વનસ્પતિની દિવ્યલીલા


‘છંદાસિ યસ્ય પર્ણાનિ’ *                                                                 – જુગલકીશોર.


ધ્રુવ-વૃક્ષઃ

વૃક્ષને જોતાં જ એક પગે તપ કરતો ભક્ત ધ્રુવ યાદ આવી જાય છે ! પિતાના ખોળામાં બેસવાનો અધિકાર અને પિતાનો પ્રેમ મેળવવા કિશોરવયે બાર બાર વર્ષ સુધી એક પગે તપ કરનાર ધ્રુવને પિતાનો ખોળો તો મળ્યો જ; રાજ્યાસન પણ મળ્યું. એટલું જ નહિ પણ આકાશમાં જેની આસપાસ બધા તારાઓ ફરતા રહે એવું નિશ્ચલ સ્થાન, ધ્રુવસ્થાન, શાશ્વત રૂપે પ્રાપ્ત થયું.

જન્મતાંવેંત એક પગે ધરતીમાં ખોડાઈને જીવન પર્યન્ત તપ કરતી; આકાશેથી વરસતી આગ ઝીલી લઈને સૌને છાંયડો દેતી; માનવ-પશુ-પંખી સૌને ખોરાક દેતી અને મનુષ્ય જીવનને દિવ્ય ઔષધી દેતી વનસ્પતિના આ આકરા તપનો બદલો આપણે માનવીએ, શો આપ્યો ?!

જંગલોનાં જંગલો, વનો, ઉપવનો જ નહિ, ક્યાંક એકલ ખૂણે ઊભેલું ઝાડ પણ આપણે, હા, એકવીસમી સદી સુધી વિકસેલા આપણે, રહેવા દીધું નથી ! થોડુંક અમથું નડ્યું નથી ને કાપી નાખ્યું નથી !!

પ્રસ્ફોટ-લીલાઃ

ધરતીનું પડ ચીરીને ફૂટી નીકળતા લીલા રંગના ફુવારા જેવાં વૃક્ષો સાચે જ સમૃદ્ધિના ફુવારાઓ જ છે. શહેરના ચાર રસ્તાઓ પર જોવા મળતા જાતજાતના આકારના રંગીન ફુવારાઓ કરતાં અનેકગણી વિવિધતા અને આકારો ધરાવતાં આ વૃક્ષો, ધ્યાનથી જોઈશું તો ધરતીમાંથી ફૂટી નીકળેલા ફુવારાઓ જ જણાશે ! વાંસનાં ઝુંડના ઝુંડ એનો ઉત્તમ દાખલો છે. સમૃદ્ધિનો લીલો રંગ વિશ્વભરમાં પથરાઈને પડ્યો છે તે આ રંગ-લીલા, આકાર-લીલા અને સમૃદ્ધિ-લીલાનું જ પરિણામ છે. (આપણા રાષ્ટ્રધ્વજમાં એને સમૃદ્ધિના પ્રતીક તરીકે મૂકનાર મહાનુભાવને વંદન !!)

ઘણી વાર ભૌતિકતા અને સ્થૂળતાનું પ્રતીક મનાયેલી કઠણ ધરતીને ચીરીને ફૂટી નીકળેલો અંકુર, ઘાસનું એક તૃણ કે વધીને તરુ કક્ષાએ પહોંચેલું કોઈ વનસ્પતિ–બાળ શો સંદેશો આપે છે ? સંઘર્ષ, પુરુષાર્થ અને નરી જીવંતતાનાં એ બધાં પ્રતીકો આપણને ફક્ત વૈચારિક, ભાવાત્મક જ નહિ; પોતાના દૈવી ગુણો દ્વારા આપણામાં શારીરિક બળ પણ પૂરું પાડે છે. અને આપણે ક્ષીણ થઈએ ત્યારે ઔષધિ બનીનેય આપણને શીતળ લેપ કરી આપે છે – નવું જીવન આપવા !

