Category Archives: Lekhak

ચમત્કારી સૂંઠ–ગોળ !

ચપટી સૂંઠ + ગાંગડી ગોળ

– શ્રી શોભનકૃત અત્યંત વંચાયેલું પુસ્તક ‘અનુભવનું અમૃત’માંથી સાભાર

લોકભારતીના પુસ્તકાલયમાં ‘દિવ્યઔષધિ’ પુસ્તક લખી રહ્યો હતો ત્યાં અધ્યાપન મંદિરની બે બહેનો બોલાવવા આવીઃ ‘ત્રિવેણીબહેનને હેડકી આવે છે એટલે માલિનીબહેન બોલાવે છે.’

કશાં સાધન કે ઔષધ લીધા વિના ગયો. ત્રિવેણીબહેન અમદાવાદથી હેડકી સાથે લેતાં આવેલાં. ત્યાં ખૂબ સારવાર કરાયેલી પણ આરામ થયેલો નહીં. એલોપથીનાં ઔષધો સાથે હતાં પણ સવારથી હેડકીનું પ્રમાણ ઘણું વધી ગયું હતું. હેડકીમાં આખું શરીર અમળાતું હતું. વેદના ખૂબ હતી. બે-ત્રણ બહેનોએ તેમને ખોળામાં લઈ પકડી રાખેલાં. આસપાસ પંદર-વીસ બહેનો હતાં. મારા ગયા પછી ગૃહમાતા માલિનીબહેન આવ્યાં અને જોતજોતામાં છાત્રાલયની તમામ બહેનો સારવાર જોવા આવી ગયાં.

મારી એ વિદ્યાર્થીનીઓને ચિકિત્સાનું પ્રેક્ટિકલ બતાવવાની હોય તેવી અદાથી મેં કહ્યું ‘આયુર્વેદમાં તાત્કાલિક સારવાર નથી એવું માનવામાં આવે છે પણ આજે ‘સીરિઅસ’ કેસને પણ તમે જુઓ કે બે-પાંચ જ મિનીટમાં સારું થઈ જશે. અને એ પણ કેવળ તમારા છાત્રાલયની ઘરગથ્થું નિર્દોષ દવાથી જ !

છૂપી તપાસ કરી તો છાત્રાલયમાં સૂંઠ નહોતી. ગૃહમાતાને ઘેરથી લાવ્યા. ચપટી સૂંઠ અને ગાંગડી ગોળમાં થોડું પાણી મેળવી તેનાં ૪-૪ ટીપાં નાકમાં નાખ્યાં. નાખતાં જ ચમત્કાર થયો. હેડકી સદંતર બંધ થઈ ગઈ ! અર્ધી કલાક ત્યાં બેઠો પણ આવી જ નહીં.

આ સરળ, નિર્દોષ અને ઘરગથ્થું પ્રયોગ બધી બહેનોને સમજાવ્યો અને સને ૧૯૪૪માં વેદ્ય શ્રી પ્રજારામ રાવળે વઢવાણ રાજ્યના દીવાન સાહેબ શ્રી હરિભાઈ રાવળની મોટા મોટા ડૉક્ટરોથી પણ કાબૂમાં નહીં આવેલી હેડકી આ પ્રયોગથી તત્ક્ષણ સદંતર મટાડી ‘હેડકીવાળા વૈદ્ય’ નું માનવંતુ બિરૂદ મેળવ્યું હતું. તેમજ ગુજરાતના ભૂતપૂર્વ પંતપ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝાના પિતાશ્રી છોટાલાલ પીતામ્બરભાઈ ઓઝાની પણ તેમણે આ પ્રયોગથી જ હેડકી મટાડી હતી તેની વાત કરી ત્યારે તેમનો વિશ્વાસ તો સો ગણો વધી ગયો ! ત્રણ ત્રણ કલાકે આ ટીપાંનું નસ્ય આપવાની સૂચના આપી, ઘેર આવ્યો ત્યારે પ્રથમ પ્રયોગની સફળતાનો આનંદ હતો.

હેડકીની સંપ્રાપ્તિમાં કફથી આવૃત્ત પ્રાણ અને ઉદાન વાયુ મનાયા છે. તેના અનેક ઉપાયો પણ શાસ્ત્રમાં દર્શાવાયેલા છે. પરંતુ તેમાં આ ‘વિશ્વાગુડ નસ્ય’નો પ્રયોગ તો અચૂક જ છે. વિશ્વા એટલે સૂંઠ કફના આવરણને અને ગુડ એટલે ગોળ વાયુ મટાડવામાં ત્વરિત કામયાબ નીવડતો હોવાથી પાણીને બદલે જો તલતેલમાં મેળવીને નસ્ય આપવામાં આવે, થોડો છાતીએ, ગળે, નાકે અને માથે શેક કર્યા પછી નસ્ય આપવામાં આવે તો વધુ ફાયદો થતો હોય છે. હેડકીના કેટલાક જીર્ણ યા ઉગ્ર દરદીમાં કબજિયાત, પ્રતિલોમ વાયુ કે ઉદાવર્ત કારણભૂત હોય છે ત્યારે સ્નિગ્ધ બસ્તિ, એરંડતેલ કે દશમૂલતેલની પિચકારી અથવા અરંડતેલ કે હરડે-મૌખિક આપવાથી તે ફરી થવાની શક્યતા દૂર થઈ જાય છે.

नागरं गुडसंयुक्त हिक्काध्नं नावनं परम् । સૂંઠ અને ગોળ મેળવેલું નસ્ય પરમ હિક્કાનાશક છે. તે સૂત્ર કેવળ વૈદ્યોએ જ શા માટે; તમામ લોકોએ તક મળે ત્યારે અનુભવવા જેવું તો છે જ.  

 

Advertisements

વિશ્વખ્યાત ઓષધ: અશ્વગંધા

અશ્વગંધા

(સ્વ. નરહરિભાઈ ભટ્ટ)

 

સાગરમંથન થકી પ્રગટ્યા રે, તુરંગ પ્યારા

ચૌદ રત્નો તરી આવ્યાં,

તેમાં તમને રૂડા ભાળ્યા !

દેવોને મન બહુ ભાવ્યા રે !…તુરંગ પ્યારા !

 

તને કોઈ અશ્વ કહે,

તુરંગી, તુરંગા ચહે,

હય સાથે ગંધ રહે રે !…તુરંગ પ્યારા !

 

બેટી તું ધરણીની થઈ,

ગંધ ને ફેલાવી રહી,

દોષ રહિત તને કહી રે !…તુરંગા પ્યારી !

 

વટાણા છે તારા લીલા,

પાકે ત્યારે લાલમ લાલા !

ભોરીંગણી શાં લાગે વ્હાલાં રે !…તુરંગ પ્યારા !

 

રસે તું કડવી ને તૂરી,

વિપાકે તું તીખી પૂરી !

રોગો હરવા કાજે શૂરી રે !…તુરંગા પ્યારી !

 

શ્વાસ,ક્ષય, કૃમિ, સોજા ભારી,

વાત, આધાશીશી ભારી !

નેત્ર, ચર્મરોગહારી રે !…તુરંગા પ્યારી !

 

બાળકોની સખી થઈને,

યુવાનોની ભેરુ રહૈને,

જરાને ભગાડે કહૈ ને રે !…તુરંગા પ્યારી !

 

વાયુ કફનો નાશ કરે,

ધાતુ કેરા રોગો હરે,

શરીરેથી કાંતિ ઝરે રે !…તુરંગ પ્યારા !

 

ચૂર્ણ, ઘૃત, પાક મળે,

ગંધાદિનું તેલ ભળે,

મરકીની તો ગાંઠ ગળે રે !…તુરંગ પ્યારા !

 

સવારે ને રાતે ચૂર્ણ,

લેવું ચમચી ભરી પુર્ણ;

સ્વીકારો સદાનું ઋણ રે !…તુરંગ પ્યારા !

 

જાગો, જાગો ભારતવાસી !

ઉગાડો ઔષધિ ખાસ્સી;

રોગો સઘળા જશે નાસી રે !…તુરંગ પ્યારા !

ફૂલોના સૌંદર્યનું માનવ–સૌંદર્યમાં રૂપાંતર ?

– વૈદ્ય નીતાબહેન ગોસ્વામી

 ગુલાબ

ગુલાબ પ્રેમની અભિવ્યક્તિ માટે ઉત્તમ પુષ્પ મનાય છે. ગુલાબ જુદી જુદી જાતનાં તથા જુદા જુદા રંગનાં હોય છે. દવા માટે લાલ કે ગુલાબી દેશી ગુલાબ જ વપરાય છે.

 • પાણીમાં ગુલાબની પત્તીઓને પલાળી તેનાથી નહાવાથી અળાઈ, ગડગૂમડાં થતાં નથી તથા તાજગી અનુભવાય છે.
 • ગુલાબનું તેલ ૧થી ૨ ટીપાં પાણીમાં નાખી નહાવાથી ડ્રાય સ્કીન સુંવાળી બને.
 • ગુલાબ વાળના તેલમાં નાંખવાથી, તેના પાણીથી નહાવાથી, લેપથી કે તેમાંથી બનેલ ગુલકંદ ખાવાથી પિત્તવિકારો શાંત થાય છે.
 • વાળમાં ઠંડક થાય, સફેદ વાળ, રૂક્ષતા મટે, ખીલ, કાળાદાગ-કૂંડાળાં, ફ્રેકલ્સ, પીગમેન્ટેશન વગેરે મટે છે.
 • ગુલાબની સુગંધ લેવાથી કે તેને વારંવાર જોવાથી પણ મનની પ્રસન્નતા વધે છે તેથી ટેન્શન, ચિંતા, હતાશા દૂર થાય છે.
 • ઉનાળામાં ગુલાબ ફૂલ-૨૦૦ ગ્રામ, લાલ ચંદન (રતાંજલી) ૧૦૦ ગ્રામ, લીમડો ૫૦ ગ્રામ, મસૂરનો લોટ ૫૦ ગ્રામ, કપૂર ૧૦ ગ્રામ પાવડરથી ન્હાવાથી સનટેનીંગ, ત્વચાની સ્નિગ્ધતા, ફ્રેકલ્સ, કુંડાળાં, પરસેવો વગેરે મટે છે.
 • ગુલાબજળ સાથે વર્ણક લેપ લગાડવાથી કુંડાળાં, કાળા દાગ, ખીલ મટી ત્વચા ગોરી અને સુંદર બને છે.
 • ગુલાબનું ગુલકંદ ખાવાથી એસિડીટી, ખીલ, સફેદવાળ, ફોડકી, ગરમી મટે છે.
 • જાસૂદ 

જાસૂદ એ ગણપતિનું પ્રિય ફૂલ છે. પાર્વતીજીને પણ તે ચઢાવાય છે. આની અનેક જાતો છે પરંતુ ઔષધરૂપ લાલ જાસૂદ જ વપરાય છે.

 • કફપિત્ત શામક છે; વાળ માટે ઉત્તમ છે.
 • જાસૂદને આયુર્વેદમાં ‘केशवियवर्धनम्’ કહેલું છે.
 • ટાલમાં વાળ ઉગાડવા માટે, ઉંદરી તથા ખોડો મટાડવા, સફેદવાળને કાળા કરવા માટે જાસૂદ ઉત્તમ પુષ્પ છે.
 • પિત્ત શામક છે તેથી વાળના તથા ત્વચાના ગરમીથી થતા રોગો પણ મટાડે છે.
 • ગરમી શાંત કરે છે તેથી બળતરા, દુઝતા હરસ, નસકોરી ફૂટવી, વધુ બ્લીડીંગ થવું, સફેદ વાળ, શરીર પર તજા ગરમી કે ફોડલા થવા, ખીલ, અળાઈ, પરસેવો વગેરેમાં વપરાય છે. બેસ્ટ બ્યુટી–એજન્ટ પણ છે.

