આયુર્વેદમાં “સહજ બળ”નો વિચારઃ

સહજબળ અંગે ખાસ…                     – રાજવૈદ્ય એમ.એચ. બારોટ


આપણી ચર્ચામાં છેલ્લે જે બાબત જોવાની છે તે સહજબળની છે. આપણે જોઈ તે જાગૃતિથી તમે તમારું આરોગ્ય જાળવી શકશો. પણ ગમે તેવાં તોફાનોમાં-તોડફોડમાં શરીર ટકી રહે અને ફરી બળવાન બને તે તો જો તમે સહજ બળ લઈને જન્મ્યા હશો તો જ શક્ય છે.


તમારામાંના ઘણા મિત્રોએ અનુભવ્યું હશે કે આપણા ત્રણ-ચાર મિત્રો ધૂમ્રપાન કરે છે, ગમે ત્યાં ફરે છે, ઉજાગરા કરે છે, ગમે તેવું કચરા જેવું ખાય છે, તેને સ્ત્રીમિત્રો પણ વધુ છે અને છતાં બીજા મિત્રોથી તેની તંદુરસ્તી સારી છે, અને ત્યારે તમે લોકોએ કદાચ ચર્ચા પણ કરી હશે કે આ તો મોટી ગરબડ છે. આપણે બહુ કાળજી રાખીએ છીએ અને પેલો મારો બેટો બેફામ વર્તે છે તો પણ તગડો છે અને જો ધીરજવાન નહીં હો તો તમે પણ તેમાંનું કેટલુંક કરવા માંડો પણ ખરા.


પ્રશ્ન થવો સાહજિક છે કે આવું કેમ બને છે ? આનો જવાબ સરળ તો નથી જ છતાં એકાદ મુદ્દાને જ નજર સમક્ષ રાખીને ઉત્તર આપવો હોય તો એમ કહી શકાય કે તમારો ડાંડ મિત્ર સહજબળ લઈને જન્મ્યો છે. એટલે તમારા પ્રશ્નોની હારમાળાનો સામનો લેખક તરીકે મારે જ કરવો પડે, તે પહેલાં થોડી બાબત તમારી સમક્ષ બતાવી દઉં.


આયુર્વેદમાં ત્રણ બળ બતાવવામાં આવ્યાં છે. સહજબળ. કાલકૃતબળ અને યુક્તિકૃતબળ. અહીં બળ શબ્દ સામાન્ય અર્થમાં શરીરની શક્તિ-સ્ટેમિનાના અર્થમાં છે. પણ તેનો વિશેષ અર્થ પણ છે. આ વિશેષ અર્થ એટલે વ્યક્તિમાં રહેલ રોગ–પ્રતિકાર શક્તિ. જેને અંગ્રેજીમાં ઈમ્યુનિટિ કહેવામાં આવે છે.


સહજબળ એટલે માતા–પિતા તરફથી મળેલ કુદરતી બળ. માતા–પિતા બંને તંદુરસ્ત હોય, તેમનાં બીજ પણ તંદુરસ્ત હોય તો બાળક બળવાન બને છે. મહાભારતમાં જોયું તેમ ભીમ જન્મતાની સાથે પડ્યો તો પથ્થરની શીલા તોડી નાખી. આ તેનું સહજબળ. તમે રોમનો ઈતિહાસ વાંચ્યો હોય તો ‘સ્પાર્ટા’ નામની ત્યાંની પ્રજા જન્મેલા બાળકને પહાડ પરથી નીચે ગબડાવતા. આમાંથી જે બચી જાય તેને જ બાળક તરીકે અપનાવતા. વિચારો આમાંથી કોણ બચતું હશે ? અને જે બચતું હશે તે કેટલું જીવંત બળવાન હશે !


તમે કોઈના સહજબળને ચેલેન્જ કરી શકતા નથી. હવે તમારા ખ્યાલમાં આવ્યું હશે કે આ યુક્તિ-પ્રયુક્તિ એટલે સારો ખોરાક, કસરત અને આયુર્વેદના બતાવેલ વ્યાયામ-તેલ માલિશ દ્વારા શરીરને મજબૂત બનાવવું. રામમૂર્તિની વાત તો તમે સાંભળી જ છે. તે વિશ્વનો શ્રેષ્ઠ પહેલવાન બની ગયો હતો. તે પોતાની છાતી પર હાથી ચલાવી શકતો. નાળિયેરી પરના નાળિયેરને હલબલાવીને નીચે પાડી શકતો. અરે, ઝેર પણ પચાવી જતો. પણ આ અસાધારણ બાબત છે. સામાન્ય રીતે આ યુક્તિ-પ્રયુક્તિનો અર્થ એટલે યુક્તિબળ. અત્યારે મેડિકલ વિજ્ઞાને જે ઈનોક્યુલેશન અને વેક્સિનેશન વિકસાવ્યાં છે તે વાસ્તવમાં આ યુક્તિબળ જ છે. જેમાં વેક્સિન અપાઈ હોય તે બાળક જે રોગ સામે લડી શકે-પ્રતિકાર કરી શકે. પણ આ સાધારણ ઉપાય છે. શ્રેષ્ઠ ઉપાય તો આયુર્વેદમાં જે પ્લાન્ડ કરવામાં આવ્યા છે, તેવા સુવર્ણપ્રાશ, કર્ણવેધન અને દસ વર્ષ સુધીના વિવિધ સિદ્ધઘૃતો-મેડિકેટેડ ઘી આપવા એ જ શ્રેષ્ઠ છે.


