્વાથ કરી મધ મેળવીને આપવું. અરડૂસીનો રસ આદું અને મધ સાથે આપતાં રહેવાથી પણ કફનો સ્ત્રાવ થવાથી શ્વાસમાં રાહત થાય છે. સૂંઠના ઉકાળામાં અસડૂસીનાં પાન ઉકાળીને ઠરે ત્યારે મધ મેળવીને લઈ શકાય. તાજાં પાનને સીકવી બીડી કરીને પીવાથી ફાયદો થાય છે. વાસાઘૃત કે વાસાવલેહ પણ લઈ શકાય.

૫.     કૃમિઃ અરડૂસીનાં પાનનો સ્વરસ કે ઉકાળો ગોમૂત્ર મેળવીને આપવો અને તેની જ માલિશ કરવી. ગોમૂત્રને બદલે પાવામાં મધ પણ મેળવી શકાય.

૬.      ચર્મરોગઃ ખૂજલી, ખસ, ખરજવું, દાદર, કરોળિયા વગેરે ચર્મરોગમાં અરડૂસીનાં ૨૦ પાન અને ૧૦ ગ્રામ હળદરને ગોમૂત્રમાં વાટી તેનો લેપ કરવો. તેના બે ચમચી રસમાં એક ચમચી હળદર અને એક નાની ચમચી હીમજ નાખીને સવારે પાવું.

૭.      ગુલ્મ-ગોળોઃ અરડૂસીમાં બનાવેલ કે તૈયાર મેળવેલ ‘વાસાઘૃત’નો પ્રયોગ કરવો.

૮.      ઊલટીઃ અરડૂસીનાં પાનનો રસ મધ સાથે અથવા લીંબુના રસ સાથે આપવો.

૯.      મુખપાકઃ મોં આવી ગયું હોય તો તનાં પાન ચાવવાં, અથવા તેના રસના કોગળા ભરવા અથવા તેના ચૂર્ણની મધમાં વાળેલી ગોળીઓ ચૂસવી. અધવા અરડૂસીના રસનો માવો બનાવી તેમાં ચોથા ભાગે સોનાગેરુ નાખી, મધમાં ગોળી વાળીને તે ચૂસ્યા કરવી.

૧૦.    જ્વર-તાવઃ કફજ્વરમાં અરડૂસીનાં પાન, ગળો, તુલસી અને મોથનો ઉકાળો આપવો.

૧૧.     અમ્લપિત્તઃ અરડૂસીનાં ફૂલ અને પત્રનો સ્વરસ સાકર સાથે લેવો. અથવા બે ચમચી રસમાં ૧૦-૧૫ દાણા કાળી દ્રાક્ષ અને ૪ ગ્રામ હરડે ચૂર્ણ મેળવી આપવું.

૧૨.     કમળોઃ અરડૂસીનાં ફૂલ કે પાંદડાંનો રસ મધમાં લેવો અથવા ૨ ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ, બે ચમચી કુંવારનો રસ અને ચાર ચમચી અરડૂસીનો રસ મેળવીને આપવો.

૧૩.     મૂત્રાઘાતઃ પેશાબની અટકાયતમાં શેરડીનો રસ કે કાળી દ્રાક્ષના ઉકાળામાં અરડૂસીનો બે ચમચી રસ આપવો અથવા તેનાં પાનનો કે મૂળનો ઉકાળો આપવો.

૧૪.    દેહદુર્ગંધઃ શંખચૂર્ણ કે શંખભસ્મ સાથે અરડૂસીનો રસ બારીક પીસી, શરીરે ચોપડવાથી શરીરની દુર્ગંધ નાશ પામે છે.

૧૫.    મૂઢગર્ભઃ જલદી પ્રસવ થાય તે માટે અરડૂસીનું મૂળ કેડે બાંધી રાખવું અથવા અરડૂસીના મૂળને પાણીમાં ઘસીને, નાભિ, પેડુ અને યોનિ પર ચોપડવું.

૧૬.     શીતળાઃ કફપ્રધાન શીતળામાં અરડૂસીનાં પાનનો રસ ૧-૧ ચમચી મધ મેળવીને આપવો. શીતળાને અટકાવવા માટે તેનાં પાન કે છાલનો ઉકાળો ૨ ગ્રામ જેઠીમધ મેળવીને આપવો.

૧૭.    હરસ-મસાઃ કફવાતજન્ય અર્શમાં અરડૂસીનાં પાનની ગરમ લૂગદીથી શેક કરવો.

૧૮.     પ્રદરઃ અરડૂસીનાં પાનનો રસ સાકર અને મધ સાથે લેવાથી પિત્તધાન લોહીવા-રક્તપ્રદર મટે છે. બધી જાતના પ્રદરમાં મધ કે ચોખાના ધોવાણમાં અથવા ગળો, આમળાંના ઠળિયા કે નાગકેસર સાથે અરડૂસીનો રસ કે ઉકાળો આપવો.

૧૯.    સંધિવાત કે આમવાતઃ અરડૂસીનાં પાનનો ઉકાળો કરી, તેનાં જ પાનની પોટલી કરી વરાળિયો શેક કરવો.

૨૦.    આંખો આવવીઃ અરડૂસીનાં ફૂલના પાટા આંખો પર બાંધવા.

૨૧.     ઘારાં, ચાંદાં કે ગડગૂમડઃ અરડૂસીનાં મૂળ પાણીમાં ઘસીને રોજ બે વખત લગાડવાં અથવા સુકાયેલા અરડૂસીનાં પાન બાળી તેના એરંડિયામાં ઘૂંટી તે મલમ લગાડવો. અને ૪ ગ્રામ હરડે મેળવીને તેનો એક કપ રસ સવારે પીવો.

૨૨.     શરદીઃ બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું.

૨૩.     ઉરઃક્ષતઃ બકરીનું દૂધ, કાળી દ્રાક્ષ કે જેઠીમધના ઉકાળા સાથે અરડૂસીનો રસ આપવો.

૨૪.    સસણીઃ બાળક ભરાઈ ગયું હોય તેમાં મધ સાથે, આદુંના રસ સાથે કે તુલસીના રસ સાથે એક ચમચી અરડૂસીનો રસ આપવો. તેના પાનને અજમા અને હળદર સાથે પીસી, ગરમ કરેલો લેપ છાતીએ અને કપાળે કરવો. અથવા ગરમ કરેલાં પાન છાતી પર બાંધવાં.

૨૫.    પાયોરિયાઃ અરડૂસીના રસમાં મધ મેળવી કોગળા ભરવા અથવા તેના ઉકાળાના કોગળા કરવા.

––––––––––––––––––––––

(સચિત્ર દિવ્યૌષધિ દર્શન’માંથી)

 

 

 

 

અત્યંત ઉપયોગી, પર્યાવરણ–વૃક્ષ લીમડો

પરિચય

લીમડાનું સંસ્કૃત નામ ‘ભદ્ર’ અને ‘પારિભદ્ર’ છે. ભદ્ર એટલે ભલું કરનાર. પારિભદ્ર એટલે ચારે તરફથી પરિપૂર્ણ કરનાર. લીમડાએ આપણા આંગણે આંગણે, ખેતરના શેઢે, રસ્તાઓ પર અને બાગબગીચામાં ઊગીને આપણું ઘણું ઘણું કલ્યાણ કર્યુ છે.

લીમડો કડવો છે છતાં એ આપણવે મીઠો છાંયો આપે છે. શુદ્ર, સાત્વિક અને આરોગ્યપ્રદ હવા આપે છે. વાતાવરણના ભેજ અને ગરમીનો નાશ કરે છે. એનાં અંગે અંગ આપણને નિર્દોષ ઔષધ આપી સ્વાવલંબી રાખે છે.

ચૈત્ર માસમાં આજે પણ ઘેર ઘેર લીમડાના કૂણાં પાન, કરમરિયાં અથવા ચૈત્રી પંચાગ (લીમડાનાં કોમળ પત્ર કે ફૂલ, મરી, હિંગ, સિંધવ, જીરુ અને અજમો)નું સેવન કરવાથી ચૈત્ર માસ કે વસંતૠતુમાં થતા રોગોનો પ્રતિકાર કરી શકાય તેવી માન્યતા છે; તે આપણો લીમડા સાથેનો સંબંધ પ્રતિવર્ષ તાજો રખાવે છે. ગુડી પડવાને દિવસે લીમડાના કોમળ પત્ર ભગવાનને પણ ધરવામાં આવે છે.

