શતાયુ થવાના પાયાના સિદ્ધાંતો

–        માણેકલાલ મફતલાલ પટેલ

સતત નીરોગી રહી, દીર્ઘાયુ થવું એ પણ એક સાધના છે, કળા છે. એ માટે પાયાના ૪૯ કાનૂનોનું પાલન કરવાનું છે. વાચકોના સર્વાંગી માર્ગદર્શન માટે અહીં સંક્ષેપમાં રજૂ કરવામાં આવે છેઃ

૧.      અજીર્ણ ન થાય તે માટે ભરપેટ જમો નહિ. ખાવાપીવામાં નિયમન રાખો. દાબીને જમવાનું ટાળો.


૨.      દરરોજ બને તેટલો પ્રવાહી ખોરાક લો. પાણી, છાશ, લસ્સી, મલાઈ વગરનું સેપરેટ દૂધ (સ્કીમ્ડ મિલ્ક), ગાજરનો રસ, ફળનો રસ, ભાજીનો રસ, ગોળ અને લીંબુનું શરબત તેમજ ઠંડા પાણીમાં મધ અને લીંબુ નાખેલું પીણું પીઓ.


૩.      આરોગ્યને પોષક અને પથ્ય ખોરાક પસંદ કરો; તાજો અને રાંધેલો ખોરાક લેવાનું રાખો કારણકે તે સુપાચ્ય હોય છે.


૪.      ચરબીયુક્ત તેમજ તળેલો ભારે ખોરાક લેવાનું ટાળો. શાકભાજી સાથેનો સાદો આહાર પસંદ કરો. મીઠાઈનો જૂજ ઉપયોગ કરો.

૫.     ભોજનમાં ૨૫ ટકા શાકભાજી અને ૨૫ ટકા ફળફળાદિનો સમાવેશ કરો. શાકભાજીનું કચુંબર કાચું-પાકું કરીને દહીં સાથે ખાઓ.


૬.      ભોજન પહેલાં શક્ય હોય તો આદુનો રસ સિંધાલુણ અને લીંબુ નાખીને પીઓ. એ ક્ષુધાપ્રદીપક છે. ભોજનમાં આદુની કાતરી કચુંબર સાથે ખાવી. દાળશાકમાં લીંબુ નિચોવો. અનુકૂળ આવતી હોય તો ભોજન બાદ અમૃતતુલ્ય છાશ પીવી જોઈએ.


૭.      ભોજનમાં ચટાકેદાર મરીમસાલાનો ઉપયોગ બિનજરૂરી અને આરોગ્યને નુકસાનકારક છે. વધુ પડતું મરચું મોં અને હોજરીને બાળે છે. મીઠું અનાજ તેમજ શાકભાજીની કુદરતી મીઠાશને હણે છે.

મરચાં (લીલાં તેમજ સૂકાં), મીઠું, હળદર, રાઈ, મેથી, ધાણાજીરું, હિંગ વગેરે મસાલા સ્વાદની ખાતર લેવામાં આવે છે. આમાંના એકેય મસાલા શરીરને પોષણ આપતા નથી. મસાલા વિનાનો કુદરતી સ્વાદવાળો આહાર લેવાનો પ્રબંધ કરો. ખોરાક બરાબર પકાવીને પાચન થાય તેટલો નરમ કરીને લેવાનું આયોજન કરો. યુરોપ, અમેરિકા તેમજ આફ્રિકાવાસીઓ આવા મસાલાનો ઉપયોગ કરતા નથી.

રાંધેલા ખોરાકમાં (ઉપરથી) મીઠું નાખશો નહિ. એથી ખોરાકનાં કુદરતી સત્વોનો નાશ થાય છે. મીઠાનો ઉપયોગ સ્વાદ પૂરતો જ કરો. આહારમાં મીઠું બિનજરૂરી છે. (મહાત્મા ગાંધી ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન,’ પાનું ૪૯)


૮.      કાચાં – વગર રાંધેલા – શાકભાજી ખાસ ખાવાનું રાખો. કાકડી, સૂવાની ભાજી, લૂણી, સરસવની ભાજી, મૂળા, મોગરી, બીટ, કાંદા, લીલું લસણ, લીલા કાંદા વગેરે થોડા પ્રમાણમાં કાચાં લેવાં. કઠોળ ભરડ્યા વિના પાણીમાં પલાળીને, ફણગાવીને કાચાં ખાવાથી જરૂરી વિટામિન ‘બી’ મળી રહે છે. ખાસ કરીને મગ, ચણા અને અડદ પલાળીને દરરોજ સવારના ચાવીને ખાવાથી બધાંજ વિટામિનોની ઊણપ પૂરી થાય છે. ફણગાવેલાં કાચાં કઠોળ બેનમૂન આરોગ્યપ્રદ ટૉનિક છે.


૯.      મોસમનાં ફળ ખાવાં આરોગ્યદાયક છે. કેરી, જાંબુ, પપૈયા, બિજોરું, ખાટાં લીંબુ, મોસંબી, નારંગી, સફરજન, ટેટી, તરબૂચ વગેરે ફળો સવારના લેવાં વધુ સારાં છે.