જન્મથી મૃત્યુ પર્યત સાથઃ

ભારતીય સંસ્કૃતિમાં બાળકને જન્મ પછી ગળથૂથી પાવાનો રિવાજ છે. (એ રિવાજ ‘છે’ માંથી ‘હતો’ થઈ જવાની તૈયારીમાં છે, હતો ન હતો થઈ જનારા અનેક રિવાજોની માફક જ.) શેરડીના રસમાંથી બનેલા ગોળનું પાણી જન્મતાંવેંત બાળકના પેટમાં જાય છે. એ જ સંસ્કૃતિમાં માણસ મૃત્યુ બાદ ચિતામાં પોઢે છે, ને લાકડાં ભેગો બળીને ભળી જાય છે આ પંચતત્વલીલામાં, ત્યારે પણ વનસ્પતિ મનુષ્યને સાથ આપી રહે છે. ગળથૂથીથી ચિતા સુધી આપણને સાથ દેનારી વનસ્પતિનું ૠણ સતત અને સદાય યાદ રાખવાનું પણ આપણી સંસ્કૃતિએ જ આપણને ઠેર ઠેર બતાવ્યું છે, શ્લોકોમાં સંઘરીને, ગીતોમાં ગાઈને અને લોકગીતોમાં ઝિલાઈને. જનમથી મૃત્યુપર્યતના સોળે સંસ્કારો સાથે વણાયેલાં ગીતોનો અભ્યાસ કરીશું તો એમાં વનસ્પતિ ગૂંથાયેલી જોવા મળશે.

વસ્ત્રલીલાએ શોભિત પૃથ્વીઃ

વનસ્પતિ આપણી આસપાસ ન હોત તો ? માત્ર સવાલ જ આપણને અકળાવી મૂકશે. એના બધા જ ગુણોને બાજુ પર રાખીને ફક્ત એના સૌંદર્યને જ નજર સમક્ષ રાખીએ તો ય વનસ્પતિ આ વિશ્વનું સૌથી મોટું આકર્ષક તત્વ છે. પૃથ્વી પર જોવા મળતાં બે તત્વો-પાણી અને વનસ્પતિ એ આપણને સમગ્ર બ્રહ્માંડમાં અલગ પાડી દેનારાં તત્વો છે. ટી.વી દ્વારા હવે તો ઘરઘરમાં તક ઊભી થઈ છે, બ્રહ્માંડના બીજા ગ્રહોને જોવાની. ક્યાંય કોઈ ગ્રહ નજીકથી ઝડપાયેલી તસ્વીરોમાં સુંદર દેખાયો છે ? રામ રામ કરો ! પરંતુ પૃથ્વીને તો ચંદ્ર પરથી જુઓ કે વિમાનની ઊંચાઈએથી ઝડપેલાં દ્દશ્યોમાં જુઓ; કે કોઈ પર્વત પરથી નીચે પથરાયેલી વનરાઈની હરિયાળીમાં જુઓ અથવા જંગલ-વન-ઉપવનમાં પ્રવેશીને એ હરિયાળીલીલાને આંખેથી સ્પર્શો; વૃક્ષની ડાળ ઉપર બેસી એ લીલાનો હિંચોળો લઈ લો કે એનાં કોઈ પાન, ફૂલ કે પરાગને સ્પર્શીને અણુઅણુમાં એને ફૂટી નીકળતી અનુભવો ! હજી સુધી તો પૃથ્વીની બરોબરી કરે તેવી સુંદરતા કોઈ અન્ય ગ્રહમાં જોવા મળી નથી !

(‘ભારત એક ખોજ’ સીરિયલના પ્રથમ એપીસોડમાં શ્યામ બેનેગલે ભારત દર્શન કરાવ્યું તે યાદ છે ? જેણે એ ન જોયું હોય તેને ક્ષમા ! કાળીદાસના યક્ષે અષાઢના પ્રથમ દિવસે એટલી જ ઊંચાઈથી ભારતદર્શન કરાવ્યું છે તે ‘જોયાનું’ યાદ આવે છે ? ‘જોયું’ ન હોય તેની દયા !)

સદા સુકોમળઃ

વૃક્ષોની એક વિશેષતા એની કોમળતામાં પણ રહેલી છે. તાજો જ જન્મેલો અંકુર હોય કે દાયકાઓ જૂનું ખખડધજ વૃક્ષ હોય; આકાશને આંબવા મથતું ઊંચું સોટા જેવું હોય કે ચો દિશ પથારો કરીને બેઠેલું હોય; વૃક્ષની એકો એક ડાળને છેડે તો એ કોમળ જ હોય છે. વૃક્ષ ગમે તેટલું મોટું થાય, એની આંગળીયે તો એ બાળક જ રહેશે ! માનવી મોટો થતો જાય પછી એના દાંત-નખ તો શું વાળ પણ બરડ જ થતા રહે છે. ચામડીથી ય એ કોમળ રહેવાને બદલે બરડ ને જાડી ચામડીનો થવામાં જ સાર્થક્તા માને છે !