ડૉ. એક્રાઇડ, ડૉ. આર. એન. ખોરી, ડૉ. મેજર ડી. બી. સ્પેન્સર, ડૉ. વોરિંગ વગેરેએ લીમડાને મલેરિયાનું સિદ્ધ ઔષધ સાબિત કર્યુ છે. ડૉ. કારનિસ કહે છે : ‘મેં સિંકોનાની છાલ, સોમલ અને લીમડાની અંતરછાલનો ક્રમશ: ઉપયોગ કરી એક સ્વતંત્ર રજિસ્ટર કર્યુ છે. મેં છ દિવસની અંદર મલેરિયાનાં ૬૦ દરદીઓ પર સીંકોનાનો પ્રયોગ કર્યો અને તેનું પરિણામ જોયું તો તેમાં ૪૬ દરદીને લાભ થયો છે. ૪૮ દરદીઓ પર સોમલનો પ્રયોગ કર્યો છે તો તેના પરિણામે ૨૯ દરદીઓને લાભ થયો છે. પછી છેવટે, ૨૩૪ દરદી પર જ્યારે લીમડાનો પ્રયોગ કર્યો છે ત્યારે માત્ર ૬ દિવસમાં ૧૯૯ દરદીને આરામ થયો છે, એટલું જ નહિં પણ મલેરિયા તાવથી શરીરમાં જે આશક્તિ હતી તે પણ નિવારણ થઈ છે અને શક્તિ આવી છે.

ગુણદોષ

લીમડો ઠંડો, હળવો અને લૂખો છે. રસમાં કડવો છે અને કફ તથા પિત્તનું શમન કરે છે.

વ્રણ, કરમિયાં, વિષ, ચામડીના રોગો, તાવ, તરસ, અરુચિ, લોહીવિકાર, મધુમેહ (ડાયાબિટીસ), ઝાડા, વિસ્ફોટક (ફટકિયો તાવ), ગૂમડાં, શીળસ, ઊનવા, આંખો આવવી, દાંતના રોગો, મોં આવી જવું, કાનના રોગો, મગજમાં જીવાત પડવી, મસૂડાના રોગો, ગળાના રોગો, રક્તપિત્ત, દૂઝતા મસા, શીતળા, કમળો, દાઝવું, ગોળો, આમવત, ખોટી ગરમી, ગાંઠ, સળેખમ, બરલ વધવી વગેરે રોગોમાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે.

જખમ (વ્રણ), ચામડીના રોગો, તાવ અને કૃમિમાં લીમડો ઘણો ફાયદાકારક છે.

પ્રયોગ

૧.      વ્રણ-જખમ-ગાંઠ : (૧) કોઈ પણ સ્થાને ગાંઠ થઈ હોય તો લીમડાનાં પાન વાટી, ગરમ કરી બાંધવા અથવા તેની છાલ વાટી ગરમ કરી લગાડવી. (૨) ગૂમડું : ગૂમડું પકાવવા માટે લીમડા સાથે મીઠું અથવા પારેવાની ચરક મેળવી, વાટી, ગરમ કરી લગાડવું અથવા તેના રસમાં કબૂતરની હગાર નાખેલી પોટીસ બાંધવી. (૩) વ્રણ : વ્રણમાંથી પરુ ખેંચી લેવા, થોડું મોરથૂથું નાખેલ લીમડાના રસમાં હળદર મેળવેલ પોટીસ બાંધવી. (૪) વ્રણનો ચેપ : વ્રણનો ચેપ અને ખજવાળ અટકાવવા લીમડાના ઉકાળાથી ધોવું અને લીમડાનો રસ બે-ત્રણ ચમચી પીવો. (૫) વ્રણરોપણ : વ્રણને રુઝવવા લીમડાના ઉકાળાથી ધોઈ તેનાં પર સૂકાં પાનને બાળી તેની રાખ એરંડિયામાં કાલવી બનાવેલો મલમ લગાડવો. તેના પેન, હળદર અને જેઠીમધનું ચૂર્ણ મધમાં મેળવીને લગાડવાથી પણ તુરત રુઝ આવે છે. (૬) વ્રણમાં સડો : વ્રણમાં સડો થયો હોય તો લીમડાના પાનને તલ સાથે વાટી તે કલ્ક લગાડવો અથવા તે કલ્કમાં પકાવેલું તેલ કે લીંબોળીનું તેલ લગાડવું.

૨.      ચામડીના રોગો :  (૧) ખજવાળ-ખૂજલી : લીમડાના ઉકાળાથી સ્નાન કરવું અને તેનો રસ, ૨-૪ દાણા મરી નાખી પીવો. લીમડાના રસમાં પકાવેલું સરસવ તેલ કે લીંબોળિના તેલની માલિશ કરવી. (૨) ખરજવું : લીમડાના પાનમાં સહેજ મોરથૂથું મેળવી, ગોમૂત્રમાં વાટી ચોપડવું. ગોમૂત્ર સાથે કે સ્વતંત્ર બેચાર ચમચી રસ રોજ સવારે પીવો. લીમડાના પાન ઉકાળી તેનાથી ખરજવું ધોવું. (૩) માથામાં ખોડો અને જૂ : માથામાં ખોડો અને જૂ થયા હોય તો લીમડાના પાનનો લેપ કરવો. તેના ઉકાળાથી માથું ધોવું અને તેના બે ચમચી રસમાં ૨ મરીના દાણાનું ચૂર્ણ નાખી રાત્રે પી જવું. (૪) દાદર-દરાજ :  તેનાં પાન સાથે કૂંવાડિયાના બી વાટી ચોપડવાં અને લીમડાનો રસ બેચાર ચમચી રોજ સવારે પી જવો. (૫) વિસ્ફોટક : લીમડાની કોમળ તીરખીથી પવન નાખવો. લીમડાના પાનનો ૫ ચમચી રસ, આમળાંની ભૂકી ૧ ચમચી, ગળોનો રસ ૧ ચમચી અને તેમાં ચપટી કાળીજીરી વાટીને દિવસમાં બે વખત પાવું. (૬) ખસ : સરસિયું તેલ, કરંજ તેલ કે તલતેલમાં લીમડાનો રસ નાખી તેલ પકાવી લગાડવું અથવા થોડો ગંધક અને થોડું મોરથૂથું મેળવી, લીમડાનાં સૂકાં પાનની ચાર ગણી રાખ, ધોળાં મરી અને જૂનું કંકુ સરખે ભાગે  મેળવી, કરંજતેલમાં મલમ કરી લગાડવું. ખસના દરદીને ઔષધ રૂપે લીમડાના પાનનો રસ કે છાલનો ઉકાળો આપવો. (૭) કોઢ-કુષ્ઠરોગ : બધી જ જાતના કોઢમાં લાંબા સમય સુધી પરેજી પાળી લીમડાનો રસ પીધા કરવો અને તેના ઉકાળાથી સ્નાન કરવું. (૮) ગૂમડાં : આખા શરીરે ગૂમડાં ફૂટી નીકળે ત્યારે લીમડાના રસમાં કે ઉકાળામાં થોડી હરડે મેળવીને પાવું અને તેના ઉકાળાથી દરદીને સ્નાન કરાવી, લીમડાના રસમાં કકડાવેલું સરસિયું તેલ લગાડવું.

૩.      વિષ : (૧) સર્પવિષ પ્રતિકાર : લીમડાનાં કોમળ પાંદડાંમાં સમાન ભાગે મસૂરની દાળ વાટી ચૈત્ર માસમાં રોજ પીએ તેને એક વર્ષ સુધી સર્પવિષ વગેરે વિષ ચડતું નથી. (૨) સર્પવિષ: લીંબોળી, મોરથૂથું અને કાળાં મરી સરખે ભાગે લીમડાના રસમાં પીસી, ચણા જેવડી ગોળી કરી રાખી મૂકવી. જેને સર્પ કરડ્યો હોય તેની આંખમાં બાળકના મૂત્રમાં ઘસીને આંજવી અને ૧ થી ૨ ગોળી ઘીમાં પાવી. તે ગોળીના અભાવે લીમડાનો રસ કાઢી તેમાં મરીનું ચૂર્ણ નાખી, ઊલટી થાય ત્યાં સુધી ખાતાં રહેવું. સર્પવિષ ચડ્યું છે કે નહીં તે જાણવા લીમડો ચવરાવવો. કડવો ન લાહે તો વિષ ચડેલું માનવું. (૩) સ્થાવર-જંગમ કોઈપણ વિષ : સિંધવ, મરી અને લીંબોળીના બી સરખે ભાગે મધ અને ઘી સાથે આપવાથી સ્થાવર અને જંગમ વિષ નાશ પામે છે. (૪) અન્ય ઝેરી જીવ : ભમરી, કાનખજૂરો કે અન્ય ઝેરી જીવડાના કરડવાથી થતા દેહ અને સોજા પર લીમડાનાં પાન વાટી ઘી અને હળદર સાથે ચોપડવાં અને તે પાવું. (૫) વિષભક્ષણ : કોઈ પણ પ્રકારનું ઝેર ખવાઈ ગયું હોય તો લીમડાનો રસ અને ઘી સતત પિવરાવી ઊલટી કરાવી નાખવી.

