શતાયુ થવાના સરળ માર્ગો – ૨

શતાયુ થવાના સિદ્ધાંતો ૧૬થી ૩૦ (ગયા અંકનું ચાલુ)

– માણેકલાલ પટેલ


૧૬.     સવારમાં ઊઠતાંની સાથે જ નિયત સમયે જાજરૂ જવાની ટેવ પાડો. ‘નિયમિત પેટ સાફ તો રોગ સાફ.’ યાદ રાખો કે ૮૦ ટકા રોગો પેટની ખરાબીમાંથી શરૂ થાય છે.

૧૭.    મહાત્મા ગાંધી તેમના પુસ્તક ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’માં લખે છે કે ‘જેટલું આપણે સ્વાદ માટે ખાઈએ છીએ તેટલું આપણા શરીરમાં દ્દશ્ય કે અદ્દશ્ય રીતે ફૂટી નીકળે છે. તેટલે દરજ્જે આપણે આપણું આરોગ્ય ગુમાવીએ છીએ અને તેટલે દરજ્જે આપણે દુઃખી થઈએ છીએ. પોષણ પૂરતું ખાવાનું રાખો.’

૧૮.     ઓછું ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને કામ કરવાની ધગશ રહે છે. ભારે શારીરિક શ્રમ ઉઠાવવો હોય ત્યારે તેમજ ભારે માનસિક કામગીરી બજાવવાની હોય તે સમયે પેટને ઊણું (થોડું ખાલી) રાખો.

૧૯.    સવારે નાસ્તો કરવો બિનજરૂરી છે. હોજરીમાં પડેલા ‘આમ’ને પચવા માટે સવારે ચાર કલાકનો સમય આપવાની જરૂર છે. ભોજન માત્ર બે વખત જ કરવું – બપોરે અને સાંજે. દરરોજનું કામ પતાવીને ભોજન લેવાનું રાખો. ભોજન બાદ થોડો આરામ કરો.

૨૦.    ભોજનસમારંભોમાં લોકો દૂધમાં ઘણાં બધાં ફળોના ટુકડા નાખીને બનાવેલો ‘ફ્રુટ સેલાડ’ ખાય છે તેમ જ વા-સંધિવાની તકલીફવાળા શિંખડ, ખમણ, દહીંવડા, રાયતાં વગેરે ખાય છે. આનાથી ભયંકર કુપથ્ય થાય છે.

૨૧.     યથાશક્તિ આસનો કરવાથી શરીરનું બળ જળવાઈ રહે છે. શીર્ષાસન અને સર્વાંગાસન કરવાથી શરીરના સઘળા અવયવોને રુધિરાભિસરણનો વેગ મળવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે.

૨૨.     ચાલવાની તેમજ દોડવાની કસરતો સાદી અને નિર્દોષ કસરતો છે. શક્તિ પ્રમાણે ચાલવાનું તેમ જ દોડવાનું રાખો. દોડવીર ઝીણાભાઈ નાયક કહે છે કે ‘દોડવાથી આયુષ્ય વધે છે.’ તેઓ ૭૪ વર્ષના થયા છતાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ૭૦૦૦ માઈલ દોડતા ગયા હતા. તમે પણ દોડવાની કસરત કરો. જે લોકો બહાર ખુલ્લામાં દોડવા ન જઈ શકે તેમણે ઘરમાં ‘સ્પૉર્ટ રનિંગ’ કરવું. એટલે કે એક જ જગ્યાએ દોડ્યા કરવું. દરરોજ ૩૦-૪૦ મિનિટ દોડવાનો મહાવરો કેળવવો. કેમ કે દોડવાથી આયુષ્યમાં ચોક્કસ વધારો થાય છે. દોડવાથી મેદ વધતો નથી. પેટની ફાંદ ઊતરે છે, વજન ઓછું થાય છે તેમ જ કટિપ્રદેશના અવયવોને જોરદાર હલનચલનની કસરત મળતાં યકૃત અને જઠર શક્તિશાળી બને છે. દોડનારાને હ્રદયરોગ, મીઠી પેશાબ, લોહીનું ઊંચું દબાણ કે સંધિવા જેવા રોગો થતા નથી.

૨૩.     જ્યારે થાકેલા હો, વધુ કામથી કંટાળી ગયા હો ત્યારે કસરત ન કરતાં માત્ર આરામ કરો. તંદુરસ્તી મેળવવા બીમાર વ્યક્તિએ પૂરતો આરામ કરવાની જરૂર છે. કસરત એ બીમારીનું કારણ શોધી કાઢી તેનો ઈલાજ કરો. તમે તમારી જાતના દાક્તર બનો અને નીરોગી રહો.

૨૪.    નાકથી શ્વાસ લો. નાકમાં વાળનાં ગૂંચળાં આવેલાં છે તેમાંથી ગળાઈને, જરૂરી ગરમી પ્રાપ્ત કરીને, ચોખ્ખી હવા ફેફસાંમાં પ્રવેશ કરે છે જેથી ચેપી રોગ થતા નથી. દમ અને ક્ષયના દર્દીએ નાકથી જ શ્વાસ લેવો. ફરવા જાઓ ત્યારે ચાલતાં-ચાલતાં વાતો કરવી નહિ, મોઢું બંધ રાખવું, જેથી હવાનાં જંતુઓ ફેફસામાં પ્રવેશી શકે નહિ.