કલા-ધરાઃ

કલાની દ્દષ્ટિએ પણ એક વાત નોંધી લઈએઃ કલાના બધા જ પ્રકારોમાં કાવ્ય ઉત્તમ. પરંતુ ‘કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્’ ન્યાયે નાટકને વખાણ્યું કારણ કે એમાં બધી જ કલાઓ સ્ફુરી રહે છે. નૃત્યમાં પણ ઘણાં તત્વોનો સમાવેશ છે. શિલ્પો તો થીજી ગયેલાં નૃત્યો ગણાય. (તો નૃત્યને થીરકી ઊઠેલાં શિલ્પો ગણીએ, બીજું શું ?!)

પરંતુ વૃક્ષ ? સતત બદલતી મુદ્રાઓ દ્વારા, અનેક પ્રકારની સુરાવલીઓ દ્વારા, રંગોની અને આકારની અનેક છાયાઓ-વિવિધતા દ્વારા પોતાને સતત મુખરિત રાખતું ને પ્રગટ કરતું રહેતું નર્યું કાવ્ય !! અછાંદસ પણ ખરું ને છાંદસ પણઃ ‘છંદાંસિ યસ્ય પર્ણાનિ.’ ગીતામાં સંસારવૃક્ષનાં પાંદડાને છંદો કહ્યાં ! છંદ એટલે વ્યવસ્થા. ‘જેનું કોઈ ચોક્કસ રૂપ ઓળખાતું કે સમજાતું નથી એ સંસારવૃક્ષને’ ય કોઈ વ્યવસ્થા છે જ. વૃક્ષ-કાવ્ય એ આ પૃથ્વીનું છાંદસ-અછાંદસ એવું અપ્રતીમ તત્વ છે.

અંધારી રાતે વૃક્ષોનું સંગીત જેણે માણ્યું તે આ વિશ્વમાં સૌથી ધન્ય ગણાય ! રાતના પવનમાં ધૂણતો લીમડો જેણે સાંભળ્યો હશે કે પીપળાને ખડખડ દાંત કાઢતો સાંભળ્યો હશે તેને બીજા કોઈ મનોરંજનની જરૂર ન રહે. પીપળો તો એની લાંબી ડાંડલી દ્બારા પાન ઝુલાવીને જે રીતે તાળી પાડતો હોય છે તેને તો ધ્યાનથી માણવો જ રહ્યો !

જ્યારે નૃત્ય ? નટરાજ શંકરના નૃત્ય પછી વૃક્ષનૃત્યની તોલે કોઈ નૃત્ય તો આવી શકે જ શી રીતે ?!

સૌને સમજાય એવી કૃપાઃ પરંતુ આપણે તો રહ્યા માનવી. ઉપયોગીતાવાદથી જ જીવી રહેલા માનવીને હવા, પાણી પછીની ત્રીજી મહત્ત્વની જરૂરિયાત તે ‘આહાર’ આપીને સદાય ઓશિંગણ રાખનાર વનસ્પતિ આપણું જીવન જ છે. પ્રથમ બંને તત્વોને પણ વનસ્પતિનો મોટો આધાર છે. પાણીને ‘જીવન’ કહ્યું તો વનસ્પતિને ય ‘જીવનીયમ્’ કહીને આપણે ૠણ ચૂકવવા પ્રયત્ન કર્યો.

પરંતુ વનસ્પતિ આટલેથી અટકતી નથી. માનવીને આહાર આપ્યો તો ખરો. પણ એને આહાર લેતાં આવડતું નથી. પરિણામે, એ માંદો ય પડતો જ રહ્યો છે. વનસ્પતિએ એ કાર્ય પણ સ્વીકારી લીધું. આહાર દ્વારા આપણું માતૃત્વ કરનારી વનસ્પતિ આપણને સાજા રાખીને ને સાજા કરીને પ્રાણાભિસરત્વ પણ કરતી રહી છે.