૪.      તાવ-જ્વર : (૧) પિત્તજ્વર (ગરમીનો તાવ) : ટેમ્પરેચર ઘણું વધી ગયું હોય ત્યારે લીમડાનાં પાન વાટી, થોડું કપૂર મેળવી માથે બાંધવા અને તેની અંતરછાલનો રસ એક-બે ચમચી બે વખત પાવો. (૨) વિષમજ્વર (ટાઢિયો તાવ-મલેરિયા) : લીમડાની અંતરછાલનો ઉકાળો કરી તેમાં સૂંઠ અને ધાણાનું ૫ ગ્રામ ચૂર્ણ મેળવી સવાર-સાંજ આપવો, તે અક્સીર છે. (૩) જીર્ણજ્વર : લીમડાની અંતરછાલ, ગળો અને કાળી દ્રાક્ષ સરખે ભાગે લઈ તેનો ઉકાળો આપવો. (૪) બાળકનો તાવ : કૃમિના કારણે બાળકને આવેલા તાવમાં લીબોળીનો ઠળિયો વાટીને પાવો. (૫) વાતજ્વર : વાયુના તાવમાં રોજ ૨-૩ વાર ૬-૮ લીંબોળી વાટીને પાવી.

૫.     કૃમિ-કરમિયાં : (૧) કૃમિ : દરદીએ ૨ થી ૪ લીંબોળી રોજ ખાવી. બાળકોના કરમિયામાં ૨ થી ૪ વાવડિંગ અને ૧ થી ૨ લીંબોળી વાટીનો પાવી. અથવા બકરીને લીમડાના પાનનો ચારો ખવરાવવો અને તેનું દૂધ વાવડિંગ નાખીને પાવાના ઉપયોગમાં લેવું. (૨) દંતકૃમિ : કૃમિને કારણે ગળપણ ખાધા પછી દાઢ દુખતી હોય અને અવાળુ ફૂલતા હોય તો લીમડાનું દાતણ કરવું અને રાત્રે તેનો બે ચમચી રસ પીવો. (૩) મગજનાં કૃમિ : રોજ સવારે અને સાંજે ૪-૪ લીંબોળી વાટી તેનાં ટીપાં નાકમાં નાખવાં અને તેનાં પાનનો રસ રોજ રાત્રે ૮-૧૦ દાણા મરી નાખીને પાવો. (૪) કૃમિનો ગોળો : કૃમિના કારણે પેટમાં ગોળો ચડે ત્યારે લીંબોળી ખવરાવવી અથવા લીંબોળીના કલ્કમાં પકવેલ દિવેલ એક ચમચી  પાવું. એ જ તેલની પિચકારી પણ આપી શકાય. (૫) વ્રણમાં કૃમિ : વ્રણમાં કૃમિ પડ્યાં હોય તો લીમડાનાં પાન સાથે હિંગ વાટી તેનો મલમ ચોપડવો.

૬.      શીતળા : (૧) શીતળાના વાયરા વખતે તેનાથી બચવા ઘરમાં લીમડાનો ધૂપ કરવો. તેનો ઉકાળો કરી ઘરમાં છાંટવો; બાળકોને તેના ઉકાળાથી નવરાવવાં. તેનો ૧ ચમચી રસ સવારે-સાંજે બાળકોને પાતાં રહેવું. બાળકનાં પારણે કે  પથારીએ લીમડો બાંધવો અને પથારીમાં લીમડાનાં પાન પાથરવાં. (૨) શીતળા નીકળ્યા હોય તો તેને રુઝવવા લીમડાનાં સૂકાં પાનની બારીક રાખ પથારીમાં પાથરી તેના પર દરદીને સુવરાવવો અને ફૂટી ગયેલા દાણા પર તે રાખ લગાવવી. (૩) શીતળા ટંકાવ્યા બાદ રુઝ માટે પણ તલના તેલમાં લીમડાનાં પાન નાખી પકાવેલું તેલ અથવા લીંબોળીનું તેલ લગાડવું. લીમડાનો રસ ૧ ચમચી સવારે-સાંજે પાવો અને તેના ઉકાળા વડે બાળકને નવરાવવું.

૭.      ઓરી-અછબડા : આ રોગના વાયરા વખતે બાળકોનાં પારણાં પર અને ઘરમાં લીમડો બાંધવો. તે નમી ગયા બાદ તેના ઉકાળાથી દરદીને નવરાવવા.

૮.      સળેખમ-શરદી : તેમાં નાક બંધ થઈ જતું હોય તો લીંબોળીના તેલનું નસ્ય આપવાથી ઘણો ફાયદો થાય છે. તે ન હોય તો લીમડાનાં પાનમાં પકાવેલ સરસિયું કે તલતેલનું નસ્ય આપવું.

૯.      કમળો : લીમડાની અંતરછાલના બે ચમચી રસમાં કે ઉકાળામાં એક ચમચી મધ અને ચપટી લીંડીપીપરનું ચૂર્ણ મેળવી આઠ-દસ દિવસ આપવું. અથવા લીમડાનો રસ ગોમૂત્ર કે મૂળાના રસ માથે પાવો.

૧૦.    કૉલેરાનો પ્રતિકાર : કૉલેરાથી બચવા માટે લીમડાનાં ૧૦ ગ્રામ પાનમાં, ૧૦ ગ્રામ કપૂર અને ૧૦ ગ્રામ હિંગ મેળવી, વાટીને ગોળી કરવી. તેમાંથી ૫ ગ્રામ ગોળી રોજ રાત્રે ઊંઘતા પહેલાં ગોળમાં ખાઈ જવી. કૉલેરાના દરદીને પિંડીઓ પર તથા પગે લીંબોળીનું તેલ ચોળવું.

૧૧.     લોહીવિકાર : લીમડાનાં પાનનો રસ અથવા ઉકાળો આપવો અને તેનાથી સ્નાન કરવું.

૧૨.     દાઝવું :દગ્ધવ્રણ ઉપર ૧૦૦ ગ્રામ ઘી, ૧૦ ગ્રામ પીળી રાળ અને ૨ કિલો લીમડાનો રસ મેળવીને ઘી પકાવવું. ઠરે ત્યારે તેમાં કપૂર નાખી તે મલમ લગાડવો, અથવા લીમડાનાં સૂકાં પાનની રાખ, ૧૦૦ વાર ધોયેલા ઘીમાં મેળવી કપૂર ઉમેરીને લગાડવી.

૧૩.     ઉરઃક્ષત : ૫-૭ લીંબોળી દિવસમાં બે વખત ખવરાવવી અથવા લીંબોળીના કલ્કમાં પકાવેલું ઘી ચટાડવું.

૧૪.    અજીર્ણ : મીઠા સાથે લીમડાનાં ફૂલ કે કૂણાં પાન ખાવાં.

૧૫.    આમવાત : દરદીને લીંબોળી ખવરાવવી અને લીમડાની પથારીમાં પરસેવો વળે તેટલો શેક આપવો. ઉપરાંત, સૂંઠ કે લીમડાની અંતરછાલનો ઉકાળો પાવો અને તેનાં બાફેલાં પાન જ્યાં વેદના હોય ત્યાં બાંધવાં

૧૬.     લૂ : લૂ લાગી હોય તેમાં અથવા લૂનો પ્રતિકાર કરવા લીમડાનાં કૂણાં પાન, આમલી તથા મીઠા સાથે વાટી ખવરાવવાં.

૧૭.    હરસ-મસા : લીંબોળીને લીંબોળીના તેલમાં કે તલતેલમાં બાળી, ખરલ કરી તેમાં સહેજ મોરથૂથું મેળવીને તૈયાર કરેલો મલમ મસા પર લગાડવાથી તે ખરી જાય છે. દૂઝતા હરસમાં લીંબોળીને મોળી છાશમાં  વાટીને પાવી.

૧૮.     આંચકી : લીંબોળીનું તેલ નાની ચમચી દરમ પાણીમાં પાવું અને માથાના તાળવે તથા પગના તળિયે ઘસવું અને નાકમાં તેનાં બે ટીપાં પાડવાં.

૧૯.    શૂલ : શૂલ નીકળતું હોય તે સ્થાનમાં લીંબોળીનું તેલ ચોળી, શેક કરવાથી આરામ થાય છે. અથવા લીંબોળી તથા લસણ વાટી ગરમ કરી તેનો લેપ લગાવવો.

૨૦.    સોજો : સાટોડી અને તાંદળજાનાં પાન સાથે લીમડાનાં પાન વાટી, હળદર નાખી ગરમ કરી તેનો લેપ લગાવવો.

૨૧.     વાતરક્ત (રક્તપિત્ત – લેપ્રસી) : શરીરે લીંબોળીનું તેલ ચોળવું. લીંબોળીનું તેલ એક ચમચી સવાર-સાંજ પાવું અથવા લીમડાની અંતરછાલનો ઉકાળો પાવો. તેનાં પાનના ઉકાળાથી દરદીને નવરાવવો તથા ચાંદાં પડ્યાં હોય ત્યાં તેનાં પાનની બારીક રાખ લગાવવી.

