જાણીતા ને ન ગમતા કેટલાક રોગો

અનિદ્રા

        આજના યંત્રવત્ યુગમાં અનિદ્રાનો રોગ વધતો જ જાય છે અને ચિંતા, શોક, દુઃખ, ભૂખ, ઉજાગરા, અતિ પરિશ્રમ, અપોષણ, માનસિક નબળાઈ, વાત પ્રકૃતિ, વાયુના રોગો વગેરે તેનાં મુખ્ય કારણો હોવાથી દિન-પ્રતિદિન વધવાનોય સંભવ છે.

આ રોગની સાથે સાથે નિદ્રાપદ (ટ્રાન્ક્યુલાઈઝર) દવાઓ પણ બજારમાં વધી રહી છે. જેના કારણે કબજિયાત, માનસિક નબળાઈ, ચીડિયાપણું, માથાનો દુખાવો, અનુત્સાહ, નબળાઈ, કૃષતા, હ્રદયરોગ વગેરે પણ તેનું નિત્ય સેવન કરનાર વ્યસનીને સતાવતા રહે છે.

અનિદ્રાનાં કારણો તેમજ અનિદ્રાને દૂર કરવા નીચેના ઉપાયો નિર્દોષ અને અસરકારક છે.

રોજિંદા ખોરાકમાં ભેંસનું દૂધ, માખણ, ઘી, દહીં, ગોળ, કેળાં, અડદ, ડુંગળી, મિષ્ટાનો વગેરેનો વધુ ઉપયોગ કરવો, રાત્રે સ્નાન કરીને સૂવું. દિવસે સૂવાની ટેવ ન પાડવી. સાંજના કે સવારે ચાલીને ખુલ્લા મેદાનમાં શક્તિ અનુસાર ફરવું. સૂતાં પહેલાં શક્ય તેટલા વધુ ભેંસના દૂધમાં ૨-૪ ગ્રામ ગંઠોડાનું ચૂર્ણ ફાકવું અથવા સૂતાં પહેલાં ગંઠોડાની રાબ પીવી. માથે, કપાળે, પગનાં તળિયે દિવેલ, તલતેલ કે ઘી ઘસવું.

જટામાંસી, અશ્વગંધા, બ્રાહ્મી, સારશ્વત ચૂર્ણ, સારશ્વતારિષ્ટ, અશ્વગંધારિષ્ટ વગેરે નિદ્રાપદ ઔષધોમાંથી માફક આવે તેનો નિત્ય ઉપયોગ કરવો. ખાસ અવસ્થામાં ૧ થી ૨ ગોળી નિદ્રોદય રસ દૂધમાં લેવો.

અમ્લપિત્ત (એસિડિટી)

આહાર-વિહારના નિયમોનો ભંગ અને માનસિક ટેન્શનને કારણે અમ્લપિત્તનું પ્રમાણ વધતું જ જાય છે. તેમાં કોઠામાં દાહ થાય, માથું દુઃખે ખાટા-તિખા ઓડકાર આવે, સ્વભાવ ચીડિયો થઈ જાય, ઊલટી કે ઝાડા થવાથી માથું ઊતરે છે અને આરામનો અનુભવ થાય છે. ગરમીમાં અને અશક્તિમાં આ રોગ વધે છે.

આ રોગના દરદીએ ખારું, ખાટું, તીખું ન ખાવું, દહીં, મીઠું, અડદ, ટમેટાં, ખાટી કેરી, ખાટી છાશ, ખાટાં પીણાં, ફરસાણ વગેરે ન ખાવાં, ઉજાગરા ન કરવા અને અજીર્ણ થવા ન દેવું, ચિંતા, ક્રોધ, પ્રવૃત્તિની અધિક્તા વગેરેથી દૂર રહેવું.

એસિડિટીના દરદીએ દૂધ, ઘી, આમળાં, ખાંડ, ઘઉં, કોળું, તાંદળજો, પરવળ, કાળી દ્રાક્ષ, ચીકુ, કેળાં વગેરે વિશેષ લેવાં.

રોજ રાત્રે ત્રિફળા બ્રાહ્મી, આમળાં કે સાકરનું ચૂર્ણ મેળવેલું હરડે ચૂર્ણ આ દરદમાં વધુ માફક આવે છે. ગુલકંદ અને આમળાંનો મુરબ્બો પણ આહાર-ઔષધ રૂપે લાભદાયક છે.

