Category Archives: Sharir

વાળનું અમૃત – શાકભાજી

– નીતા ગોસ્વામી

 

ઉપરનું  શિર્ષક વાંચતાં જ આપ આશ્ચર્ય તો જરૂર અનુભવશો જ કે વાળનું અમૃત શાકભાજી? શું વાળ માટે શાકભાજી ફાયદો કરે છે ખરી ?

આપ વિચારતાં હશો કે વાળની તકલીફ જેમ કે વાળનું ખરવું, સફેદ થવું, ખોડો જૂં-લીખ વગેરે રોગો થયા હોય તો એ માટે ખાવાની દવા અને લગાવવાના તેલો આ બધી ટ્રીટમેન્ટ કરવાથી વાળમાં ફાયદો થાય છે. તમારૂ અનુમાન સાચું જ છે, પરંતુ એ સાથે શાકભાજીનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો રીઝલ્ટ જલ્દી મળે છે. હવે લમને પ્રશ્ન ઉદ્દભવશે કે ક્યા ક્યા શાકભાજી ખાવાથી વાળમાં ફાયદો થાય છે, તો હું આ પ્રકરણમાં આ જ વિષય ઉપર પ્રકાશ ફેંકીશ.

આપ બધા તો જાણતા જ હશો કે દરેક શાકભાજીમાં બધા જ પ્રકારના વિટામીન્સ, ફોસ્ફરસ, પ્રોટીન, લોહ વગેરે તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આજકાલ ડૉક્ટરો ખાસ કરીને ગ્રીનસલાડ ઉપર વધુ મહત્વ આપી રહ્યા છે. શાકભાજીના રસો, ફળોના રસો દ્વારા રોગોની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને રોગો મટે છે પણ ખરા ખેર ! આપણે બીજા રોગોની વાતો જવા દઇએ, આપણે તો ફક્ત વાળના રોગોમાં ક્યા ક્યા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ એ વિશે જ વાત કરીશું.

ગાજરઃ-

ગાજરમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ, ફોસ્ફરસ, ગંધક અને સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત વિટામીન ‘એ’નું પ્રમાણ વધુ હોય છે.

ગાજરમાં લોહ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસનું તત્વ હોવાને કારણે વાળમાં ફાયદો કરે છે. શરીરમાં લોહતત્વ અને કેલ્શિયમની ઉણપને કારણે વાળ મૂળમાંથી ખરે છે. આ ખામી પૂરી કરવા માટે ગાજરનો રોજે રોજ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. કાચા ગાજર ન ખાઈ શકો તો તેના કટકા કરી મીઠું અને લીંબુ મેળવી ખાવું. ગાજર હંમેશા કુમળાં જ ખાવા જોઈએ અને ગાજરનો સવારે સવારે જ ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

જો ગાજર ન ભાવતા હોય તો ૫ થી ૬ કુમળા ગાજર લઈ તેનો રસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.

પરવળઃ-

પરવળ બે પ્રકારના હોય છે. એક તો મીઠા અને બીજા કડવા. મીઠા પરવળ પચવામાં હલકાં હોય છે અને લોહી વધારનાર છે. મીઠા પરવળનો સૂપ બનાવી પીવાથી પણ ખરતાં વાળમાં ફાયદો થાય છે. મીઠા પરવળ ખાવાના કામમાં આવે છે. જ્યારે કડવા પરવળ દવા તરીકે લગાવવાના કામમાં આવે છે.

કડવા પરવળના પાનનો રસ માથાની ઉંદરી (ઇન્દ્રલુપ્ત) પર ચોપડવાથી નવા વાળ આવે છે.

ઉંદરી એટલે વાળને જાણે ઉંદરે કાપી નાંખ્યા હોય એવા ચકામાં પડ્યા હોય તેને ઉંદરી કહેવામાં આવે છે.

વાળમાં જો ફોડલાઓ થયા હોય તો કડવા પરવળ અને કડવા લીમડાના ઉકાળાથી ગુમડાને ધોવાથી ખૂબ જ ફાયદો થાય છે.

દૂધીઃ-

દૂધીનો તેલમાં ઉપયોગ થાય છે. એ તો આપ જાણો જ છો. ગરમપ્રકૃત્તિ એટલે કે પિત્તના પ્રકોપને કારણે માથુ ગરમ રહેતું હોય અને ગુસ્સો ખૂબ આવતો હોય આવા સમયે દૂધીને છીણી તેનો રસ કાઢી તેનું તેલ બનાવી રોજે રોજ ઉપયોગ કરવાથી વાળમાં ઠંડક થાય છે. અલબત્ત સાથે સાથે પ્રકૃત્તિ પ્રમાણે બીજી વનસ્પતિનો તો ઉપયોગ સવિશેષ કરવો જોઇએ.

દૂધીનો હલવો સ્વાદિષ્ટ અને શરીરમાં ઠંડક ઉત્પન્ન કરનાર છે. પિત્તના પ્રકોપને કારણે વાળ ખરતાં હોય તો અથવા સફેદ થયા હોય તો દૂધીનો હલવો ખાવાથી ફાયદો થાય છે.અ

કાકડીઃ-

કાકડીનો ગુણ પણ ઠંડક ઉત્પન્ન કરનાર છે. મગજમાં અતિશય ગરમી લાગતી હોય તો કાકડીનો ઉપયોગ કરવો જોઇએ. વાળમાં પણ અતિશય ગરમી લાગતી હોય તો કાકડીને છીણી કપડામાં લપેટી માથા પર મૂકવાથી ખૂબ જ ઠંડક લાગે છે અને માનસિક સાંત્વના મેળવી શકાય છે.

ડુંગળીઃ-

ડુંગળી સ્વાદમાં તીખી હોય છે. તેમજ તેનો ગુણ પણ ગરમ હોય છે. જેને Acidity રહેતી હોય તેણે ડુંગળીનો ખાવામાં ઉપયોગ કરવો નહીં બાકી જેમને તકલીફ ન હોય તેમને માટે ડુંગળી પુષ્ટિકર, વીર્યવર્ધક છે. ડુંગળીને ‘‘ગરીબોની કસ્તુરી’’ નામ આપવામાં આવેલું છે. ગરીબો કસ્તુરી ખાઈ શકતા નથી પરંતું કસ્તુરી જેવા જ ગુણો ડુંગળીમાં છે એટલા માટે જ ઉપર્યુક્ત ઉપમા આપવામાં આવી છે.

ડુંગળીનો રસ માથામાં લગાડવાથી જૂં મરી જાય છે. વાળ ધોવાના ૧ કલાક અગાઉ ડુંગળીનો રસ માથામાં ભરી દેવો. ત્યાર બાદ કડવા લીમડાના ઉકાળતા પાણીને ઠંડુ કરી આ જ પાણીથી વાળ ધોવાથી જૂં મરી જાય છે. જો જૂં વારંવાર થતી હોય તો સાથે ખાવાની દવા લેવાથી કાયમી ફાયદો મેળવી શકાય છે. જો કોઇકવાર જ જૂં થતી હોય તો ઉપરનાં ઉપચાર કરવાથી પરિણામ મેળવી શકાય છે.

સરગવાના પાનના રસનું માથા પર મસાજ કરવાથી ખોડો મટે છે.

તાંદળજાની ભાજીઃ-

તાંદળજામાં વિટામીન ‘એ’ ‘બી’ અને ‘સી’ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ ગંધક, તાંબુ વગેરે દ્રવ્યો પણ છે. જેમાં રક્તવર્ધક (લોહી વધારનાર) રક્તશોધક (લોહી સુધારનાર) જંતુનાશક અને પાચક ગુણો છે.

તાંદળજાની ભાજીને કૂકરમાં બાફી વધાર કરી ઉપયોગમાં લેવી જોઈએ. ભાજીમાં લગભગ બધાજ રસો આવી જતાં હોવાથી મીઠુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

તાંદળજાનો રસ પીવાથી પણ ફાયદો થાય છે. વાળ ખરતાં હોય, સફેદ થયા હોય તો તાંદળજાની ભાજીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવો જોઈએ.

આજકાલ લોહીની ઓછપને કારણે ઘણાં રોગો થવાનો સંભવ રહે છે. આવા વખતે વિટામીન્સ કે આર્યનની ગોળીઓ ખાવા કરતાં જો તાંદળજાના રસનો ઉપયોગ કરવામાં આવે તો ટૂંક સમયમાં  Himoglobin નું પ્રમાણ વધી જાય છે.

પાલકની ભાજીમાં પણ વિટામીન એ, બી, સી અને ઈ તેમજ પ્રોટીન, સોડીયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને લોહ છે. એ લોહીના રક્તાણુઓને વધારે છે.

ટામેટાઃ-

ટામેટામાં પણ આર્યનનું પ્રમાણ હોય છે. શરીરમાં લોહીની ઓછપને કારણે જો વાળ ખરતાં હોય તો ટામેટાનો રસ અથવા ટામેટાના સલાડનો રોજે રોજ ઉપયોગ કરવાથી  જરૂર ફાયદો થાય છે.