નાણાકીય દ્દષ્ટિએ વનસ્પતિનું મૂલ્ય આંકતી વખતે હવા, પાણી, ખનીજો વગેરે એની હરીફાઈ કરનારાં તત્વો જરૂર ગણાય પરંતુ વનસ્પતિની સમૃદ્ધિ જો એના ઔષધીય ગુણોની દ્દષ્ટિએ આંકીએ તો એની બરોબરી કોઈ અન્ય તત્વ કરી નહિ શકે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પણ જ્યાં સુધી વનસ્પતિનું આ ઔષધીય તત્વ નહિ ઓળખે ત્યાં સુધી મનુષ્યના આરોગ્યનો પ્રશ્ન એ વિજ્ઞાન ઉકેલી નહિ શકે.

કેવળ યોગ શક્તિ દ્વારા જ જે શક્ય હતું તે આપણા ૠષિઓએ ખોળી કાઢયું. વનસ્પતિનાં પાંદડાં જ નહિ, એનાં મૂળ, થડ, ડાળ, ફૂલ અને ફળોમાં પણ રહેલાં રસ-ગુણ-વીર્ય-વિપાક-પ્રભાવને એમણે અત્યંત નાજુકતાથી, કલાત્મક રીતે અને છતાં વહેવારમાં લઈ શકાય એ રીતે આપણી સમક્ષ ખુલ્લાં કરી દીધાં ! માનવી એને ન સમજી શકે તો કઠણાઈ !!

——————————————————

* ભગવદ્ ગીતા અધ્યાય– ૧૫

Advertisements

8 responses to “વનસ્પતિની દિવ્યલીલા

 1. વનસ્પતિનું મૂલ્ય આંકીએ તેટ્લું ઓછું જ છે………………..

  આપવાનું ‘પણ’ ધરી ઊભા રહ્યાં છે વૃક્ષ આ ,
  સ્હેજ ડાળીને હલાવો ફળ જડે છે જોઈલો !
  – ‘ મરમી ‘

  • આયુર્વેદના આ બ્લોગ માટે આવી વનસ્પતિ–માહાત્મ્યની રચનાઓ મોકલી આપશો તો અમે ગૌરવ સાથે પ્રગટ કરીશું.

   આભાર સાથે.

 2. આ લેખ દરેક વ્યક્તિએ વાચવા જેવો છે. લેખ વિગતવાર છે. આજના આધુનિક યુગના એધાણ સારા નથી..શહેરમાથી તો વક્ષો ને હાકી કાઢવામા આવ્યા છે,,એનુ પરિણામ શુ હશે? જે પ્રાણવાયુ પેદા કરે એજ પિતાની અવગણના!!

  “જંગલોનાં જંગલો, વનો, ઉપવનો જ નહિ, ક્યાંક એકલ ખૂણે ઊભેલું ઝાડ પણ આપણે, હા, એકવીસમી સદી સુધી વિકસેલા આપણે, રહેવા દીધું નથી ! થોડુંક અમથું નડ્યું નથી ને કાપી નાખ્યું નથી !!””….

  આ દેશમા હજુ વક્ષો ઠેર ઠરે જોવા મળશે..સોસાયટિ, એક એક ઘર પાસે વક્ષ જોવા મળશે..યાર્ડમા ફૂલ-ફળો અને વેલાની વણઝાર જોવા મળશે.

  • આપ પણ વનસ્પતિ વિષયક લખાણો આયુર્વેદ સંદર્ભના મોકલશો તો ગમશે.

   ખુબ આભાર !

 3. વડલો અને પિતા સમાન છે.

 4. સાહેબ શ્રી, નમસ્કાર.. આપની સાઈટથી મને ખુબ ઉપયોગી માહિતી મળી.. આપને એક પુસ્તકની લીંક આપું છું ૧૦૦ વર્ષ જૂની આયુર્વેદની બૂક છે… https://picasaweb.google.com/dineshtilva/Ayurved# મને પીપળા બાબતે જે પણ લેખ કે માહિતી મળે તે જોયે છે. હું પીપળા વિષે પુરાણ લખી રહયો છું. – દિનેશ ટીલવા- રાજકોટ dineshtilva@gmail.com

 5. mare amar vel vise janvu chhe
  koy ne pn jan hoy to plz
  mane mail karvo
  pradipsarkar2861@gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s