વાત કરી રહ્યા છીએ તો ત્રીજા બળને પણ બતાવી દઉં. આ ત્રીજું બળ એટલે કાલકૃત બળ. અર્થ તદ્દન સરળ છે. ૠતુ દ્વારા મળતું બળ અને વયની દ્દષ્ટિએ મળતું બળ એટલે કાલકૃત બળ. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આપણે શિયાળામાં બીજી ૠતુ કરતા બળવાન હોવાનું અનુભવીએ છીએ. એજ રીતે તદ્દન નબળી વ્યક્તિ પણ યુવાનીમાં કંઈક વધુ બળવાન હોવાનું અનુભવે છે. આની એટલી વિસ્તારથી ચર્ચા આયુર્વેદમાં બતાવવામાં આવી છે કે તેનું વર્ણન આવશ્યક છે.


હા, સહજબળ અંગે બૌધ્ધિકોનું ધ્યાન દોરવું મને બહુ જરૂરી લાગે છે. કારણની ચર્ચા હું ઉપર કરી ચૂક્યો છું.


તમારાં બાળકોમાં જો આ સહજબળ ન હોય તો તમારાં બાળકોનાં બાળકો સહજ બળવાળાં જન્મે તે તો તમે અવશ્ય કરી શકો છો અને આમા બહુ મુશ્કેલી નથી. બાળકોને બૌધ્ધિકો બાળલગ્ન કરાવે તે તો કલ્પવું શક્ય નથી. પણ આજના યુગના યુવાનો બહુ મોડા પરણે છે, યુવતીઓ મોડી પરણે છે. બાળલગ્નોની જેમ આ લગ્નો પણ ઈચ્છનીય નથી. યાદ દેવરાવવાની ભાગ્યેજ જરૂર છે કે સ્ત્રીઓમાં ૩૦ વર્ષ પછી-વધુમાં વધુ ૩૫ વર્ષ પછી ફર્ટિલીટી પ્રજનનક્ષમતા ઘટી જાય છે. એટલે જે યુવતી ૧૮ વર્ષથી શરૂ કરીને ૨૮ વર્ષ સુધીમાં પોતાનાં બાળકોને જન્મ આપે તે બાળકો ૨૮ વર્ષ બાદ જન્મતા બાળક કરતાં વધુ સહજબળવાળાં હોય છે. અલબત, પુરુષોમાં ફર્ટિલીટી સ્ત્રી કરતાં વધુ લાંબી છે. છતાં તે દ્વારા થતું પ્રજનન ૨૫ થી ૩૫ વર્ષમાં શ્રેષ્ઠ હોય છે. ૨૫માં વર્ષે ઉત્તમોત્તમ.

એટલે ઘરના મોભી તરીકે સહજબળવાળાં બાળકો તમારા કુટુંબમાં આવે તે જોવાની જવાબદારી તમારી ગણાય. જો સહજબળવાળાં બાળકો કુટુંબમાં આવશે તો તમારા ઘરમાં હેલ્થના ઘણા પ્રશ્નો હલ થઈ જશે.


સહજબળ માટે બીજું જરૂરી છે, સ્ત્રીઓની સગર્ભા અવસ્થા દરમિયાન આયુર્વેદના નિયમો દ્વારા પાળવામાં આવતી સગર્ભાચર્યા. આ ચર્યા આયુર્વેદમાં જ શ્રેષ્ઠ છે. એટલે પુત્રવધુ કે પૌત્રવધુ  સગર્ભા હોય ત્યારે નિષ્ણાત આયુર્વેદના વૈદ્યની સલાહ અવશ્ય લો. તમે કહેશો કે આજે તો સોનોગ્રાફી અને અનેક પરીક્ષણો દ્વારા સગર્ભાઓની ચકાસણી કરવામાં આવે છે અને રોગોનું સગર્ભા સ્ત્રીનું અને ગર્ભમાં રહેલ બાળકના રોગોને જલ્દી પકડી શકાય છે. આમાં વાદવિવાદ ઘણો જ છે. બધું કહેવા માટે આપણી પાસે સમય નથી. પણ તમે એ ન ભૂલશો કે સોનોગ્રાફી હું અને તમે માનીએ છીએ તેટલી સરળ પ્રક્રિયા નથી. તેમાંથી પસાર થતાં અલ્ટ્રાસોનિક સાઉન્ડ ગર્ભમાં બાળકને અવશ્ય નુકશાન કરી શકે છે. તેનો વારંવાર ઉપયોગ ખતરનાક બની શકે છે. અરે, આપણે તેની વિગતે ચર્ચા કરતા નથી. પણ આ પરીક્ષણો પછી બાળકની પુષ્ટિ માટે આયુર્વેદમાં બતાવેલ દર મહિનાનો – ગર્ભ માટેનો આહાર શ્રેષ્ઠ છે. તેનાથી બાળક પુષ્ટ થાય છે. એટલું જ નહીં સામાન્ય ખામીઓ દૂર થઈ જાય છે. એટલે તેને અપનાવવી જ જોઈએ.