લીંબુઃ-

લીંબુમાં સાઈટ્રીક એસીડ, પ્રોટીન, ચરબી, કુદરતી મીઠું, સાકર, કેલ્શિયમ, પોટાશ, ફોસ્ફરસ, અને લોહ છે.

લીંબુમાં વધુ પડતુ વિટામીન ‘સી’ હોય છે તેમજ વિટામીન બી-૧ નું પ્રમાણ હોય છે.

લીંબુનો રસ માથાના વાળમાં નાંખી મસળી અને સ્નાન કરવાથી વાળનો મેલ તથા વાળની લૂખાશ દૂર થાય છે. તેમજ વાળ સ્વચ્છ બને છે.

વાળ ધોવાના એક કલાક અગાઉ વાળમાં ખાટું દહીં અને લીંબુનો રસ મેળવી લગાવવાથી વાળમાં રહેલ ખોડો મટે છે.

આમળાના પાવડરને લીંબુના રસમાં મેળવી ૫-૬ કલાક પલાળી રાખવું. ત્યારબાદ રાત્રે તે તે પાવડર વાળમાં લગાડી સવારે ધોઈ લેવું. આનાથી લાંબા ગાળે સફેદ વાળ કાળા બને છે.

મિત્રો, આમ આપણે રોજબરોજ વાપરતાં શાકભાજીનો ઉપયોગ કરવાથી કેટલા બધા ફાયદા થાય છે એ જોયું. શાકભાજીને બને ત્યાં સુધી અગ્નિના ઓછા સંપર્કમાં આવે એ પ્રમાણે રાંધવા જોઈએ. વધુ પડતા શાકભાજીને બાફવાથી અથવા ફક્ત તેલમાં જ બનાવવાથી શાકના ગુણો નાશ પામે છે, અને શાકમાં ફક્ત સ્વાદ જ રહે છે. તેથી બને ત્યાં સુધી શાકભાજી જે કાચા લઈ શકો તો કાચા જ ખાવા જોઈએ, અને જે કાચા ન ખાઈ શકાતા હોય તેને કૂકરમાં બાફી વઘાર કરી ખાવાથી તેના ગુણો જળવાઈ રહે છે. શાકભાજીમાં વધુ પડતાં મરીમસાલાનો ઉપયોગ પણ શરીરને માટે નુકશાનકર્તા છે. આ પ્રકરણ વાંચ્યા પછી આશા છે તમે પણ તમારા રોજબરોજના ખોરાકમાં શાકભાજીને મહત્વનું સ્થાન આપશો તો વધુ આનંદ થશે.

વાળના સૌંદર્ય માટે માટી પણ અગત્યનું ઘટક છે.

માટીઃ-

વાળ માટે માટી પણ ખૂબ ફાયદાકારક છે. પહેલાનાં જમાનામાં તો લોકો સાબુને બદલે કાળી માટીથી વાળ ધોતાં હતાં. અને તે સમયે લોકોને વાળ ખરવાની કે સફેદ થવાની ફરિયાદ જોવા મળતી ન હતી. માટીથી વાળ ધોવાથી કુદરતી ચમક જળવાઈ રહે છે. તથા વાળ સ્વચ્છ થઈ મુલાયમ અને કાળા બને છે.

(૧)   સફેદ વાળ વાળાએ કાળી માટીમાં ત્રિફળા, લોહભસ્મ તથા ભાંગરો ઉમેરી બકરીના મૂત્રમાં લસોટી તેનો લેપ વાળમાં રાત્રે કરવો સવારે ધોઈ લેવું. આનાથી લાંબે ગાળે વાળ કાળા થાય છે.

(૨)   કાળી માટીની જેમ મુલતાની માટી પણ વાળ માટે ફાયદાકારક છે. જેના લુખ્ખા વાળ હોય તેમણે મુલતાની માટીમાં થોડું કોપરેલ કે વાળમાં નાંખવાનું તેલ તથા થોડું દહીં મીક્ષ કરી વાળમાં પચાવવું. એકાદ-બે કલાક બાદ વાળ ધોઈ લેવા. આનાથી ધીમે ધીમે વાળ સુંવાળા બને છે. તથા તેની ચમક વધે છે.

(૩)   જેના વાળ ખૂબ તૈલી હોય તેઓએ મુલતાની માટીને થોડા ગરમ પાણીમાં પલાળવી તથા તેમાં થોડો લીંબુનો રસ કે નારંગીનો રસ ભેળવી વાળમાં પચાવવું. એક કલાક બાદ વાળ ધોઈ લેવા આનાથી વાળ કાળા તથા છૂટ્ટા બને છે. આમ માટી પણ વાળનું સૌંદર્ય બક્ષે છે.

Advertisements

વાળનો અસાધ્ય રોગ : ગૂંચ પડવી

–       ડૉ.નીતા ગોસ્વામી


કેટલીક વખત અમારા વ્યવસાયમાં એવા પેશન્ટો આવી જાય છે કે અમને પણ વિચારતા કરી દે છે. વિચારતા એટલા માટે કરી દે છે કે આવા રોગોનો ઉલ્લેખ શાસ્ત્રમાં તો આપણને મળતો જ નથી તો તેની ટ્રીટમેન્ટનો ઉલ્લેખ તો ક્યાંથી જોવા મળે ? આવો જ એક કેસ પાંચ વર્ષ પહેલા મારી પાસે આવ્યો હતો. જો કે આ રોગ કયા કારણસર થયો અને આ રોગનું નામ શું છે તે તો હું નક્કી ન કરી શકી. પરંતુ રોગ મટી ગયો એટલો આનંદ છે.

પેશન્ટનું નામ માધવીબેન ઉ.વ.૫૦. માધવીબેન સ્કૂલમાં શિક્ષક હતા અને ૫૦ વર્ષની ઉંમરે ગામડામાં લગ્ન થયા. પતિ વ્યવસાયે મિસ્ત્રી પરંતુ પૈસે ટકે ખૂબ સુખી. સાસરે ગયા બાદ એક દિવસ માધવીબેને લાકડા કામમાં વપરાતા કોઈ સોલ્યુશનને શૈમ્પુ સમજીને વાળ ધોયા. ત્યારબાદ વાળનો ગામડાના રિવાજ મુજબ કઠણ અંબોડો વાળી લીધો. સમયના અભાવે કે આળસના કારણે ૪ દિવસ સુધી વાળ ખોલવાને બદલે ઉપર ઉપરથી વાળમાં કાંસકો ફેરવી લેતાં, ચાર દિવસ બાદ જ્યારે માથું ઓળવા માટે વાળ ખોલવા ગયા તો વાળ ખૂલ્યા જ નહીં. વાળ એકદમ ગઠ્ઠાની જેમ જામી ગયા હતાં. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વાળ ન જ ખુલ્યા અને દિવસે દિવસે વધુ ને વધુ મજબૂત રીતે ગંઠાતા ગયા. પરિણામે ખોપરીના આગળના ભાગમાં તથા અંબોડાની આજુબાજુના વાળમાં ખેંચાણને લીધે ફોડકીઓ થઈ ગઈ. ગભરાઈને માધવીબેન અમદાવાદ આવ્યા. સારા સારા ડૉક્ટરોની સલાહ લીધી. કોઈ ડૉક્ટરે ડાયાબિટીસ ટેસ્ટ કરાયો તો કોઈએ બ્લડટેસ્ટ, કોઈએ થાઈરોઈડ ચેકપ કરાવ્યું, તો કોઈએ કાર્ડીયોગ્રામ લીધો. પરંતુ નિદાન અને પરિણામ શૂન્ય  આવ્યું. અમદાવાદના બીજા વાળના નિષ્ણાત પાસે પણ માધવીબેન ગયા. પરંતુ દરેકે આ પ્રકારનો રોગ પ્રથમ વાર જોયો હોઈ ટ્રીટમેન્ટકરવાની ના કહી. છેવટે કંટાળી વાળ કપાવવા ગયાં તો તેનો અસ્ત્રો કે કાતર તેમના વાળમાં ગયા નહીં. પરિણામે વાળ કાપી ન શકાયા, આખરે હતાશ થઈ ગયા. માધવીબેનને કોઈ કન્સલ્ટન્ટે મારું નામ સૂચવ્યું. માધવીબેન મોટી આશા અને નિરાશા વચ્ચે ઝુલતા મારી પાસે આવ્યા. મેં તેમની હિસ્ટ્રી સાંભળી ઘણો વિચાર કર્યો પરંતુ નિદાન પર હું પણ પહોંચી ન શકી. પરંતુ માધવીબેનની ગમે તે કરી છૂટવાની તૈયારી જોતાં અને નવા નવા પડકારરૂપ રોગોની ટ્રીટમેન્ટ કરવાના મારા શોખને કારણે મેં તેમનો કેસ હાથમાં લીધો પરંતુ તે શરતે કે હું બનતાં બધાજ પ્રયત્ન કરીશ કારણ આવા રોગ અંગે કોઈપણ મેડીકલ સાયન્સમાં ઉલ્લેખ નથી. તેથી પરિણામ અંગે ખાતરી ન આપી શકાય. ત્રણ માસ ટ્રીટમેન્ટ કરીએ અને પરિણામ નસીબ પર છોડી દઇએ. આવી સમજૂતી સાથે પ્રયત્નો શરૂ કર્યા.