૨૫.    છાતી આગળ પડતી રાખીને અને દ્દષ્ટિ દૂર રાખીને ટટ્ટાર ચાલવું. દૂરના ટાવર, થાંભલા, ઝાડ, વનરાજિ તરફ દ્દષ્ટિ રાખીને ચાલવું.

૨૬.     મહાત્મા ગાંધીજી કહે છે કે ખેડૂતની માફક ૮ થી ૧૦ કલાક શ્રમ-મહેનત કરો. તમારું જીવન શ્રમયુક્ત બનાવો.

૨૭.    ખુલ્લી હવામાં દરરોજ ક્રિકેટ, હુતુતુતુ, ખોખો, કબડ્ડી, વૉલીબૉલ, ફૂટબોલ, ટૅનિસ, બૅટમિન્ટન, પોલો, હોકી જેવી રમતો રમવાનો મહાવરો રાખો.

૨૮.     પાંચ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા આયુર્વેદાચાર્ય ‘ચરક’ના નીચે લખેલા શબ્દો યાદ રાખોઃ

‘નિયમિત યોગાસનો, કસરત અને વ્યાયામ કરનાર વૃદ્ધ હોય તો ફરીથી યુવાન બની શકે છે. તે કાયાકલ્પનો કીમિયો તેમજ દીર્ઘાયુ અને નીરોગિતાની અદ્દભૂત જડીબુટ્ટી છે. વૃદ્ધાવસ્થા રોકવાનો અને ફરીથી યૌવન પ્રાપ્ત કરવાનો જો કોઈ રામબાણ-અદ્દભૂત ઈલાજ હોય તો આ જ છે.’

૨૯.    તમે નિવૃત્ત થયા હો, કંઈ જ કામ ન કરતા હો અને આખો દિવસ બેસી રહેવાનું હોય તો ઝૂલતી ખુરશી (Rocking chair)વાપરો. ખુરશી આગળપાછળ હાલવાથી રુધિરાભિસરણને સહાય મળે છે.

૩૦.    માથામાં તેલ નાખતી વખતે માથાના બધા અવયવોને ખૂબ ટપારો. દરરોજ કાન, નાક, આંખ, ગરદન તથા હડપચીને મસાજ, સાધારણ ટપારવાની, થાબડવાની ક્રિયા કરો. આમ કરવાથી રુધિરાભિસરણને વેગ મળશે. આંખે મોતિયા આવશે નહિ. સ્મરણશક્તિ તેજ રહેશે તેમજ ઉંમર વધવા સાથે કાનની બહેરાશ આવશે નહિ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

‘સો વર્ષ નીરોગી રહો’  પુસ્તકમાંથી સાભાર

 

Advertisements

One response to “શતાયુ થવાના સરળ માર્ગો – ૨

  1. Dipak Dholakia

    લેખના આ બીજા ભાગમાં હું પૉઇંટ ૧૯ તરફ ધ્યાન દોરવા માગું છું. ખરેખર બે વાર ખાવાનું સારૂં છે કે થોડું થોડું ચારપાંચ વાર ખાવાનું? એક સાથે ખાવાથી શરીરમાં સાકર વધારે બને છે જેને પચવામાં એટલો જ લાંબો સમય લાગે છે. ડાયાબીટિસના દરદીઓને આ જ કારણસર ડૉક્ટર સલાહ આપે છે કે દિવસમાં ચાર વાર ખાય. એક વાર થોડું ખાય એનાથી જે સાકર બને તે ત્રણેક કલાકમાં વપરાઈ જાય. એ વખતે શરીરમાં સાકર ઓછું થઈ જવાનું જોખમ હોય છે. બરાબર એ જ ટાંકણે આહારનો નવો જથ્થો મળતાં એ જોખમ દૂર થાય છે. ફરી વાર થોડું ખાધું હોવાથી ’મૅનેજ’ થઈ શકે એટલી જ સાકર બને છે. આ ચક્ર ચાલુ રહે તો ડાયાબિટીસ કાબુમાં રહે છે અને હાઇપોગ્લાઇસેમિયા એટલે કે સાકરનું પ્રમાણ ઘટવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
    મારી બહેનને ડાયાબિટીસથી ઉલ્ટી, સાકર ઓછી રહેવાની બીમારી હતી. સવારે ઊઠીને કઈં ખાવાની ટેવ ન હોવાથી સાકર તદ્દન જ ઘટી ગઈ અને એ બેભાન થઈ ગઈ. ત્રીજી મિનિટે એ આ દુનિયા છોડી ગઈ.
    એ સાચું કે આ ઉપાયો ’નીરોગી’ રહેવા માટેના છે; રોગ થયો હોય તે સ્થિતિ માટે નથી એમ કહી શકાય પણ રોગ તો પહેલાં પણ થતા અને આજે પણ થાય છે.. એ સ્થિતિમાં આ સલાહ પર નિષ્ણાતની ભલામણ પ્રમાણે જ અમલ કરવો જોઈએ, માત્ર વાંચીને નહીં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s