તૈયાર ઔષધોમાં અવિષત્તિકર ચૂર્ણ, સૂતશેખર, રસ, કામદૂધા રસ કે મોતિ પિષ્ટી વગેરે તેમાં ઘણાં કામયાબ ઔષધો છે. શતાવરીનું તાજું ચૂર્ણ ૪ થી ૮ ગ્રામ લઈ દૂધમાં ખાંડ નાખી ખીર કરીને લેવું કે કેવળ ગળ્યા દૂધમાં લાંબા સમય સુધી લેવું. તે ઘણો સફળ પ્રયોગ ગણાય છે.

અરુચિ

ખોરાક પ્રત્યે રુચિ ન થવાના રોગને અરુચિ કહેવામાં આવે છે. કેટલીક વાર તો પાચન સારું હોય છતાં ભૂખ લાગે જ નહીં અથવા આહાર મોંમા નાખવાનું મન જ થાય નહીં. ઉનાળાની સખત ગરમી, પીડા, થાક, માનસિક અસુખ વગેરે તેનાં મુખ્ય કારણો છે.

        આવા દરદીનું માનસિક કારણ હોય તે પહેલા દૂર કરવા પ્રયત્ન કરવો. મન આનંદિત રહે તેવી યુક્તિ કરવી. પ્રસન્નતા, ઠંડું હવામાન, સુગંધિત વાતાવરણ, સ્વચ્છતા વગેરે ભૂખ લગાડવામાં ઘણાં મદદગાર થઈ શકે છે. કબજિયાત હોય તો મળશુદ્ધિકરણ દવા આપવી સારી. રુચિ પેદા કરાવવા આટલા ઉપચાર કરવાઃ

        લીંબુ, દહીં, છાશ, દાડમ, સરબતો, કેરી, મરી, સિંધવ, આદું, ઘી જેવાં રુચિકર દ્રવ્યો વધુ આપવાં. વાસી ભારે અને બેસ્વાદુ ખોરાક ન આપવો.

        બજારમાં મળતાં ચિત્રકાદિ વટી, હિંગાષ્ટક ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ, ચિત્રકાદિ ચૂર્ણ, લશુનાદિ વટી, દ્રાક્ષાસવ, ત્રિકટુ ચૂર્ણ, બિજોરાની ચટણી વગેરે ઔષધો અરુચિમાં લેવાથી લાભ થાય છે. ખાટો, તીખો, ખારો અને કડવો રસ અરુચિમાં હિતકારી છે.

અશક્તિ

અપોષણ, ચિંતા, યંત્રવત્ જીવન, અશાંતિ, દોડાદોડ, રોગોનું વધુ પ્રમાણ, સાચા અને પોષક આહારનો અભાવ વગેરે કારણો તેમ જ વહેમના કારણે આ યુગમાં મોટા ભાગના લોકો અશક્તિની ફરિયાદ કરતા હોય છે.

આવા દરદીએ દૂધ, ઘી, માખણ, ફળો, મેવો, સાચા ઘીની મીઠાઈઓ, ગોળ, અડદ, ડુંગળી, કોળું, પરવળ વગેરે પોષક અને બલ્ય આહાર વધારે ખાવા જોઈએ. રાત્રે ઊંઘ પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ અને અતિ પરિશ્રમ હોય તો દિવસે જરૂરી આરામ તેમજ મનોરંજન મેળવવાં જોઈએ. ચિંતા, શોક કે દુઃખનું કારણ હોય તો તે દૂર ન થાય ત્યાં સુધી અશક્તિ દૂર થઈ શકતી જ નથી.

ઔષધોમાં દ્રાક્ષાસવ, અશ્વગંધારિષ્ટ કે બલરિષ્ટ ૧-૧ મોટી ચમચી, બંને વખત જમ્યા બાદ લેવાં, સવારે-રાત્રે અષ્ટવર્ગયુક્ત ચ્યવનપ્રાશ અવલેહ ૧-૧ મોટી ચમચી, સૂંઠ નાખીને ઉકાળેલાં દૂધમાં લેવો. અશ્વગંધા, જેઠીમધ, શતાવરી સૂંઠ અને કૌંચાં સમાન ભાગે મેળવી ૪ થી ૬ ગ્રામ સવારે-રાત્રે દૂધમાં કે પાણીમાં લેવાથી પણ શરીરમાં શક્તિ આવે છે. આર્થિક સ્થિતિ સારી હોય તેણે સુવર્ણ વસંતમાલતી, સુવર્ણ મકરધ્વજ, સુવર્ણ વસંતકુસુમાર વગેરે ઔષધ લેવાં. શિયાળામાં સરસિયું તેલ, ક્ષીરબલા તેલ કે અશ્વગંધા તેલની માલિશ કરી ક્રમે ક્રમે કસરત કરવાની ટેવ પાડવાથી પણ શક્તિ વધે છે.

(શોભનકૃત ‘રોજિંદા રોગો’માંથી સાભાર)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s