પ્રથમ તો તેમના જામેલા અંબોડા સિવાયના વાળમાં સંપૂર્ણ ટાલ હતી તથા ફોડકીઓ પરૂવાળી થઇ ગયેલ તેની ટ્રીટમેન્ટ શરૂ કરી. ફોડકીને માટે પ્રથમ તો તેમને ચામડીની દવાઓ જેવીકે આરોગ્યવર્ધિની વટી ૨-૨ ગોળી ત્રણ વાર, ત્રિફળા ગુગળ ૨-૨ ગોળી ત્રણવાર પાણી સાથે આપી તથા વાળમાં લગાડવા માટે Saif oil આપ્યું. ખોરાકમાં ગળી વસ્તુ, આઇસ્ક્રીમ તથા ફરસાણ તથા મરચુ વગેરે બંધ કરાવ્યા. ૮ દિવસ બાદ ફોડકીમાં સંપૂર્ણ ફાયદો થયો. ત્યારબાદ ટ્રીટમેન્ટ શરૂ થઇ ટાલની, મેં વિચાર્યુ જો ટાલવાળા ભાગમાં વાળ લાંબા થશે તો પાછળ ગંઠાયેલા વાળ ઢંકાઇ જશે. જેથી જોવામાં વધુ ખરાબ નહીં લાગે તે દ્રષ્ટિએ ટાલની દવાની શરૂઆત કરી.

ટાલ માટે તેમને ખાવામાં રસાયણ ચૂર્ણ તથા અવિપત્તિકર ચૂર્ણ સાથે સંશમની વટી નં-૩, ત્રણ ત્રણ ગોળી ૩ વાર પાણી સાથે આપી. વાળમાં માલીશ માટે હર્બોગુંજાતેલમાં ગુટીકા ઉમેરી રોજે રોજ માલીશ કરવા સૂચવ્યું.

માધવીબેન તો બરાબર સૂચના અનુસાર રોજ સવાર-સાંજ અડધો-અડધો કલાક તેલ માલીશ કરતા. દવા રેગ્યુલર લેતાં અને ખોરાકમાં દૂધનું પ્રમાણ વધું લેતાં. પાંચ દિવસ બાદજ માધવીબેનને ટાલમાં નવા વાળ ફૂટતા દેખાયા. તેથી ટાલમાં વાળ આવવાની ચિંતા હવે નહોતી રહી. હવે મુખ્ય ચિંતા હતી પેલા સિમેન્ટની જેમ ચોંટેલા વાળ કેમ ખોલવા ? તે માટે ખૂબ વિચાર્યું. અંતે મેં વાળમાં સ્ટીમીંગનો પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો.

વાયુના પ્રકોપનું નિદાન કરી તે મુજબ દશમૂળક્વાથની સ્ટીમ હાઇપ્રેશર પર ફક્ત ગંઠાયેલા વાળ પર જ લાગે તે રીતે દર ૪-૪ દિવસને અંતરે અડધો અડધો કલાક આપવાની શરૂઆત કરી. સ્ટીમ આપ્યા બાદ કાતર વાળમાં નાંખી ગૂંચ ખોલવાનો પ્રયત્ન કર્યો.

એક સ્ટીમ, બે સ્ટીમ, ત્રણ સ્ટીમ આપી પરંતુ કાતર અંદર જતી જ નહીં. છતાંયે મારા કરતાં માધવીબેનનો ઉત્સાહ વધુ હતો. તેઓ મને હજી પ્રયત્ન કરવાનું વિશ્વાસપૂર્વક જણાવતાં, તેમનો વિશ્વાસ જોઈ મેં તેમને વધુને વધુ ઉત્સાહ આપી ટીટમેન્ટ ચાલુ રાખી ચોથી સ્ટીમ આપ્યા બાદ વાળમાં ધીમે ધીમે કાતર અંદર જવા લાગી તેથી મેં સૂચના આપી કે ઘેર ગયા બાદ પણ કાતરની જેમ વાળમાં અંદર આંગળી નાંખી વાળ ઉંચા કરવાનો પ્રયત્ન કરવો. સૂચનોનો અક્ષરશઃ અમલ થાય તે દ્દષ્ટિએ માધવીબેન તો ઉત્સાહમાં આવી જઇ રોજ રાત્રે ૧૧ થી ૧ વાગ્યા સુધી વાળ ઉકેલવાની મથામણ કરવા લાગ્યા. આંગળી અંદર જવાથી વધુ ને વધુ આશા દેખાઈ. પછી તો ૪ દિવસને બદલે દર ત્રીજા દિવસે સ્ટીમનો દોર શરૂ થયો.

આ બાજુ આ દરમ્યાન ૧ મહીનામાં તો માધવીબેનના બધા જ વાળ નવા ફૂટીને લગભગ દોઢ થી બે ઇંચ લાંબા થયા હતા. તેથી તેમને ધીરજ વધી કે જો અંબોડો નહીં છૂટે તો નવા વાળ વધતા તે ઢંકાઇ તો જશે જ ૪૦૦ મી.લી એક તેલની બોટલ તેઓ ફક્ત ૧૦ દિવસમાં વાળમાં પચાવતાં. આમ તેમની સખત મહેનત અને વિશ્વાસનું ફળ ઝડપથી જોવા મળ્યું.

ધીમે ધીમે પાંચ થી છ સ્ટીમ બાદ તેમના ગંઠાયેલા વાળ પોચા થઈ ગૂંચ ઉકલવા લાગી જો કે રોજ જેટલી ગુંચ ઉકલતી તેમાંની અડધી લટો તો જોરથી ખેંચવાને કારણે તુંટી જતી. પરંતુ ત્યાં તો નવા વાળ આવી જશે તેવો વિશ્વાસ હતો. ધીમે ધીમે રોજ બે કલાક તેઓ વાળ ઉકેલતા સાથે દર ત્રીજે દિવસે ક્લિનિક પર સ્ટીમ અને ૧ કલાક વાળ ઉકેલવાનો પોગ્રામ તો ચાલુ જ હતો, રોજ ૭-૮ લટો ઉકલતી એમ ફક્ત બે માસની ટ્રીટમેન્ટમાં જ માધવીબેનના ગંઢાયેલા વાળ છુટા પડી ગયા. ટાલમાં નવા વાળ ફૂટયા. તથા ફોડકી મટી માધવીબેન લાંબા વાળમાંથી જો કે ફેશનેબલ મહીલાની જેમ ખભા સુધી કપાયેલ વાળવાળા માધવીબેન બન્યા. આમ એક અજાણ્યા અને અસાધ્ય જણાતાં રોગની ટ્રીટમેન્ટ કરવાનો મને અનેરો સંતોષ હતો.

માધવીબેનનો તો જો કે આવો મારો પહેલો કેસ હતો. પરંતુ ત્યારબાદ તો આટલા વર્ષોમાં આવા બીજા અનેક કેસ આવવા લાગ્યા. કોઈને વાળની અમુક લટોમાં  ગૂંચ પડી જાય જે ક્યારેય છૂટતી નથી અને તેટલા વાળ કાપી નાંખવા પડે છે, તો ક્યારેક બહેનોને ચોટલાની વચ્ચે આવી ગૂંચનો ગઠ્ઠો થઈ જાય છે. જે પછી છૂટતો જ નથી. કેટલીક બહેનોને વાળ ધોયા બાદ વાળ ગરગડીની જેમ ગોળ ગોળ ગૂંચવાઈ જાય છે. જે ૨ – ૩ કલાક મહેનત કર્યા બાદ માંડ ઉકલે. પરંતુ જયારે ઉકલે ત્યારે તેમના અડધાવાળ દર વખત તૂટી ગયા હોય. સામાન્ય રીતે આવી તકલીફવાળી બહેનો બીકને કારણે વાળ જ ધોતી નથી. મહિને બે મહિને એકાદ વખત જ વાળ ધૂએ છે. જેથી વાળ ઓછા તૂટે, પરંતુ આ તેમનું અજ્ઞાન જ છે. જેટલા લાંબો સમય વાળ ન ધુઓ તેટલા વાળ વધુને વધુ ગુંચવાતા જાય છે અને વધુ તૂટે છે. માટે આવા વાળ માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. કેટલીક બહેનો રોજ વાળમાંથી ગુંચ કાઢતી નથી પરંતુ ઉપર ઉપરથી કાંસકો ફેરવી લે છે, તેથી પણ આ રો થાય છે. સ્પ્રે વારંવાર કરવાથી પણ ગુંચ પડે છે. આ પ્રકારની તકલીફ હોય તેઓએ ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તુર્તજ સારા ચિકિત્સક પાસે જવું નહી તો પાછળથી પસ્તાવાનો વારોજ આવે છે.

