બહેનપણીઓ સાથે લઈને આવતી આંજણીબાઈ !

અંજનનામિકા (આંજણી)ના એક સહસ્ત્ર કેસ

– સ્વ. શોભન

નાનકડી એવી આંજણી હેરાન કરવામાં કંઈ નાની નથી હોતી ! સર્વોત્તમ જ્ઞાનેન્દ્રિયનાં બારણે બેસીને એ ભલભલાનાં આંસુ વહાવી દે તેવી ક્રૂર હોય છે. કેટલાંકનાં નેત્રદ્વારે એને એટલું બઘું બેસી રહેવું ગમે છે કે ખસેડવા છતાંય ખસતી નથી ! કાં તો વારંવાર આવ્યા કરે છે કાં તો કાયમ અડ્ડો જમાવીને બેસી રહે છે ! કેટલીક અંજનનામિકાને એકલાં ગમતું નથી એટલે સાથે સાથે એકાદ-બે બહેનપણીને પણ રાખે છે !

અતિશયોક્તિ ન લાગે તો ઓછામાં ઓછી આવી એક હજાર જેટલી અંજનનામિકા સાથે મારે પનારો પડ્યો હશે. વીસ વર્ષના ચિકિત્સાનુભવમાં પહેલાં દસ વર્ષમાં એના ઓછામાં ઓછા એક સો કેસ તો મેં સારા કર્યા જ હશે. કારણ કે શિંગ-ગોળનો પ્રાયઃ રોજ નાસ્તો કરનારાં હજારેક વિદ્યાર્થીના બહોળા સમાજમાં મને એનાં નિદાનચિકિત્સા કરવાની પાંચ વર્ષ સુધી સ્વતંત્ર તક મળી હતી.

ગળ્યા, ખાટા, ખારા, તળેલા અને સ્વાદિષ્ટ ખોરાકનો સ્વાદ ચાખવા આંજણીનું આગમન થતું હોય તેવું નિદાન છે. વિરુદ્ધાહાર તો એને સૌથી વધુ ભાવે છે. પણ કડવી અને દુર્ગન્ધિ રસવંતીનો સ્પર્શ થતાં જ એ ઊભી પૂંછડીએ ભાગે પણ છે. કેટલીક વાર તો ફરી ક્યારેય સામું જોવાની હિંમત જ કરતી નથી !

અષ્ટાંગકારે, આંખ અગ્નિનું, આલોચક પિત્તનું સ્થાન હોવાથી તેને સદાય જળનો-કફનો ભય રહેતો હોવાથી તેના શોધન, શોષણ અને શમનાર્થે પ્રતિ સપ્તાહ એક વાર રસવંતી આંજતા રહેવાનું સ્વસ્થવૃત્તમાં નેત્રરક્ષાર્થે સૂચવ્યું છે. એટલે જે કોઈ દર અઠવાડિયે રસવંતીને આંખમાં આંજે કે તેનો આંખ ઉપર લેપ કરે તો તેને આંજણી થવાની શક્યતા રહેતી જ નથી.

આંજણીના કેસમાં હું આ રીતે પ્રાયઃ પાંચ-છ દિવસ સારવાર આપું છું:

૧.    રસવંતીને ખરલમાં બારીક પીસી, તેમાં મધ અને ગુલાબજળ મેળવી તેની બાટલી ભરી બંને વખત તે ‘रसवंती बिन्दु આંખમાં નંખાવું છું.

૨.    રસવંતીને બારીક પીસી તેનો બે વખત બિડાલક લેપની પેઠે ઠંડો કે ગરમ લેપ કરાવું છું (આંજણી ઉપર કે સમગ્ર આંખ ઉપર).

૩.    ૫થી ૧૦ ગ્રામ ત્રિફલામાં ૨થી ૩ ગ્રામ જેઠીમધ મેળવી પાણીમાં સવાર-સાંજ ફકાવું છું યા તો જીર્ણ અને ઉગ્ર આંજણીમાં અંશાંશ કલ્પના પ્રમાણે પથ્યાદિ ક્વાથ કે સપ્તામૃતલોહ જેવાં ઔષધો પણ કોઈ વાર આપું છું.

૪.    પથ્યાપથ્યમાં બને ત્યાં સુધી મગ, ચોખા, તુવેર, તાંદળજો, દ્રાક્ષ, દાડમ, આમળાં, મધ, ગાયનું દૂધ, ઘી, ખાંડ જેવા ચક્ષુષ્ય આહાર લેવાનું કહું છું. એ ન બને ત્યાં ઓછામાં ઓછું ગોળ, શિંગ, તલ, દહીં, બાજરી, ફરસાણ, વેજિટેબલ ઘી અને અડદ તો બંધ કરાવું જ છું. જેથી રક્ત, પિત્ત અને કફને કોપાવનારાં નિદાનોનું પરિવર્જન થાય.

આંખ પિત્તનું સ્થાન છે. કફનું આવરણ થવાથી પ્રાયઃ તેના રોગો થતાં હોય છે એટલે રસવંતી અને ત્રિફલાનો કડવો-તૂરો રસ એને શમાવવામાં અદ્વિતીય બને છે. રસવંતીમાં રહેલાં દારુહળદર અને દૂધ, ત્રિફલામાં રહેલાં હરડે, બહેડાં અને આમળાં એ બધાં દ્રવ્યો આમ તો સરવાળે ત્રિદોષનું પણ શમન કરનારાં છે એટલે વ્રણગ્રંથી કે શોથરૂપ આંજણીના સોજા, દાહ અને શૂલ સહેજે મટાડી શકે છે.

આજ સુધીમાં મને એક પણ આંજણીનો એવો કેસ યાદ નથી જે રસવંતી અને ત્રિફલાથી મટ્યો ન હોય !    

                                                                                                                  (‘અનુભવનું અમૃત’માંથી)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s