આયુર્વેદ અને સૌંદર્ય

આયુર્વેદનું સૌંદર્યચિકિત્સાશાસ્ત્ર

– ડૉ. નીતા ગોસ્વામી

નુષ્યમાત્રને પ્રકૃતિએ સુંદરતાનું વરદાન આપ્યું છે. પ્રકૃતિએ ચારે તરફ સૌંદર્ય છૂટ્ટે હાથે વેર્યું છે. સંસારમાં પશુ–પક્ષી, પતંગિયાં, ઝાડપાન, ફૂલો, પાંદડાં, પર્વતમાળાઓ, ઝરણાં–સરોવરો, સમુદ્ર, પાણી, માટી દરેક જગ્યાએ સુંદરતા પથરાયેલી છે પછી તે પતંગિયાનું રૂપ હોય, ભ્રમરનું ગુંજન હોય, ઉડવાની, પાંખો ફફડાવવાની સ્ટાઈલ હોય અથવા તો કોયલનો મીઠો ટહુકો હોય કે મોરનું રૂપ અને નૃત્યનું સૌંદર્ય હોય – દરેક જગ્યાએ સુંદરતા છે.

તો પછી મનુષ્ય તો સૌંદર્ય વિહોણો ક્યાંથી રહી શકે ? મનુષ્યને તો પ્રકૃતિએ અનોખું સૌંદર્ય આપેલું છે. સુંદર ચહેરો–મહોરો, સુંદર વાળ, ત્વચાની સુંદરતા, રંગ તથા કોમળતા, દરેક અંગની કમનીયતા, સુંદર વક્ષસ્થળ, સુંદર ને હસતી–બોલતી ઝરણા જેવી ઉછળતીકૂદતી આંખો, પક્ષીઓની પાંખો જેવા ફરકતા હોઠ, સુંદર હાસ્યની સાથે સુંદર સ્વભાવ, સુંદર મન સુંદર વિચાર, સુંદર દૃષ્ટિ અને સારાં કાર્યો કરવા માટે ઉત્તમ બુદ્ધિ…આ બધું જ કુદરતે માનવીને આપ્યું છે.

તો આવા અનોખા સૌદર્યને સમજવા, સાચવવા, વધારવા માટે અનેક વનસ્પતિઓ પણ કુદરતે આપી છે.આ વનસ્પતિઓને કયા અંગની સુંદરતા વધારવી કે સૌંદર્યબાધક કયા રોગમાં કઈ રીતે વાપરવી તેનું જ્ઞાન આયુર્વેદના ૠષિમુનીઓએ શાસ્ત્રો દ્વારા આપણને હજારો વર્ષથી આપી રાખ્યું છે. આયુર્વેદના આ પ્રાચીન ગ્રંથોમાં સૌંદર્યબાધક રોગો અને તેની ચિકિત્સાનું જ્ઞાન ભરપૂર ભરેલું છે. જગતનું એવું બીજું કોઈ ચિકિત્સાશાસ્ત્ર નથી જેણે સૌંદર્ય માટે આટલું બધું જ્ઞાન આપ્યું હોય. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ, ભાવપ્રકાશ, નિઘંટુ, ચક્રદત્ત જેવા ગ્રંથોમાં સૌંદર્યને હાનિકારક રોગો અને તેની ચિકિત્સા ખૂબ ઉત્તમ રીતે બતાવી છે. આ ચિકિત્સાએ ઉત્તમોત્તમ પરિણામો પણ આપ્યાં છે જે અકલ્પ્ય છે.

આયુર્વેદમાં સ્વાસ્થ્ય અને સૌંદર્ય બન્ને વધારવા માટે ઔષધપ્રયોગ ઉપરાંત અન્ય ઘણી બાબતો બતાવી છે, જેમકે, આહારવિહાર, વિચાર, સ્વભાવ, પવિત્ર ભાવના, સદાચારમય જીવન વગેરે. સ્વાસ્થ્ય અને સૌંદર્યવૃદ્ધિ માટે મનની શાંતિ, પ્રફુલ્લિતતા ખૂબ જ જરૂરી છે. તે આપણા વિચાર અને સ્વભાવ પર આધારિત છે. પ્રસન્ન મન હોય તો શરીરનું સ્વાસ્થ્ય, સુંદરતા, ત્વચાની સુંદરતા અકબંધ રહે છે. પ્રસન્ન મનવાળી વ્યક્તિ સદા યુવાન રહે છે. જેને આયુર્વેદમાં વયસ્થાપન ક્રિયા કહે છે. વયસ્થાપન એટલે વય–ઉંમર વધવા છતાં પણ વ્યક્તિ યુવાનની જેમ તરવરાટવાળી, પ્રસન્ન મનવાળી, ચુસ્તિ–સ્ફૂર્તિયુક્ત શરીરવાળી, લાલીયુક્ત રહે તે. વયસ્થાપન વનસ્પતિ તથા ઔષધોનું વિવરણ પણ આયુર્વેદગ્રંથોમાં ખૂબ સુંદર રીતે કરેલું છે.

