ભ્રમર-પાંપણના વાળ ખરવા

–  નીતા ગોસ્વામી.

 

આંખોની કાળજી અને સુંદરતામાં સપ્રમાણ પાંપણના વાળ તથા સપ્રમાણ ભ્રમર હોવી પણ જરૂરી છે. પાંપણના કે ભ્રમરના વાળ ઓછા હોય તો તે આંખોની સુંદરતા બગાડે છે. આજકાલ થ્રેડીંગ કે પ્લકિંગથી ભ્રમરના વાળને યોગ્ય આકાર આપવામાં આવે છે. પાંપણ પર અલ્પ વાળ હોય તો તેને પણ સેડ આપીને કે આર્ટીફિશીયન પાંપણ લગાડવામાં આવે છે.

આયુર્વેદમાં પણ શરીરના સૌંદર્યને લગતા આવા રોગોના ઉપાય વર્ણવવામાં આવેલ છે. વાળ ખેંચવા માટે થ્રેડિંગ કે પ્લકિંગ કરવું પડે છે. તેમ આયુર્વેદમાં લોમશાતન એટલે કે વાળને ખેરવી નાખનારા દ્રવ્યો બતાવ્યા છે. એવી જ રીતે ઓછા વાળ હોય ત્યાં તેને ઘટ્ટ કરવા માટે લોમોત્પાદક દ્રવ્યો બતાવ્યા છે.

ઉપચાર –

(૧)   સરસીયું તેલ કે એરંડીયું તેલ રોજ ભ્રમર પર લગાવવું.

(૨)   હાથીદાંતની ભસ્મ તથા રસવંતીને સરખા ભાગે બકરીના દૂધમાં પીસીને ભ્રમર પર યોગ્ય આકારમાં લેપ કરવો.

(૩)   ‘હર્બોગુંજાતેલ’થી માલીશ કરવાથી ખૂબ ઝડપથી વાળ ઉગે છે.

(૪)   આવા દર્દીએ રસાયણ ચૂર્ણ કે આંબળાનું ચૂર્ણ ૧-૧ ચમચી ૨ વાર દૂધ સાથે ખાવું.

જો ભ્રમરના વાળ અચાનક ખરવા લાગે અને શરીર વધવા લાગે કે ફૂલી જાય તો થાયરોઇડની શંકા કરી શકાય અને તો તરત જ કોઈ સારા વૈદ્ય-ડૉક્ટરને બતાવવું.

ઘણી વખત પાંપણના વાળ ખરી જતાં હોય છે કે પાંપણના વાળ બરછટ થઈ જાય કે અંદરની બાજુએ વળી જતાં હોય છે. આને ‘પક્ષ્મશાતન’ રોગ કહે છે. આવા વળેલા વાળ આંખ સાથે ઘસાતા સોજો બળતરા કે ચળ ઉત્પન્ન કરી શકે છે. ઘણી વખત બીજા વધારાના વાળ ઉગીને પણ આંખને બેડોળ બનાવતા હોય છે.

ઉપચાર –

રોજ રાત્રે દિવેલમાં આંગળી બોળીને પાંપણના વાળ પર લગાવવી.

જેમ મોં પર ખીલ થાય છે, તેમ પોપચાની અંદર પણ કુંભીના બીજ જેવી ફોલ્લીઓ થાય છે. અને તે ફુટ્યા પછી ફરી પાછી ભરાય છે. જેને ખીલ કહે છે. આ ખીલ ઉંડા મૂળવાળા હોવાથી લાંબા સમય સુધી મટતાં નથી, અને આ રોગને કારણે પણ પાંપણના વાળ ખરી પડે છે.

લવીંગને પાણીમાં ઘસીને આંખ બંધ કરી બહારના ભાગમાં ખીલ પર લેપ કરવો. બજારમાં રસાંજનાદિવર્તી કે ચંદ્રોદયાવર્તી તૈયાર મળે છે. આ વર્તીને પાણીમાં ઘસીને આંખમાં જ્યાં ખીલ છે તેના પર લગાવવું. થોડીવાર બળતરા થશે. એકાદ કલાક પછી આંખને ધોઇને દૂધમાં બોળેલ રૂના પોતા મૂકવા અથવા ફુલાવેલી ફટકડીને નવશેકા પાણીમાં નાખી તેનાથી આંખો ધોઈને જેઠીમધ તથા આંબળાનું ચૂર્ણ ૧-૧ ચમચી પાણીમાં નાંખીને તે પાણી ગાળીને પછી ધીમે ધીમે આંખ ઉપર ત્રણ ચાર આંગળ ઉંચેથી ધીમે ધીમે ધાર કરવી જેને પરિષેક કહે છે. આવી જ રીતે દૂધની ધાર કરી શકાય. આનાથી આ રોગ મટે છે. તથા પાંપણના નવા વાળ પણ ઉગે છે.,

તો આ બધા થયા જાત જાતના રોગો જે આમ તો બહુ ઓછા લોકોને હેરાન કરે છે. પરંતુ જેને પરેશાન કરે છે તેને મટતાં પણ નાકે દમ લાવી દે છે.

 

 

 

 

Leave a comment