૨૨.     સ્તન્યદુષ્ટિ : ધાવણ બગડ્યું હોય તે સુધારવા અથવા તેને ઘટાડવા પાન વાટીને સ્તન પર લગાડવાં.

૨૩.     અમ્લપિત્ત : લીમડાનાં પાન કે મૂળને પીસીને બે ચમચી લઈ, તેમાં ૫ ગ્રામ હરડેની ભૂકી નાખીને પીવું.

૨૪.    ઊનવા : લીમડાનાં પાનનો ૨ થી ૩ ચમચી રસ લઈ તેમાં ૨ દાણા મરી અને ૧૦ ગ્રામ સાકર અથવા દ્રાક્ષ મેળવીને આપવું.

૨૫.    આંખો આવવી : (૧) પ્રતિકાર રૂપે : આંખો આવવાના વાયરા વખતે લીમઢાના ઉકાળાથી આંખો ધોવી, તેથી ચેપ લાગવાનો ભય રહેતો નથી. (૨) નેત્રદાહ : દુખતી આંખોમાં ખૂબ બળતરા થતી હોય તો તેનાં પાન વાટી થેપલી મૂકી પાટો બાંધવો અને કપાળે લીમડાનાં કૂણાં પાન બાંધવાં. (૩) બાળકોની આંખો આવવી : બાળકોને કૃમિના ઉપદ્રવ રૂપે આંખો આવી હોય તો તેમાં લીંબોળી વાટી સવાર-સાંજ પાવી તથા લીમડાનાં પાનના પાટા બાંધવા. (૪) આંખો દુખવી : દુખતી આંખોમાં સોજો, પીડા અને બળતરા થતી હોય તો લીમડાનાં પાન વાટી હળદર નાખી, થોડા ગરમ પાટા બાંધવા.

૨૬     મુખરોગ : મોંમા આવતી દુર્ગંધ, કૃમિના કારણે દાઢમાં થતી પીડા, પેઢાનો સડો અને પેઢામાંથી લોહી-પરુ આવવું (પાયોરિયા), કાકડા વધવા, મોં આવી જવું અને ગળામાં દાહ થતો હોય તે તમામ રોગોમાં, રોજ સવારે મોં સાફ કરી વેંત-દોઢ વેંતનું જાડું, કૂણું અને તાજું દાતણ ચાવવું અને તેના રસના ઘૂંટડા થૂંકી નાખવાને બદલે પી જવા. કાકડાના દરદીને લીમડાના બે ચમચી રસમાં ૧ ચમચી હળદરનું ચૂર્ણ અથવા બે ચમચી લીલી હળદરનો રસ મેળવી પાવું. તેથી ઘણો જ ફાયદો થશે.

૨૭.    કર્ણપાક : કાનમાંથી લોહી નીકળવું, પરુ નીકળવું કે ખજવાળ આવવી વગેરેમાં લીંબોળીનું તેલ કાનમાં નાખવું અથવા તેનાં પાનમાં પકાવેલ સરસવતેલનાં ૪-૬ ટીપાં રાત્રે નાખવાં.

૨૮.     પ્રસૂતાને શેક : સુવાવડી સ્ત્રીને શેક આપતી વખતે પથારીમાં લીમડાનાં પાન પાથરવાં.

૨૯.    ચેપીરોગનો પ્રતિકાર : કોઈ પણ ચેપી રોગને પ્રદરતો અટકાવવા ઘરઆંગણે લીમડાનું તોરણ બાંધવું. દરદી ની પથારી પાસે લીમડો રાખવો અને લીમડાનાં પાનનો સવારે-સાંજે ધૂપ કરવો.

૩૦.    તૃષા, બળતરા, મોહ : લીમડાની કૂંપળોને પાણીમાં ખૂબ વલોવવાથી જે ફીણ થાય તે ફીણનો દરદીના શરીરે લેપ કરવાથી તૃષા, બળતરા અને મોહ મટે છે.

निम्ब: शीतो लघुग्राही कटुस्तिक्तोडग्निवातकृत

अह्वद्यः श्रमतडकासज्वरारूचिकृमिप्रणुत

व्रणपित्तकफच्छर्दिकुषठह्रल्लासमेहनुत्

લીમડો ઠંડો, હળવો, ગ્રાહી, વિપાકે તીખો, રસમાં કડવો, જઠરાગ્નિને વધારનારો અને વાયુકારક છે. તે અપ્રિય (તેનો સ્વાદ હ્રદયને અણગમતો) છે. થાક, તરસ, ઉધરસ, તાવ, અરુચિ અને કૃમિને મટાડે છે. ઉપરાંત તે વ્રણ, પિતત, કફ, ઊલટી, ચામડીના બધા જ રોગો, ઊબકા અને પ્રમેહને મટાડે છે

निम्बपत्रं स्मृतं नेत्रयं कृमिपित्तविषप्रणन् ।

वातलं कटुपाकं च सर्वारोचककुषठनुत् ।।

લીમડાનાં પાન આંખો માટે હિતકર, કૃમિ, પિત્ત અને વિષનો નાશ કરે છે. તે વાયુકારક, વિપાકમાં તીખાં, બધી જાતની અરુચિ અને બધી જાતના ચર્મરોગને મટાડે છે.

नैम्बं फलं रस तिक्तं, पाके तु कटु भेदनम् ।

स्निग्धं लघुषणं कुषठघ्नं गुल्मार्शकृमिमेहनुत् ।।

લીંબોળી રસમાં કડવી, વિપાકમાં તિખી અને મળાનું ભેદન કરનારી છે. તેનું તેલ, સ્નિગ્ધ, લઘુ અને ઉષ્ણ છે. તે ચામડીના બધા રોગો, ગોળો, મસા, કૃમિ અને મધુપ્રમેહને મટાડે છે.

(માર્ચ માસના ‘આયુક્રાન્તિ’માંથી સાભાર)

સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રગલ્ભ પ્રતીક

ગામને ગોંદરે ઊભેલો વડ


આર્યપ્રજાએ જેમ પૂજનમાં તુલસીને સ્થાન આપ્યું છે તેમ વડને પણ આપ્યું છે. વડસાવિત્રીના વ્રત દ્વારા સ્ત્રીઓ પોતાના પતિદેવ માટે વડ પાસેથી બળ, શુક્ર, આયુષ્ય અને આરોગ્ય મેળવે છે

ગામના ગોંદરે, જંગલમાં કે વનવગડે શાંત, સૌમ્ય, વિશાળ અને ઘટાદાર વડલો ઘણાનો આરામદાયક અને આશ્રયદાતા બને છે. પ્રાણીઓએ વડના છાંયે વિશ્રામ લઈ જેટલી શાન્તિ મેળવી હશે તેટલી ભાગ્યે જ કોઈ ઝાડના છાંયેથી મેળવી હશે.

વડનાં પાન, છાલ, વડવાઈ, દૂધ અને ફળ(ટેટા) વગેરે બધાં જ અંગો આપણાં ઔષધોમાં ઉપયોગી બને છે.

ગુણદોષ

વડ ઠંડો, ભારે અને લૂખો છે. પિત્ત તથા કફનું શમન કરે છે. રસમાં મધુર અને તૂરો છે. વર્ણ, બળ, વિર્ય અને આયુષ્યને વધારનારો છે. વળી તે વ્રણ, વિસર્પ, ઝાડા, રક્તદોષ, દાહ, યોનિરોગ, શુક્રદોષ, તૃષા, સોજા, ઊલટી, રક્તપિત્ત, નેત્રરોગ, નપુંસક્તા, વંધ્યત્વ(વાંઝિયાપણું), દાંતના રોગો, વ્યંગ, મુખપાક, દુર્બળતા, રતવા, મૂર્ચ્છા, બહુમૂત્રતા, પ્રમેહ, પ્રદર, શૂલ, સંધિવા,    ઉધરસ, દમ, લોહીવિકાર, લૂ લાગવી, વિસ્ફોટ અને પગ ફાટવા (વાઢિયા) વગેરે રોગોમાં ઉપયોગી છે.

પ્રયોગ

૧. વ્રણઃ વ્રણને રૂઝવવા માટે તેની છાલના ઉકાળાથી વ્રણ ધોવો. વ્રણમાં કીડા પડ્યા હોય તો તેમાં                         

દૂધ ભરવાથી તે મટી જાય છે.

૨. આંખનું ફૂલુઃ વડના દૂધમાં મધ અને કપૂર મેળવીને આંજવું.

૩. શુક્રદોષઃ શુક્રસ્ત્રાવ કે શુક્રની અલ્પતા દૂર કરવા વડનું દૂધ એક ચમચી જેટલું મોટા પતાસામાં                લેવું.