અન્ય રોગઃ-

કેટલીક બહેનોની ફરિયાદ હોય છે કે તેમના વાળમાંથી લાલ પદાર્થ નીકળે છે. તે ખેંચવા જતાં આખો વાળ લાલ થઈ જાય છે. આ પણ કૃમિને કારણે થતો એક રોગ છે. આ રોગમાં પણ કૃમિઘ્ન ચિકિત્સા કરવાથી ફાયદો થાય છે.

 

વાળની સામાન્ય માવજત

– ડૉ.નિતા ગોસ્વામી

ધારો કે તમે તમારા વાળના પ્રકાર સમજી ન શકો અને મૂંઝાઓ કે શું કરવું ? તો તથા દરેક પ્રકારના વાળવાળાએ નીચે મુજબ કાળજી રાખવી જરૂરી છે.

સૌ પ્રથમ તો વાળમાં જૂં-લીખ પડી હોય તો તેને તુરત જ દૂર કરવી જોઈએ. વાળ ખરતાં હોય કે સફેદ થતા હોય તો તેનો તરત જ ઉપાય કરવો. વાળમાં ખોડો થાય તો તે માટે પણ વહેલામાં વહેલી તકે ઉપાય કરવો.

તંદુરસ્ત શરીર માટે તડકો અને હવા જરૂરી ગણાય છે. પરંતુ વાળનો તો આ કુદરતી ઈલાજ છે. વાળને સવાર-સાંજ સૂર્યનો કોમળ તડકો અને હવા મળે તેમ કરવું. વાળની ગૂંચ પ્રથમ નીચેથી કાઢવી. ત્યારબાદ ઉપરથી ગૂંચ કાઢવાનું શરૂ કરવું. જેથી વાળ ઓછા તૂટે છે. નશાકારક તત્વો ચા, કોફી, સીગારેટ વગેરે વાળ માટે નુકશાનકારક છે. વાળ ધોવા માટે ઠંડુ પાણી અથવા તો નવશેકું પાણી લેવું. એકદમ ગરમ પાણીથી માથું ધોવું નહીં બને ત્યાં સુધી સાબુ કે શેમ્પુથી વાળ ધોવા નહીં તેમાંના કેમીકલ્સ વાળને ખૂબ નુકશાન કરે છે. વાળ ધોવા માટે કોઈ આયુર્વેદિક ડ્રાયશૈમ્પુનો ઉપયોગ કરી શકાય અથવા શિકાકાઈ, અરીઠા-આમળાંનો ઉપયોગ પણ કરી શકાય. હેરક્રીમ, હેરલોશન, હેરડાઈ વગેરેનો ઉપયોગ કરવાથી પણ લાંબે ગાળે વાળને નુકશાન થાય છે.

જેને કાયમી શરદી રહેતી હોય અથવા જેનો શરદીનો કોઠો હોય તેણે ઠંડા તેલ આબળા, દૂધી કે બ્રાહ્મી તેલ વગેરેનો ઉપયોગ ન કરવો. તેમણે તલનું તેલ, કોપરેલ કે ભૃંગરાજ તેલ વાપરવું હિતાવહ છે. સીંગતેલ કે સીંગતેલમાં બનાવેલ તેલ પણ વાળને નુકશાન કરે છે. તેનાથી વાળમાં ખોડો થાય છે અને વાળ ખરે છે. વાળ માટે તો તલનું તેલજ શ્રેષ્ઠ છે. વાળ તદ્દન સૂકાઈ જાય ત્યારબાદ જ તેલ નાંખવું, વાળ ઓળવા કાંસકા વગેરે જુદા રાખવા. વાળ હંમેશા ઝીંણા કાંસકાથી જ ઓળવા. વાળને અઠવાડિયામાં બે વાર અથવા તો એકવાર તો અચૂક સાફ કરવા જોઈએ. સવાર-સાંજ ઓળવાથી વાળને કસરત મળશે. વાળને જરા ખેંચીને ઓળવા, આથી વાળ મજબૂત અને લાંબા થાય છે.

વાળમાં નિયમિત તેલ નાંખવું, તેલ વાળનું ભોજન છે. જો કોરા વાળ રાખતા હો તો રાત્રે તેલ નાંખીને સવારે માથું ધોઈ નાંખવું. આથી રાત દરમ્યાન તેલ પોતાનું કાર્ય કરશે. માલીશ હંમેશા મૂળમાં આંગળીઓના ટેરવાથી જ કરવી જોઈએ. રોજ તેલ લગાડ્યા વિના જ ખાલી પોતાના હાથની આંગળીઓથી પણ છેવટે માલીશ કરવું. ઓછામાં ઓછું અઠવાડિયામાં ૨-૩ વાર પણ આમ કરવાથી ઘણો લાભ થાય છે. આથી વાળના મૂળ મજબૂત બને છે. તથા માથામાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે.

વધુ પડતી ચિંતા, કલેશ, બોજ, શોક અને મેન્ટલવર્ક વાળની વૃદ્ધિ અટકાવે છે. ઉપરાંત આ કારણોથી વાળ ખૂબ ખરવા માંડે છે કે ઝડપથી સફેદ થવા માંડે છે.

વાળને વારંવાર હેરડ્રાય ન કરો આથી વાળના મૂળમાંનો કુદરતી ભેજ પણ ઉડી જાય છે. પરિણામે વાળ ખરવા લાગે છે. વાળને કુદરતી પવનમાં જ સુકાવા દો.

લીંબુનો રસ દરેક પ્રકારના વાળમાં ફાયદો કરે છે. માથું ધોવાના પાણીમાં લીંબુનો રસ મેળવી અથવા લીંબુ નીચોવી લઈ માથામાં ઘસવાથી પણ વાળ લાંબા થાય છે. તથા ખોડો મટે છે. વાળ માટે ખાટું દહીં ખૂબ ફાયદાકારક છે.

આ ઉપરાંત વાળ વધારવા માટે, ખરતાં વાળ અટકાવવા માટે તથા ખોડો દૂર કેવા માટે ‘‘હર્બલ હેર ટોનિક’’ કે ‘‘હર્બોગુંજાતૈલ’’ ખૂબજ ફાયદો કરે છે.  તેજ રીતે વાળની ચમક વધારવા માટે આયુર્વેદીક ડ્રાયશૈમ્પુથી માથું ધોવાથી વાળ સુંવાળા, ચમકદાર બને છે. તેમાંના ઔષધો ખોડો વગેરે દૂર કરી વાળ વધારવામાં પણ મદદ કરે છે. બોરના પાંદડાથી પણ માથું ધોવું ખૂબ ફાયદાકારક છે.

વાળ માટે બહારથી ગમે તેટલા ઉપચારો કરો પણ સાથે સમતોલ આહાર વાળની તંદુરસ્તી, આરોગ્ય, ચળકાટ અને લંબાઈ  માટે ખાસ જરૂરી છે. વાળની સમૃદ્ધિ માટે પ્રોટીન અત્યંત જરૂરી છે. દૂધ, ઇંડા, માછલી, માંસ, કઠોળ, ફણગાવેલા મગ, ચીઝ વગેરેમાંથી પ્રોટીન સારા પ્રમાણમાં મળી રહે છે. તેથી તેનો નિયમિત ઉપયોગ કરવો. વિટામિન B/૧૨, પણ વાળને ખૂબ ફાયદાકારક છે. તેનાથી વાળ સફેદ થતાં અટકે છે. તે બ્રેડ, ઇંડા, કાકડી, મૂળા, ગાજર, લીલી ડુંગળી, બીટરૂટ, ટમેટા વગેરેના કાચા સલાડમાંથી સારા પ્રમાણમાં મળે છે. ઉપરાંત લીલા શાકભાજી પણ અત્યંત જરૂરી  છે વાળની સમૃદ્ધિ લંબાઈ, મજબૂતાઈ માટે કેલ્શિયમ પણ ખૂબ જરૂરી છે. તે ઇંડા, તલ, ભાજી, શીંગ, શેરડી વગેરેમાંથી મળી રહે છે. આમ વાળને જરૂરી તત્વો અને યોગ્ય માવજત મળે તો વાળ ચોક્કસ લાંબા, કાળા તથા સુંવાળા બનશે.

માછલી અને કોપરા ખાતાં કેરેલીયન અને બંગાળીઓના વાળ ઈર્ષ્યા પમાડે તેવા કાળા અને લાંબા હોય છે. કારણ પ્રોટીન અને કેલ્શિયમ જે વાળની જીંદગી છે તેજ તેઓ ખોરાકમાં વધુ લે છે.

સામાન્ય રીતે આપણા ગુજરાતના હવામાન પ્રમાણે વાળમાં કોપરેલ દરેકને માફક આવતું નથી. તેમાંયે ગરમપ્રકૃત્તિ કે પિત્ત પ્રકૃત્તિવાળાને તો ક્યારેક કોપરેલથી પણ વાળ ખરે કે ખોડો થાય છે. તેથી આપણા પ્રદેશમાં તો વાળ માટે તલનું તેલ કે મેડીકેટેડ ઓઇલ જ વાળ માટે શ્રેષ્ઠ છે.