તે જ રીતે આયુર્વેદશાસ્ત્રે આપણને સ્વસ્થવૃત્ત પણ બતાવેલું છે. કયા પ્રકારનાં ભોજન, ખાન–પાન લેવાં જોઈએ, ભોજનનો સમય, તેની પદ્ધતિ, પથ્યાપથ્ય, સૂવા–ઊઠવાના નિયમો, દિનચર્યા–રાત્રિચર્યા, બોલચાલની રીતભાત વગેરે દરેકેદરેક બાબતો કે જેનું બહુ જ મહત્ત્વ સૌંદર્યમાં છે તેનું ધ્યાન રાખવાની સમજણ એમાં આપી છે.

આમ જોવા જઈએ તો આયુર્વેદનું સૌંદર્યશાસ્ત્ર ખૂબ ગહન છે. વનસ્પતિના ઉપયોગો ઉપરાંત પ્રાણીજ દ્રવ્યોના ઉપયોગ, પુષ્પો દ્વારા સૌંદર્યવૃદ્ધિ, આભૂષણો દ્વારા સૌદર્ય, સૌદર્યવૃદ્ધિમાં ધર્મનું સ્થાન, રીતરિવાજોમાં સૌંદર્યનું સ્થાન, યોગ અને પ્રાણાયમ દ્વારા સૌંદર્યપ્રાપ્તિ ઉપરાંત અંગવિશેષનું સૌંદર્ય જેમકે કેશસૌંદર્ય, ત્વચાસૌંદર્ય, નેત્રસૌંદર્ય, દાંતોનું સૌંદર્ય, હોઠનું સૌંદર્ય, હાથપગ તથા નખનું સૌંદર્ય, નાભિસૌંદર્ય, સ્તનસૌંદર્ય, શરીરસૌષ્ઠવ વગેરે તથા મેદવૃદ્ધિ કે કાર્શ્ય–દૂબળું શરીર હોવું, અને સૌદર્યબાધક અષ્ટૌનિંદિતનું વર્ણન પણ સરક સૂત્રસ્થાન અધ્યાય–૨૧માં બતાવેલું છે. એટલુ જ નહીં, આ બધા જ સૌંદર્યબાધક રોગોની ચિકિત્સા, સૌંદર્યચિકિત્સામાં પંચકર્મનું સ્થાન વગેરેને ખૂબ  જ ગહનતાપૂર્વક આયુર્વેદે સમજાવ્યાં છે.

આચાર્ય ચરકે તો સૌંદર્યબાધક રોગો દૂર કરી સાચી સુંદરતા વધારવા માટે, વૃદ્ધત્વને દૂર રાખી સદા યુવાન રહેવા માટે અધ્યાય–૩, આરગ્વધીય અધ્યાયમાં જીવનીયગણ, બૃંહણીયગણ, લેખનીયગણ તથા વર્ણ્યકર, કંઠ્ય, કૃમિઘ્ન, કંડૂઘ્ન, સ્તનજનન, દાહપ્રમશન, શીતપ્રમશન, વયઃસ્થાપનગણ જેવા અનેક દશેમાનીગણ બતાવેલા છે જે સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે.

આમ આપણે સમજી શકીએ છીએ કે આયુર્વેદના અન્ય ચિકિત્સાશાસ્ત્રની જેમ સૌંદર્યચિકિત્સાશાસ્ત્ર પણ કેટલુંબધું સમૃદ્ધ છે !

આજે વિશ્વમાં બ્યૂટિનું માર્કેટ ખૂબ બહોળું છે. પરંતુ સિન્થેટિક–કૉસ્મૅટિક પર આપણે આધારિત છીએ. પરિણામે સિન્થેટિક–કૉસ્મૅટિક પ્રોડક્ટ્સ કે ટ્રિટમેન્ટથી સૌંદર્ય વધે છે તેના કરતાં ક્યારેક તો બગડે છે પણ વધુ !! જ્યારે કુદરતી વસ્તુઓ કે આયુર્વેદની હર્બ્સ દ્વારા મેળવેલ બ્યૂટિ નુકસાનરહિત અને ઓછા ખર્ચે ને છતાં કાયમી સૌંદર્ય બક્ષે છે.

માટ હવે સમય આવી ગયો છે કે સિન્થેટિક પાછળની દોટ છોડી દઈને આયુર્વેદ અને કુદરત દ્વારા ભરપૂર સ્વાસ્થ્ય અને સૌંદર્ય મેળવીએ. સૌંદર્યને નુકસાનકર્તા એવો એક પણ રોગ નથી જેની આયુર્વેદ દ્વારા કાયમી ચિકિત્સા ન થઈ શકે. પછી તે ચિકિત્સા ત્વચાની તકલીફોની હોય કે વાળની કે પછી કોઈપણ પ્રકારની સૌંદર્ય વિષયક તકલીફ કેમ ન હોય, દરેકેદરેક રોદની ચિકિત્સા ઉત્તમ રીતે અને કાયમી ધોરણે આયુર્વેદ દ્વારા શક્ય છે.

હવે પછીના લેખોમાં દરેક સૌંદર્યબાધક રોગ વિષે તથા તેની ચિકિત્સા વિષે આપણે ઉંડાણથી જાણીશું.

જય ધન્વન્તરિ !

જય આયુર્વેદ !!

 

Advertisements

2 responses to “આયુર્વેદ અને સૌંદર્ય

  1. Jai aayurveda !
    saras…. maja aavi !!

  2. kesharsinh solanki

    very good artical. pl. give information about the atural herbs. Thanks. kesharsinh solanki . a.c.c.t. ahmedabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s