૪.  યોનિરોગઃ યોનિપાર્ક, યોનિદાહ અને યોનિસ્ત્રાવમાં વડની છાલના ઉકાળાનું પોતું રાખવું અને                                                                         તેનું ચૂર્ણ દૂધમાં રોજ સવારે આપવું.

૫. ચર્મરોગઃ ચામડીના રોગોમાં છાલના ઉકાળાથી સ્નાન કરવું અને તેનો ઉકાળો લીમડાના રસ       સાથે પીવો.

૬. દાંતના રોગોઃ દાંત હલતા હોય, પેઢાં ફૂલ્યા હોય તેમાં વડનું દાતણ કરવું અથવા તેના ઉકાળાના કોગળા કરવા.

૭. મુખપાકઃ મોં આવી ગયું હોય તેમાં ઉપરના પ્રયોગ કરવા.

૮. ઝાડાઃ કોઈ પણ પ્રકારના ઝાડામાં સૂંઠનું ચૂર્ણ મેળવીને વડની છાલનો ઉકાળો આપવો; લોહીના      ઝાડામાં ઇન્દ્રયવનું ચૂર્ણ મેળવીને આપવો અથવા ભાતના ઓસામણમાં વડનું મૂળ પીસીને આપવું.

૯. અર્શઃ દૂઝતા મસામાં ઉકાળો આપવો અને પાનની રાખ માખણમાં મેળવી લગાડવી.

૧૦. રક્તપિત્તઃ મોં, નાક, ગુદા વગેરે દ્વારેથી લોહી પડતું હોય તો તેનો ઉકાળો આપવો.

૧૧. દૌબલ્યઃ નબળાઈમાં વડનું દૂધ, ઘી અથવા મધ સાથે સવારે-સાંજે ૧-૧ ચમચી લેવું.

૧૨. ખીલના ડાઘઃ વડનું દૂધ હળદર સાથે મેળવી લગાડવાથી તે ડાઘ દૂર થાય છે.

૧૩. કરોળિયાઃ વડનું દૂધ હળદર મેળવીને લગાડવું.

૧૪. ગૂમડાઃ ગૂમડાંમાં રૂઝ લાવવા માટે વડના દૂધમાં બરાબર ભીંજવેલી પટ્ટી લગાડવી અથવા દૂધનું પોતું મૂકી ડ્રેસિંગ કરવું.

૧૫. બહુમૂત્રતાઃ વડની છાલનો ઉકાળો સવાર-સાંજ આપવો.

૧૬. શૂલઃ વડના દૂધમાં રાઈ વાટી લેપ કરવો; તેથી પડખાં, વાંસો, માથું વગેરે કોઈ પણ સ્થળે નીકળતું શૂલ મટે છે.

૧૭. સંધિવાઃ વાયુના કારણે કે આમવતના કારણે નીકળતા શૂલમાં ઉપરોક્ત પ્રયોગ કરવો.

૧૮. વાઢિયાઃ વણનું દૂધ લગાડી ઉપર શેક કરવો.

૧૯. દાહઃ ખાંડ નાખીને વડનું દૂધ ચાટવું.

૨૦. ઊનવાઃ ઉપર પ્રમાણે.

૨૧. પિત્તની ઉધરસઃ ઉપર પ્રમાણે.

૨૨. રક્તદોષઃ વડના કોમળ પાન વાટી તેનો રસ રોજ બેત્રણ વખત .પવો.

૨૩. લૂ લાગવીઃ લૂનો પ્રતિકાર કરવા કે લૂની અસર દૂર કરવા માથે વડનાં પાન બાંધવા.

૨૪. વિસ્ફોટકઃ રતવામાં વડની છાલનો ઉકાળો આપવો અને તેનાથી સ્નાન કરવું.

૨૫. દાંતનો દુખાવોઃ વડના દૂધમાં ઊંચી જાતની વાટેલી હિંગ મેળવી પોતું મૂકવું અને તેનો કોગળો ભરવો.

૨૬. આંખો આવવીઃ ગરમીને કારણે આંખો આવી હોય તો વડની છાલને ઉકાળાથી ધોવી અને વડના દૂધના પોતાં મૂકવાં.

૨૭. રસોળીઃ કઠ અને સિંધવને વડના દૂધમાં ભેળવી રસોળી પર લગાડવું અને ઉપર વડની છાલનો ટુકડો બાંધવો. આ રીતે સાતેક દિવસ કરવાથી રસોળી (रसार्बुद)માં ફાયદો થાય છે.

૨૮. વ્યંગઃ મોં પર કાળા ડાઘા પડ્યા હોય તેમાં મસૂરની દાળ વડવાઈના દૂધમાં પીસીને લગાડતાં રહેવું. અથવા વડની કોમળ ટીશીઓ અને મસૂરને દૂધમાં પીસીને લગાડવું.

૨૯. વંધ્યત્વ-વાંઝિયાપણુઃ પુષ્ય નક્ષત્ર અને શુક્લ પક્ષમાં લાવેલ વડના અંકુરોનું ૨ થી ૫ ગ્રામ ચૂર્ણ વંધ્યા સ્ત્રી રજસ્વલા થાય ત્યારે સવારે પાણીમાં ૪ થી ૬ દિવસ આપવું તેથી અવશ્ય ગર્ભ રહે છે.

૩૦. હ્રદયદૌર્બલ્યઃ પતાસામાં વડનું દૂધ આપવું.

૩૧. મસ્તિષ્કદૌર્બલ્યઃ પતાસામાં વડનું દૂધ આપવું.

૩૨. મૂત્રદાહઃ ઉપરોક્ત પ્રયોગ પ્રમાણે.

૩૩. ગ્રહણીઃ ચોખાના ધોવાણમાં કે ભાતના ઓસામણમાં વડના મૂળનું ચૂર્ણ આપવું.

૩૪. તૃષાઃ વડના લાકડાની રાખ પાણીમાં મેળવી તે પાણીથી કોગળા ભરવા.

૩૫. અર્બુદ-કૅન્સરઃ વડનું દૂધ, ઉપલેટ અને સિંધવ ભેળવી તેનો લેપ કરવો. તેની ઉપર વડનાં પાન બાંધી રાખવાં. આ પ્રયોગથી સાત દહાડામાં અર્બુદ અને અધ્યસ્થિ(હાડકાનું વધવું) નાશ પામે છે તેવું મહાવૈદ્ય બંગસેનનું કહેવું છે.

૩૬. ગર્ભસ્ત્રાવઃ પુષ્ય નક્ષત્રમાં વડની કૂંપળો એકઠી કરવી. તેનું ચૂર્ણ કરી દૂધ સાથે નિયમિત લેતાં રહેવાથી વારંવાર થતી કસુવાવડ અટકે છે.

૩૭. રક્તપિત્તઃ અધોગ રક્તપિત્તમાં મળ-મૂત્ર દ્વારા લોહી પડતું હોય કે ઊર્ધ્વગ રક્તપિત્તમાં લોહીની ઊલટી કે નસકોરી દ્વારા લોહી પડતું હોય તો વડની વડવાઈ અને કોમળ ટીશીઓ વડે ઉકાળેલું દૂધ પીવું.

૩૮. પ્રદરઃ શ્વેતપ્રદરમાં સ્ત્રીઓને સફેદ પાણી પડતું હોય તેમાં વડની છાલનો ઉકાળો લોધરનું ચૂર્ણ મેળવીને આપવો.

૩૯. લોહીવાઃ વડની કૂંપળો વડે વિધિ અનુસાર ઘી સિદ્ધ કરીને લેતાં રહેવું.

–––––––––––––––––––––––––––––––––––––––––––––

(-‘સચિત્ર દિવ્યૌષધિદર્શન-૧’ માંથી)

જીવંતી-ડોડી–ખરખોડી

શ્રી માધવ મો. ચૌધરી

‘શાકશ્રેષ્ઠા’ ડોડીની ગણના સર્વ શાકોમાં સૌથી શ્રેષ્ઠ શાક તરીકે થાય છે. અતિ પ્રાચીનકાળથી શાક બનાવવમાં ડોડીનો ઉપયોગ થાય છે. ડોડીના વેલા જૂઈના વેલા જેવા થાય છે ! તેના વેલા આપમેળે ઊગીને વાડો ઉપર ફેલાઈ જાય છે. ડોડી એ વર્ષાૠતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ વળનારી, વધારે પાનવાળી વેલ છે. તેના વેલા બારમાસી છે. ડોડી પંજાબ, ઉત્તર પ્રદેશ, ઓરિસા, મધ્યભારત અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં થાય છે. તેના વેલાનું મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. વધારે જૂનાં મૂળ હાથના કાંડા જેવા જાડાં અને કાપવાથી છિદ્રાળુ જણાય છે. મૂળની વાસ થોડી ઉગ્ર અને સ્વાદ ફીકો તેમ જ કંઈક મીઠાશ પડતો લાગે છે. તેના વેલા ઝડપથી ઉંચે ચડી જાય છે. પાન પાતળાં, ચીમળાયેલાં, અસકથી બે ઈંચ લાંબાં, એકથી દોઢ ઈંચ પહોળાં અને અણીદાર હોય છે. પાન ઉપરની બાજુએ ચીકણાં, નીચેની બાજુએ રુવાંટીવાળાં અને સહેજ વાસવાળાં હોય છે.