ખોડો ખૂજલી

 • જાસૂદના ફૂલની કળીનો રસ સ્કાલ્પ પર લગાડવો.
 • જાસૂદ ફૂલ + લીમડાપાન વાટી લેપ કરવો.
 • જાસૂદનાં ફૂલ + લીલાં આમળાં, ભાંગરો, કાળા તલ વાટી તેના લેપથી ખોડો તથા ઉંદરી મટે છે.
 • જાસૂદ ફૂલ + સરસવના દાણા + આકડાનાં પાન વાટી બાફી તેનો રસ + હળદર મીક્સ કરી વાળમાં લગાડવું.
 • આ લેપથી ખોડો મટી કન્ડીશનીંગ સારું થાય છે. તેથી ડ્રાયહેર, સ્પ્લીટ એન્ડ હેર, ટુકડાવાળમાં ફાયદો થઈ વાળ સુંવાળા, કાળા સુંદર બને છે.
 • જાસૂદ ફૂલ, પારિજાતક ફૂલ તથા લીમડાપાનને દહીંમાં વાટીને લેપ કરવો.
 • જાસૂદ ફૂલના ઉકાળામાં લીંબુ રસ નાંખી વાળ ધોવા.

ખરતા વાળ ઉંદરી ટાલ

 • જાસૂદનાં ફૂલ + તલનાં ફૂલનો લેપ કરવો.
 • જાસૂદના ફૂલના રસમાં હાથીદાંતની ભસ્મ ઘૂંટી લગાડવું તેથી ટાલ-ઉંદરીમાં નવા વાળ આવે છે.
 • જાસૂદ ફૂલ, જટામાંસી, કાળા તલ, કેવડાકંદ, તગર, અશ્વગંધા, ભોરીંગણી. બ્રાહ્મી, ભાંગરો, સફેદ ચણોઠીનો પાવડર ભાંગરાના રસમાં પલાળી તલના તેલમાં ઉકાળી તેલ બનાવવું. આ તેલથી માલિસથી ખરતા વાળ બંધ થઈ વાળનો ગ્રોથ, લંબાઈ વધી વાળ જાડા-સુંદર બને છે.
 • જાસૂદ ફૂલ, આકડાનાં બાફેલાં પાન, સરસવદાણા, હળદરનો લેપ કરવાથી ઉંદરી તથા ખોડો મટી સારું કન્ડીશનિંગ થાય છે.

સફેદવાળ

 • જાસૂદ ફૂલ, આંબળા, દાડમ છાલ, જેઠીમધ, ભાંગરો, ગળીનાં પાન, મહેંદી પાન, બહેડા, હીરાકસીનો પાવડર બનાવી જાસૂદ ફૂલના રસમાં ઘૂંટી લોંખડના વાસણમાં ૩-૪ કલાક રાખી વાળમાં લેપ કરી કેળના પાન બાંધી દઈ ૪-૫ કલાક બાદ વાળ ધોવાથી વાળ કાળા, સુંવાળા, સુંદર બને છે.
 • સફેદ વાળમાં જાસૂદના ફૂલનો રસ પીવો કે જાસૂદના ફૂલને રોજ નરણે કોઠે ચાવી જવાં.
 • સફેદ વાળ માટે, માસિકના રોગો, તજા ગરમી હોય તો જાસૂદના ફૂલનું શરબત, જાસૂદ ફૂલનો મુરબ્બો વગેરે ખાવું.

રૂક્ષ ખરબચડા વાળ

 • જાસૂદ ફૂલ તથા મહેંદી પાન ને એલોવેરાના ગલમાં વાટી લેપ કરવો.
 • જાસૂદ ફૂલ કે મૂળનો રસ, જીરૂ, સાકર અને દૂધમાં વાટી પીવાથી ખીલ, અળાઈ, ગૂમડાં, પરસેવો વગેરે મટી રંગ ગોરો બને છે.

જાસૂદ ફૂલનું શરબત

      ફૂલ નંગ ૧૦૦ ધોઈ ચીનાઈ માટીની બરણી કે કાચના વાસણમાં ભરી ૨૦ લીંબુનો રસ નાંખી ઢાંકી કપડું બાંધી આખી રાત રાખવું. સવારે ફૂલ મસળી નાંખી કપડામાં દબાવી રસ કાઢવો. ૮૦૦ ગ્રામ સાકરની ઘટ્ટ ચાસણી બનાવી તેમાં આ રસ, ૨૦૦ ગ્રામ દાડમનો રસ, ૨૦૦ ગ્રામ સંતરાનો રસ નાંખી ધીમા તાપે ૧ – ૨ ઉભરા લાવી ઘટ્ટ થાય એટલે ઉતારી, ઠંડુ પડ્યે તેમાં ગુલાબઅર્ક તથા કેસર નાંખવું. આ શરબત ઉત્તમ પિત્તશામક છે. તેથી એસિડીટી, ગરમી, બળતરા, ખીલ, કાળાદાગ, સફેદવાળમાં ખૂબ ફાયદો કરે છે. આ શરબત રક્તવર્ધક છે. હિમોગ્લોબીન વધારે છે.

જાસૂદફૂલનો મુરબ્બો

ફૂલ ધોઈ કાચની બરણીમાં પાથરવા તેના પર ખડી સાકરનો ભૂકો પાથરવો ફરી તેના પર ફૂલ પાથરવા. તેના પર જીરૂં, ફરીથી ફૂલ, ફરીથી સાકર, ઉપર ગુલાબ પત્તી પાથરી બરણીનું મ્હોં ઝીણા કપડાથી બાંધી ૪૮ કલાક તડકામાં તથા રાત્રે ચાંદનીમાં રાખવું. પછી ઘરમાં મૂકવું. ૧૫-૧૭ દિવસે મુરબ્બો તૈયાર થઈ જશે. તેને હલાવી ૧-૧ ચમચી ૨ વાર ખાઈ ઉપરથી દૂધ પીવું.

 • આ મુરબ્બો વાળ, ત્વચા, શરીર, આંખ તથા બ્રેઈન માટે ઉત્તમ છે.
 • રક્તવિહાર, લોહીવામાં ઉત્તમ છે.
 • વાળનો કાળો રંગ આપે છે તથા હિમોગ્લોબિન વધારી ત્વચાને ગોરી બનાવે છે.

વનસ્પતિ–પ્રેમી નરહરિભાઈ – ભાગ ૨.

    પરિચય – શ્રી જુગલકિશોર.

એમની વનસ્પતી વીષયક કવીતાઓ વાંચતાં લાગે છે કે તેઓ વનસ્પતી સાથે વાતો કરે છે. તેની બોલી તેઓ જાણે કે સાંભળે છે ને સમજે છે…તેમનું વનસ્પતી સાથેનું આત્મસાત્ય જાણવા જેવું છે. જો કે આ વનસ્પતીગાન જ્યારે સર્જાયાં ત્યારે તો તેઓ મોટે ભાગે પથારીવશ જ હતા. કલ્પનાના સહારે, સુક્ષ્મદેહે તેઓ વનસ્પતી પાસે જઈ પહોંચ્યા હોય કે જાણે ખુદ વનસ્પતી જ એમની કને આવીને કાનમાં કહી ગઈ હોય ! તેમને તો આવી કશી વાતે રસ નથી. તેઓ તો કહે છે કે આ ગીતો “રામે લખાવ્યું છે, મારું કશું નથી.”

વનસ્પતી–ગીતોમાં એમનો અભીગમ પ્રધાનતઃ વનસ્પતીની વંદનાનો રહ્યો છે. ધન્વન્તરી દેવને તેઓ ઈશ્વરના પ્રતીક રુપે જુએ છે, ને કહે છે –

“આવ્યા આવ્યા ધન્વન્તરીજી આવ્યા જો, આવ્યા લઈને સાથે અમૃતકુંભને.

સીંચ્યાં સીંચ્યાં વનવગડાની વાટે જો, સીંચ્યાં રે પ્હાડોને, પર્વતખીણને.

હરખે સીંચ્યાં ઉર્વી કેરા ઉરમાં જો, સીંચ્યાં એણે વાવ–કૂવા ને સાગરો.”

અમૃતકુંભમાં જે પ્રવાહી છે તે ફક્ત અમૃત નથી એવું સમજાય છે. જાણે વનસ્પતી ખુદ પ્રવાહી રુપે, રસ રુપે ધન્વન્તરીના કુંભ દ્વારા જગતમાં આવી છે ( કે પછી વનસ્પતીનો રસ એ જ અમૃત છે !) ગીતાના ૧૫મા અધ્યાયમાં ઉલ્લેખાયા મુજબ વનસ્પતીને તેઓ ચંદ્ર અને ધરા દ્વારા પ્રગટેલી, રસરુપ સૃષ્ટી તરીકે તેમની કવીતાઓમાં અવારનવાર નીરુપે છે.

એમની રચનાઓમાં સાગરમંથનમાંથી પ્રગટેલા અમૃતનો ઉલ્લેખ આવતો જ રહે છે. આ એ જ અમૃત છે જે માનવ અને પશુપક્ષી સૌ જીવોના શરીરની સુખાકારી અને જીવનસમૃદ્ધી સુધી વહેતી રહે છે.

માનવીને તેઓ વારંવાર આ ઉત્તમ અને દીવ્ય ઔષધીઓની આરાધના કરવા સમજાવે છે. ઉપાલંભથી તો ક્યારેક વીનંતીથી માનવને તેઓ વનસ્પતી તરફ વળવા સુચવે છે. પોતે અધુરા પડે છે ત્યારે તેઓ વનસ્પતી દ્વારા માનવબાળને કહેતા સંભળાય છે –

“ રમવા ઝૂમવા આવો માનવબાળ સૌ, વન–ઉપવન ને વનરાજીના સંગમા.

બાંધી ઝૂલો વડલાકેરી ડાળે જો, ઝૂલો રે વૃક્ષોની શીતળ છાંયમાં.”… … … 

એટલેથી ન અટકીને તેઓ કહેવડાવે છે વનસ્પતી દ્વારા, કે –

બોલ્યાં બાવળ, અરડૂસી અઘેડો જો, સાથે રે તુલસી, આવળ ને લીમડો…”

આ સાથે તેમાં તુલસી, શતાવરી, શરપંખો, કળી ભાંગરો, વ્હાલી નીર્મળી ઉપરાંત રૂડો પીંપળ અને પાલખડી વગેરેનો સમાવેશ થાય છે ! માનવબાળને પોતાના તરફ આકર્ષવા –

“સફેદ, પીળાં, જાંબુડિયાં છે પુષ્પો જો, તોરણિયાં બાંધ્યાં રે લીલાં પાનથી.”

બાકી રહે તે પક્ષીઓ પુરું કરે છે –

“કોયલ, મેના સૂર મીઠા સંભળાવે જો, નાચે નાચે મયૂરો ઢેલડ સંગમાં.

સ્વાગત કરતાં બોલ્યાં અમૃતવાણી જો, ભલે પધાર્યાં લાડકડાં અમ આંગણે !

પીરસ્યા છે રસથાળો, માણો, ભાવે જો, મહેમાની માણો રે આદરભાવથી,”

વનસ્પતીનો ઉપયોગ કરવાની બાબતમાં કવીજીવને “ઉપભોગ’ અભીપ્રેત નથી. દીવ્ય ઔષધીઓનો ઉપભોગ ન હોય. વનસ્પતીના સદુપયોગની વીધી પણ તેઓ જ બતાવી આપે છે –

“સામગ્રી પૂજનની લઈ, પૂજવી રહી એ ઔષધી; લેવું નિમંત્રણ ભાવથી,

આવીશ લેવા ઔષધી. બીજે દિવસ જઈ નમ્રતાથી લાવવાની ઔષધી.”

વનસ્પતી સૃષ્ટી માનવ અને સઘળા જીવોના કલ્યાણ માટે હોવા છતાં મનુષ્ય વનસ્પતીને ભુલી રહ્યો છે તેની વેદના પણ નરહરિભાઈ કવીતાઓમાં વારંવાર પ્રગટ કરે છે –

“ ઔષધિ ફાલી ફળ, ફૂલ, મૂળ ને પાનથી, ભૂલ્યો રે, ભૂલ્યો ગુણ એના, માનવી !”  