લીમડાના પાંદડા તથા બોરના પાન સરખા ભાગે લઈ પાણીમાં વાટી વાળમાં લેપ કરવો. સુકાયા બાદ ધોઈ લેવાથી વાળ વધે છે અને ખોડો મટે છે.

તેજ રીતે તુલસીના પાંદડા અને આંમળાને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી પણ વાળ ખોડારહિત  કાળા તથા સુંવાળા બને છે.

વાળના પ્રકાર અને માવજત

– ડૉ. નિતા ગોસ્વામી

 

વાળની માવજત કરતાં પહેલાં આપણે આપણા વાળનો પ્રકાર ક્યો છે તે ઓળખી માવજત કરવી ખૂબ જરૂરી છે.

સામાન્ય રીતે વાળના ચાર પ્રકાર હોય છે-

(૧)    સામાન્ય વાળ

(૨)    સૂકા વાળ

(૩)    સ્નિગ્ધ, ચીકણા તૈલીવાળ

(૪)    વાંકડીયા વાળ

સામાન્ય વાળ – આ પ્રકારના વાળ ન તો વધુ ચીકણા કે ન તો સૂકા હોય છે. આ વાળ થોડી માવજતથી જલ્દી વધે છે.

ઉપચારઃ-

(૧)    આ વાળ માટે થીસ્ટ (જે કેમીસ્ટની દુકાનમાં મળે છે.) ખૂબજ ફાયદાકારક છે. દહીંમાં ૧ ચમચી થીસ્ટ મેળવી તે વાળમાં લગાડી શકાય તથા ભોજનમાં પણ લઈ શકાય. આમાંથી પ્રોટીન વિટામીન બી તથા એમિનો એસિડ મળે છે.

(૨)    આ પ્રકારના વાળ માટે ‘‘હર્બલ હેર ઓઈલ’’ ખૂબજ ફાયદાકારક છે. જે મેડીકેટેડ ઓઈલ હોવાથી ખોડો તેમજ ખરતા વાળને બંધ કરી વાળ વધારવામાં પણ મદદરૂપ બને છે. રોજ ૧૫ થી ૨૦ મિનિટ આ ઓઇલથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરવું ખુબજ ફાયદાકારક છે.

સૂકા વાળઃ- આવા વાળ તેલ નાખવા છતાં કોરા લાગે છે. આ પ્રકારના વાળની તેલગ્રંથિઓ

વધારે સક્રિય હોતી નથી તેથી તૈલતત્વનો સ્ત્રાવ ઓછો થતો હોય છે. આ પ્રકારના વાળ બરડ, ભૂખરા અને નિસ્તેજ લાગે છે. આ વાળમાં ગૂંચ વધારે પડે છે, અને તે વધારે તૂટે છે. જરા પણ કાળજી ન રાખતાં તે જલ્દી ખરવા લાગે છે. આવા વાળ સુંવાળા સુંદર લાગતા નથી.

ઉપચારઃ-

આવા વાળવાળી વ્યક્તિએ વારંવાર વાળમાં કાંસકી ફેરવવી જેથી વાળમાં કુદરતી રીતે તેલ ઉત્પન્ન થાય છે. આવા વાળ જલ્દી તૂટી જાય છે, તેથી વાળમાં પીન, અણીવાળા કાંસકા, રબરબેન્ડ વગેરેનો ઉપયોગ ઓછો કરવો. આ પ્રકારના વાળ વાળાએ ઢીલુ માથું ન ઓળવું કે વાળ છુટા ન રાખવા. આનાથી વાળમાઅ ગૂંચ વધુ પડશે પરિણામે તે વધારે તૂટે છે. ‘બેક કોમ્બીંગ’ હેરસ્પ્રે કે હેરડ્રાયરનો ઉપયોગ પણ વાળ માટે નુકશાનકારક છે. આ વાળમાં ખોડો પણ વધુ પ્રમાણમાં થાય છે. માટે આ વાળ વધારે માવજત માંગી લે છે.

(૧)    મુલતાની માટીમાં થોડું કોપરેલ નાંખી આ પેસ્ટ માથામાં પચાવવુ, એક કલાક પછી માથું ધોવું.

(૨)    બે ઈંડાના પ્રવાહીમાં એક ચમચો લીંબુનો રસ અને એક ચમચો કોપરેલ નાંખી ફીણી વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરી પચાવવું. અડધો કલાક બાદ માથું ધોવું.

(૩)    સૂકા નિસ્તેજ વાળવાળાએ બને તો રોજ, નહીં તો અઠવાડિઆમાં ૨-૩ વાર ઓઇલ મસાજ ખાસ કરવું જોઈએ. ‘‘સેન્ડલ હેર ઓઇલ’’ કે ‘‘ઓલિવ ઓઇલ’’ દ્વારા આંગળીના ટેરવા  વડે વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરવું, આથી તૈલગ્રંથિઓ ઉત્તેજીત થાય છે તથા તેને પૂરતી ચીકાશ મળતાં વાળ સુંવાળા, ચમકદાર અને કાળા બનશે. પરિણામે વાળ ખરવા કે ખોડો થવો વગેરે તકલીફો ઉભી થશે નહીં.

(૪)    ૧ ઇંડામાં ૧ ચમચી કોપરેલ, અડધી ચમચી લીંબુનો રસ, ૧ ચમચી કોફી તથા ૧ કપ દહીં નાંખી પેસ્ટ બનાવી વાળમાં લગાડી ૧ કલાક પછી માથું ધોઇ લેવું.

(૫)    આવા વાળ સાબુથી કદી પણ ન ધોવા, પરંતુ છાશથી ધોવા. આથી વાળમાં ચીકાશ તથા ચમક આવશે. જો તેલ નાંખેલ વાળ હોય તો અરીઠાં-આમળાંથી ધોવા.

(૬)    આવા વાળ માટે પ્રોટીનની ખાસ જરૂર હોય છે. જે ઇંડામાંથી પુરતાં પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત મગ, કઠોળ, પાંદડાવાળા શાકભાજી, આમળા વગેરે વધુ ખાવા. આનાથી વાળ સુંદર, કાળા, ચમકદાર બનશે.

તૈલીવાળઃ-

આ પ્રકારના વાળ કાયમ ચીકણા રહે છે. વાળના મૂળમાંની ગ્રંથિઓમાંથી એક પ્રકારનું તૈલતત્વ હંમેશા નીકળતું રહે છે. પરંતુ જેને આ ગ્રંથિઓમાંથી તેલતત્વ વધારે પ્રમાણમાં નીકળે છે; તેના વાળ આ પ્રકારના તૈલવાળા ચીકણા હોય છે. આ પ્રકારના વાળ જોવામાં ચળકતા તથા કાળા દેખાય છે. તેથી આ સારા લાગે છે. પરંતુ તે ચીપકે છે, વધુ જે આજકાલની ફેશનના અનુરૂપ ન કહેવાય. આવા તૈલી વાળ મેલા પણ જલ્દી થાય છે. તે જલ્દી વધતા પણ નથી. ઉપરાંત આ પ્રકારના વાળવાળી વ્યક્તિના ચહેરા પર ફોલ્લીઓ તથા ખીલ વધુ થાય છે.

ઉપચારઃ-

(૧)    આ પ્રકારના વાળવાળી વ્યક્તિ માટે લીંબુ શ્રેષ્ઠ છે તેમણે આથું ધોતા પહેલાં લીંબુનો રસ પાંથીએ પાંથીએ ભરી દેવો ત્યારબાદ પાણીમાં લીંબુ નીચોવી તે પાણીથી ૧૫ મિનિટ પછી માથું ધોઈ લેવું. અઠવાડિયામાં ૨ થી ૪ વખત માથું ધોવું.

(૨)    થોડું હુંફાળું પાણી લઈ તેમાં મુલતાની માટી ભેળવી તે પેસ્ટમાં લીંબુ કે નારંગીનો રસ ભેળવી વાળના મૂળમાં ભરી દેવું. અડધો કલાક પછી માથું ધોઈ લેવું. આથી વાળમાંનુ વધારાનું તેલ નીકળી જશે.

(૩)    વાળ અરીઠાથી ધોયા બાદ પાણીમાં ચ્હા ઉકાળી ગાળેલા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીથી વાળ ધોવાથી સ્નિગ્ધતા ઓછી થાય છે.

વાંકડીયા વાળઃ-

આવા વાળ સામાન્ય રીતે સૂકા હોય છે. આ વાળ મૂળમાંથી જલ્દી તૂટતાં નથી. પરંતુ ખૂબ માવજત માંગી લે છે, નહીં તો તે વચ્ચેથી ટુકડા થઈ ખરવા લાગે છે.