ડોડીને મીઠી ખરખોડી પણ કહે છે. ડોડીની જંગલમાં થનારી એક કડવી જાત પણ હોય છે. ડોડીના ફળને ડોડાં (સુડિયાં) કહે છે. ડોડાં બે થી ત્રણ ઈંચ લાંબાં, અર્ધો-પોણો ઈંચ જાડા, લીલા રંગનાં અને આકડાના ફળ સમાન હોય છે. ડોડાને તોડવાથી પીળા રંગનો દૂધ જેવો રસ નીકળે છે. શિયાળામાં ડોડીના વેલા પર ડોડાં બેસે છે. કૂણાં ડોડાંનું શાક અને કઢી થાય છે. કૂમળાં ડોડાનું શાક તેલ અને મરચાના વઘારથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. બજારમાં ડોડાં ભાગ્યે જ વેચાતાં મળે છે. એટલે મુખ્યત્વે ગામડાંના લોકો જ તેનું શાક ખાય છે. શહેરમાં વસતા લોકોએ-શહેરી પ્રજાએ પણ ડોડીના શાકનો લાભ લેવા જેવો છે. ડોડીના કૂંણાં પાનની દહીં કે છાશ મેળવીને ભાજી પણ બનાવાય છે અને તે ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઉનાળામાં ડોડીના પાનની ભાજી ખાસ ખાવા જેવી છે. ડોડીના પાનની ભાજી ખાવાથી આંખોનું તેજ વધે છે. ડોડીના મૂળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ક્વાથ માટે તેના મૂળની એક બે તોલા સુધીની અને ચૂર્ણ માટે ત્રણથી છ માસા સુધીની માત્રા છે. જીવંતી, જીવની, જીવનનીયા, મધુરસ્ત્રવા, મંગલ્યનામધૈયા, શાકશ્રેષ્ઠા અને પયસ્વિની એ ડોડીનાં સંસ્કૃત નામો છે.

जीवंती शीतला स्वादुः स्निग्धा दोषत्रयापहा !

रसायनी बलकरी चक्षुष्या ग्राहिणी लघुः   !!

डोडीका पुष्टिदा वृष्या रूच्या वनूहिप्रदा लघुः !

हन्ति पित्तकफार्शासि कृमिगुल्मविषामयानू !!

ડોડી કે મીઠી ખરખોડી ઠંડી, મધુર, સ્નિગ્ધ, ત્રણે દોષને હણનાર રસાયનરૂપ, બળ આપનાર, નેત્રને  હિતકારી, ઝાડાને રોકનાર, પુષ્ટિ આપનાર તે પચવામાં હળવી છે. વીર્યને વધારનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર અને હલકી હોઈ પિત્ત, કફ, અર્શ, કૃમિ ગોળો તથા વિષ રોગને મટાડનાર છે.

ચરકે અતિસારવાળાઓ અને વિષરોગીઓ માટે ડોડીનું શાક હિતકારી માનેલ છે. સુશ્રુતે તૂરા અને મધુર રસવાળા શાકોમાં તેની ગણના કરી, ડોડીને સર્વદોષઘ્ન કહેલ છે. વાગ્ભટ્ટે પણ ડોડીના શાકને શ્રેષ્ઠ ગણેલ છે. રાજનિઘંટુકારે પણ ડોડીને રક્તપિત્ત, વાતરોગ, ક્ષય, દાહ અને જ્વરને હણનાર, કફવૃદ્ધિકર તથા વીર્યવર્ધક ગણેલ છે. ડોડી રતાંધળાપણાને પણ મટાડનાર છે.

આધુનિક વૈદકના મત પ્રમાણે ડોડી સ્નેહન, શીતલ, મૂત્રજનન અને શોથહર છે. એક આયુર્વેદીય ‘એલાર્સિન’ કંપનીએ તો ડોડીનું સત્વ તૈયાર કરાવ્યું હોવાનું અને તેની ટીકડીઓને ‘લેપ્ટેડિન’ નામ આપ્યું હોવાનું પણ કહેવાય છે. જે માતાના બચ્ચાં નાનર્ વયમાં વિસર્પ (રતવા) રોગથી પીડાઈ મરી જતાં હોય તેને એના સેવનથી ફાયદો થાય છે. એ સાબિત કરે છે કે ડોડીમાં જીવનીય ગુણ છે.

ડોડીનાં મૂળનો કલ્ક એક શેર, ડોડીનાં મૂળ તથા શતાવરીનો ક્વાથ સોળ શેર અને ગાયનું ઘી ચાર શેર, એકત્ર કરી મંદાગ્નિ પર ઘી સિદ્ધ કરવું. એ ઘીમાંથી અક એક તોલો સવાર-સાંજ ખાવાથી ક્ષય, ઉરઃક્ષત, દાહ, વંધ્યત્વ, દ્દષ્ટિની મંદતા અને રક્તપફત્ત મટે છે.

ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવાથી અગ્નિદીપન થાય છે, તેમ જ રસાયન જેવો ગુણ આપે છે અને નેત્રને ઠંડક પણ આપે છે.

ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું અટે છે. અર્શવાળાને પણ તેની ભાજી પથ્ય છે.

ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકાની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રીઓના કોઠાની ગરમી દૂર કરે છે.

આંગણામાં વાવીએ તુલસીનો છોડ !

मैं तुलसी तेरे आंगनकी !!

કુ. મસ્તી વત્સલ વસાણી

થોડા સમય પહેલાં એક ખ્યાતનામ ફાર્મસીના એમ.આર. (પ્રતિનિધિ) અમારા ક્લિનિક પર પપ્પાને મળવા માટે આવેલા. વિદેશોમાં આયુર્વેદ અને હર્બલ મેડિસિનનું જે ગતિથી મહત્વ વધી રહ્યું છે તેની વાત નીકળતાં એમણે કહ્યું કે હમણાં જ એક નિર્યાત કરતી કંપનીને તુલસીનાં પંદર ટન પાન મોકલવાનો ઓર્ડર મળ્યો છે. કેમ કે એ લોકો કૅન્સર પર અને બીજા અનેક રોગોમાં તુલસીના પ્રયોગો કરી રહ્યાં છે.

આપણી એ કમનસીબી છે કે જે વાત પર વિદેશી મહોર ન વાગે તે આપણને જલદીથી ગળે ઊતરતી નથી. આપણી જ વસ્તુનો સ્વીકાર ક્યાંક વિદેશમાં થાય તો આપણે એના પર વિચાર કરવા મજબૂર બનીએ છીએ. હમણાં હમણાં અન્ય અનેક દેશોમાં હર્બલ મેડિસિન અને યોગ તરફનું વલણ વધવા લાગ્યું છે. ભારતની આ એક ખાસિયત છે કે આપણે કોઈ પણ સારી વાત ધર્મના માધ્યમથી લોકો સૂધી પહોંચાડી છે અને પશ્ચિમની પણ એક વિશેષતા છે કે એ લોકો વિજ્ઞાનના માર્ગે જ કોઈ પણ સારી વાત સ્વીકારવા તૈયાર છે.

તુલસી એ આપણી આરોગ્ય પ્રત્યેની અભિરુચિનું પ્રતીક છે. યુગયુગથી આ દેશમાં તુલસીની પૂજા થતી આવી છે. કેમ કે એ પવિત્ર છે. પરમાત્મા પોતે એને પસંદ કરે છે. પ્રસાદમાં તુલસી, ચરણામૃતમાં તુલસી, ગળામાં પહેરાતી માળામાં પણ તુલસી, તો આનું કારણ શું ? પ્રતિભા ધરાવતા પ્રત્યેક ભારતીય ભાઈઓ અને બહેનોને મારી વિનંતી છે કે ધર્મના નામે ઘરેઘરમાં પ્રવેશી ગયેલી આવી વાતોને વિજ્ઞાન સંમત અર્થ આપે.