૧૦.    ચૂનાનો ક્ષાર (કૅલ્શિયમ) બાળક અને કિશોરનાં હાડકાં અને શરીરના બંધારણ માટે જરૂરી છે. દૂધ, ફળ અને લીલાં શાકભાજીમાં એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીરને જરૂરી ક્ષાર મળી રહે તે માટે દૂધ, ફળ અને શાકભાજીનો ખોરાકમાં છૂટથી ઉપયોગ કરો. મીઠામાંથી આવા ક્ષારો મળતા નથી.


૧૧.     ખોરાકમાં ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. ખાંડમાં કોઈ પોષક તત્વો નથી. તેને બદલે મધ, દેશી ખાંડ, ગોળ, સૂકા મેવા, ખજૂર, ગ્લુકોઝ, તાડનો ગોળ વગેરે વાપરી શકાય.


૧૨.     જમતી વખતે  આ પાંચ બાબતોનો અમલ કરોઃ (ક) પ્રથમ કોળિયા સાથે એક ચમચી હિંગાષ્ટક ચૂર્ણ અથવા બે ચમચા આદુનો રસ લીંબુ અને મીઠું નાખીને લો. (ખ) લસણ, જીરું, અજમો, મેથી, લીંડીપીપળ, સૂંઠ, ગંઠોડા, સિંધાલુણ અને લીંબુની ચટણી લો. (ગ) મગનું ઓસામણ પીઓ. (ઘ) લસણની પાંચ કળીઓ ખાઓ. (ચ) ભોજનને અંતે લીંબુનું શરબત અગર તાજા દહીંની છાશ પીઓ.


૧૩.     સવારના ચા-કૉફીના ઉકાળા પીવાને બદલે ગરમ પાણીમાં ગોળ અને લીંબુનો રસ નાખી પીઓ અથવા તુલસીનો ઉકાળો પીઓ.

૧૪.    દસ્ત સાફ લાવવા માટેનાં આસનો અને કસરત કરો. તમારા શરીરની પ્રકૃતિને જે કસરત અને આસનો માફક આવે તે દરરોજ કરતા રહો.


૧૫.    કબજિયાત ભગાડવા દરરોજ હરડે ફાકો. ફળ પાકીને ખરી પડે તેટલી આસાનીથી મળ ખરી પડે તેવું આયોજન કરો.                                   (અપૂર્ણ)

‘સો વર્ષ નિરોગી રહો’માંથી સાભાર.

Advertisements

2 responses to “શતાયુ થવાના પાયાના સિદ્ધાંતો

 1. Dipak Dholakia

  બહુ સારૂં માર્ગદર્શન છે. તબીયત સારી ન હોય ત્યારે આવા સાત્વિક વિચારો આવતા જ હોય છે કે હવે થી સાદું જ ખાવું, પણ જરાક ઠીક લાગે એટલે બધું ભુલાઈ જાય છે. પાછા એવા ને એવા! આમ છતાં બે-ત્રણ વાતો અમ્ગે વધારે સ્પષ્ટતા જરૂરી લાગે છે. એક તો મારો તાજો અનુભવ છે.
  ૧.અહીં પૉઈંટ ૭માં કહ્યું છે: ” મરચાં (લીલાં તેમજ સૂકાં), મીઠું, હળદર, રાઈ, મેથી, ધાણાજીરું, હિંગ વગેરે મસાલા સ્વાદની ખાતર લેવામાં આવે છે. આમાંના એકેય મસાલા શરીરને પોષણ આપતા નથી.”
  પૉઇટ ૧૨માં કહ્યું છે:” (ક) પ્રથમ કોળિયા સાથે એક ચમચી હિંગાષ્ટક ચૂર્ણ અથવા બે ચમચા આદુનો રસ લીંબુ અને મીઠું નાખીને લો. (ખ) લસણ, જીરું, અજમો, મેથી, લીંડીપીપળ, સૂંઠ, ગંઠોડા, સિંધાલુણ અને લીંબુની ચટણી લો.”
  અહીં હિંગ, મેથી બે રૂપે આવે છે. પહેલાં એની નિંદા કરેલી છે અને પછી પ્રશંસા.
  ૨. મારા એક સગાને હાલમાં જ અચાનક ’હાઇપોનેટ્રિયમ’ નામની બીમારી થઈ. એ બીજા કારણસર હૉસ્પિતલમાં હતા ત્યારે જ આ બીમારીએ હુમલો કર્યો અને એ બેભાન થઈ ગયા. એમના હૃદયને મસાજ કરીને પાછા જીવનની રાહે ચડાવવામાં આવ્યા. જેમ શરીરમાં ઓચિંતી સાકર ઓછી થઈ જાય (હાઇપોગ્લાઇસેમિયા) તેમ સોડિયમ ઓછું થઈ જાય (હાઇપોનેટ્રિયમ) એ પણ જીવલેણ છે. અને આ તો મારો પોતાનો કુટુંબમાં મળેલો અનુભવ છે. મીઠું ખાવા વિશે નવાં સંશોધનો ગાંધીજીએ લખ્યા પછી થયાં છે. આપનણે ત્યાં સંશોધન નથી થતું અને માત્ર જૂના ગ્રંથોને ક્વૉટ કરતા રહીએ છીએ. એ બાબતમાં ગાંધીજી આયુર્વેદવાળાઓથી નારાજ હતા અને એમની આકરી ટીકા પણ કરી છે.

 2. ઘણો જ ઉપયોગી અને માહિતી સભર બ્લોગ છે, અભીનંદન !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s