પરંતુ વનસ્પતીનો ભાવ તો માનવ પ્રત્યે વાત્સલ્યનો છે. છોરું કછોરું થાય, પણ કાંઈ માવતર કમાવતર થોડાં થાય ?!  તેથી કહે છે –

“વિસર્યાં અમને માનવ કેરાં બાળ જો, નથી વિસાર્યાં અમે તમોને, માનવી !

ક્ષમા કરે બાળકને એનાં તાત જો, એમ વિસારી અમે તમારી ભૂલને !

સદૈવ રહેજો તમે અમારી સાથ જો, દિવ્ય બની જીવન સંગાથ નિભાવવા.”

શ્રી નરહરિભાઈ હવે તેમની જીવનયાત્રા એંશીના દાયકાના અંતની નજીકમાં જોઈને માનવજાત માટે શતાયુની આશા રાખે છે. સો વરસની જીંદગી માટેનો તેમનો આદર્શ શો છે ? –

“શત શત વર્ષો સુધી જીવવું ગમે, રોગ પજવે નહિ એવું જ્ઞાન ગમે.

જોઉં પુત્રના પુત્રનું મુખ પ્યારું, ઘર ઉલ્લાસે ભર્યું ભર્યું રહેજો મારું.

મારાં અંગ–ઉપાંગો સુદૃઢ રહે, શુદ્ધ અંતરમાં સદા હરિ નામ વહે.

મારાં વાણી–વર્તન સદા એક રહે, જેમ સરિતા નિર્મળ સદા વહેતી રહે… …

વ્હાલા, વિનતી કરું પ્રેમે સુણજો તમે; અંતકાળે લેવા આવી રહેજો; ગમે !”

માનવસેવાના વ્રતધારી, વનસ્પતીની સમગ્ર સૃષ્ટીના ચાહક ને ગાયક તથા પ્રભુપ્રીતીને જીવનમાં વણી બતાવનાર શ્રી નરહરિભાઈને પ્રશ્ન પુછાયો, કે પ્રથમ મીલ કામદાર તરીકે, પછી સેવાદળના સૈનીક રુપે, ત્રીજે પગથીયે ઔષધીના પ્રેમી તરીકે ને ચોથા ચરણમાં એના ગુણગાયક તરીકે તમે પ્રગટ્યા. હવે આગળ શું ?!

જવાબમાં તેઓને આગળ કોઈ કાર્યની ઝંખના નથી. તેઓ આ દેશના લોકો માટે આરોગ્ય ઝંખે છે. આધુનીક સારવાર મોંઘી થઈ છે, દોહ્યલી બની છે ત્યારે વનસ્પતી પાસે જઈને આપણું, લોકનું ને દેશનું કલ્યાણ થાય તેવી શુભેચ્છા પ્રગટ કરે છે. આપણે તેમને તેમની કલ્પના મુજબ શતાયુ ઈચ્છીએ !

અસ્તુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(તેઓ લગભગ ૯૪ વર્ષ જીવ્યા. છેક સુધી કાવ્યોનું ને પુસ્તકોનું પરીશીલન કરતા રહ્યા. એમનાં બાકી રહેલાં કાવ્યોનું સંપાદન સ્વતંત્ર રુપે કરવાનુ મારે ભાગે આવ્યું ત્યારે એમની પાસે બેસાડીને એ કાર્યને સંપન્ન પણ કરાવીને ગયા !! બીજા ભાગ વખતે શોભનજી પણ નહોતા. ‘જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિર’ના પ્રકાશન હેઠળ શ્રી મનુ પંડિત દ્વારા મારા એ સંપાદનને મુર્તરુપ અપાયું હતું. – જુ.)

ઔષધિગાન ભાગ – ૨

પ્રકાશકઃ શ્રી મનુ પંડિત

જીવનસ્મૃતિ મંદિર, ૧૭ – વસંતનગર સોસાયટી, મણિનગર, અમદાવાદ –૮.અમદાવાદ.

 

 

૮૯મે વર્ષે વનસ્પતિ વિષયક ૨૦૦ કાવ્યોના સર્જકઃ નરહરિભાઈ !

માનવસેવા, વનસ્પતીપ્રેમ અને ઈશ્વરભક્તીનું સંયુક્ત ગાન એટલે –

સ્વ.શ્રી નરહરિભાઈ ભટ્ટ      

– સંક્ષીપ્ત પરીચયઃ  જુગલકીશોર

–––––––––––––––––––––––––––––––––––

 “વંદું છું હું વનસ્પતી, ઔષધીઓ દેનાર,

આયુષ, બળ ને જ્ઞાન દઈ, કરતી બુદ્ધીમાન.” 

આવી વનસ્પતીને હંમેશાં લાખ લાખ વંદના કરતા ને સતત વનસ્પતીનું ૠણ અનુભવતા શ્રી નરહરીભાઈ નારણભાઈ ભટ્ટ ગામડાગામના એક સીધાસાદા માનવી. દહેગામ તાલુકાના ખાનપુર ગામમાં ૧૯૧૭ આસપાસ જન્મ. ગળથુથીમાં જ આયુર્વેદની ભક્તી પામેલા નરહરિભાઈનું જીવન અને કવન માનવસેવા, વનસ્પતીપ્રેમ અને ઈશ્વરભક્તીથી ઉભરાય છે. 

અમદાવાદમાં ટેક્ષ્ટાઈલ મીલના કામદાર તરીકે જીવન વીતાવનાર શ્રી નરહરિભાઈમાં રહેલી શક્તીઓ તક મળતાં જ પ્રગટ થતી રહી. મીલકામદાર તરીકે તેઓ ગાંધીજીએ સ્થાપેલા મજુર મહાજન સંઘમાં સીધા સંકળાયેલા હતા જ. પરંતુ તેમની સેવાભાવનાએ તેમને સેવાદળના સૈનીક તરીકે સક્રીય બનવાની તક ઝડપી લીધી. આને કારણે તેમને શ્રમીક જગતમાં નામના પણ ઘણી મળી.  સેવાદળને કારણે જ તેઓ કામદાર વીમા યોજનાની સલાહકાર સમીતીના સભ્ય બન્યા. એ જ કારણસર ‘મજુર સંદેશ’ નામના સંસ્થાના મુખપત્ર દ્વારા કવી રુપેય ખ્યાતી પામ્યા. 

તેમનો બીજો ગુણ  તે વનસ્પતીપ્રેમ. નાનપણથી જ તે બંધાયો હતો. ગામડામાં ખેતરનાં કામોમાં કોઈને દાતરડું કે કોઈ સાધન વાગી જાય ત્યારે હાથવગા ઉપચારમાં યોજાતા ઘાબાજરીયું કે કુકડવેલના ચમત્કારોથી તેઓ અભીભુત થયેલા. 

એવામાં પંદરેક વરસની ઉંમરે ગાંધીજીએ લખેલી પુસ્તીકા ‘આરોગ્ય વિષે સામાન્યજ્ઞાન’ તેમના વાંચવામાં આવી. તેની અસરમાં તેમણે સાજા રહેવાની ને માંદા ન પડવાની વાત જાણી ને કોઠે કરી લીધી. દીનચર્યા અને ૠતુચર્યાનું સ્થાન તેમના જીવનમાં કાયમી થઈ ગયું. 

સેવાદળમાં હતા ત્યારે વીમાયોજનાના દવાખાનાના એક વૈદ્યરાજ શ્રી પુરુષોત્તમ જાનીનો કટાક્ષ“સેવાદળમાં રહેનારાએ આવા માંદલા શરીરે ન જીવાય. આવો મારી સાથે ને નરવા બનો.”તેમને અખાડામાં જતા કરી દે છે. પછી તો આયુર્વેદનું વાચન પણ વધતું જ ગયું.   

પણ યરવડાની જેલમાં હતા ત્યારે એમને એક બીમારી વળગી. બરોળ વધી. કોઈ ઉપચાર કારગત ન નીવડ્યા, એવામાં એમને કોચરબ આશ્રમ નજીકના મનુવર્યજી પાસે યોગની તાલીમ મળી. એને લઈને એમનો એ રોગ મટ્યો. પણ છેક ૧૯૬૭–’૬૮માં સાયકલ પર વાગવાથી ઘુંટણની ઈજા ભોગવવાની આવી જેણે એમને એક નવી જ દીશાનું પગરણ માંડી આપ્યું અને તેઓ ઔષધીય વનસ્પતીઓનાં ૨૦૦ જેટલાં કાવ્યો લખી શક્યા !! 

ઘુંટણની બીમારી તો એમને મીલમાંથી રાજીનામું આપવું પડે તે હદે લઈ ગઈ. કોઈ ઉપાય ન થયો ત્યારે વીમા યોજનાના દવાખાનામાં વૈદ્ય તરીકે સેવા આપનાર વૈદ્ય શોભનની સારવાર મળી ગઈ. બે જ અઠવાડીયામાં ઘુંટણ સો ટકા સારો થઈ ગયો !! આ જ બાબત તેમને નવેસરથી આયુર્વેદ અને શોભન સાથે જોડી આપનારી બની રહી. 

ત્રીજી એમની નીષ્ઠા રહી તે ઈશ્વર પ્રત્યે, ધાર્મીક અને આધીભૌતીક બાબતો પ્રત્યે ઉપરાંત વેદોક્ત વીધીઓ સાથે… તેઓ ગોરપદુંય કરતા અને સાથે સાથે વૈદીક વીધીઓના ભાગ રુપે કેટલાય સંસ્કારો કરાવતા, જેમાં ગ્રામીણ ટુચકાય આવી જતા ! મુંજની દોરીને રુ–તેલમાં બોળી, સળગાવીને કોઈનો આંખનો ઝોંકો ઉતારવો, પેચોટી ખસી ગયેલાને ઠીક કરી આપવું તથા ક્ષીણ શરીર થઈ ગયેલાં બાળકોની એક વીશીષ્ટ પ્રકારની સારવાર કરવી વગેરે તેમને લોકપ્રીય બનાવનાર ગણાય. આવાં બાળકોની કમરે તેઓ નાગરવેલનાં પાનનો રસ ઘસીને શરીરમાંથી કાંટા જેવો પદાર્થ કાઢતા તે તો કોઈનેય ન સમજાય તેવું હતું ! 

ૠષીઓ અને વડવાઓએ જે બતાવ્યું છે તેનાં વૈજ્ઞાનીક કારણો–તથ્યો શોધવામાં તેમને બહુ રસ. આ બધાંમાં કાંઈક તો સંકેતો હશે જ તેવી તેમની શ્રદ્ધા એમની પાસે ઘણા પ્રયોગો કરાવનારી હતી. આયુર્વેદ અને ઈશ્વર પરની તેની શ્રદ્ધા તેમના કવનનું આધારભુત તત્વ છે. એમના જીવનવ્યવહારોમાં અને કવનમાં આ તત્વો ધ્રુવપંક્તી બનીને વહે છે. 

એમની એક માંદગી એમને લગભગ મત્યુશૈયા સુધી ખેંચી જાય છે. આ વખતેય શોભન વચ્ચે આવ્યા ! નરહરિભાઈને પાછા વાળ્યા એટલું જ નહીં, ગુજરાત માટે એક ચમત્કારીક કામગીરીને પ્રેરનારા પણ બન્યા. 