આ વાળમાં ગૂંચ ખૂબ પડે છે. તેથી આવા વાળની પ્રથમ નીચેથી ગૂંચ કાઢવી. પછી આખા વાળની ગૂંચ કાઢવી જોઈએ. માથું ધોયા પછી તુરત જ આ વાળની ગૂંચ કાઢી નાખવામાં આવે તો તે પછીથી ઓછા તૂટશે, નહીં તો સૂકાયા બાદ બરડ થઈ જવાને કારણે તે વધુ તૂટે છે.

આ વાળમાં ‘‘હર્બલ હેર ઓઇલ’ થી મસાજ કરવાથી ફાયદો થશે.

આમ પ્રથમ વાળનો પ્રકાર સમજી તે પ્રમાણે યોગ્ય માવજત કરવામાં આવે તો તે માનજત અનેક ગણો ફાયદો આપે છે. વાળ માટે યોગ્ય માવજત તે જ મુખ્ય બાબત છે.

(આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી પ્રસારિત થયેલ લેખ)

 

પંચેન્દ્રિયો, તેની ઓળખ અને માવજત – ૧

બૌધ્ધિકો માટે આયુર્વેદ                             – રાજવૈદ્ય  શ્રી એમ. એચ. બારોટ


પરિચયઃ ચિંતન કરવું (કોઈ બાબત પર ધ્યાનથી વિચારવું), વિચારવું, તેનાં વિવિધ પાસાંને તપાસવાની માનસિક ક્રિયા, તેના પર તર્ક વિતર્ક કરવો, તેના પરથી નિર્ણય કરવો, નિર્ણયને વળગી રહેવું એ બધાં મન અને બુધ્ધિનાં કર્મો છે. બૌધિકોમાં જોવા મળતાં તર્ક, વિવેચન, જુના સંદર્ભોને ટાંકવા અને નવા સંદર્ભમાં તેનું વિવરણ આપવું, અને યોગ્ય ધારદાર દલીલો કે સમયનો ઈંતજાર કરવો જોવા મળે છે.


આ માટે તેઓનું બૌધ્ધિક સ્તર, વિશાળ વાંચન તેઓની યોગ્ય અભિવ્યક્તિ મહત્વનો ભાગ ભજવે છે, અને આ માટે બૌધ્ધિકનું મગજ બળવાન રહેવું જોઈએ કારણકે મનબુધ્ધિ, ધીરજ, સ્મૃતિ, મેધા એ બધાનું સ્થાન આ મગજમાં જ આવેલ છે.


આ કામોની દૃષ્ટિએ વિચારીએ તો સમાજની બધી વ્યક્તિઓને ઓછાવત્તા અંશે આમાંથી પસાર થવાનું કે મન, બુદ્ધિ, સ્મૃતિ, મેધા, તર્કનો ઉપયોગ કરવાનો હોય છે. છતાં કેટલાક ધંધાઓમાં તેનો વિશેષ ઉપયોગ હોય છે. દા.ત. ન્યાયાધિશોને, વકીલોને. શિક્ષક-પ્રોફેસરોને અને જે તે વિષયના નિષ્ણાંતોમાં આ મનોબુધ્ધિનો વ્યાપાર વધુ જોવા મળે છે. બીજા શબ્દોમાં લોકોને બુધ્ધિ કસવાનો વારંવાર પ્રયોગ કરવો પડે છે. જેને લોકો વ્યવહારમાં મગજનું દહીં કહે છે.


મગજના દહીંવાળા આ ધંધામાં ઉચ્ચકક્ષાના લેખકો અને પત્રકારોનો સમાવેશ જરૂર થાય છે. તો મોટી કંપનીના એક્ઝીક્યુટીવ્ઝ પણ આ જ વર્ગમાં આવે છે. આમ જોઈએ તો બૌધ્ધિકોનો વર્ગ વધતો આવ્યો છે.


કઈ કાળજી લેવીઃ-


મગજનું જો દહીં થઈ જતું હોય તો સ્વાભાવિક રીતે મગજની કાળજી લેવી જોઈએ. આયુર્વેદમાં આ જ કારણસર મગજને ઉત્તમાંગ કહેવાય છે, ઉત્તમાંગ એટલે ઉત્તમ અંગ, શ્રેષ્ડ અંગ.


પણ આમ ક્રમની દ્દષ્ટિએ વિચારીએ તો મગજમાં આવેલ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો સૌ પ્રથમ નજરે ચઢે છે. અને આમાં પણ પંચેન્દ્રિયોનું વિશેષ મહત્ત્વ છે. આ પંચેન્દ્રિયો એટલે શ્રવણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, દર્શનેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. શ્રવણેન્દ્રિય એ સાંભળવાની શક્તિ ધરાવતી જ્ઞાનેન્દ્રિય, આમાં કાન એ તેને ગ્રહણ કરનાર સાધન છે. જ્યારે મગજમાં રહેલ હીયરીંગ સેન્ટર એ શ્રવણેન્દ્રિય છે. બહારના ગ્રાહક તરીકે કાનનું પણ મહત્ત્વ છે, તો સાંભરળેલા અવાજનું સ્પષ્ટીકરણ કરનાર અંદરના ભાગનું પણ એટલું જ મહત્ત્વ છે.


આવું જ સ્પર્શેન્દ્રિયનું છે. ચામડીમાં રહેલ ઠંડી, ગરમી, દબાણ, પીડાના ગ્રાહક કેન્દ્રો છે. તો તેનું સ્પષ્ટીકરણ કરનાર પરસેપ્શન સેન્ટર મગજમાં છે.


દર્શનેન્દ્રિય સૌથી વધૂ અગત્ય ધરાવનાર જ્ઞાનેન્દ્રિય છે. આયુર્વેદમાં પણ તેને પ્રાધાન્ય અપાયું છે. તેના અભાવે આખી દુનિયા અંધકારમય થઈ જાય છે. તમોમય જાયત એકરૂપમ્


દર્શનેન્દ્રિયમાં આંખ રૂપનું બાહ્ય ગ્રાહક છે. છતાં તે એટલો સૂક્ષ્મ રચનાધારક ડોળો છે, કે તમારે તેની સતત સુરક્ષા કરવી પડે છે. કુદરતે પણ તેનું મહત્વ સમજીને હાડકાના સરસ ગોળામાં તેઓને ગોઠવેલ છે. તેનો અંદરનો ભાગ જે વાસ્તવિક દર્શનેન્દ્રિય છે, તેની ઇન્દ્રિય સુધી એક વિશિષ્ટ માર્ગ જોવા મળે છે.


જીહ્વા-જીભ એ સ્વાદેન્દ્રિયનું બાહ્ય ગ્રાહક છે. આ એક એવું અંગ છે જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બે અંગો-બે ઇન્દ્રિયો તરીકે ભાગ ભજવે છે. જીભ સ્વાદ ઉપરાંત બોલવાનું કામ પણ કરે છે.


ઘ્રાણેન્દ્રિયમાં નાક બાહ્ય અધિષ્ઠાન છે. જ્યારે ગંધનું સ્પષ્ટીકરણ મગજમાં આવેલ જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય છે.


બૌધ્ધિકોની આ બધી જ્ઞાનેન્દ્રિયો સશક્ત અને કાર્યશીલ રહેવી જોઈએ અને છતાં આમાં પણ પ્રાયોરિટી આપવી હોય તો આંખ અને કાનને દર્શનેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય ને આપવી જોઈએ. કારણ કે બહારના રૂટીન વ્યવહારમાં બૌધ્ધિકોને આ જ્ઞાનેન્દ્રિય વિના નહીં જ ચાલે.

વાળના પ્રકાર ઓળખી તેની માવજત કરો

ડૉ. નિતા ગોસ્વામી

હવે આપણે મુંજાઈશું વાળની માવજત કેમ કરવી ? વાળની માવજત કરતાં પહેલાં આપણે આપણા વાળનો પ્રકાર ક્યો છે તે ઓળખી માવજત કરવી ખૂબ જરૂરી છે.

સામાન્ય રીતે વાળના ચાર પ્રકાર હોય છે-

(૧)   સામાન્ય વાળ

(૨)   સૂકા વાળ

(૩)   સ્નિગ્ધ, ચીકણા તૈલીવાળ

(૪)   વાંકડિયા વાળ

સામાન્ય વાળ – આ પ્રકારના વાળ ન તો વધુ ચીકણા કે ન તો સૂકા હોય છે. આ વાળ થોડી માવજતથી જલ્દી વધે છે.

ઉપચારઃ-

(૧)   આ વાળ માટે થીસ્ટ (જે કેમીસ્ટની દુકાનમાં મળે છે.) ખૂબજ ફાયદાકારક છે. દહીંમાં ૧ ચમચી થીસ્ટ મેળવી તે વાળમાં લગાડી શકાય તથા ભોજનમાં પણ લઈ શકાય. આમાંથી પ્રોટીન વિટામીન બી તથા એમિનો એસિડ મળે છે.