તુલસીની સૌથી પહેલી વિશેષતા એ છે કે તે વાતાવરણને જંતુરહિત અને શુદ્ધ રાખે છે. તેના પાનમાં જે સુગંધ અને ઉડનશીલ તેલ છે તે હવામાં ભળીને આસપાસના વાતાવરણને દુર્ગંધ રહિત અને આરોગ્યપ્રદ બનાવે છે. તુલસીમાં બીજો એક ઝેરી તત્વોને દૂર કરવાનો ગુણ પણ છે. તે પાચનતંત્રને સુધારે છે. સરસ મઝાની ભૂખ લગાડે છે. જમતાં પહેલાં પંદરવીસ તુલસીનાં પાન ચાવી જનારને ભાગ્યે જ ક્યારેય મંદાગ્નિ કે અપચાની ફરિયાદ કરવી પડે છે. તે જીભને ચોખ્ખી કરે છે અને રુચિવર્ધક પણ છે. રસમાં તીખી અને કંઈક અંશે કડવી હોવાથી કફ તથા વાયુનો નાશ કરે છે. શરદી અને ઉધરસ થઈ હોય તો આદું અને તુલસીના રસમાં એક ચમચી ચોખ્ખું મધ મેળવીને પીવાથી તત્કાળ રાહતનો અનુભવ થાય છે. ટાઢિયો તાવ ખસતો ન હોય તો સવાર-સાંજ તુલસીના રસમાં થોડુંક મરીનું ચૂર્ણ મેળવી દિવસમાં ત્રણ-ચાર વાર ચાટી જવું. ફ્લુ (વાત-કફ જ્વર) શરૂ થયો છે એવી ખબર પડે કે તુરત આદુ અને તુલસીના રસમાં થોડું મધ મેળવીને પીવાનું ચાલું કરી દો. એમાં એકાદ ગોળી ત્રિભુવનકીર્તિ રસની નાખવામાં આવે તો પરિણામ જલદીથી મળે છે.

શ્વાસ કે સસણીનું દરદ હોય તો તુલસીના રસમાં ચપટીક શ્વાસકુઠાર રસ અને ચમચી ચોખ્ખું મધ મેળવીને દિવસમાં બે-ત્રણ વાર ચાટી જવું. તુલસીના પાંચ ગ્રામ માંઝરમાં બમણી સૂંઠ મેળવીને ઉકાળો કરી ઠરે ત્યારે મધ મેળવીને પીવાથી પણ શ્વાસનો હુમલો શાંત થાય છે. શીળસના કારણે શરીર પર ઢીમચાં ઊપસી આવતા હોય તો તુલસીનાં મૂઠી એક પાન રોજ ચાવી જાય છે તેના શરીરમાં રોગ પ્રતિકારશક્તિ (ઈમ્યુનિટી) અવશ્ય વધે છે. શોઢલ વૈધનું વચન છે કે કાનમાં પરુ આવતું હોય અને એના કારણે દુર્ગંધ જેવું લાગતું હોય તો તુલસીના પાનનો રસ કાઢી રોજ બે વાર કાનમાં ટીપાં નાખો, અવશ્ય ફાયદો થશે.

આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં તુલસીના અનેક ગુણ અને સંખ્યાબંધ ઉપયોગ વર્ણવેલા છે. હેડકી, આધાશીશી, ચામડીના રોગો, દાંતનો દુખાવો, કૃમિ અને એવા અનેક રોગોમાં એના પ્રયોગો થયા છે, જેનો વિસ્તૃત ઉલ્લેખ આ લઘુ લેખમાં શક્ય નથી. પરંતુ એટલું તો જરૂર કહીશ કે આંગણામાં તુલસીનો છોડ વાવવાનું ચૂકશો નહીં. ફ્લેટ હોય કે ઘર નાનું હોય તો છેવટે એક કૂંડામાં પણ તુલસીનો છોડ અવશ્ય રોપજો. કેમકે રોગ સામે રક્ષણ આપવામાં એ પહેરેગીર જેવું કામ કરે છે.

વનસ્પતિની દિવ્યલીલા


‘છંદાસિ યસ્ય પર્ણાનિ’ *                                                                 – જુગલકીશોર.


ધ્રુવ-વૃક્ષઃ

વૃક્ષને જોતાં જ એક પગે તપ કરતો ભક્ત ધ્રુવ યાદ આવી જાય છે ! પિતાના ખોળામાં બેસવાનો અધિકાર અને પિતાનો પ્રેમ મેળવવા કિશોરવયે બાર બાર વર્ષ સુધી એક પગે તપ કરનાર ધ્રુવને પિતાનો ખોળો તો મળ્યો જ; રાજ્યાસન પણ મળ્યું. એટલું જ નહિ પણ આકાશમાં જેની આસપાસ બધા તારાઓ ફરતા રહે એવું નિશ્ચલ સ્થાન, ધ્રુવસ્થાન, શાશ્વત રૂપે પ્રાપ્ત થયું.

જન્મતાંવેંત એક પગે ધરતીમાં ખોડાઈને જીવન પર્યન્ત તપ કરતી; આકાશેથી વરસતી આગ ઝીલી લઈને સૌને છાંયડો દેતી; માનવ-પશુ-પંખી સૌને ખોરાક દેતી અને મનુષ્ય જીવનને દિવ્ય ઔષધી દેતી વનસ્પતિના આ આકરા તપનો બદલો આપણે માનવીએ, શો આપ્યો ?!

જંગલોનાં જંગલો, વનો, ઉપવનો જ નહિ, ક્યાંક એકલ ખૂણે ઊભેલું ઝાડ પણ આપણે, હા, એકવીસમી સદી સુધી વિકસેલા આપણે, રહેવા દીધું નથી ! થોડુંક અમથું નડ્યું નથી ને કાપી નાખ્યું નથી !!

પ્રસ્ફોટ-લીલાઃ

ધરતીનું પડ ચીરીને ફૂટી નીકળતા લીલા રંગના ફુવારા જેવાં વૃક્ષો સાચે જ સમૃદ્ધિના ફુવારાઓ જ છે. શહેરના ચાર રસ્તાઓ પર જોવા મળતા જાતજાતના આકારના રંગીન ફુવારાઓ કરતાં અનેકગણી વિવિધતા અને આકારો ધરાવતાં આ વૃક્ષો, ધ્યાનથી જોઈશું તો ધરતીમાંથી ફૂટી નીકળેલા ફુવારાઓ જ જણાશે ! વાંસનાં ઝુંડના ઝુંડ એનો ઉત્તમ દાખલો છે. સમૃદ્ધિનો લીલો રંગ વિશ્વભરમાં પથરાઈને પડ્યો છે તે આ રંગ-લીલા, આકાર-લીલા અને સમૃદ્ધિ-લીલાનું જ પરિણામ છે. (આપણા રાષ્ટ્રધ્વજમાં એને સમૃદ્ધિના પ્રતીક તરીકે મૂકનાર મહાનુભાવને વંદન !!)

ઘણી વાર ભૌતિકતા અને સ્થૂળતાનું પ્રતીક મનાયેલી કઠણ ધરતીને ચીરીને ફૂટી નીકળેલો અંકુર, ઘાસનું એક તૃણ કે વધીને તરુ કક્ષાએ પહોંચેલું કોઈ વનસ્પતિ–બાળ શો સંદેશો આપે છે ? સંઘર્ષ, પુરુષાર્થ અને નરી જીવંતતાનાં એ બધાં પ્રતીકો આપણને ફક્ત વૈચારિક, ભાવાત્મક જ નહિ; પોતાના દૈવી ગુણો દ્વારા આપણામાં શારીરિક બળ પણ પૂરું પાડે છે. અને આપણે ક્ષીણ થઈએ ત્યારે ઔષધિ બનીનેય આપણને શીતળ લેપ કરી આપે છે – નવું જીવન આપવા !

જન્મથી મૃત્યુ પર્યત સાથઃ

ભારતીય સંસ્કૃતિમાં બાળકને જન્મ પછી ગળથૂથી પાવાનો રિવાજ છે. (એ રિવાજ ‘છે’ માંથી ‘હતો’ થઈ જવાની તૈયારીમાં છે, હતો ન હતો થઈ જનારા અનેક રિવાજોની માફક જ.) શેરડીના રસમાંથી બનેલા ગોળનું પાણી જન્મતાંવેંત બાળકના પેટમાં જાય છે. એ જ સંસ્કૃતિમાં માણસ મૃત્યુ બાદ ચિતામાં પોઢે છે, ને લાકડાં ભેગો બળીને ભળી જાય છે આ પંચતત્વલીલામાં, ત્યારે પણ વનસ્પતિ મનુષ્યને સાથ આપી રહે છે. ગળથૂથીથી ચિતા સુધી આપણને સાથ દેનારી વનસ્પતિનું ૠણ સતત અને સદાય યાદ રાખવાનું પણ આપણી સંસ્કૃતિએ જ આપણને ઠેર ઠેર બતાવ્યું છે, શ્લોકોમાં સંઘરીને, ગીતોમાં ગાઈને અને લોકગીતોમાં ઝિલાઈને. જનમથી મૃત્યુપર્યતના સોળે સંસ્કારો સાથે વણાયેલાં ગીતોનો અભ્યાસ કરીશું તો એમાં વનસ્પતિ ગૂંથાયેલી જોવા મળશે.