માંદગીના બીછાને સમય પસાર કરવા માટે શોભન તેમને પોતાનાં આયુર્વેદીય ભાવનાભર્યાં કાવ્યોની કેસેટ સાંભળવા માટે આપતા ગયા. આ કેસેટનાં કાવ્યો સાંભળીને ભટ્ટજીની અંદર રહેલો આયુર્વેદીય ઔષધીઓનો ભાવક જાગી ઉઠ્યો. એમણે એક કાવ્ય લીમડા વીશે લખીને શોભનને બતાવ્યું. શોભને ખુશ થઈને એવાં વધુ કાવ્યો લખવા માત્ર અછડતું સુચન જ કર્યું, પણ બીછાને પડેલા આ જીવને તો જાણે ઢાળ મળી ગયો ! ધસારાબંધ કાવ્યો રચાવા માંડ્યાં. આંકડો સોએક ઉપર ગયો ત્યારે આ કાવ્યો મને બતાવીને શોભનજીએ મારો અભીપ્રાય માંગ્યો. હું ૧૯૬૨–’૬૫નો એમનો વીદ્યાર્થી હતો. પણ સાહીત્યના માણસ તરીકે મેં કહ્યું કે વાનસ્પતીક અને ઔષધીય બાબતો ઉત્તમ છે પણ કાવ્યત્વ બાબતે બહુ તકલીફ છે. એમણે પુછ્યું કે શું થઈ શકે ? મેં કહ્યું કે એને મઠારી શકાય તો કામ થાય. મને એમણે લગભગ આજ્ઞા જ કરી દીધી ! 

એમનાં ૧૨૦ જેટલાં પદ્યોને કંઈક કાવ્ય કહી શકાય એવું રુપ આપવા મહીનાઓ ગયા. શબ્દો, વાનસ્પતીક નામો, ઔષધીઓના ગુણો, ઉપચારો અને ભાવનાઓ જેમનીતેમ રાખવાનું અનીવાર્ય હતું. છતાં તેય થઈ શક્યું… … … 

અને એમ એમનો ઐતીહાસીક કાવ્યસંગ્રહ ‘ઔષધીગાન ભાગ – ૧’ શ્રી શોભન દ્વારા પ્રગટ થયો ! ઔષધીય વનસ્પતીઓનાં ગુણ ગાતાં કાવ્યોનો ગુજરાતનો એ પ્રથમ સંગ્રહ બન્યો….

(સ્વ. ભટ્ટજીની જીવનીનો બીજો ભાગ હવે પછી.)

 

વાળનું અમૃત – શાકભાજી

– નીતા ગોસ્વામી

 

ઉપરનું  શિર્ષક વાંચતાં જ આપ આશ્ચર્ય તો જરૂર અનુભવશો જ કે વાળનું અમૃત શાકભાજી? શું વાળ માટે શાકભાજી ફાયદો કરે છે ખરી ?

આપ વિચારતાં હશો કે વાળની તકલીફ જેમ કે વાળનું ખરવું, સફેદ થવું, ખોડો જૂં-લીખ વગેરે રોગો થયા હોય તો એ માટે ખાવાની દવા અને લગાવવાના તેલો આ બધી ટ્રીટમેન્ટ કરવાથી વાળમાં ફાયદો થાય છે. તમારૂ અનુમાન સાચું જ છે, પરંતુ એ સાથે શાકભાજીનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો રીઝલ્ટ જલ્દી મળે છે. હવે લમને પ્રશ્ન ઉદ્દભવશે કે ક્યા ક્યા શાકભાજી ખાવાથી વાળમાં ફાયદો થાય છે, તો હું આ પ્રકરણમાં આ જ વિષય ઉપર પ્રકાશ ફેંકીશ.

આપ બધા તો જાણતા જ હશો કે દરેક શાકભાજીમાં બધા જ પ્રકારના વિટામીન્સ, ફોસ્ફરસ, પ્રોટીન, લોહ વગેરે તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આજકાલ ડૉક્ટરો ખાસ કરીને ગ્રીનસલાડ ઉપર વધુ મહત્વ આપી રહ્યા છે. શાકભાજીના રસો, ફળોના રસો દ્વારા રોગોની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને રોગો મટે છે પણ ખરા ખેર ! આપણે બીજા રોગોની વાતો જવા દઇએ, આપણે તો ફક્ત વાળના રોગોમાં ક્યા ક્યા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ એ વિશે જ વાત કરીશું.

ગાજરઃ-

ગાજરમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ કેલ્શિયમ, ફોસ્ફરસ, ગંધક અને સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત વિટામીન ‘એ’નું પ્રમાણ વધુ હોય છે.

ગાજરમાં લોહ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસનું તત્વ હોવાને કારણે વાળમાં ફાયદો કરે છે. શરીરમાં લોહતત્વ અને કેલ્શિયમની ઉણપને કારણે વાળ મૂળમાંથી ખરે છે. આ ખામી પૂરી કરવા માટે ગાજરનો રોજે રોજ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. કાચા ગાજર ન ખાઈ શકો તો તેના કટકા કરી મીઠું અને લીંબુ મેળવી ખાવું. ગાજર હંમેશા કુમળાં જ ખાવા જોઈએ અને ગાજરનો સવારે સવારે જ ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

જો ગાજર ન ભાવતા હોય તો ૫ થી ૬ કુમળા ગાજર લઈ તેનો રસ પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.

પરવળઃ-

પરવળ બે પ્રકારના હોય છે. એક તો મીઠા અને બીજા કડવા. મીઠા પરવળ પચવામાં હલકાં હોય છે અને લોહી વધારનાર છે. મીઠા પરવળનો સૂપ બનાવી પીવાથી પણ ખરતાં વાળમાં ફાયદો થાય છે. મીઠા પરવળ ખાવાના કામમાં આવે છે. જ્યારે કડવા પરવળ દવા તરીકે લગાવવાના કામમાં આવે છે.

કડવા પરવળના પાનનો રસ માથાની ઉંદરી (ઇન્દ્રલુપ્ત) પર ચોપડવાથી નવા વાળ આવે છે.

ઉંદરી એટલે વાળને જાણે ઉંદરે કાપી નાંખ્યા હોય એવા ચકામાં પડ્યા હોય તેને ઉંદરી કહેવામાં આવે છે.

વાળમાં જો ફોડલાઓ થયા હોય તો કડવા પરવળ અને કડવા લીમડાના ઉકાળાથી ગુમડાને ધોવાથી ખૂબ જ ફાયદો થાય છે.

દૂધીઃ-

દૂધીનો તેલમાં ઉપયોગ થાય છે. એ તો આપ જાણો જ છો. ગરમપ્રકૃત્તિ એટલે કે પિત્તના પ્રકોપને કારણે માથુ ગરમ રહેતું હોય અને ગુસ્સો ખૂબ આવતો હોય આવા સમયે દૂધીને છીણી તેનો રસ કાઢી તેનું તેલ બનાવી રોજે રોજ ઉપયોગ કરવાથી વાળમાં ઠંડક થાય છે. અલબત્ત સાથે સાથે પ્રકૃત્તિ પ્રમાણે બીજી વનસ્પતિનો તો ઉપયોગ સવિશેષ કરવો જોઇએ.

દૂધીનો હલવો સ્વાદિષ્ટ અને શરીરમાં ઠંડક ઉત્પન્ન કરનાર છે. પિત્તના પ્રકોપને કારણે વાળ ખરતાં હોય તો અથવા સફેદ થયા હોય તો દૂધીનો હલવો ખાવાથી ફાયદો થાય છે.અ

કાકડીઃ-

કાકડીનો ગુણ પણ ઠંડક ઉત્પન્ન કરનાર છે. મગજમાં અતિશય ગરમી લાગતી હોય તો કાકડીનો ઉપયોગ કરવો જોઇએ. વાળમાં પણ અતિશય ગરમી લાગતી હોય તો કાકડીને છીણી કપડામાં લપેટી માથા પર મૂકવાથી ખૂબ જ ઠંડક લાગે છે અને માનસિક સાંત્વના મેળવી શકાય છે.

ડુંગળીઃ-

ડુંગળી સ્વાદમાં તીખી હોય છે. તેમજ તેનો ગુણ પણ ગરમ હોય છે. જેને Acidity રહેતી હોય તેણે ડુંગળીનો ખાવામાં ઉપયોગ કરવો નહીં બાકી જેમને તકલીફ ન હોય તેમને માટે ડુંગળી પુષ્ટિકર, વીર્યવર્ધક છે. ડુંગળીને ‘‘ગરીબોની કસ્તુરી’’ નામ આપવામાં આવેલું છે. ગરીબો કસ્તુરી ખાઈ શકતા નથી પરંતું કસ્તુરી જેવા જ ગુણો ડુંગળીમાં છે એટલા માટે જ ઉપર્યુક્ત ઉપમા આપવામાં આવી છે.

ડુંગળીનો રસ માથામાં લગાડવાથી જૂં મરી જાય છે. વાળ ધોવાના ૧ કલાક અગાઉ ડુંગળીનો રસ માથામાં ભરી દેવો. ત્યાર બાદ કડવા લીમડાના ઉકાળતા પાણીને ઠંડુ કરી આ જ પાણીથી વાળ ધોવાથી જૂં મરી જાય છે. જો જૂં વારંવાર થતી હોય તો સાથે ખાવાની દવા લેવાથી કાયમી ફાયદો મેળવી શકાય છે. જો કોઇકવાર જ જૂં થતી હોય તો ઉપરનાં ઉપચાર કરવાથી પરિણામ મેળવી શકાય છે.

સરગવાના પાનના રસનું માથા પર મસાજ કરવાથી ખોડો મટે છે.

તાંદળજાની ભાજીઃ-

તાંદળજામાં વિટામીન ‘એ’ ‘બી’ અને ‘સી’ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ ગંધક, તાંબુ વગેરે દ્રવ્યો પણ છે. જેમાં રક્તવર્ધક (લોહી વધારનાર) રક્તશોધક (લોહી સુધારનાર) જંતુનાશક અને પાચક ગુણો છે.

તાંદળજાની ભાજીને કૂકરમાં બાફી વધાર કરી ઉપયોગમાં લેવી જોઈએ. ભાજીમાં લગભગ બધાજ રસો આવી જતાં હોવાથી મીઠુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

તાંદળજાનો રસ પીવાથી પણ ફાયદો થાય છે. વાળ ખરતાં હોય, સફેદ થયા હોય તો તાંદળજાની ભાજીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવો જોઈએ.

આજકાલ લોહીની ઓછપને કારણે ઘણાં રોગો થવાનો સંભવ રહે છે. આવા વખતે વિટામીન્સ કે આર્યનની ગોળીઓ ખાવા કરતાં જો તાંદળજાના રસનો ઉપયોગ કરવામાં આવે તો ટૂંક સમયમાં  Himoglobin નું પ્રમાણ વધી જાય છે.

પાલકની ભાજીમાં પણ વિટામીન એ, બી, સી અને ઈ તેમજ પ્રોટીન, સોડીયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરીન અને લોહ છે. એ લોહીના રક્તાણુઓને વધારે છે.

ટામેટાઃ-

ટામેટામાં પણ આર્યનનું પ્રમાણ હોય છે. શરીરમાં લોહીની ઓછપને કારણે જો વાળ ખરતાં હોય તો ટામેટાનો રસ અથવા ટામેટાના સલાડનો રોજે રોજ ઉપયોગ કરવાથી  જરૂર ફાયદો થાય છે.

લીંબુઃ-

લીંબુમાં સાઈટ્રીક એસીડ, પ્રોટીન, ચરબી, કુદરતી મીઠું, સાકર, કેલ્શિયમ, પોટાશ, ફોસ્ફરસ, અને લોહ છે.

લીંબુમાં વધુ પડતુ વિટામીન ‘સી’ હોય છે તેમજ વિટામીન બી-૧ નું પ્રમાણ હોય છે.

લીંબુનો રસ માથાના વાળમાં નાંખી મસળી અને સ્નાન કરવાથી વાળનો મેલ તથા વાળની લૂખાશ દૂર થાય છે. તેમજ વાળ સ્વચ્છ બને છે.

વાળ ધોવાના એક કલાક અગાઉ વાળમાં ખાટું દહીં અને લીંબુનો રસ મેળવી લગાવવાથી વાળમાં રહેલ ખોડો મટે છે.

આમળાના પાવડરને લીંબુના રસમાં મેળવી ૫-૬ કલાક પલાળી રાખવું. ત્યારબાદ રાત્રે તે તે પાવડર વાળમાં લગાડી સવારે ધોઈ લેવું. આનાથી લાંબા ગાળે સફેદ વાળ કાળા બને છે.