(૨)   આ પ્રકારના વાળ માટે ‘‘હર્બલ હેર ઓઈલ’’ ખૂબજ ફાયદાકારક છે. જે મેડીકેટેડ ઓઈલ હોવાથી ખોડો તેમજ ખરતા વાળને બંધ કરી વાળ વધારવામાં પણ મદદરૂપ બને છે. રોજ ૧૫ થી ૨૦ મિનિટ આ ઓઇલથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરવું ખુબજ ફાયદાકારક છે.

સૂકા વાળઃ- આવા વાળ તેલ નાખવા છતાં કોરા લાગે છે. આ પ્રકારના વાળની તેલગ્રંથિઓ

વધારે સક્રિય હોતી નથી તેથી તૈલતત્વનો સ્ત્રાવ ઓછો થતો હોય છે. આ પ્રકારના વાળ બરડ, ભૂખરા અને નિસ્તેજ લાગે છે. આ વાળમાં ગૂંચ વધારે પડે છે, અને તે વધારે તૂટે છે. જરા પણ કાળજી ન રાખતાં તે જલ્દી ખરવા લાગે છે. આવા વાળ સુંવાળા સુંદર લાગતા નથી.

ઉપચારઃ-

આવા વાળવાળી વ્યક્તિએ વારંવાર વાળમાં કાંસકી ફેરવવી જેથી વાળમાં કુદરતી રીતે તેલ ઉત્પન્ન થાય છે. આવા વાળ જલ્દી તૂટી જાય છે, તેથી વાળમાં પીન, અણીવાળા કાંસકા, રબરબેન્ડ વગેરેનો ઉપયોગ ઓછો કરવો. આ પ્રકારના વાળ વાળાએ ઢીલુ માથું ન ઓળવું કે વાળ છુટા ન રાખવા. આનાથી વાળમાઅ ગૂંચ વધુ પડશે પરિણામે તે વધારે તૂટે છે. ‘બેક કોમ્બીંગ’ હેરસ્પ્રે કે હેરડ્રાયરનો ઉપયોગ પણ વાળ માટે નુકશાનકારક છે. આ વાળમાં ખોડો પણ વધુ પ્રમાણમાં થાય છે. માટે આ વાળ વધારે માવજત માંગી લે છે.

(૧)   મુલતાની માટીમાં થોડું કોપરેલ નાંખી આ પેસ્ટ માથામાં પચાવવુ, એક કલાક પછી માથું ધોવું.

(૨)   બે ઈંડાના પ્રવાહીમાં એક ચમચો લીંબુનો રસ અને એક ચમચો કોપરેલ નાંખી ફીણી વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરી પચાવવું. અડધો કલાક બાદ માથું ધોવું.

(૩)   સૂકા નિસ્તેજ વાળવાળાએ બને તો રોજ, નહીં તો અઠવાડિઆમાં ૨-૩ વાર ઓઇલ મસાજ ખાસ કરવું જોઈએ. ‘‘સેન્ડલ હેર ઓઇલ’’ કે ‘‘ઓલિવ ઓઇલ’’ દ્વારા આંગળીના ટેરવા  વડે વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરવું, આથી તૈલગ્રંથિઓ ઉત્તેજીત થાય છે તથા તેને પૂરતી ચીકાશ મળતાં વાળ સુંવાળા, ચમકદાર અને કાળા બનશે. પરિણામે વાળ ખરવા કે ખોડો થવો વગેરે તકલીફો ઉભી થશે નહીં.

(૪)   ૧ ઇંડામાં ૧ ચમચી કોપરેલ, અડધી ચમચી લીંબુનો રસ, ૧ ચમચી કોફી તથા ૧ કપ દહીં નાંખી પેસ્ટ બનાવી વાળમાં લગાડી ૧ કલાક પછી માથું ધોઇ લેવું.

(૫)   આવા વાળ સાબુથી કદી પણ ન ધોવા, પરંતુ છાશથી ધોવા. આથી વાળમાં ચીકાશ તથા ચમક આવશે. જો તેલ નાંખેલ વાળ હોય તો અરીઠાં-આમળાંથી ધોવા.

(૬)   આવા વાળ માટે પ્રોટીનની ખાસ જરૂર હોય છે. જે ઇંડામાંથી પુરતાં પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત મગ, કઠોળ, પાંદડાવાળા શાકભાજી, આમળા વગેરે વધુ ખાવા. આનાથી વાળ સુંદર, કાળા, ચમકદાર બનશે.

તૈલીવાળઃ-

આ પ્રકારના વાળ કાયમ ચીકણા રહે છે. વાળના મૂળમાંની ગ્રંથિઓમાંથી એક પ્રકારનું તૈલતત્વ હંમેશા નીકળતું રહે છે. પરંતુ જેને આ ગ્રંથિઓમાંથી તેલતત્વ વધારે પ્રમાણમાં નીકળે છે; તેના વાળ આ પ્રકારના તૈલવાળા ચીકણા હોય છે. આ પ્રકારના વાળ જોવામાં ચળકતા તથા કાળા દેખાય છે. તેથી આ સારા લાગે છે. પરંતુ તે ચીપકે છે, વધુ જે આજકાલની ફેશનના અનુરૂપ ન કહેવાય. આવા તૈલી વાળ મેલા પણ જલ્દી થાય છે. તે જલ્દી વધતા પણ નથી. ઉપરાંત આ પ્રકારના વાળવાળી વ્યક્તિના ચહેરા પર ફોલ્લીઓ તથા ખીલ વધુ થાય છે.

ઉપચારઃ-

(૧)   આ પ્રકારના વાળવાળી વ્યક્તિ માટે લીંબુ શ્રેષ્ઠ છે તેમણે આથું ધોતા પહેલાં લીંબુનો રસ પાંથીએ પાંથીએ ભરી દેવો ત્યારબાદ પાણીમાં લીંબુ નીચોવી તે પાણીથી ૧૫ મિનિટ પછી માથું ધોઈ લેવું. અઠવાડિયામાં ૨ થી ૪ વખત માથું ધોવું.

(૨)   થોડું હુંફાળું પાણી લઈ તેમાં મુલતાની માટી ભેળવી તે પેસ્ટમાં લીંબુ કે નારંગીનો રસ ભેળવી વાળના મૂળમાં ભરી દેવું. અડધો કલાક પછી માથું ધોઈ લેવું. આથી વાળમાંનુ વધારાનું તેલ નીકળી જશે.

(૩)   વાળ અરીઠાથી ધોયા બાદ પાણીમાં ચ્હા ઉકાળી ગાળેલા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીથી વાળ ધોવાથી સ્નિગ્ધતા ઓછી થાય છે.

વાંકડિયા વાળઃ-

આવા વાળ સામાન્ય રીતે સૂકા હોય છે. આ વાળ મૂળમાંથી જલ્દી તૂટતાં નથી. પરંતુ ખૂબ માવજત માંગી લે છે, નહીં તો તે વચ્ચેથી ટુકડા થઈ ખરવા લાગે છે.

આ વાળમાં ગૂંચ ખૂબ પડે છે. તેથી આવા વાળની પ્રથમ નીચેથી ગૂંચ કાઢવી. પછી આખા વાળની ગૂંચ કાઢવી જોઈએ. માથું ધોયા પછી તુરત જ આ વાળની ગૂંચ કાઢી નાખવામાં આવે તો તે પછીથી ઓછા તૂટશે, નહીં તો સૂકાયા બાદ બરડ થઈ જવાને કારણે તે વધુ તૂટે છે.

આ વાળમાં ‘‘હર્બલ હેર ઓઇલ’ થી મસાજ કરવાથી ફાયદો થશે.

આમ પ્રથમ વાળનો પ્રકાર સમજી તે પ્રમાણે યોગ્ય માવજત કરવામાં આવે તો તે માનજત અનેક ગણો ફાયદો આપે છે. વાળ માટે યોગ્ય માવજત તે જ મુખ્ય બાબત છે.


(આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી પ્રસારિત)


આયુર્વેદ અને સૌંદર્ય

આયુર્વેદનું સૌંદર્યચિકિત્સાશાસ્ત્ર

– ડૉ. નીતા ગોસ્વામી

નુષ્યમાત્રને પ્રકૃતિએ સુંદરતાનું વરદાન આપ્યું છે. પ્રકૃતિએ ચારે તરફ સૌંદર્ય છૂટ્ટે હાથે વેર્યું છે. સંસારમાં પશુ–પક્ષી, પતંગિયાં, ઝાડપાન, ફૂલો, પાંદડાં, પર્વતમાળાઓ, ઝરણાં–સરોવરો, સમુદ્ર, પાણી, માટી દરેક જગ્યાએ સુંદરતા પથરાયેલી છે પછી તે પતંગિયાનું રૂપ હોય, ભ્રમરનું ગુંજન હોય, ઉડવાની, પાંખો ફફડાવવાની સ્ટાઈલ હોય અથવા તો કોયલનો મીઠો ટહુકો હોય કે મોરનું રૂપ અને નૃત્યનું સૌંદર્ય હોય – દરેક જગ્યાએ સુંદરતા છે.