છેલ્લે….મેં તો સગર્ભાવસ્થાની વાત કરી પણ શ્રેષ્ઠ બાળકો માટે તો સ્ત્રી ૠતુધર્મમાં બેસે તે ગાળાના શિસ્તના નિયમો પળાવવા જોઈએ. કારણ કે નવું બીજ આ ગાળામાં જ તૈયાર થાય છે. તેનો આહાર, વિહાર તથા ડુ અને ડોન્ટ ડુ ને વળગી રહેશો તો અવશ્ય સહજબળ બાળ જન્મશે.


વ્યસનથી બચોઃ-


બૌધ્ધિકો અને વ્યસન અત્યારે તો એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. બુદ્ધિનું જેટલું કામ વધુ, તર્કનું જેટલું કામ વધુ તેટલી તમાકુ વધુ, તેટલા ગુટખા વધુ, પાન વધુ કે સિગારેટ વધુ. આ એક દુર્ભાગી વિષચક્ર છે. આમાંથી ભાગ્યે જ કોઈ ધંધાનો બૌધ્ધિક બાકી હશે. પછી તે ધંધો ચિકિત્સાનો હોય, વકીલાતનો હોય કે અન્ય કોઈ હોય.


તમને જાણીને નવાઈ લાગશે. પણ અમેરિકાના ડૉકટર્સનું સરેસાશ આયુષ્ય આમ જનતા કરતાં દસથી પંદર ટકા ઓછું છે. હવે આ તો કદાચ તેમની ધંધાકીય મનોદૈહિક અતિ વ્યાપારનું પરિણામ હોઈ શકે. પણ સોશ્યલ પેથોલોજીની એટલી જ જવાબદારી બતાવવામાં આવી છે. અરે, ત્યાંના સમાજશાસ્ત્રીઓના મતે સર્વેક્ષણમાં જુના હીલર્સ તન-મનનો સુંદર તાલમેલ રાખતા હતા. જ્યારે અત્યારના ડૉકટર્સ માત્ર મશીન બની ગયા છે. તેઓને તન-મનનો તાલમેલ સુઝતો નથી.


સર્વેક્ષણમાં અમેરિકન  ડૉકટર્સ ચેઈન સ્મોકર્સ અને ડ્રગ્સના સેવી બની ગયાનું ચોકાવનારું તારણ છે. આમ આપણે જે વાતથી બૌધ્ધિકતા અને વ્યસનનો અવિનાભાવિ સંબંધ બતાવ્યો તે અમેરિકનોમાં તો અવશ્ય જોવા મળે છે. ભલે આટલો બધો ન હોય પણ આપણે ત્યાં બૌધ્ધિકો-ડૉકટર, વકીલો, પ્રોફેસર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપનીઓના એકઝીક્યુટીવમાં આ પ્રમાણ સારા પ્રમાણમાં જોવા મળે છે. હું એક એવા એડવોકેટને ઓળખું છું કે જે નાની ઉંમરમાં સેરીબ્રલ સ્ટોકના કારણે ગુજરી ગયા કારણ કે તે ચેઈન સ્મોકર હતા.

યાદ રાખો, વ્યસન તમારી તંદુરસ્તીને તો જરૂર નુકસાન કરે છે. પણ તમારા કુટુંબીજનોમાં પણ નુકસાન કરશે. ધૂમ્રપાન આવું કરી શકે છે. તમારામાં સહજબળ હશે તો ઓછું નુકસાન થશે. તો તમારા સંતાનોને નુકસાન કરશે. અરે, એવા દાખલા જોવા મળ્યા છે કે દાદા ૯૦ વર્ષે ગુજર્યા હોય, હટ્ટાકટ્ટા હોય, તેના દીકરાના દીકરામાં બ્રેઈન ટ્યુમર નાની ઉંમરે જોવા મળ્યું. શક્ય છે કે આ દાદાએ આપેલો વારસો હોઈ શકે માટે વ્યસનનો ત્યાગ કરો.

સમાપ્ત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s