મિત્રો, આમ આપણે રોજબરોજ વાપરતાં શાકભાજીનો ઉપયોગ કરવાથી કેટલા બધા ફાયદા થાય છે એ જોયું. શાકભાજીને બને ત્યાં સુધી અગ્નિના ઓછા સંપર્કમાં આવે એ પ્રમાણે રાંધવા જોઈએ. વધુ પડતા શાકભાજીને બાફવાથી અથવા ફક્ત તેલમાં જ બનાવવાથી શાકના ગુણો નાશ પામે છે, અને શાકમાં ફક્ત સ્વાદ જ રહે છે. તેથી બને ત્યાં સુધી શાકભાજી જે કાચા લઈ શકો તો કાચા જ ખાવા જોઈએ, અને જે કાચા ન ખાઈ શકાતા હોય તેને કૂકરમાં બાફી વઘાર કરી ખાવાથી તેના ગુણો જળવાઈ રહે છે. શાકભાજીમાં વધુ પડતાં મરીમસાલાનો ઉપયોગ પણ શરીરને માટે નુકશાનકર્તા છે. આ પ્રકરણ વાંચ્યા પછી આશા છે તમે પણ તમારા રોજબરોજના ખોરાકમાં શાકભાજીને મહત્વનું સ્થાન આપશો તો વધુ આનંદ થશે.

વાળના સૌંદર્ય માટે માટી પણ અગત્યનું ઘટક છે.

માટીઃ-

વાળ માટે માટી પણ ખૂબ ફાયદાકારક છે. પહેલાનાં જમાનામાં તો લોકો સાબુને બદલે કાળી માટીથી વાળ ધોતાં હતાં. અને તે સમયે લોકોને વાળ ખરવાની કે સફેદ થવાની ફરિયાદ જોવા મળતી ન હતી. માટીથી વાળ ધોવાથી કુદરતી ચમક જળવાઈ રહે છે. તથા વાળ સ્વચ્છ થઈ મુલાયમ અને કાળા બને છે.

(૧)   સફેદ વાળ વાળાએ કાળી માટીમાં ત્રિફળા, લોહભસ્મ તથા ભાંગરો ઉમેરી બકરીના મૂત્રમાં લસોટી તેનો લેપ વાળમાં રાત્રે કરવો સવારે ધોઈ લેવું. આનાથી લાંબે ગાળે વાળ કાળા થાય છે.

(૨)   કાળી માટીની જેમ મુલતાની માટી પણ વાળ માટે ફાયદાકારક છે. જેના લુખ્ખા વાળ હોય તેમણે મુલતાની માટીમાં થોડું કોપરેલ કે વાળમાં નાંખવાનું તેલ તથા થોડું દહીં મીક્ષ કરી વાળમાં પચાવવું. એકાદ-બે કલાક બાદ વાળ ધોઈ લેવા. આનાથી ધીમે ધીમે વાળ સુંવાળા બને છે. તથા તેની ચમક વધે છે.

(૩)   જેના વાળ ખૂબ તૈલી હોય તેઓએ મુલતાની માટીને થોડા ગરમ પાણીમાં પલાળવી તથા તેમાં થોડો લીંબુનો રસ કે નારંગીનો રસ ભેળવી વાળમાં પચાવવું. એક કલાક બાદ વાળ ધોઈ લેવા આનાથી વાળ કાળા તથા છૂટ્ટા બને છે. આમ માટી પણ વાળનું સૌંદર્ય બક્ષે છે.

વાળનો અસાધ્ય રોગ : ગૂંચ પડવી

–       ડૉ.નીતા ગોસ્વામી


કેટલીક વખત અમારા વ્યવસાયમાં એવા પેશન્ટો આવી જાય છે કે અમને પણ વિચારતા કરી દે છે. વિચારતા એટલા માટે કરી દે છે કે આવા રોગોનો ઉલ્લેખ શાસ્ત્રમાં તો આપણને મળતો જ નથી તો તેની ટ્રીટમેન્ટનો ઉલ્લેખ તો ક્યાંથી જોવા મળે ? આવો જ એક કેસ પાંચ વર્ષ પહેલા મારી પાસે આવ્યો હતો. જો કે આ રોગ કયા કારણસર થયો અને આ રોગનું નામ શું છે તે તો હું નક્કી ન કરી શકી. પરંતુ રોગ મટી ગયો એટલો આનંદ છે.

પેશન્ટનું નામ માધવીબેન ઉ.વ.૫૦. માધવીબેન સ્કૂલમાં શિક્ષક હતા અને ૫૦ વર્ષની ઉંમરે ગામડામાં લગ્ન થયા. પતિ વ્યવસાયે મિસ્ત્રી પરંતુ પૈસે ટકે ખૂબ સુખી. સાસરે ગયા બાદ એક દિવસ માધવીબેને લાકડા કામમાં વપરાતા કોઈ સોલ્યુશનને શૈમ્પુ સમજીને વાળ ધોયા. ત્યારબાદ વાળનો ગામડાના રિવાજ મુજબ કઠણ અંબોડો વાળી લીધો. સમયના અભાવે કે આળસના કારણે ૪ દિવસ સુધી વાળ ખોલવાને બદલે ઉપર ઉપરથી વાળમાં કાંસકો ફેરવી લેતાં, ચાર દિવસ બાદ જ્યારે માથું ઓળવા માટે વાળ ખોલવા ગયા તો વાળ ખૂલ્યા જ નહીં. વાળ એકદમ ગઠ્ઠાની જેમ જામી ગયા હતાં. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વાળ ન જ ખુલ્યા અને દિવસે દિવસે વધુ ને વધુ મજબૂત રીતે ગંઠાતા ગયા. પરિણામે ખોપરીના આગળના ભાગમાં તથા અંબોડાની આજુબાજુના વાળમાં ખેંચાણને લીધે ફોડકીઓ થઈ ગઈ. ગભરાઈને માધવીબેન અમદાવાદ આવ્યા. સારા સારા ડૉક્ટરોની સલાહ લીધી. કોઈ ડૉક્ટરે ડાયાબિટીસ ટેસ્ટ કરાયો તો કોઈએ બ્લડટેસ્ટ, કોઈએ થાઈરોઈડ ચેકપ કરાવ્યું, તો કોઈએ કાર્ડીયોગ્રામ લીધો. પરંતુ નિદાન અને પરિણામ શૂન્ય  આવ્યું. અમદાવાદના બીજા વાળના નિષ્ણાત પાસે પણ માધવીબેન ગયા. પરંતુ દરેકે આ પ્રકારનો રોગ પ્રથમ વાર જોયો હોઈ ટ્રીટમેન્ટકરવાની ના કહી. છેવટે કંટાળી વાળ કપાવવા ગયાં તો તેનો અસ્ત્રો કે કાતર તેમના વાળમાં ગયા નહીં. પરિણામે વાળ કાપી ન શકાયા, આખરે હતાશ થઈ ગયા. માધવીબેનને કોઈ કન્સલ્ટન્ટે મારું નામ સૂચવ્યું. માધવીબેન મોટી આશા અને નિરાશા વચ્ચે ઝુલતા મારી પાસે આવ્યા. મેં તેમની હિસ્ટ્રી સાંભળી ઘણો વિચાર કર્યો પરંતુ નિદાન પર હું પણ પહોંચી ન શકી. પરંતુ માધવીબેનની ગમે તે કરી છૂટવાની તૈયારી જોતાં અને નવા નવા પડકારરૂપ રોગોની ટ્રીટમેન્ટ કરવાના મારા શોખને કારણે મેં તેમનો કેસ હાથમાં લીધો પરંતુ તે શરતે કે હું બનતાં બધાજ પ્રયત્ન કરીશ કારણ આવા રોગ અંગે કોઈપણ મેડીકલ સાયન્સમાં ઉલ્લેખ નથી. તેથી પરિણામ અંગે ખાતરી ન આપી શકાય. ત્રણ માસ ટ્રીટમેન્ટ કરીએ અને પરિણામ નસીબ પર છોડી દઇએ. આવી સમજૂતી સાથે પ્રયત્નો શરૂ કર્યા.

પ્રથમ તો તેમના જામેલા અંબોડા સિવાયના વાળમાં સંપૂર્ણ ટાલ હતી તથા ફોડકીઓ પરૂવાળી થઇ ગયેલ તેની ટ્રીટમેન્ટ શરૂ કરી. ફોડકીને માટે પ્રથમ તો તેમને ચામડીની દવાઓ જેવીકે આરોગ્યવર્ધિની વટી ૨-૨ ગોળી ત્રણ વાર, ત્રિફળા ગુગળ ૨-૨ ગોળી ત્રણવાર પાણી સાથે આપી તથા વાળમાં લગાડવા માટે Saif oil આપ્યું. ખોરાકમાં ગળી વસ્તુ, આઇસ્ક્રીમ તથા ફરસાણ તથા મરચુ વગેરે બંધ કરાવ્યા. ૮ દિવસ બાદ ફોડકીમાં સંપૂર્ણ ફાયદો થયો. ત્યારબાદ ટ્રીટમેન્ટ શરૂ થઇ ટાલની, મેં વિચાર્યુ જો ટાલવાળા ભાગમાં વાળ લાંબા થશે તો પાછળ ગંઠાયેલા વાળ ઢંકાઇ જશે. જેથી જોવામાં વધુ ખરાબ નહીં લાગે તે દ્રષ્ટિએ ટાલની દવાની શરૂઆત કરી.

ટાલ માટે તેમને ખાવામાં રસાયણ ચૂર્ણ તથા અવિપત્તિકર ચૂર્ણ સાથે સંશમની વટી નં-૩, ત્રણ ત્રણ ગોળી ૩ વાર પાણી સાથે આપી. વાળમાં માલીશ માટે હર્બોગુંજાતેલમાં ગુટીકા ઉમેરી રોજે રોજ માલીશ કરવા સૂચવ્યું.

માધવીબેન તો બરાબર સૂચના અનુસાર રોજ સવાર-સાંજ અડધો-અડધો કલાક તેલ માલીશ કરતા. દવા રેગ્યુલર લેતાં અને ખોરાકમાં દૂધનું પ્રમાણ વધું લેતાં. પાંચ દિવસ બાદજ માધવીબેનને ટાલમાં નવા વાળ ફૂટતા દેખાયા. તેથી ટાલમાં વાળ આવવાની ચિંતા હવે નહોતી રહી. હવે મુખ્ય ચિંતા હતી પેલા સિમેન્ટની જેમ ચોંટેલા વાળ કેમ ખોલવા ? તે માટે ખૂબ વિચાર્યું. અંતે મેં વાળમાં સ્ટીમીંગનો પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો.

વાયુના પ્રકોપનું નિદાન કરી તે મુજબ દશમૂળક્વાથની સ્ટીમ હાઇપ્રેશર પર ફક્ત ગંઠાયેલા વાળ પર જ લાગે તે રીતે દર ૪-૪ દિવસને અંતરે અડધો અડધો કલાક આપવાની શરૂઆત કરી. સ્ટીમ આપ્યા બાદ કાતર વાળમાં નાંખી ગૂંચ ખોલવાનો પ્રયત્ન કર્યો.

એક સ્ટીમ, બે સ્ટીમ, ત્રણ સ્ટીમ આપી પરંતુ કાતર અંદર જતી જ નહીં. છતાંયે મારા કરતાં માધવીબેનનો ઉત્સાહ વધુ હતો. તેઓ મને હજી પ્રયત્ન કરવાનું વિશ્વાસપૂર્વક જણાવતાં, તેમનો વિશ્વાસ જોઈ મેં તેમને વધુને વધુ ઉત્સાહ આપી ટીટમેન્ટ ચાલુ રાખી ચોથી સ્ટીમ આપ્યા બાદ વાળમાં ધીમે ધીમે કાતર અંદર જવા લાગી તેથી મેં સૂચના આપી કે ઘેર ગયા બાદ પણ કાતરની જેમ વાળમાં અંદર આંગળી નાંખી વાળ ઉંચા કરવાનો પ્રયત્ન કરવો. સૂચનોનો અક્ષરશઃ અમલ થાય તે દ્દષ્ટિએ માધવીબેન તો ઉત્સાહમાં આવી જઇ રોજ રાત્રે ૧૧ થી ૧ વાગ્યા સુધી વાળ ઉકેલવાની મથામણ કરવા લાગ્યા. આંગળી અંદર જવાથી વધુ ને વધુ આશા દેખાઈ. પછી તો ૪ દિવસને બદલે દર ત્રીજા દિવસે સ્ટીમનો દોર શરૂ થયો.