તો પછી મનુષ્ય તો સૌંદર્ય વિહોણો ક્યાંથી રહી શકે ? મનુષ્યને તો પ્રકૃતિએ અનોખું સૌંદર્ય આપેલું છે. સુંદર ચહેરો–મહોરો, સુંદર વાળ, ત્વચાની સુંદરતા, રંગ તથા કોમળતા, દરેક અંગની કમનીયતા, સુંદર વક્ષસ્થળ, સુંદર ને હસતી–બોલતી ઝરણા જેવી ઉછળતીકૂદતી આંખો, પક્ષીઓની પાંખો જેવા ફરકતા હોઠ, સુંદર હાસ્યની સાથે સુંદર સ્વભાવ, સુંદર મન સુંદર વિચાર, સુંદર દૃષ્ટિ અને સારાં કાર્યો કરવા માટે ઉત્તમ બુદ્ધિ…આ બધું જ કુદરતે માનવીને આપ્યું છે.

તો આવા અનોખા સૌદર્યને સમજવા, સાચવવા, વધારવા માટે અનેક વનસ્પતિઓ પણ કુદરતે આપી છે.આ વનસ્પતિઓને કયા અંગની સુંદરતા વધારવી કે સૌંદર્યબાધક કયા રોગમાં કઈ રીતે વાપરવી તેનું જ્ઞાન આયુર્વેદના ૠષિમુનીઓએ શાસ્ત્રો દ્વારા આપણને હજારો વર્ષથી આપી રાખ્યું છે. આયુર્વેદના આ પ્રાચીન ગ્રંથોમાં સૌંદર્યબાધક રોગો અને તેની ચિકિત્સાનું જ્ઞાન ભરપૂર ભરેલું છે. જગતનું એવું બીજું કોઈ ચિકિત્સાશાસ્ત્ર નથી જેણે સૌંદર્ય માટે આટલું બધું જ્ઞાન આપ્યું હોય. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ, ભાવપ્રકાશ, નિઘંટુ, ચક્રદત્ત જેવા ગ્રંથોમાં સૌંદર્યને હાનિકારક રોગો અને તેની ચિકિત્સા ખૂબ ઉત્તમ રીતે બતાવી છે. આ ચિકિત્સાએ ઉત્તમોત્તમ પરિણામો પણ આપ્યાં છે જે અકલ્પ્ય છે.

આયુર્વેદમાં સ્વાસ્થ્ય અને સૌંદર્ય બન્ને વધારવા માટે ઔષધપ્રયોગ ઉપરાંત અન્ય ઘણી બાબતો બતાવી છે, જેમકે, આહારવિહાર, વિચાર, સ્વભાવ, પવિત્ર ભાવના, સદાચારમય જીવન વગેરે. સ્વાસ્થ્ય અને સૌંદર્યવૃદ્ધિ માટે મનની શાંતિ, પ્રફુલ્લિતતા ખૂબ જ જરૂરી છે. તે આપણા વિચાર અને સ્વભાવ પર આધારિત છે. પ્રસન્ન મન હોય તો શરીરનું સ્વાસ્થ્ય, સુંદરતા, ત્વચાની સુંદરતા અકબંધ રહે છે. પ્રસન્ન મનવાળી વ્યક્તિ સદા યુવાન રહે છે. જેને આયુર્વેદમાં વયસ્થાપન ક્રિયા કહે છે. વયસ્થાપન એટલે વય–ઉંમર વધવા છતાં પણ વ્યક્તિ યુવાનની જેમ તરવરાટવાળી, પ્રસન્ન મનવાળી, ચુસ્તિ–સ્ફૂર્તિયુક્ત શરીરવાળી, લાલીયુક્ત રહે તે. વયસ્થાપન વનસ્પતિ તથા ઔષધોનું વિવરણ પણ આયુર્વેદગ્રંથોમાં ખૂબ સુંદર રીતે કરેલું છે.

તે જ રીતે આયુર્વેદશાસ્ત્રે આપણને સ્વસ્થવૃત્ત પણ બતાવેલું છે. કયા પ્રકારનાં ભોજન, ખાન–પાન લેવાં જોઈએ, ભોજનનો સમય, તેની પદ્ધતિ, પથ્યાપથ્ય, સૂવા–ઊઠવાના નિયમો, દિનચર્યા–રાત્રિચર્યા, બોલચાલની રીતભાત વગેરે દરેકેદરેક બાબતો કે જેનું બહુ જ મહત્ત્વ સૌંદર્યમાં છે તેનું ધ્યાન રાખવાની સમજણ એમાં આપી છે.

આમ જોવા જઈએ તો આયુર્વેદનું સૌંદર્યશાસ્ત્ર ખૂબ ગહન છે. વનસ્પતિના ઉપયોગો ઉપરાંત પ્રાણીજ દ્રવ્યોના ઉપયોગ, પુષ્પો દ્વારા સૌંદર્યવૃદ્ધિ, આભૂષણો દ્વારા સૌદર્ય, સૌદર્યવૃદ્ધિમાં ધર્મનું સ્થાન, રીતરિવાજોમાં સૌંદર્યનું સ્થાન, યોગ અને પ્રાણાયમ દ્વારા સૌંદર્યપ્રાપ્તિ ઉપરાંત અંગવિશેષનું સૌંદર્ય જેમકે કેશસૌંદર્ય, ત્વચાસૌંદર્ય, નેત્રસૌંદર્ય, દાંતોનું સૌંદર્ય, હોઠનું સૌંદર્ય, હાથપગ તથા નખનું સૌંદર્ય, નાભિસૌંદર્ય, સ્તનસૌંદર્ય, શરીરસૌષ્ઠવ વગેરે તથા મેદવૃદ્ધિ કે કાર્શ્ય–દૂબળું શરીર હોવું, અને સૌદર્યબાધક અષ્ટૌનિંદિતનું વર્ણન પણ સરક સૂત્રસ્થાન અધ્યાય–૨૧માં બતાવેલું છે. એટલુ જ નહીં, આ બધા જ સૌંદર્યબાધક રોગોની ચિકિત્સા, સૌંદર્યચિકિત્સામાં પંચકર્મનું સ્થાન વગેરેને ખૂબ  જ ગહનતાપૂર્વક આયુર્વેદે સમજાવ્યાં છે.

આચાર્ય ચરકે તો સૌંદર્યબાધક રોગો દૂર કરી સાચી સુંદરતા વધારવા માટે, વૃદ્ધત્વને દૂર રાખી સદા યુવાન રહેવા માટે અધ્યાય–૩, આરગ્વધીય અધ્યાયમાં જીવનીયગણ, બૃંહણીયગણ, લેખનીયગણ તથા વર્ણ્યકર, કંઠ્ય, કૃમિઘ્ન, કંડૂઘ્ન, સ્તનજનન, દાહપ્રમશન, શીતપ્રમશન, વયઃસ્થાપનગણ જેવા અનેક દશેમાનીગણ બતાવેલા છે જે સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે.

આમ આપણે સમજી શકીએ છીએ કે આયુર્વેદના અન્ય ચિકિત્સાશાસ્ત્રની જેમ સૌંદર્યચિકિત્સાશાસ્ત્ર પણ કેટલુંબધું સમૃદ્ધ છે !

આજે વિશ્વમાં બ્યૂટિનું માર્કેટ ખૂબ બહોળું છે. પરંતુ સિન્થેટિક–કૉસ્મૅટિક પર આપણે આધારિત છીએ. પરિણામે સિન્થેટિક–કૉસ્મૅટિક પ્રોડક્ટ્સ કે ટ્રિટમેન્ટથી સૌંદર્ય વધે છે તેના કરતાં ક્યારેક તો બગડે છે પણ વધુ !! જ્યારે કુદરતી વસ્તુઓ કે આયુર્વેદની હર્બ્સ દ્વારા મેળવેલ બ્યૂટિ નુકસાનરહિત અને ઓછા ખર્ચે ને છતાં કાયમી સૌંદર્ય બક્ષે છે.

માટ હવે સમય આવી ગયો છે કે સિન્થેટિક પાછળની દોટ છોડી દઈને આયુર્વેદ અને કુદરત દ્વારા ભરપૂર સ્વાસ્થ્ય અને સૌંદર્ય મેળવીએ. સૌંદર્યને નુકસાનકર્તા એવો એક પણ રોગ નથી જેની આયુર્વેદ દ્વારા કાયમી ચિકિત્સા ન થઈ શકે. પછી તે ચિકિત્સા ત્વચાની તકલીફોની હોય કે વાળની કે પછી કોઈપણ પ્રકારની સૌંદર્ય વિષયક તકલીફ કેમ ન હોય, દરેકેદરેક રોદની ચિકિત્સા ઉત્તમ રીતે અને કાયમી ધોરણે આયુર્વેદ દ્વારા શક્ય છે.

હવે પછીના લેખોમાં દરેક સૌંદર્યબાધક રોગ વિષે તથા તેની ચિકિત્સા વિષે આપણે ઉંડાણથી જાણીશું.

જય ધન્વન્તરિ !

જય આયુર્વેદ !!