વસ્ત્રલીલાએ શોભિત પૃથ્વીઃ

વનસ્પતિ આપણી આસપાસ ન હોત તો ? માત્ર સવાલ જ આપણને અકળાવી મૂકશે. એના બધા જ ગુણોને બાજુ પર રાખીને ફક્ત એના સૌંદર્યને જ નજર સમક્ષ રાખીએ તો ય વનસ્પતિ આ વિશ્વનું સૌથી મોટું આકર્ષક તત્વ છે. પૃથ્વી પર જોવા મળતાં બે તત્વો-પાણી અને વનસ્પતિ એ આપણને સમગ્ર બ્રહ્માંડમાં અલગ પાડી દેનારાં તત્વો છે. ટી.વી દ્વારા હવે તો ઘરઘરમાં તક ઊભી થઈ છે, બ્રહ્માંડના બીજા ગ્રહોને જોવાની. ક્યાંય કોઈ ગ્રહ નજીકથી ઝડપાયેલી તસ્વીરોમાં સુંદર દેખાયો છે ? રામ રામ કરો ! પરંતુ પૃથ્વીને તો ચંદ્ર પરથી જુઓ કે વિમાનની ઊંચાઈએથી ઝડપેલાં દ્દશ્યોમાં જુઓ; કે કોઈ પર્વત પરથી નીચે પથરાયેલી વનરાઈની હરિયાળીમાં જુઓ અથવા જંગલ-વન-ઉપવનમાં પ્રવેશીને એ હરિયાળીલીલાને આંખેથી સ્પર્શો; વૃક્ષની ડાળ ઉપર બેસી એ લીલાનો હિંચોળો લઈ લો કે એનાં કોઈ પાન, ફૂલ કે પરાગને સ્પર્શીને અણુઅણુમાં એને ફૂટી નીકળતી અનુભવો ! હજી સુધી તો પૃથ્વીની બરોબરી કરે તેવી સુંદરતા કોઈ અન્ય ગ્રહમાં જોવા મળી નથી !

(‘ભારત એક ખોજ’ સીરિયલના પ્રથમ એપીસોડમાં શ્યામ બેનેગલે ભારત દર્શન કરાવ્યું તે યાદ છે ? જેણે એ ન જોયું હોય તેને ક્ષમા ! કાળીદાસના યક્ષે અષાઢના પ્રથમ દિવસે એટલી જ ઊંચાઈથી ભારતદર્શન કરાવ્યું છે તે ‘જોયાનું’ યાદ આવે છે ? ‘જોયું’ ન હોય તેની દયા !)

સદા સુકોમળઃ

વૃક્ષોની એક વિશેષતા એની કોમળતામાં પણ રહેલી છે. તાજો જ જન્મેલો અંકુર હોય કે દાયકાઓ જૂનું ખખડધજ વૃક્ષ હોય; આકાશને આંબવા મથતું ઊંચું સોટા જેવું હોય કે ચો દિશ પથારો કરીને બેઠેલું હોય; વૃક્ષની એકો એક ડાળને છેડે તો એ કોમળ જ હોય છે. વૃક્ષ ગમે તેટલું મોટું થાય, એની આંગળીયે તો એ બાળક જ રહેશે ! માનવી મોટો થતો જાય પછી એના દાંત-નખ તો શું વાળ પણ બરડ જ થતા રહે છે. ચામડીથી ય એ કોમળ રહેવાને બદલે બરડ ને જાડી ચામડીનો થવામાં જ સાર્થક્તા માને છે !

કલા-ધરાઃ

કલાની દ્દષ્ટિએ પણ એક વાત નોંધી લઈએઃ કલાના બધા જ પ્રકારોમાં કાવ્ય ઉત્તમ. પરંતુ ‘કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્’ ન્યાયે નાટકને વખાણ્યું કારણ કે એમાં બધી જ કલાઓ સ્ફુરી રહે છે. નૃત્યમાં પણ ઘણાં તત્વોનો સમાવેશ છે. શિલ્પો તો થીજી ગયેલાં નૃત્યો ગણાય. (તો નૃત્યને થીરકી ઊઠેલાં શિલ્પો ગણીએ, બીજું શું ?!)

પરંતુ વૃક્ષ ? સતત બદલતી મુદ્રાઓ દ્વારા, અનેક પ્રકારની સુરાવલીઓ દ્વારા, રંગોની અને આકારની અનેક છાયાઓ-વિવિધતા દ્વારા પોતાને સતત મુખરિત રાખતું ને પ્રગટ કરતું રહેતું નર્યું કાવ્ય !! અછાંદસ પણ ખરું ને છાંદસ પણઃ ‘છંદાંસિ યસ્ય પર્ણાનિ.’ ગીતામાં સંસારવૃક્ષનાં પાંદડાને છંદો કહ્યાં ! છંદ એટલે વ્યવસ્થા. ‘જેનું કોઈ ચોક્કસ રૂપ ઓળખાતું કે સમજાતું નથી એ સંસારવૃક્ષને’ ય કોઈ વ્યવસ્થા છે જ. વૃક્ષ-કાવ્ય એ આ પૃથ્વીનું છાંદસ-અછાંદસ એવું અપ્રતીમ તત્વ છે.

અંધારી રાતે વૃક્ષોનું સંગીત જેણે માણ્યું તે આ વિશ્વમાં સૌથી ધન્ય ગણાય ! રાતના પવનમાં ધૂણતો લીમડો જેણે સાંભળ્યો હશે કે પીપળાને ખડખડ દાંત કાઢતો સાંભળ્યો હશે તેને બીજા કોઈ મનોરંજનની જરૂર ન રહે. પીપળો તો એની લાંબી ડાંડલી દ્બારા પાન ઝુલાવીને જે રીતે તાળી પાડતો હોય છે તેને તો ધ્યાનથી માણવો જ રહ્યો !

જ્યારે નૃત્ય ? નટરાજ શંકરના નૃત્ય પછી વૃક્ષનૃત્યની તોલે કોઈ નૃત્ય તો આવી શકે જ શી રીતે ?!

સૌને સમજાય એવી કૃપાઃ પરંતુ આપણે તો રહ્યા માનવી. ઉપયોગીતાવાદથી જ જીવી રહેલા માનવીને હવા, પાણી પછીની ત્રીજી મહત્ત્વની જરૂરિયાત તે ‘આહાર’ આપીને સદાય ઓશિંગણ રાખનાર વનસ્પતિ આપણું જીવન જ છે. પ્રથમ બંને તત્વોને પણ વનસ્પતિનો મોટો આધાર છે. પાણીને ‘જીવન’ કહ્યું તો વનસ્પતિને ય ‘જીવનીયમ્’ કહીને આપણે ૠણ ચૂકવવા પ્રયત્ન કર્યો.

પરંતુ વનસ્પતિ આટલેથી અટકતી નથી. માનવીને આહાર આપ્યો તો ખરો. પણ એને આહાર લેતાં આવડતું નથી. પરિણામે, એ માંદો ય પડતો જ રહ્યો છે. વનસ્પતિએ એ કાર્ય પણ સ્વીકારી લીધું. આહાર દ્વારા આપણું માતૃત્વ કરનારી વનસ્પતિ આપણને સાજા રાખીને ને સાજા કરીને પ્રાણાભિસરત્વ પણ કરતી રહી છે.

નાણાકીય દ્દષ્ટિએ વનસ્પતિનું મૂલ્ય આંકતી વખતે હવા, પાણી, ખનીજો વગેરે એની હરીફાઈ કરનારાં તત્વો જરૂર ગણાય પરંતુ વનસ્પતિની સમૃદ્ધિ જો એના ઔષધીય ગુણોની દ્દષ્ટિએ આંકીએ તો એની બરોબરી કોઈ અન્ય તત્વ કરી નહિ શકે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પણ જ્યાં સુધી વનસ્પતિનું આ ઔષધીય તત્વ નહિ ઓળખે ત્યાં સુધી મનુષ્યના આરોગ્યનો પ્રશ્ન એ વિજ્ઞાન ઉકેલી નહિ શકે.

કેવળ યોગ શક્તિ દ્વારા જ જે શક્ય હતું તે આપણા ૠષિઓએ ખોળી કાઢયું. વનસ્પતિનાં પાંદડાં જ નહિ, એનાં મૂળ, થડ, ડાળ, ફૂલ અને ફળોમાં પણ રહેલાં રસ-ગુણ-વીર્ય-વિપાક-પ્રભાવને એમણે અત્યંત નાજુકતાથી, કલાત્મક રીતે અને છતાં વહેવારમાં લઈ શકાય એ રીતે આપણી સમક્ષ ખુલ્લાં કરી દીધાં ! માનવી એને ન સમજી શકે તો કઠણાઈ !!

——————————————————

* ભગવદ્ ગીતા અધ્યાય– ૧૫