આ બાજુ આ દરમ્યાન ૧ મહીનામાં તો માધવીબેનના બધા જ વાળ નવા ફૂટીને લગભગ દોઢ થી બે ઇંચ લાંબા થયા હતા. તેથી તેમને ધીરજ વધી કે જો અંબોડો નહીં છૂટે તો નવા વાળ વધતા તે ઢંકાઇ તો જશે જ ૪૦૦ મી.લી એક તેલની બોટલ તેઓ ફક્ત ૧૦ દિવસમાં વાળમાં પચાવતાં. આમ તેમની સખત મહેનત અને વિશ્વાસનું ફળ ઝડપથી જોવા મળ્યું.

ધીમે ધીમે પાંચ થી છ સ્ટીમ બાદ તેમના ગંઠાયેલા વાળ પોચા થઈ ગૂંચ ઉકલવા લાગી જો કે રોજ જેટલી ગુંચ ઉકલતી તેમાંની અડધી લટો તો જોરથી ખેંચવાને કારણે તુંટી જતી. પરંતુ ત્યાં તો નવા વાળ આવી જશે તેવો વિશ્વાસ હતો. ધીમે ધીમે રોજ બે કલાક તેઓ વાળ ઉકેલતા સાથે દર ત્રીજે દિવસે ક્લિનિક પર સ્ટીમ અને ૧ કલાક વાળ ઉકેલવાનો પોગ્રામ તો ચાલુ જ હતો, રોજ ૭-૮ લટો ઉકલતી એમ ફક્ત બે માસની ટ્રીટમેન્ટમાં જ માધવીબેનના ગંઢાયેલા વાળ છુટા પડી ગયા. ટાલમાં નવા વાળ ફૂટયા. તથા ફોડકી મટી માધવીબેન લાંબા વાળમાંથી જો કે ફેશનેબલ મહીલાની જેમ ખભા સુધી કપાયેલ વાળવાળા માધવીબેન બન્યા. આમ એક અજાણ્યા અને અસાધ્ય જણાતાં રોગની ટ્રીટમેન્ટ કરવાનો મને અનેરો સંતોષ હતો.

માધવીબેનનો તો જો કે આવો મારો પહેલો કેસ હતો. પરંતુ ત્યારબાદ તો આટલા વર્ષોમાં આવા બીજા અનેક કેસ આવવા લાગ્યા. કોઈને વાળની અમુક લટોમાં  ગૂંચ પડી જાય જે ક્યારેય છૂટતી નથી અને તેટલા વાળ કાપી નાંખવા પડે છે, તો ક્યારેક બહેનોને ચોટલાની વચ્ચે આવી ગૂંચનો ગઠ્ઠો થઈ જાય છે. જે પછી છૂટતો જ નથી. કેટલીક બહેનોને વાળ ધોયા બાદ વાળ ગરગડીની જેમ ગોળ ગોળ ગૂંચવાઈ જાય છે. જે ૨ – ૩ કલાક મહેનત કર્યા બાદ માંડ ઉકલે. પરંતુ જયારે ઉકલે ત્યારે તેમના અડધાવાળ દર વખત તૂટી ગયા હોય. સામાન્ય રીતે આવી તકલીફવાળી બહેનો બીકને કારણે વાળ જ ધોતી નથી. મહિને બે મહિને એકાદ વખત જ વાળ ધૂએ છે. જેથી વાળ ઓછા તૂટે, પરંતુ આ તેમનું અજ્ઞાન જ છે. જેટલા લાંબો સમય વાળ ન ધુઓ તેટલા વાળ વધુને વધુ ગુંચવાતા જાય છે અને વધુ તૂટે છે. માટે આવા વાળ માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. કેટલીક બહેનો રોજ વાળમાંથી ગુંચ કાઢતી નથી પરંતુ ઉપર ઉપરથી કાંસકો ફેરવી લે છે, તેથી પણ આ રો થાય છે. સ્પ્રે વારંવાર કરવાથી પણ ગુંચ પડે છે. આ પ્રકારની તકલીફ હોય તેઓએ ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તુર્તજ સારા ચિકિત્સક પાસે જવું નહી તો પાછળથી પસ્તાવાનો વારોજ આવે છે.

અન્ય રોગઃ-

કેટલીક બહેનોની ફરિયાદ હોય છે કે તેમના વાળમાંથી લાલ પદાર્થ નીકળે છે. તે ખેંચવા જતાં આખો વાળ લાલ થઈ જાય છે. આ પણ કૃમિને કારણે થતો એક રોગ છે. આ રોગમાં પણ કૃમિઘ્ન ચિકિત્સા કરવાથી ફાયદો થાય છે.

 

વાળની સામાન્ય માવજત

– ડૉ.નિતા ગોસ્વામી

ધારો કે તમે તમારા વાળના પ્રકાર સમજી ન શકો અને મૂંઝાઓ કે શું કરવું ? તો તથા દરેક પ્રકારના વાળવાળાએ નીચે મુજબ કાળજી રાખવી જરૂરી છે.

સૌ પ્રથમ તો વાળમાં જૂં-લીખ પડી હોય તો તેને તુરત જ દૂર કરવી જોઈએ. વાળ ખરતાં હોય કે સફેદ થતા હોય તો તેનો તરત જ ઉપાય કરવો. વાળમાં ખોડો થાય તો તે માટે પણ વહેલામાં વહેલી તકે ઉપાય કરવો.

તંદુરસ્ત શરીર માટે તડકો અને હવા જરૂરી ગણાય છે. પરંતુ વાળનો તો આ કુદરતી ઈલાજ છે. વાળને સવાર-સાંજ સૂર્યનો કોમળ તડકો અને હવા મળે તેમ કરવું. વાળની ગૂંચ પ્રથમ નીચેથી કાઢવી. ત્યારબાદ ઉપરથી ગૂંચ કાઢવાનું શરૂ કરવું. જેથી વાળ ઓછા તૂટે છે. નશાકારક તત્વો ચા, કોફી, સીગારેટ વગેરે વાળ માટે નુકશાનકારક છે. વાળ ધોવા માટે ઠંડુ પાણી અથવા તો નવશેકું પાણી લેવું. એકદમ ગરમ પાણીથી માથું ધોવું નહીં બને ત્યાં સુધી સાબુ કે શેમ્પુથી વાળ ધોવા નહીં તેમાંના કેમીકલ્સ વાળને ખૂબ નુકશાન કરે છે. વાળ ધોવા માટે કોઈ આયુર્વેદિક ડ્રાયશૈમ્પુનો ઉપયોગ કરી શકાય અથવા શિકાકાઈ, અરીઠા-આમળાંનો ઉપયોગ પણ કરી શકાય. હેરક્રીમ, હેરલોશન, હેરડાઈ વગેરેનો ઉપયોગ કરવાથી પણ લાંબે ગાળે વાળને નુકશાન થાય છે.

જેને કાયમી શરદી રહેતી હોય અથવા જેનો શરદીનો કોઠો હોય તેણે ઠંડા તેલ આબળા, દૂધી કે બ્રાહ્મી તેલ વગેરેનો ઉપયોગ ન કરવો. તેમણે તલનું તેલ, કોપરેલ કે ભૃંગરાજ તેલ વાપરવું હિતાવહ છે. સીંગતેલ કે સીંગતેલમાં બનાવેલ તેલ પણ વાળને નુકશાન કરે છે. તેનાથી વાળમાં ખોડો થાય છે અને વાળ ખરે છે. વાળ માટે તો તલનું તેલજ શ્રેષ્ઠ છે. વાળ તદ્દન સૂકાઈ જાય ત્યારબાદ જ તેલ નાંખવું, વાળ ઓળવા કાંસકા વગેરે જુદા રાખવા. વાળ હંમેશા ઝીંણા કાંસકાથી જ ઓળવા. વાળને અઠવાડિયામાં બે વાર અથવા તો એકવાર તો અચૂક સાફ કરવા જોઈએ. સવાર-સાંજ ઓળવાથી વાળને કસરત મળશે. વાળને જરા ખેંચીને ઓળવા, આથી વાળ મજબૂત અને લાંબા થાય છે.

વાળમાં નિયમિત તેલ નાંખવું, તેલ વાળનું ભોજન છે. જો કોરા વાળ રાખતા હો તો રાત્રે તેલ નાંખીને સવારે માથું ધોઈ નાંખવું. આથી રાત દરમ્યાન તેલ પોતાનું કાર્ય કરશે. માલીશ હંમેશા મૂળમાં આંગળીઓના ટેરવાથી જ કરવી જોઈએ. રોજ તેલ લગાડ્યા વિના જ ખાલી પોતાના હાથની આંગળીઓથી પણ છેવટે માલીશ કરવું. ઓછામાં ઓછું અઠવાડિયામાં ૨-૩ વાર પણ આમ કરવાથી ઘણો લાભ થાય છે. આથી વાળના મૂળ મજબૂત બને છે. તથા માથામાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થાય છે.

વધુ પડતી ચિંતા, કલેશ, બોજ, શોક અને મેન્ટલવર્ક વાળની વૃદ્ધિ અટકાવે છે. ઉપરાંત આ કારણોથી વાળ ખૂબ ખરવા માંડે છે કે ઝડપથી સફેદ થવા માંડે છે.

વાળને વારંવાર હેરડ્રાય ન કરો આથી વાળના મૂળમાંનો કુદરતી ભેજ પણ ઉડી જાય છે. પરિણામે વાળ ખરવા લાગે છે. વાળને કુદરતી પવનમાં જ સુકાવા દો.

લીંબુનો રસ દરેક પ્રકારના વાળમાં ફાયદો કરે છે. માથું ધોવાના પાણીમાં લીંબુનો રસ મેળવી અથવા લીંબુ નીચોવી લઈ માથામાં ઘસવાથી પણ વાળ લાંબા થાય છે. તથા ખોડો મટે છે. વાળ માટે ખાટું દહીં ખૂબ ફાયદાકારક છે.

આ ઉપરાંત વાળ વધારવા માટે, ખરતાં વાળ અટકાવવા માટે તથા ખોડો દૂર કેવા માટે ‘‘હર્બલ હેર ટોનિક’’ કે ‘‘હર્બોગુંજાતૈલ’’ ખૂબજ ફાયદો કરે છે.  તેજ રીતે વાળની ચમક વધારવા માટે આયુર્વેદીક ડ્રાયશૈમ્પુથી માથું ધોવાથી વાળ સુંવાળા, ચમકદાર બને છે. તેમાંના ઔષધો ખોડો વગેરે દૂર કરી વાળ વધારવામાં પણ મદદ કરે છે. બોરના પાંદડાથી પણ માથું ધોવું ખૂબ ફાયદાકારક છે.

વાળ માટે બહારથી ગમે તેટલા ઉપચારો કરો પણ સાથે સમતોલ આહાર વાળની તંદુરસ્તી, આરોગ્ય, ચળકાટ અને લંબાઈ  માટે ખાસ જરૂરી છે. વાળની સમૃદ્ધિ માટે પ્રોટીન અત્યંત જરૂરી છે. દૂધ, ઇંડા, માછલી, માંસ, કઠોળ, ફણગાવેલા મગ, ચીઝ વગેરેમાંથી પ્રોટીન સારા પ્રમાણમાં મળી રહે છે. તેથી તેનો નિયમિત ઉપયોગ કરવો. વિટામિન B/૧૨, પણ વાળને ખૂબ ફાયદાકારક છે. તેનાથી વાળ સફેદ થતાં અટકે છે. તે બ્રેડ, ઇંડા, કાકડી, મૂળા, ગાજર, લીલી ડુંગળી, બીટરૂટ, ટમેટા વગેરેના કાચા સલાડમાંથી સારા પ્રમાણમાં મળે છે. ઉપરાંત લીલા શાકભાજી પણ અત્યંત જરૂરી  છે વાળની સમૃદ્ધિ લંબાઈ, મજબૂતાઈ માટે કેલ્શિયમ પણ ખૂબ જરૂરી છે. તે ઇંડા, તલ, ભાજી, શીંગ, શેરડી વગેરેમાંથી મળી રહે છે. આમ વાળને જરૂરી તત્વો અને યોગ્ય માવજત મળે તો વાળ ચોક્કસ લાંબા, કાળા તથા સુંવાળા બનશે.

માછલી અને કોપરા ખાતાં કેરેલીયન અને બંગાળીઓના વાળ ઈર્ષ્યા પમાડે તેવા કાળા અને લાંબા હોય છે. કારણ પ્રોટીન અને કેલ્શિયમ જે વાળની જીંદગી છે તેજ તેઓ ખોરાકમાં વધુ લે છે.

સામાન્ય રીતે આપણા ગુજરાતના હવામાન પ્રમાણે વાળમાં કોપરેલ દરેકને માફક આવતું નથી. તેમાંયે ગરમપ્રકૃત્તિ કે પિત્ત પ્રકૃત્તિવાળાને તો ક્યારેક કોપરેલથી પણ વાળ ખરે કે ખોડો થાય છે. તેથી આપણા પ્રદેશમાં તો વાળ માટે તલનું તેલ કે મેડીકેટેડ ઓઇલ જ વાળ માટે શ્રેષ્ઠ છે.

લીમડાના પાંદડા તથા બોરના પાન સરખા ભાગે લઈ પાણીમાં વાટી વાળમાં લેપ કરવો. સુકાયા બાદ ધોઈ લેવાથી વાળ વધે છે અને ખોડો મટે છે.

તેજ રીતે તુલસીના પાંદડા અને આંમળાને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી પણ વાળ ખોડારહિત  કાળા તથા સુંવાળા બને છે.

વાળના પ્રકાર અને માવજત

– ડૉ. નિતા ગોસ્વામી

 

વાળની માવજત કરતાં પહેલાં આપણે આપણા વાળનો પ્રકાર ક્યો છે તે ઓળખી માવજત કરવી ખૂબ જરૂરી છે.

સામાન્ય રીતે વાળના ચાર પ્રકાર હોય છે-

(૧)    સામાન્ય વાળ

(૨)    સૂકા વાળ

(૩)    સ્નિગ્ધ, ચીકણા તૈલીવાળ

(૪)    વાંકડીયા વાળ

સામાન્ય વાળ – આ પ્રકારના વાળ ન તો વધુ ચીકણા કે ન તો સૂકા હોય છે. આ વાળ થોડી માવજતથી જલ્દી વધે છે.

ઉપચારઃ-

(૧)    આ વાળ માટે થીસ્ટ (જે કેમીસ્ટની દુકાનમાં મળે છે.) ખૂબજ ફાયદાકારક છે. દહીંમાં ૧ ચમચી થીસ્ટ મેળવી તે વાળમાં લગાડી શકાય તથા ભોજનમાં પણ લઈ શકાય. આમાંથી પ્રોટીન વિટામીન બી તથા એમિનો એસિડ મળે છે.

(૨)    આ પ્રકારના વાળ માટે ‘‘હર્બલ હેર ઓઈલ’’ ખૂબજ ફાયદાકારક છે. જે મેડીકેટેડ ઓઈલ હોવાથી ખોડો તેમજ ખરતા વાળને બંધ કરી વાળ વધારવામાં પણ મદદરૂપ બને છે. રોજ ૧૫ થી ૨૦ મિનિટ આ ઓઇલથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરવું ખુબજ ફાયદાકારક છે.

સૂકા વાળઃ- આવા વાળ તેલ નાખવા છતાં કોરા લાગે છે. આ પ્રકારના વાળની તેલગ્રંથિઓ

વધારે સક્રિય હોતી નથી તેથી તૈલતત્વનો સ્ત્રાવ ઓછો થતો હોય છે. આ પ્રકારના વાળ બરડ, ભૂખરા અને નિસ્તેજ લાગે છે. આ વાળમાં ગૂંચ વધારે પડે છે, અને તે વધારે તૂટે છે. જરા પણ કાળજી ન રાખતાં તે જલ્દી ખરવા લાગે છે. આવા વાળ સુંવાળા સુંદર લાગતા નથી.

ઉપચારઃ-

આવા વાળવાળી વ્યક્તિએ વારંવાર વાળમાં કાંસકી ફેરવવી જેથી વાળમાં કુદરતી રીતે તેલ ઉત્પન્ન થાય છે. આવા વાળ જલ્દી તૂટી જાય છે, તેથી વાળમાં પીન, અણીવાળા કાંસકા, રબરબેન્ડ વગેરેનો ઉપયોગ ઓછો કરવો. આ પ્રકારના વાળ વાળાએ ઢીલુ માથું ન ઓળવું કે વાળ છુટા ન રાખવા. આનાથી વાળમાઅ ગૂંચ વધુ પડશે પરિણામે તે વધારે તૂટે છે. ‘બેક કોમ્બીંગ’ હેરસ્પ્રે કે હેરડ્રાયરનો ઉપયોગ પણ વાળ માટે નુકશાનકારક છે. આ વાળમાં ખોડો પણ વધુ પ્રમાણમાં થાય છે. માટે આ વાળ વધારે માવજત માંગી લે છે.

(૧)    મુલતાની માટીમાં થોડું કોપરેલ નાંખી આ પેસ્ટ માથામાં પચાવવુ, એક કલાક પછી માથું ધોવું.

(૨)    બે ઈંડાના પ્રવાહીમાં એક ચમચો લીંબુનો રસ અને એક ચમચો કોપરેલ નાંખી ફીણી વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરી પચાવવું. અડધો કલાક બાદ માથું ધોવું.

(૩)    સૂકા નિસ્તેજ વાળવાળાએ બને તો રોજ, નહીં તો અઠવાડિઆમાં ૨-૩ વાર ઓઇલ મસાજ ખાસ કરવું જોઈએ. ‘‘સેન્ડલ હેર ઓઇલ’’ કે ‘‘ઓલિવ ઓઇલ’’ દ્વારા આંગળીના ટેરવા  વડે વાળમાં ૧૫ થી ૨૦ મિનિટ મસાજ કરવું, આથી તૈલગ્રંથિઓ ઉત્તેજીત થાય છે તથા તેને પૂરતી ચીકાશ મળતાં વાળ સુંવાળા, ચમકદાર અને કાળા બનશે. પરિણામે વાળ ખરવા કે ખોડો થવો વગેરે તકલીફો ઉભી થશે નહીં.

(૪)    ૧ ઇંડામાં ૧ ચમચી કોપરેલ, અડધી ચમચી લીંબુનો રસ, ૧ ચમચી કોફી તથા ૧ કપ દહીં નાંખી પેસ્ટ બનાવી વાળમાં લગાડી ૧ કલાક પછી માથું ધોઇ લેવું.

(૫)    આવા વાળ સાબુથી કદી પણ ન ધોવા, પરંતુ છાશથી ધોવા. આથી વાળમાં ચીકાશ તથા ચમક આવશે. જો તેલ નાંખેલ વાળ હોય તો અરીઠાં-આમળાંથી ધોવા.

(૬)    આવા વાળ માટે પ્રોટીનની ખાસ જરૂર હોય છે. જે ઇંડામાંથી પુરતાં પ્રમાણમાં મળી રહે છે. ઉપરાંત મગ, કઠોળ, પાંદડાવાળા શાકભાજી, આમળા વગેરે વધુ ખાવા. આનાથી વાળ સુંદર, કાળા, ચમકદાર બનશે.

તૈલીવાળઃ-

આ પ્રકારના વાળ કાયમ ચીકણા રહે છે. વાળના મૂળમાંની ગ્રંથિઓમાંથી એક પ્રકારનું તૈલતત્વ હંમેશા નીકળતું રહે છે. પરંતુ જેને આ ગ્રંથિઓમાંથી તેલતત્વ વધારે પ્રમાણમાં નીકળે છે; તેના વાળ આ પ્રકારના તૈલવાળા ચીકણા હોય છે. આ પ્રકારના વાળ જોવામાં ચળકતા તથા કાળા દેખાય છે. તેથી આ સારા લાગે છે. પરંતુ તે ચીપકે છે, વધુ જે આજકાલની ફેશનના અનુરૂપ ન કહેવાય. આવા તૈલી વાળ મેલા પણ જલ્દી થાય છે. તે જલ્દી વધતા પણ નથી. ઉપરાંત આ પ્રકારના વાળવાળી વ્યક્તિના ચહેરા પર ફોલ્લીઓ તથા ખીલ વધુ થાય છે.

ઉપચારઃ-

(૧)    આ પ્રકારના વાળવાળી વ્યક્તિ માટે લીંબુ શ્રેષ્ઠ છે તેમણે આથું ધોતા પહેલાં લીંબુનો રસ પાંથીએ પાંથીએ ભરી દેવો ત્યારબાદ પાણીમાં લીંબુ નીચોવી તે પાણીથી ૧૫ મિનિટ પછી માથું ધોઈ લેવું. અઠવાડિયામાં ૨ થી ૪ વખત માથું ધોવું.

(૨)    થોડું હુંફાળું પાણી લઈ તેમાં મુલતાની માટી ભેળવી તે પેસ્ટમાં લીંબુ કે નારંગીનો રસ ભેળવી વાળના મૂળમાં ભરી દેવું. અડધો કલાક પછી માથું ધોઈ લેવું. આથી વાળમાંનુ વધારાનું તેલ નીકળી જશે.

(૩)    વાળ અરીઠાથી ધોયા બાદ પાણીમાં ચ્હા ઉકાળી ગાળેલા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીથી વાળ ધોવાથી સ્નિગ્ધતા ઓછી થાય છે.

વાંકડીયા વાળઃ-

આવા વાળ સામાન્ય રીતે સૂકા હોય છે. આ વાળ મૂળમાંથી જલ્દી તૂટતાં નથી. પરંતુ ખૂબ માવજત માંગી લે છે, નહીં તો તે વચ્ચેથી ટુકડા થઈ ખરવા લાગે છે.

આ વાળમાં ગૂંચ ખૂબ પડે છે. તેથી આવા વાળની પ્રથમ નીચેથી ગૂંચ કાઢવી. પછી આખા વાળની ગૂંચ કાઢવી જોઈએ. માથું ધોયા પછી તુરત જ આ વાળની ગૂંચ કાઢી નાખવામાં આવે તો તે પછીથી ઓછા તૂટશે, નહીં તો સૂકાયા બાદ બરડ થઈ જવાને કારણે તે વધુ તૂટે છે.

આ વાળમાં ‘‘હર્બલ હેર ઓઇલ’ થી મસાજ કરવાથી ફાયદો થશે.

આમ પ્રથમ વાળનો પ્રકાર સમજી તે પ્રમાણે યોગ્ય માવજત કરવામાં આવે તો તે માનજત અનેક ગણો ફાયદો આપે છે. વાળ માટે યોગ્ય માવજત તે જ મુખ્ય બાબત છે.

(આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી પ્રસારિત થયેલ લેખ)

 

શતાયુ થવાના માર્ગો હપતો છેલ્લો

 

( શ્રી માણેકલાલ પટેલના પુસ્તક ‘સો વર્ષ નીરોગી રહો’ માંથી સાભાર.)


૩૧.     આંખ ઉપર ઠંડુ પાણી છાંટતા રહો. દરરોજ દાતણ કરતાં, સ્નાન કરતાં, ભોજન પહેલાં હાથ-પગ-મોં વગેરે ધોતાં આંખે પાણી છાંટો. રાત્રે પણ સૂતાં પહેલાં મોં સાફ કરીને આંખે ઠંડુ પાણી છાંટો.


૩૨.     જરૂર ન હોય ત્યારે આંખો ખુલ્લી રાખો નહીં. જોવાના કામ પૂરતી જ તે ખુલ્લી રાખો; અન્ય સમયમાં તે બંધ રાખો. ખાતાં, પીતાં, ભોજન બાદ આરામ કરતાં, બસમાં કે ટ્રેનમાં બેઠાં બેઠાં, વાતો કરતાં, આંખો સહજભાવથી બંધ રાખવા કોશિષ કરો. કેમ કે બંધ આંખો શક્તિપ્રદાતા છે.


૩૩.     બહુ કામ, મહેનત અને મજૂરી કરવાથી માણસ થાકી જાય છે, લોથપોથ થઈ જાય છે, પરંતુ મરતો નથી. તે મરે છે ચિંતા, ભય અને ઉદ્વેગથી.


૩૪.    નિવૃત્ત થયા પછી એક એવો શોખ કેળવવો જે તમને સદા પ્રવૃત્તિમય રાખે.

૩૫.    દરરોજ એકાંતમાં ધ્યાન, ધારણા, સમાધિમાં બેસો. એક કલાક સેવા-પૂજા કરો. આંખો બંધ રાખી તમારા ઇષ્ટ દેવનું ધ્યાન કરો.


૩૬.     ફિકરની ફાકી કરી શાંત અને પ્રફુલ્લ ચિત્તે ભોજન કરો. આનંદપ્રમોદ કરતાં બાળકો સાથે ગમ્મત-મસ્તી કરતાં કરતાં ભોજન કરો. કલેશમય વાતાવરણમાં ભારેખમ થઈ ભોજન કરવાથી પાચનશક્તિને હાનિ પહોંચે છે.

૩૭.    अति सर्वत्र वर्जयेत् I કોઈ વાતનો અતિરેક કરવો નહિ; વધુ પડતો આહાર, ભય, નિદ્રા અને મૈથુન, વધુ પડતી વાતચીત, વધુ પડતા ઉપવાસ, વધુ પડતી કસરત વગેરે કરવાં નહિ તેમજ વધુ પડતો કાર્યભાર ઉઠાવવો નહિ. શરીરની શક્તિ અને અનુકૂળતા મુજબ કરો.

૩૮.     શોક, ચિંતા, ઉદ્વેગ, ભય અને ક્રોધ મનુષ્યના મહાન જીવલેણ શત્રુઓ છે. આયુષ્યને ટૂંકાવવામાં આ બધી બાબતો યમનું કામ કરે છે. ક્રોધથી મૃત્યુ થયાના અનેક દાખલાઓ જોવા મળે છે.


૩૯.    મન મૂકીને હસવું તે જીવનનું સૌભાગ્ય છે. એટલું જ હસો કે શરીરના અણુએ અણુ કંપી ઊઠે. જોરદાર હાસ્યથી રક્તાભિસરણમાં પૂર આવે છે અને મોં લાલઘૂમ થઈ જાય છે. રોગ દૂર કરવામાં અને શરીરનું બંધારણ ઘડવામાં હાસ્ય સમાન બીજી કોઈ દવા નથી. તે કુદરતની મૂલ્ય વિનાની સાદી અને સરળ દવા છે,.


૪૦.    દરેક બાબતમાં અસંતોષ પ્રદટ કરવાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તમારાં દુઃખો, તમારી મુશ્કેલીઓ સવારે પ્રાથનાના સમયે માત્ર ભગવાન પાસે રજૂ કરો. અન્યને કહ્યા કરવાથી માત્ર નિરાશા અને હતાશા જ મળશે. સંસારને સુંદર જોવાનો દ્દષ્ટિકોણ કેળવો.


૪૧.    સ્વર્ગ અને નરક આ સંસારમાં જ છે. સ્વર્ગનું અલગ અસ્તિત્વ ક્યાંય નથી. પ્રસન્ન ચિત્ત એ જ સ્વર્ગ છે. શોક, ભય, ઉદ્વેગ અને ક્રોધથી ઘેરાયેલા લોકો આ દુનિયામાં નરક ભોગવે છે.


૪૨.    મહાત્મા ગાંધી તેમના ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’ નામના પુસ્તકના પાના નં. ૧૨૧ પર લખે છેઃ

‘આ શરીરને બધા ધર્મોએ ઈશ્વરને મળવાનું, તેને ઓળખવાનું ઠેકાણું માન્યું છે. તે દેવતાઈ ઘર કહેવાયું છે. આપણને ભાડે મળ્યું છે ને ભાડામાં આપણે ધણીને માત્ર તેની સ્તુતી કે ઇબાદત જ આપવાની છે. ભાડાખતની બીજી શરત એ છે કે તેનો ગેરઉપયોગ ન કરવો. તેને બહારથી અને અંદરથી સારું અને સાફ રાખવું. તે જેવી હાલતમાં મળ્યું છે તેવી હાલતમાં ધણીને મુદ્દત થયે પાછું સોંપી દેવાનું છે. જો ભાડાખતાની બધી શરતો પાળીએ તો ધણી આપણી મુદ્દત પૂરી થયે સામેથી ઇનામ આપે છે.’

(પાના નં. ૧૨૩)‘…. ખરું આરોગ્ય મેળવવા સારુ આપણે સ્વાદેન્દ્રિય-જીભને જીતવી જ જોઈએ. જો તેમ કરીએ તો બીજી વિષયેન્દ્રિયો પોતાની મેળે વશ રહે છે. જેણે ઇન્દ્રિયોને વશ રાખી છે તે જગતને વશ કરે છે, કેમ કે તે માણસ ઈશ્વરનો વારસ, તેનો અંશ બને છે. રામ નથી રામાયણમાં.કૃષ્ણ નથી ગીતામાં, ખુદા નથી કુરાનમાં, ક્રાઇસ્ટ નથી બાઇબલમાં, તે બધા માણસના ચારિત્ર્યમાં છે. ચારિત્ર્ય નીતિમાં છે. નીતિ સત્યમાં છે. સત્ય એ જ શિવ છે. આ પદાર્થ છૂટોછવાયો પણ આરોગ્યમાં જોવામાં આવે છે એ આ પ્રયાસનો મૂળ હેતુ છે.’


૪૩.    વૃદ્ધાવસ્થામાં આ નિયમો પાળવાનો આગ્રહ રાખોઃ

(ક) બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાનું રાખો. (ખ) સવારે નાસ્તો કરવો નહિ. બપોરના ભોજનમાં મિતાહારી બનજો. રાતના ભોજનમાં પ્રવાહી અને હલકો આહાર પસંદ કરજો. (ગ) દરરોજ બે વખત જાજરૂ જવાની ટેવ પાડો. (ઘ) કબજિયાત ઉપર વિજય મેળવવા ‘હરડે’ ફાકો. (ડ) મરચાં, મીઠા, મસાલા વિનાનો સાદો, સુપાચ્ય, સમતોલ અને પથ્ય આહાર પસંદ કરો. (ચ) અઠવાડિયામાં બે-ત્રણ દિવસ હલકા હાથે તેલ-માલિશ કરવાનું રાખો. (છ) વૃદ્ધાવસ્થામાં સંતોષી, સંયમી અને સ્થિતપ્રજ્ઞ બની પ્રવૃત્તિમય જીવન ગાળો. (જ) પરોપકારના-સેવાના-કાર્યમાં રચ્યાપચ્યા રહો. સદા કાર્યરત રહો. (ઝ) માફક આવે તેવી કસરત કરતા રહો. શક્તિ પ્રમાણે ફરવાનું રાખો. ‘ How to Live Hundred Years ?(શતાયુ કેમ થવું ?)’ ના લેખક શ્રી લૂઈસ કાર્નેરો ૮૬ વર્ષના હતા ત્યારે ૨૪ કલાકમાં માત્ર ૧૨ ઔંસ ખોરાક લેતા હતા, જે તેમના માટે પૂરતો હતો.  એમ કરતાં તેઓ ૧૦૨ વર્ષ જીવેલા. તમે પણ ઉંમર વધવાની સાથે ઓછા ખોરાકનું સંયમિત ભોજન નક્કી કરો તો દીર્ઘ આરોગ્ય ભોગવશો. યાદ રાખો કે વ્યાધિરહિત વૃદ્ધત્વ એ મનુષ્યમાત્રનો જન્મસિદ્ધ હક્ક છે.


૪૪.    તાવ અને શરદી જેવા સામાન્ય રોગોનો શાંતિથી સામનો કરો. ગભરાટ ફેલાવશો નહિ, બેબાકળા બનશો નહિ, દાક્તર પાસે દોડી જશો નહિ. શાંતિથી આત્મખોજ કરી રોગનું કારણ શોધી કાઢો. પ્રથમ ભારે આહાર બંધ કરો. ઉપવાસ કરો અથવા માત્ર ગરમ પાણી અને પ્રવાહી ખોરાક ઉપર રહો. પેટના ‘આમ’ને સાફ થવા દો. દાકતર તમને દવાને રવાડે ચડાવી દઈ, કંઈનું કંઈ વેતરી નાખી તમને દુઃખના ડુંગરમાં ધકેલી ન દે તેનું ધ્યાન રાખો. સંસ્કૃત કવિએ કહ્યું છેઃ

वैद्यराज नमस्तुभ्यं यमराजसहोदर : I

यमस्तु हरति प्राणान् त्वं तु प्राणान् धनानि च II

અર્થાત્ ‘હે વૈદ્યરાજ ! તમને હું નમસ્કાર કરું છું. તમે તો યમરાજાના સગા ભાઈ છો. યમરાજ તો માત્ર પ્રાણ લે છે, જ્યારે તમે તો પ્રાણ અને ધન બંને લઈ જાઓ છો.’


૪૫.    જો દવાઓ રોગ મટાડતી હોય તો નિષ્ણાત ડૉક્ટરો કીંમતી દવાઓ આપતા હોવા છતાં દરદી શા માટે મરી જાય છે ? કોઈ દવા મટાડી શકતી નથી. દવા તરફની આંધળી દોટે તો દાટ વાળ્યો છે. આધુનિક દવાઓથી રોગ ભલે મટે પરંતુ તે નવા રોગનાં મૂળ નાખતી જાય છે. તેથી આવી દવાનો ત્યાગ કરો.


૪૬.    આરોગ્ય અંગેના પુસ્તકો ઘરમાં વસાવો. તેમને વારંવાર વાંચો. કુદરતના કાનૂનોનો અભ્યાસ કરી તેનો અમલ કરો.


૪૭.    આ બાબતો દીર્ઘાયુ થવામાં અવરોધરૂપ છેઃ (ક) મોટી ઉંમરની સ્ત્રી સાથે સંભોગ, (ખ) રાત્રે દહીં ખાવું, (ગ) અતિમૈથુન, (ઘ) અતિઆહાર-ખાઉધરાપણું, (ડ) વ્યસનો.


૪૮.    એક સંતપુરુષ એક સોનેરી નિયમ બતાવે છેઃ

‘પાંવકો ગરમ, પેટકો નરમ, શિરકો રખો ઠંડા,

પીછે આવે દાકતર તો મારો ઉસકો ડંડા.’


૪૯.    શ્રી હર્બર્ટ સ્પેન્સર નામના એક પ્રખ્યાત આરોગ્યશાસ્ત્રી જણાવે છેઃ  ‘The whole secret of prolonging  one’s life consists in doing nothing to shorten it.’ અર્થાત્ દીર્ઘાયુ  થવા માટેનું રહસ્ય એ છે કે દીર્ઘ જીવન પ્રાપ્ત કરવામાં જે અવરોધરૂપ ક્રિયાઓ છે તે ન કરવી. મદ્યપાન, અતિઆહાર, બીડી, સિગારેટ, અનીતિમય જીવન, માદક પદાર્થોનું સેવન, આહારવિહારની વિકૃતિ વગેરે આયુષ્યનો ક્ષય કરે છે. આ દૂષણોનો ત્યાગ કરવો એ જ દીર્ઘાયુષી થવા માટનો સાચો માર્ગ છે.